(કથામૃત : ભાગ-૧ : ખંડ ૫ : પૃ.૯૨-૯૮ : ૨૭ ઓક્ટોબર, ૧૮૮૨)

શ્રીઠાકુરને સ્ટીમરની સફર કરાવવા કેશવચંદ્ર સેન આવ્યા છે. શ્રીઠાકુર નૌકામાં જઈ રહ્યા છે, શ્રીમાસ્ટર મહાશય (શ્રીમ.) એ દૃશ્યનું વર્ણન કરે છે. એની સાથે ગંગાનું, દક્ષિણેશ્વરના મંદિરનું અને નીલગગનનું વર્ણન પણ કરે છે. એ બધાંથી ઉપર સમસ્ત સૌંદર્યના ઉદ્‌ગમ શ્રીરામકૃષ્ણનું વર્ણન કરે છે. આવા પરિવેશમાં કેશવચંદ્ર સેનનું શ્રીઠાકુર સાથે મિલન થશે જેને માસ્ટર મહાશય પોતાની આંખે જોવાના છે.

શ્રીરામકૃષ્ણ અને કેશવ : બંનેનો વિપરીત ભાવ

એ દિવસોમાં બંગાળનો શિક્ષિત યુવસમાજ કેશવચંદ્ર સેનના ગુણો પર મુગ્ધ હતો. કેશવચંદ્રે પોતાની વિદ્વત્તા, પોતાની અસાધારણ વાગ્મિતા અને આ બધાં ઉપરાંત પોતાની નિરાકાર બ્રહ્મની ઉપાસના દ્વારા એક નવા આધ્યાત્મિક જીવનનો પથનિર્દેશ આપ્યો હતો. આ બધાંને કારણે તેઓ એ સમયના નવશિક્ષિત યુવસમાજ સમક્ષ આકર્ષણનું કેન્દ્ર બની ગયા હતા. અને એ શિક્ષિત યુવસમાજમાંના એક માસ્ટર મહાશય હતા. એટલા માટે અત્યંત સ્વાભાવિક રૂપે તેમણે કેશવચંદ્ર સેન સાથે શ્રીઠાકુરની તુલના કરતાં – એ બંને મહાપુરુષોમાં મિલનનું સૂત્ર ક્યાં છે – આ વાત સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તેઓ એવું વિચારતા હતા કે કેશવચંદ્ર શું જોઈને શ્રીઠાકુર પ્રત્યે આટલો ભક્તિભાવ રાખે છે અને શ્રીઠાકુર પણ શું જોઈને કેશવચંદ્ર સેન પ્રત્યે આટલા આકૃષ્ટ છે. આમ જોઈએ તો આ બંને મહાપુરુષોની જીવનધારા સર્વથા વિપરીત દિશાઓમાં પ્રવાહિત થઈ રહી હતી. કેશવચંદ્ર સેન શિક્ષિત છે એ દૃષ્ટિએ જોતાં શ્રીરામકૃષ્ણ પ્રાય: નિરક્ષર છે; શ્રીઠાકુર મૂર્તિપૂજા કરે છે અને પેલી બાજુએ મૂર્તિપૂજાના વિરોધમાં જ કેશવચંદ્રનો પ્રચાર પ્રસાર છે; શ્રીઠાકુર સનાતનપંથી છે, તિથિનક્ષત્ર, પ્રાચીન પૂજાપદ્ધતિ, વગેરે બધાંને તેઓ માને છે. ત્યારે બીજી બાજુએ એ બધાંમાં ન માનવું એ કેશવચંદ્ર સેનના ધર્મની રીતિનીતિ છે. કેશવચંદ્ર સેન ગૃહસ્થ છે અને શ્રીઠાકુર સંન્યાસનું કોઈ ચિહ્ન ન ધારણ કરવા છતાં પણ સંન્યાસીઓના આદર્શ છે. અને વળી જેમને પ્રાચીન સંન્યાસી કહે છે, ઠાકુર એવા પણ નથી. કારણ કે તેઓ જટાધારી નથી, શરીર પર ભસ્મ નથી, પગમાં પગરખાં છે, એટલું જ નહિ વળી વચ્ચે વચ્ચે મોજાં પણ પહેરી લે છે. એટલે પ્રાચીન દૃષ્ટિએ કહેવું પડશે કે શ્રીઠાકુર કાં તો અત્યંત શૃંખલાહીન છે કે અત્યંત પ્રગતિશીલ છે. સૌથી મોટી વાત તો આ છે કે પુરાતનપંથીઓ માટે એમનામાં કોઈ આકર્ષણ જણાતું નથી. અને વળી આધુનિકોની દૃષ્ટિએ તેઓ ઘણા પછાત છે – શિક્ષણમાં, ભાષાવિન્યાસમાં, વેશભૂષામાં આ બધાંમાં – તેઓ પછાત લાગે છે. ઝભ્ભો તો પહેરે છે પણ કેવી રીતે એ પહેરશે એનું કંઈ ઠેકાણું નથી; જો કે ધોતિયું પહેરે છે પણ તે કમર પર રહેવાનું અને કાંખમાં દબાયેલું રહેશે, આ કાંઈ સારું ન લાગે. એટલે આવા પ્રકારના વ્યક્તિત્વને લીધે સમાજમાં બધાંની સાથે હરવું ફરવું સંભવ ન હતું. એટલા માટે તો મહર્ષિ દેવેન્દ્રનાથે શ્રીઠાકુરને આમંત્રણ આપીને પણ વળી પાછા સમાચાર કહેડાવીને એમને આવવાની ના કહી હતી. આવી હતી ત્યારના સમાજમાં એમની સ્વીકૃતિ! આવી રીતે અત્યંત આધુનિક દૃષ્ટિસંપન્ન કેશવચંદ્ર સેને શ્રીઠાકુરમાં એવું શું જોયું; અને વળી જે તત્કાલીન સમયમાં સનાતનપંથીઓની દૃષ્ટિએ પ્રાય: વિધર્મી ગણાય એવા કેશવચંદ્ર પ્રત્યે શું જોઈને શ્રીઠાકુર આટલા બધા આકર્ષાયા હતા? ગમે તેમ હોય આપણે જાણીએ છીએ કે કેશવચંદ્ર સેન સાથે શ્રીમ.ને ઘણો ઘનિષ્ઠ સંબંધ હતો, એટલો બધો ઘનિષ્ઠ કે તેમને પણ એમના જહાજમાં સન્માનપૂર્વક મળ્યા હતા. હવે તેઓ બ્રાહ્મભક્તોની દૃષ્ટિએ શ્રીઠાકુરને નિહાળશે. અને વળી શ્રીઠાકુરની દૃષ્ટિએ એ પણ જોશે કે બ્રાહ્મભક્ત કેવા દેખાય છે? આ કુતૂહલ લઈને તેઓ આવ્યા છે, બધું નિહાળી રહ્યા છે અને વર્ણન પણ કરી રહ્યા છે.

