શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્ સંન્યાસી શિષ્યોમાંના એક અને શ્રી શ્રીમાનાં સેવકરૂપે વર્ષો સુધી જેમણે શ્રીમાનાં સાંનિધ્ય, સત્સંગ, સેવાસંપર્ક અને આધ્યાત્મિક વાતાવરણનો અમૂલ્ય અવસર મેળવ્યો છે એવા શ્રીમત્ સ્વામી સારદાનંદજી મહારાજના પુસ્તક ‘ભારતમાં શક્તિપૂજા’માંથી ગુરુપૂર્ણિમા નિમિત્તે આ લેખ પ્રસ્તુત છે. – સં.

શ્રીરામકૃષ્ણદેવ કહ્યા કરતા – ‘પથ્થર – ઝાડપાનમાં ભગવાનની વિશેષ લીલા પ્રગટ થતી નથી. પણ તેની વિશેષ લીલાનું સ્થાન તો મનુષ્યનું મન જ છે.’ વળી કહેતા, ‘જો મનુષ્ય ન હોત તો કોઈ ભક્ત પણ ન હોત. તો પછી ભગવાનને કોણ જાણત? તેની અપાર શક્તિ અને મહિમાનો વેદ-વેદાંત ક૨ીને કોણ પ્રચાર કરત? ભક્ત છે એટલે તો ભગવાન છે.’ વળી પાછા કહેતા, ‘ભાગવત, ભક્ત અને ભગવાન ત્રણે એક જ છે, એકમાં ત્રણ છે.’

વિશેષ શક્તિવાળા પદાર્થો કે શક્તિપ્રતીકોનું વિવેચન કરતી વખતે અમે પ્રારંભમાં જ મનુષ્યમાં રહેલી શક્તિપૂજાની વાત કરી છે. આથી કોઈ એવું અનુમાન ન કરી બેસે કે મનુષ્યે સહુથી પહેલાં પોતાની અંદર વિશેષ શક્તિનો અનુભવ કર્યો અને તેથી તેની ઉપાસના કરવા લાગ્યો ને ગુરુપૂજા જ તેણે પહેલાં શીખી. માનવ પ્રકૃતિનો ઈતિહાસ બતાવે છે કે આપણે આટલા સહજ ને સરળમાર્ગે ચાલતા નથી. અતિનિકટ રહેલી વસ્તુઓને આપણે જાણે તે બહુ દૂર હોય તેમ અનુભવીએ છીએ. પોતાના ઘરને સંભાળતા નથી પણ બીજાના ઘરને સંભાળવા માટે નીકળી પડવાનો આપણો જન્મજાત સ્વભાવ છે. નહીંતર આ વિશ્વમાં સાચું જ્ઞાન અને સભ્યતા ક્યાંય આગળ પહોંચી ગયાં હોત!

મનુષ્યરૂપમાં ખુલ્લી રીતે શક્તિપૂજા કરવાનું જગત થોડા સમય પહેલાં જ શીખ્યું. ભારતમાં જ એ પૂજાનો પ્રારંભ થયો અને ભારતમાંથી જ આ પૂજા સમગ્ર વિશ્વમાં પ્રસરી. સ્વામી વિવેકાનંદજી કહેતા કે ‘યુગે યુગે ભારતમાંથી જ પ્રબળ ધાર્મિક મોજું ઉત્પન્ન થઈને સમગ્ર વિશ્વમાં ફેલાયું છે અને ભવિષ્યમાં પણ એમ જ થશે.’ આ વાતની ઝાંખી આપણને વૈદિક યુગથી જ મળે છે. બૌદ્ધયુગમાં તો આપણને એની સ્પષ્ટ સાબિતી મળે છે અને વર્તમાનયુગમાં તો આપણી નજર સામે જ વેદાંતનો પ્રચાર થઈ રહ્યો છે. ઈતિહાસ જ્યાં ક્યાંય પણ કાળના અંધકારને ભેદવા સમર્થ બન્યો હતો અને બની રહ્યો છે, ત્યાં સ્વામીજીની આ વાત સ્પષ્ટ રીતે સાબિત થાય છે.

માનવમાં ગુરુરૂપી ઈશ્વરી શક્તિનો વિકાસ સર્વ પ્રથમ ભારતમાં જ થયો હતો. બ્રહ્મવેત્તા ઋષિઓ તેનું ઉદાહરણ છે. અવતાર રૂપી મહાશક્તિકેન્દ્રો પહેલવહેલાં ભારતમાં જ આવિર્ભાવ પામ્યાં હતાં અને તેમણે વિશ્વમાં મહાન ક્રાંતિ લાવી દીધી હતી. તેમણે જ સર્વત્ર સભ્યતા અને જ્ઞાનલોકનો વિસ્તાર કર્યો હતો. ભગવાન બુદ્ધ અને તેમના અનુગામી પ્રચારકોના કાર્યોથી એની સ્પષ્ટ સાબિતી મળે છે. નાગાર્જુન વગેરે બૌદ્ધ પ્રચારકો તુર્કસ્તાન, ચીન અને જાપાન સુધી પહોંચ્યા હતા. મહારાજા અશોકે ઇજિપ્ત, એશિયામાઈનોર, ઈરાન વગેરે દેશોમાં પ્રચારકો મોકલ્યા હતા. એ દેશોમાં આજે પણ ધર્મસ્તંભો મોજૂદ છે. દીર્ઘકાળથી ચાલુ થયેલી શ્રીગુરુની પૂજા ભારતના અણુએ અણુમાં સમાઈ ગઈ છે.

અવતાર આધ્યાત્મિક રાજ્યના એકછત્ર સમ્રાટ હોય છે. તેઓ સર્વદેશોના સર્વકાળના લોકગુરુ હોય છે. યુગે યુગે અવતારો અનેક હોવા છતાં પણ તે એક જ વ્યક્તિ હોય છે. તેઓ ક્યારેક ગુપ્ત રૂપે તો ક્યારેક પ્રગટ રૂપે આવીને હંમેશાં લોકોનું કલ્યાણ કરવામાં જ રત હોય છે.

