રામકૃષ્ણ મિશન શારદાપીઠ, બેલુર દ્વારા પ્રકાશિત સ્વામી અબ્જજાનંદ કૃત મૂળ બંગાળી પુસ્તક ‘સ્વામીજીર પદપ્રાંતે’નો મુંબઈના ડૉ. સુકન્યાબહેન ઝવેરીએ કરેલ ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે – સં.

માનવ કલ્યાણ માટે સર્વતોભાવે ઉત્સર્ગીકૃત સ્વામી કલ્યાણાનંદનું જીવન, સેવાવ્રતી મનુષ્યો માટે ચિરકાળ પ્રેરણાસ્વરૂપ બની રહેશે. સ્વામીજીએ પ્રચલિત કરેલી નારાયણશાને નરસેવાના મહાન આદર્શને જેમણે શ્વાસોચ્છ્વાસની જેમ પોતાનો કરી, એના જ સાધન અને સિદ્ધિ માટે જાન ન્યોચ્છાવર કર્યા છે, શ્રીરામકૃષ્ણ સંઘના એ સર્વ પુણ્યશ્લોક મહાત્માઓમાં સ્વામીજીના પ્રિય શિષ્ય સ્વામી કલ્યાણાનંદ પણ એક છે. સેવાધર્મના ઈતિહાસમાં તેમનું નામ ચિરકાળ જાજ્વલ્યમાન બની રહેશે.

સ્વામી કલ્યાણાનંદનું પૂર્વાશ્રમનું નામ દક્ષિણારંજન ગુહ હતું. ઈ.સ. ૧૮૭૪માં બરિશાલ જિલ્લાના ઉજિરપુરની પાસે હનુઆ ગામે એક અભિજાત પણ દરિદ્ર કુટુંબમાં દક્ષિણારંજનનો જન્મ થયો હતો. તેમના પિતાનું નામ ઉમેશચંદ્ર ગુહ હતું. દક્ષિણારંજન એમનાં માતાપિતાનાં એકના એક દીકરા હતા – પણ સાવ શૈશવમાં જ પિતૃછાયા ગુમાવી દીધી હતી. ધર્મપ્રાણા જનનીનાં સસ્નેહ લાલન પાલને બાળક દક્ષિણારંજનને ‘માઈકાંગલા’ ‘લાડકવાયા નહોતા બનાવ્યા, પણ તેમને ધર્મપંથે ચાલી શકે એવી યોગ્ય માનસિક શક્તિથી શક્તિમાન બનાવ્યા હતા. વિધવા જનનીની આંખની કીકી હોવા છતાં બાળકના મનમાં ભગવત્-ભક્તિ અને સંસાર-અનાસક્તિનાં બીજ બાળપણથી જ અંકુરિત થવા માંડ્યાં હતાં. મોટા કાકા ત્યારે ઘરમાં મુરબ્બી-વડીલ હતા. દક્ષિણારંજનની ભણવાની ગોઠવણ પણ તેઓ જ કરતા. બાનરીપાડા ઉચ્ચ વિદ્યાલયમાં તેઓ પ્રવેશિકા સુધી ભણ્યા, પણ સ્વજીવનમાં પૈસાનો અભાવ અને તે ઉપરાંત તરુણ વયથી જ અનાસક્તિ અને ઉદાસીનતાએ તેમના ભણવાની અગ્રગતિને મહદ્ અંશે રોકી દીધી હતી એમાં શક નથી. વિદ્યાલયનાં પાઠ્ય પુસ્તકોના વાચન કરતાં પણ સુરેશચંદ્ર દત્ત સંકલિત ‘શ્રી શ્રીરામકૃષ્ણ ઉપદેશ’ વગેરે ધાર્મિક પુસ્તકો વાંચવાનો એમનો શોખ વધુ પ્રબળ હતો.

સ્વામીજીના વેદાંત પ્રચારની સર્વ કથાઓથી ભરપૂર એમનાં પ્રવચનોની વાતો ત્યારે દેશભરમાં ભરપૂર ગુંજતી હતી. વિભિન્ન અખબારોમાં પણ ત્યારે એ બધી વાતો છપાતી, દરેક આદર્શવાદી યુવાનો ત્યારે સ્વામીજીના ભાવથી આકર્ષાતા હતા. આ ભાવનાનાં પૂર દૂર સુદૂર બંગાળનાં ગામડાંના તરુણોના ચિત્તમાં પણ ભાવતરંગો જગાવતા હતા. આદર્શ-ચરિત્ર યુવક દક્ષિણારંજનના માનસ તટ પર પણ એ વિવેકન્તરંગ આવીને સ્પર્શે, તો એમાં વળી શી નવાઈ! સેવા-અનુરાગના સંસ્કાર એમનામાં નાનપણથી જ હતા. બીજા માટે પરિશ્રમ કરવો અને અન્યનાં આપદ-વિપદમાં, વ્યાધિ-દુ:ખમાં સમવેદના અનુભવવી અને સહાય કરવી, એ એમની એક પ્રિય ટેવ હતી. આ જન્મજાત સેવાવૃત્તિના યથાયોગ્ય વિકાસ માટે એમનું મન જાણે એક પથની શોધમાં ભમતું હતું. ત્યાં એમને સમાચાર મળ્યા કે, બેલુરમાં સ્વામીજીના પ્રતિષ્ઠિત મઠમાં સેવાની એક વિશિષ્ટ યોગરૂપે અથવા આત્મજ્ઞાન પ્રાપ્તિના ઉપાય તરીકે સાધના થાય છે. દક્ષિણારંજનના આ આદર્શ પરના પ્રેમે અને સંસાર પ્રત્યેના વૈરાગ્યે અંતે એક દિવસ એમને સંકીર્ણઘરના ખૂણામાંથી ઉદાર બહિર્વિશ્વમાં આહ્વાન કરી આણ્યા. ઈ.સ. ૧૮૯૮માં તેઓ મઠમાં આવી જોડાયા. મત્યારે બેલુરમાં નીલાંબર મુખોપાધ્યાયના મકાનમાં હતો.

