[શ્રીરામકૃષ્ણ ભાવધારાના મહાન અગ્રસરોની સ્મૃતિને જાળવવા, એમણે કરેલા મહાન પ્રદાનને સંગ્રહવા અને તેનું જતન કરવા તેમજ આ ભાવધારાના આદર્શોને જનસમૂહ સમક્ષ રાખવા માટે બેલુરમઠના જૂના મકાનમાં ૧૩મી મે, ૧૯૯૪ના રોજ શ્રીરામકૃષ્ણ મ્યુઝિયમનું ઉદ્ઘાટન થયું હતું. પરંતુ, વધુ સુવ્યવસ્થિત રીતે અને અનુકૂળ તેમજ સુરુચિપૂર્ણ વાતાવરણમાં વધુ પ્રદર્શનીય ચીજવસ્તુઓનું પ્રદર્શન ગોઠવવા એક નવા ભવનની જરૂરત સૌએ અનુભવી. આ રીતે આ નવા મ્યુઝિયમ અને પુરાલેખભવનનો શિલાન્યાસવિધિ ૪ ફેબ્રુઆરી ૧૯૯૬ના રોજ રામકૃષ્ણ મઠ-મિશનના  ૧૨મા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજના વરદ હસ્તે સંપન્ન થયો હતો અને ૭ મે, ૨૦૦૧ના રોજ હાલના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજના વરદ હસ્તે  આ નવા ભવનનું ઉદ્ઘાટન થયું. શ્રીરામકૃષ્ણ ભાવધારાના આદ્યસ્થાપકોના ઉપયોગમાં આવેલી ગૌરવમહિમાયુક્ત વિવિધ ચીજવસ્તુઓ તેમજ તેમની સાથે સંબંધિત મૂળ હસ્તપ્રતો આ રામકૃષ્ણ મ્યુઝિયમમાં સંગ્રહાયેલી છે. એવી દૃઢ માન્યતા છે કે આ મ્યુઝિયમનું દર્શન મુલકાતીઓ માટે એ મહાન આત્માઓની જીવંત ઉપસ્થિતિ તો અનુભવશે પરંતુ એ ઉપરાંત રામકૃષ્ણ ભાવધારા દ્વારા સર્વત્ર વિસ્તરેલી પ્રેરણાદાયી ભાવનાને પણ તેઓ આત્મસાત્ કરી શકશે.

આ પાવનકારી પ્રસંગે શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજે કરેલું ઉદ્બોધન અહીં ભાવિકોના લાભાર્થે પ્રસ્તુત છે.]

ભક્તજનો અને સુહૃદ્જનો,

આ ઉદ્ઘાટન પ્રસંગે આવતાં હું હર્ષ અનુભવું છું. આ પાવનકારી પ્રસંગ નિમિત્તે હું બઁગલોરથી આવ્યો છું. આ સંગ્રહસ્થાન વિશેનો અહેવાલ સ્વામી પ્રભાનંદજી અને ડો. ઘોષ દ્વારા આપણે સૌએ સાંભળ્યો. ભારતમાં અને વિદેશમાં અનેક સંગ્રહસ્થાનો છે પરંતુ આ સ્થળે એક ઘણો મહત્ત્વનો વિષય નિરૂપવામાં આવ્યો છે. જ્યારે બુદ્ધ આવ્યા અને એક નવી ભાવધારા શરૂ કરી. આજે બધાં માટેનાં તેમનાં પ્રેમકરુણાભાવને વ્યક્ત કરતાં તેમજ તેમની સિદ્ધિઓની ઝાંખી કરાવતાં અનેક સ્મારકો અને સંગ્રહસ્થાનો આપણે ત્યાં છે. આજે આ સંગ્રહસ્થાન એક વાસ્તવિકતા  બની છે અને તે નવી વિશ્વવ્યવસ્થા ઊભી કરવા માટે સહાયરૂપ બનશે. આ કંઈ ગઈ સદીની માહિતીની નોંધમાત્ર જ નથી; પરંતુ ભારતમાં નવયુગના મંડાણની નોંધ તેમજ સમગ્ર વિશ્વ માટેના નવયુગનો ઇતિહાસ અહીં સંગ્રહાયેલો છે. કારણ કે શ્રીરામકૃષ્ણદેવ માત્ર ભારતવર્ષ માટે નહિ પરંતુ સમગ્ર વિશ્વ માટે અવતર્યા હતા. એટલે જ માનવજાત વચ્ચે એકતા અને શાંતિ, માનવની દિવ્યતાની જાગૃતિ અને ધર્મ ધર્મ વચ્ચેના સમભાવ જેવી કેટલીક મહાન ઘટનાઓ બનતી સમગ્ર જગત જોશે.

