(ગતાંકથી આગળ)

૬. વૈજ્ઞાનિકો અને ભૌતિકવાદની જડ માન્યતા

આ અદ્‌ભુત અવકાશયુગમાં એક જડ માન્યતા જે અર્વાચીન ભૌતિક વિજ્ઞાનનો આત્મા રુંધી રહી છે અને જે મન અને સામાજિક પરિસ્થિતિને વિકૃત કરી રહી છે, તે છે ભૌતિકવાદ અને મનુષ્યના અનુભવની બિનસગવડભરી હકીકતો સાથે કામ લેતી વખતે ભૌતિકવાદને ઓછો ક૨વાનો અભિગમ છે. આ સામે મહાન વૈજ્ઞાનિકોએ વાંધો ઉઠાવેલો છે અને લાલ બત્તી ધરેલી છે. પોતાના પુસ્તક ‘મેથડ્ઝ એન્ડ રિઝલ્ટ્સ’ (ભાગ.૧, પૃ.૧૬૧)માં ડાર્વિનના સહયોગી થૉમસ હક્‌સલી ભૌતિકવાદને જીવનનું તત્ત્વજ્ઞાન રૂપે ગણવાનો ઈન્કાર કરે છે. (પૃ.૧૬૪-૬૫):

‘જો આપણને એવું લાગે કે અન્ય પ્રતીકોના સંપુટ કરતાં પ્રતીકોના એક જ સંપુટનો ઉપયોગ કરવાથી અથવા એક જ પરિભાષાનો ઉપયોગ કરવાથી નિસર્ગના ક્રમની ખાતરી સુવિધાજનક બને છે તો આપણી એ ફરજ બને છે કે પ્રતીકોના એક જ સંપુટનો અને એક જ પરિભાષાનો ઉપયોગ કરવો. જ્યાં સુધી આપણે ખ્યાલમાં રાખીએ કે આપણે પરિભાષા અને પ્રતીકો સાથે કામ લઈએ છીએ ત્યાં સુધી એનાથી કોઈ હાનિ પહોંચવાની નથી…’

‘પરંતુ વિજ્ઞાન-મનુષ્ય તત્ત્વજ્ઞાનની તપાસની મર્યાદા ભૂલી જઈને આ સૂત્રો (વ્યાખ્યા) અને પ્રતીકોમાંથી ભૌતિકવાદની સામાન્ય સમજણમાં સરી પડે ત્યારે મને લાગે છે કે તે એક એવા ગણિતશાસ્ત્રીના સ્તરે પોતાની જાતને મૂકી દે છે જે પોતાની સમસ્યા પર કામ કરતાં ‘ક્ષ’ અને ‘ય’ને વાસ્તવિક અસ્તિત્વની જગ્યાએ મૂકવાની ભૂલ કરે. છે. અને ગણિતશાસ્ત્રી સાથે સરખાવતાં વિજ્ઞાન-મનુષ્યની ભૂલો કોઈ વ્યવહારુ પરિણામ લાવતી નથી. પરંતુ વ્યવસ્થિત ભૌતિકવાદની ભૂલો સ્ફૂર્તિને ઘટાડે છે અને જીવનના સૌંદર્યનો નાશ કરે છે.’

‘હેઈસનબર્ગ એવું માને છે કે આણ્વિક (nuclear) ભૌતિક વિજ્ઞાનના પ્રકાશમાં ભૌતિકવાદ ટકી શકે નહિ.

કૉપરનિકરાની ૫૦૦મી જન્મજયંતીની ઉજવણી રૂપે સ્મિથસોનિયન ઈન્સ્ટિટ્યૂશન અને યુ.એસ. નેશનલ ઍકેડેમી ઑફ સાયન્સીઝના ઉપક્રમે એપ્રિલ ૧૯૭૩માં વૉશિંગ્ટન ડી.સી. ખાતે યોજાયેલ એક ચર્ચા સભામાં પ્રવચન આપતાં વર્નર હેઈસનબર્ગે જણાવ્યું હતું:

‘આજે ખરેખર જેની જરૂરિયાત છે તે મૂળભૂત છે તે મૂળભૂત વિભાવનામાં પલટો લાવવાની છે. આપણે ડેમોક્રિટસની આણ્વિક ફિલસૂફી અને પાયાના મૂળભૂત રજકણોની વિભાવનાને ત્યાગવી પડશે. તેને બદલે આપણે પાયાની પ્રમાણબદ્ધતાની વિભાવનાનો સ્વીકાર કરવો જોઈએ. જે પ્લેટોની ફિલસૂફીમાંથી તારવેલી વિભાવના છે. જેવી રીતે કૉપરનિકસ અને ગેલિલિયોએ પોતાની પદ્ધતિમાં એરિસ્ટોટલના વર્ણનાત્મક વિજ્ઞાનનો ત્યાગ કર્યો હતો અને પ્લેટોના સ્ટ્રક્ચરલ સાયન્સ તરફ વળ્યા હતા તેવી રીતે આપણને કદાચ આપણી વિભાવનાઓ (concepts)માં ડેમોક્રિટસના આણ્વિક ભૌતિકવાદનો ત્યાગ કરવાની ફરજ પડશે અને પ્લેટોની ફિલસૂફીમાં રહેલ પ્રમાણબદ્ધતા (સમપ્રમાણતા)ના વિચારો તરફ વળવું પડશે.’

