શ્રી માસ્ટર મહાશયની અપ્રકાશિત રોજનીશીમાંથી શ્રીઠાકુરના બલરામભવનના સાત દિવસ અને શ્યામપુકુરના મકાનમાં ગાળેલા ૪૯ દિવસનું સંક્ષિપ્ત વિવરણ સ્વામી પ્રભાનંદજીએ મૂળ બંગાળીમાં ગ્રંથસ્થ કર્યું છે. એ ગ્રંથનો પ્રો. જ્યોતિબહેન થાનકીએ કરેલો ગુજરાતી અનુવાદ ‘શ્રીરામકૃષ્ણદેવની અંત્યલીલા’ એ શીર્ષક હેઠળ અહીં ક્યારેક ક્યારેક થોડા અંશો વાચકોના લાભાર્થે આપવાનો અમારો પ્રયાસ છે. – સં.

બલરામ ભવનમાં સાત દિવસ

ઉત્તર કલકત્તા સમકાલીન કલકત્તાની સંસ્કૃતિનું મુખ્ય કેન્દ્ર હતું. ઉત્તર કલકત્તાના કેટલાક મહોલ્લા શ્રીરામકૃષ્ણના ચરણ-સ્પર્શથી પવિત્ર બન્યા હતા. એ સમયે શ્રીરામકૃષ્ણ ભાવધારાને કેન્દ્રમાં રાખીને આ પ્રદેશમાં એક ભક્ત-મંડળી ઊભી થઈ. આ વિષયમાં શ્રીરામકૃષ્ણ-લીલાપ્રસંગના લેખક સ્વામી શારદાનંદજીનું લખાણ ધ્યાન ખેંચે છે. ‘ભક્તોનાં હૃદય શ્રીરામકૃષ્ણદેવના દર્શન માટે હંમેશાં એટલાં ઉત્કંઠ રહેતાં હતાં કે જો કોઈ કારણવશ દક્ષિણેશ્વરમાં તેઓ જઈ શકતાં નહિ તો પછી એકબીજાનાં ઘરે જઈને તેમની વાતો કરીને એ રીતે આનંદનો અનુભવ કરતા. કોઈ એકને પણ જો શ્રીરામકૃષ્ણના આગમનના સમાચાર મળી જાય તો તુરત જ કોઈ પણ પ્રયત્ન વગર, એક બીજા મારફત અનેક લોકોમાં પ્રસરી જતા. શ્રીરામકૃષ્ણદેવની શક્તિથી ભક્તોમાં પરસ્પર એક એવા પ્રકારનું અનિર્વચનીય પ્રેમ-બંધન હતું, કે જે વાચકોને સમજાવવું અમારા માટે મુશ્કેલ છે. કલકત્તામાં બાગબજાર, સિમલા, તથા આહીરીટોલા મહોલ્લામાં, તેમના અનેક ભક્તો રહેતા હતા. એટલા માટે આ ત્રણે સ્થળે, મોટે ભાગે શ્રીરામકૃષ્ણનું આગમન થતું રહેતું. એમાં પણ તેઓ બાગબજારમાં વધારે પ્રમાણમાં આવતા હતા.’

એવું કહેવામાં આવે છે કે ફક્ત બાગ બજારમાં જ એમના ત્રીસથી પણ વધારે ભક્તો રહેતા હતા. ભક્ત બલરામ બોઝ, ૫૭, રામકાન્ત બોઝ સ્ટ્રીટ (હાલમાં ગિરીશ એવન્યુ)માં રહેતા હતા. બલરામના પિતરાઈ ભાઈ હરિવલ્લભ બોઝે આ મકાન બનાવ્યું હતું. તેઓ કટકમાં વકીલાત કરતા હતા અને તેમની ઇચ્છા મુજબ બલરામે અહીં સપરિવાર નિવાસ કર્યો હતો. બલરામનું ઘર શ્રીરામકૃષ્ણના ભક્તો માટે ખૂબ જાણીતું હતું; શ્રીરામકૃષ્ણના સૌથી વધારે વખત થયેલા ચરણ-સ્પર્શથી આ ઘર ખૂબ પવિત્ર બની ગયું છે. હવે તે ‘બલરામ મંદિર’ નામે ઓળખાય છે. બલરામ બોઝના આરાધ્ય દેવ શ્રીરામકૃષ્ણ આ મંદિરના ઉપાસ્ય દેવ છે.

