(ગતાંકથી આગળ)

પરિણામવાદ અને વિવર્તવાદ

દાર્શનિકો કહે છે કે અભિવ્યક્તિના બે પ્રકાર છે. કેટલાક કહે છે કે બ્રહ્મનું પરિણામ હોય છે, અને બીજા કેટલાક કહે કે બ્રહ્મનું વિવર્ત હોય છે. સાચી વાત એ છે કે ભલે એને પરિણામ કહે કે વિવર્ત કહે, પણ આ તો માત્ર વાત જ છે. જે લોકો પરિણામ કહે છે તેઓ પાર્થક્યને પ્રત્યક્ષ રૂપે જુએ છે. તેમને લાગે છે કે બ્રહ્મ પરિવર્તિત થયું છે. બીજી બાજુ અદ્વૈતવેદાંતીઓ કહે છે કે જેમાં પરિણામ કે પરિવર્તન થાય છે તે નશ્વર છે, તે નિત્ય થઈ શકે નહિ. જો બ્રહ્મનું પરિણામ હોય તો તે ક્યારેય નિત્ય ન બની શકે, તે અનિત્ય બની જશે. એટલે એમાં બ્રહ્મત્વ રહેશે નહિ. આ દોષને કારણે પરિણામની જે પ્રતીતિ થાય છે તેને વાસ્તવિક પરિણામ ન કહેતાં તેઓ તેને પ્રતીતિ માત્ર કહે છે; અને તેને માટે એક દાર્શનિક શબ્દનો પ્રયોગ કરે છે, જેને ‘વિવર્ત’ કહે છે. વિવર્તમાં તત્ત્વ પરિવર્તિત થતું નથી. પરિણામમાં તો તત્ત્વ જ પરિવર્તિત થઈ જાય છે. એક શ્લોકમાં કહ્યું છેઃ

સતતત્ત્વતોડન્યથાપ્રથા વિકાર ઇત્યુદાહૃતઃ અતત્ત્વતોડન્યથાપ્રથા વિવર્ત ઇત્યુદીર્યતે ॥

અર્થાત્ જો તત્ત્વ પરિવર્તિત ન હોય તો તે એક હોવા છતાં અનેક રૂપે પ્રતીત થાય તો તેને વિવર્ત કહે છે અને તત્ત્વ પણ પરિવર્તિત થઈ જાય તો તેને વિકાર કે પરિણામ કહેવામાં આવે છે. ઉદાહરણ આપવામાં આવે છે – દૂધ પરિવર્તિત થઈને દહીંના રૂપે પરિણામને પ્રાપ્ત થાય છે, દૂધ હવે દૂધ નથી રહ્યું, દહીં બની ગયું છે. આને કહેવાય છે વિકાર કે પરિણામ. અને વિવર્તનું ઉદાહરણ છે – એક દોરડું છે, તે ક્યારેક સાપના રૂપમાં દેખાય છે તો વળી ક્યારેક લાકડીના રૂપે, વળી ક્યારેક માલાના રૂપે ક્યારેક જળધારાના રૂપે; અને વળી ક્યારેક જાણે કે જમીન ફાટી ગઈ હોય એવું લાગે છે. આ જે અનેક પ્રકારની એ દોરડાની આપણને પ્રતીતિ થાય છે, એનાથી દોરીના રૂપમાં પરિવર્તન થતું નથી. દોરી તો જેવી છે એવી ને એવી રહે છે. આને કહે છે વિવર્ત.

આપણી દૃષ્ટિએ આ વૈચિત્ર્યમય જગત બ્રહ્મનું ભલે વિવર્ત હોય, ભલે પરિણામ હોય એનાથી કંઈ બનતું-બગડતું નથી, કારણ કે અસલ વાત એ છે કે જે વસ્તુ શબ્દથી અતીત છે, એને આપણે શબ્દ દ્વારા સમજાવવાની માત્ર ચેષ્ટા જ કરીએ છીએ. પરંતુ એને સમજાવી શકતા નથી.

શાસ્ત્ર કહે છે કે બ્રહ્મ એક, અદ્વિતીય હોવા છતાં પણ અનેક રૂપોમાં પ્રતીત થાય છે. તેની અનેક રૂપોમાં પ્રતીત થવાની આ જે શક્તિ છે તેને અચિંત્યશક્તિ કહેવાય છે; આને જ સૃષ્ટિ-સ્થિતિ-લયકારિણી શક્તિ કહેવામાં આવે છે. જેમ બ્રહ્મ અચિંત્ય છે, તેવી જ રીતે તેની શક્તિ પણ અચિંત્ય છે, કારણ કે આ શક્તિને બુદ્ધિ દ્વારા માપી-જાણી શકાતી નથી. જેવી રીતે આપણે આપણી બુદ્ધિ દ્વારા બ્રહ્મને માપી -જાણી શકતા નથી, તેવી રીતે તેની શક્તિનું પણ છે. એટલા માટે આ બંને આપણા તર્કથી અતીત બની જાય છે. અને ત્યાં આપણે એ બંને તત્ત્વના પાર્થક્યનો વિચાર કરી શકતા નથી. એટલા માટે કહે છે કે બંને એક છે, અભેદ છે, જેમ બ્રહ્મ તર્કાતીત છે તેવી જ રીતે તેની શક્તિ પણ તર્કાતીત છે. અને વળી બે તર્કાતીત વસ્તુઓને તર્કની સહાયતાથી અલગ અલગ કરવી આપણા માટે સંભવ નથી, એટલે એને અભિન્ન કહે છે.

