વૈકુંઠ – અમે સંસારી માણસો, અમને કાંઈક કહો.

શ્રીરામકૃષ્ણ – ઈશ્વરને ઓળખીને, એક હાથ ઈશ્વરના ચરણકમળમાં રાખીને, બીજે હાથે સંસારનું કામકાજ કરો.

વૈકુંઠ – મહાશય, સંસાર શું મિથ્યા ?

શ્રીરામકૃષ્ણ – જ્યાં સુધી ઈશ્વરને ઓળખી ન શકાય ત્યાં સુધી મિથ્યા. ત્યારે તેને ભૂલી જઈને માણસ ‘મારું, મારું’ કરે, માયામાં બંધાઈને, કામ-કાંચનમાં મુગ્ધ થઈને વધારે અને વધારે ડૂબતો જાય. માણસ માયામાં એવી રીતે અજ્ઞાની થઈને રહે કે છૂટવાનો રસ્તો હોય છતાં છૂટી શકે નહિ ! એક ગીત છે :

‘એવી મહામાયાની માયા, રાખ્યો છે શો ભેદ કરી;

બ્રહ્મા-વિષ્ણુ ભાન ભૂલ્યા, જીવો તે શું જાણી શકે ?

ખાડો કરી પાંજરું મૂકો, મત્સ્ય તેમાં પ્રવેશ કરે,

નીકળવાનો માર્ગ છતાં મીન નવ નાસી શકે.

રેશમનો કીડો કોશ કરે, ધારે તો તે શકે છૂટી,

મહામાયાથી બદ્ધ કીડો પોતાની જાળમાં પોતે મરે.

‘‘તમે તો જાતે જ જુઓ છો કે સંસાર અનિત્ય, જુઓને કેટલાં માણસો આવ્યાં અને ગયાં ! કેટલાંય જન્મ્યાં, કેટલાંય મર્યા ! સંસાર આ ઘડીએ છે અને બીજી ઘડીએ નથી. 

અનિત્ય ! જેમને આટલાં ‘મારાં મારાં’ કરો છો તે બધાંય આંખ મીંચવાની સાથે જ તમારાં કોઈ નથી. બીજું કોઈ ન હોય છતાં દીકરાના દીકરા સારું અટકી જઈને કાશીએ ન જવાય. કહેશે, ‘મારા હરિયાનું શું થાય ?’ ‘નીકળવાનો માર્ગ છતાં, મીન નવ નાસી શકે. રેશમનો કીડો પોતાની જાળમાં પોતે મરે.’ એ પ્રમાણે સંસાર મિથ્યા; અનિત્ય.’’

પાડોશી – મહાશય ! એક હાથ ઈશ્વરમાં અને બીજો હાથ સંસારમાં શા માટે ? જો સંસાર અનિત્ય, તો પછી એક હાથ પણ સંસારમાં શું કામ રાખવો ?

શ્રીરામકૃષ્ણ – ઈશ્વરને ઓળખીને સંસારમાં રહીએ તો એ અનિત્ય નથી ! એક ગીત સાંભળો : મન તું ખેતીકામ ન જાણે…

શ્રીરામકૃષ્ણ – ગીત સાંભળ્યું ? કાલી નામની વાડ બાંધો, તો મોલ ખરાબ થાય નહિ. ઈશ્વરના શરણાગત થાઓ, તો બધું મળશે. એ તો મુક્તકેશીની સખત દીવાલ, પાસે થઈને જમ ચાલે નહિ. સખત દીવાલ ! ઈશ્વરને જો પ્રાપ્ત કરી શકો તો સંસાર અસાર લાગે નહિ. જેણે ઈશ્વરને જાણ્યો છે, તે જુએ કે જીવ, જગત એ ઈશ્વર પોતે જ થઈ રહેલ છે. તે પોતાના છોકરાઓને ખવડાવે પીવડાવે, ત્યારે એવી ભાવના રાખે કે ઈશ્વરને ખવડાવે પીવડાવે છે. પિતામાતાને ઈશ્વર-ઈશ્વરીરૂપે જુએ અને સેવા કરે. ઈશ્વર-પ્રાપ્તિ પછી સંસાર કરે તો પરિણીત સ્ત્રીની સાથે ઘણે ભાગે દુનિયાદારીનો સંબંધ રહે નહિ. બેય જણાં, ભક્ત, કેવળ ઈશ્વરની વાતો કરે, ઈશ્વરની ચર્ચા કરતાં રહે, ભક્તોની સેવા કરે; સર્વભૂતમાં પ્રભુ છે, તેમની સેવા બંને જણ કરે.

પાડોશી – મહાશય, એવાં સ્ત્રીપુરુષ તો જોવામાં આવતાં નથી.