બલરામ શ્રીરામકૃષ્ણના પ્રિય ગૃહસ્થ ભક્ત તથા તેમના એક ખજાનચી પણ હતા. શ્રીરામકૃષ્ણે ભાવાવસ્થામાં બલરામને શ્રીચૈતન્ય મહાપ્રભુની કીર્તન-મંડળીમાં જોયા હતા. તેમના ઘર વિશે ‘શ્રીરામકૃષ્ણ-કથામૃત’ના લેખકે લખ્યું છે; ‘ધન્ય બલરામ! તમારું ઘર આજે ઠાકુરનું મુખ્ય – કાર્યક્ષેત્ર બની ગયું છે. કેટલાયે નવા ભક્તોને આકર્ષિત કરીને પ્રેમથી બાંધી લીધા. સાથે સાથે તેઓ કેટલીયે વાર ઈશ્વરીય ભાવમાં મગ્ન બનીને નાચ્યા, કીર્તન કર્યાં. જાણે કે શ્રીગૌરાંગ શ્રીવાસ મંદિરમાં પ્રેમનું બજાર ભરીને બેઠા છે.’

દક્ષિણેશ્વરના કાલીમંદિરમાં બેસીને રડે છે. પોતાના અંતરંગ ભક્તોને જોવા માટે વ્યાકુળ બની જાય છે. રાત્રે ઊંઘ નથી આવતી, કહે છે; ‘મા, તેનામાં ખૂબ ભક્તિ છે. તમે તેને ખેંચી લો. મા, તેને અહીં લઈ આવો. જો તે અહીં ન આવી શકે તો મા મને જ ત્યાં લઈ જાઓ. હું તેને જોઈ તો લઉં.’ એટલા માટે તેઓ બલરામને ત્યાં દોડી આવતા હતા. લોકોને કહેતા; ‘બલરામને ત્યાં શ્રીજગન્નાથજીની સેવા થાય છે. તેનું અન્ન ખૂબ શુદ્ધ છે. ‘જ્યારે આવે છે, ત્યારે બલરામને બધાને આમંત્રણ આપવાનું કહે છે. કહે છે; ‘જાઓ – નરેન્દ્રને, ભવનાથને, રાખાલને આમંત્રણ આપી બોલાવી લો. એ લોકોને ખવડાવવું એ નારાયણને ખવડાવવા સમાન છે. તેઓ જેવા તેવા નથી. તેઓ ઈશ્વરના અંશથી ઉત્પન્ન થયાં છે. એમને ખવડાવવાથી તમારું ખૂબ કલ્યાણ થશે.’ બલરામને ઘેર કેટલીય વાર પ્રેમના દરબારમાં આનંદનો મેળો ભરાયો. શ્રીરામકૃષ્ણને કેન્દ્રમાં રાખીને અંતિમ વાર આ આનંદમેળો ફક્ત સાત દિવસનો જ હતો. – ૨૬મી સપ્ટેમ્બર ૧૮૮૫ થી ૨જી ઓક્ટોબર ૧૮૮૫ સુધી. આ લેખમાં એ સાત દિવસોનું સંક્ષિપ્ત વર્ણન કરવામાં આવ્યું છે.

(૧)

શ્રીરામકૃષ્ણ સવારે જ દક્ષિણેશ્વર છોડીને કલકત્તા આવી ગયા. ભક્તોએ તેમના રહેવા માટે એક નાનકડું મકાન ભાડે લીધું હતું. ઠાકુર ત્યાં આવ્યા. તે બાગ બજારમાં ‘રાજાના ઘાટ’ની પહેલી ગલીમાં આવેલું બે માળનું એક નવું મકાન હતું. શનિવારનો દિવસ હતો. તારીખ હતી ૨૬મી સપ્ટેમ્બર ૧૮૮૫. આ વિશે સ્વામી શારદાનંદે લખ્યું છે; ‘ગંગાના કિનારે કાલી મંદિરના વિશાળ બગીચામાં ખુલ્લી હવામાં રહેવાને ટેવાયેલા ઠાકુર આ નાના મકાનની અંદર પ્રવેશતાં જ બોલી ઊઠ્યા કે તેઓ અહીં નહીં રહી શકે. અને તે જ સમયે ચાલતાં ચાલતાં બલરામ બોઝના ઘરે જતા રહ્યા. સ્વામી અદ્‌ભુતાનંદે પણ કહ્યું છે, બાગ બજારમાં જે મકાન ભાડે લીધું હતું. તે ઠાકુરને પસંદ પડ્યું ન હતું. એમણે કહ્યું; ‘આટલું નાનું મકાન, એમાં રહેવાથી તો શ્વાસ રુંધાય જાય. બાપુ, તમે લોકો કોઈ બીજું મકાન શોધો.’ બીજો કોઈ ઉપાય ન જણાતાં શ્રીરામકૃષ્ણ બલરામ ભવનમાં આવી ગયા. લીલાપ્રસંગના લેખકે ભક્ત બલરામના ઘરનો શ્રીરામકૃષ્ણનો ‘બીજો કિલ્લો’ એ નામથી ઉલ્લેખ કર્યો છે.

