રામકૃષ્ણ મિશન
પો. બેલુર મઠ, જિ. હાવરા પશ્ચિમ બંગાળ, પીન : ૭૧૧ ૨૦૨
૧૯૯૯ – ૨૦૦૦ના વર્ષના શ્રીરામકૃષ્ણ મિશનનાં રાહત સેવાકાર્યોનો સંક્ષિપ્ત અહેવાલ

શ્રીરામકૃષ્ણ મિશનની ૯૧મી વાર્ષિક સાધારણ સભા ૧૦ ડિસેમ્બર, ૨૦૦૦ના રોજ બપોર પછી ૩:૩૦ વાગ્યે બેલુડ મઠ ખાતે મળી હતી.

આ વર્ષની મહત્ત્વપૂર્ણ અને વિશેષ ઉલ્લેખનીય ઘટનાઓ : ઇન્દોરમાં એક નવા શાખાકેન્દ્રનો પ્રારંભ થયો છે, આસાનસોલના એક શૈક્ષણિક પરિસર, સારગાછીમાં એક નવા વિદ્યાલયના ભવનનો શિલાન્યાસ તેમ જ રામહરિપુરમાં એક વિદ્યાલય ભવન તેમજ નારાયણપુરમાં એક સભાગૃહ અને દેવઘરના એક વિદ્યાલય ઉપભવનનો ઉદ્‌ઘાટન વિધિ થયો હતો.

રામકૃષ્ણ મઠની અંતર્ગત ચેન્નાઈ તથા લખનૌ કેન્દ્રમાં નવનિર્મિત શ્રીરામકૃષ્ણ મંદિરનો પ્રતિષ્ઠિા મહોત્સવ યોજાઈ ગયો. હૈદરાબાદ કેન્દ્રમાં ‘વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હ્યુમન એક્સેલન્સ’ ભવનનો શિલાન્યાસ વિધિ સંપન્ન થયો. વિવેકાનંદ એલમ, ચેન્નાઈમાં વિવેકાનંદ કલ્ચરલ હૅરિટેજ ઑફ ઇન્ડિયા’ નામના પ્રદર્શનના પ્રથમ વિભાગનું મંગળ ઉદ્‌ઘાટન સંપન્ન થયું છે. વિટીલા (એર્ણાકુલમ)માં નવા કેન્દ્રની શરૂઆત થઈ છે.

આ વર્ષ દરમિયાન રામકૃષ્ણ મિશને દેશના વિભિન્ન ભાગોમાં વિશાળ રતરે રાહત તથા પુનર્વસન કાર્ય હેઠળ ૮૦૦ગામોના ૪ લાખ લોકોની સેવા કરી છે. આ રાહતસેવા પાછળ રૂ.૫.૨૮ કરોડ ખર્ચવામાં આવ્યા છે. ઓરિસ્સાના ભયંકર તોફાનથી તારાજ થયેલા બે જિલ્લામાં એક મોટા પુનર્વસન પ્રકલ્પનો પ્રારંભ થઈ ચૂક્યો છે.

ગરીબ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિના રૂપે આપેલ વિદ્યા સહાય, વૃદ્ધ-માંદા અને અશક્ત લોકોની સહાય પાછળ રૂ.૨.૧૯ કરોડ વાપરવામાં આવ્યા છે.

બાલમંદિરથી માંડીને અનુસ્નાતક કક્ષા સુધીની વિવિધ શિક્ષણ સંસ્થાઓમાં ૧.૦૭ લાખ વિદ્યાર્થીઓ (જેમાં ૩૧, ૦૦૦ થી વધુ બહેનોનો સમાવેશ થાય છે)ને વિવિધ શૈક્ષણિક તાલીમ આપવામાં આવી છે. આ માટે રૂ.૬૮.૬૦ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. ૯ હૉસ્પિટલો, ૧૦૮ દવાખાનાં અને હરતાં-ફરતાં દવાખાનાં દ્વારા ૫૧ લાખ દર્દીઓની સેવા-શુશ્રૂષા કરવામાં આવી છે. આ આરોગ્યસેવા હેઠળ રૂ.૨૩.૩૩ કરોડનો ખર્ચ થયો છે. ગ્રામ્ય અને કરવામાં આવ્યો છે. વિસ્તારના લોકોના વિકાસ કલ્યાણની કાર્યયોજના હેઠળ ૩.૮.૮૮ કરોડનો ખર્ચ