શ્રીરામકૃષ્ણ – છે, પણ બહુ જૂજ. વિષયી માણસો તેમને ઓળખી શકે નહિ. પણ એવાં દંપતી થવું હોય તો બંનેએ સારાં થવું જોઈએ. બંને જણને જો એ ઈશ્વરાનંદનો સ્વાદ આવે, તો જ એમ થવું સંભવે. એને માટે ભગવાનની ખાસ કૃપા જોઈએ. નહિતર રોજ મતભેદ થાય. એક જણને અલગ થવું પડે. જો મેળ ન હોય તો ભારે ઉપાધિ. કાં તો સ્ત્રી રાતદિન બોલ્યા કરે : ‘બાપે અહીં શું કામ પરણાવી ! ન તો હું સુખે ખાઈપી, પહેરીઓઢી શકી, કે ન તો છોકરાંઓને ખવડાવી, પીવડાવી, પહેરાવી, ઓઢાડી શકી, કે નહિ બે ઘરેણાંની છોતરાં ! તમે મને કયા સુખમાં રાખી છે ? આંખ મીંચીને ભગવાન, ભગવાન, કરો છો તે એ બધી ગાંડાઈ મૂકો હવે !’

ભક્ત – એ બધા પ્રતિબંધ તો છે જ, પણ તે ઉપરાંત કાં તો છોકરા ઉદ્ધત હોય. એ સિવાયે કેટલી આપદા છે ? ત્યારે મહાશય, ઉપાય શો ?

શ્રીરામકૃષ્ણ – સંસારમાં રહીને સાધના કરવી બહુ કઠણ. ત્યાં કેટલાંય વિઘ્ન. એ બધાં કાંઈ તમને કહેવાની જરૂર ન હોય. રોગ, શોક, ગરીબાઈ, વળી પત્નીની સાથે મેળ નહિ, છોકરાં કહ્યા બહાર, મૂરખ, ગમાર.

‘છતાં ઉપાય છે. વચ્ચે વચ્ચે એકાંતમાં જઈને પ્રભુની પ્રાર્થના કરવી જોઈએ, પ્રભુને મેળવવાનો પ્રયાસ કરવો જોઈએ.’

પાડોશી – શું ઘર છોડીને ચાલ્યા જવું જોઈએ ?

શ્રીરામકૃષ્ણ – સાવ નહિ. જ્યારે વખત મળે, ત્યારે કોઈ એકાંત સ્થાનમાં જઈને એકબે દિવસ રહેવું, કે જ્યાં સંસારી લોકોની સાથે સાંસારિક વિષયો સંબંધી વાતચીત ન કરવી પડે. કાં તો એકાંતવાસ અને કાં તો સાધુસંગ.

પાડોશી – સાધુને ઓળખવો કેવી રીતે ?

શ્રીરામકૃષ્ણ – જેનાં મન, પ્રાણ, અંતરાત્મા ઈશ્વરમાં લીન થયેલ છે, તે જ સાધુ. જે કામ-કાંચન ત્યાગી છે તે જ સાધુ. જે સાધુ છે તે સ્ત્રીઓને દુન્યવી દૃષ્ટિથી દેખે નહિ, હંમેશાં તેમનાથી અલગ રહે, જો સ્ત્રીઓની પાસે જાય તો તેમને માતા સમાન દેખે અને પૂજ્યભાવ રાખે. સાધુ સર્વદા ઈશ્વરચિંતન કરે, ઈશ્વરી વાતો સિવાય બીજી વાતો કરે નહિ. અને સર્વભૂતોમાં ઈશ્વર રહેલ છે એમ જાણીને તેમની સેવા કરે. ટૂંકમાં આ બધાં સાધુનાં લક્ષણ.

પાડોશી – શું એકાંતમાં કાયમને માટે રહેવું પડે ?

શ્રીરામકૃષ્ણ – ફૂટપાથ પરનાં ઝાડ જોયાં છે ને ? જ્યાં સુધી રોપા નાના હોય ત્યાં સુધી ચારેબાજુ વાડ કરવી જોઈએ. નહિતર ગાય-બકરું ખાઈ જાય. ઝાડનું થડ મોટું થાય એટલે પછી વાડની જરૂર નહિ ! ત્યારે હાથી બાંધી દો તોય ઝાડ ભાંગે નહિ ! જો થડ મજબૂત કરી લઈ શકો તો પછી ચિંતા શી, બીક શેની ? પ્રથમ વિવેક પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરો. હાથે તેલ ચોપડીને ફણસ ચીરો તો હાથે રસ ચોંટે નહિ.

પાડોશી – વિવેક કોને કહેવાય ?

