આપણા યુગનાં મહત્ત્વનાં પાસાં વિજ્ઞાન અને લોકશાહી છે. તાર્કિક રીતે કશું પણ વિજ્ઞાનની ચકાસણીમાંથી છટકી ન શકે, તે જ રીતે જે લોકશાહી સાથે બંધબેસતું ન હોય તેવું કશું વ્યવહારમાં ચાલી ન શકે. વિજ્ઞાન કહે છે, ‘ચકાસણી કરાયેલ હકીકત સિવાયનું બીજું કાંઈ સ્વીકારશો નહિ.’ સામાન્યતઃ વિજ્ઞાન ખુલ્લા મનનું, બિનહઠાગ્રહી અને અનુભવમંડિત હોય છે. ધર્મે કાં તો અનુભવજન્ય થવું પડે, નહિ તો તે અવૈજ્ઞાનિક કહેવાય. આપણો ધર્મ અનુભવ આધારિત છે. કોઈ સત્તાધીશ કહે છે માટે જ કંઈ માનવાની તે ના પાડે છે. વેદના ઋષિ કહે છે.

સદા પશ્યન્તિ સૂરયઃ તદ્વિષ્ણો: પરમં પદમ્

તેનો અર્થ છે કે ‘ઋષિઓ સતત જુએ છે.’ અહીં ‘પશ્યન્તિ’ શબ્દ વપરાયો છે. સ્થૂળ આંખોથી જોઈ શકાય છે, તે જ રીતે આપણા આત્મા વડે પણ જોઈ શકાય છે. આપણે જ્યારે ધર્મને ‘અનુભવી શકાય તેવો’ કહીએ છીએ ત્યારે, એનો અર્થ એ છે કે આપણે આપણી સમજણ અને આત્માને એટલી હદે કેળવી શકીએ કે તેઓ આત્માના જગતની ભવ્યતાઓ સ્પષ્ટપણે જોઈ શકે. આવા વલણથી વૈશ્વિકતા અથવા સહિષ્ણુતા પ્રાપ્ત થાય છે. જેમણે આત્માની આવી ભવ્યતાઓ નિહાળી છે તેવા ઋષિઓનાં કથન આપણાં શાસ્ત્રોમાં શબ્દબદ્ધ થયાં છે. ન્યાયસૂત્ર કહે છે, ‘વેદ એ આપ્ત વચન છે.’ ‘આપ્ત’ કોને કહેવાય? જેમને ‘બ્રહ્મપ્રાપ્તિ’ થઈ હોય તેમને. આવા લોકો માત્ર ભારતમાં જ હોઈ શકે?

‘ઋષિ: આર્યમ્લેચ્છાનાં સમાનં લક્ષણમ્’

ઈશ્વરનો સાક્ષાત્કાર કરેલી વ્યક્તિ ઋષિઓમાં પણ હોય, આર્યોમાં પણ હોય, મ્લેચ્છમાં પણ હોય, અરે જેમને આપણે ‘જંગલી’ કહીએ તેમાં પણ હોય. આધ્યાત્મિક અનુભૂતિની નક્કર હકીકતની વાત આવે ત્યાં આપણે એ સ્વીકારવું જ પડે કે આવી આધ્યાત્મિક અનુભૂતિ માત્ર એક જ ધર્મના અનુયાયીઓને થતી નથી, પરંતુ તમામ ધર્મોના અનુયાયીઓને થઈ શકે છે. તેથી છેક પ્રાચીન કાળથી આજ દિવસ સુધી આપણને એ લાગ્યા વિના રહેતું નથી કે આપણે સૌ ઈશ્વરનાં એક અદૃશ્ય મંદિરના સભ્યો છીએ. ભલે આપણે ઈસુ, મહમ્મદ, બુદ્ધ વિગેરેના દૃશ્ય મંદિર કે દેવળમાં માનતા હોઈએ. હિંદુ ધર્મની મહાનતા આમાં જ રહી છે. શ્રીરામકૃષ્ણે પોતાનાં જીવન અને સંદેશ દ્વારા આ સત્ય પર જ ભાર મુક્યો છે.