અમારી સંસ્થાના સભ્યો અને શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાને વરેલા મિત્રોના હાર્દિક સહકાર અને આર્થિક સહાય માટે અમે હૃદયપૂર્વક આભાર અને કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ.

– સ્વામી સ્મરણાનંદ
જનરલ સેક્રેટરી

વ્યવસ્થાપનમાં ક્રિયાન્વિતતા માટેની આવતીકાલના ભારતની અભિનવ આધ્યાત્મિક દૃષ્ટિ’ વિશે શ્રીરામકૃષ્ણ આશ્રમ રાજકોટમાં ૪-૫ નવે. ૨૦૦૦ના રોજ યોજાયેલ મૅનેજમેન્ટ વર્કશોપ

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં ૪૦ જેટલા શિક્ષણ – ઉદ્યોગ- વ્યાપાર સાથે સંકળાયેલા તેમજ ઈજનેરો અને ડૉક્ટરો માટે એક મૅનેજમેન્ટ વર્કશોપનું આયોજન ૪-૫ નવે. 2000ના રોજ થયું હતું. આ વર્કશોપમાં એમ.એમ.સી. સ્કૂલ ઑફ મૅનેજમેન્ટના નિયામક અને સુખ્યાત વક્તા શ્રી ડૉ. એન.એચ. અધ્યેયે ‘નેતૃત્વના નવા દૃષ્ટિકોણ’ તેમજ સ્પિરિચ્યુઅલ ઈન્ટેલિજન્સ – એસ.ક્યુ.- આઈ.ક્યુ. અને ઈ.ક્યુ. કેવી રીતે દોરવણી આપી શકે?’ એ વિશે પોતાનું વક્તવ્ય આપ્યું હતું. પોતાના વક્તવ્યમાં તેમણે જણાવ્યું હતું . કે મૅનેજમેન્ટ એટલે સુયોગ્ય રીતે કોઈ પણ કાર્ય કરવું. જ્યારે નેતૃત્વ એટલે સુકાર્ય કરવું. કોઈને સલાહ લેવી ગમતી નથી, બાળકોને પણ નહિ એટલે જ સાચો નેતા આચરણ દ્વારા કાર્ય કરવાની પ્રેરણા આપે છે. તમારી ભીતર ભલાઈને જગાડો, બીજા માટે સમસંવેદના રાખો, થોડી વાર ધ્યાન ધરો.

આપણે બધા નેતા તો છીએ પણ આપણામાં આત્મશ્રદ્ધાનો અભાવ છે. સામાન્ય રીતે વ્યવસ્થાપન સંચાલનના વરિષ્ઠો એમની નીચેના કાર્યકર્તાઓનાં ઉત્તમ કાર્યોને પણ બિરદાવી શક્તા નથી, પરિણામે અનેક સમસ્યાઓ જન્મે છે. સૌ પ્રથમ તો પોતાની નીચેના સહકાર્યકરોનાં ઉત્તમકાર્યો અને ઉત્તમગુણોની તેમણે કદરદાની કરવી જોઈએ. બીજાઓનાં શ્રેષ્ઠ ગુણો અને કાર્યોનું સમજણપૂર્વકનું અનુસરણ આપણને મહાન નેતા બનાવી શકે છે.