શ્રીરામકૃષ્ણ – ઈશ્વર સત્ અને બીજું બધું અસત્, એ વિચાર. સત્ એટલે નિત્ય, અસત્ એટલે અનિત્ય. જેનામાં વિવેક આવ્યો હોય તે જાણે કે ઈશ્વર જ વસ્તુ. બીજું બધું અવસ્તુ. વિવેકનો ઉદય થાય ત્યારે ઈશ્વને જાણવાની ઇચ્છા થાય. અસત્ને ચાહીએ, શરીરસુખ, નામના, પૈસા એ બધાને ચાહીએ તો ઈશ્વર, કે જે સત્સ્વરૂપ છે તેમને જાણવાની ઇચ્છા થાય નહિ. સત્-અસત્નો વિચાર આવે ત્યારે ઈશ્વરને શોધવાની ઇચ્છા થાય. એક ગીત સાંભળો :

‘ચાલને મન ફરવા જઈએ…’

શ્રીરામકૃષ્ણ – મનમાં નિવૃત્તિ આવે ત્યારે વિવેક આવે. વિવેક આવે ત્યારે તત્ત્વકથાનો મનમાં ઉદય થાય. ત્યારે મનને ફરવા જવાની ઇચ્છા થાય કાલિ-કલ્પતરુ-મૂળે. એ ઝાડની નીચે જવાથી, ઈશ્વરની પાસે જવાથી, ચારે ફળ વીણી શકાય, અનાયાસે મળે, મફત વીણી લેવાય. ધર્મ, અર્થ, કામ, મોક્ષ એ ચારે ફળ. ઈશ્વરને મેળવે તો ધર્મ, અર્થ, કામ કે જેની સંસારીને જરૂર, એ પણ મળે, જો કોઈ ઇચ્છે તો.

પાડોશી – ત્યારે સંસારને માયા કહે છે શા માટે ?

શ્રીરામકૃષ્ણ – જ્યાં સુધી ઈશ્વરની પ્રાપ્તિ ન થાય, ત્યાં સુધી ‘નેતિ-નેતિ’ કરીને ત્યાગ કરવો જોઈએ. જેમણે પ્રભુને મેળવ્યા છે તેઓ જાણે છે કે પ્રભુ જ બધું કરી રહેલ છે. ત્યારે અનુભવ થાય કે ઈશ્વર, માયા, જીવ, જગત એક. જીવ-જગત સુદ્ધાં ઈશ્વર. જો એક બિલીના ફળનું છોડું, અંદરનો ગર, તથા બીજ જુદાં પાડી નાખીને કોઈ એમ કહે કે બીલાનું વજન કેટલું હતું તે જુઓ તો, તો તમે શું છોડું તથા બીજ ફેંકી દઈને માત્ર ગરનું જ વજન કરવાના ? ના, વજન કરવું હોય તો છોડું, બીજ એ બધાંને લેવાં જોઈએ. એ બધાંને લો ત્યાર પછી જ કહી શકો કે બિલાનું વજન આટલું હતું. છોડું એ જાણે કે જગત, જીવો જાણે કે બીજ. તત્ત્વ-વિચાર કરતી વખતે જીવ અને જગતને અનાત્મા કહ્યાં હતાં, અવસ્તુ કહ્યાં હતાં. વિચારની દૃષ્ટિએ તો અંદરનો ગર જ સાર, છોડું તથા બીજ અસાર લાગે. વિચાર પૂરો થયે એ બધાં મળીને આખું એક બિલું એવું ભાન થાય. અને એમ લાગે કે જે વસ્તુમાંથી ગર બન્યો છે તે જ વસ્તુથી બિલાંનું છોડું અને બીજ પણ બન્યાં છે. બિલું સમજવા જતાં એ બધાં જ સમજાય.

‘અનુલોમ અને વિલોમ. છાશનું માખણ ને માખણની છાશ. જો છાશ થઈ છે તો માખણ પણ થયું છે. જો માખણ થયું તો છાશ પણ થઈ છે. આત્મા જો હોય તો અનાત્મા પણ છે. જેની નિત્યતા, તેની જ લીલા. જેની લીલા તેની જ નિત્યતા. જેની ઈશ્વરરૂપે અનુભૂતિ થાય છે તે જ જીવ, જગત થઈ રહેલ છે. જેણે ઈશ્વરને ઓળખ્યો છે તે જાણે છે કે તે જ બધું થયેલ છે, બાપ, મા, છોકરાં, પાડોશી, જીવ-જંતુ, સારું, નરસું, પવિત્ર, અપવિત્ર, એ બધુંય.’

પાડોશી – તો પછી પાપ-પુણ્ય નથી ?