મઠમાં આવ્યા બાદ આટલા દિવસ પછી દક્ષિણારંજનના અંતર્નિહિત ભક્તિ અને સેવાના ભાવને પૂર્ણપણે વિકસવાની તક મળી. શ્રીરામકૃષ્ણનાં સંતાનોના સાક્ષાત્ સંપર્કથી જીવનના સર્વતોમુખી પ્રકાશ-સાધનના ઉપાયો શોધી કાઢવામાં તેમને વિલંબ ન લાગ્યો. સ્વામીજી સ્વયં ત્યારે મઠમાં હતા તેથી દક્ષિણારંજનનો આનંદ અસીમ હતો. જેમના વિષે આટલો સમય કેવળ કાનેથી જ સાંભળ્યું હતું, અને છાપઓમાં વાંચ્યુ હતું, જેમની એકે એક વાતની, શબ્દની શક્તિથી કેટકેટલી ઉદ્દીપના અનુભવી હતી આજે તેમના પ્રત્યક્ષ સાંનિધ્યથી વૈરાગ્યવાન દક્ષિણારંજનના મનોજગતમાં કેવા ભાવતરંગ સંચારિત થયા હતા, તેનું અનુમાન સહેજે જ કરી શકાય. ગામડામાંથી આવેલા સ૨ળ યુવકની આંતરિકતાની પરીક્ષા કરવા માટે સ્વામીજીએ એક દિવસ મજાકમાં પૂછ્યું, ‘અચ્છા, ધાર કે મારે થોડા પૈસાની જરૂર છે અને તે માટે જો હું તને ચાના બાગમાં ફૂલી કહીને વેંચી નાખું તો તું તૈયાર છે?’ દક્ષિણારંજને દ્વિધા વિના આનંદ સહિત તૈયારી બતાવી. ગુરુપદે સમર્પિતપ્રાણ એવા શિષ્યના જીવનનું જો સમગ્રભાવે અવલોકન કરીએ તો નક્કી એ હકીકત નજરે પડશે કે એમને ચાના બાગમાં ફૂલી રૂપે નહિ પરંતુ વિરાટ માનવ જાતિની સેવા માટે સ્વામીજીએ પોતાના અનુગત શિષ્યનો ઉત્સર્ગ કર્યો હતો. દક્ષિણારંજને સ્વામીજીના પદમાંતે આશ્રય મેળવ્યો ત્યારે ઈ.સ.૧૮૯૮નો એક દિવસ હતો. સંન્યાસ દીક્ષા પછી સ્વામીજીએ નવીન શિષ્યનું નામ સ્વામી કલ્યાણાનંદ પાડ્યું હતું. બીજા પણ એક સુયોગ્ય શિષ્યને દક્ષિણારંજનની સાથે સ્વામીજીએ સંન્યાસ દીક્ષા દીધી હતી, તેઓ હતા સ્વામી આત્માનંદ જેઓ શ્રીરામકૃષ્ણ સંઘમાં શુકુલ મહારાજ નામે જાણીતા છે.

સ્વામી કલ્યાણાનંદને સેવા કરવાની એક સામાન્ય તક મળતી તો પણ તેઓ પોતાને પરમ કૃતાર્થ માનતા. મઠમાં રહેતા હતા ત્યારે સાધન-ભજન અને ગુરુ સેવાની સાથે સાથે બીજાં પણ ઘણી જાતનાં સેવાકાર્યમાં તેઓ પોતાને જોડી દેતા. બેલુર ગામનાં દરિદ્ર, આર્ત અને પીડિતોની સેવા માટે તેઓ બધાં કષ્ટ હસતા મોંએ સહેતા. સ્વામી યોગાનંદજી જ્યારે કલકત્તામાં અંતિમ શૈયામાં સૂતાં સૂતાં કષ્ટ ભોગવતા હતા, ત્યારે લગભગ એક મહિના સુધી એ મહાપુરુષની સેવા કરવાનું સૌભાગ્ય સ્વામી કલ્યાણાનંદને પ્રાપ્ત થયું હતું. તેમની સેવામાં એટલા ઓતપ્રોત થઈ ગયા હતા કે સ્વામી યોગાનંદજીના સામાન્ય જરાક સંકેતથી કે આંખના ઈશારાથી જ તેઓ તેમને શું જોઈએ છે તે સમજી જતા. આ સેવા- નિષ્ઠાથી અલ્પ સમયમાં જ તેઓ શ્રીગુરુ અને બીજા બધા સાધુઓની સ્નેહભરી નજર આકર્ષવાને સમર્થ બન્યા હતા.

ઈ.સ.૧૮૯૯ના જૂન મહિનામાં સ્વામીજીએ બીજીવાર પાશ્ચાત્ય દેશની યાત્રા કરી. એના એક મહિના પછી (જુલાઈ મહિનામાં) સ્વામી કલ્યાણાનંદ તીર્થયાત્રા અને તપરયા માટે બહાર ગયા. આ ભ્રમણ પ્રસંગે તેઓ કાશીમાં કેદારનાથ મૌલિક નામના એક આદર્શ-પ્રાણ તરુણના ઘેર અતિથિ બની તે ઊતર્યા હતા. મઠમાંથી ગુરુભાતા સ્વામી શુદ્ધાનંદે કેદારનાથને સ્વામી કલ્યાણાનંદ સંબંધે એક પરિચયપત્ર લખી દીધો હતો. આ પત્ર જ કેદારનાથ સાથે તેમની આત્મીયતાસ્થાપનનું પ્રાથમિક સૂત્ર બન્યો હતો. બંનેનો સંબંધ એટલો બધો ઘનિષ્ઠ બની ગયો હતો કે ઉત્તર-જીવનમાં આ બંને એક જ પથના પથિક તરીકે સ્મરણીય બની રહ્યા છે. કલ્યાણાનંદના સાહચાર્યથી કેદારનાથ અને ચારુચંદ્રદાસ તથા એમની યુવાન મિત્ર મંડળીનાં મનમાં સ્વામીજી પ્રવર્તિત સેવાધર્મ પ્રત્યે એક ખાસ અનુરાગનો સંચાર થયો હતો. સેવા દ્વારા જ, જ્ઞાન, કર્મ, યોગ અને ભક્તિનું સમન્વયસાધન શક્ય છે, આ સમન્વિત યોગનું સાધન જ આ યુગનો ધર્મ છે, તે વાતની પણ તેઓ સમ્યક્ ઉપલબ્ધ કરી શક્યા હતા, તેનું કારણ હતું સ્વામીજીના સેવાનિષ્ઠ શિષ્યનો સંપર્ક, સ્વામીજીના ભાવાનુગત આ યુવક મંડળીએ કાશીધામમાં રામકૃષ્ણ મિશન સેવાશ્રમની સ્થાપના કરી હતી. યુવક કેદારનાથ અને ચારુચંદ્ર ઉત્તરકાળમાં યથાક્રમે સ્વામી અચલાનંદ (કેદારબાબા) અને સ્વામી શુભાનંદ નામે શ્રીરામકૃષ્ણ સંઘમાં ખ્યાત થયા હતા.