આવતીકાલના ભારતના વ્યવસ્થાપન અને નેતૃત્વ વિશેના કેટલાક ‘અભિનવ દૃષ્ટિકોણો’ વિશે રિઝર્વબેંક ઑફ ઇન્ડિયાના જનરલ મેનેજર શ્રી ઓ.પી. શર્માએ રામાયણની ચોપાઈઓ ટાંકીને પોતાના વક્તવ્યમાં કહ્યું હતું કે ભગવાન શ્રીરામ ઉત્તમ નેતૃત્વનું ઉદાહરણ છે. જ્યારે રાવણ તેનાથી તદ્દન ઊલટું એટલે કે કનિષ્ઠ પ્રકારના નેતૃત્વનું દૃષ્ટાંત છે. રામનું નેતૃત્વ સારો બદલો, સદ્‌ભાવપૂર્વકનો બદલો આપે છે. પરિણામે એમાંથી શાંતિ, સુખ, આનંદ મળે છે. જ્યારે રાવણનું નેતૃત્વ વેરભાવના જગાડે છે પરિણામે એના દ્વારા આપણને અશાંતિ, અજંપો, શોક અને સંતાપ પ્રાપ્ત થાય છે. શ્રીરામકૃષ્ણ મિશન, પોરબંદરના સેક્રેટરી સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજે ‘સેવા અને ધ્યાન ઉત્તમ નેતાઓનું સર્જન કેવી રીતે કરી શકે?’ વિશે બોલતાં જણાવ્યું હતું કે જે કોઈ મહાન અને આદર્શ નેતા બનવાની ઇચ્છા ધરાવતા હોય તેમનામાં અસીમ ધૈર્ય હોવું જોઈએ. ઉચ્ચતર સિદ્ધિઓની પ્રાપ્તિના માર્ગમાં અનેકવિધ અડચણો-વિઘ્નો આવવાનાં છે. એટલે આત્મશ્રદ્ધા, અખૂટ ધૈર્ય અને ખંત તેમ જ પ્રબળ ઇચ્છાશક્તિ દ્વારા એક વખત આ મુશ્કેલીઓ દૂર થશે કે તરત જ તમારો આદર્શ, તમારું ધ્યેય સ્પષ્ટ થઈ જશે.