શ્રીરામકૃષ્ણ – છે અને નથી. ઈશ્વર જો અહંકાર રાખી દે તો ભેદભાવના પણ રાખે, પાપ-પુણ્યનું જ્ઞાન પણ રાખી દે. એકાદ બે વ્યક્તિનો અહંકાર સંપૂર્ણ લૂછી નાખે. એ લોકો પાપ-પુણ્ય, સારા-નરસાની પાર થઈ જાય. ઈશ્વર-દર્શન જ્યાં સુધી ન થાય ત્યાં સુધી ભેદભાવના, સારુંનરસું એ જ્ઞાન રહે જ. તમે મોઢે ભલેને કહો કે મારે પાપ-પુણ્ય સમાન થઈ ગયાં છે, ઈશ્વર જેમ કરાવે છે તેમ કરું છું. પણ મનમાં સમજો કે એ બધી કેવળ કહેવાની વાતો. બૂરું કામ કરતાંની સાથે જ છાતી ધબધબ થાય ! ઈશ્વર-દર્શન પછી પણ જો ઈશ્વરની ઇચ્છા હોય તો ‘દાસ અહંકાર’ રાખી દે. એ અવસ્થામાં ભક્ત કહે કે ‘હું દાસ, તું પ્રભુ’ ઈશ્વરની વાતે, ઈશ્વરનું કામ, એ ભક્તને ગમે. ઈશ્વર-વિમુખ માણસો તેને ગમે નહિ. ઈશ્વર સિવાયનું કામ ગમે નહિ. એ જ બતાવે છે કે એવા ભક્તમાં પણ ભગવાન ભેદનું ભાન રાખી દે.

પાડોશી – આપ કહો છો કે ઈશ્વરને જાણીને સંસાર કરો. તો શું ઈશ્વરને જાણી શકાય ?

શ્રીરામકૃષ્ણ – ઈશ્વરને ઇન્દ્રિયો દ્વારા, આ મનથી જાણી શકાય નહિ. જે મનમાં વિષયવાસના ન હોય તે શુદ્ધ મન વડે તેને જાણી શકાય.

પાડોશી – ઈશ્વરને કોણ જાણી શકે ?

શ્રીરામકૃષ્ણ – પૂરેપૂરો કોણ જાણી શકે ? આપણને જેટલી જરૂર, તેટલું જાણીએ એટલે બસ. આખાય કૂવાના પાણીની આપણને શી જરૂર ? એક લોટો પાણી મળે એટલે બહુ થયું. સાકરના પર્વતની પાસે એક કીડી ગઈ હતી. તેને આખા પર્વતની શી જરૂર ? એકાદ બે દાણાથી જ ધરાઈ જાય !

પાડોશી – અમને તો વિકાર થયો છે. એક લોટા પાણીથી ક્યાં પૂરું થાય છે ? એવી ઇચ્છા થાય છે કે પૂરેપૂરો ઈશ્વરને જાણી લઈએ !

શ્રીરામકૃષ્ણ – એ ખરું, પણ વિકારનું ઓસડ પણ છે.

પાડોશી – મહાશય, કયું ઓસડ ?

શ્રીરામકૃષ્ણ – સાધુ-સંગ, ભગવાનનાં નામ-ગુણ-કીર્તન, સર્વદા તેની પાસે પ્રાર્થના. મેં માને કહ્યું હતું કે ‘મા, મારે જ્ઞાન ન જોઈએ, આ લો તમારું જ્ઞાન, આ લો તમારું અજ્ઞાન; મા, મને તમારા ચરણકમળમાં માત્ર ભક્તિ આપો.’ બીજું કાંઈ મેં માગ્યું ન હતું.

‘જેવો રોગ તેવી દવા.’ ગીતામાં ભગવાને કહ્યું છે કે ‘હે અર્જુન, તું મારું શરણ લે, તને બધી જાતનાં પાપમાંથી હું મુક્ત કરીશ.’ પ્રભુના શરણાગત થાઓ, એ સદ્બુદ્ધિ આપશે, એ બધો ભાર લેશે. ત્યારે બધી જાતનો વિકાર નીકળી જશે. શું આ બુદ્ધિ દ્વારા ઈશ્વરને સમજી શકાય ? એક શેરના લોટમાં શું ચાર શેર દૂધ સમાય ? વળી પ્રભુ પોતે ન સમજાવે ત્યાં સુધી શું સમજાય ? એટલે કહું છું કે પ્રભુના શરણાગત થાઓ. તેમની જેમ ઇચ્છા હોય તેમ કરે. તે ઇચ્છામય, માણસમાં તે શી શક્તિ છે ?

(‘શ્રીરામકૃષ્ણ-કથામૃત’માંથી ભાગ-૧, પૃ. ૩૩૮-૩૪૩)

Total Views: 139

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.