ભૂકંપ પછી શું? ભૂકંપને કારણે ઉદ્‌ભવેલી અંધાધૂંધી અને ભયંકર તારાજીમાંથી સુવ્યવસ્થિત સંરચના સર્જીશું કે શું એ અંધાધૂંધી અને તારાજીમાંથી અવ્યવસ્થા સર્જીશું? ૨૬મી જાન્યુઆરીના ભયંકર ભૂકંપે કચ્છના ભૂજ, ભચાઉ, અંજાર, રાપરને લગભગ ભૂતકાળનાં શહેરો બનાવી દીધાં છે. ૨૭મી જાન્યુઆરીની સાંજના સાત વાગ્યે એટલે કે ભૂકંપ પછીની ૨૬મી કલાકે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની એક રાહતટુકડીએ મૃતદેહોને, એક પર બીજાને ખડકીને, લશ્કરી જવાનો અને બીજાં સ્વજનો અને સ્વયંસેવકો દ્વારા અગ્નિને ખોળે સોંપાતા જોયા. જૂનાં મકાનો કે ત્રણ-ચારથી માંડીને સાતમાળના મકાનોનાં કાટમાળ નીચે દબાયેલા, ફસાયેલા, કાળનો કોળિયો બની જતા લોકોને બચાવવાનો લોકો પ્રયત્ન કરતા હતા. કલેક્ટર કચેરી ધરાશાયી થઈ ગઈ અને સરકારી અતિથિગૃહ તો ગઈકાલની વાત બની ગયું. સરકારી અધિકારીઓ આવી વિષમપળે પણ રાહતકાર્યની વિવિધ પ્રવૃત્તિ માટે જ્યાં બને ત્યાં તંબુ ખોડવા મંડી પડ્યા. આખું ભૂજ શહેર લાઈટ વિના અંધારિયું બની ગયું. સંદેશ વ્યવહારનાં સાધનો અને પાણી પુરવઠો પણ બંધ થયા. જૂનું ભૂજ શહેર લશ્કરી જવાનોથી છવાઈ ગયું. આ જવાનો બચાવકાર્યમાં લાગી પડ્યા. કેટલાંક સ્થળે કોઈને અંદર આવવાની મના હતી કારણ કે ચોરી લૂંટફાટનો ભય રહેતો. કાટમાળની નીચે બચી ગયેલી માલમિલકતનું રક્ષણ કરવા લોકો મથતા હતા. જો કોઈ બચી જાય તો તે માટે પણ ચિંતાતુરતાથી બધું નિહાળતા હતા. કાટમાળ નીચે દટાયેલા લોકોના ચિત્કારો સંભળાતા હતા. જો કે હવે કાટમાળ નીચે દબાયેલામાંથી જીવંત બચવાની આશા ઓછી હતી. બચી ગયેલામાંથી કેટલાક જાન બચાવવા ભાગી છૂટ્યા હતા. અંદર ફસાયેલા કમભાગી માનવીઓ અસહાય અવસ્થામાં મૃત્યુના મોંમાં હોમાતા હતા. ભૂજનાં ચાર-ચાર માળનાં કેટલાંક મકાનો ૬ થી ૮ ફૂટની ગલીમાં સામ સામે કે આજુબાજુમાં આવેલાં અને આમાંથી એક મકાન પડે એટલે બીજાને ય ભેગાં લેતાં જાય એવાં અનેક દૃશ્યો સર્જાયાં છે. ઈટાલીના પોમ્પીની જાણે કે એક ઝલક ન હોય! પરદેશમાંથી આવેલી અને ભારતમાંથી આવેલી બચાવ રાહતટુકડીઓ પોતાની સાથેની સાધનસામગ્રી સાથે જીવતાને બહાર કાઢવા અને મૃતદેહોને હટાવવાના કામમાં લાગી ગઈ.