કાશીધામથી સ્વામી કલ્યાણાનંદ અલ્લાહબાદ ગયા અને ત્યાં પણ જાતજાતની સેવાને લગતાં કાર્યોમાં તેઓએ યથાશક્તિસહાયતા કરી હતી. ‘અલ્લાહબાદ અનાથાશ્રમ’ નામની એક સ્થાનીય સંસ્થાના કાર્યકરો અને પરિચાલકોને સ્વામીજીના ભાવે ઉદ્દીપિત કર્યા અને તેમના સેવા અનુષ્ઠાનને સર્વ રીતે સાર્થકતાથી પૂર્ણ કરવા માટે તેમણે અતિશય પ્રયાસ કર્યો હતો. આ રીતે પર્યટન કરતાં કરતાં સ્વામી કલ્યાણાનંદ જયપુર પહોંચ્યા, જયપુરના રેલ્વે સ્ટેશન પર અચાનક ગુરુભ્રાતા સ્વામી સ્વરૂપાનંદનો મેળાપ થતાં, ખૂબ ખુશ થયા. સ્વામી સ્વરૂપાનંદ પણ તીર્થભ્રમણે નીકળ્યા હતા. પણ એક દુઃખદ સમાચાર સાંભળી, તેઓએ તીર્થયાત્રાનો સંકલ્પ સાવ છોડી દીધો. કિશનગઢમાં એ સમયે ભયંકર દુષ્કાળ હતો. ભૂખ્યાં માણસોનાં રુદને-ક્રંદને રજપૂતાનાનું આકાશ ત્યારે મલિન બની ગયું હતું. બંને ગુરુ ભાઈઓએ મનોમન નક્કી કર્યું કે તીર્થદર્શન કરવા કરતાં દુકાળથી પીડિત જીવંત નારાયણની સેવામાં લાગી જવું એ જ વધુ યોગ્ય છે અને તેથી વિના વિલંબે કિશનગઢ દોડી ગયા અને સેવાકાર્યની શરૂઆત કરી. ત્યાનાં પૈસાદાર અને દાનશીલ વ્યક્તિઓની સહાયથી, સ્વામી કલ્યાણાનંદ અને સ્વામી સ્વરૂપાનંદે કિશનગઢમાં વિસ્મયકર કાર્ય કર્યું હતું – અને વ્યથિત મનુષ્યોનાં આંસુ લૂછવામાં યથેષ્ટ સફળતા મેળવી હતી. ભિક્ષા-લબ્ધ-અર્થ-દ્રવ્યાદિ વગેરેથી રોજ તેઓ લગભગ ત્રણસો લોકોને અન્નની સગવડ કરવા માટે શક્તિમાન બન્યા હતા અને તે સમય દરમિયાન એમની કોશિશથી ત્યાં એક અનાથાશ્રમ પણ સ્થપાયો હતો.

સ્વામી સ્વરૂપાનંદ થોડા સમય પછી માયાવતી પાછા ગયા ત્યાર પછી સ્વામી કલ્યાણાનંદે એકલા હાથે કાર્યનો બોજો વહ્યો હતો, અહર્નિશ અતિશય પરિશ્રમને લીધે તેઓ બીમા૨ થઈ જતા, સ્વામી આત્માનંદ અને સ્વામી નિર્મલાનંદે આવીને એમને મદદ કરી હતી. કિશનગઢમાં અનાથ બાળકો માટે સ્થાપેલો અસ્થાયી આશ્રમ સ્વામી કલ્યાણાનંદના નેતૃત્વ હેઠળ એવો સારી રીતે ચાલતો હતો કે એને સ્થાયી બનાવવા માટે ત્યાંની જનતાએ તેમને ખૂબ આજીજી કરી હતી, જો કે ત્યાં સ્થાયી આશ્રમનો ભાર લેવાનું મિશનને માટે કોઈ રીતે ય શક્ય નહોતું બન્યું. કાશીથી કેદારનાથે પણ આવીને કિશનગઢનાં સેવાકાર્યમાં સ્વામી કલ્યાણાનંદને ઘણી મદદ કરી હતી. ફરીથી અહીં તેમના સાહચર્યને લીધે કેદારનાથના અંતરમાંના સેવાભાવને વધુ દૃઢ થવા માટે તક મળી હતી. દુર્ગાપૂજા નિમિત્તે સ્વામી કલ્યાણાનંદે અનાથ શિશુઓને લઈને ઘટની સ્થાપના કરી અને માતૃપૂજા કરી હતી. દુષ્કાળથી પીડાતા રજપૂતાનામાં આ પણ એક અભિનવ સેવાનો પ્રયાસ હતો. ઈ.સ.૧૯૦૦ના નવેમ્બર મહિનામાં પ્રકાશિત હેવાલ પરથી જાણવા મળે છે કે, આ અનાથાશ્રમમાં ત્યારે ૫૦ બાળકો અને ૨૦ બાળાઓનું પાલન થતું હતું. એ પછી ઈ.સ.૧૯૦૦ના ડિસેમ્બરમાં સ્વામીજી વિદેશથી પાછા બેલુર મઠ આવ્યા ત્યારે સ્વામી શારદાનંદજીએ સ્વામી કલ્યાણાનંદને પત્ર લખી જણાવ્યું; તમારી ઇચ્છા હોય તો સ્વામીજીનાં દર્શન માટે આવો.’ રજપૂતાનાનું કાર્ય પતાવી સ્વામી કલ્યાણાનંદ ત્યારે વૃંદાવન આવ્યા હતા. ઈ.સ.૧૯૦૧ની શરૂઆતમાં તેઓ શ્રીગુરુનાં દર્શનની આકાંક્ષાથી બેલુર મઠ પાછા આવ્યા.