શ્રીરામકૃષ્ણની ઉપમા અને વ્યાખ્યા

બ્રહ્મથી અભિન્ન એવી બ્રહ્મની શક્તિ ક્યારેક સક્રિય છે તો ક્યારેક નિષ્ક્રિય છે. ‘ક્યારેક’ દ્વારા સમયની વાત કહેવામાં આવી નથી. આ ‘ક્યારેક’ શબ્દ કોઈ એક વ્યક્તિની અવસ્થા વિશેષના સંદર્ભમાં વાપરવામાં આવ્યો છે. ‘ક્યારેક નિષ્ક્રિય છે’ આ કહેવાથી એમ સમજવાનું છે કે કોઈ એક વ્યક્તિ માટે એક વિશેષ અવસ્થામાં તે નિષ્ક્રિય છે, વળી એ વ્યક્તિ માટે અન્ય અવસ્થામાં તે સક્રિય છે. આ બે અવસ્થાઓને ધ્યાનમાં રાખીને કહેવાય છે – બ્રહ્મ અથવા શક્તિ. આ જ વાત શ્રીઠકુર સમજાવે છે, તેઓ કહે છેઃ ‘જ્યારે તે સૃષ્ટિ-સ્થિતિ-લય કરે છે ત્યારે તેને શક્તિ કહે છે અને જ્યારે તે સૃષ્ટિ-સ્થિતિ આદિ કંઈ પણ કરતું નથી ત્યારે તેને બ્રહ્મ કહે છે. આ ‘જ્યારે’ અને ‘ત્યારે’ એ બંને શબ્દ ધ્યાન દેવા યોગ્ય છે. એનું તાત્પર્ય શેની સાથે છે? શું સમય સાથે છે? જો એવું હોય તો બ્રહ્મની શક્તિનો આ જે પ્રકાશ છે તે કાળ દ્વારા ઘેરાઈ જશે, પરિમેય થઈ જશે. પરંતુ કાળ દ્વારા પરિમા૫ થતું નથી. એટલે આપણે સમજવું પડશે કે સાધકની અવસ્થા અનુસાર પ્રતીતિના તારતમ્યની વાત કહેવાય રહી છે. અર્થાત્ ‘જ્યારે’ એટલે કે ‘જે અવસ્થામાં’ અને ‘ત્યારે’ એટલે કે ‘તે અવસ્થામાં’. આટલું બતાવવાથી કદાચ આ વાત સમજવામાં સરળ બનશે..

આપણે આ વાત શા માટે કરીએ છીએ? જગત વિશે આપણી ધારણા છે કે તેની સૃષ્ટિ થાય છે, તેને સ્થિતિ હોય છે. અને તેનો લય થાય છે. પરંતુ આ ધારણા અત્યંત સીમિત છે, કારણ કે એ માત્ર એ જ જગત વિશેની ધારણા છે કે જેની આપણે ઉપલબ્ધિ કરીએ છીએ. આપણે એમ કેવી રીતે કહી શકીએ કે આવા પ્રકારના હજુ પણ વધુ અનંત જગત નથી? શ્રીઠાકુરે કહ્યું હતું : ‘શું જગત આટલું જ છે? વર્ષાઋતુમાં ગંગામાં કરચલા થાય છે, એ ખબર છે ને? એવી રીતે અસંખ્ય જગત છે.’ એટલે આપણી સામે દેશકાળ આદિથી પરિચ્છિન્ન જે જગત પ્રતીત થાય છે એવા પ્રકારનાં અનંત જગત છે. જ્યારે એક જગતમાં પ્રલય થાય છે, ત્યારે સંભવ છે, બીજા જગતમાં સૃષ્ટિની ધારા ચાલતી હોય. આવા પ્રલયને ખંડપ્રલય કહેવાય છે. મહાપ્રલય એનાથી ભિન્ન છે, મહાપ્રલયની અવસ્થામાં સૃષ્ટિ ક્યાંય પણ રહેતી નથી. ત્યારે સૃષ્ટિ ક્યાંય પણ રહેતી નથી એ કેવી રીતે જાણીશું? સમસ્ત સૃષ્ટિનો લોપ થયો કે નહિ એ કોણ બતાવી શકે? કોઈ પણ બતાવી શકતું નથી. એટલા માટે આ પ્રકારે તેને સમજવાનો પ્રયત્ન ન કરતા સાધકના અનુભવ દ્વારા જ તેને સમજવો પડશે.

