(જાન્યુઆરી થી આગળ)

આખી દુનિયામાં વેદાન્તનું એ જ કામ છે. શબ્દના સંકુચિત અર્થમાં આપણે તેને ધર્મ કહેતા નથી; આપણે તેની રજૂઆત જીવનની એક સંપૂર્ણ ફિલસૂફી તરીકે, વિજ્ઞાન તરીકે અને સર્વતોમુખી માનવીય વિકાસની પ્રક્રિયા તરીકે કરીએ છીએ.

ગીતાની યોગ ફિલસૂફીનો બરાબર આ જ અર્થ છે અને એનું કાર્યક્ષેત્ર પણ એ જ છે. સ્વામી વિવેકાનંદ કહે છે: ‘વિસ્તાર એ જીવન છે; સંકોરવું એ મરણ છે.’ જ્યારે તમે સંકુચિત બનો છો ત્યારે તમારું મરણ થાય છે; તમારો ‘અહં’ મર્યાદિત બને છે. મારે સુખી બનવું જોઈએ; મારે આનંદ માણવો જોઈએ; મારી પાસે વધારે પૈસા હોવા જોઈએ; મને બીજા કોઈની પડી નથી; મને ફાયદો થતો હોય તો હું ગમે તેને નીચોવી લઈશ. આનો અર્થ થાય ઈન્દ્રિયોના તંત્ર દ્વારા નિયંત્રિત ક્ષુદ્ર અને મર્યાદિત અહંમાં પોતાનું સંકોચાવું; એ મૃત્યુ છે અને મોટું મૃત્યુ. બીજો છે વિસ્તાર; ઈન્દ્રિયોની મર્યાદાઓથી પર રહીને હું મારી જાતનો વિસ્તાર કરું છું અને કરુણા, પ્રેમ અને અન્ય લોકો માટે ફિકર ચિંતાને વિકસાવું છું. એ સાચો વિકાસ છે, એ જ સાચું જીવન અને વધારે મોટું જીવન છે અને એ કેવો સુંદર વિકાસ છે? ભારતમાં અને ભારત બહાર પણ માનવજાતિએ આ જ સિદ્ધ કરવાનું છે. વેદાન્તનું તત્ત્વજ્ઞાન દરેક માણસમાં છુપાયેલી આ મહાન શક્યતાનું સમર્થન કરે છે. એ કૂદકો મારનારને કમાન જેવી ગતિ આપનારા પાટિયા જેવું છે, એ ગૂંચળું ઊકલતું જ રહે છે.

આપણામાંના દરેકમાં વિશાળ ઊર્જા ગૂંચળું વળીને પડી છે; આપણી રહસ્યાત્મક ભાષામાં એને કુંડલિની, ગૂંચળું વળીને પડેલી, કહીએ છીએ. બધા જીવન વિકાસમાં એ ઊર્જાનું ગૂંચળું ઊખળતું મુક્ત થતું રહે છે. તમોગુણની સ્થિતિમાં એ ઊર્જા ગૂંચળું વળીને પડી હોય છે. ત્યારે માણસ સ્થગિત બની જાય છે અને સમાજને માટે ઉપદ્રવરૂપ અને સમસ્યારૂપ બની જાય છે. એ ઊર્જામાં જ્યારે હલચલ થવા માંડે છે ત્યારે તે રજોગુણની સ્થિતિએ પહોંચે છે; ત્યારે માણસ જીવંત અને જીવનોપયોગી બની જાય છે; પણ એ શક્તિ પોતાની આસપાસ જેટલું સારું વાતાવરણ ઊભું કરે છે, તેટલું જ ખરાબ પણ કરે છે. અંતતોગત્વા એ સત્ત્વગુણી કક્ષાએ ઉન્નતિ સાધે છે ત્યારે એ જીવન શક્તિનું રૂપાન્તર ઉત્કટ અને ગતિશીલ શિવતત્ત્વમાં થાય છે.