આજે આપણે કેવા નેતાની જરૂર છે?’ એ વિશે બોલતા શ્રી સુરેશ પંડિતે કહ્યું હતું, સ્વાભિમાની અને સ્વમાનવાળાં તેમજ સારું કામ થતું હોય તેની કદરદાની કરનારા અને એની પૂજા કરનારા સેવાભાવનાવાળા નેતાઓની આજે આવશ્યકતા છે. તેમણે વી.આર.ટી.આઈ. (સ્વામી વિવેકાનંદ રિસર્ચ ઍન્ડ ટ્રેઇનિંગ ઈન્સ્ટિટ્યૂટ) માંડવી દ્વારા દુષ્કાળની ભૂમિ એવા કચ્છમાં ભૂર્ગભના પાણીની જાળવણી ક૨વા માટેના તેમજ ઓછા પાણીએ પાક મેળવવાના પ્રયત્નોની વાત કરતાં જણાવ્યું હતું કે દુષ્કાળ કે માઠા વર્ષમાં આવાં કાર્યો કરીને કેવી રીતે સરકારના કરોડો રૂપિયાના ખર્ચને આપણે બચાવી શકીએ અને ઓછા ખર્ચે વધુ સારી સુવિધાઓ ઊભી કરી શકીએ. આપણા દેશને આજે સાચા સેવક નેતાઓની જરૂર છે.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી જિતાત્માનંદજીએ પોતાના ‘આધ્યાત્મિક નેતૃત્વ તેનો અર્થ અને તે કેવી રીતે કાર્યાન્વિત થઈ શકે?’ તેમજ ‘વ્યવસ્થાપનમાં ક્રિયાન્વિતતા માટેની આવતીકાલના ભારતની અભિનવ આધ્યાત્મિક દૃષ્ટિ’ વિશે બોલતાં જણાવ્યું હતું કે, તેન ત્યક્તન ભુજિથાઃ ના આદર્શને નજર સમક્ષ રાખીને, સર્વજન હિતાય સર્વજન સુખાય ની ભાવનાથી જીવન જીવનારા સાચા સેવક અને નેતા છે. આદર્શ નેતા કે આદર્શ ઉદ્યોગપતિ પોતાને પોતાની ધનસંપત્તિનો માલિક માનતો નથી પરંતુ પોતાને એનો ટ્રસ્ટી રખેવાળ માને છે. એટલે એ પોતાના ધનને, પોતાની શક્તિને સર્વના ક્લ્યાણ માટે ખોબેખોબે વાપરે છે. ગમતું મળે તો અલ્યા ગુંજે ન ભરીએ અને ગમતા ન કરીએ ગુલાલની ભાવના એ જ સાચી સંચાલન ભાવના છે. તમે સૌ ટ્રસ્ટી બનીને, સૌના સેવક બનીને કોઈ પણ ક્ષેત્રમાં કામ કરશો તો તમને અદ્‌ભુત આનંદ, શાંતિ મળી રહેશે. એટલે સેવા એ જ પરમધર્મ છે. સૌને આપવું, સૌનું સન્માન કરવું, સૌમાં ઈશ્વર રહેલો છે એ ભાવે સૌ તરફ જોવું એ જ આ યુગનો સાચો ધર્મ છે. તમારા કર્મચારીઓને – સહકાર્યકરોને ચાહતા શીખો, એમને માટે કાર્ય કરતાં શીખો અને એમના કલ્યાણ માટે પ્રવૃત્તિશીલ રહેશો એટલે તમારા ઉદ્યોગ, વ્યાપાર-ધંધાનો વિકાસ-સાચો વિકાસ એ સહકાર્યકરો દ્વારા એમના હૃદયના સાચા સહકારથી થવાનો છે.

હિમાચલ પ્રદેશના સિમલા પાસેના કુફ્રી હૉલિડે રિસોર્ટમાં યોજાયેલ ‘આજના કર્મચારીઓ-કાર્યકરો માટે આધ્યાત્મિક સંસ્કૃતિની આવશ્યક્તા’ વિષય પ૨ ૧૮- ૧૯ નવે.૨૦૦૦ના રોજ સ્વામી જિતાત્માનંદજીની નિશ્રામાં યોજાયેલ વર્કશોપ ૧૮મી નવે. હિમાચલ પ્રદેશના સન્માનનીય રાજ્યપાલશ્રી વિષ્ણુકાંત શાસ્ત્રીના ઉદ્‌ઘાટન સંભાષણ પછી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી જિતાત્માનંદજીએ ‘આવતીકાલના ઊગતા ભારત માટે આધ્યાત્મિક દૃષ્ટિકોણ’ વિશે વિષદચર્ચા કરી હતી. ભારતની આધ્યાત્મિક સંસ્કૃતિ જ ભારતને સમગ્ર વિશ્વમાં ટોચની કક્ષાએ મૂકી શકશે. વિજ્ઞાન અને ટૅક્નોલોજી સાથે આધ્યાત્મિકતાને જોડીને શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદે આપેલા સર્વધર્મસમભાવથી જ આપણો દેશ આગળ આવશે.

એમના વ્યાખ્યાન પછી પ્રશ્નોત્તરીનો રસપ્રદ કાર્યક્રમ રહ્યો હતો. આ સમારંભના પ્રારંભમાં હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીશ્રી પી.કે.ધૂમલે પોતાનું પ્રાસંગિક પ્રવચન આપ્યું. હતું. બપોર પછીના સત્રમાં સ્વામી જિતાત્માનંદજીએ ‘આજના વ્યાપાર ઉદ્યોગના સક્રિય જીવનમાં ઉદ્યોગ- વ્યાપારની સફળતા અને એની પૂર્તિ માટે આધ્યાત્મિક શક્તિનો વિકાસ કેવી રીતે કરવો!’ એ વિશે મનનીય પ્રવચન આપ્યું હતું. આ પ્રવચન બાદ પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ સૌ કોઈ માટે આકર્ષણ બની ગયો હતો.