૩૧મી જાન્યુઆરીએ બપોર પછી વિદ્યુત પુરવઠો પુન: શરૂ થયો. પણ બહારના અજાણ્યા લોકોની અવરજવરને કારણે કેટલાક લોકો પોતાની ચીજવસ્તુઓની સલામતી માટે ચિંતિત જણાતા હતા. આખું ભૂજ શહેર ખાલીખમ હતું. સેંકડો બિનસરકારી સેવાભાવી સંસ્થાઓ આવા વિસ્તારોમાં પ્રવેશતી હતી. તેમાંથી કોને આપવું, ક્યારે આપવું, કેવી રીતે આપવું વગેરેથી અજાણ સંસ્થાઓ રોડ ઉપર માર્ગદર્શનના અભાવે વિતરણકાર્ય માટે મુંઝાતા હતા. આટલા બધા મોટા વિસ્તારમાં આવડી મોટી તારાજી અને તે ય પણ ઓચિંતાની સર્જાયેલી તારાજીએ ઘણી અવ્યવસ્થા સર્જી હતી. વારંવાર આવતા ભૂકંપના આંચકા, ગુમાવેલાં સ્વજનોનું કરુણ દુ:ખ, સંપત્તિ ગુમાવ્યાની પીડા, ઘર-ખોરડાં નષ્ટ થયાંની વેદના, સર્વત્ર જોઈ શકાતી હતી. કેટલાક લોકો પોતાનાં નષ્ટ થયેલાં મકાનોની આજુબાજુ ચિંતામગ્ન ચહેરે રહીસહી જણસોને જાળવવા ત્યાં ને ત્યાં જ પડ્યા રહ્યા. ૩૧મી જાન્યુ.ની રાતે ૧૧.૪૫ વાગ્યે અને ૧લી ફેબ્રુઆરીએ સવારે ૫.૫ મિનિટે અને ૫.૧૦ મિનિટે થોડા પ્રબળ ઝટકા આવ્યા પણ અત્યંત અલ્પ સેંકડો માટે. સદ્‌ભાગ્યે ભૂજનું શ્રીરામકૃષ્ણ મંદિર અને અતિથિગૃહ થોડી તીરાડો સિવાય સલામત રહ્યા. આંચકાના ભય સાથે અમે અંદર સૂતા, લોકો તો અમને અંદર સૂવાની ના કહેતા હતા. રક્ષામંત્રી શ્રી જ્યોર્જ ફર્નાન્ડિઝ અને લશ્કરની તત્કાલ સહાયથી તંત્ર ફરીથી ચેતનવંતુ બન્યું. ૧લી ફેબ્રુઆરીની સવારે કચ્છના નેતા અને ઉદ્યોગમંત્રીશ્રી સુરેશભાઈ મહેતાને કચ્છના રાહતકાર્યનો કાર્યભાર સોંપાતા, બરોડાના કલેક્ટરશ્રી અનિલ મુકિમ, ભૂજના કલેક્ટર નિમાતા અને સમગ્ર વ્યવસ્થા તંત્ર માટે વહીવટી નિષ્ણાત એસ. જગદીશનની નિમણૂંક થતાં કાર્યને ઘણો વેગ મળ્યો. ૭મી ફેબ્રુઆરી સુધીમાં ભૂજ લગભગ સામાન્ય પ્રવૃત્તિઓ તરફ ધમધમતું બન્યું. અંજારની પરિસ્થિતિ જુદી હતી. ત્યાં પણ કાટમાળને ખસેડવાનું અને એ વિસ્તારમાં સુવ્યવસ્થા લાવવાનું કાર્ય શરૂ થવા લાગ્યું. ૧૨મી ફેબ્રુઆરીએ જ્યારે અમે ભૂજમાંથી બહાર નીકળતા હતા ત્યારે પુન: પ્રવૃત્તિઓથી ધમધમતું ભૂજ જોવા મળ્યું પણ આ ભૂજ ગઈકાલ કરતાં જુદું ભૂજ હતું. ગઈકાલનું ભૂજ તો ગયું! આ બચી ગયેલા ભૂજને જીવાડવું હોય તો એણે ભૂકંપથી આરક્ષિત બની શકે તેવાં મકાનો, વ્યાપાર બજારો, નવાં આયોજનો, નવાં માસ્ટર પ્લાન સાથે થોડાં વર્ષો સુધી મથવું પડશે. ભૂજની આજુબાજુના ગામડાંની દશા તો ભય જનક હતી. ભૂજ તરફ બધાંનું ધ્યાન દોરાયેલું રહ્યું પણ ધીમે ધીમે તેની આજુબાજુના ગામડાં પર વિશ્વના લોકોની નજર પડવા માંડી.

