ગોવર્ધનરામ વિષે કંઈ લખવું તે દીવો લઈને સૂરજ બતાવવા જેવું છે. તેમની મહત્તા સ્વત: સિદ્ધ છે. નવા તથા જૂના જમાનાના સમન્વયની પ્રાત:સંધ્યાએ તેમની માંગલ્યમૂર્તિ જાણે આપણાં જીવન ને સાહિત્ય પર સદાના આશિષ વરસાવતી હતી અને આજની તેમ જ આવતી કાલની પેઢીને પણ કંઈક બલપ્રદ, ચિરંજીવ અને કલ્યાણગામી દર્શન જોઈતું હશે તો તેમના ભણી નજર કરવી પડશે !

આપણે શ્રાદ્ધ, તર્પણ ને સંવત્સરી નિમિત્તે આપણા પૂર્વજોનું સ્મરણ તાજું રાખીએ છીએ. તેમની કાર્યસિદ્ધિમાંથી મળતી પ્રેરણા આપણી જીવનવાટનું ભાથું બની રહે છે. ગોવર્ધનરામ આપણું એવું જ પ્રેરક અને પૂજ્યારાધ્ય ઠેકાણું છે. 

ગોવર્ધનરામના મહાગ્રંથમાં ધર્મ, રાજકારણ, સમાજસુધાર ને કુટુંબજીવનના માર્ગદર્શનની મબલખ સામગ્રી પડી છે. તે આપણો અમૂલ્ય વારસો છે, પણ આ સ્થળે તો તેમણે કયા આદર્શથી જીવન ઘડયું હતું ને વાણી તેમ જ વર્તનના સંદેશથી આપણી સમક્ષ મૂકયું હતું તે જોઈએ. તેમના પર માત્ર ભગવતી સરસ્વતીની કૃપા હતી એટલું જ નહોતું; એ જીવનના પણ દૃઢ સાધક ને જાગૃત દૃષ્ટા હતા. ઘણી નાની ઉંમરે તેમણે પોતાના જીવનનો નકશો દોરી લીધો હતો, સ્વતંત્ર આજીવિકાથી જીવવાનો ને બેતાળીસમે વરસે નિવૃત્ત થઈ પોતાનો બધો સમય લોકોને ઉપયોગી થાય તેવું સર્જન આપી જવાનો સંકલ્પ કર્યો હતો, અનેક પ્રલોભનો ને મુશ્કેલીઓ વચ્ચે તેમણે આ પણ નિભાવ્યું હતું. આવા અચળ નિશ્ચયબળ ને પ્રગલ્ભ ચિંતનની પાછળ જે જીવનદૃષ્ટિ કામ કરી રહી હતી તે આજે પણ આપણામાં અમૃતસિંચન કરી શકે તેમ છે.

શરૂઆતમાં ગોવર્ધનરામે થોડા અંગ્રેજી નિબંધ લખ્યા હતા. તેમાંનો એક ‘મારી નજરે સક્રિય વૈરાગ્યજીવનની રૂપરેખા’ ખાસ વાંચવા યોગ્ય છે. તેમના જીવનકવનની ઉષારંગી લાલિમા તેમાં પ્રબળ દેખાય છે. વિકાસ પામ્યે જતા તેમના ભીતરની ગુરુચાવી પણ તેમાં જ રહી છે. ગોવર્ધનરામે એ નિબંધ લખ્યો છે ૧૮૭૭માં, બાવીસ વર્ષની કાચી ગણાતી વયે, છતાં આર્ય-તત્ત્વજ્ઞાનના આખરી સોપાન ગણાતા યોગવસિષ્ઠના જીવનમુક્ત પુરુષનું તેમને આ ઉંમરે દર્શન લાધી ગયું લાગે છે. રોજબરોજના જીવનમાં આ આદર્શને કેમ વણવો તે એમણે બતાવ્યું છે. જીવનના બળ વિનાની તત્ત્વદૃષ્ટિ અને આંતરદૃષ્ટિ વિહોણું આંધળું જીવન, બંને કેટલાં નિરર્થક છે તેની એ સુંદર રીતે સ્પષ્ટતા કરે છે. તેમનાં અંગ્રેજી-લખાણમાંથી અહીં આ યથાશક્તિ તરજુમો આપું છું :

