શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં યોજાઈ ગયેલ આધ્યાત્મિક શિબિર

૯ સપ્ટેમ્બર, ૨૦૦૧, રવિવારે સવારે ૮.૩૦ થી ૧૨.૩૦ સુધી શ્રીરામકૃષ્ણ મંદિર નીચેના હોલમાં આધ્યાત્મિક શિબિર યોજાઈ ગઈ. ૫૨૫ જેટલા ભાવિકજનોએ આ શિબિરનો લાભ લીધો હતો. આ શિબિરનો મંગલપ્રારંભ સ્વામી ચિત્તપ્રભાનંદ અને શ્રીરામકૃષ્ણ આશ્રમ, વિદ્યાર્થી મંદિરના વિદ્યાર્થીઓના વૈદિકમંત્રોચ્ચાર અને મંગલગીતથી થયો હતો. ૐ મંત્રોચ્ચાર ‘ચિદાનંદ રૂપ શિવોઽહમ્ શિવોઽહમ્’, ‘મનની એકાગ્રતા’, ‘જપધ્યાન’, ‘મનની શાંતિ’, વગેરે વિષયો પર સ્વામી જિતાત્માનંદજી, સ્વામી આદિભવાનંદજી, સ્વામી નિખિલેશ્વરાનંદજીનાં પ્રવચનો ભક્તજનોએ ભાવથી માણ્યા હતા.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં ૨૦-૨૧ ઓક્ટોબર ૨૦૦૧, યોજાયેલ ૨ દિવસનો મેનેજમેન્ટ વર્કશોપ

‘આવતી કાલના ભારતના ઉદય માટે આધ્યાત્મિક સંસ્કૃતિનું પ્રદાન’ એ વિશે ભારતભરના મેનેજમેન્ટ ક્ષેત્રના ગણ્યમાન વિદ્વાનો ડો. એન.એચ.અથ્રેય, શ્રી જી.નારાયણ, શ્રી શ્રીધર રેડ્ડી, શ્રીસુરેશ પંડિત, શ્રી બાદલાણી, શ્રી સુનિલકુમાર, શ્રી એસ.સી. વત્સ, સ્વામી જિતાત્માનંદ અને સ્વામી નિખિલેશ્વરાનંદનાં મુખ્ય પ્રવચનો સાથે તા.૨૦-૨૧ ઓક્ટોબરના રોજ મેનેજમેન્ટ શિબિરનું આયોજન થયું છે. વધુ વિગત માટે જિજ્ઞાસુઓએ સવારના ૯ થી ૧૨ અને સાંજના ૪ થી ૬ વચ્ચે શ્રીરામકૃષ્ણ આશ્રમના કાર્યાલયનો સંપર્ક સાધવા નમ્ર વિનંતી.

રામકૃષ્ણ મિશન, પોરબંદર દ્વારા નવનિર્મિત ભારવાડા ગામમાં ‘વિવેકાનંદ વિદ્યામંદિર’શાળાનું મંગલ-ઉદ્ઘાટન

તાજેતરના ધરતીકંપમાં તારાજ થયેલ ભારવાડા ગામમાં રામકૃષ્ણ મિશન, પોરબંદર તરફથી હાથ ધરાયેલા શાળાના પુનર્નિર્માણયોજના હેઠળ નવનિર્મિત ‘વિવેકાનંદ વિદ્યામંદિર’ નામની આઠ ખંડવાળી સાધનસજ્જ પ્રાથમિક શાળાનું મંગલ ઉદ્ઘાટન ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રીશ્રી આનંદીબહેન પટેલના વરદ હસ્તે થયું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું : ‘સ્વામી વિવેકાનંદ ચારિત્ર્યનિર્માણ કરનારી કેળવણી પર ભાર મૂકતા, એવી કેળવણીસંસ્થાઓની આજના યુગમાં અત્યંત આવશ્યકતા છે. આ સંસ્થા મૂલ્યશિક્ષણ આપનારી આદર્શ સંસ્થા બને અને શિક્ષકો રાષ્ટ્રના નવનિર્માણના સાચા ઘડવૈયા બને એવી અભિલાષા વ્યક્ત કરી હતી. રામકૃષ્ણ મિશનની લોકસેવાને એમણે બિરદાવી હતી.