તેમનાં મન અને શરીર દૈવી પૂર્ણતા અને માનવીય દુર્બળતાનું અપૂર્વ મિલન સ્થાન છે. સ્થૂલ બુદ્ધિવાળા મનુષ્યોના મનમાં રહેલા વિરોધી ધર્મભાવોનો સમન્વય કરવા માટે પુરાણકારોએ હરિહર, અર્ધનારીશ્વર વગેરે અપૂર્વ દેવમૂર્તિઓની કલ્પના કરી છે. તો શું એમની આ કલ્પનાના મૂળમાં વિરોધી ધર્મોવાળી આ અપૂર્વ અવતાર પ્રતિમા જ હશે? ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું છે:

અવજાનન્તિ માં મૂઢા માનુષીં તનુમાશ્રિતમ્ ।
પરં ભાવમજાનન્તો મમ ભૂતમહેશ્વરમ્ ॥
(ગીતા : ૯-૧૧)

અવતાર રૂપી ગુરુને પૂરેપૂરા જાણવા ને ઓળખવા કોણ સમર્થ છે? તેઓ દરેક યુગમાં પરમાત્માની જેમ ‘યમેવૈષ વૃણુતે તેન લભ્ય:’ છે, એટલે કે જેમની સામે પ્રગટવાની એમની ઇચ્છા થઈ, તેની સામે તેના પર કૃપા કરીને, તેઓ પોતાનું સ્વરૂપ પ્રગટ કરે છે. એમના શ્રીમુખે એમનાં સ્વરૂપનાં લક્ષણો સાંભળીને શ્રુતિ-સ્મૃતિ વગેરે ધર્મશાસ્ત્રો એમનાં લક્ષણો વર્ણવવા જ્યાં સુધી સમર્થ બન્યાં છે, તેનો સારાંશ સંક્ષેપમાં આપીને અમે જગદ્‌ગુરુ અવતારી પુરુષમાં શક્તિપૂજાની વાત પૂરી કરીશું.

પ્રથમ : તેઓ કોણ છે, પહેલાં શું હતા, આ જન્મમાં માનવદેહ ધરીને આવવાનું પ્રયોજન શું છે? વગેરે બાબતોની ચેતના અવતારી પુરુષોના બાળપણમાં જ ઓછાવત્તા પ્રમાણમાં જોવા મળે છે. ભગવાન શ્રીકૃષ્ણમાં આ જ્ઞાનનો સહુથી વધુ વિકાસ થયો હતો, તે વાત ભારતના ધર્મના ઇતિહાસમાં જાણીતી છે.

બીજું : અભાવ એટલે કે ન્યૂનતાનો અનુભવ આપણા બધા જ પ્રયત્નોના મૂળમાં હોય છે. અને આ ન્યૂનતાની પૂર્તિ ન થવાથી દુ:ખ થાય છે. અવતારી પુરુષોને પોતાને કોઈ ન્યૂનતા ન હોવા છતાં તેઓ બીજાની ન્યૂનતા કે ઊણપ દૂર કરવા માટે જ પ્રયત્નશીલ-કાર્યશીલ હોય છે. એમની આ એકનિષ્ઠ પ્રવૃત્તિમાં જેવી અસીમ તીવ્રતા હોય છે, તેવી સામાન્ય મનુષ્યને અભાવના અનુભવથી થતી ચેષ્ટાઓમાં પણ ક્યારેય જોવા મળતી નથી. તેઓ એકલા જ જીવનપર્યંત નિ:સ્વાર્થ કાર્યો કરવામાં સમર્થ હોય છે.

ત્રીજું : મનના રાજ્ય પર તેમનું એકાધિપત્ય હોય છે. આ એકાધિપત્ય જેવું પોતાના મન પર તેવું જ બીજાના મન પર પણ. બીજાઓનાં મનનાં કર્મો દ્વારા સંચિત થયેલા પૂર્વસંસ્કારોના તેઓ ચૂરેચૂરા કરી દે છે. પછી થોડા જ સમયમાં નવી રીતે નવા આદર્શમાં ઢાળવામાં તેઓ જ સમર્થ હોય છે. શરીરના સ્પર્શમાત્રથી બીજાના મનમાં પરિવર્તન લાવી દેવું, તેને સમાધિસ્થ કરી દેવું, કોઈ વિશેષ ભાવની પ્રાપ્તિ કરાવી દેવી — એમના વિશે આવા પ્રકારની વાતો બધી પ્રજાઓના ધર્મોના ઈતિહાસમાં જોવા મળે છે.

ચોથું : પરમાત્માનો પ્રત્યક્ષ અનુભવ કરવાના નવા માર્ગની શોધ કરવી કે જનસમાજમાં પહેલેથી જાણીતા માર્ગો કે ધર્મોની અંદર વિભિન્નતાની વચ્ચે એકત્વનો આવિષ્કાર કરવો અને તે નવા આદર્શને પોતાના જીવનમાં પ્રગટ કરીને જનસમાજમાં ફેલાવવા-આ બધું તેઓ જ અનાદિ કાળથી કરી રહ્યા છે.

પાંચમું : અવતારી પુરુષોના જીવનમાં ધર્મના આદર્શો ઉપરાંત તત્કાલીન સમાજના નૈતિક આદર્શો પણ સ્વાભવિક રીતે પૂર્ણપણે પ્રગટ થતા જોવા મળે છે. નૈતિક આદર્શો ધર્મના આદર્શો કરતાં સાવ જુદા જ છે. એ યુગે યુગે સમાજમાં આવતાં પરિવર્તનો પ્રમાણે બદલાતા રહે છે. આ વાતને સમજ્યા વગર જ મોટે ભાગે આપણે બધા અવતારી પુરુષોના જીવનને એક જ પ્રકારના નૈતિક આદર્શથી ઘડાયેલા જોવાની આશા રાખીએ છીએ અને તે રીતે તેમના અલૌકિક ચરિત્રનો તુલનાત્મક અભ્યાસ કરવા જતાં ભ્રમમાં પડીએ છીએ.