આત્મવિકાસ તરીકે શિક્ષણ અને ધર્મ

માણસની અંદર ગૂંચળું વળીને પડેલી ઊર્જાના ગૂંચળાને ઉકેલવાની આ દિશા છે અને ગૂંચળું ઊકેલવાની આ સમગ્ર પ્રક્રિયાનું નામ જ શિક્ષણ છે. અને ધર્મનો અર્થ પણ એ જ છે. અને આપણે જાણીએ છીએ કે વેદાન્તના મતાનુસાર ધર્મ એટલે નિરંતર શિક્ષણ. આથી જ્યારે તમે શાળા કે કોલેજ છોડો ત્યારે કહેતા નહીં કે તમે તમારું શિક્ષણ પૂરું કર્યું છે; તમે માત્ર તમારું શાલેય શિક્ષણ પૂરું કર્યું છે, સંસ્થાગત શિક્ષણ, એમ તમે કહી શકો; સારામાં સારી કક્ષાએ પહોંચીને પણ એ તમને માત્ર પાયાનું શિક્ષણ આપી શકે. એના દ્વારા અથવા એનાથી તમે આજીવન શિક્ષણ ચાલુ રાખી શકો અને તમારી અંદર રહેલી શક્યતાઓના સંપૂર્ણ વિકાસને તમે સાકાર કરી શકો. હવે એ સમય આવી ગયો છે. જ્યારે આપણને ભાન થવું જોઈએ કે શિક્ષણ તો જીવનભર ચાલુ રહે છે. શ્રીરામકૃષ્ણ કહેતા : ‘હું જ્યાં સુધી જીવું છું, ત્યાં સુધી શીખતો રહું છું.’ જ્યારે તમે શિક્ષણને આ દૃષ્ટિકોણથી સમજી લેશો ત્યારે તમને ખબર પડશે કે માણસના આધ્યાત્મિક વિકાસની આ વિભાવના માણસની શારીરિક અને બૌદ્ધિક વિકાસની અન્ય વિભાવનાઓ સાથે મળી જાય છે. એ સંપૂર્ણ રીતે થયેલો આત્મવિકાસ છે. આ પ્રકારની માનવીય ઉન્નતિ માટે આ વિકાસ શબ્દ વાપરવામાં આવે છે.

એ તમારી નજર સમક્ષ કમળની કે ગુલાબની કળીનું ચિત્ર ખડું કરે છે. એ કળી ખીલવાને માર્ગે આગળ વધી રહી હોય છે. જ્યારે તમે કરુણા દાખવો છો, ત્યારે તમે આત્મવિકાસ દાખવો છો; જ્યારે તમે પ્રેમ કરવા માંડો છો, તમે સમર્પણપૂર્વકની સેવા કરો છો, ત્યારે તમે આત્મવિકાસનું દર્શન કરાવો છો. અનન્ત આત્મા તમારી અંદર પ્રકટ થઈ રહ્યો હોય છે. તેથી જ સ્વામી વિવેકાનંદે ધર્મની સૌથી સુંદર અને વૈજ્ઞાનિક વ્યાખ્યા આપી છે : ‘ધર્મ એટલે માણસની અંદર જ રહેલી દિવ્યતાનું પ્રકટીકરણ.’ અનન્ત આત્મા તરીકે માણસની કીર્તિગાથાની ઘોષણા કરતાં સ્વામી વિવેકાનંદ કહે છે : 

‘જે આત્મા માણસ તરીકે દૃષ્ટિગોચર થાય છે – સદાનો જે યશસ્વી દેવ હતો, જે એકમાત્ર ભગવાન અસ્તિત્વ ધરાવતો હતો, અસ્તિત્વ ધરાવે છે અને અસ્તિત્વ ધરાવશે – તેની કલ્પના કોઈ ગ્રંથો, કોઈ શાસ્ત્રો, કોઈ વિજ્ઞાન કદી કરી શકે નહીં. (કંમ્પલીટ વર્ક્સ વો. ૨, પૃ. ૨૫૦) અને વળી (એજન, પૃ. ૨૭૯) ‘ભગવાનની ઉપાસના કરતી વખતે આપણે આપણી અંદર છુપાઈને રહેલા પરમાત્માની જ ઉપાસના કરીએ છીએ.’