સ્વામીજીના પવિત્ર સાંનિધ્યમાં સ્વામી કલ્યાણાનંદનું મઠનું જીવન ખાસ્સું ઉત્સાહ-ઉદ્દીપનાની ઝંકૃતિ સહ ચાલતું હતું. અચાનક એક દિવસ સ્વામીજીએ એમને બોલાવીને કહ્યું, જો કલ્યાણ, હૃષીકેશ-હરિદ્વાર વિસ્તારમાં બીમાર, રોગી સાધુઓ માટે તું કંઈ કરી શકીશ? તેમની દેખરેખ માટે તો કોઈ નથી. તું જઈને તેમની સેવામાં લાગી જા.’ પરિવ્રાજક જીવન દરમિયાન ઉત્તરાખંડના પરિભ્રમણકાળમાં વૃદ્ધ અને પીડિત સાધુઓની દુર્દશાનાં કરુણ દૃશ્યો પોતાની સગી આંખે જોઈને સ્વામીજી ખૂબ જ વિહ્વળ થઈ જતા અને પછી તો તેઓ પોતે પણ ત્યાં બીમાર થઈ ગયા હતા ત્યારે તે બધાથીયે વધુ હૃદય વિદારક અવસ્થાનો સામનો કર્યો હતો. ત્યારથી જ આ વાતે એમના સમગ્ર હૃદય પર કબજો કરી લીધો હતો. આજે યોગ્ય શિષ્યને જોતાં, તેમણે એ વાત કરી. ગુરુ આજ્ઞા શિરોધાર્ય કરી, એમનો આદેશ એ મહત્ સાધના છે એમ માનીને, સ્વામી કલ્યાણાનંદે આનંદપૂર્વક પ્રયાણ કર્યું. પહેલાં તેઓ પ્રિય ગુરુ ભાતા સ્વામી સ્વરૂપાનંદ સાથે વિચાર-મંત્રણા કરવા માયાવતી ગયા. સ્વામીજીની ઇચ્છાને વાસ્તવિક રૂપ આપવા કર્મ-સૂચિ કેવી હોવી જરૂરી છે – એ વિષે બંને ગુરુ ભાઈઓએ ઘણી બધી ચર્ચા કરી. સ્વામી સ્વરૂપાનંદે આ કઠિન કાર્યમાં સ્વામી કલ્યાણાનંદને આંતરિક સમર્થન આપીને ખૂબ પ્રેરણા આપી હતી અને કર્મની શરૂઆત કરવામાં પોતે પણ યથેષ્ટ સક્રિય ભૂમિકા ગ્રહણ કરી હતી. સ્વામીજીના બે સંન્યાસી શિષ્યોએ ગુરુદત્ત આ મહત્ત્વના દાયિત્વને માથે ચડાવી, અર્થભિક્ષા પૈસા ઉઘરાવવા નૈનિતાલ જવા ચાલી નીકળ્યા. સ્વામી સ્વરૂપાનંદ જેવા યોગ્ય મિત્રની મદદ અને પરિશ્રમથી સ્વામી કલ્યાણાનંદે ટૂંક સમયમાં જ ઘણું મનોબળ કેળવી લીધું અને થોડા પૈસા પણ ભેગા થયા,

ભારતવર્ષમાં ઉત્તરાખંડ યુગયુગોથી સાધુ સંન્યાસીઓની પ્રિય અને પવિત્ર આવાસભૂમિ રહી છે. નગાધીશ હિમાલયના ભાવગાંભીર્યમંડિત અને પવિત્ર જાહ્નવીના કલધ્વનિમુખરિત, ઉત્તરાખંડનાં પ્રત્યેક તીર્થમાં અધ્યાત્મિક-ભારત આજે પણ જાણે જીવંત છે. વળી હૃષીકેશ અને હરિદ્વાર આ બધો તીર્થોની સરખામણીમાં જરાક વિશેષ મહિમા લઈને અનંત પુણ્ય સ્મૃતિનાં સાક્ષીરૂપે ભારતનાં ચિત્તમાં ચિર-જાગરૂક થઈ રહ્યાં છે. હિમાલયના પાદપ્રદેશમાં હૃષીકેશ-હરિદ્વારના ઉપલમય તટે ઊભા રહી વહેતી ગંગાનાં નૈરિક સ્રોતને જોઈએ તો આજે પણ જાણે સનાતન વૈદિક સંસ્કૃતિનો ભાવસ્રોત અવિરત ગતિથી વહી રહ્યો છે એવું આપણાં મનમાં થાય. એટલે ભારતના સાધુ-સંત સંન્યાસી – ઉદાસી અને વૈરાગી પરિવ્રાજકનાં ટોળાં આ તીર્થભૂમિએ આવી આસન પાથરે છે અને ગંગાને તીરે ઝૂંપડીઓ બાંધી તપસ્યા વગેરેમાં મગ્ન રહે છે. પણ લોકાલયથી દૂર આ બધાં ક્ષેત્રોમાં કોઈ જાતની ઉપચાર સેવાનો ઉપાય ન હોવાથી, વૃદ્ધ અને પીડિત સાધુઓની દુર્દશાની સહેજે કલ્પના કરી શકાય. સ્વામીજીનું વેદનાર્હ હૃદય તેથી આ નિઃસંબલ- અસહાય સાધુઓની સેવા માટે બેચેન બની ઊઠ્યું હતું. કોઈ યોગ્ય સેવાપ્રાણ શિષ્યની અપેક્ષામાં જ જાણે તેઓ આટલા સમયથી રાહ જોઈ રહ્યા હતા. સ્વામી કલ્યાણાનંદ માત્ર શ્રીગુરુના આશીર્વાદના ભરોસે જ અહીં હરિદ્વાર આવી પહોંચ્યા. હરિદ્વારના બ્રહ્મકુંડથી શરૂ કરી ગંગાને તીરે તીરે – થોડા આગળ વધીએ તો દક્ષિણ તરફ પ્રાચીન તીર્થભૂમિ કનખલ છે. પૌરાણિક મત પ્રમાણે આ કનખલ દક્ષયજ્ઞનું પીઠક્ષેત્ર, સતિના દેહત્યાગનું સ્થાન છે. સ્વામી કલ્યાણાનંદે આ નિભૃત કનખલને જ પોતાના સેવા-સાધનાના સ્થાન તરીકે પસંદ કર્યું.