૧૯મી નવે.ના રોજ સ્વામી જિતાત્માનંદજીએ અતિ આધુનિક વિશ્વની મૅનેજમેન્ટ ફિલસૂફી : સેવક-સેવા નેતૃત્વ અને ટ્રસ્ટીશીપ મૅનેજમેન્ટ વિશે વિગતવાર ચર્ચા કરતાં કહ્યું હતું, “મૅનેજમેન્ટના ક્ષેત્રમાં સૌ કોઈ સેવક છે, માલિકે પણ સેવકભાવે સૌની સેવા કરવાનો પ્રયાસ કરવો જોઈએ. માલિક એ બધી સંપત્તિનો ટ્રસ્ટી છે, તેનો રખેવાળ છે. એ સંપત્તિનો ઉપયોગ સર્વના કલ્યાણ માટે થાય તો એ કાર્ય દિવ્યકાર્ય બની જશે. એના દ્વારા મનની સાચી શાંતિ અને જીવનમાં સાચો આનંદ અને સાચું સુખ પ્રાપ્ત થશે. સાથે ને સાથે સર્વનાસદ્‌ભાવનાભર્યા સહકારથી ઉદ્યોગ-વ્યાપાર-ધંધાનો પણ સમુચિત વિકાસ થશે.’ પ્રવચન પછી પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ સૌ કોઈએ માણ્યો હતો અને પોતાના મનની મૂંઝવણોનું માર્ગદર્શન મેળવ્યું હતું.

શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ગ્રહનાનંદજી મહારાજની નિશ્રામાં શ્રીરામકૃષ્ણ મિશન – વિવેકાનંદ મમોરિયલ, પોરબંદરમાં યોજાયેલ વિશેષ કાર્યક્રમો

શ્રીરામકૃષ્ણ મિશન, પોરબંદરમાં ૪ જાન્યુ.ના રોજ સવારે ૮.૩૦ થી ૧૨.૩૦ સુધી ૧૫૦ જેટલા ભક્તજનો માટે શ્રીમત્ સ્વામી ગહનાનંદજી મહારાજની નિશ્રામાં ભક્ત સંમેલનનું આયોજન થયું હતું. જેમાં સ્વામી જિતાત્માનંદજીનું આધ્યાત્મિક ભજન-સંગીત, ધ્યાન, આધ્યાત્મિક પ્રવચનો અનેપ્રશ્નોત્તરીનો પ્રેરક કાર્યક્રમ સૌના મનને આકર્ષી ગયો.

શ્રીરામકૃષ્ણ મિશન, પોરબંદરમાં ૫ જાન્યુ.ના રોજ સવારે ૮.૩૦ થી ૧૨.૩૦ સુધી ૫૦૦ જેટલા યુવા ભાઈ બહેનો માટે શ્રીમત્ સ્વામી ગહનાનંદજી મહારાજની નિશ્રામાં યુવા સંમેલનનું આયોજન થયું હતું. આ યુવાનોને સ્વામી જિતાત્માનંદ અને સ્વામી નિખિલેશ્વરાનંદ તથા પ્રૉ. જ્યોતિબહેન થાનકીએ સંબોધ્યા હતા. તેમણે સ્વામી વિવેકાનંદે ચીંધેલા અભયના પથે આત્મશ્રદ્ધાનું ભાથું લઈને આગે કદમ ભરવાનું કહ્યું હતું. ભજન, ધ્યાન અને પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ પણ યોજાયો હતો.