આ બાજુએ શ્રીઠાકુર નૌકામાં ચડતાં ચડતાં સમાધિસ્થ થઈ ગયા. શ્રીઠાકુરે મનની વાત મન ખોલીને ન કહી એટલે આપણે એ નથી જાણતા કે તેઓ અચાનક કેમ સમાધિભાવમાં ચાલ્યા ગયા. પણ અનુમાન કરવાથી એ વાત સમજાય છે કે એ સમયે એમના મનમાં કેશવની વાત – ધર્માત્મા કેશવ, ભક્ત કેશવ, ઈશ્વરાનુરાગી કેશવની વાત કદાચ આવી હશે અને એ જ વિચારતાં વિચારતાં એમના મનમાં ભગવાનની વાત આવી હશે એટલે તેઓ સમાધિભાવમાં લીન થઈ ગયા. બ્રાહ્મભક્તો આ દેવદુર્લભ દૃશ્યનો આનંદ માણી રહ્યા છે. ભગવાનનું ચિંતન કરતાં કરતાં માનવ કેટલી હદે ભગવાનમાં તન્મય થઈ શકે છે કે એને દેહ જ્ઞાન પણ રહેતું નથી, આ વાત ગ્રંથોમાં લખેલી મળી શકે છે પરંતુ કેટલા લોકોએ આ અવસ્થાને નજરે જોઈ છે? આ કોઈ આવેશની અવસ્થા નથી, આવેશ તો મૂર્છા કે અજ્ઞાનની અવસ્થા છે. અમારા કેટલાક મિત્રોએ આવી દશાનો અનુભવ કર્યો છે. કેટલીય વાર કીર્તન કરતાં કરતાં તેઓ સુધબુધ ભૂલી જતા હતા. તેમને એ સમયે જાણે કે કોઈ બાહ્યજ્ઞાન રહેતું ન હતું. એવી જ રીતે ભીતરીજ્ઞાન પણ ન રહેતું. આ કોઈ અનુભૂતિ નથી પરંતુ અનુભૂતિનો લોપ છે. હું બધા પ્રકારની ભાવસમાધિ વિશે આવું નથી કહેતો. પરંતુ સાધારણ રૂપે જે વાતો આપણી સમક્ષ જોવા મળે છે એની વાત કરું છું. આટલું એટલા માટે કહ્યું છે કે આપણે લોકોએ આ વિશે ખૂબ સાવધાન રહેવાની આવશ્યકતા છે, અને આ ન જાણવાથી આપણે બાહ્ય સાદૃશ્યને જોઈને સાધના પથની એક અનુન્નત અવસ્થાને ઉન્નત આધ્યાત્મિક અવસ્થા સમજી લેવાની ભૂલ કરી શકીએ છીએ. પરંતુ શ્રીઠાકુરની ભાવાવસ્થા ભિન્ન પ્રકારની છે. તેઓ આનંદસાગરમાં નિમજ્જિત છે; એમની ચોતરફ આનંદની લહેરો વહી રહી છે અને એ જ આનંદ એમના મુખમંડળ પર દિવ્યપ્રભાની જેમ ઝળકી રહ્યો છે.