છઠ્ઠું : અવતારો મુક્તકંઠે સામાન્યજનોને કહે છે: 

‘મામેવ યે પ્રપદ્યન્તે માયામેતાં તરન્તિ તે’

‘Come unto Me, all ye that labor and are heavy laden, and I will give you rest’ (Bible – Mathew, XI-28) ઓ ત્રિવિધ તાપથી તપતા જીવો, મારો આશ્રય લો. હું તમને શાંતિ આપીશ – તેઓ હૃદયના પ્રત્યેક સ્પંદનથી અનુભવે છે કે તેઓ લોકગુરુ છે, ઈશ્વરનો અવતાર છે. અને બીજાઓને પણ પોતાની શક્તિના પ્રભાવથી તે પ્રકારનો અનુભવ કરાવતા રહે છે.

અવતારી પુરુષો ક્યારેક ક્યારેક ગુપ્ત રૂપે પણ આવિર્ભાવ પામે છે આ વાત અમે પહેલાં પણ કરી છે. શ્રીરામકૃષ્ણદેવ આ બાબતમાં કહેતા : જેવી રીતે રાજા ક્યારેક સાજ સજીને પોતાના દરબારીઓની સાથે વાજતે ગાજતે નગર જોવા નીકળે છે, તો વળી ક્યારેક પ્રજાની સ્થિતિ ને કામગીરી જોવા વેશપલટો કરીને નીકળે છે. જો નગરજનો પરસ્પર છાનામાના વાતચીત કરવા લાગે કે આ જ આપણા રાજા છે અને ગુપ્તવેશે આપણી પાસે આવ્યા છે, તો રાજા ત્યાંથી ખસીને બીજે જતો રહે છે. બરાબર એવી જ રીતે અવતારના પ્રકટ અને ગુપ્ત-આવિર્ભાવ વિશે સમજવું.

શ્રીરામકૃષ્ણદેવ અવતાર વિશે બીજી એક વાત પણ કહેતા, ‘અવતારી પુરુષને ક્યારેય મુક્તિ નથી. જેમ કે સરકારી અધિકારી. જમીનદારીમાં જ્યાં ક્યાંય પણ ગરબડ થાય તો ત્યાં તેને તરત જ જવું પડે છે અને ઝડપથી શાંતિ સ્થાપવી પડે છે. એ જ રીતે બ્રહ્મમયીની આ જમીનદારીમાં એટલે કે સંસારમાં જ્યાં ક્યાંય પણ અશાંતિ સર્જાય ત્યાં અવતારી પુરુષે આવિર્ભૂત થઈને લોકોને દુ:ખમાંથી મુક્ત કરવાના હોય છે.’ આ વાતથી કોઈ એવું માની ન લે કે અવતારી પુરુષોએ અનંત કાળ સુધી માયાને આધીન રહેવું પડે છે. તેઓ સ્વભાવથી જ માયાધીશ ને આત્મારામ છે. તેઓ ક્યારેય બદ્ધ હોતા નથી. તો પછી એમની મુક્તિનો પ્રશ્ન જ ઊઠતો નથી.

કેવળ અવતારી પુરુષો જ આધ્યાત્મિક જગતના પથપ્રદર્શક હોય છે. આ જગત પરાપૂર્વથી નતમસ્તકે એમના પવિત્ર ચરિત્રની પૂજા કરતું આવ્યું છે ને હંમેશાં કરતું રહેશે. તેઓ માનવદેહ ધારણ કરે છે, તેથી સમગ્ર માનવજાતિ ધન્ય બને છે. હે ભારત, પ્રત્યેક યુગમાં તું તેમની વિશેષ કૃપાનું પાત્ર બન્યું છે. તેથી જ તો તું આધ્યાત્મિક જગતમાં સર્વોચ્ચ સ્થાને વિરાજમાન બન્યું છે. એટલે એમનું સન્માન અને પૂજા કરવાનું ક્યારેય ભૂલતો નહીં.

ઈશ્વરના અવતારની પૂજા ઉપરાંત ભારત આધ્યાત્મિક જગતમાં સિદ્ધપુરુષ, મંત્રદાતાકુલગુરુ, ઉપગુરુનું હંમેશાં સન્માન કરતું આવ્યું છે. એ લોકોના સંદર્ભમાં પણ બેચાર વાતો કહી શકાય.

સિદ્ધપુરુષ, ઇશ્વરાવતારો નિર્દિષ્ટ માર્ગે આગળ વધીને કામનામુક્ત અને જીવન્મુક્ત બની જાય છે. એ અવસ્થામાં એમને પણ સ્વાર્થ માટે પ્રવૃત્તિ કરવી અશક્ય બની જાય છે. કેમ કે સાચા ધર્મના આનંદની પ્રાપ્તિથી તેમની આવી સ્થિતિ બની જાય છે;

યં લબ્ધ્વા ચાપરં લાભં મન્યતે નાધિકં તત: ।
યસ્મિન્ સ્થિતો ન દુ:ખેન ગુરુણાપિ વિચાલ્યતે ॥
(ગીતા-૬/૨૨)

