(ફેબ્રુઆરી ૨૦૦૧ થી આગળ)

આપણે લાખ પ્રયત્ન કરીએ તો પણ દૈનંદિન જીવનમાં ‘પૂર્ણતા’ સિદ્ધ કરવી તે આપણા માટે શક્ય નથી. તમે કદિયે બીમાર પડ્યા વિના નીરોગી બની શકતા નથી. આમ કેમ? મૂર્ખતાની વાત જવા દો તો આનો એક માત્ર ખુલાસો ‘માયા’ જ છે. મને લાગે છે કે ‘મહાન યોજના’માં બીમારી એ તમને ધીમા પડવાનું અને એમ આ શરીર ક્ષણભંગુર છે એવું ભાન કરાવવા માટેનું સૂચન છે. એ ક્ષણભંગુર સાધનને તમારી કાળજીની જરૂર છે, જેમ તમે બીજા જીવંત પ્રાણીઓની કાળજી રાખો છો તેવી જ કાળજી તમારા શરીરની પણ રાખવી જોઈએ. શ્વેતાશ્વતર ઉપનિષદ સલાહ આપે છે કે વિદ્વાનો કહે છે કે યોગમાં પ્રવેશના આરંભના લક્ષણો આ પ્રમાણે છે – હળવાશનો અનુભવ, નિરામયતા, અલોભ, દેહશુદ્ધિ, મધુર અવાજ અનુકૂળ સુગંધ અને અલ્પ મળ વિસર્જન. (૨.૧૩)

કેટલાક – ઘણા ઓછા એવા પુરુષો છે કે બ્રહ્મનો સાક્ષાત્કાર પામ્યા પહેલા તેમને કઠિન આધ્યાત્મિક સાધનામાંથી પસાર થવું પડે છે. તો શ્રીરામકૃષ્ણ જેવા પુરુષો પણ જેમને શરીરનું ખાસ મહત્ત્વ જ નથી, અરે લગભગ અનાવશ્યક છે – તુચ્છ છે. પણ એ વાત સામાન્ય લોકોને લાગુ પડતી નથી. શ્રીરામકૃષ્ણ જ કહેતા કે ‘શુદ્ધાત્મા શરીરની દરકાર રાખ્યા વગર રહી શકતો નથી. કારણ કે તેમાં ઈશ્વરનો વાસ છે.’

ભગવદ્ ગીતા અને અન્ય શાસ્ત્રો સમતોલ આહાર, નિદ્રા, ક્રિયા અને ધ્યાનનો નિર્દેશ કરે છે. મન અને ઈન્દ્રિયોને વશમાં રાખવી જોઈએ. તેમને શુદ્ધ કર્યા કરવા જોઈએ. આ સંયમ અને શુદ્ધિ માટેની ચાવી સમ્યક્ જીવન અને સમ્યક્ ધ્યાનમાં રહેલી છે. ખરો પ્રશ્ન તો એ છે કે જો તમારું શરીર અસ્વસ્થ હોય, અનિયંત્રિત હોય અને અળસિયાની જેમ આમ તેમ વળ ખાતા હો તો શું તમે ધ્યાનની અવસ્થાને પ્રાપ્ત કરી શકો ખરા?

રાજયોગ અને પાતંજલયોગસૂત્ર સાધનાનો નિર્દેશ કરે છે. મારી સમજણ એવી છે કે યોગના આસનનો અર્થ એવો નથી થતો કે તમે તમારો જમણો ઘુંટણ તમારા કાનની પાછળ રાખો, કે આંગળીઓ કે પછી પગના અગ્રભાગ પર આખા શરીર ને ટેકવી રાખો. મૂળભૂત આશય તો એ હતો કે આસન દ્વારા તમારા શરીરને લાંબા સમય સુધી સુખપૂર્વક એક સ્થાને બેસી શકવાની ક્ષમતા અને અનુકૂળતા મળે, તમારા પોતાનું જ શરીર ઉપદ્રવનું કારણ ન બને.

યોગના આસનમાં પીઠ હંમેશા સીધી રાખવાની હોય છે. ખભા સહેજ ઢળતા અને હડપચી બરાબર સમતોલ રાખવાના હોય છે. એટલે કે તમે સીધા, સ્થિર અને સાથે સાથે હળવાશ પણ અનુભવો એમ બેસી શકો.