આપણે પ્રારંભમાં લોકશાહીની વાત કરી. પ્રાચીન ઉપનિષદોએ જાહેર કરેલ સત્ય ‘તત્વમસિ’ – ‘તે તું જ છે’, તેના કરતાં લોકશાહીનો વધુ મહાન પાયો બીજો કોઈ નથી. માણસની જ્ઞાતિ કે ધર્મ ગમે તે હોય, તે સ્ત્રી હોય કે પુરુષ, તે કોઈ પણ વંશનો હોય, પરંતુ દરેક વ્યક્તિ ઈશ્વરનું જ સ્વરૂપ છે. પૂર્ણ દિવ્યતા પ્રાપ્ત કરવાની તમામ તકો તેને આપવી જોઈએ. ‘તત્વમસિ’નો અર્થ આ છે. પાછળથી આવેલા બૌદ્ધ અને જૈન ધર્મોએ પણ દર્શાવ્યું કે, કોઈ પણ વ્યક્તિ ‘બોધીસત્વ’ – અથવા ‘અર્હત્’ થઈ શકે. જ્યાં સુધી તે તેને ન પ્રાપ્ત કરે, તેની આ નિયતિને પૂરી ન કરે, ત્યાં સુધી તેના જીવનનો ઉદ્દેશ પરિપૂર્ણ થતો નથી. યહૂદીઓ કહે છે, ‘માનવનો આત્મા એ પ્રભુનો દીવો છે.’ અને ઈસુ ઘોષિત કરે છે કે ઈશ્વરનું રાજ્ય તો તમારી અંદર છે.’ ‘શું તમે નથી જાણતા કે તમે પોતે જ પ્રભુનું મંદિર છો?’ તેમ સેન્ટ પૉલ કહે છે, ‘ઈશ્વરનું ચૈતન્ય તમારામાં વસે છે.’ મહમ્મદ પયગંબર કહે છે, ‘આપણી ડોકમાં રહેલ રક્તવાહિની કરતાં પણ તે આપણાથી વધુ નજીક છે.’ બીજા શબ્દોમાં કહીએ તો આ બધા જ મહાપુરુષો માણસને ઈશ્વરની તદ્દન સમીપ બતાવે છે. અને મનુષ્યની એ પવિત્ર ફરજ છે કે તેના શ્રેષ્ઠ ભાવિ તરફ પ્રગતિ કરે.

ભારતનાં બંધારણ દ્વારા આપણે સમાનતા અને ભ્રાતૃભાવ જેવા મહાન આદર્શો અપનાવ્યા છે. આપણે સમગ્ર દેશમાંથી અસ્પૃશ્યતાને તદ્દન નાબૂદ કરવી છે. તેમ છતાં આ બધાં હજુ આપણાં સ્વપ્ન જ છે. હજુ પણ તે ભવિષ્યની વાત છે. આપણે આવા સુંદર પાયાના સિદ્ધાંતો સ્વીકાર્યા છે, પરંતુ તેમને આચરણમાં કેમ મુક્યા નથી? આપણામાં રહેલી આ વિસંગતતાની વાત આપણા મહાન આચાર્યોએ વારંવાર વ્યક્ત કરી છે. વેદાંત દેશીકર કહે છે :