યુરોપને જાણે આ જગત સિવાય બીજે કયાંયે રસ નથી. તેને લાગે છે કે આ દુનિયાના ભોગવટામાં જ જિંદગીની બધી કમાણી રહી છે. સામે પક્ષે વિધાતાના હાથનો માર ખાઈ-ખાઈને હિંદુસ્તાન જાણે જગતની ધાંધલ-ધમાલ મૂકી વૈરાગ્યના એકાંત-સેવનમાં જ શાંતિ શોધે છે. હું જે વૈરાગ્યની વાત કરવા માગું છું તે આ નથી. સામાન્ય માન્યતા કરતાં મારું દૃષ્ટિબિંદુ નવું ને જુદું છે. મને તો પોતાના સ્વાર્થોની હોળી કરી વિશાળ અર્થમાં સમાજની સેવા કરવામાં માણસ પોતાનું જીવન સમર્પે એ જ ખરો વૈરાગ્ય લાગે છે !

માણસે પોતાની જાતને પોતાના સ્વાર્થની મધ્યમાં રાખી કેવો સર્વનાશ નોતર્યો છે તેનું ચિત્ર આ પછી એ દોરે છે :

મહાન બેકનનું વાક્ય છે કે માણસના કર્તવ્યનું કેન્દ્ર તે પોતે જ બને તો એ અતિ કંગાળ કેન્દ્ર છે : પણ તેના કરતાં બે પગલાં આગળ વધીને હું કહું છું કે માણસના કર્તવ્યનું કેન્દ્ર એ પોતે જ હોય તો એ ઘણું ઝેરી કેન્દ્ર છે. માણસ પોતાનો સ્વાર્થ સાધવાની જ ઇચ્છા રાખે છે ને તે માટે યત્ન કરે છે. તેથી અંતે તેને સહન કરવું પડે છે. પોતાની જાતને લક્ષમાં રાખી બેસવાનું પરિણામ નિરાશા સિવાય બીજું આવતું નથી.

ત્યારે આપણી સામે કયું લક્ષ્ય અને કઈ કાર્યદિશા રહી છે ? ગોવર્ધનરામ તેનો જવાબ આ પ્રમાણે આપે છે :

આપણા હાથ પહોંચે ત્યાં સુધી જે જે હોય તેમનું યથાશક્તિ ભલું કરવું, એ કાર્યમાં આનંદ અને સુખ મેળવવું ને તેનાં ફળ વિષે સર્વજ્ઞ ભગવાનમાં ભરોસો રાખવો – મને લાગે છે કે જીવનનો સર્વોત્તમ ઉપયોગ કરવાનો આ એક જ માર્ગ છે. આટલું જ નહિ પણ સાથે આપણા આનંદને નક્કર હકીકત બનાવવા માટે પણ તે જરૂરી છે કારણ કે આપણાં કર્તવ્યના પરિણામમાં આનો અંતિમ ધ્યેય તરીકે સ્વીકાર નહીં રહે. આપણે જગત માટે જીવીએ, જગત આપણા માટે નહીં; આ જ આપણી સાચી સ્વતંત્રતા છે, અને તેથી ખરું સુખ છે.

ગોવર્ધનરામના સ્વચ્છ માનસમાં કોઈ ધૂંધળી વાત નથી. આવું નિરપેક્ષ કર્તવ્ય કેવી રીતે શરૂ કરવું તેનો એ વહેવારુ કાર્યક્રમ ઘડી આપે છે. આપણાં સ્વજનો અને કુટુંબથી શરૂઆત કરી વિશ્વકુટુંબને તે બાથમાં લે છે. પણ તે પહેલાં સૌથી અગત્યની વાત એ છે કે વ્યક્તિએ પોતે જ તૈયાર થવાનું હોય છે. તેનું ચારિત્ર્ય જ તેની વાચા બને છે. આચાર એ સૌથી મોટો પ્રચાર છે. આપણે ત્યાં હંમેશાં છાપરે ચડી પોકારાતાં મોટાં મોટાં સૂત્રો કરતાં એકાદા છાના ખૂણે મૂંગી રીતે જીવાતા સાચા જીવનને વધુ મહત્ત્વ અપાયું છે. વિચારોની આતશબાજી કરતાં આચારનું નાનકડું ઝગમગતું કોડિયું વધારે સ્થિર પ્રકાશ આપી શકે છે. ને આપણી ગરીબ દેશની ઝૂંપડીમાં એ જ પૂજાતું આવ્યું છે. ગોવર્ધનરામની નજર બહાર આ વાત નથી. સામાન્ય જીવનમાં રહીને અસામાન્યતા પ્રગટાવતા પુરુષોત્તમનું, આપણી નજર સમાય અને જીવનમાં પ્રયત્નશીલ રહીએ તો ઝિલાય, જીરવાય, એવું સુરેખ દર્શન એ તેથી જ આપે છે.