હરિદ્વાર ભારતવર્ષનું પ્રસિદ્ધ તીર્થ છે તેથી લગભગ સમગ્ર વર્ષભર અહીં અગણિત સાધુસંન્યાસી અને અગણિત પુણ્યાર્થી નરનારીની ભીડ લાગેલી જ હોય છે. વળી કુંભમેળાના સમયમાં તો લાખો યાત્રાળુઓના આગમનથી આ સ્થાન ધમધમી ઊઠે. હરિદ્વારથી માત્ર પંદર માઈલ ઉત્તરે સનાતન તપોભૂમિ હૃષીકેશ છે અને બીજા ત્રણ માઈલ ઉત્તરે લક્ષ્મણઝુલા – ગંગાના સામા કાંઠેથી આગળ વધીએ તો ક્રમે કેદારનાથ, બદરીનાથ વગેરે છે. અરાંખ્ય તીર્થયાત્રી અને પરિવ્રાજક સાધુનાં આવનજાવનના પથ ૫૨, હરિદ્વારની પાસે આવેલું છે કનખલ. તે એક વિશેષ ઉલ્લેખનીય યોગ્ય ઘાટી છે, કારણ હરિદ્વાર જ વસ્તુતઃ હિમાલયના પ્રથમ પ્રવેશનું પગથિયું છે. જનકોલાહલથી દૂર, અને છતાં જન-બહુલ તીર્થની પાસે, આવો શાંત ગંભીર પરિસર રુગ્ણ અને પીડિતો માટે નિઃસંદેહ એક આદર્શ સ્થાન કહેવાય. કનખલમાં જ સ્વામી કલ્યાણાનંદે પોતાના ગુરુએ ઉપદેશેલી સાધના માટે આસન સ્થાપ્યું. ‘આત્મનો મોક્ષાર્થ જગદ્વિતાય ચ’ – આ હતો સ્વામીજી પાસેથી મળેલો તેમની સાધનાનો મંત્ર, સ્વામી કલ્યાણાનંદે મૃત્યુ પર્યંત એક સરખા લગાતાર લગભગ ૩૬ વર્ષ આ કનખલમાં જ પોતાની મહત્ સાધના માટે વીતાવ્યાં હતાં.

ઈ.સ.૧૯૦૧ના જૂન મહિનામાં, કનખલ ગામના એક મહોલ્લામાં માસિક ત્રણ રૂપિયામાં બે ઓરડા ભાડેથી લઈને, સ્વામી ક્લ્યાણાનંદે પોતાના સેવાયજ્ઞની શરૂઆત કરી. આ બે ઓરડામાં જ બીમાર સાધુઓ માટે પથારી, ચિકિત્સાલય, પોતાનું રહેવાનું, વગેરેની વ્યવસ્થા કરી. હોમિયોપથી દવાનો એક નાનો ડબ્બો, ચિકિત્સા – તપાસ માટેનાં થોડાં સાધનો પણ તે દરમિયાન જમા થયાં હતાં: રોજ સાધુઓની ઝૂંપડીએ ઝૂંપડીએ ફરી, તેઓ પીડિત કે વૃદ્ધ સાધુઓની ખબર-અંતર લેતા, અને દવા તથા પથ્યનો બંદોબસ્ત કરી દેતા. વળી જરૂર પડે તો બીમાર સાધુને પોતાને મુકામે લઈ આવી પોતે સેવા-સુશ્રૂષા કરતા. સ્વામી કલ્યાણાનંદરોગીઓ માટે પથ્ય વગેરે પોતે જ તૈયાર કરતા. અને છતાં પોતે તો સંપૂર્ણ માધુકરી-ભિક્ષા પર જ નિર્ભર કરી શરીરયાત્રા નિભાવતા. આ રીતે બીજાકારે જે કાર્યની શરૂઆત થઈ હતી, તે જ કાલક્રમે સ્વામીજીના આશીર્વાદ રામકૃષ્ણ મિશનનું એક ગૌરવ-જનક પ્રતિષ્ઠાન, કનખલ સેવાશ્રમમાં પરિણમ્યું.

ભિક્ષાલબ્ધ અર્થ, ઔષધ અને સેવા-સામગ્રી દઈને, સ્વામી કલ્યાણાનંદ પોતાના શ્રીગુરુના આશીર્વાદને યાદ કરી પ્રબળ ઉત્સાહ સાથે અને ઉદાર હૃદય લઈને પ્રાણ ઢાળીને સાધુ સેવામાં રત રહેતા. તેમના ગુરુભાઈઓ પણ આ સમયે તેમને ખૂબ જ સહાનુભૂતિ દેતા અને ઉત્સાહિત કરતા. માયાવતીથી સ્વામી વિમલાનંદ ‘પ્રબુદ્ધ-ભારત’ પત્રમાં વચ્ચે વચ્ચે સ્વામી કલ્યાણાનંદ પ્રતિષ્ઠિત સેવાશ્રમ માટે જનતાને આવેદન (Appeal) પ્રકટ કરતા. ઈ.સ. ૧૯૦૧ના ઓગસ્ટમાં સર્વપ્રથમ સ્વામી વિમલાનંદે લખેલું આવેદન ‘પ્રબુદ્ધ ભારત’માં છપાયું. સુંદર રીતે વિચારપૂર્વક અને ધારદાર ક્લમથી લખાયેલાં આવેદનોએ વાસ્તવિકભાવે દેશ-વિદેશના જનસમાજમાં સેવાશ્રમને પ્રથમ વાર પરિચિત બનાવ્યો.