આ પ્રસંગે રામકૃષ્ણ મિશન, પોરબંદરના સચિવ સ્વામી નિખિલેશ્વરાનંદે કહ્યું હતું: આ સંસ્થાએ ભૂકંપગ્રસ્ત વિસ્તારની ૩૦ પ્રાથમિક શાળાઓ તેમજ ભારવાડા, કેશવ, પોરબંદરમાં કુલ ૧૦૦ મકાનો બાંધવાની યોજના હાથ ધરી છે. આ પુનર્વસનયોજના હેઠળ કુલ ૪ કરોડ રૂપિયા ખર્ચાશે. શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદના ‘શિવજ્ઞાને જીવસેવા’ના આદર્શને નજર સમક્ષ રાખીને અમારી સંસ્થા વિદ્યાર્થીનારાયણની અને દરિદ્રનારાયણની પૂજા કરીને ધન્ય બને છે. આ પ્રસંગે ગુજરાત રાજ્યના પુરવઠાખાતાના મંત્રીશ્રી બાબુભાઇ બોખિરીયા, સાંસદશ્રી ગોરધનભાઇ જાવિયા, જિલ્લાધિકારીશ્રીઓ, શિક્ષણકારો, વિદ્યાર્થીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

રામકૃષ્ણ મિશન, લીંબડી દ્વારા નવનિર્મિત ચાર ગામની પ્રાથમિક શાળાઓનો ઉદ્ઘાટનવિધિ

તાજેતરના ધરતીકંપમાં તારાજ થયેલી રામરાજપર ગામની રામકૃષ્ણ મિશન, લીંબડી દ્વારા નવનિર્મિત ‘સ્વામી વિવેકાનંદ વિદ્યામંદિર’નું મંગલ-ઉદ્ઘાટન ૨૨-૯-૨૦૦૧ને શનિવારના રોજ સવારે ૧૦.૦૦ કલાકે જાણીતા ઉદ્યોગપતિ (અજન્તાગૃપ, મોરબી) શ્રી ઓધવજીભાઈ પટેલના વરદ હસ્તે થયું હતું. અતિથિવિશેષરૂપે પશુપાલન ખાતાના રાજ્યમંત્રીશ્રી કિરીટસિંહ રાણા હતા. આ જ રીતે તા. ૨૩-૯-૨૦૦૧ને રવિવારના રોજ સવારે ૧૦.૦૦ વાગ્યે જામડી ગામે ગામની રામકૃષ્ણ મિશન, લીંબડી દ્વારા નવનિર્મિત ‘સ્વામી વિવેકાનંદ વિદ્યામંદિર’નું મંગલ-ઉદ્ઘાટન સ્વામી પ્રમાનંદજી મહારાજના વરદ્ હસ્તે થયું હતું. આ સમારંભના પ્રમુખ સ્થાને શ્રી કિરીટસિંહ હતા. 

રામકૃષ્ણ મિશન, બેલુર મઠ દ્વારા સુરેન્દ્રનગર દૂધરેજ નગરપાલિકાની શાળાનં.૨ ના ૪ રૂમ, શાળા નં. ૩ના ૧૦ રૂમ, શાળા નં. ૪-૫ના ૬-૬ રૂમ, શાળા નં. ૧૧ના ૧૧ રૂમ, શાળાનં. ૧૬ના ૮ રૂમ અને શાળા નં.૧૭ના ૧૨ રૂમનું બાંધકામ સ્લેબ લેવલ સુધી પહોંચી ગયું છે.

Total Views: 96

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.