આ પ્રકારની અવસ્થા પ્રાપ્ત થવાથી તેમને સંસારનાં સઘળાં સુખદુ:ખ વગેરે અત્યંત તુચ્છ લાગે છે. ભલે તેમનામાં અવતારી પુરુષો જેવી શક્તિ નથી હોતી તો પણ તેમનામાં જાગૃત થયેલી ગુરુશક્તિ હંમેશાં લોકકલ્યાણમાં જ પ્રવૃત્ત રહે છે. ધર્મના ક્ષેત્રે નવો માર્ગ શોધવા માટે તેઓ સમર્થ હોતા નથી, તો પણ તેમના દર્શનમાત્રથી કામ-કાંચનમાં જ જેમની દૃષ્ટિ સીમિત છે, તેવા ભૌતિકવાદી મનુષ્યો, છાયાની જેમ ધૂંધળા દેખાતા ધર્મના આદર્શોને જીવંત અને ગતિમાન થયેલા અનુભવવા લાગે છે. તેઓ ઇશ્વરાવતારની જેમ સ્પર્શ કે ઇચ્છામાત્રથી જ લોકોને ધર્મનું જીવન આપવા સમર્થ હોતા નથી તો પણ, બીજાઓની અંદર ધર્મજીવન જાગૃત કરવાની એમની ઇચ્છા નિષ્ફળ નીવડતી નથી. તેઓ અવતારી પુરુષની જેમ કોઈ એક વિશિષ્ટ પ્રજાના જીવનમાં અને તેના માધ્યમ દ્વારા અન્ય પ્રજાઓના જીવનમાં ધર્મભાવનાનાં પ્રબળ વેગથી પ્રચંડ પૂરો લાવીને અપૂર્વ પરિવર્તન કરી શકતા નથી તેમ છતાં પણ તેઓ પોતાની ચારેબાજુ મનુષ્યના મનમાં ધર્મપ્રવાહને રેલાવીને તેમને ધન્ય અને કૃતાર્થ કરી શકે છે. સિદ્ધપુરુષ મંત્ર વગેરેની સહાયથી બીજા મનુષ્યોમાં ધર્મશક્તિનો સંચાર કરી શકે છે અવતારોને બાદ કરતાં બીજા કોઈ મનુષ્યમાં તેમના જેવી ધર્મશક્તિનો પ્રકાશ જોવા મળતો નથી. અવતાર ધર્મના સંસ્થાપક હોય છે અને સિદ્ધપુરુષ એમના દ્વારા સ્થાપેલા ધર્મના આદર્શથી પોતાના જીવનને ઘડીને તે ધર્મને પુષ્ટિ આપે છે. એમની પૂજા કરીને કે એમના આદર્શોથી જીવન ઘડવાથી મનુષ્ય ધન્ય અને કૃતાર્થ થઈ જશે, શું એ કહેવાની જરૂર છે ખરી?

સ્થૂલ દૃષ્ટિએ ન દેખાવા છતાં પણ ધર્મ એક જીવતી જાગતી શક્તિ છે. અનુષ્ઠાન દ્વારા, સાધના દ્વારા તેના ફળનો પ્રત્યક્ષ અનુભવ કરી શકાય છે. અને બીજાઓને પણ અનુભવ કરાવી શકાય છે. વિશેષ શક્તિ ધરાવનારા મનુષ્ય પોતાના શરીર અને મન દ્વારા એ શક્તિ બીજામાં સંક્રાન્ત કરી શકે છે. ઈશ્વર, આત્મા તેમ જ પરલોક વિશેના જે બધા અનુભવોનો સાક્ષાત્કાર કરવાની મનુષ્યે સ્વપ્નમાં પણ કલ્પના ન કરી હોય, તેમનો પણ તેઓ બીજાંઓને પ્રત્યક્ષ અનુભવ કરાવી શકે છે. પ્રાચીન કાળથી જ ભારત પ્રત્યક્ષ અનુભવને આધારે જ આ બધી બાબતોમાં વિશ્વાસ કરતું આવ્યું છે.

લાંબા સમય સુધીના પ્રયત્ન, ધ્યાન ને એકાગ્રતા દ્વારા વિશેષભાવની પ્રાપ્તિ થાય છે. પછી આ ભાવને કોઈ વિશેષ શબ્દ સાથે દૃઢભાવથી એકરૂપ કરવાથી તે શબ્દના ઉચ્ચારણ માત્રથી તે ભાવ બીજાના મનમાં સ્પષ્ટ રૂપે ઉદય પામે છે ને તેને અપૂર્વ અનુભૂતિ કરાવે છે. જે રીતે પ્રત્યેક અનુભવ સુખ કે દુ:ખ ઉત્પન્ન કરીને મનુષ્યના જીવનમાં પરિવર્તન લાવી શકે છે, એ જ રીતે આ અદ્ભુત અનુભવ પણ મનુષ્યના મનને પરિવર્તિત કરીને તેને વિશેષ આનંદ કે દુ:ખ આપી શકે છે. આનું નામ જ છે મંત્રશક્તિ – ભારત હંમેશાં આ મંત્રશક્તિના પ્રભાવને જાણતું આવ્યું છે. તે તેની આરાધનામાં હંમેશાં લાગી રહેલું છે. કપટી અને ધૂતારાઓના હાથમાં જવાથી આ વિષયો અવશ્ય વિકૃત થતા રહ્યા છે, એમના દ્વારા ધૂર્તવિદ્યાનું કામ લેવાયું છે અને તેણે ભારે નુકસાન પણ કર્યું છે. તો પણ ભારતમાં પ્રાચીન અને અર્વાચીન યુગમાં યોગ્ય ગુરુઓ દ્વારા આ વિષયની અનેક વાર કસોટી કરવામાં આવી છે અને તે સત્ય કસોટીમાં સો ટચનું સોનું થયું છે. મંત્રશક્તિ પરનો આ વિશ્વાસ જ મંત્રદાતા ગુરુની ઉપાસનાના મૂળમાં રહેલો છે.

અવતારી પુરુષોના મુખથી ઉચ્ચારાયેલ શબ્દ જ સાચા મંત્રરૂપ છે અને તે શીઘ્ર ફળ આપનાર છે. કેમ કે તેમાં તેની વિશેષ શક્તિ રહેલી હોય છે. હજારો વર્ષો કે તેનાથી પણ વધારે સમય પછી પણ એ શક્તિનો ઓછોવત્તો અનુભવ થયા કરે છે. સિદ્ધપુરુષો દ્વારા ઉચ્ચારાયેલ મંત્ર પણ બાર વર્ષની અંદર જ ફળ આપે છે, આ વાત લોકોમાં જાણીતી છે. સાધુ પ્રકૃતિના સાધકો દ્વારા ઉચ્ચારિત મંત્રના ફળની પ્રાપ્તિ કરવામાં એનાથી વધારે સમય લાગે છે.

મંત્રફળની પ્રાપ્તિ માટે ફક્ત યોગ્ય ગુરુની જ નહીં પણ સાથે સાથે યોગ્ય શિષ્યની પણ જરૂર રહે છે. શિષ્ય ‘‘આશિષ્ઠો દ્રઢિષ્ઠો બલિષ્ઠ:’’ અને શ્રદ્ધાસંપન્ન હોવો જોઇએ. ત્યારે તેનામાં ગુરુની શક્તિનો સંચાર થાય છે અને તરત જ ફળ પ્રદાન કરે છે. સારાં ફળોની પ્રાપ્તિ માટે અહીં પણ ફળદ્રુપ જમીન, ઉત્તમ ખેતી, ઉત્તમ બિયારણ, શ્રેષ્ઠ માવજત-જતન અને સિંચાઈ વગેરે સવલતોની આવશ્યકતા છે. બીજ ઉત્તમ હોવા છતાં ઘણી જગ્યાએ મંત્રફળ મળતું નથી. એનું કારણ છે – આ બધી જરૂરી સામગ્રીનો અભાવ. એક શ્રદ્ધાળુ મિત્ર કહેતા – લંગર નાખીને હલેસાં મારવાથી જેવી રીતે હોડી ક્યારેય આગળ ચાલતી નથી, એવી રીતે આ બધાં તત્ત્વો વગર ભગવાનની શક્તિની પ્રાપ્તિ થતી નથી.