સ્વપચોડપિ મહીપાલ વિષ્ણુભક્તો દ્વિજાતિકઃ
વિષ્ણુભક્તિ વિહીનસ્તુ દ્વિજશ્ચ શ્વપમાધમઃ

‘આ જગતમાં માત્ર એક જ ભેદભાવ છે : તે છે પ્રભુના ભક્તો અને ભક્તિ વિનાના વચ્ચે, સારા અને ખરાબ માણસ વચ્ચે, સચ્ચાઈ અને અસચ્ચાઈ વચ્ચે. આ સિવાયના તમામ ભેદભાવ કૃત્રિમ છે.’ અને તેમને જેટલી જલ્દી દૂર કરાય તેટલું દેશ માટે સારું છે. તમામ મહાન સુધારકોએ હંમેશાં આ જ વાત ભારપૂર્વક કહી છે. શ્રીરામકૃષ્ણે પોતાનાં જીવન દરમિયાન જ્ઞાતિ કે ધર્મના ભેદભાવને કદિ સ્વીકૃતિ આપી ન હતી. એ જ રીતે મહાત્મા ગાંધી આવી બાબતોને ભૂતકાળની ઘટના માનતા હતા, કે જેને પાયાની વાસ્તવિકતા સાથે કોઈ જાતનો સંબંધ નથી. આપણાં એક ગીતમાં કહ્યું છે ‘માનવસેવા એ માધવસેવા છે.’ વિષ્ણુ પુરાણ કહે છે :

સ્વધર્મકર્મ વિમુખાઃ કૃષ્ણકૃષ્ણતિ વાદિનઃ
તે હરેર્દ્વેષિણો મૂઢાઃ ધર્માર્યંજાયતે હરિ:

‘સ્વધર્મકર્મવિમુખાઃ’ એટલે કે જેઓ આ દુનિયાનાં પોતાનાં કર્તવ્યો પ્રતિ ઉદાસીન છે તેઓ, ‘કૃષ્ણ કૃષ્ણેતિ વાદિન’, જેઓ માત્ર ‘કૃષ્ણ, કૃષ્ણ’ એમ જપે છે, તેઓ પ્રભુના દુશ્મન છે. ખુદ દેવો પણ પોતાને પ્રાપ્ત કર્તવ્ય બજાવવા અહીં પૃથ્વી પર આવે છે. સમગ્ર ‘ભગવદ્‌ગીતા’નો આદેશ કર્મ જ છે. લોકસંગ્રહ દ્વારા દુનિયાનાં બધાં ધ્યેયોનું ઐક્ય સાધવા તે આપણને કહે છે. ધર્મે આપણી સમક્ષ મુકેલ મહાન આદર્શોનું આચરણ કરવા આપણે હજુ યોગ્ય ન હોઈએ. પરંતુ આપણી ફરજ છે કે ધર્મના બે સિદ્ધાંતોને તો સ્વીકારીએ જ – એક, આત્મોન્નતિમૂલક જીવન દ્વારા ધર્મની પ્રાપ્તિ અને બીજો કોઈ જાતના ભેદભાવ વગર, માનવજાતિ પ્રત્યેના ભરપૂર પ્રેમ દ્વારા સાચા ધર્મની અભિવ્યક્તિ.

‘ગુહ્યં બ્રહ્મતત્ત્વં વોડબ્રવીત્ ન માનુષાત્ શ્રેષ્ઠતરં તુ કિંચિત્’

‘માનવ કરતાં વધુ મહાન કાંઈ નથી. અદૃશ્ય બ્રહ્મ તો અનુભવગમ્ય નથી. દૃશ્યમાન માનવ જ પ્રભુનું સ્વરૂપ છે.’ તેની સેવા કરવી એ જ પ્રભુને કરાતી સર્વોચ્ચ પ્રાર્થના છે. કોઈ ધર્મ જો વૈજ્ઞાનિક હોય અને આપણને બુદ્ધિનો ઉપયોગ કરવાનું, અને આપણી સગી આંખે નિરીક્ષણ કરવાનું કહે તેટલો લોકશાહીયુક્ત હોય તો તે છે આપણો ધર્મ. કોઈ બાબતને માત્ર વિશ્વાસથી અથવા તે કોઈ પયગંબરે કહી છે માટે સ્વીકારી લેવાનું તે કહેતો નથી. આપણને તમામની પરીક્ષા કરવાની છૂટ છે, આપણા જીવનમાં તે કરી જોવાની છૂટ છે, અને પછી બુદ્ધિ જેને મંજૂરી આપે તેનો જ સ્વીકાર કરવાનો છે. ‘પરીક્ષ્ય દૃષ્ટ્વા ગ્રાહ્યમ્ મદ્વચો ન તુ ગૌરવાત્’ ‘મારા પ્રત્યેના આદ૨ને લીધે હું કહું તે સ્વીકારશો નહિ. પરંતુ તેની ચકાસણી કરીને, પરીક્ષા કરીને, પછી તમને સંતોષ થાય તો જ સ્વીકારજો.’