શ્રીરામકૃષ્ણ – પુંથીના લેખકે પણ કહ્યું છે –

‘ભવનના મહિમાનું વર્ણન કરી શકાય તેમ નથી. ગૌર-અવતાર વખતે જેમ શ્રીવાસનું આંગણું હતું. ઘરમાં જગન્નાથની મૂર્તિની પ્રતિષ્ઠા હતી. ખૂબ પ્રેમપૂર્વક ભગવાનની સેવા થતી હતી. દિવસ-રાત મંગલ ઉત્સવનો ધ્વનિ ગૂંજતો રહેતો હતો. બોઝનું ઘર જાણે જગન્નાથનું ક્ષેત્ર હતું.’

સવારના સવા નવ વાગ્યા હતા. બલરામે શ્રીરામકૃષ્ણનું પ્રેમપૂર્વક સ્વાગત કર્યું. એમના આવવાની ખબર આખી શેરીમાં પ્રસરી ગઈ. ખબર મળતાં જ ગિરીશચંદ્ર ઘોષ આવી પહોંચ્યા. જેવી ગિરીશે તે મકાન વિશે વાત શરૂ કરી કે શ્રીરામકૃષ્ણ બોલી ઊઠ્યા : ‘અહીં ઘર જેવું છે.’ ગંગા કિનારે આવેલી દુર્ગાચરણ મુખર્જીની શેરીના મકાન વિશે કહ્યું; ‘ત્યાં જવાની ઇચ્છા નથી.’ ગિરીશને ધ્યાનમાં રાખીને તેમણે એમ પણ કહ્યું; ‘જાણે ગંગાયાત્રી.’

શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વરથી ચાલ્યા આવ્યા છે. એ વાત કરતાં તેમણે કહ્યું; ‘બે બાબત માટે ચાલ્યો આવ્યો છું – ત્યાંના ઓરડામાં ખૂબ જ લીલ આવી ગઈ હતી. બીજી બાબત તે ત્યાં શૌચ જવાની તકલીફ હતી.’

ડોક્ટરની સલાહ પ્રમાણે ઠાકુરે ઘણો વખત દવાના કોગળા કર્યા, અને કહેવા લાગ્યા, ‘હજુ વધારે આપો, વધારે આપો.’

થોડા સમય પછી તેમણે માસ્ટર મહાશયને કહ્યું : ‘ખાંસી ખૂબ વધી ગઈ છે.’ આ વખતે બલરામને ઘેર શ્રીરામકૃષ્ણની આ પહેલી રાત હતી. તે રાત્રે માસ્ટર મહાશય પણ બલરામના ઘેર સૂઈ ગયા. તેઓ ઠાકુરના ઓરડામાં જ સૂતા.

* * * * * *

શ્રીરામકૃષ્ણના આ સમયના લીલાવિલાસનો રસાસ્વાદ લેવા માટે વાચકોએ એ સમયની પૃષ્ટભૂમિ જાણવી જરૂરી બની રહે છે.

જ્યારે પુરુષોત્તમ સંસારના મંચ ઉપર અવતરે છે ત્યારે તેમના આચરણમાં લૌકિક અને પારલૌકિક બંને ભાવોનું મિલન જોવા મળે છે. તડકા-છાયાની જેમ જ દૈવી અને માનવીય ભાવોનું મિલન. તેઓ મનુષ્યોની સાથે વસે છે તો પણ તેમના અંતરતમમાંથી દિવ્યભાવ પ્રકટ થતો રહે છે. સામાન્ય મનુષ્ય એ દિવ્યભાવના પ્રકાશને સમજી શકતો નથી. તો પણ તે આશ્ચર્યચકિત થઈ જાય છે. ભગવાન શ્રીરામકૃષ્ણના જીવનના આ ભાગમાં તેમના દિવ્યભાવો અસાધારણ રૂપે પ્રગટ થયા હતા.