મંત્રશક્તિ પરનો વિશ્વાસ કોઈ વખત વિષયાસક્ત મનુષ્યના મનને નુકસાન પણ પહોંચાડે છે. એક મનુષ્યનું મન બીજાના મન પર પ્રભાવ પાડી શકે છે : એ જાણવાથી કામક્રોધથી અંધ બની ગયેલ મનુષ્ય ક્યારેક ક્યારેક પોતાના સ્વાર્થ સંતોષવા આ શક્તિનો ઉપયોગ કરવા લાગે છે. અથવા તો દુર્બળ, નીચ, પશુવૃત્તિવાળો માણસ પોતાની પાશવી વૃત્તિઓને સંતોષવા માટે, પવિત્ર ગુરુનામ માટે અયોગ્ય એવા કોઈ હલકા મનુષ્યની સહાય લઈને આ શક્તિનો પ્રયોગ કરવા લાગે છે. આવો પ્રયોગ જો કદાચ સફળ થાય તો પણ એ દુષ્કર્મને લઇને તે માણસોને અનેક પ્રકારના દુ:ખ, અશાંતિ અને માનસિક પતનના રૂપમાં દંડ ભોગવવો પડે છે. તંત્રોમાં અનેક જગ્યાએ પવિત્ર ઈશ્વરીય શક્તિની પૂજાના વિશેષ મંત્રોની સાથે મારણ, ઉચ્ચાટન, વશીકરણ વગેરેની પણ જોગવાઇ જોઇને એવું લાગે છે કે જાણે પશુપ્રકૃતિવાળા મનુષ્યે આ બધાંને પાછળથી આ પવિત્ર ધર્મશાસ્ત્ર સાથે જોડી દીધાં છે. અને આ રીતે ધર્મના નામે પૈશાચિક કૃત્યો આચરીને ધર્મને કલંકિત કર્યો છે. બૌદ્ઘ ધર્મના પતન સમયે ભારતમાં આવા પ્રકારના દુરાચારી લોકોની સંખ્યા ઘણી વધી ગઈ. ઈતિહાસ એનો સાક્ષી છે. ધર્મમાં પેસી ગયેલા આ સડાને દૂર કરવા માટે જ્ઞાનગુરુ શિવાવતાર શંકરાચાર્ય તથા ભક્તિના મૂર્તિમંત સ્વરૂપ એવા ચૈતન્યદેવનું ભારતમાં પ્રાકટ્ય થયું. આ મહાપુરુષોએ સામાન્ય મનુષ્યોને શક્તિ ઉપાસનાનો પવિત્ર આદર્શ ફરીથી બતાવ્યો અને શિવોક્ત તંત્રશાસ્ત્રની યોગ્ય મર્યાદા આંકી આપી. શ્રીશંકરાચાર્યે લખેલા શિવ-દુર્ગા વગેરેનાં સ્તોત્રો ને વિષ્ણુસહસ્ર નામનું ભાષ્ય તેમજ ચૈતન્યદેવે અન્નપૂર્ણા દેવીની ઇષ્ટ રૂપે કરેલી પૂજા આ વાતના યથેષ્ટ પ્રમાણો છે. અન્નપૂર્ણા શંકરાચાર્યનાં પણ ઇષ્ટદેવી હતાં, તેનું પણ પ્રમાણ મળે છે.

શ્રીરામકૃષ્ણદેવ કહેતા, ‘દરેક અવતાર નિષ્ઠાપૂર્વક શક્તિની ઉપાસના કરી ગયા છે. શક્તિની વિશેષ કૃપા પ્રાપ્ત કર્યા વગર કોઈ મનુષ્ય લોકગુરુ બની શકતો નથી તેમજ ધર્મગંગાનો પ્રચંડ પ્રવાહ વહેવડાવીને સમગ્ર દેશને તેમાં તરબોળ કરીને સામાન્ય મનુષ્યોમાં ધર્મનો પ્રચાર કરી શકતો નથી.’ ચૈતન્યદેવમાં વેદાંતનો ભાવ કે શક્તિ ઉપાસના જોવા મળતાં નથી. આ વિશે પ્રશ્ન પૂછતાં શ્રીરામકૃષ્ણદેવે અમને બધાંને કહ્યું હતું : ‘હાથીના જેમ બે પ્રકારના દાંત હોય છે; એક બહારના શત્રુઓ પર આક્રમણ કરવા માટેના અને બીજા અંદરના ખાવા માટેના. બરાબર એમ જ ચૈતન્યદેવના પણ બે પ્રકારના ભાવ હતા, ભક્તિ એ એમનો બહારનો ભાવ હતો; સામાન્ય લોકોમાં પ્રચાર કરવા માટે. અને વેદાંત તેમ જ શક્તિની ઉપાસના એ તેમનો આંતરિક ભાવ હતો; તે પોતાને માટે હતો. કેશવભારતી પાસેથી તેમણે સંન્યસ્ત ગ્રહણ કર્યું અને અન્નપૂર્ણાની ઉપાસના કરી, એ દ્વારા આ જાણી શકાય છે.’