લોકશાહીની વાત કરીએ તો આપણને થાય કે સાચી લોકશાહીમાં પુરુષો અને સ્ત્રીઓનું સ્થાન સમાન હોવું જોઈએ. સ્ત્રીઓનું સ્વાતંત્ર્ય એ આ યુગનું ખાસ પ્રદાન છે. આપણા દેશમાં શ્રીરામકૃષ્ણ અને ગાંધીજીએ સ્ત્રીઓનાં સ્વાતંત્ર્યમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. કેટલીક જગ્યાએ સ્ત્રીઓ હીન ગણાય છે. તેમ છતાં એકંદરે દેશ સ્ત્રીઓને ઉચ્ચ સ્થાન આપે છે. આપણે ઈશ્વરને પણ ‘અર્ધનારીશ્વર’ કહીએ છીએ. આપણે દેવી સરસ્વતીને વિદ્યાની દેવી તરીકે માન આપીએ છીએ – શ્રીરામકૃષ્ણ તો પરમેશ્વરની ‘મા’ તરીકે જ ઉપાસના કરતા. મનુસ્મૃતિ કહે છે : ‘જ્યાં સ્ત્રીઓની પૂજા થાય છે, ત્યાં દેવોનો વાસ હોય છે. જ્યાં તેમનો આદર થતો નથી, ત્યાં બધાં કામ નકામાં અને નિષ્ફળ જાય છે.’ ‘ગીત-ગોવિંદ’માં વર્ણન છે : ‘આકાશ વાદળોથી ઢંકાઈ ગયું હોય, આગળનો માર્ગ તમાલ વૃક્ષોથી આચ્છાદિત થઈ જાય, રાત્રીનો સમય હોય, કઈ દિશામાં જવું તે સૂઝ નહિ, ત્યારે તમે એક પ્રેમાળ નારાને શરણે જાવ. તમે એવી પરિસ્થિતિમાં, હો કે અંધકાર તમારી ઉપર હોય, અંધકાર તમારી આગળ હોય ત્યારે ‘રાધે, ગૃહં પ્રાપય,’ ‘રાધે, ગૃહં પ્રાય’ -એમ બોલવાનો આદેશ નંદ આપે છે, અને તમને રાધાજી ઘર સુધી લઈ જશે.’ એ બતાવે છે કે સ્ત્રીજાતિને આપણે કેટલો આદર આપતા. તેઓ જ માંદાંની માવજત કરે, ભણાવે, તેઓ જ શિક્ષણકારો છે. પતિ-પત્નિને ‘જાયા’ કહે છે, કેમકે તે ‘ફરી જન્મે’ છે. એટલે કે પત્નિની અસરથી તેને એક નવો જન્મ મળે છે.