આપણી અસ્તવ્યસ્ત જીવનરીતિ અને અગવડ ઉપજાવે તેવું ફર્નિચર ધ્યાનને માટે અવરોધરૂપ છે. તમારા લચી પડતા, અળવીતરા શરીરથી શું તમે તમારી જાત સાથે કે તમારા મન સાથે પણ સંવાદ સાધી શકવાના છો? યોગ્ય વ્યાયામ તમને શારીરિક અવરોધોમાંથી છુટકારો અપાવે છે.

યોગના આસનો સફળ પુરવાર થયા છે. તેમને યોગ્ય રીતે કરવામાં આવે તો તેનાથી સહનશીલતા, સ્ફૂર્તિ, હળવાશ અને સમતોલન સાધવામાં ખૂબ મદદ મળે છે. જો તમારું શરીર એક બાજુએ નબળું પડી ગયું હોય તો તમારે એને તમારી કરોડને ટટ્ટાર રાખી ઠીક કરી લેવું જોઈએ. પશુઓ અને પૌરાણિક વીરોના નામ અને કામ સાથે યોગના આસનોને જોડવામાં આવ્યા છે.

મારા માટે તો હું મારા મન અને ઈન્દ્રિયોને સંતુલનમાં રાખી શકું કે ધ્યાન માટે જરૂરી એવી હળવાશ કેળવી શકું એ પહેલા મારા શરીરને અમુક અંશે નિયંત્રણમાં રાખવું આવશ્યક હતું. યુ.એસ.એ.માં હૃદયરોગનો હુમલો આવી ગયો હોય તેવા કેટલાક દર્દીઓને બે મોટા જૂથોમાં વહેંચી દેવામાં આવ્યા. તેમાંથી જે જૂથના દર્દીઓને શારીરિક અને ધ્યાનની કસરતો કરાવવામાં આવી તે દર્દીઓ બીજા જૂથના દર્દીઓ કરતાં, તેમને આપવામાં આવેલી આહાર અને વ્યવહારની પદ્ધતિને ઘણી સહેલાઈથી અપનાવી શક્યા.

મેં એમ પણ જોયું છે કે આસનો નિયમિત કરવાથી સંકલ્પબળ કેળવી શકાય છે. શારીરિક અને માનસિક નિયંત્રણ પરસ્પરને સહાયભૂત બને છે. ઉદાહરણ તરીકે એમ સ્પષ્ટ જણાયું છે કે (શ્વાસ કે મંત્રજાપ જેવી), મૃદુ, તાલબદ્ધ અને સતત કરવામાં આવતી પ્રવૃત્તિ દ્વારા મગજને એક લયપૂર્ણ સંદેશ પહોંચે છે અને તેના પ્રતિભાવરૂપે તે પછી સ્નાયુઓને સમતોલ રાખે છે. સંવાદ સાધવાનો ઉત્તમ ઉપાય ધ્યાન છે. ધ્યાન માટેની પ્રથમ આવશ્યકતા એ છે કે એકાગ્ર થવા માટે આપણે આ શરીરને ભૂલી જવું.

પ્રાણાયામથી આપણને અત્યાર સુધી જેનો અનુભવ નહોતો થયો તેવી શરીરની અંદરની ગતિવિધિનો અનુભવ થવા લાગશે. અને જે ક્ષણે આપણને તેનો અનુભવ થશે તેજ ક્ષણથી આપણે તેને વશમાં રાખવાનો પણ આરંભ કરીશું. હવે, બીજરૂપે રહેલા વિચારો પણ આપણી સામે ઉઘડવા લાગશે અને આપણે તેમના પર પણ અંકુશ રાખવા સમર્થ બનીશું. હા, એ સાચું કે, આવી પદ્ધતિ અનુસરવાનો અવસર, કે તેવી ઇચ્છા, ધીરજ કે શ્રદ્ધા સહુ કોઈને સુલભ નથી. પણ સહુ કોઈની સામાન્ય સમજણ તો એવી છે જ કે આ પદ્ધતિ લાભદાયક છે.

