(ગતાંકથી આગળ)

શિવનો આવેશ

જય જય રામકૃષ્ણ વાંછાકલ્પતરુ,
જય જય ભગવાન જગતના ગુરુ;
જય જય રામકૃષ્ણતણા ભક્તગણ,
યાચું રજ ચોટેલી એ સહુને ચરણ.
બીજીએક કથા કહું અપૂર્વ ભારતી;
સુણો મન રામકૃષ્ણ-પુરાણની પોથી.
ઇચ્છા કરી ગામના થોડાક લોકે મળી;
ઊભી કરી યુવકોની નાટકમંડળી.
વૃદ્ધોમાંથી એક માત્ર ચિમન શાંખારી;
મહાન હિડંબા ખેલે જાણે નૃત્યકારી.
ચિનુ ખૂબ જાણે, કોણ છોકરો ગદાઈ;
રહે નહિ ગદાધર ચિનુ જ્યાંહાં નાંઈ.
બહુ જ સુમિષ્ટ કંઠવાળો ગદાધર;
ગીત ગાય એકાદું ત્યાં જામતી અસર.
કરી ભક્તિ કિંવા હાસ્યરસનું આખ્યાન;
જમાવે ગદાઈ હોય ગમે તેવું સ્થાન.
ભલે વય નાની માંડ દસની ઉપર;
સંગીતના રસો જાણે રસિક પ્રવર.
એક વાર શિવરાત્રિ આવી સોમવારે;
ઉજવણી સીતાનાથ પાઈનને ઘરે.
નક્કી થઈ શિવલીલા કરવાની વાત;
લીલા જોઈ જાગરણ થાય આખી રાત.
પૈસા વિના ગામડામાં પર્વોત્સવ બંધ;
કોઈ કરાવે તો થાય સહુને આનંદ.
યથાકાળે નાટ્યશાળા માંહે નરનારી;
હાર બંધ બસી ગયાં, ઉલ્લાસ છે ભારી.
વેશરૂમ રંગભૂમિ થકી છે ભિતરે;
પ્રભુમિત્ર ગયાવિષ્ણુ એ કામ ઉપરે.
ગયાવિષ્ણુ હતો મંડળીનો વેશકારી;
સજાવી પાત્રોને તેણે લીલા શરૂ કરી.
લીલા-સજાવટ જોતાં લોકો બધા દંગ;
ભૂતો પ્રેતો સાથે જામ્યો કૈલાસનો રંગ.
પાત્રો બધાં વેશ પ્હેરી થયાં છે હાજર;
નજરે ન ચડે કિંતુ બાલ ગદાધર.
જોવા ગદાધરને સહુ કો’નું મન;
અંદરોઅંદર લોકો કરે ગણગણ.
લીલા શરૂ થઈ ગઈ, રાત ચડ્યે જાય;
ગદાધર તણું કાં ન આગમન થાય?
આતુર થયા છે તેના સારુ સર્વ જન;
એટલામાં શિવવેશે થયું આગમન.
અતિ શોભા પામે અંગે મહેશનો વેશ;
વેશ ધરનારો ઓળખાય નવ લેશ.
સુચકિત વેશ શિરે હતા જેહ સ્થળે;
રુક્ષવર્ણ પિંગ જટા, સર્પો વીંટ્યા ગળે.
સ્વવર્ણ સુવર્ણ સમો, ચંપો હારી જાય;
વિભૂતિથી આચ્છાદિત શોભે અતિ કાય.
ઉપમા શી આપું, અંગે જ્યોતિ ઝળહળે;
શરદ-ચંદ્રિકા શુભ્ર જાણે કે વાદળે.
રુદ્રાક્ષોને સ્ફટિકોની માળા સોહે ગળે;
ઈશ્વરી આવેશે જરા હલે તે સકળે.
એક હાથે ત્રિશૂળ ને શિંગી અન્ય કરે;
ચટાપટાવાળું વાઘાંબર દેહ પરે.
એ બધાંથી વધુ શોભે શ્રીઅંગે આવેશ;
ધીર સ્થિર પદે રંગભૂમિમાં પ્રવેશ.
જોતાં લોકો બોલી ઊઠે, ‘આ નહિ ગદાધર;
પધાર્યા કૈલાસથી સાક્ષાત્ મહેશ્વર.’
શિવનો આવેશ પૂરો, સંજ્ઞા પરવરે;
નયનોથી વારિધારા દરદર ઝરે.
ભૂમિ ગઈ ભિંજાઈ એ વારિ વરષણે;
હતું ક્યાં એ જળ બધું ખુણે નેત્રો તણે?
વસે ગંગા ગંગાધર શિવ શિર પર;
આ તો જગ શોધે તેહ પરમ ઈશ્વર.
આ તો બ્રહ્મા વિષ્ણુ ને મહેશનાય્ ઈશ્વર;
જાન્હવી ન વહે એના મસ્તક ઉપર.
ગંગા શિવસંગિની, એ શિવસંગે ફરે;
પ્રભુઅંગે શિવભાવ તેથી, નેત્રે ઝરે.
ભૂલ્યાભાન પ્રેક્ષકો તો નિહાળી મૂરતિ;
ગદાધર-દેહે દેખે કૈલાસના પતિ.
ગરગર મહાભાવ ચડીયો સપ્તમે;
ઉતરતો નથી સ્વીય સ્થાને કોઈ ક્રમે.
જાણી જઈ ચિનુ આદિ ગામવાસી જન;
દોડી જઈ બિલ્વપત્રો કરે આનયન.
ચરણે અર્પણ કરવાને ઝટ જાય;
પૂજે ફલ ફૂલ નૈવેદ્યોથી શિવ-પાય.
‘હર હર દિગંબર’, સ્તુતિ ગાય મુખે;
ધર્યો શિવભાવ, પ્રભો! ઇચ્છા કરી સુખે.
પછી ધીરે ધીરે ભાવ અંગે થયો લીન;
કોઈ કહે એહ ભાવે રહ્યા ત્રણ દિન.
બાકી રહી લીલા પછી તે દિ’ નવ થાય;
ગદાઈ પ્રભુની કથા વર્ણવી ન જાય.
અરે બીજું શું છે કહો, આથી વધુ મીઠું;
ગાય, સુણ્યે સૂકું ડુંડું લીલું થતું દીઠું.
નથી આ ગપોડા કિંતુ પ્રત્યક્ષ સકળ;
રામકૃષ્ણ-પુરાણ આ શ્રવણે-મંગળ.