કોઈ પણ શક્તિની ઉપાસના કરો પણ તેમાં ઘણી પવિત્રતા અને શ્રદ્ધાની સાથે આગળ વધવું જોઈએ. તેમાં સ્વાર્થનું નામનિશાન ન હોવું જોઈએ. નહીં તો સાધનામાં સિદ્ધિ મળતી નથી. ક્યારેક ક્યારેક તો તેનાથી ઊલટું પરિણામ આવતાં સાધક અસમર્થ-દુ:ખી થઈ જાય છે. આ વાતને યાદ રાખીને હંમેશાં ઉપાસનામાં આગળ વધવું જોઈએ. ખોટી રીતના, વ્યર્થ શક્તિ-પ્રયોગથી કે પોતાના સ્વાર્થના સંતોષ માટે શક્તિનો ઉપયોગ કરવાથી શક્તિનો ક્ષય થાય છે અને વધારામાં દુ:ખો આવી પડે એ નક્કર હકીકત છે. આગની સાથે રમત કરવાથી લોકોનાં શરીર કે ઘર બળી જતાં હોય છે. સ્થૂળ શક્તિ માટે આ વાત જેટલી સાચી છે એટલી જ, કદાચ એના કરતાં પણ વધારે, સૂક્ષ્મ શક્તિ માટે સાચી છે. સૂક્ષ્મશક્તિ સાથે રમત કરવાથી તો વધારે ખરાબ પરિણામ આવી શકે છે. શારીરિક, માનસિક અને આધ્યાત્મિક આ બધા પ્રકારની શક્તિઓનો પ્રયોગ સમજપૂર્વક, શ્રદ્ધાપૂર્વક અને સાવધાનીપૂર્વક કરતાં કરતાં આગળ વધવું જોઈએ. જેઓ શારીરિક શક્તિનો દુરુપયોગ કરે છે, તેઓ અકાળે વૃદ્ધ થઈને પશ્ચાત્તાપની આગમાં શેકાતા જીવન વિતાવે છે અને પોતાને તેમ જ સમાજને દુર્બળ બનાવે છે. માનસિક શક્તિના દુરુપયોગથી અનેક મનુષ્યો બુદ્ધિહીન, ચંચળ ચિત્તવાળા અને પાગલ જેવા થઇને પોતાને અને બીજાઓને વધારે નુકસાન પહોંચાડે છે. આધ્યાત્મિક શક્તિના દુરુપયોગથી ભારત અને ભારત સિવાયના અન્ય દેશોનું પશુઓ અને જંગલીઓની કક્ષાએ પતન થયું હતું, એની ઈતિહાસ સાક્ષી પૂરે છે. હે સાધક! આ દૃષ્ટાંતોને યાદ રાખીને શ્રદ્ધાપૂર્વક સાવધાનીથી શક્તિપૂજા કરો.’

મંત્રદાતા ગુરુની પૂજા બાબતમાં બંગાળના લોકાચાર પ્રમાણે કુલગુરુ કે ગુરુવંશની પૂજાની પ્રથાનું સ્મરણ થાય છે. આ પ્રથાને અમે બંગાળની જ વિશિષ્ટ પ્રથા ગણાવી છે કેમ કે, ભારતના બીજા પ્રદેશોમાં અમને આ પ્રથા જોવા મળી નથી. ત્યાં જે કોઇ વ્યક્તિ પ્રત્યે મનમાં શ્રદ્ધા અને ભક્તિ જાગે છે, તેની પાસેથી મંત્ર લેવાની પ્રથા પ્રચલિત છે. પછી ભલે તે સંસારત્યાગી સાધુ હોય કે નિષ્ઠાવાન ધાર્મિક ગૃહસ્થ હોય. જો ગુરુ સંસારત્યાગી હોય તો તેઓ કયા પ્રદેશના છે, અને કયા વંશમાં ઉત્પન્ન થયા છે, તેની મોટે ભાગે ખબર જ પડતી નથી. આને લઇને ત્યાં ગુરુવંશની પૂજા થઇ શકતી નથી. જો ગુરુ ધાર્મિક ગૃહસ્થ હોય તો તેઓ જીવતા હોય ત્યાં સુધી કે તેમના દેહાંત પછીના થોડા સમય સુધી જ તે શિષ્યની ગુરુવંશ પ્રત્યે શ્રદ્ધાભક્તિ રહે છે. પછી વધારે સમય નહીં. પરંતુ ત્યાં એવી પ્રથા જોવા મળતી નથી કે ગુરુનો પુત્ર યોગ્ય હોય કે ન હોય, શિષ્યપુત્રને તેના પ્રત્યે શ્રદ્ધા હોય કે ન હોય, તો પણ મંત્ર તો તેની પાસેથી જ લેવો પડે અને તેને જ ઈશ્વરપ્રાપ્તિ માટે સહાયક રૂપે સ્વીકારવો પડે.

એવું જણાય છે કે બંગાળમાં સંસારત્યાગી સાધુઓની સંખ્યા ખૂબ ઓછી હોવાને લઈને અને એવી માન્યતાને લઈને કે પિતાના ગુણ પુત્રમાં આવે છે તેથી બંગાળમાં આવી કુલગુરુની પ્રથા અસ્તિત્વમાં આવી. શ્રીરામકૃષ્ણદેવના પાવન આવિર્ભાવ પહેલાં કોઈ ઉચ્ચજ્ઞાતિની વ્યક્તિએ સંસાર છોડીને સંન્યાસ ધર્મ સ્વીકાર્યાની વાત મોટે ભાગે સાંભળવા મળતી નહોતી. ભાગ્યે જ કોઈ વ્યક્તિ ઉત્તરના પ્રદેશમાંથી આવેલા કોઇ સાધુ સંન્યાસીના પ્રભાવથી મુગ્ધ થઇને આ ઉચ્ચ માર્ગનું અનુસરણ કરતા. પણ પછી તેઓ મોટે ભાગે વતન છોડીને હંમેશ માટે ચાલ્યા જતા. એ કારણે બંગાળમાં તેવા સંન્યાસીઓનું પ્રમાણ વધતું નહોતું. બંગાળમાં મોટે ભાગે તંત્ર વિદ્યાનો પ્રચાર વધારે હતો અને એવી માન્યતા હતી કે પત્ની સાથે તંત્રોક્ત ધર્મસાધના કરવાથી ભગવાનની કૃપા શીઘ્ર મળે છે. એટલા માટે બંગાળમાં કોઇ ધર્મનિષ્ઠ, ઉદાર ચિત્તવાળા ગૃહસ્થને ગુરુ રૂપે સ્વીકારવાની પ્રથા પ્રચલિત થઈ ગઈ.