આપણામાંના લગભગ નવ્વાણું ટકા લોકો યોગ્ય રીતે શ્વાસ પણ નથી લેતા. શ્વાસથી આપણે આપણા ફેફસાને પૂરે પૂરા ફૂલાવી દેતા નથી. શ્વાસ જો નિયમિત – વ્યવસ્થિત લેવામાં આવે તો તેનાથી શરીર શુદ્ધ થશે, અને મન શાંત થશે… જો તમે શાંત હશો તો તમારો શ્વાસ પણ શાંતિપૂર્વક ચાલશે, તે લયબદ્ધ બનશે અને જો શ્વાસ લયબદ્ધ હશે તો તમે આપોઆપ શાંત-સ્વસ્થ બનશો. મન જ્યારે ખલેલ પામે છે ત્યારે શ્વાસ પણ વિચ્છિન્ન થઈ જાય છે. જો તમે પ્રયત્નપૂર્વક શ્વાસને લયમાં રાખી શકો તો પછી તમે શા માટે શાંત ન બની શકો?

જ્યારે તમે ઉદ્યમ પામ્યા હો, તમારું મન અશાંત હોય ત્યારે તમે કોઈ એક ખંડમાં ચાલ્યા જાવ. દ્વાર બંધ કરી દો. મનને અંકુશમાં લાવવાનો પ્રયાસ ન કરતા. પણ દશ મિનિટ સુધી લયબદ્ધ રીતે શ્વાસ લેવા માંડો. તમારું હૃદય પ્રશાંત બની રહેશે.

મન : ‘જ્યારે મનુષ્ય વિચાર કરે છે ત્યારે તે જ્ઞાન મેળવવાની શક્યતા પ્રાપ્ત કરે છે. જે વિચારતાં જ નથી તે જ્ઞાન મેળવી શકતો નથી. વિચારના સ્વરૂપને ઓળખો… જ્યારે કોઈ એમ કહે કે ‘હું જાણું છું ત્યારે આત્મા જ વિચારતો હોય છે. મન વિચારનું સાધન છે.’

મનિષિઓ કહે છે કે આપણે મનને જાણવાનું નથી પણ જે વિચાર કરે છે તેને જાણવાનો છે અને એ માટે પ્રથમ મનને નિશ્ચલ કરવાનું છે. પતંજલિનું એક યોગસૂત્ર કહે છે કે સુખદ ઘટના કે વિચારો સાથે જોડાવાથી, દુ:ખી પ્રત્યે કરુણા રાખવાથી, સજ્જનો પ્રત્યે આદરભાવ કેળવવાથી અને દુષ્ટોની ઉપેક્ષા કરવાથી મન શાંતિને પ્રાપ્ત કરે છે. તમે જોશો કે આ બધા મેળવી શકાય તેવા લક્ષ્યો છે. બર્હિજગતના તમામ દૃશ્યો કે ઘટનાઓમાં મનોનિગ્રહ એ સહુથી વધારે કઠિન બાબત છે. તમારા ચિત્તમાં શું ચાલી રહ્યું છે તે સાચોસાચ તો માત્ર તમે જ જાણી શકો છો. તમારા વિચારો તમારો અંગત અસબાબ છે – તે અનેક દિશાઓમાં ફંટાઈ છે, સાવ અનપેક્ષિત હોય છે અને સદ્ કે અસદ્ના પ્રવાહમાં સતત વહેતા રહે છે.

સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે કામ કરવું તે તો ખૂબ સારું જ છે પણ તે આવે છે તો વિચારમાંથી જ.

