બસંતી દેવીનો જન્મ ૧૯૧૭માં થયો હતો. પુત્રી છ મહિનાની થઈ એમના પિતા નવકુમાર શાસ્ત્રી અને એમનાં પત્ની અન્નકાલિદેવી ભક્તિભાવવાળાં હતાં. આપણાં ધર્મશાસ્ત્રોનો અભ્યાસ ક૨વા નવકુમાર વતન બંગાળથી બનારસ આવ્યા હતા. પંચકોટના મહારાજાની ઉદાર સખાવતથી બ્રહ્મચર્યાશ્રમની સ્થાપના થઈ અને નવકુમાર તેના અધ્યક્ષ બન્યા. તેમનાં પત્ની અને પુત્રી સાથે ત્યાં રહેવા લાગ્યા અને નવાંગતુકોને તાલીમ આપવા માંડ્યા. તેઓ પોતાની પુત્રી બસંતીને સૂત્રાત્મક નાના નાના સંસ્કૃત શ્લોકો અવારનવાર શીખવતા રહ્યા. બસંતી પણ પોતાંની અદ્‌ભુત ગ્રહણશક્તિને લીધે આ બધું તરત જ શીખી લેતી. ચાર વર્ષની વયે તેણે ઘણાં સ્તોત્રો અને કાવ્યોશ્લોકો કંઠસ્થ કરી લીધાં. આ બાળકીની બુદ્ધિ એવી અનન્ય પ્રતિભાવાળી હતી કે તે જે કાવ્ય-સ્તોત્ર સાંભળે કે તરત જ એની સ્મૃતિમાં એ જડાઈ જતું. બસંતીની એ મેધાશક્તિ અને સ્મૃતિશક્તિથી એમના પિતા અદ્‌ભુત આનંદાશ્ચર્ય અનુભવતા. થોડા સમયમાં જ તેણે ‘અમરકોષ’, સંસ્કૃત વ્યાકરણ, ‘મુક્તાવલી’ અને સંસ્કૃત સાહિત્ય પર પ્રભુત્વ મેળવી લીધું. પાંચ વર્ષની વયે તેણે પોતાની માતૃભાષા બંગાળી ઉપરાંત સંસ્કૃત ભાષા પર અદ્‌ભુત પ્રભુત્વ મેળવી લીધું. સાત વર્ષની વયે આ અનન્ય બાળકીએ ન્યાય, તર્ક શાસ્ત્રના ગ્રંથો જેવા કે ‘ભાષા પરિચ્છેદ’ પર પ્રાવિણ્ય કેળવી લીધું. પતંજલિના યોગદર્શન અને સાંખ્ય પર પણ અદ્‌ભુત પકડ મેળવી લીધી.

બનારસના પંડિતોની નજરે આ પ્રતિભાશાળી બાળકી આવી. પૂરી પરીક્ષા પછી આ બાળકીનું સન્માન કરવાનો તેમણે નિશ્ચય કર્યો. ‘સરસ્વતી’ના નામે એક પ્રશસ્તિપત્ર એને એનાયત કરવામાં આવ્યો. આજે આવું. બધું તો થોડો ખર્ચ કરવાથી મળી રહે છે. પરંતુ સ્ત્રીને શિક્ષણની જરૂર નથી એવી માન્યતાવાળા યુગમાં મળેલું આ બહુમાન ખરેખર અનોખું જ ગણાય.

બસંતીદેવીનો અભ્યાસ ચાલુ રહ્યો. આઠ વર્ષની ઉંમરે બંગાળી સાહિત્યના ઉત્તમ ગ્રંથો વાંચી લીધા અને હિન્દી – અંગ્રેજી પણ શીખી ગઈ. ગણિત અને ઇતિહાસમાં એમને થોડી ઓછી રુચિ હતી. એમણે રામાયણ, મહાભારત અને ભાગવત ઉપરાંત અનેક પવિત્રગ્રંથો વાંચી નાખ્યા. આ ગ્રંથો અને ગીતા-ચંડીના સેંકડો શ્લોક તે કહેતાંની સાથે ઉચ્ચારી શકતી. એમને સાંભળનારા તો ચકિત થઈ જતા.

