એટલું નિશ્ચિત માનજો કે કોઈ મનુષ્ય ભલેને ગમે તેટલો ખરાબ હોય અને આખી દુનિયાએ ભલે એનો ત્યાગ કર્યો હોય પણ ઈશ્વરનો પ્રેમ તો જેટલો માનવ સર્વાધિક પવિત્ર રહે છે એટલો જ એના પ્રત્યે પ્રબળ અને તીવ્ર રહે છે. એક બાળક મોટું થઈને ભલેને હત્યારો બની જાય પણ માનો પ્રેમ એના પ્રત્યે અક્ષુણ્ણ રહે છે. બધી માતાઓને એક સાથે એકઠી કરીએ તો પણ ઈશ્વર એનાથી કેટલોય વધારે દયાળુ અને પ્રેમી છે. એમની પ્રેમપૂર્ણ કૃપામાં ક્યારેય શ્રદ્ધાવિશ્વાસ ગુમાવશો નહીં. તેઓ જઘન્યતમ પાપીઓ પર પણ સદૈવ દૃષ્ટિ રાખે છે એ જાણીને પ્રસન્ન રહો. પોતાની જાતથી અસંતુષ્ટ ન બનો. તમે ઈશ્વરના સંતાન છો અને પોતાની જાત પ્રત્યે અસંતુષ્ટ બનીને તમે ઈશ્વરના સંતાન પ્રત્યે અસંતુષ્ટ બનો છો. શું આ ખરાબ વાત નથી? એટલે જ પોતાનું સન્માન કરો કારણ કે તમે ઈશ્વરના પુત્ર છો અને તમને ઉત્પન્ન કરીને તેમણે કોઈ ભૂલ કરી નથી કેમકે તેઓ બધી ભૂલોથી પર છે. એટલે તેઓ તમારા દ્વારા જરૂર એવું કંઈક કરાવશે કે જેને માટે તેઓ તમને આ પૃથ્વી પર લાવ્યા છે. ઈશ્વર પ્રત્યે તમારો અનુરાગ જેટલો વધશે એટલી જ તમારી વાસનાઓ ઓછી થતી જશે. સદૈવ સન્માર્ગ પર ચાલવાનો પ્રયત્ન કરો. સત્યવાદી અને સારા બનો તથા વિષયભોગની આકાંક્ષા ન રાખો. આને જ તમે પોતાનું લક્ષ્ય અને આદર્શ બનાવો. કઠિન સંઘર્ષ કરો અને જો આ સંઘર્ષ કરતાં કરતાં તમારા પગ લપસી પડે તેમજ તમે કેટલીયવાર પડી જાઓ તો તેનાથી શું? ફરીથી ઊભા થાઓ અને સંઘર્ષ કરતા રહો. નિશ્ચિત રહો કે અંતે તમે વિજયી થશો. જ્યાં સુધી તમે પૂર્ણ ન બની જાઓ ત્યાં સુધી સંઘર્ષ ન છોડો. ભગવાન શ્રીરામકૃષ્ણ બધી વિપત્તિઓથી તમારું રક્ષણ કરે તથા તમને સુરક્ષિત અને સ્વસ્થ રાખે.

