પ્રત્યેક ક્ષણે આ એક જ વિચાર તેમના મનમાં ઘોળાયા કરતો કે, ‘હે મા! તારું અસ્તિત્વ છે, એ વાત શું સાચી છે? તો પછી તું બોલતી કેમ નથી? શું તું મૃત છો?’ અહીં આપણામાં કેટલાક એવા લોકો પણ હશે કે જેઓ યાદ કરી શકશે કે આપણા જીવનમાં કેટલીક એવી ક્ષણો અવશ્ય આવે છે, કે જ્યારે આપણે નીરસ તર્કવિતર્ક કરતાં કરતાં કે પુસ્તકો વાંચતાં વાંચતાં થાકી જઈએ છીએ, કેમ કે આ પુસ્તકો છેવટે તો આપણને કંઈ બહુ શીખવી શકતાં નથી અને તેમનું વાંચન પણ અફીણ લેવાની જેમ એક જાતનું માનસિક વ્યસન જ થઈ જાય છે. આામ આ બધી બાબતોથી થાકી અને કંટાળી જઈ આપણાં હૃદયમાંથી એક આહ નીકળી જાય છે કે, ‘શું આ વિશ્વમાં કોઈ એવું નથી જે મને દીવો દેખાડી શકે? જો તું હો તો મને જ્યોતિ દાખવ. તું બોલતો કેમ નથી? તું આવો દુર્લભ કેમ થઈ ગયો છે? તું તારા આટલા બધા દૂતોને મોકલે છે પણ જાતે કેમ આવતો નથી? આ કજિયા-કંકાસવાળા વિશ્વમાં, આ પક્ષ-વિપક્ષવાળા સંસારમાં હું કોને અનુસરું, કોનો વિશ્વાસ કરું? જો તું સમાન રીતે હરેક સ્ત્રીપુરુષનો ઈશ્વર હો તો તું પોતે તારાં બાળકો સાથે વાતચીત કરવા કેમ આવતો નથી અને તારાં એ બાળકો તૈયાર છે કે નહીં, એ કેમ જોતો નથી?’ આવા વિચારો આપણા સર્વના મનમાં ઊઠે છે. પરંતુ ક્યારે? જ્યારે આપણને બહુ જ માનસિક સંતાપ થાય છે ત્યારે. પરંતુ આપણી આસપાસ એવી મોહજાળ છે કે બીજી જ ક્ષણે આપણે એ બધું ભૂલી જઈએ છીએ. થોડી વાર તો આપણને એમ લાગે છે કે આપણે માટે સ્વર્ગનાં દ્વારો ખૂલી જશે, અને એવી પણ પ્રતીતિ થાય છે કે આપણે સ્વર્ગીય પ્રકાશમાં હમણાં ડૂબાડૂબ થઈ જઈશું. પરંતુ તુરત આપણો પાશવી સ્વભાવ આપણને આ સ્વર્ગીય દૃશ્યોથી દૂર ખેંચી જાય છે. આપણે ફરીથી પશુ જેવી ઊતરતી કોટિમાં આવી જઈએ છીએ અને ખાવાપીવામાં, મરવામાં, જન્મ લેવામાં અને વળી પાછા ખાવાપીવામાં પડી જઈએ છીએ. પરંતુ કેટલાક અસાધારણ પુરુષો એવા હોય છે કે તેમની સામે ગમે તેટલાં પ્રલોભનો આવે તો પણ જો એક વાર તેમનાં મન ધ્યેયની તરફ આકર્ષિત થઈ જાય, તો પછી તેઓ માયાથી એટલી સહેલાઈથી ચલિત થતા નથી, કારણ કે તેઓ સત્યસ્વરૂપ પરમેશ્વરનું દર્શન કરવાને ઉત્સુક હોય છે; તેઓ સારી રીતે સમજે છે કે આ જીવન નાશવંત છે; તેઓ કહે છે કે ઊંચા પ્રકારનો વિજય મેળવવા જતાં મરવું પડે તો પણ તે પસંદ કરવા જેવું છે અને ખરી રીતે તો મનુષ્યમાં રહેલા પશુસ્વભાવની ઉપર વિજય મેળવવા કરતાં, જન્મમરણના પ્રશ્નો ઉકેલવા કરતાં, તેમ જ સત્અસત્‌નો વિવેક શીખી લેવા કરતાં વધારે ઉચ્ચ બીજું શું છે?

— સ્વામી વિવેકાનંદ

Total Views: 154

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.