સાધક શક્તિના રાજ્યને અધીન

સૃષ્ટિ-સ્થિતિ-પ્રલયનો અર્થ શું છે? કાર્યનો કારણમાં લય થાય છે. કાર્ય સ્થૂળ વસ્તુ છે અને કારણ સૂક્ષ્મ. એટલે સ્થૂળનો સૂક્ષ્મમાં લય થાય છે. અને વળી કારણ મહાકારણમાં લીન થઈ જાય છે. આ જે લય થવાની વાત છે તે કોઈ કાળ દ્વારા પરિચ્છિન્ન થતી વાત નથી એને અવસ્થાનું વિભાજન માનવાથી કહી શકીએ કે જે અવસ્થામાં આપણને સ્થૂળ જગતની પ્રતીતિ થતી નથી એ અવસ્થામાં સ્થૂળ જગત સૂક્ષ્મમાં લય પામી ગયું છે; તથા મનની જે અવસ્થામાં સૂક્ષ્મ જગતની પ્રતીતિ થતી નથી, તે અવસ્થામાં સૂક્ષ્મ જગત કારણમાં લીન થઈ ગયું છે. મનની જે અવસ્થામાં કારણની પણ પ્રતીતિ થતી નથી, એ અવસ્થામાં કારણ મહાકારણમાં અર્થાત્ કારણાતીત સત્તામાં, જેને તુરીય કહેવામાં આવે છે, લીન થઈ ગયું છે તેમ માનવામાં આવશે. કારણાતીત સત્તા છે એટલે સ્થૂળ, સૂક્ષ્મ અને કારણનો ક્રમવિકાસ થવો સંભવ છે. અતઃ આપણે પોતાની જાતને છોડીને, અર્થાત્ દેષ્ટા અથવા અનુભવકર્તાને છોડીને સ્વતંત્ર રૂપથી જગતની સૃષ્ટિ-સ્થિતિ લય અવસ્થાઓ વિશે વિચાર કરવાની આવશ્યકતા નથી. એટલા માટે વેદાંત કહે છે કે ‘સૃષ્ટિ-સ્થિતિ-પ્રલયની જે બધી વાતો શાસ્ત્રોમાં છે તે કેવળ આપણને અદ્વય બ્રહ્મ તત્ત્વમાં પહોંચાડી દેવાનો ઉપાય છે. ‘માણ્ડૂક્યકારિકા’ (૩.૧૫)માં ઉલ્લેખ છેઃ

મૃલ્લોહવિસ્ફુલિંગાધૈ: સૃષ્ટિર્યા ચોદિતાન્યથા ।
ઉપાયઃ સોડવતારાય નાસ્તિ ભેદઃ કથંચન ॥

આ જે મૃત્તિકા (છાંદોગ્ય. ઉપ. ૬.૧.૪), લોહખંડ (છાંદોગ્ય. ઉપ.૬.૧.૫), યા વિસ્ફુલિંગ (મુણ્ડક ઉપ. ૨.૧.૧)નું દૃષ્ટાંત આપીને સૃષ્ટિની વાતને અનેક પ્રકારે કહેવાઈ છે, તે કેવળ આ બ્રહ્મજ્ઞાનની વાતને સમજવાને માટે જ, જીવ અને બ્રહ્મના ઐક્યને બુદ્ધિમાં પ્રતિષ્ઠિત કરવા માટે જ છે; એનું બીજું કોઈ તાત્પર્ય નથી. વાસ્તવમાં બ્રહ્મમાં કોઈ ભેદ નથી જ, કારણ કે જગતનાં સૃષ્ટિ-સ્થિતિ-લય અથવા સ્થૂળ-સૂક્ષ્મ અને કારણ અવસ્થાઓની કોઈ વાસ્તવિક સત્તા નથી. આ જ વાત આ માઝૂક્યકારિકામાં કહેવાઈ છે. જો આવું છે તો જગત્-કારણત્વને આપણી આ જગત્- અનુભૂતિની અપેક્ષા છે, કારણ કે જગત્-અનુભૂતિ જ જગત્- કારણત્વનો આધાર છે. એટલે જ્યાં સુધી આપણે જગત્ સ્નષ્ટા સુધીની કલ્પના કરીએ છીએ ત્યાં સુધી આપણે ‘શક્તિના રાજ્ય’માં છીએ. જ્યાં સુધી સાધનનો સ્તર ચાલી શકે છે ત્યાં સુધી શક્તિનું રાજ્ય છે. અને જો કોઈ સાધનાનાં સમસ્ત સોપાન પાર કરીને સ્વસ્વરૂપમાં પ્રતિષ્ઠિત થાય છે, બ્રહ્મસ્થ થાય છે તો તે શક્તિનો ઈલાકો પાર કરી જાય છે.