જ્યારે તમે તમારા બાળકને બીજાં બાળકો તરફ પ્રેમ અને કરુણા દર્શાવતું જુઓ ત્યારે તમે માની લેજો કે તે છોકરા કે છોકરીમાંની સહજ દિવ્યતા જ પ્રકટ થઈ રહી છે. જ્યારે તે બાળક આત્મકેન્દ્રી અને સ્વાર્થી, કજિયાળું, રોતલ અને માગણીઓ કરતું થાય ત્યારે માનજો કે એ દિવ્યતાને બહાર કાઢી મૂકવામાં આવી છે. જ્યારે તે બાળકની માતા પોતાના અંગત કામ માટે કે આનંદ ખાતર બહાર જવા ઇચ્છે છે, ત્યારે તે બાળક તેને બહાર જતી રોકવા બધું કરે છે. બાળકને તો માતા જ જોઈએ છે, અને આખું જગત પોતામાં જ કેન્દ્રિત બને તેમ ઇચ્છે છે. બધું જ એની ઇન્દ્રિયોના તંત્રમાં અને એના નાનકડા આત્મામાં જ કેન્દ્રિત થાય. પણ જ્યારે બાળક કહે : ‘મા, કૃપા કરીને તું જા; તારે તારું કામ કરવાનું છે અથવા આનંદ મેળવવાનો છે, તારી ગેરહાજરીમાં હું મારું સંભાળી લઈશ.’ ત્યારે તમે માનજો કે બાળકની આત્માની વિભાવના વિસ્તાર પામી રહી છે અને તેની અંદર રહેલું દિવ્ય તત્ત્વ વ્યક્ત થઈ રહ્યું છે. બાળક પોતાની માતાના જીવનમાં સહયોગી થતાં શીખી ગયું છે અને પોતાની જાતને અલગ માનતું નથી અને માતાએ પોતાની આસપાસ જ નાચવું જોઈએ એમ ઇચ્છતું નથી. આ બધી પરિસ્થિતિઓમાં આપણને માનસિક પરિપકવતાના શ્રીગણેશ થતા દેખાય છે. સાથે સાથે બાળક વ્યક્તિ તરીકે વિકસવાને બદલે માનવ તરીકે ઉન્નતિ સાધવા માંડ્યું છે એમ લાગવું જોઈએ. અને આધ્યાત્મિક ઉન્નતિની એ જ તો પારાશીશી છે. આ રીતે તમે બાળકોની આધ્યાત્મિક પ્રગતિને જોઈ શકો અને સતેજ બનાવી શકો. જે રીતે આપણે આપણાં બાળકોને તેમની શારીરિક અને બૌદ્ધિક પ્રગતિ માટેના માર્ગ પર મૂકવાનો પ્રયત્ન કરતા રહ્યા છીએ તે જ રીતે આધ્યાત્મિક પ્રગતિના એ લાંબા માર્ગ પર દરેક બાળકને મૂકવાનું છે. વેદાન્તનો આ સંદેશ છે.

શું પૂર્વ કે શું પશ્ચિમ માનવીય સમસ્યાઓ બધેય લગભગ સરખી હોય છે. પરિસ્થિતિ ભલે જુદી જુદી હોય, પણ સમસ્યાઓ સરખી જ હોય છે. વેદાન્તનો સંદેશ પણ એક જ છે – અંત:કરણની અંદરની દિવ્યતાનું અવિરત રીતે પ્રકટીકરણ કરવાનો પ્રયત્ન. આપણા જીવનમાં સ્થગિતતા આવી ગઈ છે, તેથી છેલ્લા કેટલાક સૈકાઓથી આપણા લોકોને સતત યાદ આપવું જરૂરી બની રહે છે : ‘સ્થગિત ન બની જાઓ.’ જીવનમાં નિવારવા જેવું એકમાત્ર દૂષણ સ્થગિતતા છે. વેદાન્તની દૃષ્ટિએ ખાવું, પીવું અને મોજમજાની ખોજ કરતા રહેવું, આમાંનું એકેય ખરાબ નથી. પરંતુ આમાંની કોઈ પણ એક કક્ષાએ સ્થગિત ન થઈ જવાની વાત વેદાન્ત આપણને સતત કહેતું રહેશે. અહીં તમારું બાળક ઘરમાં છે; તમે તેના માટે રમકડાં ખરીદો છો; અને એ રમકડાંમાં ગુલતાન બની જાય છે. બાળકોને રમકડાં વડે રમતાં જોવાં ગમે તેવું હોય છે. તમે પણ બાળક સાથે રમવામાં જોડાઈ શકો; એ ક્રિયા રમતમાં આવતા આનંદને તેજીલો બનાવશે. પણ જ્યારે તમે મોટા થયેલા અને મૂછોવાળા એ બાળકને જુઓ; જ્યારે તે જીવનનાં અન્ય લાગતાં વળગતાં ક્ષેત્રોની દિશામાં પ્રગતિ સાધવાની દરકાર કરતું નથી અને રમકડાં વડે રમવાનું જ સતત ચાલુ રાખે છે, ત્યારે તમને તેની કરુણાન્તિકાનો ખ્યાલ આવે છે અને તમે એ બાલિશ કક્ષાએ અટકી ગયેલી તેની સ્થગિતતાને ધિક્કારવા લાગો છો. ઈન્દ્રિયોની કક્ષાએ સ્થગિત થઈ ગયેલા અને સંતોષ અનુભવતા માણસને જોઈને વેદાન્તને ઊંડો ખેદ થાય છે અને આવા બધા લોકોને વેદાન્ત કહે છે :