જે હોય તે, ખૂબ સાવધાનીથી એમને જહામાં ચડાવ્યા. તેઓ ચાલી પણ નથી શકતા, કોઈ પણ ઇન્દ્રિય કાર્ય કરતી નથી. જેમ તેમ કરીને એમને કેબીન પર બેસાડ્યા. ચારે કોર ઠેલાઠેલી મચી ગઈ. સમાધિભાવમાંથી ઊતરતી વખતે એમના મુખમાંથી પહેલું વાક્ય નીકળ્યું : ‘મા, તું મને અહીં શા માટે લાવી છે? શું હું આ લોકોની એમનાં બંધનોમાંથી રક્ષા કરી શકીશ ખરો?’

શ્રીઠાકુરે આવી રીતે શબ્દાઘાત કરીને બીજી કેટલીય વાર અનેક સ્થળે આવી વાત કહી છે. પરંતુ આવા શબ્દના પ્રહારોથી આપણા મનમાં દ્વેષભાવ ઉત્પન્ન થતો નથી. કારણ કે જે આ શબ્દપ્રહાર કરે છે તેઓ આપણા પ્રત્યે અપાર કરુણાસંપન્ન છે. આપણે લોકો જે રીતની ગાઢ નિદ્રામાં પડ્યા છીએ તે ગાઢ નિદ્રા આવા ચાબૂકના પ્રહાર કર્યા વિના કેવી રીતે ઊડે? આપણે જાણીએ છીએ કે એક તરફ તેઓ તીખી સમાલોચના કરે છે તો બીજી બાજુએ આપણા માટે એમનાં મનહૃદયમાં અપાર સહાનુભૂતિ અને કલ્યાણકામના છે. અને એ પણ એવી કલ્યાણકામના કે તેઓ પોતાની મુક્તિને પણ તુચ્છ માનીને માને કહે છે : ‘મા, મને બેહોશ ન કર. હું આ લોકોની સાથે વાતો કરીશ.’ જે સમાધિ અવસ્થાને પ્રાપ્ત કરવા માટે ઋષિ-મુનિ-યોગી જનો જન્મજન્માંતરો સુધી સાધના કરતા રહ્યા છે, જીવોનાં દુ:ખ દૂર કરવા માટે તેઓ એ અવસ્થાને પણ તુચ્છ માનીને તિરસ્કારી દે છે. એટલા માટે શ્રીઠાકુર જ્યારે એમ કહે છે : ‘મા, શું આ લોકોનાં બંધનથી હું તેમને રક્ષી શકીશ?’ ત્યારે એમનો અભિપ્રાય એ છે : ‘મા, મને શક્તિ દે, સામર્થ્ય દે, જેથી હું એ લોકોનાં આ બંધનોને તોડીને તેમને મુક્ત કરી શકું.’

