C.W. of Sister Nivedita Vol.5. p. 221 પરના ‘Woman in Modern India’ નો શ્રીદુષ્યંત પંડ્યાએ કરેલો ગુજરાતી અનુવાદ – સં.

ભારતનું પુનરુત્થાન ભારતીય નારીઓ દ્વારા આવશે એ કથન બહુ ચવાઈ ગયું છે. પોતે બોલે છે તેનો અર્થ નહિ સમજતા લોકોની જીભેથી આ શબ્દો સરે છે. વાસ્તવમાં સ્ત્રીશિક્ષણનો અર્થ આપણે એની સભ્યતા કરીએ છીએ. અમે અવારનવાર જણાવ્યા પ્રમાણે, આજના યુગનો પ્રશ્ન કુટુંબને બદલે ચેતનાને અને હેતુને કેન્દ્રસ્થાને નાગરિકતાને, નાગરિક અને રાષ્ટ્રિય એકતાને મૂકવાનો છે. પુરુષો તરીકે, માત્ર પુરુષોથી આ નહિ થઈ શકે. એ સ્ત્રીઓથી થાય તે વધારે જરૂરનું છે. નૈતિક અને અંગત જીવનના બધા પ્રશ્નોમાં, પુરુષના કરતાં સ્ત્રી વધારે સમર્થ પરિબળ છે. જીવનનો સમન્વય એની સંભાળને અધીન છે. જે ગૃહેથી નર પોતાનો રોટલો રળવા પળે છે તેનું લક્ષણ નારી નક્કી કરે છે તે રીતે, જીવન સમગ્રતયા કેવું હોવું જોઈએ તેનો એ નારીઓ ખ્યાલ જગતના સર્જન અને સંચાલન પાછળ હોવો ઘટે. પુરુષ તો એક ચતુર બાળક છે; જીવનનો સ્રોત છે નારીના હાથમાં, ફલિતાર્થ એ છે કે, પ્રવૃત્તિઓના વિશિષ્ટ વર્ગોમાં પુરુષોએ નેતૃત્વ લેવું જોઈએ ત્યારે, બરાબર તે જ સમયે, સમાજની મહિલાઓએ પ્રવૃત્તિઓની સામાન્ય રૂપરેખા જાણવી જોઈએ અને, એ પ્રવૃત્તિ એમની ન્યાયની ભાવનાને આંચકો આપે તેવી નહિ હોવી જોઈએ. પુરુષો અને સ્ત્રીઓ વચ્ચે સારું ઐક્ય વૈયક્તિક સુખ માટે કેટલું આવશ્યક છે તે આપણે સૌ જાણીએ છીએ. આપણે માની શકીએ છીએ કે, કોઈ સમાજને કોઈ નિશ્ચિત દિશામાં ખૂબ પ્રગતિ કરવી હોય તો, એનાં સ્ત્રીપુરુષો ખરેખભો મિલાવી કામ કરે તે જરૂરનું છે.

આપણી સ્થિતિ આજે આ છે. નવીન પ્રગતિઓનું અનુકરણ કરવા આજે આપણે કટિબદ્ધ છીએ. આ માટે આપણાં સાધનો આપણે પોતે જ ઘડીએ તે જરૂરનું છે અને, સઘળાં સાધનોમાં, સ્ત્રીઓના જેવું ઉપયોગી એક પણ નથી. એટલે, રાષ્ટ્ર ઘડતરની આપણી શક્તિનો મોટો ભાગ, આપણાં કુટુંબોની સ્ત્રીઓની પોતાના પતિઓ, પિતાઓ અને ભાઈઓ પ્રત્યેની ભક્તિને દેશભક્તિમાં ફેરવવાની જરૂર છે અને, કુટુંબકલ્યાણ કરતાં રાષ્ટ્રકલ્યાણ શાનાથી સાધી શકાશે તેનો નિર્ણય વધારે સારી રીતે સ્ત્રીઓ કરે તેની પાછળ આપણે.