 બંગાળના આ લોકાચારમાં આજે અનેક દૂષણો પેસી ગયેલાં જોવા મળે છે, તેમ છતાં પણ ગુરુવંશમાં જ્યાં સુધી શિષ્યો પાસેથી કમાણી કરવાની કે એ દ્વારા આજીવિકા પ્રાપ્ત કરવાની હીનવૃત્તિ અસ્તિત્ત્વમાં આવી નહોતી ત્યાં સુધી આ પ્રથા દ્વારા આ પ્રદેશનાં લોકોનું ઘણું કલ્યાણ થયું છે. તેનાથી ગુરુવંશના પુત્રોની અંદર ‘ગુરુ’ નામને યોગ્ય બનવાની ઇચ્છા પ્રબળ બની રહેતી અને તે માટે તેમણે વિદ્યા પ્રાપ્ત કરવી પડતી અને સદાચારનું પાલન પણ કરવું પડતું. વળી સમાજનો આ વર્ગ ઓછાવત્તા પ્રમાણમાં નિશ્ચિંતપણે ફક્ત ધર્મચર્ચામાં જ પ્રવૃત્ત રહેતો. તેથી તેમનામાં ધર્મના આદર્શો જીવંત અને ઉજ્જ્વળ રહીને લોકોનું કલ્યાણ કરતા. ઉપનિષદ્કાળમાં ઋષિ-મુનિઓ ગૃહસ્થ હોવા છતાં પણ આ રીતે સમય મેળવીને, ધર્મચર્ચામાં મગ્ન રહીને તેમણે દેશ અને પ્રજાનું કેટલું બધું કલ્યાણ કર્યું હતું! આ હકીકત બધા જાણે છે.

પહેલાં બંગાળમાં વિપુલ ધાન્ય થતું. મુસ્લિમ શાસનકાળમાં રૂપિયાના આઠ મણ ચોખા મળતા હતા, એ વાત ઈતિહાસમાં જાણીતી છે. હજુ પણ બંગાળમાં ધાન્ય ખૂબ પાકે છે. પણ રેલ્વે અને સ્ટીમરોની કૃપાથી તે ભારતના જુદા જુદા પ્રદેશોમાં અને વિશ્વના જુદા જુદા દેશોમાં ખૂબ ઝડપથી પહોંચી જાય છે. એ ઉપરાંત વિદેશી સભ્યતાને લઇને ઉત્પન્ન થયેલી મોંઘવારી, વિદ્યાપ્રાપ્તિ માટે થતો બેફામ ખર્ચ વગેરે જુદાં જુદાં કારણોથી ગુરુ અને શિષ્ય બંને પરેશાન છે. બંનેને કોઈને કોઈ ઉપાયે જીવન નિર્વાહ ચલાવવો પડે છે. ગુરુવંશને લાંબા સમયથી કોઈ પણ જાતની મહેનત કર્યા વગર નિશ્ચિંત રીતે જીવનનિર્વાહ ચલાવવાની ટેવ પડી ગઈ છે. એટલે તેઓ વિપત્તિમાં આવી પડ્યા છે. એને પરિણામે આજે તેઓ મિથ્યાભાષણ, જૂઠાણાં, ખોટી પ્રશંસા વગેરે નિમ્નસ્તરના ઉપાયો દ્વારા શિષ્યોનું મનોરંજન કરીને અર્થપ્રાપ્તિ કરવામાં લાગેલા રહે છે. આથી તેઓમાંના ઘણા ધર્મતેજ વગરના, ઐશ્વર્ય વિહોણા ને હલકી મનોવૃત્તિવાળા થઈ ગયા છે. યોગ્ય ગુરુના અભાવે શિષ્યોની શ્રદ્ધાભક્તિ ઘટી ગઈ છે. પરિણામે હવે આ પ્રથાની નાબૂદી અનિવાર્ય બની ગઈ હોય તેમ જણાય છે અને તેમ થવાથી દેશનું અકલ્યાણ થશે તેવું તો જણાતું નથી.

વળી એવું જોવામાં આવે છે કે અવતાર વિશેષ પ્રતિભાશાળી ધર્માત્મા મહાપુરુષ જે વંશમાં જન્મીને તેને પવિત્ર કરે છે, તે વંશ પછી મોટે ભાગે લુપ્ત થઈ જાય છે. અથવા તો એ વંશમાં પાછા એવા શક્તિશાળી પુરુષનો આવિર્ભાવ થયેલો જોવા મળતો નથી. સ્વામી વિવેકાનંદજી કહેતા, ‘જ્યારે કોઈ કુળમાં કોઈ પ્રતિભાશાળી (Genius) કે વિશિષ્ટ શક્તિઓ ધરાવનાર પુરુષ જન્મ ધારણ કરે છે, ત્યારે તે વંશની આગળ પાછળની બધી જ શક્તિઓ પૂર્ણ રૂપે ખેંચાઈને તેમાં સમાઈ જાય છે ને પ્રકાશિત થાય છે. એ કારણે એમના જન્મ પછી એ કુળમાં દરિદ્ર, ગાંડા, નિસ્તેજ કે સાવ સામાન્ય માણસો જન્મે છે. ક્યારેક ક્યારેક તો એ કુળનો નાશ પણ થઈ જાય છે.’ એટલે અવતાર કે સિદ્ધપુરુષ જે કુળને ધન્ય, પવિત્ર કરે છે, તેના પ્રત્યે મોટા ભાગે લોકોની શ્રદ્ધાભક્તિ હોવા છતાં પણ તેમાં ધર્મશક્તિનો પ્રકાશ હંમેશાં સ્થાયી હોતો નથી. આ પણ ગુરુવંશ પ્રત્યે શિષ્યવંશની ઉત્તરોત્તર ઘટતી જતી શ્રદ્ધાભક્તિના કારણોમાં એક મુખ્ય કારણ છે.

