આ સર્વ શિક્ષાનું સારતત્ત્વ એ છે કે તમે સ્વામીની જેમ કાર્ય કરો, ગુલામની જેમ નહીં. દરેક જણ કાંઈક કરે જ છે તે તમે ક્યાં નથી જોતા? કોઈ પણ સાવ આરામમાં રહી ન શકે; માનવ જાતના નવાણું ટકા ગુલામની પેઠે કામ કરે છે; અને આ કામનું પરિણામ દુ:ખ છે. આ સર્વ સ્વાર્થવૃત્તિથી કરાયેલું કામ છે. સ્વતંત્રતાથી કાર્ય કરો! પ્રેમ દ્વારા કાર્ય કરો! ‘પ્રેમ’ શબ્દ સમજવો બહુ મુશ્કેલ છે; જ્યાં સુધી સ્વતંત્રતા ન આવે ત્યાં સુધી પ્રેમ ન જ આવે. ગુલામમાં શુદ્ધ પ્રેમ ન જ સંભવે. ગુલામને ખરીદો, તેને સાંકળે બાંધો, અને તમારા માટે એની પાસે કામ કરાવો; એ વેઠિયાની પેઠે કામ કરશે, પણ એનામાં તમારા માટે પ્રેમ નહીં હોય. એ રીતે ગુલામની જેમ જો જગતની વસ્તુઓ માટે આપણે કામ કરીએ તો આપણામાં પ્રેમ ન જ સંભવે. આ દૃષ્ટિએ આપણું કામ સાચું નથી. સગાંઓ અને મિત્રો માટે કરેલાં કામો પણ સાચાં નથી, અને આપણા પોતા માટે કરેલાં કામો પણ સાચાં નથી. સ્વાર્થવૃત્તિથી કરેલું કાર્ય ગુલામના કાર્ય જેવું છે; અને એની કસોટી નીચે પ્રમાણે છે. પ્રેમથી કરેલા દરેક કાર્યને પરિણામે સુખ થાય છે; પ્રેમથી કરેલું એવું એકે કાર્ય નથી જેનું પરિણામ સુખ અને શાંતિમાં ન આવે.

જે માણસ સ્વતંત્રતા અને પ્રેમ દ્વારા કામ કરે છે તે પરિણામની મુદ્દલ પરવા નથી કરતો. પરંતુ ગુલામને ચાબુક જોઈએ જ; નોકરને પગાર જોઈએ જ. જીવનનાં બધાં ક્ષેત્રોમાં એવું છે. દાખલા તરીકે જાહેર જીવન લો. જાહેર વક્તા થોડીએક પ્રશંસા અગર થોડીએક તાળિયો માગે છે જ. જો તમે તેને એ વિના એક ખૂણામાં નાખી રાખો તો તમે તેનું મોત જ લાવો. કારણ કે તેને તે બાબતો જ આવશ્યક છે. આનું નામ ગુલામી, મનોવૃત્તિથી કામ કરવું. આવી પરિસ્થિતિમાં બદલારૂપે કશાકની આશા રાખવી એ એક સ્વભાવ થઈ પડે છે. ત્યાર પછી નોકરની મનોવૃત્તિવાળાનું કામ આવે છે; તેને કંઈક પગાર—કશોક બદલો—મળવો જોઈએ ‘હું તમને આ આપું, અને તમે મને તે આપો’ એવી એ વૃત્તિ છે. ખરી રીતે તો ‘હું કામની ખાતર કામ કરું છું’ એમ કહેવા કરતાં વધારે સહેલું બીજું કંઈ નથી; પરંતુ એ સ્થિતિ પ્રાપ્ત કરવી એ કરતાં વધુ મુશ્કેલ પણ બીજું કંઈ નથી.

આપણે કર્મ કરવું જ જોઈએ. જુઠી તૃષ્ણાથી ચોમેર ઘસડાતી સામાન્ય જનતા કર્મ વિશે શું જાણે? પોતાની ઊર્મિઓ અને પોતાની ઈન્દ્રિયોથી પ્રેરાતો માનવી કર્મને શું સમજે? જે પોતાની તૃષ્ણાથી ઘસડાતો નથી, જે કોઈ સ્વાર્થથી પ્રેરાતો નથી, તે જ ખરેખર કર્મ કરે છે; કર્મમાંથી જેને કોઈ ફળપ્રાપ્તિનો ઈરાદો નથી તે જ કર્મ કરે છે; કર્મમાંથી જેને કંઈ મેળવવાનું નથી તે જ સાચું કર્મ કરે છે. 

— સ્વામી વિવેકાનંદ

Total Views: 137

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.