ભૂજના શ્રીરામકૃષ્ણ મંદિર અને ભૂજથી ૨૪ કિ.મી. દૂર આવેલા ધાણેટીમાં શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટે પોતાની રાહતસેવાની ચીજવસ્તુઓના વિતરણ માટે બે કેન્દ્રો શરૂ કર્યાં. ધાણેટીથી આજુબાજુના ૫૮ ગામડાંમાં આ ચીજવસ્તુઓ પહોંચાડવામાં આવતી હતી. અમારી સંસ્થા દ્વારા રાજકોટ જિલ્લાના મોરબી, વાંકાનરે, ટંકારા અને માળિયા તાલુકામાં, જામનગર જિલ્લાના જોડીયા તાલુકા અને કચ્છના ભૂજ, અંજાર, ભચાઉ, રાપર, માંડવી અને ગાંધીધામ તાલુકાના ૧૭૦ થી વધુ ગ્રામ્ય અને ૯ થી વધુ શહેરી વિસ્તારોનાં અસરગ્રસ્ત ૪૫ હજાર કુટુંબો અને ૨,૨૫,૦૦૦ થી પણ વધુ લોકોને આ રાહતસેવામાં આવરી લીધાં છે. ૨૬મી ફેબ્રુઆરી સુધીના આ રાહતકાર્ય હેઠળ રૂપિયા ૧,૪૧,૯૯,૪૬૦ વાપરવામાં આવ્યા છે. લોકોને અનાજ, કપડાં, ધાબળા, ટેન્ટ, પ્લાસ્ટિક શિટ્સ, પતરાં, વગેરેનું વિતરણ કરવામાં આવ્યું છે. હજુ આ કાર્ય ચાલું છે. અમારાં રામકૃષ્ણ મિશન, લીંબડી દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના હળવદ, લીંબડી, ચૂડા, સાયલા અને વઢવાણ તાલુકાના ૨૨ ગામડાંના ૨૧૦૦ પરિવારને જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ ઉપરાંત ધાબળાં, પ્લાસ્ટિક શિટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેવી જ રીતે રામકૃષ્ણ મિશન, પોરબંદર દ્વારા જામનગર, પોરબંદર અને રાજકોટ જિલ્લાના ૭ તાલુકાના ૫૦ગામડાંના ૩૫૦૦ કુટુંબોને ૧૫,૦૦,૦૦૦ રૂપિયાની ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

૧૬મી ફેબ્રુઆરીએ રામકૃષ્ણ મિશને ભૂજથી ૨૪ કિ.મી. દૂર આવેલા ધાણેટી ગામના પુનર્વસવાટ આયોજન માટે ધરતીકંપથી સુરક્ષિત રહે તેવાં ૨૦૦ આવાસી મકાનો, શાળા, પ્રાર્થનામંદિર-સમાજમંદિર, દવાખાનું, પંચાયતઘર, બાળક્રીડાંગણ સાથેની એક નવી વસાહતનું ભૂમિપૂજન રામકૃષ્ણ મઠ અને મિશનના જનરલ સેક્રેટરી શ્રીમત્ સ્વામી સ્મરણાનંદજી મહારાજના વરદ્ હસ્તે અને સ્વામી વાગીશાનંદજી મહારાજ, સ્વામી ભજનાનંદજી મહારાજ, સ્વામી જિતાત્માનંદજી મહારાજ તેમજ અન્ય સંન્યાસીઓ અને ગુજરાત રાજ્યના ઉદ્યોગમંત્રીશ્રી સુરેશચંદ્ર મહેતા અને આઈ.એ.એસ. અધિકારીશ્રી એસ. જગદીશનની વિશેષ ઉપસ્થિતિમાં-સંપન્ન થયું. શ્રીસુરેશચંદ્ર મહેતાએ દેશભરની કોઈ પણ આપત્તિની પળે સેવકાર્ય માટે પહેલ કરનાર રામકૃષ્ણ મિશનની પ્રવૃત્તિઓને બિરદાવી હતી. આ ગામમાં બે વર્ષ પહેલાં શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા એક હાઈસ્કૂલ પણ બાંધી આપવામાં આવી હતી. સદ્‌ભાગ્યે આ મકાન સહી સલામત છે અને અમારી રાહતસેવા અને વિતરણ પ્રવૃત્તિનું એ શાળાનું મકાન એક કેન્દ્ર બની ગયું છે. હવે જરૂર છે ભાવિ ધરતીકંપથી બચી શકતાં મકાનોનાં બાંધકામની.