‘વિચાર એ આપણું પ્રેરક બળ છે. મનને ઉચ્ચતમ વિચારોથી ભરી દો. રોજ રોજ તેમનું શ્રવણ કરો. મહિને મહિને મનન કરો. નિષ્ફળતાની કદીયે પરવા ન કરો. એ તો સ્વાભાવિક જ છે. આ નિષ્ફળતાઓ તો જીવનની સુંદરતા છે. તેમના વિના જીવન કેવું હોત? સંઘર્ષ જ ન હોય તો જીવવાનો કોઈ અર્થ નથી. જીવનનું કાવ્ય બીજે ક્યાં છે? સંઘર્ષ પ્રત્યે બહુ ચિંતા ન કરો : ભૂલોની પણ ચિંતા ન કરો. ગાયને જૂઠું બોલતા મેં કદિ સાંભળી નથી. પણ તે તો માત્ર ગાય છે – માણસ નહીં. તેથી આવી નિષ્ફળતાઓ પ્રત્યે લક્ષ્ય જ ન આપો. એ બધા ક્ષુલ્લક મગતરા જ છે. લક્ષ્યને હજાર હજાર પ્રયત્નોથી વળગી રહો. હજુ એક વધારે પ્રયત્ન કરો. મનુષ્યનું લક્ષ્ય સર્વમાં પરમાત્માનું દર્શન કરવાનું છે. પરંતુ જો તમે તેને સર્વ પદાર્થોમાં જોઈ ન શકતા હો તો તમને જે અત્યંત પ્રિય હોય તે કોઈ એકમાં તેને જુઓ. અને પછી તેને બીજામાં જુઓ અને આમ તમે આગળ વધી શકશો. આત્માની પાસે તો અનંત જીવન છે. તમે પણ તમારો સમય લો અને આખરે તમારા લક્ષ્યને પામી શકશો.’

આજ ગ્રંથમાં તેમણે વિધાયક રીતે વિચારવાની હાકલ કરતા કહ્યું છે –

‘વેદાન્ત કહે છે કે, તમારી મોટામાં મોટી ભૂલ એ છે કે તમે કહ્યા કરો છો કે ‘હું નિર્બળ છું – હું પાપી છું, એક દુ:ખી પ્રાણી છું, મારામાં કોઈ શક્તિ નથી અને હું કંઈ પણ કરવા સમર્થ નથી.’ જ્યારે જ્યારે તમે આમ વિચારો છો ત્યારે તે સમયે, તમે જાણે કે તમને બાંધી રાખતી સાંકળમાં એક મજબૂત કડી ઉમેરો છો. તમારા પોતાના આત્મા ઉપર હિપ્નોટીઝમનું એક વધારે આવરણ ઉમેરો છો. તેથી પોતાને નિર્બળ માનનાર સહુ કોઈ નિર્બળ જ છે. પોતાને અશુદ્ધ માનનાર ખોટો જ છે, અને તે આ જગતમાં એક દુર્વિચાર જ ફેંકે છે. આપણે હંમેશા યાદ રાખવું જોઈએ કે વેદાન્તમાં વર્તમાન જીવન હિપ્નોટાઈઝડ — સંમોહિત થયેલા અથવા તો તદ્દન મિથ્યા જીવન સાથે સમાધાન કરી તેને સ્વીકારી લેવાનો ક્યારેય પ્રયત્ન થયો નથી. આપણે મિથ્યા રીતે એવા આદર્શને આપણા ઉપર થોપી જ દીધો છે! પરંતુ આ મિથ્યા જીવનને તિલાંજલિ આપવી જ રહી. અને જે હંમેશા છે તે પારમાર્થિક જીવનને આવિર્ભૂત કરવું જોઈએ. તેને પ્રકાશવા દો. માણસ શુદ્ધ કે શુદ્ધતર થતો જાય છે એ વાત જ ખોટી છે. આ તો માત્ર મહાન આવિર્ભાવનો જ પ્રસંગ છે. વેદાન્ત એમ પણ કહે છે કે આત્માનો સાક્ષાત્કાર માત્ર ઊંડા જંગલોમાં કે ગુફાઓમાં જ થાય છે આમ નથી. તે તો તેની વર્તમાન પરિસ્થિતિની વચ્ચે પણ થઈ શકે છે.’

એમણે સ્પષ્ટ કર્યું હતું કે સ્થળ, કાળ અને સંસ્કૃતિ સાથે પ્રત્યેકે અમુક પ્રમાણમાં સંવાદ સાધવાનો છે. પરંતુ હજારો વર્ષો વીત્યા છતાંયે મહાન સત્યો અને વિધાયક વિચારના લાભ જરાયે બદલ્યા નથી. આપણા મનથી આપણે કેટલુંક જરૂર જાણી શકીએ, પરંતુ ખરેખર તો આધ્યાત્મિક દૃષ્ટિએ આપણે તેનો અનુભવ કરવાનો છે.

