મારાં રોષે જરી જ્યાં નયન ભરું તહીં, વહ્નિઝાળો ભભૂક્યે,
હેલે લીલાં ચડ્યાં સૌ વન, ઉપવન ને વૃક્ષનાં વૃન્દ શૈલો,
જેનાં નેણે નિહાળ્યા શત શત ઈતિહાસો મહામાનવીના,
તે સર્વેં એકસાથે, ઘડી અધઘડીમાં ભૂખરી ભસ્મ થાયે.
હું મારો ફેરવું જ્યાં સબળ કર તહીં, સાગરે શૈલ જાગે,
ને મારા સ્પર્શમાત્રે અતલ સમદરે, શૈલના શૈલ ડૂબે,
હુંકારે સ્હેજ મારા પ્રકૃતિ થરથરે, દિગ્ગજો દૂર નાસે,
મારા ઘેરા નિનાદે અબળ સબળને, સ્વેદ અંગે વછૂટે.
સૂતેલા મેં જગાડ્યા કંઈ કંઈ ધરણી ખંડને નીંદમાંથી,
સુવાડ્યાં કૈંક રાષ્ટ્રો સમદરજળની સેજમાં મેં ઘડીમાં;
મેં લોપ્યાં સંસ્કૃતિનાં વિધવિધવરણાં, ચિત્ર ફુત્કારમાત્રે,
મારા લીલાવિલાસે પ્રલયસૃજનનાં કારમાં દૃશ્ય જાગે.
સંહારી ર્જીણતાને, સરજન નવલાં કાજ માર્ગો ઉઘાડું,
પૃથ્વીના ફેફસામાં પ્રતિસમય રહું પૂરી હું પ્રાણવાયુ.

૨૬મી જાન્યુઆરી, આપણો પ્રજાસત્તાકદિન અને ૨૦૦૧ની આ સાલ, શુક્રવારની સવારે, દેશભરમાં એની દબદબાભરી ઊજવણીની જોરદાર તૈયારી અને લગભગ એ જ સમયે કચ્છમાં ભૂકંપે વિનાશનું તાંડવ રચ્યું. ભીષણ કંપથી કચ્છ લગભગ આખું સાફ થઈ ગયું. મોટી મોટી ઈમારતો જમીન દોસ્ત થઈ ગઈ, કંઈક મકાનો જમીનમાં ગારદ થઈ ગયાં. અગણિત માનવીઓ, આબાલવૃદ્ધ, સૌ પશુ-પંખીઓનો તો સોથ વળી ગયો. માલ-સામાન, ધન-દોલત, સોનું-ચાંદી બધું જ ગાયબ. સમગ્ર કચ્છ દોઢ મિનિટમાં જ માત્ર કબ્રસ્તાન બની ગયું. ગુજરાત અને સમગ્ર દેશ હતપ્રભ બની ગયો. લોકો ભયભીત થઈ ગયા અને ભયના ઓથાર નીચે સૌ કંપવા લાગ્યા. વિશ્વભરમાંથી સહાયનો પ્રવાહ શરૂ થયો. હજી આજે પણ જીવતાં રહેલાં કચ્છના લોકોનાં હીબકાં શાંત નથી પડ્યાં.

પ્રસ્તુત કાવ્ય ‘ભૂકંપ’ વિશે જ છે. શેક્સપીરીઅન પ્રકારનું આ ‘સોનેટ’ એના બંધારણ પ્રમાણે ચાર, ચાર પંક્તિઓની ત્રણ કડી અને છેલ્લે બે પંક્તિઓનું બનેલ કાવ્ય છે. પણ ‘સોનેટ’નો સ્વભાવ જ કંઈ જૂદો હોય છે. પહેલી ત્રણ કડી જે વિચાર ગંભીરતાપૂર્વક, ભાવપૂર્વક બતાવે ત્યાં ત્રીજી કડીને અંતે વિચારમાં, ભાવમાં જબરો ફેરફાર આવી જાય! એક નવો જ મોડ, નવો જ વળાંક! આપણે આશ્ચર્યમાં પડી જઈએ.