ધરતીકંપના ૧૯મે દિવસે પણ અને આજે આવતા સામાન્ય આંચકાઓ પણ લોકોમાં આત્મવિશ્વાસનો અભાવ અને ભયની લાગણી પ્રસારી દે છે. ભય અને શ્રદ્ધા વિહોણા લોકો ભૂજ છોડીને બહાર જવા મંડ્યા છે. અમે એમને આ ભયંકર તારાજીમાંથી અને ભયના ઓથારમાંથી બહાર લાવવા અને લોકોમાંથી ચાલ્યા ગયેલા આત્મવિશ્વાસને પુન:સ્થાપિત કરવા વધુ સારા ભૂજનું, કચ્છનું નિર્માણ કરવા માગીએ છીએ. નવનિર્માણનો આ તબક્કો ભૂજના જૂના જીવનમાં આવેલા અવ્યવસ્થા અને અંધકારને દૂર કરશે. આધુનિક વિજ્ઞાને વૈજ્ઞાનિક રીતે સિદ્ધ કરેલું સત્ય, એક વિશિષ્ટ બાબત ૧૯૬૫માં શોધી કાઢી છે કે સમૂળગા વિનાશમાંથી નવાં સર્જન નવી વ્યવસ્થાઓ જન્મે છે. આ સત્યશોધન માટે ઈલીયા પ્રિગોઝેનને નોબેલ પારિતોષિક મળ્યું હતું. થર્મોડાયનેમિક્સ-ઉષ્મા ગતિવિદ્યાના બીજા નિયમ પ્રમાણે દરેક ચીજવસ્તુઓ વિનાશમાંથી વહી રહી છે. આ વિધાનનો વિરોધ આ નવું સંશોધન કરે છે. એમ લાગે છે કે ભૂજમાં આવાં જ નવસર્જનની નવી જ વ્યવસ્થાની એક વિશેષ ઘટનાનો અનુભવ કરીશું.

આ આકસ્મિક આવી પડેલી ભયંકર આપત્તિની પળે આપણા દેશની પ્રજા તો સહાય કરવા આતુર બનીને નીકળી પડે એ તો સ્વાભાવિક વાત છે. પરંતુ આજે તો જાણે દેશદેશના સીમાડાઓ ભૂંસાતા હોય તેવું સહાયનું, ભયંકર વિનાશમાંથી નવસર્જન કરવાનું, પોતાના માનવભાંડુઓને તન-મન-ધનથી સમાશ્વાસન પાઠવવાનું જાણે કે એક મંગલટાણું આવી લાગ્યું હોય એવું આપણે સૌ અનુભવી શકીએ છીએ. વિનાશની આ પળે વિશ્વભરનાં રાષ્ટ્રો દ્વારા સહાયક ટુકડી, બચાવ ટુકડી, ભયંકર ભૂકંપની પળે જરૂરી ચીજવસ્તુઓનો અવિરત પ્રવાહ અને આ પ્રજાને ફરીથી ભાવિમાં આવનારા ભૂકંપમાંથી બચી શકે તેવાં મકાનો, આવાસો, વગેરેની વ્યવસ્થા માટે, વિનાશ પછીના માનવીના નવસર્જન માટે, લમણે હાથ દઈને બેઠેલા માનવને ફરીથી હૈયામાં હામ ઊભું કરીને બેઠો કરવાના ભગીરથ પ્રયત્ન માટે નાણાંનો અવિરત ધોધ વહી રહ્યો છે. અમેરિકા, રશિયા, યુરોપનાં વિવિધ રાષ્ટ્રો, એશિયાનાં રાષ્ટ્રોએ જાણે કે સહાયનો અવિરત પ્રવાહ વહાવ્યો છે. આપણે એ ન ભૂલવું જોઈએ કે આ ધન, આ માલસામગ્રી આપણા દુ:ખી માનવ બંધુઓની સહાય માટે આવ્યાં છે. એનો પૈસે પૈસો પ્રજાના ક્ષેમકલ્યાણ અર્થે, એ પ્રજાને ફરીથી સુવ્યવસ્થિત રીતે વિસ્થાપિત કરવાના મંગલકાર્યમાં વપરાય એ જોવાની આપણી સૌની, પ્રજાજનોની, રાષ્ટ્ર કે રાજ્યની ધુરા સંભાળતા ધુરંધરોની તેમજ સમગ્ર વહીવટીતંત્રનું સંચાલન કરતા વહીવટદારોની એક ફરજ બની રહી છે, એમને માટે આ એક ધર્મ બની રહે છે. 