આ પ્રકારના સંગ્રહાલયમાંથી શ્રીરામકૃષ્ણદેવ અને સ્વામીજીનો મહાન સંદેશ સમગ્ર વિશ્વમાં ફેલાશે અને એટલે જ આ પવિત્ર સ્થાન ભવિષ્ય માટે પ્રેરણારૂપ બની રહેશે અને તે એક નવા પ્રકારના ભાવિને તેમજ માત્ર ભારત માટે નહિ પરંતુ મહદંશે સમગ્રવિશ્વ માટે બની રહે તેવી નવી વિશ્વવ્યવસ્થા જન્મશે.આ જ કાર્ય માટે શ્રીરામકૃષ્ણ, શ્રી શ્રીમા અને સ્વામીજી અવતર્યા હતા. આ બધી ભાવનાઓ આ સંગ્રહાલયમાં પ્રતિબિંબિત થાય છે.

શ્રીરામકૃષ્ણના શહેરનું અહીં જે નિરૂપણ થયું છે એ જોઈને મને આનંદ થાય છે; તેમાં કાશીપુર ઉદ્યાનગૃહ, વરાહનગર આશ્રમ, બેલુર મઠ અને બીજાં મઠનાં કેન્દ્રો છે કે જ્યાંથી આ ભાવધારાનો પ્રારંભ થયો હતો. આ સંગ્રહાલય આ શ્રીરામકૃષ્ણ ભાવધારા કેવી રીતે શરૂ થઈ, કેવી રીતે તે વિસ્તરી રહી છે અને તે કેવી રીતે ભાવિ માટે કાર્ય કરે છે તેનું દર્શન કરાવે છે. આપણા સૌ માટે આ એક મહાન પ્રેરણારૂપ છે.

આજનો દિવસ એક વિશેષ દિવસ છે, આજે બુદ્ધનો જન્મદિવસ છે. ૨૫૦૦ વર્ષ પહેલાં ભગવાન બુદ્ધ અવતર્યા હતા અને એમણે એક નવી વિશ્વવ્યસ્થા ઊભી કરી હતી. શ્રીબુદ્ધ, શ્રીઈસુ, શ્રીરામ, શ્રીકૃષ્ણ, આ બધા મહાન દિવ્યાવતારો અને ઇતિહાસસર્જકો હતા. તેમણે નવી દુનિયા સર્જી હતી. આ બધા મહાન અવતારોએ બીજાઓએ જે કર્યું તેનું માત્ર પુનરાવર્તન નહોતું કર્યું પણ એક નવી ભાવધારા જન્માવી હતી. હવે શ્રીરામકૃષ્ણદેવના આગમન સાથે એક નવવિશ્વ આરંભાયું છે એવું આપણને ફરીથી જણાય છે અને આ વખતે આ સંદેશ માત્ર ભારતમાં નહિ સમગ્ર વિશ્વમાં પ્રસરી રહ્યો છે. એમનો મહાન સંદેશ એમના સાહિત્ય દ્વારા અને આવા સંગ્રહાલય દ્વારા પ્રસરી રહ્યો છે.

આ પહેલાંના વિશ્વના પયગંબરો પુરાણકથા અને લોકકથાથી આચ્છાદિત એવા ઇતિહાસ દ્વારા આવ્યા છે. તેઓ કેવા દેખાતા હતા તે પણ આપણે જાણતા નથી. સ્વામી વિવેકાનંદે આ બાબતનો ઉલ્લેખ એમના એક વ્યાખ્યાનમાં કર્યો છે : હજારો વર્ષના એ ઇતિહાસને કલાત્મક રીતે તેમજ સારી રીતે મઠાર્યા પછી એમના જીવનની વાત આપણી પાસે આવી છે. શ્રીરામકૃષ્ણદેવના જીવન વિશે કોઈ પુરાણ કે લોકકથા નથી. આપણી પાસે એમના ઘણા ફોટોગ્રાફ્સ પણ છે. આપણી પાસે તત્કાલીન મહાન વિદ્વાન પંડિત શિવનાથ શાસ્ત્રી અને બીજા દ્વારા શ્રીરામકૃષ્ણદેવના જીવનકાળ દરમિયાન પ્રસિદ્ધ થયેલાં લખાણોનો સંગ્રહ પણ છે, સાથે ને સાથે મેક્સમૂલર અને રોમાં રોલાં જેવા મહાન પાશ્ચાત્ય વિદ્વાનોએ એમના વિશે લખેલા ગ્રંથો પણ આપણી પાસે છે. આ ઉપરાંત શ્રી મ. દ્વારા લખાયેલ ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ અને સ્વામી સારદાનંદજી મહારાજ દ્વારા લખાયેલ ‘શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ’ પણ આપણી પાસે છે. એમની મહાનતાને પ્રગટ કરતાં ઘણાં પુસ્તકો હજુ પણ લખાય છે.