૭. ભારતીય વૈજ્ઞાનિક તપાસમાં પ્રારંભિક પૂર્વપ્રતીજ્ઞા (hypothesis) લેખે પદાર્થ

ચાર હજાર વર્ષ પૂર્વે વાસ્તવિકતાના સૌથી સ્પષ્ટ પાસા એવા ‘પદાર્થ’ (matter)ની તપાસ સાથે ભારતે ઉપનિષદોમાં ‘વાસ્તવિકતા (reality)ની તપાસનો આરંભ કરેલો. તૈતરીય ઉપનિષદે ત્રીજા પ્રકરણના પ્રારંભના શ્લોકમાં ગુરુ વરુણને પ્રસ્તુત કરેલો છે જે પોતાના શિષ્ય અને પુત્ર (ભૃગુ)ને આત્યંતિક વાસ્તવિક એવા બ્રહ્મને કેવી રીતે શોધવા એવા પ્રશ્નના ઉત્તરમાં જણાવે છે કે તેણે અન્નમ્ અર્થાત્ પદાર્થથી એની શોધનો આરંભ કરવો જોઈએઃ 

અન્નમ્ પ્રાણમ્ ચક્ષુઃ શ્રોત્રમ્ મનો વાચમ્ ઈતિ ।

‘પદાર્થ, શક્તિ (ઊર્જા) અને (ઇન્દ્રિયો જેવી કે) દૃષ્ટિ, શ્રવણ, મન, વાચા.’

ત્યાર પછીની પંક્તિમાં ઉપનિષદ ઉમેરે છેઃ ‘અન્નમ્ બ્રહ્મેતિ વ્યજાનાત્’ – ‘પદાર્થ એ જ બ્રહ્મ છે એવો ગુરુનો સંકેત શિષ્ય સમજ્યો.’

આગળ તપાસતા આ ઉપનિષદમાં પ્રાણ, શક્તિ, અને મનસ્, વિજ્ઞાન અને આનંદ-ગહન અને ગૂઢ માનસિક પરિમાણો-ને વાસ્તવિકતા (તાદૃશ્યતા) લેખે રજૂ થયા છે, અને અંતે શોધકને સત્ય લાધે છે કે અનંત અદ્વૈત ચેતના એ જ બ્રહ્મ છે. ‘જેમાંથી વિશ્વનું સર્જન થયું છે, જેમાં વિશ્વનો વાસ છે અને જેમાં વિશ્વ અંગેની પ્રક્રિયા પૂરી થતાં વિશ્વ પાછું ફરે છે.’ બીજા પ્રકરણના આરંભમાં શરૂઆતની પંક્તિમાં ઉપનિષદે બ્રહ્મને સત્યમ્, જ્ઞાનમ્ અને અનંતમ્ – સત્ય, શુદ્ધ ચેતના અને અનંતતા – લેખે રજૂ કર્યા છે. અને જણાવ્યું છે કે ‘બ્રહ્મનો સાક્ષાત્કાર મનુષ્યના પોતાના હૃદયના ઊંડાણમાં રહેલી ખાલીજગ્યા રૂપે થાય છે અને તે મનુષ્યને જીવનની સિદ્ધિ તરફ દોરી જાય છે’ : યો વેદ નિહિતમ્ ગુહાયાત્ પરમે વ્યોમન્ । સોઽશ્નૂત્તે સર્વાન્ કામાન્ સહ । બ્રહ્મણા વિપશ્ચીતેતિ ।। ઉપનિષદોએ સૌથી બહારના સ્થૂળ શરીરમાંથી મનુષ્યના સૌથી ભીતરની જાત શોધેલી છે મનુષ્યમાં રહેલ ગહન, ગૂઢ અને વધુ તીવ્ર શક્તિ (ચેતના)ની શૃંખલા પણ શોધેલી છે.

શંકરાચાર્યે કઠ ઉપનિષદ પરના એમના ભાષ્યમાં આ સત્ય એક નિશ્ચિત વૈજ્ઞાનિક વાક્યમાં વ્યક્ત કરેલું છે : માનવશક્તિનાં સાધનો સૂક્ષ્મ, મહાન્તશ્ચ (ઉત્કટતા) અને પ્રત્યગાત્મ ભૂતાશ્ચ રૂપે ઊર્ધ્વ ક્રમમાં વ્યવસ્થિત થયેલાં છે. પ્રથમ પ્રકારની માનવશક્તિ સ્નાયુઓમાં-સ્થૂલમાં રહેલી છે અને તેનું કાર્યક્ષેત્ર મર્યાદિત છે. શ્રેણીમાં તે સૌથી બાહ્ય છે. બીજા પ્રકારની શક્તિ જ્ઞાનતંતુઓમાં રહેલી છે જે વધુ ગૂઢ, પ્રચંડ અને ભીતર પ્રતિની છે. જો સ્નાયુ પાછળના જ્ઞાનતંતુના રેસા કપાઈ જાય તો એ ગમે તેટલાં શક્તિશાળી લાગતાં હોય તો પણ મૃતઃપ્રાય થઈ જાય છે. અન્ય પ્રકારની શક્તિ મગજમાં રહેલી છે. તે બુદ્ધિ છે. બુદ્ધિ વધુ પ્રચંડ અને ભીત૨ તરફ લઈ જનારી છે. આ એ જ શક્તિ છે જે મનુષ્યની જંગલી અવસ્થા દરમ્યાન તેની સમગ્ર સ્નાયુ શક્તિને વિપુલ સાંઢશક્તિ અને અશ્વશક્તિ વિકસિત કરવામાં અને અર્વાચીન અવકાશયુગમાં લાખોગણી અશ્વશક્તિ ધરાવતા રોકેટો રૂપે વિકસિત કરવામાં મનુષ્યને મદદ કરે છે.