વાત એ છે કે એ સત્ય સુધી પહોંચવા માટે વિભિન્ન સોપાનોની આવશ્યકતા રહે છે. વિભિન્ન સ્તર પર એક એક ડગલું આગળ વધતાં વધતાં અંતે લક્ષ્ય સુધી પહોંચી જઈએ છીએ. પ્રત્યેક સોપાન આપણા માટે આવશ્યક છે. આવું ન હોય તો છત ઉપર ચડવું આપણા માટે સંભવ ન બને અને જ્યારે છત ઉપર પહોંચી ગયા ત્યારે પગથિયાંને -સીડીને અવાસ્તવિક કહેવામાં કોઈ સાર્થકતા નથી. સીડીને લીધે જ આપણું છત પર પહોંચવું સંભવ બની શક્યું. શક્તિનું રાજ્ય છે એટલા માટે આપણે શુદ્ધબ્રહ્મમાં પ્રતિષ્ઠિત થઈ શકીએ છીએ, અને એવું બનવું સંભવ છે. જો તે ન હોય તો પછી શુદ્ધ બ્રહ્મની પણ કોઈ સાર્થકતા રહેતી નથી. કોણ એને જાણે છે? તે તો સ્વસ્વરૂપમાં જ સ્થિત રહેત અને આપણે જે જગત્‌કારણ ઇત્યાદિ તેની વ્યાખ્યા કરીએ છીએ તે બધું અર્થહીન બની જાત; કારણ કે આપણી આ બધી વાતો શક્તિ ઉપર જ નિર્ભર કરે છે. શ્રીઠાકુર કહે છે : ‘બ્રહ્મને છોડીને શક્તિની, શક્તિને છોડીને બ્રહ્મની ધારણા કરી શકાતી નથી. નિત્યને છોડીને લીલાની, લીલાને છોડીને નિત્યની ધારણા કરી શકાતી નથી.’

શ્રીરામકૃષ્ણ – બ્રહ્મ અને શક્તિ, નિત્ય અને લીલા

શ્રીઠાકુર ‘શક્તિ’ અને ‘બ્રહ્મ’ એ બે શબ્દ કહે છે. તેના પછી તરત જ શબ્દ બદલીને કહે છે – ‘લીલા’ અને ‘નિત્ય’. ‘લીલા’ એટલે પરિવર્તન, અને પરિવર્તન કહેવાથી જ બોધ થાય છે કે એની પાછળ એક અપરિવર્તિત સત્તા છે. એ જો ન હોય તો કોની તુલનામાં પરિવર્તન થાય? એટલા માટે ‘પરિવર્તન’ શબ્દ કહેવાની સાથોસાથ એક બીજું તત્ત્વ આવી જાય છે જે અપરિવર્તનશીલ છે. એને પૃષ્ઠ ભૂમિમાં રાખીને, એની સાથે તુલના કરીને આપણે પરિવર્તનનો અનુભવ કરીએ છીએ. જો એવું ન હોય તો પરિવર્તન કહેવાને લાયક કોઈ વસ્તુ જ રહેતી નથી. આપણે ગાડીમાં જઈ રહ્યા છીએ, જેમ જેમ ગાડી ચાલે છે બરાબર એવી જ રીતે જો એની આસપાસનાં જમીન, વૃક્ષ, ઘર, વગેરે ચાલવા લાગે તો તો ગાડીનું ચાલવું સમજમાં આવે નહિ. ગાડી ચાલી રહી છે, આ વાક્યનો પ્રયોગ પણ નથી થતો, કારણ કે ત્યારે બધું દૃશ્ય એક જ પ્રકારનું દેખાય છે. પરંતુ જ્યારે આપણે જોઈએ છીએ કે આપણે ગાડીમાં બેઠા છીએ અને વૃક્ષ વગેરે પોતાનું સ્થાન બદલે છે, ઘર-મકાન બધાં સરકી રહ્યાં છે ત્યારે આપણને લાગે છે કે પરિવર્તન થઈ રહ્યું છે. પરિવર્તનમાં ક્યું સ્થાયી છે અને ક્યું અસ્થાયી છે એ તો પછીની વાત છે. અમારું કહેવું આ છે કે કોઈ એક સ્થાયી વસ્તુની ધારણા કર્યા વિના કોઈ અસ્થાયી વસ્તુનો, પરિવર્તનનો અનુભવ કરી શકતા નથી. એવી જ રીતે અસ્થાયી વસ્તુની કલ્પના વિના આપણે કોઈ સ્થાયી વસ્તુની પણ કલ્પના નથી કરી શકતા; કારણ કે સ્થાયી અને અસ્થાયી એ એવા બે શબ્દો છે અને અર્થ બોધ માટે પરસ્પર એક બીજા સાથે એવી રીતે જોડાયેલા છે કે એક ને છોડીને બીજાની કલ્પના કરી શકાતી નથી.