અંતતોગત્વા બ્રહ્મ બાહ્ય પણ નથી અને આંતરિક પણ નથી. તે તો નિર્ગુણ, નિર્વિષય છે. જ્યારે તમામ ક્ષણભંગુર પદાર્થોની પાર જઈ શકાય છે, જ્યારે આપણો અલ્પાત્મા આપણામાં અને સર્વમાં વાસ કરી રહેલા તે પરાત્પર સાથે એક બની જાય છે, બિંદુ સિંધુમાં મળે છે તેમ ત્યારે શું એમ સમજવાનું છે કે આત્મ ચૈતન્ય નષ્ટ થઈ ગયું? યાજ્ઞવલ્કય બૃહદારણ્યક ઉપનિષદમાં કહે છે કે ‘હાં. કારણ કે જ્ઞાતા સ્વયં કેવી રીતે જ્ઞાનનો વિષય બની શકે?’ જો તે તેવો વિષય બની શકે – જ્ઞેય બની શકે તો પછી તે જ્ઞાત નથી રહેતો. આ વિભાવનાઓને હું સમજી તો શકું છું. પણ આધ્યાત્મિક દૃષ્ટિએ શું હું તેવો અનુભવ કરી શકું તો પણ હું સંપૂર્ણ નિરપેક્ષ સંવાદ એવો સંવાદ કે જે અભેદ્ય, નિર્વિષય અને અખંડ છે તેની સાથે એકરૂપ થઈ શકીશ.

જો હું મારા વિચારોને અતિક્રમવા જ ઇચ્છતો ન હોઉં તો હું તેમનો ત્યાગ કઈ રીતે કરી શકું? તેઓ શુદ્ધ છે કે અશુદ્ધ એની ચિંતા કર્યા વિના હું તેમને ચાહું છું. મારા મનમાં ગમે ત્યાંથી આવી પડતા કોઈ આદર્શ – કોઈ વિચારથી હું મારી વિચારયાત્રાનો આરંભ કરું છું. અને મારા એ વિચારો મને ફાવે ત્યાં દોરી જાય છે અને સર્વત્ર મારો પીછો કર્યા કરે છે. તેઓ તો પરિવર્તનક્ષમ હોવા સાથે સાથે મારા સદાના સંગાથી છે અને મને બહુ ગમે છે. હું જ્યાં છું ત્યાંથી એક માત્ર સાચો સંગાથી હું શી રીતે પામી શકું? કે શું હું એમ કહી શકું કે હું જ તેઓ સદાનો સાથી શી રીતે બની શકું?

સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે, પરમાત્મા, પ્રકૃતિ, આત્મા અને વિશ્વ – આ બધા પર્યાયવાચી અભિધાનો છે. ભગવદ્‌ગીતામાં લખ્યું છે કે –

યે યથા માં પ્રપદ્યન્તે તાંસ્તથૈવ ભજામ્યહમ્ ।
મમ વર્ત્માનુવર્તન્તે મનુષ્યા: પાર્થ સર્વશ: ॥ ૪-૧૧

જેઓ મને જે રીતે ભજે છે તે જ રીતે હું પણ તેમને ચાહું છું. હે પાર્થ મનુષ્યો છેવટે તો કોઈપણ માર્ગે મને જ પામે છે.

સ્વામી વિવેકાનંદે કહ્યું છે -‘પ્રચંડ નદીના કાંઠે બેસીને પણ આપણે તરસે મરીએ છીએ, ખોરાકના ઢગલા પાસે બેસીને આપણે ભૂખે મરીએ છીએ. આ રહ્યું મનોહર વિશ્વ! પણ આપણને તે દેખાતું નથી.’