‘તમારી ઈન્દ્રિયો જે આનંદની ઊંચેરી કક્ષાએ આરોહણ કરવાની શક્તિ ધરાવે છે, તેનાથી અજ્ઞાત ન રહો, એને માટે અનિચ્છા ન ધરાવો અને અશક્તિ ન અનુભવો. તમારે આનંદ અને પરમ આનંદનાં ઊંચા ને ઊંચા શિખરો સર કરવાનાં છે; તેથી આગળ વધો, કૂચ કરો.’ માનવજીવનનું અને ઉત્તમ ગુણોનું એ કેવું સુંદર ચિત્ર રજૂ કરે છે!

યજુર્વેદ માણસને ઉદ્‌બોધન કરે છે – આગળ વધો, આગળ વધો! ચરૈવેતિ, ચરૈવેતિ! વેદાન્તનો એ તાજગી બક્ષતો અભિગમ છે; એ તેની તાકાત છે; માણસજાતિ માટેની એ ઉત્કટ ચિન્તા પણ છે. માણસની મોજમજાને એ ધિક્કારતું નથી; એમાં શારીરિક અને ઇન્દ્રિયવિષયક સુખનો પણ સમાવેશ થઈ જાય છે. એ સેતાનની કોઈક યુક્તિ છે એમ કહીને એ કદી તેનો ઉલ્લેખ કરતું નથી.

મા કે બાપ જેમ રમકડાંથી રમતા બાળકને ઉદ્‌બોધન કરે તે રીતે તે માણસને ઉદ્‌બોધે છે. એ માત્ર રમકડાંથી રમવાનું બંધ કરવા અને આગળ વધવા, ઊંચાઈ સર કરવા પ્રેરે છે. એ કહે છે કે ત્યાં તમારે વધારે શુદ્ધ અને ઉત્કટ આનંદો પ્રાપ્ત કરવાના છે. તમે સ્વાદિષ્ટ ભોજન કરીને બોલી ઊઠો છો – “આહા, કેવો આનંદ!” હા, તમે સાચા છો; એમાં આનંદ છે. પણ જ્યારે તમે સુંદર પુસ્તક વાંચો ત્યારે બીજા જ પ્રકારના આનંદની અનુભૂતિ થતી હોય છે. જ્યારે તમને જ્ઞાનનો એકાદો અંશ મળી જાય છે, ત્યારે તમને આનંદની અનુભૂતિ થાય છે. જ્યારે તમે કોઈ સુંદર કલાકૃતિ જુઓ છો કે તેની કાવ્યરચના કરો છો ત્યારે તમે આનંદનો અનુભવ કરો છો. આનંદના ઊંચેરા પ્રકારો છે. ઈન્દ્રિયોના ઉપયોગથી જે આનંદનો અનુભવ થાય છે, તે સામાન્ય પ્રકારનો હોય છે. એ અનુભવમાં આપણે પશુઓ સાથે સહયોગ કરતા હોઈએ છીએ. પણ પેલા ઊંચેરા આનંદો તો માણસજાતિના જ આગવા આનંદો છે. અને જે સ્ત્રીઓ અને પુરુષો એ કક્ષાએ આરોહણ કરી શકતાં નથી, પણ ઈન્દ્રિયોની કક્ષાએ સ્થગિત થઈ જાય છે, એમના વિષે એમ કહી શકાય કે તેઓ માનવતા પ્રાપ્ત કરવાની બાબતમાં પણ નિષ્ફળ થયાં છે.