‘નિત્ય’ અને ‘લીલા’ પણ બરાબર આવાં જ છે. ભગવાનની જે આ સૃષ્ટિ-સ્થિતિ-લય લીલા ચાલી રહી છે એ લીલાનું તાત્પર્ય છે પરિવર્તન. જો આપણે એક સ્થાયી વસ્તુની, નિત્ય વસ્તુની ધારણા ન કરીએ તો આ પરિવર્તનની કલ્પના જ નહિ કરી શકીએ. એટલે જ ‘નિત્ય’ને છોડીને ‘લીલા’ની કલ્પના કરી શકાતી નથી. જેમ આપણે પહેલાં કહ્યું છે તેમ, ‘લીલા’ને છોડીને ‘નિત્ય’ની કલ્પના પણ નથી કરી શકાતી.

આવી જ રીતે શક્તિ સિવાય બ્રહ્મની કલ્પના કરી શકાતી નથી; બ્રહ્મને છોડીને શક્તિની કલ્પના પણ કરી શકાતી નથી. બંને એવી રીતે અંગાગીરૂપે સંબદ્ધ છે, એવા અભેદ્ય સંબંધથી જોડાયેલા છે કે એક ને છોડીને બીજાની કલ્પના સુધ્ધાં કરી શકાતી નથી. એટલે આ દૃષ્ટિએ બ્રહ્મ અને શક્તિ અભિન્ન છે.

છતાં ય કેટલીય વાર આપણે આ દૃષ્ટિકોણમાં જાણે કે થોડું દાર્શનિક સામંજસ્ય રાખ્યા વિના જ કહી દઈએ છીએ કે આજે પરિવર્તન છે તે મિથ્યા છે અને અપરિવર્તનીય છે તે જ કેવળ સત્ય છે; કારણ કે આપણે પોતાના જાગતિક અનુભવોથી જાણીએ છીએ કે જે કંઈ પરિવર્તનશીલ છે તે અનિત્ય છે. પરંતુ આ પરિવર્તન, આ લીલા જો પ્રવાહાકારમાં નિત્ય હોય તો ભલા આપણને એમાં શું આપત્તિ હોઈ શકે? આપણે એમ પણ નથી કહી શકતા કે તે અસંભવ છે. અસલ વાત તો આ છે કે જે સિમિત વિસ્તારમાં આપણે જાણકારી મેળવી છે તેના પર જ આપણી યુક્તિ આધારિત છે, એનાથી વધારેની કલ્પના આપણે કરી શકતા નથી. આ જ કારણે શાસ્ત્રો કહે છે : ‘અચિન્ત્યાઃ ખલુ યે ભાવા ન તાંસ્તર્કોણ યોજયેત્’ – જે વિષય વિચારથી અતીત છે, એનો નિર્ણય તમે તર્કના આધારે કરવા પ્રયત્ન ન કરો, કારણ કે તેવું કરવાથી તમે ભ્રમણામાં પડી જશો. જ્યાં તર્ક નથી પહોંચી શકતો ત્યાં જો આપણે તર્કનો પ્રયોગ કરીએ તો તે તર્કનો દુરોપયોગ છે. આપણે તર્કની ઉપયોગીતા જોયા વિના પ્રયોગ કરીએ છીએ, એટલે ત્યાં તર્ક બાધિત બની જાય છે. એટલા માટે શાસ્ત્રો કહે છે કે જે અચિંત્ય છે, તેને તર્ક દ્વારા જોડવાની ચેષ્ટા ન કરો. બ્રહ્મ અને શક્તિ બંને અચિંત્ય છે, કારણ કે જગતનું સૂક્ષ્મતમ તત્ત્વ છે તેને જો શક્તિ કહીએ તો એ શક્તિના સ્વરૂપની કલ્પના આપણે કરી ન શકીએ. વળી, દેશ-કાળ નિમિત્તથી જે અતીત એવી સત્તા છે, તેની કલ્પના પણ આપણે કરી શકતા નથી. પરિણામે જો તર્ક દ્વારા એ તત્ત્વને સમજવાની ચેષ્ટા કરીશું તો તે સંભવ બનશે નહિ. એટલે યુક્તિની સહાયતાથી શક્તિને મિથ્યા પ્રમાણિત કરવાનો પ્રયાસ, એક વ્યર્થ પ્રયાસમાત્ર છે.

