(ભગવાન શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય તથા રામકૃષ્ણ સંઘના તૃતીય અધ્યક્ષ શ્રીમત્ સ્વામી અખંડાનંદજી મહારાજના સ્વામી નિરામયાનંદજીએ મૂળબંગાળીમાં લખેલા ઉદ્બોધક સંસ્મરણો અને ઉપદેશોનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ અમે ભાવિકોના લાભાર્થે અહીં પ્રસ્તુત કરીએ છીએ.- સં.)

સ્થાન – સારગાચ્છી. ૨૮, જાન્યુઆરી, ૧૯૩૫.

સ્વામી વિવેકાનંદની જન્મજયંતી પછીનો દિવસ. સંધ્યા આરતી હજી હમણાં જ પૂરી થઈ છે. કૃષ્ણાષ્ટમીના અંધકારથી આશ્રમ એક મધૂર પરિવેશમાં ડૂબ્યું છે. નિસ્સીમ નભ તળે અસીમ શાંતિધારામાં અવગાહન કરતું આશ્રમ જાણે કે ધ્યાનમગ્ન છે. કેટલાક બ્રહ્મચારીઓ અને ભક્તો આવીને બાબા (સ્વામી અખંડાનંદજીને આશ્રમમાં બધા બાબાના નામથી સંબોધતા) પાસે બેસી ગયા. બાબા ઓરડાની બહારની ઓસરીમાં ખુરશી પર બેસી મંદિરમાં થતાં ભજન સાંભળે છે. ભજન સમાપ્ત થઈ ગયા પછી તેઓ મૌન બેસી રહ્યા. પછી હાથ જોડીને કહેવા લાગ્યા : 

અસતો મા સદ્ગમય । તમસો મા જ્યોર્તિગમય । મૃત્યોર્માઽમૃતં ગમય ।

થોડી વાર પછી કહેવા લાગ્યા : ‘ઈશોપનિષદમાં લખ્યું છે કે જે લોકો આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે પ્રયાસ નથી કરતા તેઓ આત્મઘાતી છે. આ પ્રયાસમાં મૃત્યુ પણ આવી જાય તો તે ય સારું છે. આ આત્મા શું છે ? આત્મા વિશે પહેલાં સાંભળવું પડશે, પછી એનું મનન કરવું પડશે અને ત્યાર પછી ધ્યાન કરવું પડશે. યાજ્ઞવલ્ક્ય મૈત્રેયીને સમજાવે છે કે આત્મા જ સૌથી પ્રિય છે, આત્માને કારણે બધું જ પ્રિય છે :

ન વા અરે પત્યુ: કામાય પતિ: પ્રિયો ભવતિ
આત્મનસ્તુ કામાય પતિ: પ્રિયો ભવતિ ।
ન વા અરે વિત્તસ્ય કામાય વિત્તં પ્રિયં ભવતિ
આત્મનસ્તુ કામાય વિત્તં પ્રિયં ભવતિ ।
ન વા અરે સર્વસ્ય કામાય સર્વં પ્રિયં ભવતિ
આત્મનસ્તુ કામાય સર્વં પ્રિયં ભવતિ ।

(બૃહ. ઉપ.૪-૫-૬)

‘એક માત્ર આત્મ વસ્તુનું જ અસ્તિત્વ છે, બીજું કંઈ પણ નથી. આત્માથી જ બધું થયું છે, આત્મામાં જ સર્વ કંઈ સ્થિત છે. બધાંની ભીતર તે જ આત્મા છે, પરંતુ કોઈ કોઈમાં તે સૂતેલો છે. એને જગાડવો પડશે. બધા આ આત્માને અભિવ્યક્ત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ પ્રયાસને સાધના કહે છે. પછી ભલે એ જાણીને કરો કે અજાણ્યે, તમે જે કાંઈ પણ કરી રહ્યા છો તે બધી સાધના છે.’

‘આ જ આત્માની જ્યારે અનુભૂતિ થઈ જશે ત્યારે તમને સર્વત્ર એના જ અસ્તિત્વનો બોધ થશે. આને સિદ્ધિ કહે છે. આ અવસ્થાની પ્રાપ્તિ એ જ જીવનનો ઉદ્દેશ છે. બધાએ ફરીથી એ જ અનુભૂતિ મેળવવી પડશે, કારણ કે એ જ આપણું સ્વરૂપ છે. મારાથી નહિ થાય, હું દુર્બળ છું, એવું ન ધારતા. ક્યારેય પણ મનમાં વિષાદનો ભાવ આવે તો સદૈવ ભગવાનની ગીતામાં કહેલી આ વાણીનું સ્મરણ કરવું:

ક્લૈબ્યં મા સ્મ ગમ: પાર્થ નૈતત્ત્વય્યુપપદ્યતે ।
ક્ષુદ્રં હૃદયદૌર્બલ્યં ત્યક્ત્વોત્તિષ્ઠ પરંતપ ॥

‘હે પાર્થ ! નપુંસકતામાં ન સરી જા, આ તને શોભા દેતું નથી. હે પરંતપ ! હૃદયની આ તુચ્છ દુર્બળતાનો ત્યાગ કરીને ઊઠ, ઊભો થા.’ (ગીતા – ૨ / ૩)

‘અર્જુને વિચાર્યું હતું — હું નહિ કરી શકું. આ મારાથી નહિ થઈ શકે. પોતાના સગાં-સંબંધીઓને દુ:ખ પહોંચાડવું તેને બદલે પોતે મરી જવું વધારે સારું છે. ભીખ માગીને ખાવું પણ ઉચિત છે. — તેઓ ભૂલી ગયા હતા કે ભગવાન સ્વયં તેમના સારથિ, ગુરુ અને સખા છે. તેઓ માયાથી અભિભૂત થઈ ગયા હતા. એટલા માટે ભગવાન એમને આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે ઉત્સાહિત કરે છે. યુગો યુગોથી તેઓ આ જ કરતા રહ્યા છે.’

‘એમને મેળવવા શું એટલા સરળ છે ? અવતારી પુરુષ સાક્ષાત્ ભગવાન જ છે. એમણે પણ કેટલી બધી તપસ્યા સાધના કરવી પડે છે, તો પછી બીજા લોકોની તો વાત જ શું કરું ! પૂર્ણ હૃદયથી એમને પોકારવા સિવાય બીજો કોઈ ઉપાય જ નથી. માત્ર આટલું જ કહેતા રહો — પ્રભો ! દર્શન દો, દર્શન દો. હું બીજું કંઈ ચાહતો નથી, સ્વર્ગનું સુખ પણ નહિ, એક માત્ર તમને જ ચાહું છું. — આની સાથે જ આવી પ્રાર્થના પણ કરવી જોઈએ — હે પ્રભુ ! મારી ભોગવાસના દૂર કરી દો.

‘સ્વાર્થપરાયણતા અને સંકીર્તણતામાં ડૂબ્યા રહેવાથી આત્મોન્નતિ અસંભવ છે. સુખભોગની થોડી પણ ઇચ્છા રહેવાથી કામ સરશે નહિ. હે પ્રભુ ! હું કયા મોઢે સુખની યાચના કરું ? તમે જ્યારે જ્યારે દેહ ધારણ કર્યો ત્યારે ત્યારે તમને ક્યારેય સુખપ્રાપ્તિ થઈ નથી. તમે તો સર્વાધિક દુ:ખમાં જીવન વિતાવી ગયા છો. રામના રૂપે રાજકુમાર બનીને પોતાના જીવનનો શ્રેષ્ઠતમ કાળ તમે વનવાસમાં વિતાવ્યો અને વનવાસ સમાપ્ત થતાં જ આટલા કાંડ પછી જે સીતાનો ઉદ્ધાર થયો હતો એ જ સીતાને ખોઈ બેઠા. કૃષ્ણના રૂપે રાજપુત્ર બનીને પણ તમે કારાગારમાં જન્મ લીધો. તદુપરાંત સમગ્ર શૈશવકાળમાં પોતાની માતાના દૂધથી પણ વંચિત રહ્યા. ગોવાળિયાઓની વચ્ચે ઉછરીને મોટા થયા. તમારું સમગ્ર જીવન માત્ર યુદ્ધ કરવામાં અને દુષ્ટોનો નાશ કરવામાં વીત્યું. તમને ક્યારેય શાંતિ ન મળી. તમે જગતમાં શાંતિસ્થાપના માટે પ્રયાસ કર્યા, છતાં પણ કુરુક્ષેત્રની અશાંતિની સમગ્ર જવાબદારી તથા દોષ તમારે માથે મઢવામાં આવ્યાં. બધો અભિશાપ તમે તમારા શિરે લઈ લીધો. સિંહાસન માટે ખેલતા રહ્યા, પણ ક્યારેય તમે પોતે રાજસિંહાસન પર ન બેઠા. પોતાની આંખ સામે તમે પોતાના બધાં સગાં-સંબંધીઓને મરતાં જોયાં અને અંતે તમે પોતે પણ પારધિના તીરથી વિંધાઈને પ્રાણત્યાગ કર્યો. બુદ્ધના રૂપે, ઈસુના રૂપે તમે કેટકેટલું કષ્ટ સહન કર્યું ! કેટલાય દિવસો સુધી તો તમને સૂવાની ય જગ્યા ન મળી. આ ઉપરાંત, તમારા પહેલાના અવતારોમાં કોઈ પણ અવતાર મિથ્યા નથી, ધર્મજીવન એ દીવાસ્વપ્ન નથી અને ભોગ એ જીવનનું લક્ષ્ય નથી; એ વસ્તુ બતાવવા માટે પોતાના આ નવીન (શ્રીરામકૃષ્ણ)રૂપે તમે કેટલું કેટલું સહન કરી ગયા.’