એક દિવસે એના પિતાએ ચાણક્યની એક ઉક્તિ ઉચ્ચારી : ‘लालने बहवो दोषा: ताडने बहवो गुणा: तस्मात्‌ पुत्राञ्च शिष्याञ्च ताडयेत न तु लालयेत।’

– ‘અતિ લાલન પાલન-પ્રેમ-લાગણી દોષોનું ઘર બને છે. એવા સમયે સજા ક૨વાથી ગુણો ઉદ્ભ‌વે છે. એટલે પુત્રો અને શિષ્યોને સજા કરવી-ફટકારવા, નહીં કે તેમને અતિપ્રેમથી ચાહવા.’ આ શ્લોક ટાંકી નવકુમારે પોતાની પુત્રીને કહ્યું: ‘આ શ્લોક પ્રમાણે તો મને યોગ્ય લાગે ત્યારે તને ફટકારવી જોઈએ, બરાબર ને?’ નાની બસંતીએ જવાબમાં કહ્યું: ‘આ શ્લોક તો પુત્ર કે શિષ્યની વાત કરે છે એમાં પુત્રી વિશે કોઈ ઉલ્લેખ નથી. એટલે નીતિશાસ્ત્રના નિષ્ણાત તરીકે ચાણક્ય માને છે કે પુત્રીને સજા ન કરવી જોઈએ.’ પિતાએ કહ્યુંઃ ‘અહીં ‘પુત્ર’ એ તો એક સાંકેતિક શબ્દ છે. એ પુત્ર અને પુત્રી બંનેને લાગુ પાડી શકાય.’ બસંતીએ તરત જ જવાબ વાળ્યોઃ જો એમ હોત તો ચાણક્યે ‘અપત્ય’ શબ્દ વાપર્યો હોત.’ એટલે પિતાએ કહ્યું: ‘જો એમણે એ શબ્દ વાપર્યો હોત તો છંદોભંગ થાત.’ પુત્રીએ સત્વરે પ્રત્યુત્તર આપતાં કહ્યું: ‘ના, એમ નથી. તમારી માન્યતા ખોટી છે. જો ‘અપત્ય’નો ઉપયોગ કરવો હોત તો તેમણે ‘तस्मात पुत्राञ्च शिष्याञ्च’ને બદલે ‘तदापत्याञ्च शिष्याञ्च’નો પ્રયોગ કર્યો હોત.’ દીકરીની આ દલિલ સામે વિદ્વાન પિતાને ઝૂકી જવું પડ્યું.

આ બાળકી ભક્ત પણ હતી. દ૨૨ોજ શિવપૂજા કરીને પછી જ ભોજન લેતી. એના મંત્રોચ્ચાર ભાવપૂર્ણ, સ્પષ્ટ અને ઉચ્ચારણ શુદ્ધિવાળાં હતાં. કાશીના ધણા પંડિતો બ્રહ્મચર્યાશ્રમની મુલાકાતે જતા અને બસંતી સાથે વાત-ચર્ચા કરી કે તેઓ એકીઅવાજે કહેતા કે આ બાળકી તો ગાર્ગી કે મૈત્રેયીનો અવતાર છે! પંચાનન તર્કરત્ન નામના એ જમાનાના મહાન પંડિતે કહ્યું હતું, આ તો કોઈ અભિશાપિત દેવી માનવરૂપે અવતરી છે. તેનાં કર્મો પૂરાં થશે એટલે તે ચાલી જશે.’

બસંતીની પ્રેમાળ માતા-જેની છાયાની જેમ તે ફર્યા કરતી – વારાણસીમાં મૃત્યુ પામ્યાં. નવકુમારને આથી કારમો આઘાત લાગ્યો. બધાને એ ચિંતા હતી કે બસંતી પર આ મૃત્યુ વજ્રાઘાત બની ન રહે. પણ બસંતી નિર્લેપ રહી. એનો અર્થ એ નથી કે તે પોતાની માતાને ચાહતી ન હતી. મા પ્રત્યે તેને અપાર પ્રેમ અને આદર હતાં. માતાના મૃત્યુ પછી એની માનસિક સ્થિતિમાં કંઈ પરિવર્તન ન આવ્યું. તે તો શાંત-ધીર-સ્થિર રહી. સાચાં શિક્ષણનું આ બીજું વિશિષ્ટ લક્ષણ.

