પ્રાચીન તેમ જ અર્વાચીન કાળમાં બળવાન અને મહાન પ્રજાઓમાંથી મહાન વિચારો ઉદ્ભવ્યા છે; એક પ્રજા પાસેથી બીજી પ્રજામાં અદ્ભુત ભાવનાઓ લઈ જવાઈ છે; પ્રાચીન તેમ જ અર્વાચીન કાળમાં રાષ્ટ્રિય જીવનની આગળ ધસમસતા જુવાળ દ્વારા મહાન સત્ય અને શક્તિનાં બીજો બહાર વવાઈ ચૂક્યાં છે. પરંતુ મારા મિત્રો ! તમે યાદ રાખજો કે એ બધું હંમેશાં યુદ્ધનાં રણશીંગાના તુમુલ શબ્દે અને લશ્કરનાં ધાડાંઓની કૂચ વડે જ હાંસલ કરવામાં આવ્યું છે. દરેક વિચારને લોહીના ધોધ વડે નવડાવવો પડ્યો હતો. દરેક વિચારને આપણા લાખો માનવ બંધુઓના લોહીની નદીઓ ખૂંદીને આગળ વધવું પડ્યું છે. સત્તાના એકેએક શબ્દની પાછળ લાખોના આર્તનાદ, અનાથોની હૈયાવરાળ અને વિધવાઓનાં આંસુઓ રહેલાં છે. બીજી પ્રજાઓએ જે શીખવ્યું છે તે મુખ્યત્વે આ છે… એક કાળ એવો હતો કે, જ્યારે વિશાળગ્રીક પલટનોની કૂચના ધણધણાટથી ધરતી ધ્રૂજતી હતી. ગ્રીકોની એ પ્રાચીન ભૂમિ, પાછળ પોતાની એક કથની સરખીયે મૂક્યા વિના આ પૃથ્વીના પટ પરથી ભૂંસાઈ ગઈ છે. એક એવો કાળ હતો કે જ્યારે રોમનોનો ગરુડધ્વજ આ દુનિયામાં મેળવવા જેવી દરેક વસ્તુ પર ઊડતો હતો, દરેક જગાએ રોમનની હાક વાગતી હતી, માનવજાતનું મસ્તક એમની એડી તળે ચંપાયેલું હતું; અરે, રોમનું નામ સાંભળતાં ધરતી ધ્રૂજી ઊઠતી. પરંતુ આજે ત્યાંની કેપીટોલીની ટેકરી ભાંગી ભુક્કા થઈ જઈ ખંડિયેર રૂપે જ ઊભી છે; જ્યાંથી સીઝરો સત્તાનો દોર ચલાવતા ત્યાં આજે કરોળિયાઓ પોતાનાં જાળાં બાંધે છે. એવી જ પ્રતાપી બીજી પ્રજાઓ પણ થઈ છે. એ પ્રજાઓ આવી, આનંદભર્યા તમાશા માણ્યા, સમૃદ્ધ રાજસત્તાના તથા દુરાચારભર્યા પ્રજાકીય જીવનના થોડાએક કલાકો કાઢ્યા અને આખરે પાણી પરના પરપોટા પેઠે ફૂટીને અદૃશ્ય થઈ ગઈ…

આપણી પ્રજાનું જીવનકાર્ય કદી રાજકીય મહત્તા કે લશ્કરી તાકાત નથી; એ કદી હતું પણ નહિ અને, મારા શબ્દો લક્ષમાં રાખજો કે એ કદી થવાનું પણ નથી. જીવનકાર્ય તરીકે આપણને સોંપાયેલું કામ બીજું જ છે. તે છે પ્રજાની સમગ્ર આધ્યાત્મિક શક્તિને સંભાળવાનું, જાળવવાનું, જાણે કે એક ડાઈનેમોમાં સંઘરી રાખવાનું, અને જ્યારે જ્યારે સંજોગો સાનુકૂળ હોય ત્યારે ત્યારે એ સંગૃહીત શક્તિને દુનિયા ઉપર પૂરની પેઠે વહાવી દેવાનું. ઇરાનીઓ કે ગ્રીકો, રોમનો, અરબો કે અંગ્રેજો, સહુ લશ્કરી પલટનોને કૂચકદમ કરતી જગત પર ભલે મોકલે, ભલે સમગ્ર જગતને જીતે અને જુદી જુદી પ્રજાઓને સાંકળી લે; ભારતનું તત્ત્વદર્શન અને આધ્યાત્મિકતા તો નવી બનાવેલી નીકો વાટે દુનિયાની પ્રજાઓની નસોમાં વહેવા માટે સદાય તત્પર છે. સમગ્ર માનવસમાજના વિકાસમાં હિંદુના શાંત મગજે પોતાનો ફાળો આપવો જ જોઈએ. જગતને માટે ભારતનું દાન છે આધ્યાત્મિક પ્રકાશ… એકમાત્ર ભારત જ એવો દેશ છે કે જ્યાં માનવી પોતાના ક્ષુદ્ર કુળદેવતા માટે, ‘મારો દેવ જ ખરો છે, તારો નહિ; ન માનતો હો તો આવી જા લડવા સારુ.’ એમ કહીને યુદ્ધે ચડ્યો નથી. કેવળ અહીં જ એવું બન્યું છે કે જ્યાં ક્ષુદ્ર દેવતાઓ માટે યુદ્ધ જેવા વિચારો આવ્યા નથી.

— સ્વામી વિવેકાનંદ

(સ્વા.વિ.ગ્રં.મા. ભાગ-૪, પૃ. ૩ – ૯)

Total Views: 128

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.