ભારતની સંસ્કૃતિ-સભ્યતાના સૌથી પ્રાચીન મૂળસ્રોત ઋગ્વેદમાં વિશાળ મહાસાગરના ઉલ્લેખ સાથે સાત મહાનદીઓનો પણ ઉલ્લેખ થાય છે. આ સાત મહાનદીઓ વિશ્વની સૌથી ઊંચી પર્વતમાળા હિમાલયમાંથી નીકળીને સાગરમાં વહેતી હતી. ઋગ્વેદકાળની અત્યંત મહત્ત્વની નદી, સિંધુ પંજાબની મોટી નદી છે. આ સિંધુ નદીનો મોટા ભાગનો જલપ્રવાહ જો કે અત્યારે ભારતમાં નથી પણ હકીકત એ છે કે સિંધુ શબ્દ પરથી ‘Indus’ આવ્યો. એ શબ્દ પરથી ભારતનું નામ ‘India’ થયું. ઈ.સ.૧૯૨૦માં સિંધુ નદીના તટે વિકસેલી સિંધુસંસ્કૃતિ કે હડપ્પન સંસ્કૃતિનું સંશોધન થયું ત્યારે તે મહદંશે સિંધુસંસ્કૃતિ તરીકે ઓળખાતી. પરંતુ, વાસ્તવિકતા અને હકીકત એ છે કે ભારતની પ્રાચીન સંસ્કૃતિ સરસ્વતી નદીની આજુબાજુ વિકસી હતી. આ નદી તત્કાલીન યુગની-વૈદિકકાળની સૌથી વધુ મહત્ત્વની અને વિશાળતમ નદી હતી. એટલે આ પ્રાચીન સિંધુ સંસ્કૃતિને સરસ્વતીસંસ્કૃતિ કહેવું વધારે યોગ્ય ગણાશે. કારણ કે અત્યાર સુધીમાં સંશોધિત થયેલાં ૨૬૦૦ જેટલાં પુરાતત્ત્વ સ્થળો-નગર આયોજનોમાંથી ૮૦% જેટલા પુરાતત્ત્વ સ્થળો અને નગર આયોજનો આ સૂકાઈ ગયેલી સરસ્વતી નદી પર વિકસ્યાં હતાં. ઋગ્વેદમાં આ સરસ્વતી નદીને માત્ર ‘દિવ્યમાતા’ તરીકે નહિ પરંતુ એને ‘જ્ઞાનદાયિની માતા’ તરીકે પણ વર્ણવવામાં આવી છે. એમને વેદોની માતા પણ ગણવામાં આવી છે અને વેદોના મંત્રો પણ એ મહાનદીની પ્રેરણાથી રચાયાં છે. વૈદિક સાહિત્યના બ્રાહ્મણગ્રંથોમાં પણ આવાં જ્ઞાનસત્રો થતાં હતાં એવો ઉલ્લેખ જોવા મળે છે. ઋગ્વેદ (૨/૪૧/૧૬) કહે છે :

અમ્બિતમે નદીતમે દેવિતમે સરસ્વતિ ।
અપ્રશસ્તા ઇવ સ્મસિ પ્રશસ્તિમમ્બ નસ્કૃધિ ॥

હે શ્રેષ્ઠમાતા, શ્રેષ્ઠનદી, દેવીશ્રેષ્ઠ માતા સરસ્વતી! અમે યશ વિહોણા છીએ અમને તેજોમય કીર્તિ આપો.

 વળી, ઋગ્વેદ (૬/૬૧/૧૦) કહે છે : 

ઉત ન: પ્રિયા પ્રિયાસુ સપ્તસ્વસા સુજુષ્ટા ।
સરસ્વતી સ્તોમ્યા ભૂત્ ॥

‘હે સરસ્વતી ! જેને સાત બહેનો (નદીઓ) છે, તે અમારાં પ્રિયજનોથી પણ પ્રિયતમા છે. તમો અમારા પર હંમેશાં કૃપાદૃષ્ટિ કરતાં રહો અને અમારાં આદરણીયા બની રહો.’ આમ, સાત નદીઓમાં સરસ્વતીને શ્રેષ્ઠ નદી તરીકે વર્ણવી છે.