અતીતની સ્મૃતિ – આ ગમે તેટલી ક્ષુદ્ર કે તુચ્છ હોય, વર્તમાનની નજરે એનું એક વિશેષ પવિત્ર રૂપ છે. અતીતની અસંબંધ સામાન્ય ઘટનાઓમાં પણ એક પારસ્પરિક સામંજસ્ય માણસ બરાબર શોધી કાઢે છે. વર્તમાન એ કંઈ એક અકસ્માત બનાવ કે વ્યાપાર નથી – અતીતની દેઢ આધારશિલા પર તે વસેલું છે. અતીત ભવિષ્યનું પણ નિયામક છે – એના આશા – આકાંક્ષા અને પ્રેરણાની ઉત્સભૂમિ, ઉગમસ્થાન છે. કનખલ રામકૃષ્ણ મિશન સેવાશ્રમ આજે ભારતનું એક વિશિષ્ટ સેવા પ્રતિષ્ઠાન છે. સુપરિચાલિત એવા આ વિશાળ પ્રતિષ્ઠાનના અતીતની એક બે યાદનું સ્મરણ કરવાથી અમારા મંતવ્યનું તાત્પર્ય થોડું વધુ સમજી શકાશે. આજે જ્યાં લાખો રૂપિયા ખર્ચ કરો, આધુનિક વિજ્ઞાન-સંમત ઉપાયથી સેંકડો પીડિતોની સેવા ચિકિત્સાનું વિરાટ આયોજન નિત્ય-નિયત ચાલે છે, ત્યાં એકવાર એક નિઃસંબલ સંન્યાસી હારે દ્વારે ભિક્ષા માગીને કેવી અતંદ્ર નિષ્ઠા સાથે સેવાયજ્ઞનું અનુષ્ઠાન કરી ગયા છે, તે સાચે જ એક ઐતિહાસિક વિસ્મય છે.

સેવાશ્રમના પ્રથમ પ્રકાશિત હેવાલ (Report પ્રબુદ્ધ ભારત’ ઑક્ટો. ૧૯૦૧) પરથી તે સમયના માત્ર એક મહિનાનાં રોગી અને આવક-જાવકનું એક ચિત્ર અહીં ઉપસ્થિત કરીશ તો અપ્રાસંગિક નહિ ગણાય. ઈ.સ. ૧૯૦૧ના સપ્ટેમ્બર મહિનાના હિસાબ પરથી જણાય છે કે : એ મહિને સેવાશ્રમના અંતર્વિભાગમાં (indoor માં) ૬ સાધુની ચિકિત્સા થઈ હતી; બહિર્વિભાગમાં (outdoor માં) ૪૮ ૨ોગીઓમાંથી ૩૦ સાધુ હતા અને બાકીના બધા ગરીબ સંસારી હતા. બહિર્વિભાગના ૩૬ બિલકુલ સારા થઈ ગયા છે, અને ૧૦ ની હજુ દવા ચાલુ છે. અને ૨ ની ચિકિત્સા અધૂરી હતી. સપ્ટેમ્બર મહિનાની આવક-જાવકનો હિસાબ આ પ્રમાણે હતોઃ

વસ્તુરૂપિયાઆનાપાઈ

પથ્ય 12 15 1 ½ 

ઔષધ 04 14 4 ½ 

ઘર-ભાડું 03 0 0

આશ્રમ ખર્ચ 01 01 0

દીવાબત્તીનો ખર્ચ 03 06 06

પગાર-મજૂરી 01 0 06

ટપાલ ખર્ચ 0 6 0

વિવિધ 01 01 7 ½

કુલ 27 13 1 ½ 

એ સિવાય ભિક્ષા અને દાનથી મળેલા ૨ મણ ઘઉં, વીસ શેર દાળ અને ત્રણ શેર મીઠું એ મહિને વપરાયાં હતાં.

‘પ્રબુદ્ધ ભારત’ના તે વખતના સંપાદક સ્વામી સ્વરૂપાનંદ અને સહયોગી સંપાદક સ્વામી વિમલાનંદ હતા. આ બંને ગુરુ ભાઈઓની પ્રેરણા અને ઉદ્યમે સ્વામી કલ્યાણાનંદને વધુ ને વધુ ઉત્સાહિત કર્યા હતા. સ્વામી વિમલાનંદે તો કેટલીએ વાર પોતાની સ્વભાવસિદ્ધ તેજસ્વી કલમથી સ્વામી કલ્યાણાનંદની કર્મપ્રણાલીનો તથા સ્વામીજીના સેવાના આદર્શનો પૂરતો પ્રચાર કર્યો હતો. ત્યારે દરેક મહિને‘પ્રબુદ્ધ ભારત’ પત્રમાં કનખલ સેવાશ્રમના માસિક કાર્યનું વિવરણ પ્રકટ થતું. હિમાલયના પાદપ્રદેશમાં સ્થિત આ સેવાકુટિર તથા સેવાવ્રતી સંસ્થાના સાધુ પ્રત્યે ધીમે ધીમે ભારતના શિક્ષિત જનસમાજની નજર આકર્ષાવા – માંડી.

હૃષીકેશના સાધુઓ માટે પણ સ્વામી કલ્યાણાનંદનો કલ્યાણહસ્ત ધીરે ધીરે ફેલાયા વિના ન રહ્યો. તેઓએ હૃષીકેશની ઝાડીઓમાં અને બીજાં સ્થાનોમાંની ઝૂંપડીઓમાં પણ જઈને સાધુઓ માટે દવા અને પથ્ય વગેરેની વ્યવસ્થા કરવાનું શરૂ કર્યું હતું. ક્રમે હૃષીકેશમાં પણ પૂર્ણ-ઉદ્યમથી સેવાશ્રમની શાખાનું કાર્ય ચાલવા માંડ્યું હતું. કર્મનો વિસ્તાર તો વધતો જ ગયો – પણ કર્મી તો કેવળ એ પોતે એકલા જ હતા. સ્વામીજીની કૃપા અને મહિમાથી એક સ્વામી કલ્યાણાનંદ જાણે, બમણા, બહુગણા બની સો હાથે કાર્ય કરતા હતા. ‘પ્રબુદ્ધ-ભારત’માં આ હૃષીકેશની શાખા માટે પણ આવેદન પ્રકટ થયું. ઈ.સ. ૧૯૦૨ના, જાન્યુઆરીના અંકમાં ‘In aid of the Sadhuts’ના મથાળા સાથે; એ આવેદન પણ સ્વામી વિમલાનંદે તૈયાર કર્યું હતું.