જીવાત્માનું સ્વાતંત્ર્ય

પણ જ્યારે આપણને બધાની અંદર રહેલા દિવ્ય તત્ત્વનો સાક્ષાત્કાર થાય છે ત્યારે આ બધા આનંદો સૌથી ઊંચી વિશુદ્ધતમ અને સૌથી ઉત્કટ કક્ષાએ પહોંચે છે. તે કક્ષાએ જીવન સૌથી વધુ ઉત્સાહપૂર્ણ બની રહે છે. બૌદ્ધિકતાના આનંદ કરતાં આધ્યાત્મિક્તાનો આનંદ વધારે વિશુદ્ધ અને વધારે ઉત્કટ હોય છે. આથી આનંદમાંથી આનંદમાં આગળ વધો, શોકમાંથી આનંદમાં નહીં, સત્યમાંથી સત્ય તરફ આગળ વધો, ભૂલમાંથી સત્ય તરફ નહીં; એજ તો છે વેદાન્તનો મહાન સંદેશ.

આવતા અઠવાડિયે અમે ભારતમાં દીપાવલીનો વાર્ષિક તહેવાર ઊજવીશું. એ આનંદ અને પ્રકાશનો તહેવાર છે. લોકો તૈલસ્નાન કરે છે અને મિઠાઈની ઘણી બધી વિવિધ વાનગીઓ ખૂબ ખાય છે. બાળકો ફટાકડા ફોડે છે, ઈમારતો અને ઉદ્યોગગૃહોને રોચક રીતે રોશનીથી શણગારવામાં આવે છે અને બધા આનંદપૂર્વક પર્વ ઊજવે છે. કમસેકમ વરસમાં એક વખત તો આપણને આનંદનો ઉત્સવ મળી રહે છે. પણ બાકીના જે ૩૬૪ દિવસ બચે છે, તે મોટા ભાગના લોકો માટે સંઘર્ષ અને દુ:ખના દિવસો હોય છે. હા, એની માત્રા બદલતી રહેતી હોય છે. પરંતુ વેદાન્ત પૂછે છે : એવું શા માટે કે આવો આનંદ આપણે વરસમાં માત્ર એક જ દિવસ પૂરતો માણીએ? શું એ શક્ય નથી કે અવારનવાર, ના, ના, વરસનો દરેક દિવસ આનંદ અને ઉત્સાહનો ન હોઈ શકે? શું આપણા પ્રત્યેક કાર્યમાંથી, આપણા જીવનની પ્રત્યેકક્ષણમાંથી આનંદ નીચોવી ન શકીએ? માનવીય આત્માના સ્વાતંત્ર્યની આ એંધાણી છે. વેદાન્ત કહે છે કે જ્યારે દરેક માણસને એ પ્રતીતિ થઈ જાય કે તેનો સ્વભાવ જ આનંદ છે ત્યારે તે શક્ય બની જાય છે. એ સત્ ચિત્ અને આનંદ છે – અસ્તિત્વ, જ્ઞાન અને આનંદ છે અને જે આનંદો બાહ્ય ઇન્દ્રિય સંપર્કોથી મળે છે, તે ગુણવત્તાની દૃષ્ટિએ અને સંખ્યાની દૃષ્ટિએ પણ ઊતરતી કક્ષાના હોય છે અને પૈસાની રીતે ગણતરી કરીએ તો મોંઘા હોય છે અને વેદાન્ત આ માપદંડથી માનવ ઉત્ક્રાન્તિને માપે છે, નામત:, બહારનાં સાધનો પર જેટલું અવલંબન ઓછું, તેટલી આનંદની કક્ષા વધારે વિશુદ્ધ, જીવનની કક્ષા વધારે ઊંચી અને સ્વાધીનતાની અનુભૂતિ વધારે વિશાળ. (મનુસ્મૃતિ ૪.૧૬૦)

સર્વં પરવશં દુ:ખં સર્વનાત્મવશં સુખમ્ ।
ઈતિ વિદ્યાત્ સમાસેન લક્ષણં સુખદુ:ખયો: ॥

બહારનાં સાધનો પર અવલંબન તેટલું બધું દુ:ખ, પોતા પર અવલંબન એટલું સુખ. આમ ટૂંકમાં સુખ અને દુ:ખનું લક્ષણ જાણવું.