હા, તમારા પોતાના નિર્ણયમાં તમે સાચા છો. અહીં આપણે ભીખારીના રૂપે કે રાજાના રૂપે જીવન ચલાવવું છે. પરંતુ આપણો આદર્શ અને લક્ષ્ય આપણે ગમે ત્યાં રહીએ તો પણ એ હોવાં જોઈએ કે આપણે ભગવાન શ્રીરામકૃષ્ણને ક્યારેય ન ભૂલીએ. એ પણ સાચું છે કે ગમે ત્યાં રહીએ પણ ઈશ્વર આપણને ત્યજતા નથી. એ પ્રભુ જ આપણને જીવનના એક સ્તરમાંથી બીજા સ્તરમાં લઈ જાય છે. આ જાણીને આનંદમય સ્થિતિમાં રહો. હું હંમેશાં તમને યાદ કરું છું અને આપણા ગુરુમહારાજને તમારા માટે પ્રાર્થના કરું છું. જો કે તમારી પાસે ભગવાન શ્રીરામકૃષ્ણની છબી છે. એટલે મારી આ સલાહ છે કે તેમને ભગવાનના અવતાર રૂપે જુઓ. એમની છબી સામે પ્રાર્થના કરો. એટલું નક્કી માનજો કે તમારી કામનાઓ પૂર્ણ થઈ જશે. એમનાથી વધુ દયાળુ બીજા કોઈ નથી. અરે! જ્યારે જ્યારે હું એમના મહિમા અને મહાનતાનું સ્મરણ કરું છું ત્યારે ત્યારે હું તરત જ આનંદવિભોર બની જાઉં છું. તેઓ તમારી સાથે નથી એવું ન ધારો. જે લોકો સારા છે એવા લોકોની પાસે તેઓ સદૈવ રહે છે અને તમે ઘણા સારા છોકરામાંના એક છો એટલે હું કહી શકું છું કે પ્રલોભનોથી તમારું રક્ષણ કરવા માટે તેઓ સદૈવ તમારી સાથે છે. એમની છબી એમનો સજીવ આત્મા છે. એને માત્ર એક ચિત્ર ન સમજો. એ એમનો સજીવ આત્મા છે. જો શક્ય બને તો પુષ્પધૂપાદિ એમને અર્પણ કરો અને જો ન બને તો પોતાના હૃદયના તીવ્ર પ્રેમ અને પશ્ચાત્તાપરૂપી પુષ્પ એમને ચડાવો. સમગ્ર વિશ્વ જેટલાં પુષ્પધૂપાદિ ઉત્પન્ન કરે છે એ બધાંના ઢગલાની તુલનામાં પશ્ચાત્તાપપૂર્ણ હૃદયનું અર્પણ તેઓ વધારે પસંદ કરે છે. જો તમે સાચા હૃદયથી એમની પાસે સહાયની યાચના કરો તો તેઓ ચોક્કસ તમારી મદદ કરશે. તેઓ પ્રેમ અને કરુણાના અવતાર છે.

મારા અનિયમિત પત્રવ્યવહારથી તમે એમ ન સમજી લેશો કે હું મારા મિત્રોને નથી ચાહતો, પ્રેમ શારીરિક કરતાં માનસિક વધુ હોય છે. હું મારા ગુરુદેવ પાસે સદૈવ તમારા પર, તમારાં સ્વજનો ઉપર તેઓ આશીર્વાદની વૃષ્ટિ કરતા રહે તેવી પ્રાર્થના કરું છું.

ભગવાન શ્રીરામકૃષ્ણ કહે છે : ‘જેવી રીતે પાણીને કોઈ રૂપ નથી એને જે પાત્રમાં રાખો તેવો આકાર તે ધારણ કરે છે તેવી રીતે ઈશ્વરનું કોઈ વિશેષ રૂપ નથી.’ પરંતુ ઈશ્વર પ્રાણીમાત્રના પ્રભુ છે એટલે તમારે એમને મનુષ્યના રૂપમાં જ સીમિત બનાવી ન દેવા જોઈએ. તમારા પિતા એક વિદેશી વેશ ધારણ કરી લે તો તેને કારણે તેઓ તમારાં સન્માન અને શ્રદ્ધા ગુમાવી દેતા નથી. એટલે ઈશ્વરનું ભલેને ગમે તે રૂપ હોય તમારે સદૈવ એમના પ્રત્યે પ્રેમ રાખવો જોઈએ. તેઓ ‘તમારા ઈશ્વર છે.’ ઈશ્વરના કોઈપણ વિશેષરૂપને પોતાની ઈષ્ટમૂર્તિ રૂપે કોઈપણ વ્યક્તિ નિ:સંદેહ પ્રેમ કરી શકે છે. વૈષ્ણવો કૃષ્ણરૂપને ચાહે છે, શાક્તો શક્તિના રૂપને ચાહે છે, વગેરે. એમનું જે રૂપ તમને સૌથી વધુ સારું લાગે એ રૂપે જ એમની પૂજા કરો. જેવી રીતે હિંદુ પરિવારની કુલવધૂ પરિવારના બધા સભ્યો પ્રત્યે શ્રદ્ધા રાખે છે, પરંતુ પોતાના પતિ સાથે એનો વિશેષ પ્રેમસંબંધ હોય છે. તેવી રીતે તમારે ઈશ્વરના ભિન્ન ભિન્ન રૂપોમાં શ્રદ્ધા રાખવી જોઈએ. પરંતુ તમારા જીવનના એક માત્ર ઈશ્વર તો તમારા ઈષ્ટદેવતા જ બનવા જોઈએ. એ વાત સારી છે કે શ્રીરામકૃષ્ણ પ્રત્યે તમારાં શ્રદ્ધા અને ભક્તિ છે. એવી વાત નથી કે તેમની પૂજા કરવાથી તમે માના ભક્ત રહેતા નથી, કારણ કે શ્રીરામકૃષ્ણ તો શક્તિનું જ પ્રગટ રૂપ છે. શક્તિ અસીમ છે અને એટલે જ અગમ્ય છે. તેણે સર્વસુલભ થવા માટે આ યુગમાં શ્રીરામકૃષ્ણનું સૌમ્યરૂપ ધારણ કર્યું છે. આ યુગના પ્રારંભમાં જ્યારે તેણે શ્રીકૃષ્ણનું રૂપ ધારણ કર્યું હતું ત્યારે યુગે યુગે પોતે પોતાના અવતાર લેવાનું કારણ બતાવ્યું હતું – 