આ કાવ્યમાં કવિએ ‘ભૂકંપ’નો મિજાજ બતાવ્યો છે. એ પોતે પોતાની તાકાત ઉપર કેટલો મુસ્તાક છે. એની વાત કવિએ અહીં રજૂ કરી છે. તો ‘ભૂકંપ’ને જ આપણે સાંભળીએ, અનુભવીએ અને છેવટે એની ભાવનાને મૂલવીએ. ભૂકંપ કહે છે – ‘હજુ આંખોમાં તો ક્રોધ આવ્યો ન આવ્યો ત્યાં તો, વન-ઉપવન, વૃક્ષો અને પર્વતો બધાં જ અગ્નિઝાળમાં બળીને ખાક થઈ જાશે. જે ભૂકંપની દૃષ્ટિએ, માનવજાતની પ્રગતિને, સાંસ્કૃતિક વારસાને બારીકાઈથી નિહાળ્યો એ કાચી સેકંડમાં ભૂખરા રંગની ભસ્મ થઈ જશે.

જેનાં નેણે નિહાળ્યા શત શત ઈતિહાસો મહામાનવીના,
તે સર્વેં એકસાથે, ઘડી અધઘડીમાં ભૂખરી ભસ્મ થાયે.

પ્રથમ કડીમાં પ્રકૃતિ ઉપર ‘ભૂકંપ’ની કેવી ભયાનક અસર થાય છે તે આપણે જોયું. સાથે સાથે સંસ્કૃતિ પણ ભૂકંપની હડફેટે કેવી ચડી જાય છે એનો પણ અનુભવ કર્યો અને આ ઉથલપાથલ ફક્ત ઘડી-અધઘડીમાં જ. કચ્છનો ધરતીકંપ ફક્ત એક મિનિટ અને ૬ સેકંડ જ ચાલેલો. પણ એણે વેરેલા વિનાશની કલ્પના કરવી પણ મુશ્કેલ બને છે.

પ્રથમ કડીમાં ‘આંખ લાલ કરી’ – ધરતીકંપે ત્યાં તો બધું હતું ન હતું થઈ ગયું. હવે બીજી કડીમાં, ધરતીકંપ પોતાનો સબળ હાથ જ્યાં ફેરવે છે ત્યાં શી પરિસ્થિતિ ઊભી થાય છે તે જોઈએ :

હું મારો ફેરવું જ્યાં સબળ કર તહીં, સાગરે શૈલ જાગે,
ને મારા સ્પર્શમાત્રે અતલ સમદરે, શૈલના શૈલ ડૂબે,
હુંકારે સ્હેજ મારા પ્રકૃતિ થરથરે, દિગ્ગજો દૂર નાસે,
મારા ઘેરા નિનાદે અબળ સબળને, સ્વેદ અંગે વછૂટે.

ભૂકંપના સ્પર્શમાત્રથી જ્યાં પાણી છે ત્યાં પર્વત ઊભા થઈ જાય છે અને જ્યાં પર્વત છે ત્યાં અફાટ પાણી ફરી વળે છે. અને સ્હેજ હુંકાર માત્રથી દિગ્ગજો કાંપી ઊઠે છે અને ભાગી છૂટે છે. (દરેક દિશામાં દિક્પાળ સાથે કલ્પવામાં આવેલ હાથી: ઐરાવત, પુંડરિક, વામન, કુમુદ, અંજન, પુષ્પદંત, સાર્વભૌમ અને સુપ્રતીક એ આઠ દિગ્ગજો છે.) અને ભૂકંપના ઘેરા અવાજથી અબળા-સબળાને તો પરસેવો છૂટી જાય છે.