તમે મોટા સંતો અને સાધુઓનાં જીવન વાંચો, હિન્દુ, ખ્રિસ્તી, ઈસ્લામ, સૂફી, બૌદ્ધ, તાઓ ને યહૂદી : બધા ધર્મોના સંતો અને સાધુઓનાં તો તેમના જીવનમાંથી આનંદનો મહાસાગર લહેરાતો જણાશે; અને તેઓ પોતાનો આનંદ બીજા લોકોમાં સંક્રાન્ત કરવાનું સામર્થ્ય પણ ધરાવતા હોય છે. આપણા સમયમાં તમને શ્રીરામકૃષ્ણના જીવનમાં એ આનંદ સંપૂર્ણ રીતે વ્યક્ત થયેલો જોશો. આપણી પરંપરાના સુંદર સંસ્કૃત શ્લોકમાં વ્યક્ત થયેલા સત્યનું તેઓ પૂર્ણ નિદર્શન છે. (પાંડવ ગીતા) –

નિત્યોત્સવં ભવત્યેષામ્ નિત્યશ્રીર્નિત્યમંગલમ્ ।
યેષાં હૃદિસ્થો ભગવાન્ મંગલાયતનો હરિ: ॥

– જે લોકોના હૃદયમાં મંગલમય ભગવાન હરિ રહેલા છે તે લોકોને માટે જીવન એ કાયમી ઉત્સવ છે, કાયમી સંપત્તિ છે અને કાયમી મંગલ છે.

ભગવાન હરિ માણસના હૃદયમાં સ્થિર થઈને રહેલા હોય એ પરિસ્થિતિ કેવી ધન્ય છે; હરિ અથવા નારાયણ મંગલાયતન છે, સર્વ મંગલનું શિવ અને પવિત્રતાનું નિવાસસ્થાન છે.

શ્રીવિષ્ણુસહસ્રનામ આપણને કહે છે તે રીતે વિષ્ણુ અપરાહરિ મંગલાનાં ચ મંગલમ્ – પવિત્ર વસ્તુઓનો પણ પવિત્ર આત્મા છે. જો બધાના હૃદયમાં છુપાયેલા આ હરિ કોઈકના હૃદયમાં પ્રકટ થઈ જાય તો તે સ્ત્રીના કે પુરુષના જીવનમાં શું બને છે? એનો જવાબ છે – તે પુરુષ કે તે સ્ત્રીનો દરેક દિવસ ઉત્સવ બની જાય છે, દીવાળી બની જાય છે – નિત્યોત્સવ, નિત્ય અર્થાત્ કાયમી અને ઉત્સવ, એટલે ઊજવણી. તે જ રીતે નિત્ય શ્રી, સંપત્તિ, અને વૈભવ; અને નિત્ય મંગલ તેનું જીવન સત્ય, શિવ, સુંદર અને આનંદના અખૂટ પાતાળ કૂવા જેવું બની જાય છે. અને બધા તે આનંદમાં સહભાગી બની શકે છે. જ્યારે તમે શ્રીરામકૃષ્ણનું જીવન વાંચો અને જ્યારે શ્રી ‘મ’ દ્વારા લખાયેલા ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’નું વાચન કરો ત્યારે તમને આ બધાં વર્ણનો જોવામાં આવે છે. તેમાં ગુરુદેવને આનંદથી ભરપૂર, ગાતા અને દિવ્યાનંદમાં નાચતા અને પછી પોતાની આસપાસ બેઠેલા યુવાન શિષ્યો સાથે મજાક પણ ઉડાવી લેતા જુઓ છો. શ્રી ‘મ.’ જ્યારે ગુરુદેવના રૂમમાં પ્રવેશ્યા ત્યારે તેમણે જોયું કે ત્યાં તો આનંદની દુકાન લાગી હતી. ધર્મનો એ વિસ્મયજનક ખ્યાલ છે. ધર્મ એટલે આનંદ, સંપૂર્ણ આનંદ. તેમાં અભાવ કે શોકનો પડછાયો પણ હોતો નથી. સામાન્ય જીવનમાં હર્ષ અને શોકના વારાફેરા આવ્યા કરે છે; પરંતુ આધ્યાત્મિક સાક્ષાત્કારની સ્થિતિમાં તો અનંત આનંદ હોય છે, એમાં શોકની છાયા પણ હોતી નથી. અને દરેકનો આ જન્મસિદ્ધ અધિકાર છે. જેમાં શ્રીહરિનું નિવાસસ્થાન છે એવા આપણા અસ્તિત્વના ઊંડાણમાંથી ઊછળતા દિવ્ય આનંદનો એકાદ અંશ આપણાં જીવનને આનંદપૂર્ણ અને મુક્ત બનાવવા માટે પર્યાપ્ત છે.