આ ઘટના પછી બસંતીના પિતા એને પોતાના વતનમાં લઈ ગયા. ત્યાં તે સૌની લાડકી બની ગઈ. એની અદ્‌ભુત પ્રજ્ઞાની વાતો સાંભળીને લોકો નવકુમારના ગામમાં ઊભરાવા લાગ્યા. એક દિવસ એક સગાએ આવીને નવકુમારને ફરિયાદ કરતાં કહ્યુંઃ ‘અરે, બસંતીને મેં તળાવના કિનારે એકલી એકલી ચાલતાં જોઈ.’ એટલે પિતાએ કહ્યું: અરે બેટા, બસંતી તું આમ એકલી કેમ જાય છે? બેટા, તને કંઈ થાય તો હું શું કરીશ?’ આ સાંભળીને બસંતીએ મરકતાં મરકતાં શંકરાચાર્યના ‘મોહમુગર સ્તોત્ર’માંથી ત્યાગ- વૈરાગ્યભાવને પ્રેરતા અનેક સ્તોત્રો ઉચ્ચાર્યાં. પિતાએ વળી પાછું ત્યાં એ રીતે ન જવાનું વચન આપવાનું કહ્યું. એટલે પુત્રીએ શાસ્ત્રોનાં ઉદ્ધરણો ટાંકીને કહ્યું કે આવાં વચન ન અપાય. પછીથી દીકરી એ શાસ્ત્રગ્રંથ લાવી અને પિતાને એ પ્રસંગ વાંચી સંભળાવ્યો. આ પ્રસંગ હતોઃ મહાભારતમાં ગાંધારી કુરુક્ષેત્રની કરુણાંતિકા જોઈને કરુણ વિલાપ કરે છે તે. આ વાચન વખતે એનો અવાજ એટલો કરુણાસભર હતો કે નવકુમાર ધ્રૂસકે ધ્રૂસકે રડી પડવા. વાચન પૂરું થયા પછી તેમણે પુત્રીને પૂછ્યુંઃ બેટા, આ ગ્રંથમાં તો ઘણાય સુંદર અને પ્રેરણાદાયી પ્રસંગો છે છતાં ય તે ગાંધારીની દુઃખદ-કરુણાજનક વાત કેમ પસંદ કરી?’ ધીર-ગંભીરભાવે બાળકીએ કહ્યું: ‘પિતાજી, ગાંધારી એક નારી હતાં. છતાંય તેઓ પોતાના સો પુત્રો અને અસંખ્ય સગાં-સંબંધીઓના આ દુઃખદર્દભર્યા વિયોગના દુઃખ સામે ટકી શકે તેમ હતાં. આ પ્રસંગને યાદ કરીને તમે પણ મારી વિદાયના દુઃખની સામે ટકી શકશો.’ પુત્રીના આ શબ્દો સાંભળીને પિતા તો અવાક્ બની ગયા.

આ રાત્રે નવકુમારે એક સ્વપ્નમાં જોયું કે એમો દિવ્યપ્રભાવાળાં એક દેવીની પૂજા કરી. પૂજા પછી એમણે એ દેવીપ્રતિમાનું જાણે કે પોતાના ઘરની પાછળના તળાવમાં વિસર્જન કર્યું. આ સ્વપ્નથી નવકુમાર સફાળા જાગી ગયા. આ સ્વપ્નથી તેઓ ઉદ્વિગ્ન થયા. જેમ તેમ કરીને સ્નાનવિધિ પતાવી અને દૈનિક પૂજામાં બેઠા. પૂજા પછી બસંતીએ તેમને ચા-નાસ્તો આપ્યાં અને પાછી ફરીને તેણે આ સ્તોત્ર મોટા અવાજે ગાવાનું શરૂ કર્યું, ‘તારાં ધન-યશ કે યૌવનનો મદ ન ક૨ કારણ કે એ બધું પળવારમાં કાળની ગર્તામાં હોમાઈ જશે, પછી એક બીજી છોકરી સાથે તે તળાવમાં નહાવા ગઈ. બંને બાળકી તળાવમાં ડૂબી ગઈ. બંગાળી પંચાંગ પ્રમાણે ૧૩૩૩ (ઈ.સ.૧૯૨૬)ના જ્યેષ્ઠ માસની પાંચમનો એ દિવસ હતો. બસંતી અને એની સખીના મૃત્યુના સમાચાર નવકુમાર, તેના કુટુંબીજનો અને હજારો લોકો માટે એક વજ્રાઘાત સમાન હતા. પિતાને સ્વપ્નની વાત યાદ આવી અને એમની આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી. નવ વર્ષની આ અસીમ પ્રજ્ઞા ધરાવતી ભારતભૂમિની આ દૈવીપુત્રીને આપણા શત શત પ્રણામ હજો.

(‘પ્રબુદ્ધ ભારત’, મે-૨૦૦૦માં પ્રસિદ્ધ થયેલ અંગ્રેજી લેખ ‘There was a small girl’ના આધા૨ે શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલું ગુજરાતી અનુભાવન)

Total Views: 148

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.