શક્તિ સત્ય છે કે મિથ્યા? આ પ્રશ્ન એક કૂટ દાર્શનિક પ્રશ્નમાત્ર છે. તર્ક દ્વારા એની મીમાંસા થઈ શકતી નથી, અનુભવના આધારે જ તેની મીમાંસા થઈ શકે છે. શ્રીઠાકુર અનુભવની દૃઢ ભૂમિ પર પ્રતિષ્ઠિત થઈને કહે છે : શક્તિ અને બ્રહ્મ બંને સત્ય છે. કહે છે : અસલમાં બે વસ્તુઓ નથી જ. જેને શક્તિ કહીએ છીએ તેને જ બ્રહ્મ કહે છે. આપણે બે અવસ્થાઓને જોઈને માત્ર સમજવાની સુવિધા માટે બે નામ આપીએ છીએ. વાસ્તવમાં આ બંને પૃથક્ વસ્તુઓ નથી. જે બ્રહ્મ છે તે જ શક્તિ છે; અને જે શક્તિ છે તે જ બ્રહ્મ છે. એ બંનેમાં રજમાત્ર પાર્થક્ય નથી. આ બંનેથી દ્વૈતની સૃષ્ટિ થતી નથી. બે દૃષ્ટિકોણથી જોવાથી આપણી બુદ્ધિમાં એવું પ્રતિભાસિત થાય છે, એના પ્રમાણે આપણે કહીએ છીએ – બ્રહ્મ અથવા શક્તિ. જ્યારે તે સૃષ્ટિ-સ્થિતિ-લય કરે છે ત્યારે શક્તિ કહીએ છીએ અને જ્યારે સૃષ્ટિ-સ્થિતિ-લય નથી કરતું ત્યારે તેને બ્રહ્મ કહીએ છીએ. શ્રીઠાકુર આ વાતને એટલી સરળ બનાવીને એટલા માટે કહે છે કે જેથી એ વાત આપણા માટે અનાયાસ બોધગમ્ય બની જાય. એમના આ રીતે ન કહેવાથી ઢગલાબંધ શાસ્ત્રો વાંચીને પણ આ સાધારણ વાતની ધારણા કરવી એ આપણા જેવા લોકોની બુદ્ધિ માટે સંભવ નથી.

કાલીતત્ત્વ

આ જ વાત શ્રીઠાકુર ફરીથી કહે છે : ‘આદ્યાશક્તિ લીલામયી છે; સૃષ્ટિ-સ્થિતિ-પ્રલય કરે છે. એનું નામ છે કાલી. કાલી જ બ્રહ્મ છે, બ્રહ્મ જ કાલી છે. બંને એક જ વસ્તુ છે, જ્યારે તે નિષ્ક્રિય હોય છે – સૃષ્ટિ-સ્થિતિ-પ્રલય કાંઈ નથી કરતી, આ વાતનો જ્યારે વિચાર કરીએ છીએ (‘આ વાતનો જ્યારે આપણે વિચાર કરીએ છીએ.’ આ વાક્ય વિચારણીય છે, એની વ્યાખ્યા આપણે આ પહેલાં કરી ચૂક્યા છીએ.) ત્યારે બ્રહ્મ કહીને પુકારીએ છીએ. જ્યારે એ બધાં કાર્યો કરે છે (અર્થાત્ કરે છે એવું આપણે વિચારીએ છીએ) ત્યારે તેને કાલી કહીએ છીએ, શક્તિ કહીએ છીએ. વ્યક્તિ એક જ છે – નામરૂપમાં ભેદ છે, જેવી રીતે ‘જલ’, ‘વૉટર’, ‘પાની’.

જેમ જેમ આપણે અનુભવ કરીએ છીએ તેમ તેમ એક એક નામ આપતા જઈએ છીએ. જેવી આપણી બુદ્ધિની દોડ હોય કે દૃષ્ટિકોણ હોય તદનુસાર આપણે કાંતો ‘કાલી’ કહીએ છીએ કે ‘આદ્યાશક્તિ’ કે ‘બ્રહ્મ’. એનાથી તત્ત્વમાં ભેદ થતો નથી. આ વાતને અહીં ‘જલ’, ‘વૉટર’, ‘પાની’નું દૃષ્ટાંત દઈને સમજાવેછે. ‘જલ’ને જો ‘વૉટર’ કહીએ તો વસ્તુ ભિન્ન થઈ જતી નથી, માત્ર આપણી ભાષામાં જ પૃથકતા હોય છે. કોઈ ‘જલ’ કહે છે, કોઈ ‘વૉટર’, કોઈ ‘પાની’. એમ શા માટે કહે છે? આપણે શીખ્યા છીએ કે આપણા જે સંસ્કાર છે, આપણો જેવો અભ્યાસ છે તે પ્રમાણે આપણે શબ્દ પ્રયોગ કરીએ છીએ. જ્યારે આપણે પોતાના સંસ્કારને અનુરૂપ જોઈએ છીએ કે તે જગતની સૃષ્ટિ-સ્થિતિ-પ્રલય કરી રહી છે ત્યારે એ દૃષ્ટિકોણથી આપણે તેને ‘શક્તિ’ કહીએ છીએ. અને જે અવસ્થામાં આપણે નિષ્ક્રિય સત્તામાં પ્રતિષ્ઠિત થઈએ છીએ ત્યારે તેને લક્ષ્ય કરીને ‘બ્રહ્મ’ કહીએ છીએ. માત્ર શબ્દોનો ભેદ છે, તત્ત્વમાં કોઈ ભેદ નથી, શ્રીઠાકુર અહીં આ વાત પર વધુ જોર દઈને કહે છે. એના પછીની વાત કહેવાય છે, કેશવ કહે છે, ‘કાલી કેટલા પ્રકારે લીલા કરી રહી છે? આ વાત જરા એક વાર વધુ કહોને!’