ઠાકુરને ગળામાં દર્દ થતું હતું. પ્રારંભમાં ઘણાંએ આ દર્દ પર ધ્યાન આપ્યું નહીં. કેમકે લોકો એવું વિચારતા હતા કે ઠંડી લાગી જવાથી દર્દ થાય છે. પરંતુ ડોક્ટરોએ ચિકિત્સા કરીને નિદાન કર્યું કે એમને ‘કલેરજિમૈંસ સોર થ્રોટ’ થયું છે. ખૂબ વધારે બોલવાથી આ રોગ થયો છે. તેમણે દવા અને સેવાની પદ્ધતિ બતાવી દીધી. શ્રીરામકૃષ્ણે બધા નિયમો અને વ્યવસ્થા સ્વીકારી લીધાં. પણ બે બાબતોમાં ઉલ્લંઘન થવા લાગ્યું. ઈશ્વર પ્રત્યેનો પ્રગાઢ પ્રેમ અને સંસારનાં તાપથી તપેલાં મનુષ્યો પ્રત્યેની અપાર કરુણાથી વિવશ થઈને તેઓ સમાધિ અને વાણી પર સંયમ, આ બે બાબતોમાં નિયંત્રણ રાખવામાં સફળ ન થયા. એ ઉપરાંત દક્ષિણેશ્વરમાં ભક્તોની ભીડ વધતી જતી હતી. સ્વામી શારદાનંદે લખ્યું છે, ‘ગળામાં પહેલી વાર પીડા અનુભવ્યા પછીના થોડા દિવસો બાદ એક દિવસ તેમણે ભાવ દશામાં જગન્માતાને કહ્યું હતું; ‘શું આટલા બધા માણસોને લાવવા જોઈએ? એકદમ ભીડ લગાવી દીધી છે. નહાવા – ખાવાનો ય સમય નથી મળતો. એક તો તૂટેલો ઢોલ છે, (પોતાનું શરીર બતાવીને), રાતદિવસ એને વગાડ્યા કરવાથી કેટલા દિવસ ટકશે?’

શરૂઆતમાં થોડો સમય ડોક્ટર રાખાલ ઘોષે સારવાર કરી. પણ તેથી સુધારો ન જણાતાં સારવારની જવાબદારી હોમિયોપથીના પ્રસિદ્ધ ડોક્ટર પ્રતાપચંદ્ર મજુમદારને સોંપવામાં આવી. વચ્ચે એક દિવસ ડોક્ટર ભગવાન રુદ્રે આવીને તેમને તપસ્યા હતા.૧૦ આ દિવસો દરમિયાન એક દિવસ ડો. મહેન્દ્રલાલ સરકારે પોતાના દવાખાનામાં ઠાકુરના ગળાના દર્દોની તપાસ કરી હતી. ડોક્ટર મજુમદારની સારવાથી ઠાકુરને શરૂઆતમાં રાહત જણાવા છતાં તે ભયંકર રોગ પોતાની સ્વાભાવિક તીવ્ર ગતિથી વધતો જ ગયો. આટલી બધી અસ્વસ્થતા હોવા છતાં પણ શ્રીરામકૃષ્ણે એક દિવસ માટે પણ કીર્તન કરવું કે ઉપદેશ આપવા બંધ નહોતાં કર્યા. જે દિવસે ખૂબ વધારે ભાવમાં આવી બોલતા, તે દિવસે કષ્ટ વધારે થતું. આમ તેઓ અશેષ કષ્ટ અનુભવતા. પણ એક જ ક્ષણમાં બધું ભૂલીને તેઓ પહેલાંની જેમ જ આનંદ મગ્ન બની રહેતા. પાણીહાટીના ઉત્સવમાં શ્રીરામકૃષ્ણ સંકીર્તનમાં વિભોર બની ગયા હતા અને વારંવાર ભાવસમાધિમાં મગ્ન બની જતા હતા. તેનાથી તેમના ગળાનું દર્દ વધી ગયું. એક દિવસ તો ગળામાંથી લોહી નીકળવા મંડ્યું. આ જોઈને ભક્તજનો ભયભીત બની ગયા. ભક્તોના જ આગ્રહથી શ્રીરામકૃષ્ણ સારવાર માટે કલકત્તા આવવા સહમત થયા.૧૧ એમના સૂચન મુજબ બાગ બજાર મહોલ્લામાં ગંગાકિનારે મકાન ભાડે લેવાનું નક્કી કરવામાં આવ્યું. રામલાલે પંચાગ જોઈને કહ્યું, (જે દિવસે પચાંગ જોયું તેના) બે દિવસ પછી એટલે કે ત્રણ વાગ્યા પછી સ્થળાંતર માટેનો સમય અનુકૂળ છે.