સેવાશ્રમ હૃષીકેશ કેન્દ્રના કાર્યનો હેવાલ પણ ‘પ્રબુદ્ધ ભારત’માં નિયમિત પ્રકટ થતો. ઈ.સ. ૧૯૦૨ના એપ્રિલના અંકમાં એ પ્રથમવાર છપાયો હતો. આ હેવાલ પરથી જાણવા મળે છે કે માર્ચ મહિનામાં હૃષીકેશના ૭૦ સાધુઓ બહિર્વિભાગમાં અને ૭ દર્દીઓએ અંતર્વિભાગમાં સારવાર લીધી હતી.

માર્ચનો હિસાબ પણ એ હેવાલમાં જોવા મળે છે.

ખર્ચની યાદીરૂપિયાઆનાપાઈ

પથ્ય 02 15 00

દીવાબત્તી 00 03 00

રેલ (ટ્રેન) ભાડું 00 03 03

દવા 01 07 00

વિવિધ 00 05 06

કુલ 05 01 09

૫ શેર ૧૨ છટાંક ચોખા, ૯ શે૨ ૨ છટાંક દાળ, ૧૮ શેર ૧૨ છટાંક ઘઉં, ૧ શેર ૮ છટાંક મીઠું અને ૨ રૂપિયા ૯ આનાનું દૂધ દાન રૂપે મળ્યું હતું. અને એ પણ બધું જ વપરાઈ ગયું હતું.

ફૂલ-ફલ-પત્ર શોભિત બહુશાખા યુક્ત વિરાટ વૃક્ષને માણસ ઓળખે અને માન દે, પણ એ વિરાટ સંભાવના જે અણુ જેવડા બીજમાં છુપાઈ હતી, તે ચિરકાળ લોક નજરથી અદૃશ્ય રહે, આ છે જગતનો નિયમ. કનખલ સેવાશ્રમની વાત કરતાં અતીતનાં વિવરણોની વિશદ ભૂમિકા કરવી એ નિયમ વિરુદ્ધ છે એમાં શક નથી. તો પણ કર્તવ્યબોધને જ આપણે પુરાતન તરફ જરાક નજર ફેરવ્યા વિના નથી રહી શક્તા- અતીત તરફ વર્તમાનની કૃતજ્ઞતા બતાવવા માટે એ જરૂરી છે.

એ પછી કનખલ અને હૃષીકેશનાં બે સેવાકેન્દ્ર એકલા સ્વામી કલ્યાણાનંદ માટે વધુ દિવસ ચલાવવા એક રીતે અસંભવ વ્યાપાર બનવા માંડ્યો, તો પણ ઉનાળામાં હૃષીકેશમાં સાધુઓની સંખ્યા ખૂબ ઓછી થઈ જતી ત્યારે બધા પહાડ પર તીર્થ યાત્રા કરવા ચાલ્યા જાય. તેથી એ દરમિયાન હૃષીકેશનું કાર્ય બંધ રાખે તો ખાસ કોઈ અગવડ નહિ થાય. તે પ્રમાણે વિચારીને સ્વામી કલ્યાણાનંદે ઈ.સ. ૧૯૦૨ના મે માસમાં થોડા દિવસ માટે હૃષીકેશ કેન્દ્રનું કાર્ય

સ્થગિત કરી, કનખલ તરફ જ વધુ ધ્યાન દેવાનું નક્કી કર્યું. સેવાશ્રમનું કાર્ય જે રીતે ઉત્તરોત્તર વધતું જતું હતું તેથી એને એક સ્થાયી રૂપ દેવા માટે ધન અને કાર્યકર્તાઓ બંનેની જરૂર આવી પડી હતી. સ્વામીજીના આદેશથી તેઓએ આ કાર્યમાં આગે બઢવાનું સાહસ કર્યું હતું. અંતરમાં તેઓ દૃઢ વિશ્વાસ પોષતા હતા કે તેમના આશીર્વાદથી કશુંજ અસંપૂર્ણ નહિ રહે. સ્વામીજી પણ બેલુર મઠમાં પોતાના અનુગત શિષ્યની અક્લાંત સેવા-સાધનાની વાત સાંભળીને કેટલા બધા ખુશ થતા હતા! મઠના બીજા સાધુઓ પાસે ‘કલ્યાણ’ના વખાણ કરવામાં જાણે કે પંચમુખ બની જતા. સ્વામી કલ્યાણાનંદને પણ ઘણો સમય શ્રીગુરુનાં દર્શન ન થતાં, તેઓ મનોમન ખૂબ વ્યાકુળ બની ગયા તેથી તેમનાં દર્શન અને સેવાશ્રમની ભાવિ કર્મ પદ્ધતિ વિશે તેમના ઉપદેશ લેવા માટે સ્વામી કલ્યાણાનંદે થોડા દિવસ માટે ફુરસદ મેળવી, સમય કાઢી મઠે ચાલ્યા ગયા. સ્વામીજી પણ પોતાના પ્રિય ‘કલ્યાણ’ને મળીને અતિશય આનંદિત થયા હતા.

ફરીથી સ્વામીજીના પ્રત્યક્ષ સાન્નિધ્યમાં રહી સ્વામી કલ્યાણાનંદ પોતાના સાધનપથ માટે ઘણું ઘણું પાથેય ભેગું ક૨વા માંડ્યા. સાક્ષાત્ ભાવે ગુરુ સેવાનો સુયોગ પણ આ વખતે નસીબજોગે મળી ગયો. સ્વામીજીનું શરીર ત્યારે ખૂબ જ કથળી ગયું હતું. અસ્વસ્થ શરીર હોવા છતાં શિષ્યોનાં કલ્યાણ-ચિંતનમાંથી તેઓ કદિ વિરત નહોતા થયા. સ્વામી લીધે કલ્યાણાનંદનાં ગુરુસેવા અને ભક્તિભાવ અસાધારણ હતાં. બિમાર સ્વામીજી માટે એકવાર બરફ લાવવાની જરૂર પડતાં, સ્વામી કલ્યાણાનંદને લાવવા માટે કલકત્તા મોકલવાનો આદેશ થયો. તે સમયે કોઈ સામાન્ય ચીજ વસ્તુની જરૂર પડતી તો બેલુરથી કલકત્તા દોડવું પડતું. આવજા પણ નાવમાં અથવા પગે ચાલીને કરવી પડતી. સ્વામી કલ્યાણાનંદ લગભગ અર્ધો મણ બરફ, કલકત્તાથી પોતે હાથે ઊંચકીને ચાલતા મઠે લાવ્યા હતા. સ્વામીજી શિષ્યની આ અસાધારણ કર્મ-શક્તિ અને શ્રદ્ધાથી ખુશ થઈ તે દિવસે કહે છેઃ ભવિષ્યમાં એવો દિવસ આવશે, જ્યારે કલ્યાણાનંદ પરમહંસત્વ પામી ધન્ય બનશે.’ ભવિષ્યમાં એ દિવસ સાચે જ આવ્યો હતો, જ્યારે સ્વામી કલ્યાણાનંદને જોઈને સ્વામીજીના દીધેલા આશીર્વાદનો મને ખાસ્સો અનુભવ થતો. સેવા અને સાધનાની બે સમાંતર ધારાઓએ તેમના જીવનને સુસમૃદ્ધ બનાવ્યું હતું. આ અપૂર્વ સમન્વય તેમના સમગ્ર જીવનની વિશિષ્ટતા હતી.