૮. વેદાન્ત : મનુષ્યની શક્તિઓના વર્ણપટ (Spectrum of Energies) વિશે

પરંતુ આ માનસિક શક્તિ જે સ્નાયુઓની શક્તિ અને જ્ઞાનતંતુઓની શક્તિના મુકાબલે વધુ ગૂઢ, પ્રચંડ અને ભીતર તરફ લઈ જનારી હોવા છતાં તે મનુષ્યમાં સુપ્ત અવસ્થામાં રહેલ શક્તિઓમાં ઉચ્ચતમ અને શ્રેષ્ઠ નથી. ક્વૉન્ટમ ફિલ્ડ-એનર્જી જેમ બધાં ક્ષણિક ઊર્જા રજકણોની પાછળ-પછીતે, અને આણ્વિક સ્તરોએ અને તેનાથી ઉપર રહેલ વધુ સ્થિર ઊર્જા પદ્ધતિઓની પાછળ છે તેમ મનુષ્ય અને પ્રકૃતિ પાછળ રહેલ ઈશ્વરની અનર્ગળ-અનંતશક્તિ છે જે શુદ્ધ ચેતનાક્ષેત્રનું સ્વરૂપ છે, એવું ઉપનિષદો કહે છે. વેદાંત પ્રકૃતિના ‘બાહ્ય’ સ્વરૂપને વાસ્તવિક્તાના પરાક્‌રૂપ અને ‘આંતર’ (આંતરિક) સ્વરૂપને વાસ્તવિક્તાના પ્રત્યક્ રૂપ તરીકે વર્ણવે છે અને આત્મનો ઉલ્લેખ પ્રત્યગાત્મન કે પ્રત્યક્ ચૈતન્ય તરીકે કરે છે. આવો જ ભેદ પ્રાણીઓના અવશેષોના અભ્યાસુ તેઈલહાર્ડ દે ચાર્દિને સૂચવેલો છે. તેઓ બાહ્ય પ્રકૃતિમાં રહેલ શક્તિઓને ‘ટેન્જેન્શિયલ એનર્જીઝ’ કહે છે અને મનુષ્યમાં રહેલ શક્તિઓને ‘રેડિયલ એનર્જીઝ’ કહે છે અને આ બે શક્તિઓની વચ્ચે મૂળભૂત એકાત્મકતા જોવા મળે છે. કઠ ઉપનિષદની આ પંક્તિઓ જેના પર શંકરાચાર્યે ઉપર મુજબ ટિપ્પણી કરી છે તે માણસની ભીત૨માં ૨હેલ શક્તિઓના વર્ણપટ અને મનુષ્યના તલસ્પર્શી વિજ્ઞાન અને આત્મન્ – આધ્યાત્મ વિદ્યાના વિજ્ઞાન-વિશેનું ગહન કથન છેઃ

ઇન્દ્રિયેભ્યઃ પરા હ્યર્થા અર્થભ્યશ્ચ પર મનઃ ।
મનસસ્તુ પરા બુદ્ધિઃ બુદ્ધેઃ આત્મા મહાન પરઃ ॥

મહતઃ પરમં અવ્યક્તમ્ અવ્યક્તાત્ પુરુષઃ પ૨ ।
પુરુષાત્ ન પરં કિંચિત સા કાષ્ઠા સા પરા ગતિઃ ॥

(કઠ ઉપ. ૧.૩.૧૦-૧૧) 

‘ઇન્દ્રિયો કરતાં ઇન્દ્રિયગમ્ય પદાર્થોના આણ્વિક પરિમાણ nuclear dimensions ચડિયાતાં છે, ઇન્દ્રિગમ્ય પદાર્થો કરતાં ‘મનસ્’ ચડિયાતું છે; મનસ્ કરતાં ચડિયાતી ‘બુદ્ધિ’ છે; બુદ્ધિથી મહાન આત્મા અર્થાત્ ગૂઢ મન છે; મહત્ કરતાં અવ્યક્ત ચડિયાતું છે; અવ્યક્ત કરતાં ચડિયાતો છે પુરુષ (બધાનું સ્વત્વ); એ જ અંતિમ અંત (ગૂઢતા, વિપુલતા અને આત્મદર્શન) છે; એ સર્વોચ્ચ લક્ષ્ય છે.’

ઉપરની પંક્તિઓમાં શંકરાચાર્યે ‘પરા’ (ઉચ્ચતર કે ચડિયાતું)ને સૂક્ષ્મ, મહાન્તશ્ચ પ્રત્યગાત્મ ભૂતશ્ચ (ગૂઢ, વિપુલ અને આંતરિક સ્વત્વનું સ્વરૂપ) તરીકે વર્ણવ્યું છે.

આ મનુષ્યનું આંતરિક દૈવી સ્વરૂપ છે અને ત્યાં છુપાયેલાં વિપુલ શક્તિનાં સ્રોતો છે, જે વિજ્ઞાન અને આધ્યાત્મિકતાની પદ્ધતિ, અધ્યાત્મવિદ્યાના વિજ્ઞાન માણસને સમજવામાં મદદરૂપ થાય છે જેથી સ્વાતંત્ર્ય, શાંતિ અને સિદ્ધિ પ્રાપ્ત થાય. અર્વાચીન વિજ્ઞાને મનુષ્યને બૌદ્ધિક શક્તિ અને વિપુલ શારીરિક શક્તિનાં સ્રોત પરનો કાબૂ બક્ષ્યા છે; કમભાગ્યે આ બંને શક્તિઓ એને પચાવે છે અને એને પરાયો, હતાશ, કંટાળેલો, ચિંતાતુર, તનાવયુક્ત અને નિંદાખોર બનાવી દે છે; મનના ઘોડા પર કેવી રીતે કાબૂ જમાવવો તેની તેને ખબર પડતી નથી, તેની ઘોડેસવારી ઘોડો સવારીનો આનંદ લૂંટે એવી કરુણતામાં ફેરવાઈ ગઈ છે અને તે પેલી સવારીનો નિઃસહાય ભોગ બને છે! બીજી તરફ જો મગજનું આવરણ મનુષ્યની ઇન્દ્રિયોની પદ્ધતિ અને એની શક્તિઓને શિસ્તબદ્ધ બનાવી તેને માર્ગદર્શન આપે તો મનુષ્ય તેનો માર્ગ શોધી લેશે અને આધ્યાત્મિક સ્વાતંત્ર્યના માર્ગે પ્રયાણ કરશે. તે મગજની ગૂઢ પદ્ધતિની અંદર વેદાન્ત જેને શમ અને દમ-મનની શિસ્ત અને ઇન્દ્રિયોની શિસ્ત- તરીકે ઓળખે છે તે પ્રાપ્ત કરશે. શારીરિક અંગોની સ્થિરતા પ્રાપ્ત કરવાના વલણ વિશે બ્રિસ્ટોલના મજ્જાતંતુ વિશારદ ગ્રે વૉલ્ટર એના પુસ્તક ‘ધ લિવિંગ બ્રેઈન’ (પૃ.૧૮)માં લખે છેઃ