ગોવર્ધનરામનો આદર્શવીર વૈરાગ્યવાન છતાં હિમાલયની ગુફાનો રહેવાસી નથી કે ચમત્કારી મહાપુરુષ પણ નથી. એ તો આપણા જેવો જ સામાન્ય છે, આપણી વચ્ચે જ રહે છે, તે છતાં આપણાં અને તેનાં જીવતરમાં આસમાન-જમીન જેટલું અંતર છે. આપણે જે જીવનમાં હાયહાય કરતાં માર્યા ફરીએ છીએ એ જ જીવન પ્રસન્નતાથી અને બીજામાં પ્રસન્નતા રેડતો એ જીવે છે. આ ચમત્કાર તો ખરો, પણ તેના રહસ્યની ચાવી આંખ ઉઘાડીએ તો આપણા હાથમાં જ પડી છે. ગોવર્ધનરામ આ વૈરાગ્યવીરના જીવનનાટકની ઊજળી રેખાઓ બતાવે છે.

આ વૈરાગ્યવીર કમાય છે, ખાય છે, પીએ છે ને આનંદ કરે છે, પણ એ બધું બીજાંઓના સુખને વધારવા ને તે માટે કાર્યશક્તિ વિકસાવવા કરે છે. સમાજના એક સક્રિય સભ્ય તરીકે જ આ બધું કરી તે બેસી રહેતો નથી પણ પોતાના જીવનને હંમેશાં નવા સીમાડા સર કરતી વિજયકૂચ તરફ દોરી જાય છે અને માર્ગમાં મળતી સર્વ આનંદસામગ્રીને તે વધાવી લે છે. સંસારના લોકો અને તેની વચ્ચે એક જ ફરક હોય છે. બીજા સ્વાર્થ ને ગુલામીના માર્યા કાર્ય કરે છે. તૃષ્ણા-રાક્ષસીની સેવામાં ચૂક પડતાં ફટકા ખાઈ યાતના ભોગવે છે ત્યારે આપણા વૈરાગ્યવીરનું સ્વેચ્છાપૂર્ણ મુક્ત સમર્પણ હોવાથી તેનાં ક્રોધભર્યા લાલચોળ નેત્રો સામે તે અભય બની ખડખડાટ હસે છે. પોતાના સર્વ આનંદનો ભુક્કો બોલી જાય તો યે તેનું રૂંવાડું યે ફરકતું નથી.

ભયંકર દરદનો ઉપચાર કરતાં કરતાં પણ તે દરદને હસતે મુખે આવકારે છે. મૃત્યુના શીતળ સુંવાળા ખોળામાં તે નિશ્ચિંત મને માથું મૂકે છે. જીવનની હરેક પળનું સંગાથી સ્મિત છેલ્લો શ્વાસ લેતાં પણ તેના હોઠ પર એવું જ તાજગીભર્યું રમે છે. તેણે કોઈને ધિક્કાર્યા નથી, બધાંને ચાહ્યાં છે. કોઈથી તે ડર્યો નથી, ડરતો નથી… અને જો દુ:ખવિહીન સુખ, વિષાદવિહીન આનંદ જ્યાં હોય તે સ્વર્ગ કહેવાતું હોય તો તેવું સુખ તેને આ પૃથ્વીમાં તેના જીવતાં જ મળી ગયું છે. તેની બાબતમાં તો –

અનંત સૌંદર્યે ફુલ્લ વરદાને પૃથ્વી હસી
પ્રભુએ રૂપ પોતાનું જોયું તે હૃદયે વસી.