એના પછી એક ભક્તે કહ્યું: ‘પવહારીબાબાએ પોતાના ઓરડામાં આપનો એક ફોટો રાખ્યો છે.’ 

શ્રીઠાકુર હસીને બોલ્યા : ‘આ ખોળિયાનો?’

શ્રીઠાકુરની સમાધિમૂર્તિ અને છબી

જેમની છબી છે, એમના આદર્શના સ્મારકની દૃષ્ટિએ જો તે છબી હોય તો એક વાત છે પણ તેને ઘર સજાવવાની દૃષ્ટિએ અન્ય વસ્તુઓ સાથે એક વસ્તુની જેમ રાખવામાં આવી હોય તો તે છબીને રાખવામાં કોઈ સાર્થકતા નથી. આ વાત તેઓ પવહારીબાબાને ધ્યાનમાં રાખીને કરતા નથી; આ તો તેઓ સર્વસામાન્ય માનવ માટે કહે છે. છબીની પાછળ જે તત્ત્વ છે, જે આદર્શ છે જો આપણે એ તત્ત્વને, એ આદર્શને ગ્રહણ કરવાની દૃષ્ટિએ એ છબીને જોઈએ તો એના પર ફૂલ ચડાવવાં, એના પ્રત્યે સન્માન પ્રદર્શિત કરવું સાર્થક છે, નહિ તો તે માત્ર એક ચિત્ર બનીને રહેશે. જે આપણને ક્યારેય કલ્યાણના પથે આગળ નહિ લઈ જઈ શકે.

આપણે જાણીએ છીએ કે અત્યારે એમની જે છબિની ઘરે ઘરે પૂજા થાય છે એ જોઈને એમણે સ્વયં એક દિવસ પ્રણામ કર્યા હતા અને કહ્યું હતું : ‘એક દિવસ આ છબિની ઘરે ઘરે પૂજા થશે. આ એક ઉચ્ચ યોગની અવસ્થા છે.’ એમણે તો જાણી લીધું હતું. પણ શું આપણે એ જ દૃષ્ટિએ જોઈને, વિચાર કરીને, આ છબીને આપણા પોતાના આધ્યાત્મિક પથમાં પ્રગતિનો ઉપાય સમજીને આપણે એની પૂજા કરીએ છીએ? જો એવું કરીએ તો તો એ પૂજા સાર્થક નીવડશે અન્યથા બધું વ્યર્થ જશે. ‘આ ખોળિયાનો’ કહીને શ્રીઠાકુર જાણે કે આ જ ભાવ પ્રગટ કરવા ઇચ્છે છે. એટલે જ આપણે જોઈએ છીએ કે જે ઠાકુર માટે શરીર અત્યંત તુચ્છ હતું. એ જ ઠાકુર પોતાની સમાધિઅવસ્થાની છબિ જોઈને સ્વયં અભીભૂત બનીને આમ કહેતા પ્રણામ કરે છે : ‘કાળાંતરે ઘર ઘરમાં એની પૂજા થશે.’ એમની આ ભવિષ્યવાણી કેટલે અંશે સફળ થઈ છે એનું પ્રમાણ આજે આપણને ચારે તરફ સ્પષ્ટ જોવા મળે છે.