ધો. ૧૦-૧૨ના કેન્દ્રના પ્રથમ દસ અને સ્નાતક, અનુસ્નાતક કક્ષાના પ્રથમ ત્રણ એમ કુલ મળીને ૮૫ જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન સમારંભમાં શ્રીમત્ સ્વામી ગહનાનંદજી મહારાજે આશીર્વચન સાથે વિદ્યાર્થીઓને સ્વામી વિવેકાનંદનો ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો.’નો સંદેશ આપ્યો હતો. પોરબંદરના યુવા ક્રિકેટર ખેલાડી ઉદય કા૨વદરા, પ્રશાંત જોષીની રાષ્ટ્રિય કક્ષાની પ્રતિભા માટે તેમનું સન્માન થયું હતું. ગુજરાત રાજ્યના મત્સ્યોદ્યોગ વિભાગના રાજ્યમંત્રી શ્રી બાબુભાઈ બોખીરિયાએ શ્રીમત્ સ્વામી ગહનાનંદજી મહારાજનું પોરબંદરના નગરજનો વતી શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. જિલ્લા કલેક્ટરશ્રીએ મહારાજનું પુષ્પહારથી અભિવાદન કર્યું હતું. સંસ્થાને શૈક્ષણિક સેવાકીય સંકુલ માટે નવી જમીન આપવા માટે ગુજરાત સરકારનો સ્વામી નિખિલેશ્વરાનંદજીએ આભાર માન્યો હતો. તા. ૫મીએ ભાવિકજનોના આધ્યાત્મિક પ્રશ્નોના ઉત્તર મહારાજશ્રીએ આપ્યા હતા.

શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમદ્ સ્વામી ગહનાનંદજી મહારાજના વરદ હસ્તે સ્વામી વિવેકાનંદ સેવા કેન્દ્ર, જુનાગઢ દ્વારા નિર્મિત ‘શ્રીરામકૃષ્ણ પ્રાર્થના મંદિર’નો ઉદ્‌ઘાટન સમારોહ

3જી ડિસે., રવિવારે સ્વામી વિવેકાનંદ સેવા કેન્દ્ર, જુનાગઢ દ્વારા નિર્મિત ‘શ્રીરામકૃષ્ણે પ્રાર્થના મંદિર’નું ઉદ્‌ઘાટન શ્રીમત્ સ્વામી ગહનાનંદજી મહારાજના વરદ હસ્તે સંપન્ન થયું. ભક્તજનો અને ૭૦૦ જેટલા વિદ્યાર્થીઓને સ્વામી નિખિલેશ્વરાનંદજી, સ્વામી આદિભવાનંદજી અને પ્રૉ. જી.પી.કાઠીએ સંબોધ્યા હતા. આ મહોત્સવ પ્રસંગે શ્રીમત્ સ્વામી ગહનાનંદજી મહારાજે સ્વામી વિવેકાનંદના જીવન સંદેશ પર પ્રેરક પ્રવચન આપ્યું. હતું અને સૌને આશીર્વચન પાઠવ્યા હતા. સ્વામી જિતાત્માનંદજીએ ભજન-સંગીત અને પ્રવચન આપ્યું હતું. મહોત્સવ સભાના અધ્યક્ષ, જુનાગઢ જિલ્લાના આઈ.જી.પી. શ્રી એ.આઈ. સૈયદે પ્રેરક પ્રવચન આપ્યું હતું. આ પ્રસંગે સાંસદ શ્રીમતી ભાવનાબેન ચીખલીયા, ધારાસભ્ય શ્રી મહેન્દ્ર મશરૂ, નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી ગિરીશ કોટેચા વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. સંસ્થાનો ટૂંક પરિચય ડૉ. ડુકે આપ્યો હતો.

શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ગહનાનંદજી મહારાજનું રાજકોટના ભક્તજનો દ્વારા થયેલું અભિવાદન

૩૦. ડિસે.,ના રોજ રાતે ૭.૧૫ કલાકે શ્રીરામકૃષ્ણ મંદિર નીચેના હૉલમાં શ્રીમત્ સ્વામી ગહનાનંદજી મહારાજનો અભિવાદન સમારંભ યોજાયો હતો. સ્વામી જિતાત્માનંદજીના પ્રાસંગિક પ્રવચન પછી શ્રીમત્ સ્વામી ગહનાનંદજી મહારાજે શ્રીરામકૃષ્ણદેવના જીવન સંદેશ’ વિશે પ્રેરક ઉદ્‌બોધન કર્યું હતું. ત્યાર બાદ ૪૦૦ જેટલા ભક્તજનોએ મહારાજને પ્રમાણ કર્યા હતા તેમ જ ભક્તજનો વતી શાલ અને પુષ્પગુચ્છ અર્પણ કરવામાં આવ્યાં હતાં.

શ્રીરામકૃષ્ણ મિશન, લીંબડીની મુલાકાતે શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ગહનાનંદજી મહારાજ

૧૦ ડિસે. ના રોજ શ્રીમદ્ સ્વામી ગહનાનંદજી મહારાજશ્રીરામકૃષ્ણ મિશન, લીંબડી પધાર્યા હતા. ૧૧ ડિસે.ના રોજ આધ્યાત્મિક માર્ગદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો. ભક્તજનોને તેમણે ‘શ્રીરામકૃષ્ણદેવના જીવન સંદેશ’ વિશે પ્રેરક પ્રવચન આપ્યું હતું. અહીંથી તેઓ શ્રી ૧૨ ડિસે,ના રોજ અમદાવાદ થઈને દિલ્હી જવા નીકળ્યા હતા.

શ્રીરામકૃષ્ણ – વિવેકાનંદ કેન્દ્ર, ભૂજમાં શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમદ્ સ્વામી ગહનાનંદજી મહારાજનું થયેલું અભિવાદન

શ્રીમત્ સ્વામી ગહનાનંદજી મહારાજ તા. ૨૭ ડિસે.ના રોજ મુંબઈથી ભૂજ હવાઈ માર્ગે પહોંચ્યા હતા. ભૂજના ભાવિકજનોએ તેમનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. તેઓશ્રીનું અભિવાદન નગરપતિ શ્રી કિરિટભાઈ સોમપુરાના વરદ હસ્તે થયું હતું. કાર્યક્રમની શરૂઆત શાંતિપાઠ અને પ્રાર્થનાગીતથી થઈ હતી. આ પ્રસંગે મહારાજે ઠાકુર અને માના આધ્યાત્મિક સંદેશને ઝીલવા સૌને પ્રયત્ન કરવા કહ્યું હતું. તેમણે કહ્યું : ‘ઠાકુરને પામવા સરળ નથી પણ, મા શારદામણિ તો બધાંનાં ‘મા’ છે તે સર્વનો સ્વીકાર કરે છે એમને મન કોઈ ભેદભાવ નથી.’ તેમણે રામકૃષ્ણ યુવક મંડળની પ્રવૃત્તિઓને બિરદાવી હતી. તા. ૨૮ ડિસે.નાં રોજ આધ્યાત્મિક માર્ગદર્શન આપ્યું હતું. સ્વામી જિતાત્માનંદજીએ કહ્યું : ‘દરેક સ્ત્રીમાં માતૃરૂપનું દર્શન કરીને નારીપૂજા, નવી પેઢીના અધ્યાત્મપ્રેરિત નેતૃત્વના ઉદયનો સ્વીકાર અને સમગ્ર વ્યવસ્થા તંત્રમાં આધ્યાત્મિકતાનું જાગરણ થાય, એ ત્રણ વસ્તુને આપણે ધ્યાનમાં રાખવી પડશે.’

Total Views: 104

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.