કચ્છના ભૂકંપનાં વર્ણનો વાંચતાં કે દૂરદર્શન ઉપર સમાચારો સાંભળતાં કે આંખો સામે દૃશ્યો જોતાં ભલભલાનાં છાતીનાં પાટિયાં આજે પણ ભીંસાતા લાગે છે. ભૂકંપની ભયાનકતાની આ છે ઘેરી અસર. સૂતેલાં અનેક રાષ્ટ્રોને ક્ષણમાત્રમાં મેં જ જગાડ્યાં તો કંઈક રાષ્ટ્રોને પળમાત્રમાં સુવાડી પણ દીધાં. સાંસ્કૃતિક પ્રગતિનાં દીઠે જોવાં ગમે એવાં અનેક ચિત્રો મારા ફુત્કારમાત્રથી લોપાઈ ગયાં અને આવા મારા લીલા વિલાસથી સર્જન અને વિસર્જનનાં અનેક દૃશ્યો આપણી સમક્ષ ફરી ખડાં થયાં.

મેં લોપ્યાં સંસ્કૃતિનાં વિધવિધવરણાં, ચિત્ર ફુત્કારમાત્રે,

મારા લીલાવિલાસે પ્રલયસૃજનનાં કારમાં દૃશ્ય જાગે.

આપણે પ્રકૃતિને દ્વંદ્વાત્મક કહીએ છીએ. જન્મથી શરૂ કરીને મરણ સુધી જીવનને દ્વંદ્વ સાથે જ વ્યવહાર કરવો પડે છે. જન્મ-મરણ, રાગ-વિરાગ, પ્રકાશ-અંધકાર, દિન-રાત્રિ, સર્જન-વિસર્જન, સૃજન-પ્રલય, ભરતી-ઓટ વગેરે. એટલે સુખ-દુ:ખનો આ ઘટનાક્રમ તો ચાલતો જ રહેવાનો. ક્યારેક વસંતનો મુલાયમ સ્પર્શ તો ક્યારેક પાનખરની ક્રૂર થપાટ, ક્યારેક અંધકારમાં લપેટાઈ જવાનું તો ક્યારેક પ્રકાશકિરણને પામવાનું, ક્યારેક શહનાઈનું વાદન તો ક્યારેક માતમ. પણ માનવજાતના આ દ્વંદ્વના અનુભવો સુખદ કરતાં દુ:ખદ વધુ લાગે છે. આપણા જ કોઈ કવિએ ગાયું છે :

‘છે માનવી જીવનની ઘટમાળ એવી,
દુ:ખ પ્રધાન સુખ અલ્પ થકી ભરેલી.’

પરંતુ એ દુ:ખ, અંધકાર, વિસર્જન કે મૃત્યુમાં પણ જે માંગલ્યનાં દર્શન કરે છે એ દ્વંદ્વાતીત સ્થિતિને પામી જાય છે.

આ કાવ્યમાં, ભૂકંપ કેવો ભરડો લે છે એ પહેલી ત્રણ કડીમાં આપણે જોયું. હવે સોનેટના સામાન્ય નિયમ પ્રમાણે છેલ્લી બે પંક્તિમાં એકાએક પલટો આવે છે. કરડાકી ભરી કુદરતમાં કોમળ સ્પંદનો જાગે છે. વિનાશકારી ભૂકંપ સૃજનનો સૌમ્ય સંદેશ આપણને સંભળાવે છે :

સંહારી ર્જીણતાને, સરજન નવલાં કાજ માર્ગો ઉઘાડું,
પૃથ્વીના ફેફસામાં પ્રતિસમય રહું પૂરી હું પ્રાણવાયુ.