પોથી-લેખન

જય બાળ ગદાધર, પ્રભુ પરમ ઈશ્વર,
જય જય સર્વે ભક્તજન;
ભક્તો સૌને પગે પડી, માગું છું હું હરઘડી,
પદરજ પતિતપાવન.
ક્રમે પ્રભુ વયે વધે, આંક ભણતર મધ્યે,
અને મૂળાક્ષર-પરિચય;
હાથના કિંતુ અક્ષર, મોટા ને પદ્ધતિસર,
સ્વચ્છ ને સુંદર અતિશય.
પાઠશાળે ભણતર, સંપૂરણ અહીં પર,
ઉચ્ચ ન શિક્ષણ કોઈ કાળે;
વંશની જે રીત હતી, ભણે કર્મકાંડ, સ્મૃતિ,
એ તો પ્રભુ કદી નવ ભાળે.
સુણો પછીના ખબર, શું કરે છે ગદાધર,
પાઠશાળા તણો કરી ત્યાગ;
પોથી ‘રામકૃષ્ણાયન’માંથી કરવા લેખન,
અંતરે જનમે અનુરાગ.
પ્રભુ હાથે લખાયેલી, સાચવીને રખાયેલી,
જોઈ પોથી એક મેં નયને;
સુબાહુ-ચરિત્ર પ્રીતે, લખ્યું અતિ સાફ રીતે,
ઉકેલી શકે તે અંધજને.
પૂરી કરી બંગ સને, બારસો અને છપન્ને,
ઓગણી’મો દિ’, અષાઢ માસ;
કરી રામ પ્રાર્થના, કલ્યાણ-અભ્યર્થના,
પ્રભુની સહી છે તેમાં ખાસ.
ક્યારેક ભક્તિભરે, રઘુવીર-પૂજા કરે,
ગૂંથી માળા ફૂલની મધુર;
કદી ગાય રામનામ, ઊંચે સ્વરે અવિરામ,
સાધનાનો પ્રથમ અંકુર.
રંગ રસ ભરી હાંસી, કરે સાથે પ્રતિવાસી,
હાસિ રાશિ પ્રકાશી વદને;
સુણવા કીર્તન-લીલા, સંગી સાથે આનંદિલા
જાય કોઈપણને સદને.
અરુણ-ઉદય આગે, થાય જેમ પૂર્વભાગે,
ખુલાલીને ગુલાલી વરણ;
જગત-લોચન રવિ , ફેલાવે કિરણ-છબી,
આવવાનું પ્રકાશ, લક્ષણ.
જેવું બાલસૂર્યરૂપ, તેવું જ પ્રભુનું રૂપ,
વધુ વધુ સુંદર નીકળે;
સંગીગણ સુચતુર, મર્મગ્રાહી પ્રેમ પૂર,
સમય થતાં જ આવી મળે.
થાય વાતો ઈશારાથી, કળાય ન બીજાનાથી,
મુંગાઓની મુંગા સાથે ભાષા;
લીલાસંગી ગણ ભેળો, ધરામાં વૈકુંઠ મેળો,
કથામાં ન થાય એ પ્રકાશા.
નાનાં ગામે આસપાસ, હવે ગદાઈને ખાસ,
ઓળખવા લાગે બહુ જણ;
(ક્રમશ:)

Total Views: 160

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.