એક વાર સ્વામીજીએ સ્વામી કલ્યાણાનંદને બોલાવી કહ્યું હતું, ‘જો કલ્યાણ, મને શું મનમાં થાય છે તે ખબર છે! એક તરફ ઠાકુરનું મંદિર હશે – સાધુ બ્રહ્મચારીઓ તેમાં ધ્યાન-ધારણા વગેરે કરશે-તે પછી જે ધ્યાન કરતા હતા, તેઓ Practical Field માં (વાસ્તવ ક્ષેત્રમાં) તેને કામે લગાડશે.’ કેદારબાબા (સ્વામી અચલાનંદ) ત્યારે ત્યાં હાજર હતા. તેઓ પછીથી આ દિવસની યાદમાં કહેતા : કલ્યાણ સ્વામીને બોલાવી સ્વામીજી આ જ સમજાવવા ઇચ્છતા હતા, ‘અસલ ભાવ છે Practical (કર્મ પરિણત) વેદાંત. કેવળ The oretical (તત્ત્વીય) નહિ. વેદાંતને કાર્યમાં પરિણત કરવું જોઈએ.’ સ્વામીજી સ્વામી કલ્યાણાનંદની સેવા- પ્રવણતા જોઈને, સેવાને વેદાંતના વાસ્તવિક પ્રયોગ રૂપે તેમના મનમાં બેસાડી દઈને શિષ્યના એવા બોધને વધુ ઉદ્દીપિત કરી દીધો હતો. સ્વામી કલ્યાણાનંદના ઉત્તર જીવનમાં સ્વામીજીની આ ઇચ્છાએ યથાર્થ જ મૂર્તિનું સ્વરૂપ ગ્રહણ કર્યું હતું. ધ્યાન, ભજન અને નારાયણ બોધે નર સેવા જ એમના જીવનનો મૂળ સૂર તો – તેમની સર્વ કર્મ પ્રચેષ્ટા, વાક્યાલાપ, આચરણ અને જીવનચર્યામાં આસૂર પ્રતિધ્વનિત થતો. એ પછી, શ્રી ગુરુના આશીર્વાદને માથે ચડાવી, ફરી તેઓ કર્મક્ષેત્રે પાછા ફર્યા. થોડા દિવસ મઠમાં ખૂબ મજા કરી હવે ફરી પાછા કનખલ આવ્યા, સ્વામીજી સાથે સ્થૂળદેહે આ હતો એમનો છેલ્લો સાક્ષાત્ મેળાપ. સ્વામી કલ્યાણાનંદ કનખલ પાછા આવ્યા પછી થોડા દિવસમાં સ્વામીજીનું મહાપ્રયાણ થયું. સ્વામી કલ્યાણાનંદે પણ બાકીનું જીવન નિરવચ્છિન્ન સેવા અને તપસ્યામાં કનખલમાં જ વીતાવ્યું હતું. ફરી નીચે ઊતરીને બંગાળમાં આવ્યા નહિ. કુંભમેળાના સેવાકાર્યની વ્યવસ્થા માટે કનખલથી બે વાર તેઓ ફક્ત અલ્લાહબાદ ગયા હતા.

કનખલ આવી સ્વામીજીના આદર્શ પ્રમાણે સેવાશ્રમનું પુનર્ગઠન કરવાના કાર્યમાં તેમણે મન પરોવ્યું, પણ યોગ્ય સાથસહકારના અભાવે શારીરિક પરિશ્રમ હવે લગભગ અસહ્ય બની ગયો. સ્વામીજીની ઇચ્છાથી આ સમયે (ઈ.સ.૧૯૦૩ના કોઈ સમયે) એક યોગ્ય સહયોગી સ્વામી કલ્યાણાનંદ પાસે આવીને ઊભા રહ્યા, તેઓ એમના જ અંતરંગ ગુરુભાઈસ્વામી નિશ્ચયાનંદ હતા. ત્યારથી માંડીને લગભગ ત્રીસ વર્ષથીયે વધુ સમય આ સ્વામી નિશ્ચયાનંદ સ્વામી કલ્યાણાનંદના જમણા હાથ બની રહ્યા હતા. આટલા દિવસ પછી કર્મની ગતિને એક નિર્દિષ્ટ પથ બનાવવા માટે યોગ અને સામર્થ્ય સાંપડ્યાં, સેવાપ્રાણ સ્વામી નિશ્ચયાનંદની મદદથી સ્વામી કલ્યાણાનંદનું હૃદય જાણે વધુ વિસ્તૃત અને વ્યાપક બન્યું. હૃષીકેશનું સેવા કેન્દ્ર ફરી પૂર્ણ ઉદ્યમે ચાલું થયું. બંને ભ્રાતા ભિક્ષાન્ત પર જીવન વીતાવતા. ઉત્તરાખંડના સાધુસમાજમાં ધીમે ધીમે દશનામી સંપ્રદાય અંતર્ગત સંન્યાસી સ્વામી કલ્યાણાનંદ અને સ્વામી નિશ્ચયાનંદની વાતની ચર્ચા થવી શરૂ થઈ ગઈ.

(ક્રમશઃ)

Total Views: 153

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.