‘તમામ સ્તન ધરાવતાં પ્રાણીઓ માટે અંગોની સ્થિરતા પ્રાપ્ત કરવાનાં વલણનો અર્થ જીવતાં રહેવું (અસ્તિત્વ ટકાવી રાખવું) એવો થાય છે અને માણસ માટે મોક્ષ થાય છે.’

ગ્રે વૉલ્ટર અંગોની સ્થિરતા પ્રાપ્ત કરવાના વલણને અર્વાચીન મજ્જાતંતુ શાસ્ત્ર યોગ, નિર્વાણ અને અન્ય આધ્યાત્મિક અવસ્થાઓને શરીરવ્યાપારશાસ્ત્રના સમાનાર્થ રૂપ ગણે છે. કઠ ઉપનિષદ આ બીજા પ્રકારના અંગોની સ્થિરતા પ્રાપ્ત કરવાના વલણનો મહિમા અને તે દ્વારા મનુષ્યને મળતાં સ્વાતંત્ર્યની ચેતના, રથના દૃષ્ટાંત દ્વારા છેલ્લી સાત પંક્તિઓમાં વર્ણવે છે (૧.૩.૯) :

વિજ્ઞાનસારથિર્યસ્તુ મનઃ પ્રગ્રહવાન્નરઃ ।
સોડધ્વનઃ પારમાપ્નોતિ તદ્ધિષ્ણો: પરમં પદમ્ ॥

‘કોઈ પણ વ્યક્તિ જેની પાસે સારથિ (તેના શરીર, ઇન્દ્રિયોના સંકુલના રથનો) રૂપે વિજ્ઞાન (પ્રબુદ્ધ તર્ક) હોય અને જેનું મન લગામની જેમ મજબૂત અને સખ્ત હોય તે ઝળહળતા દૈવી પ્રકાશની ઉત્તમ દશામાં પોતાના જીવનની મુસાફરીની મંઝિલ પર સફળતાપૂર્વક પહોંચે છે.’

૯. મનુષ્યની કરુણતા : ટેન્જેન્શિયલ એનર્જી સ્તરે બંધિયારપણું

જો ઇન્દ્રિયોના બાહ્ય જગતની મનુષ્યની યાત્રાને ભૌતિક વિજ્ઞાનોનું માર્ગદર્શન અને મદદ મળતાં હોય તો એની ઇન્દ્રિયો, મગજ અને ચેતનાના આંતરિક પ્રદેશોની ખોજ માટેની અને મર્યાદિત તથા મર્ત્યની વિવિધતા પાછળ રહેલ અનંતતા અને અમરત્વની એકાત્મતાનો સાક્ષાત્કાર કરવા માટેની તેની આંતરિક યાત્રાને આધ્યાત્મિકતાના વિજ્ઞાનનું માર્ગદર્શન અને મદદ મળે છે; અને પશ્ચિમથી ઊલટું ભારત આ બેમાં કોઈ પણ જાતનો સંઘર્ષ જોતું નથી. તે સિદ્ધિ સુધીની એકધારી યાત્રા છે જેની શરૂઆત ભૌતિકશરીર, ઇન્દ્રિયો અને ચોપાસની દુનિયાથી થાય છે અને ઇન્દ્રિયો સંબંધી અને ગૂઢ અનુભવથી પર એવા આધ્યાત્મિક અનુભવ સુધી ચાલુ રહે છે. એ અનુભવ એક બાળકના જેવો છે જે યુવાની અને પુખ્ત વયના જ્ઞાનની ખોજમાં અને વિશાળ જીવન માટે નૈસર્ગિક રીતે આપમેળે એક પણ આંસુ પાડ્યા વિના એનાં રમકડાં અને મજાની વસ્તુઓ છોડી દે છે. આવા તમામ વિકાસ માટે બાળકને એના બાળપણનાં આકર્ષણો અને કલ્પનાસૃષ્ટિનો ત્યાગ કરવો પડે છે; તેને ટેન્જેન્શિયલ એનર્જી સ્તરોએ પોતાની જાતને ઢંઢોળીને સ્થિરતામાંથી ગતિ તરફ જવું પડે છે અને એની જિંદગી એના રેડિયલ એનર્જી સ્તરે અભિવ્યક્ત કરે છે; અને જીવન અને અનુભવની વિશાળ સૃષ્ટિમાં વિકાસ સાધવાની દૃષ્ટિએ અને આશાએ તે ‘બાહ્ય’નો નૈસર્ગિક રીતે ને આપમેળે કરેલ આ ત્યાગ બાળક સ્વીકારે છે અને આવકારે છે; અને જો તેનામાં છદ્મસ્વરૂપે રહેલ ઉચ્ચતર શક્યતાઓ બહિર્ગત કરીને તે પેલા વિકાસ માટે પ્રયત્નશીલ ન રહે તો તે બાલ્યાવસ્થાના સ્તરે જ ગતિવિહીન થઈ જાય છે. તેવી જ રીતે અસરકારક વૈજ્ઞાનિક ટેક્નોલૉજી જે તેની કદી ન અટકતી તીવ્ર ઇચ્છાને વધુ પ્રમાણમાં સંતોષે છે તેની મદદથી ઇતિહાસે હંમેશાં અનુભવેલા એવા સૌથી કાચા ભૌતિકવાદના જુલ્મ હેઠળ અર્વાચીન મનુષ્ય તેના ઓર્ગેનિક સ્તરે ગતિહીન બની રહ્યો છે. આ પ્રક્રિયા ત્યાં લગી ચાલે છે જે જર્મન કવિ ગાૅથે એની સ્વગતોક્તિમાં કરેલા ‘ફૉસ્ટના વિલાપ’માં વર્ણવ્યો છેઃ