‘યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત ।
અભ્યુત્થાનમધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ્ ॥

શ્રીરામકૃષ્ણદેવના અધિકાંશ શિષ્યોએ પોતાના ગુરુદેવના પાર્થિવ દેહત્યાગ પછી પણ એમનાં દર્શન કર્યાં છે અને જો એમનાં દર્શનની તમારી ઇચ્છા સાચી હશે તો તેઓ તમને અવશ્ય સંતુષ્ટ કરશે. ઈશ્વરનાં વિભિન્ન રૂપ રૂપકમાત્ર નથી, તે સત્ય છે. નિર્વિકલ્પ સમાધિમાં સૃષ્ટિ ય રહેતી નથી, સ્રષ્ટા પણ રહેતો નથી, ત્યાં પૂજા પણ નથી; તેને હવે આપણે છોડી દઈએ કારણ કે મીઠાની પૂતળી સમુદ્રમાં ભળી ગઈ છે. પરંતુ જ્યાં સુધી આપણું ક્ષુદ્ર વ્યક્તિત્વ છે ત્યાં સુધી આપણને સાકાર ઈશ્વરની આવશ્યકતા રહે છે. જગતના રચયિતા ઈશ્વર સદૈવ સાકાર છે અને તેમની પ્રત્યેક અભિવ્યક્તિ એટલી જ સાચી છે જેટલા તે પોતે સત્ય છે. પૂજા ઈશ્વરના સાકારરૂપમાં જ સંભવ છે. હું તમને એ જ પદ્ધતિ ગ્રહણ કરવાની સલાહ આપું છું. શ્રીરામકૃષ્ણ માટે જીવો અને કાર્ય કરો, તેમજ મનપ્રાણપૂર્વક એમની પૂજા કરો અને એ રીતે જીવનમાં મુક્તિ પ્રાપ્ત કરી લો. તેમને સાક્ષાત્ ઈશ્વરના જ રૂપે જુઓ. પિતા અને પુત્ર કે માતા અને સંતાન વચ્ચે કોઈ ભેદ-અંતર નથી. જો માનવ પથ્થરની મૂર્તિની પૂજા કરીને મુક્તિ મેળવી શકે તો ઈશ્વરની જીવંતમૂર્તિની પૂજા દ્વારા લક્ષ્ય સુધી પહોંચવાની વધારે શક્યતા છે. તમે સીધેસીધી ઈશ્વરની પૂજા કરી શકતા નથી, કારણ કે આ દેવમાનવો સિવાય તેમની ધારણા જ કોઈ કરી શકતા નથી. જો શ્રીરામકૃષ્ણની જેમ દેવમાનવ અહીં જન્મ ન લે તો ઈશ્વર વિશે કોણ શું જાણી શકે? તે લોકો આધ્યાત્મિક જગતના કોલંબસ છે.