બલરામના ઘરે આવવાની સાથે જ શ્રીરામકૃષ્ણના દર્શનાર્થીઓની સંખ્યા વધી ગઈ. તે સ્થળ સારવારનું કેન્દ્ર બનવાને બદલે ઉત્સવ ક્ષેત્રમાં બદલાઈ ગયું. ‘પુંથી’માં ભક્ત અક્ષયકુમાર સેન લખે છે;

‘શ્રી પ્રભુ બોઝના ઘેર આવ્યા છે. આ વાત બધામાં ફેલાઈ ગઈ. બલરામ ભવન માણસોથી ભરાઈ ગયું. એટલા બધા માણસો આવવા લાગ્યા કે તેની ગણતરી કોણ રાખી શકે? કોઈએ એ ધ્યાન ન રાખ્યું કે પ્રભુને આટલી પીડા છે. તેમના દર્શનથી બધાં જાણે મહા આનંદરૂપી જળમાં ડૂબી ગયાં!૧૨

આ પ્રસંગ વિશે સ્વામી શારદાનંદ ‘લીલા પ્રસંગ’માં કહે છે, પરિચિત, અપરિચિત લોકોનાં ટોળે ટોળાં એમનાં દર્શન માટે બલરામ ભવન આવવાં લાગ્યાં. બલરામનું ઘર એક ઉત્સવ સ્થળ સમું આનંદમય બની ગયું. ડોક્ટરોની મનાઈ અને ભક્તોની આર્ત પ્રાર્થનાને લઈને કેટલોક સમય મૌન રહેવા છતાં પણ શ્રીરામકૃષ્ણ દેવ જે ઉત્સાહથી લોકોને ધર્મોપદેશ આપતા હતા, તેનાથી એ પ્રતીત થતું હતું કે જાણે તેઓ આ ઉદ્દેશથી જ અહીં આવ્યા હતા. જાણે કે દક્ષિણેશ્વર સુધી પહોંચવાનું જે લોકો માટે મુશ્કેલ હતું, તેમને બધાંને જ્ઞાન આપવા માટે તેઓ સ્વયં પધાર્યા હતા. સવારથી લઈને ભોજનના સમય સુધી અને ભોજન પછી એકાદ-બે કલાકનો આરામ લઈને પછી રાત્રિભોજન સુધી અને ત્યાર પછી પણ સૂવાના સમય સુધી તેમણે આ સપ્તાહમાં દરરોજ અનેક મનુષ્યોના જીવનના જટિલ પ્રશ્નોનું નિરાકરણ કરી દીધું હતું. અનેક પ્રકારના ભગવદ્ પ્રસંગો દ્વારા તેમણે અસંખ્ય લોકોને આધ્યાત્મિક માર્ગમાં ખેંચી લીધા હતાં. અને ભજન કીર્તન વગેરેના શ્રવણથી ગંભીર સમાધિમાં મગ્ન બનીને અનેક ધર્મપિપાસુઓના હૃદયને શાંતિ અને આનંદના તરંગોથી ભરી દીધાં હતાં. ૧૩

(૨)

ઠાકુર શ્રીરામકૃષ્ણ બલરામ ભવનના બીજા માળે છે. સવારમાં જ ત્યાં માસ્ટર મહાશય આવી પહોંચ્યા. તેઓ મેટ્રોપોલિટન સ્કૂલની શ્યામ બજારની શાખાના મુખ્ય શિક્ષક છે. આ વિદ્યાલય ૧૦૦ શ્યામપુકુર સ્ટ્રીટમાં આવેલું છે.

આજે ૨૭મી સપ્ટેમ્બર, રવિવાર ૧૮૮૫. આસો વદ ત્રીજ. શ્રીરામકૃષ્ણ સ્નાન કરવાની તૈયારી કરી રહ્યા છે. તેલને માટે વ્યગ્ર છે. તેઓ ઓરડામાં જમીન પર બેઠા છે. પહેલાં તેમણે જાતે જ પોતાના વાળમાં તેલ લગાવી દીધું. સેવક હરીશના હાથને મસ્તક પરથી હટાવી દીધો. બલરામને ત્યાં જગન્નાથદેવની દરરોજ પૂજા થતી. સ્નાન પછી શ્રીરામકૃષ્ણને જગન્નાથની છબિ – જગન્નાથના દર્શન કરવાની ઇચ્છા થાય છે. ભવનના અંત:પુરમાં બીજા માળની ઉત્તર-પૂર્વ દિશામાં પૂજા ઘર હતું. શ્રીરામકૃષ્ણ ત્યાં ગયા અને જગન્નાથ દેવના દર્શન કરીને તુરત જ પોતાના ઓરડામાં પાછા આવી ગયા. શ્રીરામકૃષ્ણે રાખાલ તરફ જોયું. બાજુમાં જ એક આરામ ખુરશી પડી હતી. તેમણે ઈશારો કરીને તેને તેના પર બેસવા કહ્યું. રાખાલ ખુરશી પર બેઠા એટલે શ્રીરામકૃષ્ણનું મુખ આનંદિત થઈ ઊઠ્યું.