આથી વેદાન્તના ઉપદેશકો કહે છે- ‘અહીંયાં માણસના તણાવમુક્ત અને અછતમુક્ત હોય એવા આનંદયુક્ત જીવનની શક્યતા છે. માણસને વિષયજન્ય સુખોથી ઉપર ઊઠીને માનસિક આનંદો તરફ આરોહણ કરવા દો અને પછી તેના આધ્યાત્મિક સ્વભાવ તરફ આગળ વધવા દો. પછી તેને પોતાના અનુભવથી જ જ્ઞાન લાધશે કે સર્વોચ્ચ દિવ્ય આનંદ એ ખરેખર સર્વોચ્ચ અને અતુલનીય હોય છે.

દત્ત અવધૂતને સમ્રાટ યદુએ આ સંદર્ભમાં પૂછેલો પ્રશ્ન અર્થપૂર્ણ છે. આ અવધૂત એટલે મુક્તાત્મા. એ પ્રશ્નમાં જો કે ઋષિ કોઇ વિષયોનો આશ્રય લેતા નથી છતાં તેમનું મન કેમ સ્વભાવિક આનંદની સ્થિતિમાં રહી શકે છે તેની કદર કરતાં પૂછવામાં આવેલો છે. (શ્રીમદ્ ભાગવત ૧૧.૭.૨૬-૨૩)

કુતો બુદ્ધિરિયં બ્રહ્મન્ અકર્તુ: સુવિશારદા ।
યામાસાદ્ય ભવાન્ લોકં વિદ્વાન ચરતિ બાલવત્ ॥

– હે પવિત્ર આત્મા, તમે કોઈ સ્વાર્થી પ્રવૃત્તિમાં રોકાયેલા ન હોવા છતાં આ અત્યંત શાન્ત અને શુદ્ધ બુદ્ધિ ક્યાંથી મેળવી છે? એ બુદ્ધિની તાકાતથી તમે જ્ઞાનની પ્રાપ્તિ કરેલી છે તો પણ કેવી રીતે બાળકની માફક ફરતા રહો છો?

પ્રાયો ધર્માર્થકામેષુ વિવિત્સાયાં ચ માનવા: ।
હેતુનૈવ સમીહન્તે આયુષો યશસ: શ્રિય: ॥

– આ જગતમાં સામાન્ય રીતે લોકો સામાજિક નીતિમત્તા, ધન, વિષયોપભોગની તૃપ્તિ અને દાર્શનિક ખોજનાં ક્ષેત્રોને લગતી વિવિધ પ્રવૃત્તિઓમાં રોકાયેલા જોવામાં આવે છે. આ પ્રવૃત્તિઓની પાછળ તેમનું પ્રેરકબળ હોય છે દીર્ઘ જીવન માટેની, કીર્તિ માટેની અને ભૌતિક સમૃદ્ધિ માટેની ઇચ્છાઓ.