મૂળ વિના વૃક્ષ નથી થતું. ભીતર વિના બાહ્ય નથી હોતું. તમારે પોતાની ભીતર અને બાહ્ય તેની પૂજા કરવી જોઈએ કારણ કે તે સર્વત્ર વિદ્યમાન છે. તેઓ જેટલા તમારી ભીતર છે એટલા જ મૂર્તિમાં પણ છે. પોતાની જાતને તેમનું સંતાન કે સેવકરૂપે, તેનાથી ભિન્ન માનીને સર્વત્ર તેમની પૂજા કરો. દ્વૈતવાદી કહે છે: ‘હું બ્રહ્મનો છું.’ અદ્વૈતવાદી કહે છે : ‘હું બ્રહ્મ જ છું.’ આ બંને કથનમાં વિશેષ ભેદ નથી, કારણ કે જે બ્રહ્મનો છે તે બ્રહ્મની સાથે એક પણ છે, જીવ – બ્રહ્મ – ઐક્યાનુભૂતિ કેવળ નિર્વિકલ્પ સમાધિમાં જ થાય છે અને મેં આગળ બતાવ્યું છે તેમ ત્યાં પૂજા હોતી નથી. સંપૂર્ણ મનપ્રાણપૂર્વકની ભક્તિ જ તેની પ્રાપ્તિનો એકમાત્ર ઉપાય છે. આ સામાન્ય અને વિશેષ એમ બંને પ્રકારનો ઉપદેશ છે. શ્રીરામકૃષ્ણ પ્રત્યે મનપ્રાણપૂર્વકની ભક્તિ રાખો. તમે બરાબર કહો છો… ‘જ્યારે આપણો ક્ષુદ્ર અહંકાર નાશ પામે ત્યારે જ તેઓ આવે છે.’ આપણી ભીતરનો પશુ, આપણો ક્ષુદ્ર અહં જે સ્વયંને દુર્બળ અને પાપી સમજે છે, તેનું બલિદાન ‘નરબલિ’ ના નામે ઓળખાય છે. આ એક સાચા વીર દ્વારા જ થઈ શકે છે, કારણ કે ‘જિતં જગત્ કેન મનો હિ યેન’ ‘શેના વડે સંસારને જીતી શકાય છે? જેણે પોતાના મનને જીતી લીધું છે એના દ્વારા જ.’ 

દુર્બળતા પર આધારિત ધર્મ પૂર્ણત: મિથ્યા અને હાનિકારક છે. શ્રુતિ કહે છે : ‘નાયમાત્મા બલહીનેન લભ્ય:’ – ‘દુર્બળ દ્વારા આત્મોપલબ્ધિ થઈ શકતી નથી.’ જો હું ઈશ્વરનું સંતાન છું, હું એમની જાતિનો છું અને તે પૂર્ણપવિત્ર છે, તો હું પણ પૂર્ણપવિત્ર છું. એટલે જો તમે ખરેખર ઈશ્વરને પ્રેમ કરવા ઇચ્છતા હો તો તમારે પણ ઈશ્વર બનવું પડશે – ‘દેવો ભૂત્વા દેવં યજેત’ – ‘ઈશ્વરની પૂજા કરવા માટે તમારે ઈશ્વર બનવું પડે.’ પોતાની જાતને પાપી ગણવાથી શો ફાયદો? તમે અનંત છો. નર્યા અજ્ઞાનને કારણે પોતાને સીમિત સમજો છો. પ્રત્યેક વ્યક્તિની પાછળ અનંતતા રહેલી છે. તમારામાં અનંત શક્તિ છુપાયેલી છે. અત: પોતાના પર સંશય ન રાખો. તમે જે કોઈ માર્ગે ચાલો, સફળ થશો જ. ભક્તિપથ સર્વશ્રેષ્ઠ છે કારણ કે તે સૌથી વધુ સ્વાભાવિક છે. જે ઇશ્વર તમારી ભીતર છે તેમના પ્રત્યે ભક્તિમાન બનો. તમે ઈશ્વરના સૌથી વધુ પ્રત્યક્ષ મંદિર છો. બહારનું મંદિર તો ભીતરનું વાસ્તવિક મંદિરનું સ્મરણ કરાવનારું છે.