વળી, ઋગ્વેદ (૭/૯૫/૧-૨) કહે છે : 

પ્ર ક્ષોદસા ધાયસા સસ્ર એષા સરસ્વતી ધરુણમાયસી પૂ: ।
પ્રબાબધાના રથ્યેવ યાતિ વિશ્વા અપો મહિના સિન્ધુરન્યા: ॥

એક સારથિ જેમ રથમાં બેસીને માર્ગ કાપે છે – બધી અવરોધોને દૂર કરીને આગળ ધપે છે – તેમ આ મહાનદી સરસ્વતી લોખંડી તાકાતવાળા શહેરની જેમ મક્કમપણે અને ત્વરાથી પોતાના મહાજલપ્રવાહ સાથે બીજાં જલપ્રવાહોને પણ સાથે વહાવતી વહે છે.

એકાચેતત્સરસ્વતી નદીનાં શુચિર્યતી ગિરિભ્ય આ સમુદ્રાત્ ।
રાયશ્ચેતન્તી ભુવનસ્ય ભૂરેર્ઘૃતં પયો દુદુહે નાહુષાય ॥

હિમાલયની ગિરિમાળાઓમાંથી નીકળતી આ પાવન સરસ્વતી નદી મહાસાગર સુધીના પોતાના વહેણમાં નહુષની વિનંતીને ધ્યાનમાં રાખીને દૂધ,ઘી, પાણી, મધ જેવી અમૂલ્ય સંપત્તિઓ એના કિનારે વસેલા લોકોને આપતી જાય છે.

નહુષ વૈદિકકાળના મહાન પૂર્વજો-આર્યોમાંના એક અને તેઓ મનુપુત્ર તરીકે જાણીતા છે. આ પરથી આપણને ખ્યાલ આવે છે કે વૈદિકકાળમાં વર્ણવેલી આ સરસ્વતી નદીએ હિમાલયમાંથી નીકળીને વહેતાં વહેતાં એક મહાન સંસ્કૃતિને વિકસાવી અને એ નદી બીજી બધી વૈદિકકાળની એ પ્રદેશમાં વહેતી નદીઓ કરતાં શ્રેષ્ઠ અને મહાન નદી તરીકે જાણીતી હતી. તદુપરાંત ઋગ્વેદે (૭/૩૬/૬)માં કહ્યું છે : 

આ યત્સાકં યશસો વાવશાના: સરસ્વતી સપ્તથી સિન્ધુમાતા ।
યા: સુષ્વયન્ત સુદુધા: સુધારા અભિ સ્વેન પયસા પીપ્યાના: ॥

‘બીજી બધી નદીઓ સાથે બંને કિનારાની ભૂમિને ફળદ્રૂપ બનાવીને પુષ્કળ અન્ન આપતી અને પોતાનાં શીતળ-પાવનકારી જળથી લોકોને પોષતી સિંધુમાતા સરસ્વતી વહેતી રહો.’

આમ, સરસ્વતીને સિંધુનદીની પણ માતા તરીકે વર્ણવી છે. આ સપ્તસિંધુ – સાત નદીઓમાં સરસ્વતી ઉપરાંત સિંધુ, શતદ્રુ (સતલજ), વરુષ્ણી (રાવિ), આસિકની (ચેનાબ), વિતસ્તા (જેલમ), વિતસા (બિયાસ)નો સમાવેશ થાય છે. દૃશદ્વતી અને અપયા વાસ્તવિક રીતે સરસ્વતી નદીની પ્રશાખાઓ હતી.