ભક્તોનું હૃદય એમનું નિવાસસ્થાન

શ્રીઠાકુર કહે છે : ‘પણ એક વાત છે, ભક્તોનું હૃદય છે એમનું નિવાસસ્થાન, એમનો બેઠકખંડ.’ શ્રીઠાકુર આ વાતને ખૂબ મહત્ત્વ આપીને કહે છે કે સંસારમાં બધું અનિત્ય છે એ વાત નિ:સંદેહ છે; પરંતુ આ અનિત્ય વસ્તુઓની ભીતર પણ ક્યાંક ક્યાંક ભગવાનનો વિશેષ પ્રકાશ જોવા મળે છે. અનિત્ય વસ્તુ કહીને જો આપણે સમસ્ત જગતને તુચ્છ ગણી લઈએ તો તો એમને પકડવાનું જે સૂત્ર આપણી પાસે છે તે છિન્ન થઈ જશે. એમનો અનુભવ આપણે આ જગતમાં ન કરતાં બહાર બીજે ક્યાં કરીશું? આવું તો આપણે વિચારી પણ ન શકીએ. આપણા ચિંતનના રાજ્યમાં આપણે એવું માનીએ છીએ કે તેઓ આ સમસ્ત જગતમાં પરિવ્યાપ્ત છે અથવા તેઓ આપણા હૃદયમધ્યે વિરાજમાન છે. વળી આપણે આમ પણ કહીએ છીએ કે તેઓ અંત:કરણમાં વિદ્યમાન છે – ‘તદન્તરસ્ય સર્વસ્ય’ – તેઓ સમસ્તની ભીતર રહે છે અને વળી ‘બાહ્યત:’ – બહાર પણ રહે છે. અહીં આ જે ‘બહાર’ એમ કહ્યું છે તે ‘બહાર’ એટલે કેટલું દૂર? એની કોઈ સીમા આપણે જાણતા નથી. તો વળી ‘બહાર’ અને ‘ભીતર’ એ કઈ દૃષ્ટિએ? કોઈ એક સીમાને ધ્યાનમાં રાખીને કહી શકીએ છીએ કે તેની અંદર અને બહાર. દેહને એક સીમા ગણી લીધી. એમ માનીને કહ્યું કે તેઓ આ દેહની ભીતર પણ છે અને વળી તેની બહાર પણ છે. એટલા માટે સાધકોએ કહ્યું કે ભક્તોનાં હૃદયમાં એમનો પ્રકાશ હોય છે. તેઓ તો બધે જ રહેલા છે, પણ ‘ભક્તોનું હૃદય તો એમનું દિવાનખાનું છે.’ અર્થાત્ ત્યાં તેઓ વિશેષભાવે વિરાજમાન છે. આ વિશેષભાવ એટલે શું? શું તેઓ ત્યાં વધુ ઘનીભૂતભાવે રહે છે? ભગવાન કોઈ એવી વસ્તુ નથી જેને એક સ્થાને વધુ ઘનિષ્ઠ કરી દેવાય અને બીજી બાજુએ તરલ બનાવી દેવાય. તેઓ સર્વત્ર છે. સમગ્ર વિશ્વમાં અથવા તેની બહાર તેઓ જે રીતે વિરાજમાન છે તે જ રીતે તેઓ એક નાના રજકણમાં પણ છે. પરંતુ વળી પાછો આપણા મનમાં પ્રશ્ન ઊઠે છે કે એને પકડવો હોય તો કોઈ એવું સ્થાન છે જ્યાં એમનો પ્રકાશ વધુ પ્રમાણમાં હોય? એવું કહેવામાં નથી આવતું કે એમની ‘સત્તા’ અધિક છે, પણ એમ કહેવામાં આવે છે કે એમનો ‘પ્રકાશ’ વધારે છે, અને તે સ્થાન છે ભક્તનું હૃદય. એટલે એમનો અનુભવ કરવા માટે આપણે એ ભક્તહૃદયને શોધવું પડશે, જ્યાં એમનું સાંનિધ્ય આપણે સહજ રીતે સમજી શકીએ. જો આવું ન બને તો ભલેને તે સમસ્ત વિશ્વમાં ઓતપ્રોત બનીને વિદ્યમાન હોય પરંતુ વિશ્વના આપણા જેવા ક્ષુદ્રાતિક્ષુદ્ર જીવોને એ વિશ્વવ્યાપીને લઈને શું લાભ કે જેને આપણે ન પકડી શકીએ, ન સ્પર્શી શકીએ કે ન એમની ધારણા કરી શકીએ? આપણું પ્રયોજન તો એનાથી સધાશે જેનાથી આપણે એમને પકડી શકીએ, એમને સ્પર્શી શકીએ અને જેનો આપણે અનુભવ કરી શકીએ. એટલા માટે શ્રીઠાકુરે આપણા લોકોની પહોંચની અંદર એમનું ઠામઠેકાણું બતાવી દીધું છે અને તે છે ભક્તનું હૃદય.