જ્યારે તમે પોતાના મનથી દુર્બળ બનાવનારા બધા વિચારોને દૂર કરી દેવા ઇચ્છો તો પોતાના વિચારો પર નજર રાખવી એ ભૂલ નથી. જો તમને સાપ કરડી લે અને તમે ‘નહીં’ ‘નહીં’ કહીને એના ઝેરનો અસ્વીકાર કરી દો તો તે ઝેર તમારા પર કોઈ અસર કરી નહીં શકે. જે આવી શ્રદ્ધા રાખે છે : ‘હું પાપી નથી, હું ઈશ્વરનું સંતાન છું’ તે યોગ્ય સમયે એ અનુભવ કરી લે છે કે હું ખરેખર ઈશ્વરનું સંતાન છું. જો તમે ખરાબ ટેવો છોડવા ઇચ્છો તો તમારે એનાથી ઊલટી સારી ટેવો વિકસાવવી પડશે અને એ માટે તમારામાં અત્યધિક માત્રામાં રજસ કે કર્મઠતા હોવાં આવશ્યક છે. ભગવાન શ્રીકૃૃષ્ણે ગીતામાં કહ્યું છે –

દૈવી હ્યેષા ગુણમયી મમ માયા દુરત્યયા ।
મામેવ યે પ્રપદ્યન્તે માયામેતાં તરન્તિ તે ॥

– ‘મારી ગુણમયી દૈવી માયાને પાર કરવી વાસ્તવિક રીતે ઘણી કઠિન છે. જે મારા શરણમાં આવે છે, તે તેને પાર કરી શકે છે.’ માયા ઈશ્વરની શક્તિ છે. ઈશ્વર તથા એમની શક્તિ વચ્ચે કોઈ ભેદ નથી. જેવી રીતે ગળપણ વિના સાકરની કલ્પના થઈ શકતી નથી અને સફેદપણા વગર દૂધની, તેવી રીતે ઈશ્વરની શક્તિ સિવાય ઈશ્વરની કલ્પના કરી શકાતી નથી. આપણે કોઈ અધિકારહીન વ્યક્તિની પ્રાર્થના કરતા નથી કારણ કે આપણે જાણીએ છીએ કે એ નિરર્થક નીવડશે. ઈશ્વર સર્વશક્તિમાન છે એટલે એમને પ્રાર્થના કરીએ છીએ. એટલે જે કોઈ ઈશ્વરની પ્રાર્થના કરે છે તે શક્તિની જ પૂજા કરે છે. સંસારની પ્રત્યેક વ્યક્તિ શાક્ત છે કારણ કે એવો કોણ છે કે જે શક્તિની પૂજા નથી કરતો?

ઈશ્વર વાદળની ઉપર ક્યાંય રહેતો નથી. તે પ્રત્યેક પ્રાણીના હૃદયમાં વાસ કરે છે. ભગવાન શ્રીકૃષ્ણ કહે છે : ‘ઈશ્વર: સર્વભૂતાનાં હૃદ્દેશેઽર્જુન તિષ્ઠતિ – હે અર્જુન, ઈશ્વર બધાં પ્રાણીઓનાં હૃદયમાં વસે છે.’ સામાન્ય માનવ આ જાણતો નથી. ઈશ્વર આપણી સામે અજ્ઞાનીના, અભાવગ્રસ્તના, રોગીના, અનાથના, ભૂખ્યાના રૂપે આવે છે; જેથી આ રૂપોમાં તેમની સેવા કરીને આપણી જાતને ઉન્નત કરી શકીએ. માત્ર કર્મ કરવામાં આપણો અધિકાર છે, તેના ફળ ઉપર નહીં. પરિણામ આપણા હાથમાં નથી. અત: બીજાનું કલ્યાણ કરવાની ભાવના દ્વારા સદૈવ પોતાનું કલ્યાણ કરવા આપણે વધારે સચેષ્ટ બનવું જોઈએ, કારણ કે એ બધાં ઈશ્વરનાં જ છે તથા જેવાં છે તેવાં તેમને ઈશ્વરે જ બનાવ્યાં છે. આપણે ન તો ઈશ્વરને સુધારી શકીએ કે ન એમની કાર્યપદ્ધતિમાં કોઈ દોષ કાઢી શકીએ. એ મહાન મૂર્ખતા ગણાશે. આપણે બીજાની સેવા દ્વારા પોતાનો વિસ્તાર કરીને પોતાની જ સેવા કરીએ છીએ. પોતાની માગ અવશ્ય પૂરી થશે એ જાણીને એક બાળક પોતાના માતપિતા પાસેથી જે જોઈએ છે તે શું માગતું નથી? બરાબર એજ રીતે તમે પણ પોતાના ઈશ્વર પાસે એ બધી બાબતો માટે પ્રાર્થના કરો જે તમને ઈશ્વર સાક્ષાત્કાર માટે આવશ્યક છે. તમે ઈશ્વરના સંતાન શા માટે થવા માગો છો? જગજ્જ્વાલાથી છૂટવા માટે જ ને? એટલે ભક્તિ અને જ્ઞાન વચ્ચે ભેદ જ ક્યાં છે? 