‘ઉદ્ધત જગતને દીનતાની ભાવના શિખડાવવા તેઓ આ વખતે દીનતાના – વિનમ્રતાના અવતાર બનીને આવ્યા. એમની પાસે બહારનું કોઈ ઐશ્વર્ય ન હતું. કોઈએ એમને ભૂલથી માળી માનીને ફૂલ લાવવાનું પણ કહ્યું; અને એમણે તરત જ ફૂલ તોડીને લાવી દીધું. એકવાર આવી જ રીતે કોઈએ એમને નોકર ગણીને તમાકુ તૈયાર કરીને લાવવાનું કહ્યું અને તેઓ તરત જ તમાકુ તૈયાર કરીને લાવ્યા. ભિખારીઓનાં એઠાં સાફ કર્યાં, ભંગીનું પાયખાનું પણ સાફ કર્યું.’

‘આપણા માટે બીજો કોઈ ઉપાય નથી. કેવળ નામ-જપ અને નિરંતર એમનું જ ચિંતન અને ધ્યાન કરો. મનને શુદ્ધ કરવા માટે નિષ્કામકર્મ – સેવાધર્મનો આશ્રય લેવો પડશે.’ શ્રીચૈતન્ય મહાપ્રભુ વિશેષ કરીને નામપ્રચાર કરવા આવ્યા હતા. તેઓ કહે છે :

નામ્નામકારિ બહુધા નિજસર્વશક્તિ:
તત્રાર્પિતા નિયમિત: સ્મરણે ન કાલ: ।

એતાદૃશી તવ કૃપા ભગવન્ મમાપિ
દુર્દૈવમીદૃશમિહાજનિ નાનુરાગ: ॥

‘તમારાં અનેક નામ છે અને એમાંથી પ્રત્યેક સમાનરૂપે શક્તિસંપન્ન છે. તમારું નામ લેવા માટે ન તો કોઈ નિશ્ચિત સમય છે, ન સ્થાન. તમે એટલા બધા કૃપાળુ છો, છતાં ય હે નાથ ! હું એટલો બધો અભાગિયો છું કે મને તમારાં કોઈ નામમાં અનુરાગ ન થયો.’

‘જ્યારે ચૈતન્યદેવ પોતે આવી વાત કહે છે તો બીજાની તો શું વાત કરવી ? પરંતુ અવતારી પુરુષ પોતાના ઉપર જીવભાવને આરોપીને તેના જ ભાવથી તેઓ બોલે છે.’

‘આજનો યુગધર્મ પહેલાંના બધા યુગધર્મો – જ્ઞાન, ભક્તિ અને કર્મનો સમન્વય છે. જ્ઞાન જોઈએ, ભક્તિ જોઈએ અને કર્મ પણ જોઈએ. માત્ર એમાંથી એકના રહેવાથી કંઈ થશે નહિ – બધાં જ જોઈએ, બધાં જ જોઈએ. શ્રીઠાકુર- સ્વામીજીનો આદર્શ સર્વાંગપૂર્ણ છે. એ જ જ્વલંત આદર્શ જીવન સમક્ષ રાખીને ચાલવું પડશે. બીજું વધુ હું શું કહું ?’

‘એ જ ત્યાગ-તપસ્યા અને સાધના, વળી પાછો એ જ પ્રેમ, પરદુ:ખ કાતરતા અને બધાંના દુ:ખ દૂર કરવાનો પ્રાણપણે પ્રયાસ – આ જ જીવન છે, આ જ ઉદ્દેશ્ય છે. જીવનમાં પગલે પગલે આ જ આદર્શ મનમાં રાખીને ચાલી નીકળો, એનાથી બધું થઈ જશે, અવશ્ય થઈ જશે. આપણે એનાથી દૂર નથી, પરાયા નથી; એમણે કહ્યું છે – થશે.’

Total Views: 138

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.