તમારી આસપાસ સતત ચાલી રહેલા જગતના ચમત્કારને તો જુઓ. તમે કદિયે ગુંજન કરતી ભમરીનો વિચાર કર્યો છે? અવકાશ વિજ્ઞાનની રીતે જોઈએ તો તે ઉડી જ ન શકે. કારણ કે એનું શરીર એની નાજુક પાંખોની સરખામણીમાં ઘણું ભારે છે. આ યાંત્રિક ખામીને દૂર કરવા, તે શાંત નિયામક મહાશક્તિએ તેની પાંખોના કોષોમાં પાર વિનાના – મીશોકોન્દ્રીઆ (Mitochondria) – નામના તંતુઓ ગોઠવ્યા છે જેનાથી ઉડ્ડયન માટેની જરૂરી શક્તિ મળી શકે છે, અને તેથી જ તો એ ભમરી પુષ્પોનું પરાગનયન કરવા સમર્થ બને છે અને છોડનું ફલીકરણ થાય છે અને આમ માનવ અસ્તિત્વ ટકી રહે છે. ભમરી જે મધ ઉત્પન્ન કરે છે તે તો બોનસ છે. ભમરીનું આ સર્જનકાર્ય અતિ મહત્વનું છે એટલે તો, લોકો તેને ઈજા ન પહોંચાડે તે માટે તેને ડંખની સગવડ પણ આપી છે. ‘પ્રકૃતિને માયા જાણો અને પરમાત્માને માયાવી સમજો. આને આમ એના જ અંશોથી આ વિશ્વ નિર્મિત થયું છે.’ (શ્વેત. ઉપ. ૪-૧૦) સમુદ્રમાં સેર કરતી ડોલ્ફીન માછલીને જ્યારે તમે જુઓ છો, જ્યારે કોઈ એક વિશાળ વૃક્ષની નીચે તમે ઊભા રહો છો કે જ્યારે તમે કોઈ કમળપુષ્પના શુચિ સૌંદર્યથી મુગ્ધ બનો છો ત્યારે તમારા ભીતરમાંથી કંઈક અવર્ણનીય એવું તત્ત્વ ઉપર સપાટી પર આવી જાય છે. ઉપનિષદો કહે છે કે આ બધાં એમાં રહેલાં આત્માને કારણે પ્રિય લાગે છે. અને તમને તે આહ્લાદક લાગે છે તેનું કારણ પણ તમારી અંદર રહેલો આત્મા છે.

સહુ પ્રથમ તો તમારી આસપાસ પ્રર્વતતા આવા આશ્ચર્યને માણવા માટે પૂરતી નિરાંત મેળવો અને જુઓ, માનવના મુખ પરનું સ્મિત, પુષ્પની સૌરભ, જળ પર ચળકતો સૂર્ય, વૃક્ષ પર કૂજન કરતાં કોકિલ – હા, બરાબર છે – જીવનમાં પ્રાપ્ત થતી શ્રેષ્ઠ વસ્તુઓ મફત જ મળે છે. દૃશ્ય જગતમાં, આ જગતને વિશેષ સંવાદી બનાવવા બીજા લોકોએ શું કરવું જોઈએ એવી શીખામણતો છલકાઈ જાય એટલા બધા પ્રમાણમાં છે!

વેદાન્તનો બોધ તો સ્પષ્ટ જ છે કે જગતને સુધારવાનો એક માત્ર માર્ગ તમને પોતાને જ સુધારવામાં રહેલો છે. માર્ક ટવેઈન હળવાશભરી શૈલીમાં કહે છે કે ‘સારા થવું એ ઉત્તમ છે. પણ બીજાને સારા કેમ થવું તે શીખવવું એ વધારે ઉત્તમ છે – અને તેમાં તો જરાય તકલીફ પણ પડતી નથી?’ નિષેધાત્મક વિચારો કે કાર્યો સંવાદની દિશામાં જરાયે આગળ લઈ જઈ શકતા નથી. પ્રત્યેક વિચાર અને કર્મ કાર્ય-કારણના નિયમનો જ એક અંશ છે. ભગવદ્‌ગીતામાં શ્રીકૃષ્ણે અર્જુનને કહ્યું છે કે ‘આ વિશ્વમાં કંઈ જ નષ્ટ થતું નથી.’ સ્વામી વિવેકાનંદ, આપણે પરસ્પરને કઈ રીતે અસર કરીએ છીએ તે અંગે ઘણીવાર કહેતાં –

‘અંતર (દૂરત્વ)થી કોઈ તફાવત પડતો નથી. વિચાર વિચરે છે અને સામી વ્યક્તિ સુધી પહોંચી જાય છે, અને તે વ્યક્તિ તે સમજી પણ જાય છે. જો તમારું મન અહીં તદ્દન વિખૂટું પડી એકલું જ રહેતું હોય અને મારું મન પણ વિખૂટું પડી ત્યાં એકલું રહેતું હોય તો મારો વિચાર તમારા સુધી પહોંચી જ કેવી રીતે શકે? સામાન્ય બાબતોમાં મારો વિચાર સીધે સીધો તમારા સુધી નથી પહોંચતો. પરંતુ મારો વિચાર સૂક્ષ્મ તરંગોમાં વિભાજિત થાય છે, અને પછી એ સૂક્ષ્મ તરંગો તમારા મગજ સુધી પહોંચે છે અને પછી તે વિચારો તમારા વિચારોમાં, તેમના મૂળ રૂપે ભળે છે…