‘મનુષ્યની ભગ્ન હાલત પ્રત્યે દયા ઊપજે છે! આપણી અપૂર્તિ હવે હું જાણું છું. તું (ઈશ્વર) પરમ સુખ આપે છે.

જે મને દેવતાઓની નિકટ, વધુ નિકટ લાવે છે

અને મને એક કાળો સાથીદાર પણ આપે છે જેનો હું ત્યાગ કરી શકતો નથી

જો કે તે મારું અભિમાન ઓગાળી દે છે અને એક જ શબ્દમાં,

એક જ શ્વાસમાં તારી ભેટો નહિવત્ બનાવી દે છે,

તે (ઈશ્વર) મારા હૃદયમાં વિનાશક આગ, ભડકો સળગાવે છે,

*ત્યાં લગી કે જ્યાં લગી હું ઇચ્છામાંથી મારી વસ્તુઓ પર કબજો જમાવવા ફાંફાં મારું છું,

અને કબજામાં ઇચ્છા દ્વારા તલસું છું.’

(* આ પંક્તિઓ ગાૅથની નથી.) 

૧૦. યોગ વિરુદ્ધ ભોગ અને રોગ વિશે શ્રીરામકૃષ્ણ

સંસ્કૃતમાં ત્રણ અભિવ્યક્તિપૂર્ણ શબ્દો છે જે આપણને માનવીય પરિસ્થિતિના રોગનિદાનશાસ્ત્રને સમજવામાં અને તેને દૂર રાખવામાં મદદરૂપ થાય છે : ભોગ, યોગ અને રોગ – અનુક્રમે ઑર્ગેનિક તૃપ્તિઓ, આધ્યાત્મિક વિકાસ તથા સિદ્ધિ અને શારીરિક તેમજ માનસિક વ્યાધિઓ. શ્રીરામકૃષ્ણ કહે છે, ‘જીવનની પરિપૂર્ણતા મેળવવા માટે મનુષ્યએ ભોગમાંથી યોગ તરફ વળવું પડશે, જો તે આમ કરવામાં અસફળ થશે તો ભોગ તેને રોગ તરફ દોરી જશે.’ જેમ ભોગ એ (પ્રાપ્તિ માટેની) નક્કર પ્રવૃત્તિ છે તેમ યોગ પણ નક્કર પ્રવૃત્તિ છે. પ્રકૃતિએ મનુષ્યને ઑર્ગેનિક રીતે ભોગ માટે સુસજ્જ કર્યો છે તે જ રીતે યોગ માટે પણ સુસજ્જ કર્યો છે. છતાં જો તે ભોગ સ્તરે ગતિહીન થઈ જાય અને જો તે એની નૈતિક, કલામાં સુરુચિયુક્ત અને આધ્યાત્મિક સ્તરોએ તેની ઉચ્ચતર સંભાવનાઓ બહિર્ગત કરવા એની જીવનયાત્રા ચાલુ રાખવાની એને ખબર ન હોય કે કાળજી રાખતો ન હોય તો તેને શરીર સંબંધી અને મગજ સંબંધી વિવિધ વ્યાધિઓ, રોગ દ્વારા તેના સ્થગિત વિકાસની કિંમત ચૂકવવી પડશે.

બીજી રીતે અદ્‌ભુત અર્વાચીન વૈજ્ઞાનિક સંસ્કૃતિ વચ્ચે મનુષ્યની આ કરુણ હાલત છે. આધ્યાત્મિક દિશામાં માનવનાં હિતો અને શોધોમાં વળાંક જ અર્વાચીન સંસ્કૃતિને બચાવી શકે તેમ છે. એક સ્વતંત્ર વ્યક્તિ તરીકે, તેના લાચાર શિકાર બનવા કરતાં એક માલિક તરીકે અર્વાચીન મનુષ્યને જગત અને તેની ખુશીઓ સંભાળવામાં અને તેનો આનંદ લૂંટવામાં આજ અભિગમ મદદરૂપ બનશે. આધ્યાત્મિકતાના વિજ્ઞાનનો આ જ અનંત સંદેશ છે. જે બધાં ઉપનિષદોમાં પ્રથમ એવા ઈશ ઉપનિષદની પ્રારંભની પંક્તિઓમાં વ્યક્ત થયો છે : તેન ત્યક્તેન ભુગ્જિથા । – ‘ત્યાગ દ્વારા (જીવન અને જગતનો) આનંદ માણો.’

મનુષ્યને કંગાળ અવસ્થામાંથી અભિજાત અવસ્થા ભણી, પાશવતા અને લાચારીમાંથી સ્વાતંત્ર્ય અને નિર્ભયતા ભણી દોરી જવાનો આધ્યાત્મિકતાના વિજ્ઞાનનો ઉદ્દેશ છે.

આપણે વધતા ને વધતા જતા હાલના અપરિપક્વ ભૌતિકવાદનાં ફળ જોઈ રહ્યાં છીએ. એ ફળો માત્ર મગજ અને શરીરની બીમારીઓમાં જ રહેલાં નથી, પરંતુ આપણા પોતાના અને અન્ય સમાજોને ચેપ લગાડતા સામાજિક ભ્રષ્ટાચારો જેવાં કે વિશાળ પાયે થતાં લાંચરુશ્વત અને અન્ય કૃષણોમાં પણ એ ફળો રહેલાં છે. કોઈ પણ અનૈતિક કે સમાજ વિરોધી લાલચ પ્રલોભન ખાળવાનું બળ એ આધ્યાત્મિક બળ છે. આ આધ્યાત્મિક બળ માત્ર શારીરિક કે બૌદ્ધિક સ્તરોમાંથી આવતું નથી. પ્રલોભનોની હાજરીમાં માણસ ગમે તેટલો બુદ્ધિશાળી હોય છતાં તેની બુદ્ધિ લાચાર થઈ જાય છે; પરંતુ જો તેની પાછળ રહેલ આત્માનો દિવ્ય પ્રકાશ જો પેલી બુદ્ધિને ઝળહળિત કરે તો બુદ્ધિ નાનાં કે મોટાં તમામ પ્રલોભનો સામે ઊભા રહેવાની શક્તિ કેળવે છે. બુદ્ધિનો આ ઉદ્ધાર મનુષ્ય અને તેની સંસ્કૃતિનો પણ ઉદ્ધાર છે; આવી રીતે જ્ઞાન ડહાપણમાં પવિપક્વ બને છે.

૧૧. વિજ્ઞાન અને આધ્યાત્મિકતાના સમન્વય વિશે શ્રીકૃષ્ણ

જ્ઞાન અને ડહાપણ વચ્ચે કોઈ સંઘર્ષ ન હોવાથી ભારત ભૌતિકવિજ્ઞાનો અને આધ્યાત્મિક્તાના વિજ્ઞાન વચ્ચે કોઇ સંઘર્ષ જોતું નથી. આ ભારતીય સભ્યતાનો એક મહાન કરાર છે જેનું તેના અસ્તિત્વના પાંચ હજાર વર્ષ દરમ્યાન ખંડન થયું નથી. શ્રીમદ્ ભાગવતમાં (૧૧, ૭, ૧૯-૨૧) સમન્વયકાર અને ઉચ્ચ ગ્રહણશક્તિ ધરાવનાર શ્રીકૃષ્ણ એમના શિષ્ય ઉદ્ધવને જે ઉપદેશ આપે છે તેમાં આ કરારની અભિવ્યક્તિ થયેલી છેઃ

પ્રાયેણ મનુજા લોકે લોકતત્ત્વ વિચક્ષણાઃ।
સમુદ્ધરન્તિ હી આત્માનમ્ આત્મનૈવા શુભાશયાત્ ॥

‘સામાન્ય રીતે આ જગતમાં મનુષ્યો જે નિસર્ગના બાહ્ય જગતના સત્યની ભીતરમાં ઊતરીને તપાસ કરવામાં કુશળ હોય તેઓ જ જે કંઈ ભયાવહ અને દુષ્ટ છે તે સઘળામાંથી પોતાની જાતનો ઉદ્ધાર કરે છે.’

આત્મનો ગુરુઃ આત્મૈવ પુરુષસ્ય વિશેષતઃ ।
યત્ પ્રત્યક્ષાનુમાનાભ્યાં શ્રેયોઽસાવનુવિન્દતે ॥

‘ખાસ કરીને મનુષ્ય (કુદ૨ત ઉપર સંપૂર્ણપણે આધાર રાખતાં નિમ્ન પ્રાણીઓથી ઊલટું) પોતે જ પોતાનો ગુરુ છે; કારણ કે તે પ્રયત્ન ઇન્દ્રિયોના અનુભવ અને તેના પર આધારિત નિષ્કર્ષ દ્વારા ભૌતિક અને સામાજિક કલ્યાણ પ્રાપ્ત કરે છે.’

માનવવિકાસ અને પ્રગતિ માટે જરૂરી ભૌતિક વિજ્ઞાનો અને ટેક્નોલૉજી અને તેની સાથે સંકળાયેલ બૌદ્ધિક શિસ્ત પાછળ પડવાનું મહત્ત્વ આ બે કડીઓમાં વ્યક્ત થયેલું છે. પરંતુ માનવજાતના કલ્યાણ માટે ફક્ત આ જ પૂરતાં છે? અને માનવ સામે પડેલ શક્યતાઓનું સંપૂર્ણ સપ્તક છે? અર્વાચીન પાશ્ચાત્ય વિજ્ઞાન આનો ઉત્તર હકારમાં આપે છે, પરંતુ પશ્ચિમના વિજ્ઞાન પાસે મનુષ્યમાં છુપાયેલી હજી, ગહન અને ઉચ્ચ શક્યતાઓ અને તે બહિર્ગત થતાં તેમાંથી કેવા આશીર્વાદો છૂટશે તેમાં નજર નાખવાની શક્તિ નથી. પરંતુ મુંડક ઉપનિષદમાં ભારતીય ડહાપણ (wisdom) જેણે મનુષ્યના તમામ જ્ઞાનને બે કોટિમાં વર્ગીકૃત કર્યાં છે પરા અર્થાત્ ઉચ્ચ અને અપરા અર્થાત્ સામાન્ય. એની પછીની કડીમાં શ્રીમદ્ ભાગવતમાં શ્રીકૃષ્ણ દ્વારા આ પ્રમાણે કહેવાયું છે કે મનુષ્યમાં પેલી અનંત અને અમર દિવ્યશક્તિ છુપાયેલી પડી છે, અને પ્રકૃતિએ તેને તમામ પ્રકૃતિ અને મનુષ્યના આ સર્વોચ્ચ પરિમાણની તપાસ અને શોધ કરવાની ઑર્ગેનિક શક્તિ બક્ષેલી છે જે દ્વારા જ તે એની પશુતા છોડીને સ્વતંત્રતા અને પરમઆનંદ પ્રાપ્ત કરશે. 

તેણે જ્ઞાન માટેની તેની ખોજ અને સ્વતંત્રતા તથા સિદ્ધિ (પ્રાપ્તિ) પ્રતિની તેની આગેકૂચ જારી રાખવી જોઈએ. આ ખોજ અને આગેકૂચ ભૌતિક વિજ્ઞાનોથી માંડીને આધ્યાત્મિકતાના વિજ્ઞાન સુધીની હોવી જોઈએ. યુવાન નરેન્દ્ર અર્વાચીન કાળમાં આના અર્થ અને મહત્ત્વનું પ્રતીક છે. નરેન્દ્ર, જે તાર્કિક અને સમાલોચક ભાવનાનું પ્રતીક અને અપરાવિદ્યામાં પારંગત છે, તે શ્રીરામકૃષ્ણ પાસે શિષ્ય રૂપે જાય છે. રામકૃષ્ણ પરા વિદ્યાનું એક શ્રેષ્ઠ ઉદાહરણ છે જેઓ પેલી તાર્કિક અને સમાલોચક ભાવનાને પ્રોત્સાહિત છે. અને જેઓ કોઈ પણ અપરા વિદ્યા પ્રવાહમાંથી કરે છે. પસાર થયા નથી પરંતુ જેમણે સ્વામી વિવેકાનંદમાં બંને વિદ્યાઓનો સમન્વય સાધ્યો છે. પરા અને અપરા વિદ્યા, ભૌતિક વિજ્ઞાન અને આધ્યાત્મિક વચ્ચેની એકતા અને સંવાદિતાની ભારતીય દૃષ્ટિ શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદ વચ્ચેના નિકટવર્તી અને આત્મીય ઐક્યએ પુનઃ પ્રમાણભૂત કરી છે. રોમાં રોલાં એમના ‘રામકૃષ્ણનું જીવન’ નામક પુસ્તકમાં સનાતન (વૈશ્વિક) આત્માના અદ્‌ભુત સ્વરમેળ સ્વરૂપે આ બંનેનો પરિચય એમના વાચકોને કરાવે છે. અને તેમના પુસ્તક ‘વિવેકાનંદનું જીવન’માં વિવેકાનંદના વ્યક્તિત્વને નીચેના સુંદર શબ્દોમાં વર્ણવે છેઃ

‘વિવેકાનંદની રચનાત્મક પ્રતિભા બે જ શબ્દો સમતુલા અને સમન્વય-માં વ્યક્ત કરી શકાય. વિવેકાનંદે આત્માના બધા માર્ગો અંગિકાર કર્યા. સૌથી વધુ આધ્યાત્મિકથી માંડીને સૌથી વધુ વ્યવહારુ સુધી તેમણે ચાર યોગ એના સમગ્રપણા સહિત તેમજ ત્યાગ અને સેવા, કલા અને વિજ્ઞાન, ધર્મ અને કર્મ અપનાવ્યા. તેમણે શિખવાડેલ દરેક માર્ગને એની પોતાની મર્યાદા હતી, પરંતુ તેઓ આ બધામાંથી જાતે પસાર થયા હતા અને આ બધાનો અંગીકાર કર્યો. સત્યના ચારે માર્ગોની લગામ તેમણે ધારણ કરી અને એકી સાથે આ બધા પ્રતિ તેમણે યાત્રા કરી. વિવેકાનંદ મનુષ્યની તમામ શક્તિઓની સંવાદિતાનું જીવંત સ્વરૂપ હતા.’

‘રામકૃષ્ણનું જીવન’ની પ્રસ્તાવનામાં શ્રીરામકૃષ્ણમાં રહેલ પરાવિદ્યાનું ફળ રોમાં રોલાં આકર્ષક અને વિચારપ્રેરક ફકરામાં વર્ણવે છેઃ

‘આ માનવ જેની પ્રતિમા હું ઉપસાવું છું તે બે હજાર વર્ષ સુધીના ત્રીસ કરોડ લોકોના આધ્યાત્મિક જીવનને આત્મસાત કરનાર માનવની છે. તેમના અવસાનને ચાલીસ વર્ષ થયાં હોવા છતાં તેમનો આત્મા અર્વાચીન ભારતને ઢંઢોળે છે – ચેતનવંતુ બનાવે છે. તેઓ ગાંધીની જેમ ક્રિયા- કર્મની વ્યક્તિ ન હતા, ગૉથ કે ટાગોરની જેમ કલા અને વિચારમાં પ્રતિભાસંપન્ન ન હતા. તેઓ બંગાળના એક નાના ગામડાના બ્રાહ્મણ હતા જેમનું બાહ્ય જીવન મર્યાદિત ચોકઠામાં જડાયેલું હતું. તેમના સમયની રાજકીય અને સામાજિક પ્રવૃત્તિઓ બહાર કોઈ ખાસ ધ્યાન ખેંચે તેવો બનાવ બન્યો ન હતો. પરંતુ તેમના આંતરિક જીવને માનવો અને દેવતાઓની સમગ્ર અનેકવિધતાઓનો અંગીકાર કર્યો હતો.’

તેથી બધામાં રહેલ એક દૈવી સ્વરૂપના અવતાર તરીકે ત્રીજી કડી (કડી ૨૧)માં શ્રીકૃષ્ણ કહે છેઃ

પુરુષત્વે ચ માં ધીરાઃ સાંખ્યયોગ વિશારદાઃ।
આવિસ્તરાં પ્રપશ્યન્તિ સર્વશક્ત્યુપ બૃંહિતમ્ ॥

‘આ માનવ વ્યક્તિત્વમાં પણ ‘ધીર’(બુદ્ધિ અને હિમ્મતના ગુણો ધરાવતા લોકો) જેમણે વિજ્ઞાન અને આધ્યાત્મિકતાના કલા કૌશલ્યમાં પારંગતતા પ્રાપ્ત કરી તેઓ પણ તમામ શક્તિઓના અનંત સ્રોત તરીકે મારો (બધાના વૈશ્વિક (સનાતન) આત્મા સ્વરૂપે ભગવાનનો) સાક્ષાત્કાર કરે છે.’

‘ભૌતિક વિજ્ઞાનો અને આધ્યાત્મિકતાના વિજ્ઞાનની એકાત્મતા અને સંવાદિતાની આ દૃષ્ટિ જીવનમાં ઉતારીને અને તેનું વિસ્તરણ કરીને આ પ્રભાવશાળી અને પ્રેરણાદાયક વિચાર, પ્રશ્ચાદભૂ અને અનુભવ સહિત, ભારતના વૈજ્ઞાનિકો અને બુદ્ધિજીવીઓ તેઓની સેવા ભારત અને વિદેશોમાં માનવજાતને આપતા રહેશે. બિનસાંપ્રદાયિક અને પવિત્ર એવી તમામ વિદ્યાઓની અધિષ્ઠાત્રી ભારતીય પરંપરા મુજબ એક જ દેવી છે અને તે સરસ્વતી છે.

૧૨. વેદાંત ભૌતિક કલ્યાણ અને આધ્યાત્મિક સ્વાતંત્ર્યનું આકલન કરે છે

ભારતે ભૌતિક કલ્યાણની ઉપેક્ષા કરી નથી કે તેને નિમ્નકક્ષાનું ગણાવ્યું નથી એ હકીકત ગીતા અને ગીતાનો શંકરાચાર્યે કરાવેલ પરિચય અને તેના પર લખેલ ભાષ્ય અને સ્વામી વિવેકાનંદે લખેલ લાંબા ફકરા દ્વારા સ્પષ્ટ થાય છે. શંકરાચાર્ય પેલા પરિચયમાં કહે છેઃ દ્વિવિધો હિ વેદોક્તો ધર્મઃ – પ્રવૃતિલક્ષણ:, નિવૃત્તિલક્ષણશ્ચ, જગતઃ સ્થિતિ- કારણમ્। પ્રાણીનાં સાક્ષાત્ અભ્યુદયનિઃ શ્રેયસ હેતુઃ –

‘સાચે જ, બાહ્ય જગતમાં ક્રિયાના સ્વરૂપ અને આંતરિક ધ્યાનમાં પોતાની જાતને પાછી ખેંચવી એ અંગેનો ધર્મ, જીવનની ફિલસૂફી – જે વેદો દ્વારા શિખવાડાયો છે. બાહ્ય અને આંતર જગતની આ બંને ક્રિયાઓ જગતના નિભાવ (એક જ સપાટીએ) માટે છે અને પાર્થિવ કલ્યાણ અને તમામ પ્રાણીઓનો ઉદ્ધાર તેઓમાં રહેલો છે.’

રામનદ ખાતે આપેલા પ્રવચનના ઉત્તરમાં સ્વામી વિવેકાનંદે (સ્વા.વિ.ગ્રં.મા. : ભાગ.૪, પૃ.૩૯-૪૦) કહ્યું હતું કે :

‘…… તે ધર્મ અને આધ્યાત્મિક્તાનાં ઝરણો હજીયે આ ભૂમિમાં છે. સંવાદી તેમજ વિસંવાદી અસંખ્ય અવાજોમાંથી, ભારતીય વાતાવરણને ભરી દેનારા અનેક સુરોના શંભુમેળામાંથી, સૌથી શ્રેષ્ઠ, સૌથી અલગ તરી આવે એવો, પૂરા જોશવાળો એક સૂર ઉપર ઊઠે છે; એ સૂર છે છે. ત્યાગ. ત્યાગ કરો! ભારતીય ધર્મોનો મૂલમંત્ર એ છે… આ ભરતખંડ એવા અનેક બહાદુર અને વિરાટ માનસ તથા બુદ્ધિવાળા પુરુષોથી ઝળહળે છે કે જેઓ આ અનંત વિશ્વને પણ એક કાદવના નાના ખાબોચિયા સમાન ગણે છે; તેઓ એથી આગળ ને આગળ જાય છે. કાળ, અનંત કાળ સુધ્ધાં તેમને મન શૂન્ય છે… આ બ્રહ્માંડથી પાર જવું એ જ ર્ધનો આત્મા છે. આ અનુભવાતીતપણું, આ પાર જવાની મથામણ, આ પ્રકૃતિના ચહેરા પરનો બુરખો ચીરી નાખીને ગમે તે ભોગે, ગમે તે મૂલ્યે, પાર રહેલી વસ્તુની ઝાંખી કરવાની હિંમત, એ આપણી પ્રજાની ખાસિયત છે. એ આપણો આદર્શ છે.’

‘એટલે, તમારે દુનિયાને જે શીખવવાનું છે તે આ આધ્યાત્મિકતા છે. સાથેથી આપણે પોતે કંઈ શીખવાનું છે? દુનિયા પાસેથી આપણે કંઈ જાણવાનું છે? હા; કદાચ આપણે થોડુંક ભૌતિક જ્ઞાન મેળવવું પડશે, તંત્ર ચલાવવાની તથા તેને યોજવાની શક્તિ પ્રાપ્ત કરવી પડશે, નાનામાં નાનાં ઉપાદાનોમાંથી સારામાં સારાં પરિણામો આવે એવી રીતે શક્તિનો ઉપયોગ કરવાનું જ્ઞાન મેળવવું પડશે. આ બધું અમુક અંશે કદાચ આપણે પશ્ચિમ પાસેથી શીખવું પડશે.’

(ક્રમશઃ)

Total Views: 206

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.