* * * * *

ત્રીજા પહોરે નિશાળેથી પાછા ફરતી વખતે માસ્ટર મહાશય બલરામ ભવન આવ્યા છે. લગભગ ત્રણ વાગ્યા હતા. માસ્ટર મહાશયને સંકેત કરીને શ્રીરામકૃષ્ણે પૂછ્યું : ‘નાનો નરેન શું ઇચ્છે છે રે?’ નરેન્દ્ર મિત્ર માસ્ટર મહાશયનો વિદ્યાર્થી હતો. તે શ્યામપુકુરમાં રહેતો હતો. ઠાકુર એને લાડમાં ‘છોટા નરેન’ કહીને બોલાવતા. ઠાકુરની સાથે તેનો પ્રથમ પરિચય ૭મી માર્ચ ૧૮૮૫ના થોડા સમય પહેલાં થયો હતો. ઠાકુર તેની પવિત્રતાની પ્રશંસા કરતા હતા. ક્યારેક ક્યારેક એને મળવા માટે વ્યાકુળ બની જતા હતા.

માસ્ટર મહાશયે પોતાના એક કિશોર વિદ્યાર્થી બંકિમની ભક્તિ વિશે ઠાકુરને જણાવ્યું. એ સાંભળીને તેઓ પ્રસન્ન થયા. એ સમયે નરેન્દ્ર આવી પહોંચ્યા. નરેન્દ્રે માસ્ટર મહાશય તરફ ઈશારો કરીને શ્રીરામકૃષ્ણને કહ્યું : ‘કાલે રાત્રે બે મચ્છરદાનીની વચ્ચે સૂતા રહ્યા. ભોળા છે ને! એ વખતે મુર્શિદાબાદથી એક વૈષ્ણવ બાબાજી આવ્યા. તેમની સાથે ભક્ત નવગોપાલ ઘોષ હતા. પુંથીમાં આ પ્રસંગનું નિરૂપણ આ રીતે કરવામાં આવ્યું છે.

પ્રભુના ખેલની એક દિવસની વાત સાંભળો. સવારનો સમય હતો. ગોરાંગના એક બ્રાહ્મણભક્તે નામાવલિની ચાદર ઓઢી હતી. લોકો પાસેથી ઠાકુરનો મહિમા સાંભળીને ક્યારેક ક્યારેક દર્શન કરવા આવતા હતા. તે સરલ સ્વભાવના હતા. તેમણે ઠાકુરમાં ગૌરાંગને જોયા. અનેક પ્રકારનું ઈશ્વરચિંતન કરતા કરતા આખરે તેઓ બલરામ બોઝના ઘરે આવી પહોંચ્યા. 

શ્રીરામકૃષ્ણ ભક્તોથી ઘેરાઈને બેઠા છે. બાબાજીએ શ્રીરામકૃષ્ણના ચરણોમાં મસ્તક ટેકવીને પ્રણામ કર્યા. તેમણે ઈશારાથી બાબાજીને બેસવાનું કહ્યું. નવગોપાલ ઘોષે બાબાજીનો પરિચય કરાવ્યો. એ પછી બાબાજી ઊભા થયા અને તેમણે શ્રીરામકૃષ્ણને બે વાર પ્રણામ કર્યા.

શ્રીરામકૃષ્ણે ઈશારાથી જ કહ્યું; ‘આધાર સારો છે. પુંથીના લેખકે આ વિષયમાં એક વાર્તાલાપ આપ્યો છે – શ્રીરામકૃષ્ણ હાથમાં પંખો લઈને હવા નાખી રહ્યા છે. બાબાજીને ઇચ્છા જાગી કે તેઓ શ્રીરામકૃષ્ણને પંખાથી હવા નાખે.

અંતર્યામી ઠાકુર બાબાજીના મનની ઇચ્છા જાણી ગયા. અને તેને પંખો આપી દીધો. પંખો લઈને બાબાજી ખૂબ રાજી થઈ ગયા અને મન ભરીને એમને હવા નાખવા લાગ્યા. ત્યારે શ્રીરામકૃષ્ણ બોલ્યા; ‘આજે મારું નસીબ સારું છે.’ નરેન્દ્રે આના અર્થને સમજાવ્યો.

વૈષ્ણવ બાબાજી :- આપ આને એક રીતે મારું સદ્‌ભાગ્ય કહી શકો જેમ નિમાઈએ જગાઈ અને મધાઈ નામના બે પાપીઓનો ઉદ્ધાર કર્યો હતો!

આ સાંભળીને શ્રીરામકૃષ્ણની આંખોમાંથી પ્રેમાશ્રુ વહેવા લાગ્યા. તેઓ પથારીમાંથી ઊભા થઈને બાબાજી પાસે આવ્યા અને ભાવાવેશમાં ડૂબી ગયા. ‘કમલા (લક્ષ્મી)એ સેવેલાં એ અમૂલ્ય ચરણને ભાવદશામાં ઠાકુરે બાબાજીના વક્ષસ્થલ પર મૂકી દીધાં. આ સદ્‌ભાગ્યથી બ્રાહ્મણનું હૃદય આનંદથી પરિપૂર્ણ થઈ ગયું.’ બાબાજીએ અત્યંત પ્રેમપૂર્વક શ્રીરામકૃષ્ણના ચરણોને પોતાની ધોતી પર ધારણ કર્યા અને ધન્યતા અનુભવતા પ્રસન્ન થઈ ગયા.

શ્રીરામકૃષ્ણ- ‘બોલો કૃષ્ણ ચૈતન્ય.’

અધિક ભાવને લઈને બાબાજી જોરથી બોલી ઊઠ્યા, ‘ગૌર, કૃષ્ણ ચૈતન્ય, પ્રેમ દયાળ નિતાઈ.’ ભાવ વિહ્વળ શ્રીરામકૃષ્ણની આંખોમાંથી ફરીથી પ્રેમાશ્રુ વહેવા લાગ્યાં. તેમણે પોતાની આંખો હાથેથી ઢાંકી દીધી, તો પણ આંસુ તો વહેતાં જ રહ્યાં. ભાવવિભોર શ્રીરામકૃષ્ણના ચરણકમળ વૈષ્ણવના વક્ષસ્થલ પર મૂકેલાં હતાં અને તેમણે તેને બહુ જ સંભાળપૂર્વક ધારણ કર્યાં હતાં. પ્રેમ પ્રદાન કરી રહેલાં આ મનમોહક દૃશ્યને જોઈને ભક્તજનો મુગ્ધ થઈ ગયા. ભાવદશામાંથી બહાર આવ્યા બાદ ઠાકુરે બાબાજીને ઉદ્દેશીને કહ્યું: ‘તમે તો ભલા છો. મારાં આને (ગળાના દર્દને) સારું કરી દો. કેવી રીતે સારું થશે? (દવા વગેરે આપોને.) થોડા સમય પછી શ્રીરામકૃષ્ણ ચિંતિત બની ગયા કેમ કે ભાવદશામાં તેમણે બીજાના વક્ષસ્થળ પર પોતાનો પગ મૂકી દીધો હતો. જાણે પોતાનાં આ આચરણના સમર્થનમાં જ કહેવા લાગ્યા, ‘સમજાઈ ગયું, (પગ છાતી પર મૂકતી વખતે) મહાવાયુ ઉપર તરફ જઈ રહ્યો હતો. છાતી ધક્ ધક્ કરી રહી હતી. તે સમયે શરીર જ્ઞાન રહી શકતું નથી. શું અપરાધ થઈ ગયો. શું અપરાધ થઈ ગયો. શ્રીરામકૃષ્ણે વળી પાછું કહ્યું: ‘અંદર (કોઈ એક) છે. (જે આ બધું કરી રહ્યું છે).

(ક્રમશ:)

સંદર્ભ:

૧. સ્વામી શારદાનંદ : શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ, તૃતીય ભાગ, પૃષ્ઠ – ૫૯.

૨. ૧લી મે, ૧૮૯૭માં આ મકાનમાં સ્વામી વિવેકાનંદની અધ્યક્ષતામાં ઠાકુરના ત્યાગી અને ગૃહસ્થ ભક્તોની વચ્ચે શ્રીરામકૃષ્ણ મિશનની શરૂઆત થઈ હતી.

૩. શ્રીરામકૃષ્ણ વચનામૃત, (હિન્દી) ત્રીજો ભાગ, પૃષ્ઠ – ૬૪.

૪. સ્વામી શારદાનંદ : શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ, પાંચમો ભાગ, પૃષ્ઠ – ૨૦૨.

૫. ચન્દ્રશેખર ચટ્ટોપાધ્યાય : શ્રી શ્રી લાટુ મહારાજેર સ્મૃતિકથા (બંગાળી) પૃ. – ૨૩૪.

૬. તે સમયની પ્રથા અનુસાર પરલોકના કલ્યાણ માટે મરણાસન્ન વ્યક્તિ પ્રાણત્યાગની ઇચ્છાથી ગંગાકિનારે પડ્યો રહેતો, અહીં શ્રીરામકૃષ્ણ આવા પ્રકારના ગંગાયાત્રીઓ વિશે કહી રહ્યા છે. ભાડાના મકાનને જોઈને શ્રીરામકૃષ્ણે કહ્યું હતું : ‘શું તેમણે મારી ગંગાયાત્રાનું આયોજન કર્યું છે. હું આ મકાનમાં નહીં રહી શકું.’ (રામચંદ્રદત્ત શ્રીરામકૃષ્ણ પરમહંસ દેવેર જીવનવૃત્તાંત – ૧૭મી આવૃત્તિ પૃષ્ઠ ૧૬૫)