જ્ઞાની અને ભક્ત

ત્યારબાદ શ્રીઠાકુર ભાગવતની વાત કરે છે : ‘જ્ઞાની જેને બ્રહ્મ કહે છે, યોગી તેને આત્મા કહે છે અને ભક્ત-ભગવાન.’ આ કહેવું અનાવશ્યક છે કે અહીં બ્રહ્મજ્ઞાની કહેવાથી જે બ્રાહ્મસમાજી ભક્તોનો બોધ થાય છે તેઓ સારી એવી જ્ઞાનીની કોટિએ આવતા નથી. તેઓ ભક્ત છે. શ્રીઠાકુરે આ વાત અન્યત્ર અન્યપ્રકારે કહી છે કે, જ્ઞાની એ છે, જે વિચાર કરતાં કરતાં તત્ત્વને જાણવાની ચેષ્ટા કરે છે અને બ્રાહ્મભક્ત તો ભગવાનને એમના ગુણો દ્વારા આસ્વાદન કરવાનો પ્રયાસ કરે છે. એટલે તેઓ નિરાકારવાદી છે પરંતુ, સગુણબ્રહ્મના ઉપાસક છે. તેઓ એવા ભગવાનને ચાહે છે કે જેમની ભીતર દયા છે, સ્નેહ છે અને માયામમતા છે; જેમને આપણે માતા કે પિતાના નામે સંબોધન કરીને તૃપ્તિ પામીએ છીએ. આપણે એવા ભગવાનને ચાહીએ છીએ જે આપણી પ્રાર્થના સાંભળે, આપણી આકાંક્ષાઓ પૂર્ણ કરે, આપણને મુક્તિના પથ પર લઈ જાય. બ્રહ્મ દ્વારા આ બધું થતું નથી. તો પછી બ્રહ્મનું ચિંતન શા માટે કરવું? જે અદ્વૈતવેદાંતવાદી છે તેઓ વળી, આ બ્રહ્મની વાત શા માટે કરે છે? બ્રહ્મ વળી એમને ક્યા કામનો? એના ઉત્તરમાં કહેવાય છે કે બ્રહ્મને કોઈ કામમાં લાવવાનો નથી. પરંતુ બ્રહ્મને જાણવાની આવશ્યકતા છે. આ જાણકારી જો થઈ જાય, મળી જાય તો આપણે સમજી શકીશું કે આપણે આ બધાં જે સુખદુ:ખાદિ ભોગવીએ છીએ તે આપણા અજ્ઞાનને કારણે થઈ રહ્યું છે. આપણું સ્વરૂપ તો તે પરબ્રહ્મ છે જે બધી રીતે સુખદુ:ખથી અતીત-પર છે. જ્યારે બ્રહ્માનુભૂતિમાં પ્રતિબંધક તત્ત્વ દૂર થઈ જાય ત્યારે મનુષ્ય પોતાના સ્વરૂપમાં સ્થિત બનીને બ્રહ્મ બની જશે. શ્રીઠાકુર આ કહે છે, પરંતુ ભક્તોનો ભાવ એવો નથી. તેઓ ખાંડ બનવા ઇચ્છતા નથી પણ ખાંડ ખાવા ઇચ્છે છે. તેઓ તેનું આસ્વાદન કરવા ઇચ્છે છે – માતાના રૂપે, પિતાના રૂપે, સખા કે બંધુના રૂપે, આત્મીયજન-પરિજન, આદિ વિભિન્ન રૂપે. હવે તે આસ્વાદન માટે તેના રૂપની કલ્પના કરવી પડશે કે નહિ, એ વાત અહીં ગૌણ છે. બ્રાહ્મભક્ત રૂપની કલ્પના નથી કરતા પરંતુ આસ્વાદનની આકાંક્ષા રાખે છે. એટલે તેઓ ભક્ત છે. આ દૃષ્ટિએ વિચાર કરીને શ્રીઠાકુર કેશવચંદ્ર સેનની ભીતર એક એવું ભક્તિથી ભરપૂર હૃદય જુએ છે કે જ્યાં ભગવાન માટે વ્યાકુળતા છે, આંતરિકતા છે અને આ જ કેશવચંદ્ર સેનની સાથે શ્રીઠાકુરના મિલનનું એ સૂત્ર છે જેની શોધના શ્રીમ.એ આ પ્રસંગમાં કરી હતી.

(ક્રમશ:)

Total Views: 184

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.