બાવીસ વરસના ઊગતા જુવાનમાં આવું ઊંચું ને નગદ જીવનદર્શન આશ્ચર્યકારક છે ! પણ તેજસ્વિતાનાં ન વય: સમીક્ષતો તેજસ્વીઓને કાળનાં માપ જ કેવાં ?

એક વાર ગોવર્ધનરામના વૈરાગ્યવીરની જેમ આપણે ચૈતન્યમયી સમતા મેળવી શકીએ તો દુ:ખી જિંદગી પણ જીવવા જેવી બની જાય. એ માટે કેટલાંક સનાતન પણ નિત્ય નૂતન મૂલ્યાંકનોને સ્વીકારવા તૈયાર રહેવું જોઈએ. અપણી સંસ્કૃતિમાં બ્રાહ્મણજીવનને સર્વોચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે. બ્રાહ્મણ ખરા આત્મા છે. તેને પોતાને માટે કશી કામના નથી છતાં ઉદાસીનતા વિના ઉત્સાહભેર સમાજમાં જીવી એ આદર્શની જ્યોત જલતી રાખે છે. આપણે ત્યાં આદર્શની ગરીબી શું જીવનમાં કે શું કવનમાં – કદી રોકાઈ નથી. પણ સામે પલ્લે ગરીબીનો આદર્શ હિમાલય જેટલો ઊંચો રહ્યો છે. આપણો શ્રેષ્ઠ પુરુષ કોઈ કરોડપતિ નહીં પણ ફૂટી કોડીની યે અંગત મિલકત વગરનો, ભારતની ધૂળ ખૂંદતો કર્મરત ત્યાગવીર રહ્યો છે. ગોવર્ધનરામ તેને આ રીતે વ્યક્ત કરે છે.

જીવનના બધા આદર્શોની સાથે ગરીબીનો આદર્શ પણ હાથ મેળવી રહ્યો છે ને તેમના સમન્વયથી મનુષ્યની સર્વોચ્ચ સ્વતંત્રતાની સ્વાભાવિક અવસ્થાએ ભારતીય આદર્શવાદીએ પહોંચવાનું રહે છે. તેની જન્મજાત મહત્તા પણ ખરા સ્વરૂપે અહીં પ્રકાશે છે. આ સ્થિતિની પ્રાપ્તિ દ્વારા જ બીજાઓના હિત માટે પોતાને ભાગે આવેલું કાંઈ પણ રચનાત્મક કાર્ય એ કરી શકે છે.

આવા મનુષ્યની સર્વોત્તમ મૂડી સોનારૂપામાં નથી રહી પણ ઊલટી તેના ત્યાગમાં ભરી પડી છે. પોતાના જીવનકાર્યની સફળતા માટે પૈસાનું રોકાણ કરવા કરતાં તે પોતાનું જીવન જ ધરી દે અને આ આદર્શને પામી પોતામાં આત્મસંતોષનો સ્વયંભૂ દીવો પેટાવે છે. તેનો તૃપ્તિદીપ પૂર્ણ રીતે પ્રકાશી રહે છે, ને અંતરાત્માની ચરિતાર્થતાનો તે આનંદ માણે છે. લોકસંગ્રહનું તેનું કાર્ય પણ દીવામાંથી પ્રકાશ પ્રગટે તેમ તેના જીવનમાંથી અનાયાસે બહાર રેલાય છે. અંતરના સાફલ્યનું જાણે કુદરતી બાહ્ય પ્રગટીકરણ હોય તેમ આ પ્રકાશ તેના જીવનની સપાટી પર તરવરે છે.

આ જગત માને ખોળે બેસી ધાવતા બાળક જેવું તેને લાગે છે. તેનાં સર્વ કાર્યો આ બાળકની સૂતેલી ચેતના જગાવવા ને તેને ઉન્નત જીવન તરફ દોરી જવા માટે જ છે. બાકી તેને પોતા માટે પ્રાપ્ત કરવાપણું રહ્યું નથી હોતું. લોકો જેને ચડતી-પડતી, સુખ-દુ:ખ, વૈભવ-ગરીબી કહે છે તેમાંથી કોઈ પણ તેને ફુલાવી કે ગભરાવી મારતું નથી. અજ્ઞાન કે પાપના પડછાયા તેને સ્પર્શી શકતા નથી. કોઈ પણ મનુષ્ય કે ખુદ ઈશ્વરની પણ તાકાતથી તે ઊંચે અને અજેય રહ્યો હોય છે.