પૌરાણિક સાહિત્યો દ્વારા આપણને જાણવા મળે છે કે પ્રાચીનકાળમાં મહાનદી સરસ્વતી અને બીજી સિંધુ વગેરે નદીઓ ખંભાતના અખાતથી માંડીને નર્મદાના મુખપ્રદેશસુધી વિસ્તરેલી હતી. સિંધુ કે સિંધુસાગરનો આ મુખપ્રદેશ એ વખતે ‘કચ્છ’ તરીકે જાણીતો હતો. અત્યારે પણ આ પ્રદેશને આપણે ‘કચ્છ’ના નામે ઓળખીએ છીએ. આ ખાડી વિસ્તાર એટલે કે સરસ્વતી નદી જ્યાં દરિયાને મળે છે તે મુખપ્રદેશમાં પૌરાણિક યુગમાં કેટલાક ટાપુઓનો ઉલ્લેખ મળે છે. એમનાં પૌરાણિક નામો છે : ‘શાંતિમતિ’, ‘દ્વારિકા’, ‘પાંચજન્ય’ (આજનું માંડવી-કચ્છ) અને ‘રામણકમ્’ (આજનું પાકિસ્તાનમાં આવેલું સિંધ-હૈદરાબાદ). આ ખાડી વિસ્તારનો પૂર્વભાગ જેમાં પશ્ચિમ રાજસ્થાન અને મથુરા અને કુરુક્ષેત્રની આસપાસના વિશાળ મેદાનોનો સમાવેશ થાય છે તે ભૂમિ વ્રજભૂમિ તરીકે જાણીતી હતી અને છે. આ ભૂમિ પ્રાચીનકાળમાં સરસ્વતી નદીના જલપ્રવાહને કારણે અત્યંત ફળદ્રૂપ હતી. મહાભારતના શલ્ય પર્વમાં બલરામે દ્વારિકાથી સોમનાથ થઈને મથુરાની યાત્રા સરસ્વતી નદીના કિનારે કિનારે કરી હતી તેનું વિગતવાર વર્ણન છે. બલરામના આ યાત્રાવર્ણનોમાં આ વિશાળ પણ સુકાતી જતી સરસ્વતી નદીના કિનારે આવેલ કેળવણી અને જ્ઞાનધામ સમા ઋષિઓના અસંખ્ય આશ્રમોની મુલાકાતોનાં વર્ણનો પણ આવે છે. આ સરસ્વતી નદી ધીમે ધીમે શુષ્ક બનતી જતી હતી, તેનો જલપ્રવાહ ધીમે ધીમે સૂકાતો જતો હતો, ક્ષીણ થતો જતો હતો અને અંતે સાવ ક્ષીણ થઈને એ નદીનો તટ પ્રદેશ કોરો ધાકોડ થતો ગયો. આને કારણે વૈદિકકાળની આ નદીની ઐતિહાસિકતા સામે એક પ્રશ્નાર્થ ચિહ્ન મૂકાઈ ગયું અને એ નદીને લોકકથા, દંતકથાની નદી તરીકે કેટલાક વિદ્વાનો ગણવા લાગ્યા. ૧૯મી સદીના કેટલાક પાશ્ચાત્ય, સંસ્થાનવાદી વિદ્વાનોએ તો એને એક સાચી નહિ પણ કાલ્પનિક કે રહસ્યમય નદી તરીકે ગણાવીને જાણે કે એના અસ્તિત્વનો છેદ જ ઉડાડી દીધો. પણ આશ્ચર્યની વાત તો એ છે કે સી.એફ. ઓલ્ડહેમ નામના એક અંગ્રેજ એન્જિનિયરે આશરે ૧૦૦ વર્ષ પહેલાં આ સરસ્વતી નદીને ફરીથી સંશોધનનો વિષય બનાવીને એ વિષયને, આ મહાનદી સરસ્વતીની વાસ્તવિકતાના વિષયને ફરીથી જીવતો કર્યો. તેઓ માત્ર વર્ષાઋતુમાં વહેતી ઘાઘર નદીના સૂકા પટ પર ઘોડેસવારી કરીને જતા હતા ત્યારે એમના મનમાં વિચાર આવ્યો કે ત્રણ કિલોમિટર જેટલી પહોળાઈના આ વિશાળ નદીનો પટ ત્યારે જ સંભવી શકે કે અહીં ભૂતકાળમાં કોઈ મહાનદી પોતાના વિશાળ જલપ્રવાહ અને પટ સાથે વહેતી હોય અને એની દૃષ્ટિએ તેઓ સાચા હતા. પણ, ૧૯૭૦ના મધ્ય સુધી આ વિશે કોઈ સંશોધનો, ચર્ચા કે વધુ વાતો થયાં નહિ. ૭૦ના દાયકાના મધ્યભાગ પછી (CAZRI)ના સુખ્યાત ભૂસ્તરશાસ્ત્રી બિમલ ઘોષે એ જમાનાના ઉપગ્રહથી ઉપલબ્ધ ચિત્રો દ્વારા તારણ કાઢ્યું કે પંજાબથી રાજસ્થાન સુધીના વિસ્તારમાં પ્રાચીનકાળની કોઈ મહાન નદીના પ્રવાહના પ્રમાણોનો સંકેત આ ચિત્રો આપે છે; ભલે એ ભૂતકાળમાં વિપુલપાણીના પ્રવાહ સાથે વહેતી હોય પણ અત્યારે તે સાવ સુકાઈ ગઈ છે. ૧૯૭૦માં સેટેલાઈટનાં ચિત્રોએ પ્રથમવાર જે સાચા સંકેતો આપ્યા હતા એ હકીકતનું સમર્થન ૧૯૯૬માં ઇન્ડિયન રિમોટ સેન્સીંગ સેટેલાઈટે રાજસ્થાનની અત્યંત શૂષ્ક રણભૂમિની અંદર રહેલા પાણીના સ્રોતના સંકેતો આપતાં ચિત્રો દ્વારા કર્યું છે. 