કેટલીક બાબતોમાં સ્ત્રીઓ જુદી પડે છે. પરંતુ જ્યાં ઉચ્ચત્તમ પ્રશ્નની વાત હોય, જ્યાં પાયાની વસ્તુનું મૂલ્ય હોય, ભૌતિક જીવન અને આત્માના જીવન વચ્ચે સંઘર્ષની વાત હોય. અનિત્ય અને શ્રેષ્ઠતા વચ્ચેના સંઘર્ષની વાત હોય – આ બધી બાબતમાં તમામ માનવો એક જ નિયમને આધીન હોય છે, અને તેથી સૌને એક સમાન રીતે બૌદ્ધિક અને આધ્યાત્મિક વિકાસ માટે યોગ્ય ગણવાં જોઈએ. પ્રાચીન સમયમાં તો આ બાબતોમાં કોઈ ભેદભાવ ગણવામાં આવતો નહિ. પુરુષની જેમ જ કોઈ પણ સ્ત્રી પરમોચ્ચની પ્રાપ્તિ માટે તપસ્યા અને આધ્યાત્મિક સાધના કરી શકતી. પરંતુ ઈતિહાસમાં એક એવો સમય આવ્યો જ્યારે સ્ત્રીઓની બુદ્ધિમત્તાની આપણે અવગણના કરી, તેમને બાજુ પર મુકી દીધી. આનાથી દેશને ઘણું નુકશાન થયું છે. એ ખરું કે મોટા ભાગની સ્ત્રીઓ માટે લગ્ન અને માતૃત્વમાં જીવનની બધી પરિપૂર્ણતા આવી જાય છે. જેમ પુરુષ અને પ્રકૃતિને આપણે દ્વૈત ગણીએ છીએ, તેમ પુરુષ અને સ્ત્રી એકબીજાંનાં પુરક છે. પરંતુ લગ્નનો હેતુ બન્ને વચ્ચે ભૌતિક સ્તરે સંવાદિતા હોય એટલો જ નથી, પરંતુ બૌદ્ધિક અને આધ્યાત્મિક સ્તરે પણ પરસ્પરની સહાનુભૂતિ અને સહકાર હોય એ છે. પુરુષોમાં પણ કેટલાક એવા છે, અને સ્ત્રીઓમાં પણ કેટલીક એવી સ્ત્રીઓ છે, જેમને માટે માત્ર ઘર-ગૃહસ્થી એ તેમના સ્વભાવ માટે વિદેશી વસ્તુ હોય છે. આવા લોકો પર ગૃહસ્થાશ્રમ બળજબરીથી લાદવો ન જોઈએ. તેથી જ આપણે ‘બ્રહ્મચારીણીઓ’ તથા ‘સદ્યોવધૂ’ ને ભૂતકાળમાં સ્વીકૃતિ આપેલી છે; બંનેનો આપણાં શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. કુટુંબ પ્રત્યેનાં કર્તવ્યોથી નિરાશ થયા વિના, કેટલાક આધ્યાત્મિક જીવન જ ગાળવા ઇચ્છે છે, જેઓ આધ્યાત્મિક જીવનનો અંગીકાર કરે છે, અને અન્ય કશાની ઇચ્છા રાખતા નથી. આ વાત સ્ત્રી કે પુરુષ બંનેને લાગુ પડી શકે. સામાન્ય રીતે એવું કહેવામાં આવે છે કે શ્રીરામકૃષ્ણ ‘કામીની-કાંચન’થી બચવા પુરુષોને ચેતવણી આપતા, સાચું. તેઓ પુરુષોને પોતાની કામવૃત્તિથી ચેતવતા. – તો તે સાથે તેઓ સ્ત્રીઓને પણ પુરુષોથી અને પૈસાની લાલચથી સાવધાન રહેવા ચેતવતા. તેથી આમાં સ્ત્રીઓને આધ્યાત્મિક બાબતોમાં ઉતારી પાડવાની વાત જ નથી. તેમનો મતલબ એ હતો કે જો તમારે આધ્યાત્મિક જીવન જીવવું હોય તો, તમારી જાત પર સંયમ રાખવો પડશે. માત્ર એક શિસ્તથી સંચાલિત જીવન દ્વારા જ તમે આધ્યાત્મિકતાને પ્રાપ્ત કરી શકો. આમ કરવામાં બીજી જે કોઈ બાબત વચ્ચે આવે, તેને તમારે સો ગાઉ દૂર રાખવી. તેમ છતાં તેઓએ પોતે ઈશ્વરની માતા તરીકે જ ભક્તિ કરી છે, શ્રીશારદામણિદેવીને તેઓએ ખૂબ આદર આપ્યો છે, અને ભૈરવી બ્રાહ્મણી જેવી એક સ્ત્રી પાસેથી તેમણે આધ્યાત્મિક જ્ઞાન મેળવ્યું – આ ત્રણ બાબતો જ એ પુરવાર કરવા પૂરતી છે કે આધ્યાત્મિકતાની વાત હોય ત્યાં તેઓ સ્ત્રી પુરુષ વચ્ચે કોઈ ભેદ રાખતા નહિ. આજે હવે આપણે સ્વીકારીએ છીએ કે માત્ર રાજકારણના ક્ષેત્રમાં જ નહિ પણ જાહેર જીવનમાં પણ સ્ત્રીઓ તેમને તક મળતાં વધારે અસરકારક કામ કરી શકે છે. અહિંસા અથવા પ્રેમના તેઓ મસીહા છે, કેમ કે તેઓ વાસ્તવિક જીવનના ઘનિષ્ઠ સંપર્કમાં હોય છે, તેમનાં મૂળ વાસ્તવિક જીવનમાં મંડાયેલાં હોય છે. તેથી ઘણા પુરુષો પોતાની કડવાશ, વૈભવ કે ઉદ્ધતાઈને કા૨ણે જે કામ નથી કરી શકતા તેવાં કામો સ્ત્રીઓ કરી શકે છે. મહાભારતમાં એક શ્લોક છે:

મૃદૃના દારૂણં હન્તિ મૃદુના હન્ત્યદારૂણમ્
નાસેવ્યં મૃદુના કિંચિત્ તસ્માત્ તીક્ષ્ણત૨ં મૃદુઃ

મૃદુતા કે કોમળતાથી આપણે દારૂણ વસ્તુઓને તેમ જ મૃદુ વસ્તુઓને જીતી શકીએ છીએ. આ દુનિયામાં એવું કંઈ નથી કે જે કોમળતાથી જીતી ન શકાય. તેથી મૃદુતા તો આપણું અપ્રતિરોધ્ય શસ્ત્ર છે. પરંતુ તે માટે સંન્યાસી કે સંન્યાસીની થવાની જરૂર નથી. આપણા વેશથી કાંઈ ફેર પડતો નથી. ભગવાન બુદ્ધ કહે છે : ‘કેશાઃ કિમ્ અપરાધ્યન્તે,’ તમારા વાળે શો ગુનો કર્યો છે? ‘ક્લેશાનામ્ મુંડનં કુરુ.’ સાચી જરૂર તો હૃદયમાં રહેલ ક્લેષોને, દોષોને કાઢી નાખવાની છે. તમે ક્યા કપડાં પહેરો છો તે વિશે ચિંતા ન કરો. તમારા ‘કેશ’ કોઈ નુકસાન કરતા નથી, પરંતુ તમારા ‘ક્લેશ’ હૃદયને દુષિત કરે છે, અને તમારા સ્વભાવને બગાડી-નાખે છે. એટલે સાચી જરૂર ક્લેશના નાશની છે. તમે જે પહેરવેશ ધારણ કરો છો કે જે બાહ્ય આચાર સ્વીકારો છો, તેનાથી જ તમે સાચા સંન્યાસી અથવા સંસારી ગણાતા નથી. પરંતુ તમારા અંતરની અવસ્થા ઉપરથી ગણાવ છો. આપણે જાણીએ છીએ કે શ્રીરામકૃષ્ણની સમાધિ પછી શ્રીશારદામણિદેવી વરસો સુધી જીવ્યાં. ઠાકુરના શિષ્યો માટે તેઓ જ માર્ગદર્શક બની રહ્યાં. જે વ્યક્તિ તેમને મળવા જતી તે તેમની હાજરીથી અને તેમણે આપેલાં માર્ગદર્શનથી જ વધુ ઉન્નત બનીને બહાર આવતી. જેમને તેમને મળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું તેઓ બધા કહેતા કે શ્રીમા પવિત્રતા, જ્ઞાન, વિનમ્રતા અને મધુરતાની મૂર્તિ છે. તેમના મુખમાંથી કદિ કઠોર વચન નીકળ્યું નથી. તેઓ કડક હતાં, પરંતુ કઠોર ન હતાં. તેમને મળનારને એમ લાગતું કે પોતે એક મહાન ઋષિની સામે ઉભો છે, આ વ્યક્તિને પ્રભુ પ્રાપ્તિ થઈ છે, પૂર્ણબ્રહ્મનો સ્પર્શ મળ્યો છે, તેમને મળવા આવનારનો મોભો ગમે તે