હું તમને બતાવી દઉં કે શાંતિ મનુષ્યની પોતાની માનસિક સંપત્તિ છે, એટલા માટે તમે પોતાના ગૃહસ્થ જીવનની બાબતો કે સામાજિક બાબતોને ક્યારેય પોતાના મનની પવિત્ર સીમામાં પ્રવેશવા ન દો. ત્યાં તમારા પર શાંતિ અને આનંદની અમીવૃષ્ટિ કરતા પરમશિવને જ સર્વોચ્ચ શાસન કરવા દો. મનુષ્ય જ્યારે પોતાના સર્વાધિક અપરાજેય શત્રુ અહંકારથી – મુક્ત બને ત્યારે સંપૂર્ણ આત્મસમર્પણભાવ આવી શકે છે. હું અમુકતમુક છું એ ભાવ આપણાં વારંવાર જન્મ અને મરણનું કારણ છે, જેટલી વધુ માત્રામાં તમે આ અહંકારમાંથી મુક્ત થઈ શકો એટલી માત્રામાં તમે પોતાના અત્યારે અહંકારથી ઢંકાયેલ આધ્યાત્મિક સ્વરૂપની અનુભૂતિ કરવા માટે સમર્થ બની શકો; આ ‘હું’ જ આપણાં બધાં દુ:ખોનું મૂળ છે. અત: કોઈપણ રીતે આ અહંકારથી છૂટવું એ આપણું સૌથી પહેલું કર્તવ્ય છે. આ કાર્ય મહાપુરુષોની સેવા, નિષ્કામ કર્મ, ધ્યાન અને વિવેકથી સંપાદિત કરી શકાય છે. આમાંથી પ્રથમ સહજતમ અને શ્રેષ્ઠતમ છે. જો તમે પોતાની જાતને એક સાચા ગુરુના ચરણોમાં સમર્પિત કરી શકો તો તમારા આ સેવાભાવથી ધીમે ધીમે તમારો અહંકાર દૂર થશે. જો કોઈ માનવ ખરેખર પોતાને શ્રીરામકૃષ્ણદેવના માર્ગદર્શન હેઠળ સમર્પિત કરી દે તો તેઓ તરત એની રક્ષા કરશે, પરંતુ આ કાર્ય ઘણી ઓછી વ્યક્તિ-લગભગ કોઈ નહિ-કરી શકે છે, કારણ કે દરેક વ્યક્તિ વત્તાઓછા પ્રમાણમાં અહંકારી છે જ. જો ઈશ્વર માટે કષ્ટ સહન કરવાં એનો અર્થ તમારી દૃષ્ટિએ શરણાગતિ હોય તો અને શરણાગતિનો ઉચિત અર્થ હું સમજું છું તે રીતે સંસારમાં લગભગ કોઈપણ એનો અધિકારી નથી. જો હું અહીં છું અને અહીં પ્રસન્ન રહેવા ઇચ્છું છું તો મારે એ જ કરવું જોઈએ કે જે મને બધા ભયથી મુક્ત કરી દે અને પ્રસન્ન બનાવી દે. એમનું સંતાન હોવાથી મને કોઈ ભય નથી કારણ કે સર્વશક્તિમાન પરમદયાળુ પરમેશ્વરે મારી ચિંતા કરવાની છે. ઈશ્વર તમારાં માતાપિતા બંને છે.

ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ
ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ ।
ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ
ત્વમેવ સર્વં મમ દેવદેવ ॥

‘તમે જ મારાં માતા છો અને મારા પિતા છો, તમે જ મારા બંધુ છો અને મારા મિત્ર છો, તમે જ મારી વિદ્યા છો અને મારું ધન છો; હે પ્રભુ તમે મારું સર્વસ્વ છો.’

અને શ્રીરામકૃષ્ણ આ બધું છે.

Total Views: 136

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.