આનો અર્થ એ કે મનનું એક સાતત્ય છે. યોગીઓ એમને કહે છે; મન તો વૈશ્વિક છે, તમારા કે મારા નાનકડાં મન તો તે વૈશ્વિક મનનાં જ અંશો છે.

એક મહાસાગરના લઘુ મોજાં છે અને આ સાતત્યને લીધે જ આપણા વિચારો સીધાં જ એકબીજા સુધી પહોંચે છે. આપણી આસપાસ શું થઈ રહ્યું છે તે તમે જુઓ છો. જગત એક પારસ્પારિક પ્રભાવથી વ્યાપ્ત છે. આપણી ઊર્જાનો એક ભાગ આપણા શરીરને ટકાવવામાં વપરાય છે. પણ પછી તે ઊર્જાનો પ્રત્યેક અંશ, દિવસ-રાત બીજાઓ પર અસર પાડવામાં જ વપરાય છે. આપણાં શરીરો, આપણાં સદ્‌ગુણો, આપણી બુદ્ધિ અને આપણી આધ્યાત્મિકતા આ સઘળાં અન્ય પર સતત અસર કરતાં જ રહે છે, અને તેથી બીજી રીતે જોઈએ તો આપણે પણ તેમનાથી અસર પામતા હોઈએ છીએ. આ વિનિમય સતત આપણી આસપાસ ચાલ્યા જ કરે છે.’

ક્ષણિકમાં રહેલા શાશ્વતને સ્વામીજી આમ સમજાવે છે.

‘આ સકલ વિશ્વ અસ્તિત્વ ધરાવે છે. તે સૂક્ષ્મતર બને છે; ટકે છે અને વિશ્રામના એક યુગ પછી, જાણે કે તે સમગ્ર વિશ્વ પુન: પ્રક્ષેપિત થાય છે. તત્ત્વોનો યથાપૂર્વ તે જ સંયોગ, તે જ પ્રકારની ઉત્ક્રાન્તિ અને તેજ પ્રકારનો આવિર્ભાવ દૃષ્ટિએ પડે છે. તેની આ લીલા થોડા કાળ સુધી ચાલે છે. પુન: એકવાર તે ખંડ ખંડમાં વહેંચાઈ જાય છે. તે સૂક્ષ્મ અને સૂક્ષ્મતર થયા કરે છે અને અંતે જાણે કે વિલય પામે છે અને ફરીથી પાછો તેનો આવિર્ભાવ થાય છે. મોજાંઓના ઉછાળની જેમ આમ તો આગળ અને પાછળ એમ શાશ્વતીમાં સતત પ્રગટે છે અને વિલય પામે છે. કાળ, દેશ અને કારણનો સિદ્ધાંત એ બધાં જ આ પ્રકૃતિમાં સ્થિત છે.

આજે અનેક વિજ્ઞાનીઓ આ વિચારને ઘુંટી રહ્યા છે. ઉદાહરણ તરીકે ડો. રૂપર્ટ શેલ્ડ્રેક એવી પરિકલ્પના કરે છે કે જીવંત પ્રાણીઓમાં એક પ્રકારની સ્મૃતિ નિહિત છે. તે માને છે એ એક એવું ઊર્જા ક્ષેત્ર છે કે જે અદૃશ્ય અસર પાડે છે.