હવે તબાહી નહિ આબાદી, વિસર્જન નહિ સર્જન, અંધકાર નહિ પણ પ્રકાશ, પ્રદૂષિત વાયુથી ગુંગળાવાનું નહિ પણ તાજા પ્રાણવાયુથી નવજીવન પ્રાપ્ત કરવાનું આવે છે. આપણે ત્યાં ઉત્પત્તિ, સ્થિતિ અને લયનો જે ખ્યાલ છે એ સૌએ સમજવા જેવો છે અને એ પ્રમાણે સંસારનો ક્રમ ચાલતો જ રહ્યો છે અને ચાલશે.

ધરતીકંપ, વાવાઝોડું, દુષ્કાળ કે અતિવૃષ્ટિ અથવા તો મહામારી શા માટે આવે છે એની ચર્ચા અહીં અસ્થાને છે.

– અર્થશાસ્ત્રની ‘માલ્થસ થીઅરી’.

– આપણી ‘કર્મ’ની વિચારસરણી.

– પાપીઓનો નાશ અને પુણ્યશાળીઓનો ઉદ્ધાર.

પરંતુ ઉપરની કોઈ પણ વિચારસરણીથી આપણને સો ટકા સમાધાન નથી મળતું. આપણે તો બીજું કશું જ સમજવાને બદલે ‘ભૌગોલિક પરિસ્થિતિ’માં થયેલ ફેરફાર, બસ એટલું જ સમજીએ તો પણ ઘણું.

શ્રી અરવિંદે ‘કાળપુરુષ’ વિશે લખ્યું છે :

‘સંસ્થાઓ, સામ્રાજ્યો, સંસ્કૃતિઓ એ તો કાળપુરુષના હાથમાં રમતના લખોટા છે. જીવન અને મૃત્યુની લાલ-લાલ મદિરા એ પીતો હોય છે. માનવનાં આંસુ અને હાસ્ય અને મૃત્યુની છલકતી સુરાથી ચકચૂર આ કાળપુરુષ બેઠો છે. અને રમ્યે જાય છે એ લખોટાથી. અને આ ‘કાળપુરુષ’ એ જ ‘મહાકાળ’.’ (સહજ સત્સંગ, ફેબ્રુ.માર્ચ-૨૦૦૧ પૃ. ૫૦)

વર્તમાન પરિસ્થિતિમાં ઘેરેઘેરે મૃતાત્માઓની શાંતિ માટે આપણે સૌ પ્રાર્થના કરીએ, જે લોકોએ પોતાનાં કુટુંબીજનો ગુમાવ્યાં છે એમનાં કુટુંબીજનો બનીને આપણે રહીએ, વિકલાંગ બનેલ ભાઈ-બહેનોનાં આપણે પોતે અંગ સમાન બનીએ, આળાં હૃદયોનો વિસામો આપણા ઘરને બનાવીએ.

ચંડીપાઠ, અધ્યાય ૧૧માં, નારાયણીને નમસ્કાર કરીને દેવોએ દેવીની પ્રાર્થના કરતાં ગાયું છે :

શરણાગત દીનાર્ત પરિત્રાણ પરાયણે ।
સર્વસ્યાર્તિહરે દેવિ નારાયણિ નમોઽસ્તુતે ॥

આપણે ‘મા’ને પ્રાર્થીએ :

મંગલમયી મા મંગલ કરજો!
મંગલમયી મા મંગલ કરજો!

અને ફરી નવસર્જનનાં ગીતો ગાતાં આગળ વધીએ, નિરાશાને ખંખેરી બેઠાં થઈએ. અંધકારને દૂર કરવા ફરી સૂરજને શોધી લાવીએ.

‘જબ સે કિસીને કરલી હૈ સૂરજ કી ચોરી આઓ
ચલ કે સૂરજ ઢુંઢે, ઔર ન મિલ તો કિરન કિરન,
ફિર જમા કરેં હમ, ઔર એક સૂરજ નયા બનાયે.’

(ગુજ.સમા. મંગળવાર, ૧૩,ફેબ્રુ.પા.૩)

આસ્વાદક : ક્રાંતિકુમાર જોષી

Total Views: 113

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.