રખેને આ ફરજ-ધર્મની વાત આપણે ભૂલી જઈએ એટલે ફરીથી આપણે આપણા આ મંગલકાર્ય માટેના, પ્રજાજનો માટેના કલ્યાણકાર્યના આરંભથી અંત સુધી કોઈ આપણી સામે આંગળી ચીંધી ન જાય એ માટે સદા જાગ્રત રહેવાની, પ્રજા માટે આવેલા આ નાણાંના રખેવાળ રહેવાની સલાહ આપવાની અમને ઇચ્છા થઈ આવે છે. આ ધન ઘરે ઘરે ભટકીને ભેગું કરેલું ધન છે, એ ધર્મધન છે. એટલે વધારે સાવધ, જાગ્રત રહીને એમાં પોતાનું ઉમેરીને કામ થવું જોઈએ, સવાયું કામ થવું જોઈએ. ભવિષ્યમાં સૌ કોઈની નજરે ચડે તેવું ચિરસ્મરણીય સુકાર્ય થવું જોઈએ. સ્વામી વિવેકાનંદ કહે છે : ઈશ્વર વેર વાળતો નથી, પરંતુ ઈતિહાસ જરૂર વેર વાળે છે. આ ઘટનાને ઈતિહાસની પ્રતિહિંસા કે વેર કહેવાય છે. જો આપણે ગરીબમાં ગરીબ માણસના મોઢાનો કોળિયો ખાઈ જશું તો ઈતિહાસ મારા મોંમાંથી એ કોળિયો જરૂર ખૂંચવી લેશે, પછી ભલે ને આપણે ગમે તેવા સત્તાધીશ હોઈએ કે ધનવાન હોઈએ. આપણે સૌ આપણા લોભ-થોભ-મોહને છોડીને આપણી જાત પર સંપૂર્ણ સંયમ કેળવીને ગાંધીજીના ટ્રસ્ટીશીપની ભાવના મૂજબ એક સાચા ટ્રસ્ટી બનીને આ મહાન ભગીરથકાર્યને આપણા ખભે ઉપાડીને સારી રીતે, તંદુરસ્ત રીતે પાર પાડીએ. 

હજારો કુટુંબો આશ્રય વિહોણાં બન્યાં છે. એમને માટે ઊંચે આભ અને નીચે ધરતી સિવાય બીજું કશું નથી. આ વસમી વેળાએ, આ વિપત્તિની વેળાએ આપણે સૌ સાથે મળીને આ પ્રજાજનોમાં આત્મવિશ્વાસ અને જોમ જગાડીએ અને એક નવી સંરચના ઊભી કરીએ.

ભવિષ્યમાં આવનારા વધારે મોટા ધરતીકંપનો સામનો કરી શકે તેવાં મકાનોવાળી વસાહતો આપણે ઊભી કરવી પડશે. આવી આપત્તિની પળે જાપાનની શાળાઓમાં એ લોકોને જેવી અદ્યતન જાગૃતિની તાલીમ આપવામાં આવે છે તેવી તાલીમ પણ આપવી પડશે. આ પ્રજાજનોને બેઠા કરવા આપણે સાવત્રિક પુરુષાર્થ કરવો પડશે અને તે પણ નિષ્કામભાવે, સેવાભાવે. આ આપણી રાષ્ટ્રિય જવાબદારી છે અને એ જવાબદારીને ચાલો આપણે આપણા ખભે ઉપાડી લઈએ અને આ અશક્ય જણાતા કાર્યને પૂર્ણ કરીએ. 

આજે આપણને આદર્શ, નિ:સ્વાર્થ અને કુશાગ્ર બુદ્ધિવાળા અને પ્રવૃત્તિશીલ સમાજવીરોની અને નેતાઓની જરૂર છે. શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદે આપેલા અનન્ય સેવામંત્ર ‘આત્મનો મોક્ષાર્થં જગત્ હિતાય ચ’ કે ‘શિવજ્ઞાને જીવસેવા’ ને નજર સામે રાખનારા અને આ બધા દુ:ખી માનવોની સેવા એ જ સાચી પ્રભુ સેવા છે, પ્રત્યક્ષ પ્રભુ સેવા છે એવા સેવાભાવીઓને લોકો કદીયે ભૂલવાના નથી. આવા સેવાભાવી વીરોની આવી દુ:ખની વેળાએ સૌથી વધુ જરૂર પડે છે. આપણે એ ધ્યાનમાં રાખવું જોઈએ કે આવાં કાર્યો જીવનની ઉચ્ચતમ લબ્ધિ આપણને અપાવે છે. મહાત્મા ગાંધી અને વિવેકાનંદે ચીંધેલા સેવાના માર્ગે ચાલીને ભૂજનો, કચ્છનો ઈતિહાસ બદલવા આવા બલિદાન આપનારા અને સૌનું સુખ સાધનારા વીરોને ઊભા કરશે.

Total Views: 128

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.