ત્વં તુ કલ્પ: કવિ: દક્ષ: સુભગોડમૃતભાષણ: ।
ન કર્તા નેહસે કિંચિત્ જડોન્મત્તપિશાચવત્ ॥

– હું જોઉં છું કે તમે કાર્ય કરવાને સક્ષમ, સમજુ, કાર્યદક્ષ, શારીરિક રીતે સૌંદર્યવાન અને અમૃત જેવા મિષ્ટભાષી છો. તે છતાં તમે કોઈ અહં કેન્દ્રી કાર્ય કરવાનું માથે લેતા નથી કે કોઇ વસ્તુ માટે ઇચ્છા કરતા નથી; પરંતુ જડ જેવા હલનચલન ન કરતા અથવા નશો કરેલો હોય તેવા અથવા પિશાચની જેમ વર્તો છો?

જનેષુ દહ્યમાનેષુ કામ-લોભ-દવાગ્નિના ।
ન તપ્યસેડગ્નિના મુક્તો ગંગામ્ભસ્થ ઈવ દ્વીપ: ॥

દુનિયાના લોકો કામ-લોભ વગેરેના દાવાનળથી બળતા હોય છે, પણ તે અગ્નિનો સંતાપ તમે અનુભવતા નથી અને મુક્ત તથા અડગ રીતે વર્તો છો – જાણે કે ગંગાનાં વહેતાં પાણીમાં રહેલો કોઈક ટાપુ.

ત્વં હિ ન: પૃચ્છતાં બ્રહ્મન્ આત્મન્યાનન્દકારણમ્ ।
બ્રૂહિ સ્પર્શ વિહીનસ્ય ભવત: કેવલાત્મન: ॥

હે પવિત્ર આત્મા, મારા પ્રશ્નનો ઉત્તર આપો. તમે એકાન્તવાસમાં પ્રતિષ્ઠિત થયેલા છો, ઇન્દ્રિયોના વિષયોના સંપર્કમાં તમે રહેતા નથી છતાં અંદરથી જ આનંદ અનુભવો છો. આનું કારણ કહો. (મોટે ભાગે બધા લોકોના આનંદનો સ્રોત વિષયોના ઉપભોગો હોય છે.)

ઉપર્યુક્ત પાંચ શ્લોકોમાં જે સત્ય રજૂ કરવામાં આવ્યું છે એ જ સત્યનું આલેખન બુદ્ધના અગ્નિ-પ્રવચનમાં પણ થયેલું છે. અને તેનું ભારપૂર્વક પ્રતિપાદન કરવામાં આવ્યું છે ગીતાના ત્રણ તેજસ્વી શ્લોકોમાં. તે બધા સ્રોતો માણસમાં રહેલી અનન્ત આધ્યાત્મિક શક્તિનો અને તેના સાક્ષાત્કારનો આનંદ જીવનમાં જ કરવાનો છે, તે બાબત સમજાવે છે. (૫.૨૧.૨૩)

બાહ્યસ્પર્શેષ્વસક્તાત્મા વિન્દત્યાત્મનિ યત્ સુખમ્ ।
સ બ્રહ્મયોગ – યુક્તાત્મા સુખમક્ષયમશ્નુતે ॥

– બાહ્ય વિષયોપભોગો માટે હૃદયમાં આસક્તિ ન હોય તેવો માણસ આત્મામાં રહેલા સુખનો સાક્ષાત્કાર કરે છે. બ્રહ્મ સાથે જોડાયેલા હૃદય વડે તે અક્ષય સુખનો અનુભવ કરે છે.

યે હિ સંસ્પર્શજા ભોગા દુ:ખયોનય એવ તે ।
આદ્યન્તવન્ત: કૌન્તેય ન તેષુ રમતે બુધ: ॥

– ઇન્દ્રિયોના વિષયોનો ઉપભોગ કરવાથી જે મજા આવે છે એ તો દુ:ખનાં ઉત્પત્તિ કારણો જ છે. અને હે અર્જુન, તેઓ આરંભ અને અંતવાળા હોય છે. ડાહ્યા માણસ તેની મજા માણતો નથી.

શકનોતીહૈવ ય: સોઢુમ્ પ્રાક્શરીર-વિમોક્ષણાત્ ।
કામક્રોધોદ્‌ભવં વેગમ્ સ યુક્ત: સ સુખી નર: ॥

– આ જ જીવનમાં શરીરના છૂટવા (મરણ) પહેલાં જે કોઈ માણસ એને સહન કરી લેવા શક્તિમાન હોય છે, તે જ યોગી છે, તે જ સુખી છે.

(ક્રમશ:)

Total Views: 143

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.