૭. અક્ષયકુમાર સેને પુંથીમાં લખ્યું છે – ‘કાલી મંદિરમાં ફૂલોનો બગીચો ગંગાકિનારે હતો. શ્રીપ્રભુના મંદિરની પશ્ચિમ તરફ ફક્ત છ હાથના અંતરે જમીન દેખાતી નહીં. પાણી ઉપર સુધી આવી ગયું હતું. એને લઈને, વધારે પાણીથી પ્રભુનું મંદિર ભીનું રહેતું હતું. હવામાં ભેજ રહેતો અને ઓરડામાં હંમેશાં લીલ બાઝી જતી.’ જીવનવૃત્તાંતના લેખકે લખ્યું છે : ‘શ્રાવણ મહિનાના આખરી દિવસો હતા. ગંગામાં પાણી વધી જવાથી બાગની ઉપર સુધી પાણી આવી ગયું હતું… એ લીલ એમના માટે ઘણી જ નુકશાનકારક હતી.

૮. સ્વામી શારદાનંદ : શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ, પાંચમો ભાગ, પૃ. : ૧૯૫-૯૬.

૯. એજન પૃ. : ૧૯૭.

૧૦. વૈકુંઠનાથ સંન્યાલના કહેવા મુજબ એ દિવસોમાં શ્રીરામકૃષ્ણના સારવાર માટે ડો. નિતાઈ હાલદાર દક્ષિણેશ્વર આવ્યા હતા. (જુઓ, શ્રીરામકૃષ્ણલીલામૃત,(હિન્દી) પ્રથમ સંસ્કરણ પૃ. ૧૭૫) દક્ષિણેશ્વર છોડવાના ત્રણ દિવસ અગાઉ એટલે કે ૨૦ મી ડિસેમ્બરે શ્રીરામકૃષ્ણ કલકત્તાના તાલતલા પરગણાના ડોક્ટર દુર્ગાચરણ બંદોપાધ્યાયની પાસે પણ ગયા હતા.

૧૧. જીવન વૃત્તાંત પ્રમાણે સ્થળાંતરના પ્રસ્તાવથી શ્રીરામકૃષ્ણ અત્યંત આનંદિત થયા હતા.

૧૨. શ્રીશ્રીરામકૃષ્ણ પુંથી, ૯મી આવૃત્તિ પૃ. ૫૮૪ રામચંદ્ર દત્તે પણ લખ્યું છે – એ વાત પ્રસરી ગઈ કે શ્રીરામકૃષ્ણ કલકત્તા આવ્યા છે… બલરામનું ઘર જાણે ઉત્સવ સ્થળ બની ગયું.

૧૩. સ્વામી શારદાનંદ : શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ, પાંચમો ભાગ, પૃ. – ૨૦૩.

૧. બોઝ પરિવારની ઓરિસ્સાના કોઠાર નામના સ્થળે જમીનદારી હતી. પહેલાંના સમયમાં ત્યાં જગન્નાથદેવની મૂર્તિ લઈ જવામાં આવી હતી.

૨. થોડા દિવસ પછી તા. ૨૭.૧૦.૧૮૮૫માં શ્રીરામકૃષ્ણે માસ્ટર મહાશયને પૂછ્યું હતું, ‘બંકિમ કેવો છોકરો છે? તે જો અહીં ન આવી શકે તો તમે તેને કંઈ બતાવી દેજો તેનાથી તેનું આધ્યાત્મિક જ્ઞાન જાગ્રત થશે.’ વચનામૃત (હિન્દી) ભાગ-૩, પૃષ્ઠ. ૩૯૯.

૩. શ્રીરામકૃષ્ણ પુંથિ, ૯મી આવૃત્તિ, પૃષ્ઠ. ૩૮૫.

૪. ૨૫.૧૦.૧૮૮૫ના રોજ એક આવી જ કૃપા વરસાવ્યા બાદ શ્રીરામકૃષ્ણે કહ્યું હતું, ‘આવેશમાં કોણ જાણે શું થઈ જાય છે, હવે શરમ આવે છે. તે સમયે તો જાણે ભૂત સવાર થઈ જાય છે. પછી હું હું નથી રહેતો.’ વચનામૃત (હિન્દી), ભાગ-૩, પૃષ્ઠ.૩૭૨

૫. શ્રીરામકૃષ્ણે જાન્યુઆરી ૧૮૮૩માં કહ્યું હતું, આની અંદર કોઈ એક રહે તે મને આ રીતે કરાવી રહ્યો છે. શ્રીરામકૃષ્ણ વચનામૃત (હિન્દી), ભાગ-૧, પૃષ્ઠ. ૨૧૩.

Total Views: 152

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.