શક્તિ વાપરીએ એ જરૂરનું છે. આખી વસ્તુનો સાર આ છે. આ નવા વિચારને ગ્રહણ કરવાનું કાર્ય છે કારણ, વધારેમાં વધારે, ગામડાથી દૂર આપણી સ્ત્રીઓને વિચારવાની આદત નથી. નવા વિચારોનો આઘાત પુષ્કળ શક્તિને જન્મ આપે છે. એટલે જેમને આ આઘાત લાગ્યો છે તે સૌ લખવા-વાંચવા શીખવાની આતુરતા બતાવી આ વાતની પ્રતીતિ કરાવવા આગળ આવશે. એક વાર એ વાંચી શકશે તો, પોતાના પૂરતી રાષ્ટ્ર ભાવનાને તેઓ પોષી શકશે એ સ્પષ્ટ છે. પણ ઘણી સ્ત્રીઓ ખૂબ વૃદ્ધ હશે કે, જ્ઞાનપ્રાપ્તિની નવી રીત ગ્રહણ કરવા શક્તિમાન નહિ હોય. પણ એ કારણે આપણે કોઈને પણ પડતાં મૂકવાનાં નથી. લેખન અને વાચન સ્વયં કેળવણી નથી. એ સાધનો કરતાં એમનો યોગ્ય ઉપયોગ ઘણો વધારે અગત્યનો છે. જે સ્ત્રીમાં કરુણા જાગી છે, જે સ્ત્રી રાષ્ટ્રનો ઇતિહાસ જાણે છે, જે સ્ત્રીએ મોટાં તીર્થોની યાત્રા કરી છે અને જેને પોતાના વિશાળ દેશનો થોડો ખ્યાલ છે, તે માત્ર લેખન-વાચન જાણનારાના કરતાં વધારે કેળવાયેલી છે. ‘ઊઠો! ઊઠો!’ એટલે, પ્રથમ અનેકવિધ ચેતના પ્રત્યે જાગ્રત થાઓ, જે કંઈ ભારતીય છે તે સર્વને તમારામાં શ્વસવા અને કામ કરવા દો. દિવસે દિવસે, બધા પ્રકારનાં વિચિત્રપ્રાણીઓ સાથે અને, વિચિત્ર ઘટનાઓ સાથે જાતને એકરૂપ થવા દો અને, એ સર્વ તથા તમે એક જ ઘરનાં વાસી છો એ સમજો. પૂજાનો થોડો સમય માતૃભૂમિને સમર્પિત કરો. એને ચરણે થોડાં ફૂલ મૂકો, એને નામે થોડું જલ રેડો. એનાં સંતાનો તમારા જ બાંધવો છે, એમની અને તમારી જરૂરતો એક જ છે તેમનો વિચાર કરો. તમારા હૃદયમાં અનંત દયા વહેવા દો. ‘જનની જન્મભૂમિશ્ચ સવર્ગાદપિ ગરીયસિ!’ એ કહેવત છે. જે ક્ષુધાર્ત છે અને આ આનંદ માણી શકતા નથી તેમની કેવી કરુણાજનક દશા છે! ભારતની નારી; ઊઠ! ઊઠ! જાગ અને જ્ઞાન પ્રાપ્ત કરે! બંગાળની નારી! તારા ભૂતકાળ વિશે જાણી લે! તો જ તું તારું ભવિષ્ય સિદ્ધ કરી શકીશ. તારા દેશ વિશે અને એની આવશ્યકતાઓ વિશે સમજ. માત્ર એ રીતે જ તારી નિર્ણયશક્તિને, ઇચ્છાશક્તિને અને સારાસારબુદ્ધિને તું ખિલવી શકીશ. જ્ઞાન વડે જ હૃદય સમૃદ્ધ બને અને ચિંતન સ્પષ્ટ થાય. ‘ઊઠ! ઊઠ!’ મુક્ત થઈ કાર્ય કર. હાથને નિઃસ્વાર્થનું માર્ગદર્શન મળો, સંકલ્પને પ્રેમની પ્રેરણા પ્રાપ્ત થાઓ. એટલે કોઈ ત્યાગ વ્યર્થ નહિ જાય અને, પ્રત્યેક પ્રવૃત્તિ ફલદાયી બનશે. આ ઊંચાઈએ પહોંચેલાઓને કોઈ બંધન રોકી શકશે નહિ અને, કોઈ અજ્ઞાન અટકાવી શકશે નહિ. સામેનું કાર્ય ગમે તેટલું મહાન હશે પણ તે તેમને ગભરાવશે. નહિ. ‘વંદે માતરમ્!’ આજના બધા પ્રશ્નો સામે રાષ્ટ્રિય ધોરણે લડવાનું છે. રાષ્ટ્રિયતાની પ્રાપ્તિ પોતે જ મોટામાં મોટો પ્રશ્ન છે. પણ આ સ્ત્રીઓના શિક્ષણની બાબત, એ કામનો ક્યો ભાગ કેન્દ્રસ્થ છે તે આપણા પુરુષોએ યાદ રાખવું જરૂરી છે. આપણાં નારીવૃંદ સાથે દેશને લગતી બાબતો વિશે આપણે વાતો કરીએ. એમની વિવેકબુદ્ધિ અને એમના ઉત્સાહને આપણે સતત અપીલ કરીએ. સૌમાં આત્મા વસે છે તે શ્રદ્ધા એમનામાં ન હોય તો જગાડીએ, આ ગુણો એમનામાં પેદા કરીએ. આપણે પ્રત્યેક ન૨ના૨, ઉચ્ચનીચ, જ્ઞાનીઅજ્ઞાની વિશુદ્ધ, મુક્ત જ્ઞાનસ્વરૂપ આત્મા છીએ અને, આ જ્ઞાન બીજાનામાં પૂર્ણપણે જાગ્રત કરીને તેને સહાય કરી શકીએ છીએ. તે ન હોય તો, દરેક માનવ આત્માની દિવ્યતાના સિદ્ધાંતનો કશો અર્થ નથી.

ભારતીય નારીનું જીવન રોજ સંકોચાતું જાય છે. રોજ રોજ એમનો વ્યાપ ઘટતો જાય છે. અભિવ્યક્તિનું નવું વિશ્વ એમને હાંસલ નહિ કરી આપીએ તો, એમની પાસે છે તે વિશ્વ પણ એ ધીમે ધીમે ગુમાવશે. ભારતની માતાઓની કુખે કદી સીતાસાવિત્રી જન્મવાનાં હોય તો, આજના યુગને અનુરૂપ નવા નમૂનાઓ આપણે ઘડવા જોઈએ. સર્વ પ્રાચીન શ્રદ્ધા, વીરતા, ધૃતિ અને ત્યાગને ભલે નવાં નામ આપીએ પણ, તે સૌ સાથે ગાંધારીએ ફરી આવવું જોઈએ. દમયંતીએ અને, ન્યાયી નૃપ યુધિષ્ઠિરની યોગ્ય ભાર્યા દ્રૌપદીએ પુનઃ આવવું જોઈએ. ‘ઊઠો! ઊઠો!’ ભારતીય નારીની મહત્તાનો પોકાર ભારતીય પુરુષોએ કરવો જોઈએ.

Total Views: 174

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.