મંત્રદાતા ગુરુ એક જ હોવા છતાં પણ તેમની પાસેથી ઉપયોગી બાબતો શીખીને અને તેને પોતાના જીવનમાં ઉતારીને શિષ્ય ધર્મસંબંધી બીજું જરૂરી શિક્ષણ બીજા ગુરુઓ પાસેથી પણ મેળવી શકે છે. વેદ વગેરે શાસ્ત્રો પણ આવું વિધાન કરે છે. જેઓ આવા શિક્ષણમાં મદદ કરે છે, તેને ઉપગુરુ કહેવાય છે.

આધ્યાત્મિક ક્ષેત્રમાં ગુરુપૂજા સિવાય પણ ભારતમાં ભૌતિક વિદ્યાઓ એટલે કે, અપરાવિદ્યા – રાજનીતિ, સમાજનીતિ, યુદ્ધવિદ્યા, ધનપ્રાપ્તિની વિદ્યાઓ – વગેરેનું શિક્ષણ આપનારાઓની પૂજા કે વિશેષ સન્માન કરવાનું કહેવામાં આવ્યું છે. પરંતુ વર્તમાન યુગમાં મોટે ભાગે આ પ્રથા હવે જોવા મળતી નથી. તેમાં ગુરુ અને શિષ્ય અથવા શિક્ષક અને વિદ્યાર્થી બંનેનો દોષ જણાય છે. શિક્ષક ન તો વિદ્યાર્થીઓને પુત્રવત્ પ્રેમ કરે છે કે ન તો સ્નેહભરી રીતે જુએ છે. બીજી બાજુ વિદ્યાર્થીઓ પણ શિક્ષકો પ્રત્યે પિતા સમાન શ્રદ્ધાભક્તિ કે પ્રેમ રાખતા નથી. સ્વામી વિવેકાનંદજી કહેતા: ‘શ્રદ્ધાનો અભાવ જ આપણા શિક્ષણ ક્ષેત્રમાં સર્વનાશ નોતરી રહ્યો છે. શ્રદ્ધા ન હોવાથી જ આપણાં બાળકોને યોગ્ય કેળવણી મળતી નથી.’ વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં પારસ્પરિક શ્રદ્ધા અને પ્રેમનો સંબંધ રહેવાથી તથા આ વિદ્યા ફક્ત ધનપ્રાપ્તિ માટે નથી પણ જ્ઞાનપ્રાપ્તિ માટે છે, એ ભાવ રહેવાથી આજે યુરોપમાં વિદ્યાનો આટલો વિકાસ થયો છે. શિક્ષણકાળ દરમિયાન શિષ્ય ગુરુની સાથે રહી શકે, તેમનાં આદર્શ ચરિત્ર અને પવિત્ર કાર્યોને જોઈને તેમના પ્રત્યે શ્રદ્ધાભક્તિ દાખવી શકે એવી વ્યવસ્થા હવે ન હોવાથી આજે શિષ્ય અને ગુરુમાં શ્રદ્ધાનો અભાવ જોવા મળે છે. પ્રાચીનકાળમાં બ્રહ્મચારી શિષ્યો ગુરુગૃહોમાં રહીને કેવું ઉત્તમ શિક્ષણ મેળવતા હતા, એનાં અનેક દૃષ્ટાંતો પુરાણો અને ઈતિહાસમાં મળી આવે છે.

મનુષ્યમાં ગુરુરૂપી ઈશ્વરની શક્તિ પ્રગટ થઈને મનુષ્યજાતિનું પરમ કલ્યાણ કરવા સક્રિય બને છે અને જંગલી મનુષ્યોને પણ સમાજ, નીતિ, વિદ્યા, ધર્મ વગેરેનું જ્ઞાન આપીને તેમને દેવતા સમાન ઉન્નત બનાવી દે છે – જ્યારથી ભારતે આ વાત જાણી છે, ત્યારથી તેણે એ સ્વીકારી લીધું છે કે ગુરુ મનુષ્ય નથી, પણ ગુરુ એ માનવદેહમાં દૈવી શક્તિનો વિકાસ છે. ત્યારથી ‘ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ: ગુરુર્દેવો મહેશ્વર:’ આવા મંત્રોનો પ્રચાર થયો છે. ત્યારથી પ્રચાર થયો છે કે,

યસ્ય દેવે પરા ભક્તિ: યથા દેવે તથા ગુરૌ ।
તસ્યૈતે કથિતા હ્યર્થા: પ્રકાશન્તે મહાત્મન: ॥

(શ્વેતાશ્વતર ઉપનિષદ્ ૬/૨૩)

ગુરુમાં મનુષ્યબુદ્ધિ રાખવાથી જ્ઞાન મળતું નથી. હે ભારત, તું જ્યાં સુધી શ્રીગુરુની મૂર્તિમાં શક્તિપૂજન કરતું રહીશ, ત્યાં સુધી આ વિશ્વમાં એવું કોણ છે કે જે તારા રાષ્ટ્રિય જીવન અને શક્તિનો નાશ કરી શકે? ગુરુની શક્તિથી બળવાન બનો તથા ગુરુરૂપી ધ્રુવતારા પ્રત્યે દૃષ્ટિ સ્થિર રાખીને તું તારા પોતાના ગંતવ્ય માર્ગ પર આગળ વધતું રહે.

અને હે નિત્યમુક્ત આત્મારામ ગુરુ – આપ અમારાં જ્ઞાનનેત્રોને સંપૂર્ણ રીતે ખોલી આપો. આપને વારંવાર પ્રણામ છે. આપની કૃપાથી પ્રત્યેક ભારતીય જન આ નવીન આધ્યાત્મિક જીવનના દિવ્યભાવોની અમર જ્યોતિ પ્રાપ્ત કરીને, પૂર્ણજાગૃત બનીને, શ્રદ્ધાપૂર્વક આપની પૂજા કરીને, દેશના કલ્યાણ માટે પોતાના ક્ષુદ્ર સ્વાર્થનું બલિદાન આપવા સમર્થ બને.

હે શ્યામા, ગુરુરૂપિણી, તું તારા શરણાગત ભારતમાં, આ નવયુગમાં નવી શક્તિનો સંચાર કર. જેનાથી અહીંના રહેવાસીઓ તારી જીવંત શ્રીમૂર્તિની પૂજાનો પ્રચાર કરીને સદાકાળ કૃતાર્થ બની રહે અને બીજાઓને પણ કૃતકૃત્ય કરે.

Total Views: 252

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.