ગદાઈ ઓળખી ઠામ, જાય ગામ થકી ગામ,
ઘણા લોકો આપે અમંત્રણ.
વય તેનું સુકુમાર, રૂપનો તો નહિ પાર,
ચહેરો તેજસ્વી ને સુંદર;
વાંકાં સ્હેજ બે નયન, જાણે ખેંચ્યાં બાણાસન,
ત્રિભુવન-જન-મનહર.
નાસિકાય શી સોહાય, હોઠ લાલ બે દેખાય,
છાતી વિશાળ ને મનોહર;
ભુજ બેય સુલલિત, ઘૂંટી સુધી છે લંબીત,
કટિદેશ પાતળો સુંદર.
શોભિતા ચરણદ્વય, ઇચ્છાપૂર્તિનું આલય,
હૃદ્-રત્ન સેવ્ય કમલાથી;
સૌંદર્યની જાણે ખાણી, કંઠે ફૂટે મીઠી વાણી,
મોહકત્વ પર વર્ણનાથી.
શ્યામ-શ્યામા-ગીતો થાય, મધુરું ગદાઈ ગાય,
જનો મુગ્ધ થાય જેઓ સુણે;
કદી નવ ભૂલી શકે, યાદ આવે હર તકે,
ગીતો એવાં ભર્યાં રસગુણે.
ગામની રમણીજન, ગદાઈમાં મુગ્ધ મન,
રૂપ ગુણે તન્મય સકળ;
જોવા તેને સદા ચ્હાય, ન દેખે તો દુ:ખ થાય,
સ્નેહ પૂર્ણ અંતરે અકળ.
પ્રભુ સાથે સર્વેતણો, સ્નેહભાવ હતો ઘણો,
બોલવાની વાત નહિ મન;
અંદર સુંદર કાંડ, કાચું મન હોય દાંડ,
એ હેતુથી રાખીયું ગોપન.
સંકેતે આભાસ કહું, દહીંમાં સાકર દઉં,
પ્રભુ વિણ તે ન સમજતી;
કોઈ નારી ચોરી કરી, મઢાવી દેવા બાંસરી,
નિજ અલંકારેય ભાંગતી.
મુખ ઢાંકી વધુ બાળા, ગૂંથી દેતી ફૂલમાળા,
આદરથી ગદાઈને દેવા,
કોઈ પુત્રસમ જાણે, ગદુ પર પ્રેમ આણે,
કરે મિઠાઈથી મુખે સેવા.
ભગવત-ભક્તો જેઓ, મહાનંદ પામે તેઓ,
સુણે બેસી ઈશ્વર પ્રસંગ;
હાસ્યરસ ને કૌતુક, કશાથી ન પરાઙમુખ,
ઊઠે રસરંગના તરંગ.
બાળવયથી પ્રભુની, સાંભળી છે વાતો જૂની,
હતી આવજાવ ઘણે સ્થળે;
ખાસ તો શિયડ઼ ગામે, હૃદયરામને ધામે,
સંબંધે ભાણેજ એ નીકળે.
હૃદુ સાથેનું મિલન, થવાની જે શુભ ક્ષણ,
ઘટકાઓ તથા જે અપાર;
પ્રીતિ પરસ્પર પ્રતિ, હૃદુ ભાગ્યવાન અતિ,
આવશે આગળ સમાચાર.