કેશવે આ બધી વાતો શ્રીઠાકુર પાસેથી સાંભળી છે. એની જ પુનરાવૃત્તિ કરાવવા ઇચ્છે છે જેથી તેઓ ફરીથી સાંભળીને એ વાતોનું થોડું વધારે આસ્વાદન કરી શકે તથા બીજા ભક્તોને પણ સંભળાવી શકે, એ એમનો ઉદ્દેશ છે. આપણે પહેલેથી જ ધ્યાનમાં રાખવું પડશે કે ‘કાલી’ કહેવાથી શ્રીઠાકુરનો અભિપ્રાય શું છે. આ પ્રસંગ વિશે રામપ્રસાદનું પણ કથન છે. ‘કાલી બ્રહ્મ જેને મર્મ ધર્માધર્મ સબ છેડેછિ’ – ‘કાલી અને બ્રહ્મ એ બંને ભિન્ન નથી, આ તત્ત્વ હું જાણી ગયો છું; આ જાણીને ધર્મ-અધર્મ અર્થાત્ બધા પ્રકારની ઉપાધિઓનો પરિત્યાગ કરીને નિર્વિશેષ તત્ત્વમાં પ્રતિષ્ઠિત થઈ ગયો છું.’ તેઓ એક બીજી જગ્યાએ કહે છે – ‘માતૃભાવે આમિ તત્ત્વ કોરિ જૉઁરે. સેટા ચાતરે કિ ભાઁગબો હાઁડિ, બોઝ ના રે મન ઠારે ઠારે’ – ‘હું માતૃભાવથી જેની આરાધના કરું છું તેના તત્ત્વની મટકી શું મારે ચોકમાં ફોડવી પડશે? મન, ઈશારેથી જ સમજી લે.’ અભિપ્રાય એ છે કે ‘મા’ કહો, ‘કાલી’ કહો, ‘શક્તિ’ કહો કે વિભિન્ન દેવીદેવતાના રૂપે એ તત્ત્વનું વર્ણન કરો, વાસ્તવમાં તે તે જ એક બ્રહ્મ છે – આ વાતને શું આપણે વધારે ફોડ પાડીને કહેવી પડશે ખરી?