હોય, તેઓ સૌ પર સમાન રીતે કરુણા વર્ષાવતાં. આપણે એ સમજવું જોઈએ કે બધા મનુષ્યો આત્મવિકાસના એક સરખા સ્તરે હોતા નથી. તેથી તેમને એક જ ચોકઠાંમાં બાંધી શકાય નહિ. પ્રભુ પ્રાપ્તિ એ આપણી મહેચ્છા અને ઉત્તમ આદર્શ છે. આપણે તેમ ન કરી શકીએ તો ધ્યાન, ધારણા અને એકાગ્રતા દ્વારા પ્રયાસ કરવો જોઈએ. તેમ કરી શકવું કોઈ માટે કઠીન હોય તો આપણે કોઈ દેવની પૂજા અર્ચના કરવી જોઈએ. તેમ કરવું પણ મુશ્કેલ લાગે તો છે હોમ અને યાત્રા. ‘ઉત્તમા સહજા અવસ્થા’ એટલે ઈશ્વરના ભાવમાં ડૂબ્યા રહેવું, તેનામાં જ સંતૃપ્ત રહેવું. એવું જીવન જીવવું તે ઉત્તમ છે. પરંતુ એટલી ઉચ્ચકક્ષાએ તમે પહોંચી ન શકો, તો ‘દ્વિતીયા’ એટલે બીજી રીત ધ્યાન-ધારણા છે. પરંતુ આપણામાંથી કેટલાક ધ્યાન કરવા આંખો બંધ કરે, તો કંઈ દેખાતું જ નથી! આપણે એકાગ્રતા ન કરી શકતા હોઈએ, તો સામે કોઈની મૂર્તિ રાખો. તેથી ‘તૃતીય’ સ્થાને ‘પ્રતિમા પૂજા’ કહી છે. પરંતુ પ્રતિમા સામે પણ તમારું મન એકાગ્ર ન થાય તો કહ્યું છે ‘હોમ યાત્રા ચતુર્થિકા.’ તેનો અર્થ એ નહિ કે હોમ અને યાત્રા ઉત્તમ છે; તેમ એમ પણ નહિ કે ઈશ્વરની પૂજા શ્રેષ્ઠ છે, તેમ એમ પણ નહિ કે ધ્યાન-ધારણા શ્રેષ્ઠ છે. શ્રેષ્ઠ તો છે ઈશ્વરમય બની રહેવું, ‘સહજ-અવસ્થા.’ આપણે સૌએ ત્યાં સુધી પહોંચવા વિવિધ પ્રયાસ કરવાના છે.

શ્રીરામકૃષ્ણ અને દિવ્ય માનું સ્મરણ કરવામાં મહાન આનંદ એ મળે છે કે, થોડાક સમય માટે પણ, આપણા વિચારો દુન્યવી બાબતોમાંથી પાછા વળે છે, અને આપણને લાગે છે કે આપણે અહીં નીચે પૃથ્વી પર આવ્યા છીએ તે માત્ર કર્મ કરવા જ આવ્યા નથી, પરંતુ પૃથ્વીની ઉપર જે છે તેનું ચિંતન કરવા આવ્યા છીએ.

(અનુવાદ : પી.એમ.વૈષ્ણવ)

Total Views: 120

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.