બહુ દૂરના અંતરે રહેતા કોઈ એક જાતિના પશુઓને કોઈ એક વિશિષ્ટ ક્રિયા શીખવવામાં આવે તો પણ આ જાતિના અન્ય પશુઓ પણ તે ક્રિયા બહુ ઝડપથી શીખી લે છે તેનું કારણ આ ઊર્જાક્ષેત્ર જ છે. આને (Morphic Resonances) કહે છે. તેથી એમ માનવામાં આવે છે કે આ ક્ષેત્રો દેશ અને કાળમાં વિસ્તરે છે અને સાતત્ય જાળવી રાખે છે. કંઈક નાશ પામે તો તે થોડીવાર માટે અટકી જાય છે, પણ તેઓ પુન: સક્રિય થઈ શકે છે. તેઓ જ્યારે પુનર્જીવિત થાય છે ત્યારે તેમના પૂર્વકાલીન ભૌતિક જીવનની સ્મૃતિ જાળવી રાખતા હોય છે. બીજા વિજ્ઞાનીઓ માને છે કે સ્મૃૃતિ સ્થાન વિશેષથી અનિયંત્રિત ક્ષેત્રની લાક્ષણિકતાઓ ધરાવે છે. તે એ સાથે સર્વત્ર છે અને કોઈ ખાસ સ્થળમાં જ સીમિત નથી. તમને એ માટે ‘તન્માત્રા’ – આકાશી ‘તરંગ લહરીઓ’ કે ‘કર્મ’ એવા શબ્દોનો પ્રયોગ કરવો યોગ્ય લાગશે. પારિભાષિક શબ્દો ગમે તે હોય, પણ એક વાત ચોક્કસ છે કે અદૃશ્ય ઊર્જાક્ષેત્રો આપણા પર અસર કરે છે અને માયાના સ્વભાવ અનુસાર આ ક્ષેત્રો સારા કે ખરાબ હોઈ શકે છે.

મૂળભૂત તથ્ય તો એ છે કે તમે જો તમારી આસપાસના જગત સાથે અને તમારા અંતરાત્મા સાથે સંવાદ સાધવા ઇચ્છતા હો તો તમારે કંઈક વિધાયક કાર્ય કરવું પડશે.

શ્રીરામકૃષ્ણ કહેતાં કે તમને જે મળ્યું છે તેનો તમે ઉપયોગ નહીં કરો તો તે તમને હવે વધારે નહીં આવે. તેથી જ સ્વપ્રયત્ન આવશ્યક છે. વર્તમાન જેવો અન્ય કોઈ યોગ્ય સમય નથી. જે થઈ શક્યું હોત – તેના વિચારમાં જ જો તમે ડુબેલા રહેશો તો તમે ગુમાવેલા સમયમાં જ ફાંફા મારો છો. જો તમે આવતીકાલની રાહ જોયા કરશો તો તમે સુખને દૂર ને દૂર ખસેડી રહ્યા છો. કોઈ બીજો સમય વધારે સારું પરિણામ લાવશે એવી કલ્પનામાં રાચવું તે તો એક મિથ્યા આશા છે. શું કોઈ ગુફા, રણપ્રદેશ, વન કે આશ્રમ તમને વધારે સારું ફળ આપી શકશે? કદાચ આપી શકે. પણ તમારા મસ્તકની અંદર જે ઘુમરાય છે તે તો તમારી સાથે ને સાથે જ રહેવાનું અને ગુફામાં પણ તમારો સંગાથ કરવાનું જ છે. સ્વામી વિવેકાનંદ કહે છે કે ચાવી તમારા જ હાથમાં છે અને તે છે આરંભ કરવો તે. તો આપણે કઈ રીતે આરંભ કરીશું?

સહુ પ્રથમ તો તમારી જાતને, બીજા લોકોને કે જગતને હીનભાવથી જોવાનું – નિંદવાનું છોડી દો. કોઈ એક ગુરુની આ શીખ ગાંઠે બાંધો – ‘કોઈ એક સદ્‌ગુણને આત્મસાત કરો. બીજા સદ્‌ગુણો તેને અનુસરશે.’

બીજા શબ્દોમાં કહીએ તો, જે કંઈ બની ગયું છે, બની રહ્યું છે તેનાથી આ બાહ્ય વાતાવરણ પ્રભાવિત થાય છે. અને આપણામાંનો પ્રત્યેક જણ પોતાની રીતે વિશ્વના વર્તમાન અને ભાવિ સંવાદમાં યોગદાન આપે જ છે.

અનુવાદ : શ્રીવસંતભાઈ પરીખ

સંદર્ભ :

1. The Complete Works of Swami Vivekananda Vol. II p. 152.
2. ibid. p. 295.
3. ibid. p. 13.
4. The Complete Works of Swami Vivekananda Vol. 3. p. 123.

Total Views: 130

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.