સમાધિમાં શક્તિના રાજ્યની બહાર

આ રીતે આપણે જોયું કે જ્યાં સુધી કોઈ સાધના કરે છે ત્યાં સુધી અર્થાત્ એ ચરમતત્ત્વ સુધી પહોંચતા પહેલાં તે શક્તિના રાજ્યમાં રહે છે. જ્યારે તે નિર્વિકલ્પ સમાધિમાં સ્થિત બની જાય છે ત્યારે એમ કહી શકાય કે તે શક્તિના રાજ્યની બહાર ચલ્યા ગયા. પરંતુ જ્યારે તે પાછો સાધારણ ભૂમિ પર ફરે છે – આવે છે ત્યારે પણ તે શક્તિના રાજ્યમાં જ રહે છે. એટલે જ તો તોતાપુરી બ્રહ્મજ્ઞ હોવા છતાં પણ ઇચ્છામાત્રથી પોતાની જાતને તે ભાવસમાધિમાં પ્રતિષ્ઠિત કરી શકતા નથી; કારણ કે આદ્યાશક્તિ-મહામાયા માર્ગ મોકળો કરતી નથી. તોતાપુરી આ વાત સમજતા નહોતા- તેઓ એ નહોતા સમજતા કે શક્તિની કૃપાથી જ તેમને નિર્વિકલ્પ સમાધિ થઈ. છે. તેઓ આ વાત જાણતા ન હતા પરંતુ જ્યારે એમણે જોયું કે એમનું બ્રહ્માવગાહી મન વારંવાર પ્રયત્ન કરીને પણ ત્રિગુણના રાજ્યને છોડીને તુરીયસત્તામાં પ્રતિષ્ઠિત થઈ શકતું નથી ત્યારે તેઓ વિસ્મિત બનીને વિચાર કરવા લાગ્યા – આ શું થઈ રહ્યું, છે! મારા મને તો ક્યારેય મારી આજ્ઞાનું ઉલ્લંઘન નથી કર્યુ, તો વળી આજે આવું શું થઈ રહ્યું છે? જે હોય તે, તેમણે વિચાર્યું કે શરીર જ એનું કારણ છે, એટલે એનું વિસર્જન કરી દેવું જોઈએ. ત્યારે તેઓ એ પણ નહોતા સમજતા કે શરીર છોડવું કે રાખવું – એ બાબતમાં પણ સ્વતંત્ર નથી, અહીં પણ મહામાયાનું શાસન છે, શક્તિનું રાજ્ય છે. તેઓ દેહ ત્યાગ કરવા જાય છે. વર્ણનમાં આવે છે કે રુગ્ણ દેહનું વિસર્જન કરવા માટે તેઓ ઘેર ગંભીર રાત્રિએ ગંગામાં જાય છે. ધીમે ધીમે તેઓ ગંગામાં ઊતરે છે અને ક્રમશઃ તેઓ ઊંડા જળમાં પ્રવેશ કરે છે. પરંતુ તેમને ડૂબવા માટે પૂરું પાણી મળતું નથી. ચાલતા ચાલતા લગભગ સામા કિનારા સુધી ચાલ્યા ગયા ત્યારે ય એમને ડૂબવા માટે પૂરતું પાણી મળ્યું નહિ. ત્યારે તેઓ અવાક્ બનીને વિચારવા લાગ્યા, ‘આ કેવી દૈવીમાયા છે! ડૂબી મરવા માટે ગંગામાં આજે પૂરું પાણી ય નથી! આ કૈવી અપૂર્વ લીલા છે!’ જેવી આ વાત એમના મનમાં ઊઠી – અને આ જ અંતીમ સોપાન છે – તેવી જ તેમને જગન્માતાની સત્તાની અનુભૂતિ થઈ. તેઓ જળમાં, સ્થળમાં, દેહમાં મનમાં – સર્વત્ર એ આદ્યાશક્તિની લીલાનો અનુભવ કરવા લાગ્યા. તેઓ સમજી ગયા કે જ્યાં સુધી મનુષ્ય શરીરમાં છે ત્યાં સુધી આદ્યાશક્તિની ઇચ્છા વિના એના પ્રભાવથી મુક્ત થવાનું સામર્થ્ય કોઈમાં નથી – મરવાનું ય સામર્થ્ય નથી. અને ત્યારે તેમને એ આદ્યાશક્તિની અધીનતાનો સ્વીકાર કરવા માટે બાધ્ય થવું પડ્યું. તેઓ તે આદ્યાશક્તિને જગન્માતાના રૂપે ગ્રહણ કરવા વિવશ બન્યા. શ્રીરામકૃષ્ણના ગુરુ રૂપે તેમના આવવાની જે સાર્થકતા હતી તે અહીં તેમને પરિપૂર્ણ રૂપે પ્રાપ્ત થઈ. આપણે આ પહેલા કહ્યું છે કે જે કોઈ પણ શ્રીરામકૃષ્ણના ગુરુ રૂપે આવ્યા, તે બધા તેમની પાસે આવીને કોઈને કોઈ પ્રકારની પોતાની અપૂર્ણતાને દૂર કરીને પૂર્ણતાનો લાભ મેળવવામાં સમર્થ બન્યા. આપણે અહીં તોતાપુરીના પૂર્ણતાલાભનો પ્રસંગ જોયો.

જ્ઞાનિનામ્ અપિ ચેતાંસિ દેવી ભગવતી હિ સા બલાદાકૃષ્ય મોહાય મહામાયા પ્રયચ્છતિ ॥
(દુર્ગાસપ્તશતી ૧.૫૫-૫૬)

અર્થાત્ દેવી ભગવતી મહામાયા જ્ઞાનીઓના ચિત્તને પણ બળ પૂર્વક ખેંચીને મોહથી ઢાંકી લે છે. ‘જ્ઞાનિનામ્ અપિ ચેતાંસિ’ – કોઈ પણ એમાંથી છટકી શકતું નથી. શરીરધારી માત્રને, ભલે ને તે ગમે તેટલો જ્ઞાની કેમ ન હોય, મહામાયા પોતાની ઇચ્છાનુસાર પોતાની હાથની પૂતળી બનાવીને તેને નચાવી શકે છે. ‘હું ઉન્નત સાધક છું’ એવો ગર્વ કરવા માટે, અભિમાનથી માથું ઊંચું કરનાર માટે કોઈ સ્થાન જ નથી.

(ક્રમશઃ)

Total Views: 132

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.