કાલી પૂજા અને સ્ત્રીવેશ-ધારણ

જય જય રામકૃષ્ણ વાંછાકલ્પતરુ,
જય જય ભગવાન જગતના ગુરુ;
જય જય રામકૃષ્ણતણા ભક્તગણ,
યાચું રજ ચોટેલી એ સહુને ચરણ.
શ્રીપ્રભુની બાળલીલા અતિમનોહર;
ધીરે ધીરે વય થયું સોળની ઉપર.
ગામના ગોઠીયા ઘડીભર નવ છોડે;
રાતદિ’ જમાવે મેળો ગદાઈની જોડે.
નાની મોટી ઉમરના ગોઠીયાઓ ઘણા;
પ્રભુ સાથે કરતા પ્રકાર ખેલો તણા.
અતીશે આનંદે તેઓ ફરે પ્રભુ સાથે;
એને સરદારરૂપે ગણે પોતા માથે.
તેમની આજ્ઞાની કરે નવ અવહેલા;
મહંતને મઠે જાણે આજ્ઞાધારી ચેલા.
કેટલુંય ખેલે પ્રભુ, છોકરાઓ માણે;
બધું લોકોત્તર, તત્ત્વ કોઈ નવ જાણે.
સમયે સમયે રચે ખેલો અવનવા;
પણ હવે નહિ ખેલો ગૌચારણ જેવા.
હવે સાવ નવી ખેલસૃષ્ટિ થઈ હતી;
માટીની બનાવે માતા કાલીની મૂરતિ.
રંગે, રૂપે, આકારે બને એ મનોહર;
જોતાં લાગે કરનારો મહાકારીગર.
રચે નયનોના તારા એવા દીપ્તિમાન;
મૃત્તિકાની મૂર્તિ લાગે જીવંત સમાન.
પૂજા સારુ બિલીપત્ર, ફૂલ તથા ફળ;
આજ્ઞા થાય, ‘લાવો જઈ છોકરા સકળ.’
બાળકોનો ખેલ, છતાં આશ્ચર્ય અપાર;
કેવા તેના રંગઢંગ, સુણો સમાચાર.
વિધિવત્ ઉપચારો જે જે પ્રયોજન;
કશી ત્રુટિ નહિ, થાય બધું આયોજન.
પ્રભુની પૂજામાં નહિ કશું જ અધુરું;
બોલતાં જ છોકરાઓ લાવી કરે પૂરું.
પૂજા સાથે બહુવિધ ધરાવે નૈવેદ;
દેખી શક્યો નહિ પૂજા, મને રહ્યો ખેદ.
પૂજા પૂરી થયા પછી વ્હેચાંય પ્રસાદ;
પ્રસાદ લેવાને સારુ પડે મોટો સાદ.
આવે દોડી ટોળાંબંધ નર અને નારી;
પ્રસાદ દેવાનું રહે લાંબો કાળ જારી.
સેંકડોથી વધુ લોકો પામે હાથોહાથ;
ખૂટે નહિ તો ય, એ નવાઈ જેવી વાત.
સાથીમાંથી કોઈને કશું ન સમજાય;
તેઓ માત્ર પ્રભુ બોલે તેમ કર્યે જાય.
શ્રીપ્રભુનો દિવ્યખેલ, અજબ કથન;
ખેલ મિશે થાય મહાકાર્યનું સ્થાપન.
નર, નારી, કુમારી કે કુમારો હોંશીલા;
જેની જેવી ઇચ્છા તેની સામે તેવી લીલા.
ખાસ જ્યારે રંગ કરે નારી ગણ સંગે;
નારીભાવ આવે સોળ આના પ્રભુઅંગે.
ફુટે મુખે મીઠી વાણી, રમણીની જેવી;
હાવ ભાવ તથા ચાલ સ્ત્રીઓ કરે તેવી.
પરિચય સારુ સુણો પુરાણ આ મન;
અજબ પ્રભુનું છે કૈશોરનું વર્ણન.
ગામની સ્ત્રીઓનો ભાવ ગદાધર પરે;
એવો કે ન દેખ્યે દિને, જોવા જાય ઘરે.
વય પણ વધે, હવે બાળ નહિ મન;
કૈશોરે પ્રવેશ, અતિ મનોહર તન.
ગૃહવધુઓને લાજ, ઘરનો ય ત્રાસ;
પ્રભુ સંગે તો ય કરે રંગ પરિહાસ.
બીજા કોઈ સાથે કરે વાત નવ હસી;
પ્રભુને પિછાને તેઓ, નિષ્કલંક શશી.
એમ રાતદિન ખેલે સૌની સંગાથે;
વૃદ્ધો થાય બાળ જેવા ગદાધર સાથે.
એક સોની વાણીયા, ને ગામમાં વસતી;
તેને ઘેર ચૌદ બ્હેનો, બધી રૂપવતી.
ભગિનીઓમાંથી એક નામે રુક્ષમણી;
હતી એ જીવંત, વાત તેને મોઢે સુણી.
કહેતી એ, પ્રભુ પર એવી સ્નેહભરી;
હતી અમે એક નહિ, ચૌદે સહોદરી.
પ્રભુને જોવાને મન એવાં ઝંખે પણ;
ગામ છોડવાથી સારું માનતી મરણ.
સાસરે જવાનું સુદ્ધાં તેથી ન માનતી;
તેડું આવ્યે કહાવે મૂરત હાલ નથી.
હશે કોણ બ્હેનો જે પ્રભુને નિજ ગણે;
મહાસતી, ભાગ્યવતી, પ્રણામ ચરણે.
શક્ય નથી કોઈથી જે કરે એ પ્રકાશ;
મૂઢ હું તો કરું માત્ર પદરજઆશ.
હતા રૂપવાન પ્રભુ, માથે દીર્ઘ કેશ;
ધાર્યો અંગે સુંદર રમણી કેરો વેશ.
ગામડાંનો ચાલ જેવો, જાડાં આભરણ;
માથા પર શોભિતો અંબોડો બાંધ્યો પણ.
પ્હોળી કોરવાળી સાડી પ્હેરી હર્ષભેર;
લાજ કાઢી ધીમે પગે જાય સોની-ઘેર.
અંગે હાવભાવ બધો વહુવારુ કેરો;
ઓળખાય નહિ તેનો રમણીનો ચ્હેરો.
પુરુષોની પૂછપાછ થકી જરા ડરે;
તેથી નાને બારણેથી પેસે સોની-ઘરે.
(ક્રમશ:)

Total Views: 173

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.