શ્રીરામકૃષ્ણ અને વિવેકાનંદ વિશે અનેક પ્રેરણાદાયી પુસ્તકો છે આવું સાહિત્ય એક નવા વિશ્વને ઊભું કરશે કારણ કે શ્રીરામકૃષ્ણદેવ જેવા મહાન આત્માઓ નવાં ભાવઆંદોલનો ઊભાં કરશે. તેઓ બીજાએ કરેલાનું પુનરાવર્તન કે પુનરુચ્ચારણ કરતા નથી. શ્રીરામકૃષ્ણદેવ એક ઇતિહાસસર્જક હતા; ભગવાન બુદ્ધની જેમ એક દિવ્યાવતાર અને ઇતિહાસસર્જક બંને હતા. ભગવાન બુદ્ધે નવી ભાવધારા, એક નવી વિશ્વવ્યવસ્થા શરૂ કરી હતી. એ જમાનામાં ભારતીય આદર્શો માત્ર ભારત પૂરતાં મર્યાદિત નહોતાં રહ્યાં. વિશ્વભરમાં ભમતા ભારતના એ સંન્યાસીઓ પોતાની સાથે ભગવાન બુદ્ધના શાંતિ અને સમભાવના સંદેશ સિવાય બીજું કંઈ લઈ જતા ન હતા. આવો સંદેશ ભારતવર્ષે સમગ્ર વિશ્વમાં અવારનવાર પ્રસરાવ્યો છે.

આજે આધુનિકયુગમાં આપણે જોઈએ છીએ કે વિવિધ પ્રૌદ્યોગિકીઓ દ્વારા સમગ્ર વિશ્વ એક બન્યું છે, પરંતુ લોકોનાં મન એક બન્યાં નથી. આજે પણ વિશ્વમાં કેટલી બધી હિંસા જોવા મળે છે. પરંતુ આ ભાવધારાનો સંદેશ દૂરસુદૂર પ્રસરવાથી આ વાતાવરણમાં પરિવર્તન આવશે. હવે આ સંગ્રહાલયના માધ્યમથી રામકૃષ્ણ ભાવધારાનું નવું પ્રેરણાસ્રોત આપણી પાસે છે. મને ખાતરી છે કે આ સંગ્રહાલય સમગ્ર વિશ્વમાં સમભાવ અને શાંતિના સંદેશના પ્રચાર-પ્રસાર માટેનું એક મહાન માધ્યમ બની રહેશે.

આ પ્રસંગે હું સ્વામી પ્રભાનંદને મારી શુભેચ્છાઓ આપું છું. આ મ્યુઝિયમને વાસ્તવિક રૂપ આપવા માટે એમણે ઘણો પરિશ્રમ કર્યો છે અને મને એ જાણીને આનંદ થાય છે કે તેઓ આ કાર્ય પૂર્ણ કરવામાં સફળ થયા છે અને હવે આપણે સૌ બેલુર મઠના પવિત્ર વાતાવરણમાં આ ઉદ્ઘાટન સમારંભને માણીએ છીએ. મને એ જાણીને પણ આનંદ થયો છે કે અહીં ઘણા અગ્રગણ્ય લોકો પધાર્યા છે. આપ સૌ મ્યુઝિયમ નિહાળી શકો છો. અહીં નાતજાત, દેશ કે સંપ્રદાયના ભેદભાવ વિના સૌ કોઈનું હાર્દિક સ્વાગત છે. શ્રીરામકૃષ્ણદેવના આશીર્વાદ આપણા પર વરસતા રહો. 

સૌને નમસ્કાર અને આભાર.

Total Views: 107

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.