જોધપુરથી ૪૦૦ કિ.મી. દૂર સરકારના વૈજ્ઞાનિકો, તંત્રજ્ઞો, ભૂસ્તરશાસ્ત્રીઓ, રાજસ્થાનની મરુભૂમિમાં આ સુકાઈ ગયેલી સરસ્વતી નદીના પટમાં આવેલા ઘંટિયાલજી અને એના જેવાં બીજાં સાત સ્થળોએ શારકામ દ્વારા સંશોધનનું કાર્ય શરૂ કર્યું. ત્રણમાળ જેટલા ઊંચા શારકામ કરતાં મશીનો દ્વારા ૭૦થી વધુ મીટર ઊંડાઈ સુધીમાં રહેલા માટી અને પાણીના નમૂના પોતાની મૂળ સ્થિતિમાં રાખીને એમ ને એમ બહાર કાઢ્યા.આ નમૂનાઓ જાણે કે એક ઐતિહાસિક સત્યનું વર્ણન કરે છે. દરેક સ્તરના એકેએક નમૂનો ભૂતકાળની એકેએક બાબતનો ઈતિહાસ પ્રગટ કરે છે. સાથે ને સાથે તત્કાલિન આબોહવા, ભૌગોલિક પરિસ્થિતિની વાત પણ આપણને કહી દે છે. ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરમાં જ્યારે આ પાણીના નમુનાઓનું કાર્બનડેઈટિંગ મેથડ દ્વારા પરીક્ષણ થયું ત્યારે જાણવા મળ્યું કે આ પાણીના નમુનાઓ ૩૦૦૦ થી ૪૦૦૦ વર્ષ પુરાણા છે. અને આ જ ઋગ્વેદકાળના અંતનો સમય છે. રાજસ્થાનની મરુભૂમિની રેતીના ઢગલાઓ નીચે ભારતનો આ ભવ્ય અને અલિખિત ઇતિહાસ દટાયેલો છે. રિમોટસેન્સીંગના તજ્જ્ઞો, ભૂગર્ભ જલસ્રોત નિષ્ણાતો, પુરાતત્ત્વવિદો, અને ઇતિહાસકારો એ વાત સાથે વધુ સહમત થયા છે અને આ પાણીના નમુનાઓ સરસ્વતી નદીના અસ્તિત્વ વિશેના ધુંધળા જેવા દેખાતા પુરાવાઓને આ દસકામાં ઘણું મોટું સમર્થન મળ્યું છે. આ પુરાવાઓના સંશોધનથી એક વખતની લુપ્ત થયેલી સરસ્વતીના વહેતા પ્રવાહ સાથે સંકળાયેલી એક મહાન સંસ્કૃતિની વાત ખુલ્લી થાય છે કે જેની આજના વર્તમાન લેખિત ઇતિહાસે અવગણના કરી હોય એવું લાગે છે.

પુરાતત્ત્વવિદોએ સિંધુતટ પરથી ૮૬ જેટલાં નગરઆયોજનો શોધી કાઢ્યાં છે, એની સામે ઘાઘર નદીના તટ પરથી ૧૭૫ જેટલાં નગરઆયોજનો શોધી કાઢ્યાં છે. સંસ્કૃતિઓ હંમેશાં નદી કિનારે જ પાંગરી છે, એટલે જ ઘાઘર નદીના સૂકા પટની આજુબાજુમાં ૧૭૫ જેટલાં નગરઆયોજનો વિકસ્યાં હોય તો એ ચોક્કસ પણે બતાવે છે કે આ સ્થળે એક કાળે કોઈ મહાનદી વહેતી હશે અને એ નદી એટલે સરસ્વતી નદી હશે.

આપણો પૌરાણિક ઇતિહાસ, પુરાતત્ત્વવિદોના, વૈજ્ઞાનિકોના આધુનિક સંશોધનો એ દર્શાવે છે કે આ સરસ્વતી સંસ્કૃતિનો અંત આશરે ઈ.સ.પૂર્વે ૧૫૦૦ની આસપાસ થયો હશે. પછી આ સંસ્કૃતિની ભૌગોલિક વિસ્તૃતિ ગંગા-યમુના અને ભારતની બીજી મોટી નદીઓના તટ પર થઈ. વરાહપુરાણ પ્રમાણે આ સરસ્વતી નદી, ઈ.સ.પૂર્વે ૩૭૦૦ની આસપાસથી, મહાભારતકાળથી ધીમે ધીમે તે સુકાતી ગઈ. મનુસંહિતા પ્રમાણે સરસ્વતી નદી રાજસ્થાનના સિરસાની રણભૂમિમાં લુપ્ત થઈ ગઈ.

૧૯૮૦માં પ્રો. યશપાલ અને બીજા નિષ્ણાતોએ લેન્ડસેટ ઈમેજરીનો ઉપયોગ કરીને સરસ્વતી નદીના તટના ભૂગર્ભમાં રહેલા જળસ્રોતનો એક નક્શો તૈયાર કર્યો. હાઈડ્રોજિઓલોજિકલ સ્ટડીઝનો ઉપયોગ કરીને પ્રો. વાલદિયાએ ૧૯૯૬માં હિમાલયના પશ્ચિમ ગઢવાળ વિસ્તારમાંથી નીકળતી અને ખંભાતના અખાતમાં ભળી જતી સરસ્વતી નદીના લુપ્ત પ્રવાહનો એક વિસ્તૃત અને વિગતવાર નક્શો તૈયાર કર્યો. ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરના નિષ્ણાંત ડો. એસ.એમ. રાવ અને કે.એમ. કુલકર્ણીએ હિમાલયમાં રહેલા મૂળથી રાજસ્થાન, ભવાલપુર, સિંધ અને કચ્છના રણમાં થઈને વહેતી સરસ્વતી નદીના પ્રવાહપટને લેન્ડસેટ-ઈમેઝરી ટેકનિકના આધારે શોધી કાઢ્યો હતો. રેડિયોએક્ટિવ આઈસોટોપ ટ્રિટિયમના ઉપયોગથી પાણીનો સમયકાળ નક્કી કરીને તેમજ વૈદિક અને પૌરાણિકકાળના તદ્વિષયક વર્ણનો સાથે એની તુલના કરીને આપણા વિદ્વત સમાજે પ્રમાણિત કરવાનો પ્રયાસ કર્યો છે કે ભૂમિગત રહેલા આ જળસ્રોત એ મહાનદી સરસ્વતીના જળસ્રોત હોઈ શકે છે.

ઐતિહાસિક અનુસંધાનો અને ભૂસ્તરવિદ્યાની સહાયથી આ તારણો કાઢ્યાં છે એ ખરું પણ એ સિવાય આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિઓ જેવી કે glaciology, geomorphology, hydrogeology, palaeoclimatology, seismic studies, geoarchaeology, satellite-imagery, oceanography, luminescence chronology methods અને groundwater dating methods આ સંશોધનને પ્રમાણીત કરવામાં મહત્ત્વનું યોગદાન કરે છે. લુપ્ત થયેલી આ વૈદિક સરિતા સરસ્વતીના સૂકાયેલા પટને શોધી કાઢીને તેની શાખા, પ્રશાખાઓ સહિત તેને પુન: જીવંત કરવા ઘણા પ્રયાસો થઈ રહ્યા છે. ડો. એસ. કલ્યાણરામન્ જે Asian Development Bankના એક ભૂતપૂર્વ કાર્યપાલક હતા અને હાલ એક સક્રીય Indologist તરીકે વિખ્યાત છે. તેમણે આ સરસ્વતી નદીને પુન: જીવંત કરવાની એક આંતરરાષ્ટ્રિય ઝૂંબેશ ઉપાડી છે.

તેમણે ચેન્નાઈમાં એક સરસ્વતી સિંધુ રિસર્ચ સેન્ટરની સ્થાપના કરી છે અને http/sarasvati.simplenet.com નામની website દ્વારા સરસ્વતી-સિંધુ સંસ્કૃતિ વિશેની ઘણી સંશોધન સામગ્રી જેવી કે વૈદિક અને પૌરાણિક સંદર્ભો, આધુનિક વૈજ્ઞાનિક શોધખોળ અને તેમના ઐતિહાસિક અને સામાજિક પાસાઓ વગેરે વિશ્વની ઉપલબ્ધ કરી છે. સરસ્વતી નદીના પુન:જીવંત કરવાના સર્વક્ષેત્રિય પ્રયાસોનું એકીકરણ કરવા માટે એક સાર્વગ્રાહી બોર્ડ ‘સરસ્વતી રિવર બેસિન ઓથોરિટી’ની સ્થાપના કરવાનો પણ પ્રયાસ તેઓ કરે છે. અન્ય વિદ્વાનો અને વૈજ્ઞાનિકો જેવા કે ભારતના એસ.આર. રાવ, બી.પી.રાધાકૃષ્ણ, એસ.એસ.મેર, શ્રિધર, જે.એન.માલિક, ડો. વિ.એન. મિશ્રા, બી.બી. લાલ, એસ.પી. ગુપ્તા, આર.એસ. બીશન, જે.પી. જોષી, શુભાષ કાક અને પશ્ચિમના ડેનિડ ફ્રોલી, કોનરાડ એલ્સ્ટ, એમ.આર. મુઘલ, જી.એલ. પોશેલ, જીમ. શેફર, જે.એમ. કેયોનેર, કોલિન રેનફ્યુ, જી. એફ. ડેલ્સ, વગેરેએ પણ આ સંશોધનકાર્યમાં મહત્ત્વનું પ્રદાન કર્યું છે.

વૈદિકકાળની આ સરસ્વતીના પુન: સંશોધનના પ્રયાસોથી અને એની પ્રાચીનતા એક વાતને તો સુનિશ્ચિત કરી આપે છે કે ભારતની આ સંસ્કૃતિ અને વ્યાપ વિશ્વમાં બીજી બધી સંસ્કૃતિઓથી પ્રાચીનતમ તો છે જ તદુપરાંત એનું સાતત્ય આજના કાળ સુધી જળવાઈ રહ્યું છે. એટલે એ તારણ કાઢવું સરળ જ છે કે ભારતીય સંસ્કૃતિએ વિશ્વની બધી પ્રાચીન સંસ્કૃતિઓ જેમ કે સુમેરિયન કે ઈજિપ્શિયન સંસ્કૃતિનાં પારણા ઝુલાવ્યાં છે. પશ્ચિમના સંસ્થાનવાદી વિદ્વાનો અને એના આંધળુકિયા અનુયાયી ભારતીય વિદ્વાનો પણ એમ માની લે છે કે ભારતમાં પ્રાચીનકાળમાં રાષ્ટ્રિયતાની વિભાવના જ ન હતી અને તે વિભાવના સમ્રાટ અશોક અને મોગલોના સામ્રાજ્ય દરમિયાન જ જન્મી હતી. પણ વૈદિક સરસ્વતીની આ સંશોધિત ઐતિહાસિકતા અને તેના લોપનો ‘મહાભારત’ જેવા ઐતિહાસિક ગ્રંથમાં ઉલ્લેખ એ સ્પષ્ટ રીતે પૂરવાર કરે છે કે ભારતની મહાન, વ્યાપક અને વિકસિત વૈદિક સંસ્કૃતિમાં સાતત્ય અને રાષ્ટ્રભાવના ભરપૂર ભર્યા હતા. ઋગ્વેદ (૧૦/૧૨૫ દેવીસૂક્ત)માં ‘રાષ્ટ્રી’ શબ્દ વૈદિકકાળના ‘રાષ્ટ્ર’ શબ્દનો સંકેત છે. અહં રાષ્ટ્રી સંગમની વસૂનાં ચિકિતુષી પ્રથમા યજ્ઞિયાનામ્ – ‘હું રાષ્ટ્રી (રાષ્ટ્રદેવી) છું અને બધાને સમૃદ્ધિ આપનારી છું.’ વગેરે… ત્યારપછી ‘મહાભારત’ જેવા મહાન ઐતિહાસિક ગ્રંથની પ્રેરણા આ વૈદિક સાહિત્યમાંથી જ મળી હશે. એટલે જ આ મહાન રાષ્ટ્રિય ઐતિહાસિક ગ્રંથનું નામ ‘મહાભારત’ પાડવામાં આવ્યું છે. કોઈ પણ વિદ્વાન આ મહાભારત ગ્રંથને ગમે તેટલું આધુનિક ગણવા મથામણ કરે તો પણ ઓછામાં ઓછા ઈ.સ.પૂર્વે ૨૦૦૦ વર્ષ પ્રાચીન તો એને ગણવો જ ઘટે. આ મહાભારતમાં આપણને વૈદિક સંસ્કૃતિનો એક વિસ્તૃત, પ્રાચીન અને પ્રવાહિત એવો સાંગોપાંગ ઇતિહાસ સાંપડે છે. તદુપરાંત આ મહાન સંસ્કૃતિની અધિષ્ઠાનભૂમિ તરીકે અફઘાનિસ્તાનથી આસામ અને શ્રીલંકાથી તિબેટ સુધીના ભૂમિભાગનો સમાવેશ થાય છે. આ સંસ્કૃતિના જીવન અને સભ્યતાના બધાં પાસાંઓની વિગતવાર છણાવટ એમાં આપણને મળે છે. પાશ્ચાત્ય દેશોના સાહિત્યકારો અને ઇતિહાસવિદો પોતપોતાના દેશ અને સંસ્કૃતિની ગમે તેટલી ગૌરવ ગાથાઓ ગાયા કરે તો પણ મહાભારત જેવો ભવ્ય શતસાહસ્રી સંહિતાવાળો ઉત્તમગ્રંથ સર્જી શક્યા નથી. આપણે કોઈ દિવસ ‘મહાભારત’ની પેઠે ‘મહાબ્રિટન’ કે ‘મહાયુરોપ’ જેવા ગ્રંથની કલ્પના પણ કરી શકીએ નહિ.

શું આપણાં પ્રાચીન વૈદિકમંત્રો, લાંબી અને શુષ્ક બનેલી સરસ્વતી નદીના રેતાળ કિનારા પરનાં ખંડેરો અને સિંધુખીણની સંસ્કૃતિમાંથી આપણે કંઈ વ્યવહારુ બોધપાઠ કે આપણા માટેની પ્રાસંગિકતા મેળવી શકીએ તેમ છીએ ખરાં ? હા, બે વાત આ પરથી ફલિત થાય છે : એક તો આપણા વેદો, પુરાણ અને ઇતિહાસ, વગેરેના અભ્યાસ દ્વારા ભારતીય પ્રાચીન પરંપરાઓ કહે છે કે હડપ્પન સંસ્કૃતિપૂર્વેની ભારતીય સંસ્કૃતિથી માંડીને સિંધુસરસ્વતીની સંસ્કૃતિ, સરસ્વતીના સૂકાયા પછી ગંગાના તટે વિકસેલી સંસ્કૃતિ – આ બધી સંસ્કૃતિઓ વચ્ચે એક અતૂટ તાંતણો રહ્યો છે. આર્યો કે દ્રવિડોનાં લોકો, ભાષા, સભ્યતાઓ કે દેવીદેવતાઓમાં કોઈ એવી નજરે ચડતી ભેદરેખા જણાતી નથી. બીજી વાત એ છે કે ભારતીય સંસ્કૃતિ યુગો યુગો પર્યંત ટકી રહી કારણ કે તેણે સતત જીવંત રાખતાં અને આવશ્યક તત્ત્વોને – આપણાં શાસ્ત્રોએ પ્રબોધેલા આધ્યાત્મિકતા અને બળને પકડી રાખી, જાળવી રાખીને અને તેની સાથે કેવી રીતે ઉત્ક્રાંત થતાં રહેવું અને સાથે ને સાથે તત્કાલિન ક્ષણિક ઘટનાક્રમને વળગી ન રહીને આજ સુધી સતત પ્રગતિ સાધી છે. અલબત્ત એમાં ક્યારેક સ્થગિતતાના સમયગાળા આવ્યા છે ખરા. આજ વિચારને ધ્યાનમાં રાખીને સ્વામીજીએ કહ્યું હતું: ‘ભારત જો પોતાની આ પ્રાચીન આધ્યાત્મિકતા અને અમૃતત્વની શોધનાની જ્યોતને સતત પ્રગટેલી રાખશે તો ભારત કદીયે મરવાનું નથી, તે અમર રહેશે.’ આ પ્રાચીન પ્રસિદ્ધ આધ્યાત્મિકતા અને બળ સિવાય આજના ભારત સામેના પડકારો ઝીલી શકાશે નહિ. વૈદિકકાળના પ્રાચીન અગ્નિની જ્યોતને આપણી ભીતર ફરી પ્રગટાવવી પડશે અને આજે ય પ્રાચીનકાળના ઋષિઓની જેમ સરસ્વતી માતા આપણી નસેનસમાં વહેતી થશે.

Total Views: 208

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.