ગોવર્ધનરામનો આ જીવનાદર્શ હતો, અને કલમ ને કરણીનાં બંને ક્ષેત્રે તેમણે એ શોભાવ્યો છે. નિવૃત્તિ લીધા પછી કચ્છની દીવાનગીરી માટેનું તેડું ને બીજાં તેડાં તેમણે નકારી કાઢ્યાં હતાં – આપણને અમૂલ્ય વારસો આપી જવા. આ બાબતમાં તેમની ડાયરીનાં પાનાં બહુ ઊજળી વાત કહે છે. તેમણે જેવું લખ્યું છે તેવું જીવી બતાવ્યું છે તેની એ ખાતરી આપે છે.

‘હું પૈસાની દૃષ્ટિએ જરા પણ શ્રીમંત નથી. મારી નાનકડી જરૂરિયાતો માટે મારી પાસે પૂરતું છે. મારી અત્યારની મૂડીમાં જે કંઈ વધારો થાય તેને વધારે ઉમદા અને ઊંચા કાર્યોમાં હું ઉપયોગમાં લઈ શકું.

મારા જીવનમાં વધારે સારાં ને શક્તિસંપન્ન વરસોને અંતે મને આ ચાર લાખ રૂપિયા મળે તેને હું શું કરવાનો હતો ? એ તો કોઈ દાન કે લોકોપયોગના મર્યાદિત કાર્યમાં પૂરા થઈ શકે. એથી કદાચ મને કીર્તિ મળે કે સ્થાનિક કાર્યમાં મદદરૂપ થઈ શકાય. પણ અત્યારના તબક્કે મારા જીવનનાં દસ કે પંદર વર્ષના ભોગને સંપૂર્ણ ન્યાય આપવા સારાં-ઉદાત્ત કાર્ય માટે તે પૂરતાં નથી.

મેં આ એક જ ધ્યેય માટે ધંધો છોડ્યો છે ને નિવૃત્તિ લીધી છે : (૧) તાત્ત્વિક તેમજ આધ્યાત્મિક પરમ કક્ષા પ્રાપ્ત કરવી. (૨) મારા સમગ્ર દેશની સ્થિતિ વિષે અભ્યાસ ને મનન કરવા સમય મેળવવો. આ બંને બાબતોમાં પરિણામો લાવવા હું સમર્થ ન બનું તો પણ એ વિષે વિચાર ને કાર્ય કરવાની ફરજ મને ઘણી મહત્ત્વની લાગે છે. આ માટે જીવનભરની કે મારા જીવનના બાકી રહેલાં તંદુરસ્ત વરસોની જરૂર છે. નિષ્ફળ થાઉં કે સફળ – આ સમય હું ગુમાવી ન શકું.’

ડાયરીનાં આ પાનાં એટલા માટે આપ્યાં છે કે તેમણે જે લખ્યું છે તે માત્ર કલમ-કાગળની રમત નથી, પણ જીવનબળમાંથી જાગતી વાણી છે તેની અનુભૂતિ થાય. ગોવર્ધનરામનો તૃપ્તિદીપ કેટલો તેજસ્વી હતો ને અંગત લાભને તિલાંજલિ દેતી તેમની લોકકલ્યાણની ભાવના કેવી જીવંત હતી તે આથી વધુ સ્પષ્ટ દેખાય છે.

આપણા એ સમર્થ સાહિત્યસ્વામી અને જીવનવીરની પુણ્યતિથિ પ્રસંગે કોઈને પણ આ ઉતારા જરા જેટલા ખપમાં આવશે તો રૂડી વાત છે. ગોવર્ધનરામનો જીવનાદર્શ જાણે કે એક જ શ્લોકમાં આવે છે, આવતો જાય છે.

સુશીલ: સુપ્રસન્નાત્મા સર્વેષાં હિતતત્પર: ।
કુરુત્વંહિ યથાશક્તિ કર્તવ્યે પ્રભુશ્રધ્ધયા ॥

(શીલવંતો સદા-રાજી, બધાનું હિત સાધતો,આચરી ગજું જેવું, હૈયે હરિ આરાધતો.)

Total Views: 41
By Published On: August 18, 2022Categories: Makarand Dave0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram