૧. ભારતમાં માતૃશક્તિની ઉપાસનાનું સ્થાન અને એનું મૂળ

ભારતના તત્ત્વજ્ઞાન, ધર્મ, કલા, સાહિત્યાદિ દ્વારા અભિવ્યક્ત થયેલી માતૃશક્તિની ઉપાસનાનો ઇતિહાસ ઘણો જ જટિલ છે. એનું સૂક્ષ્મ નિરીક્ષણ-પરીક્ષણ કરતાં પ્રાચીનતમ કાળથી અલગ અલગ તત્ત્વોનું નવાઈભર્યું મોટું મિશ્રણ દેખાશે. એણે સગોત્રી દંતકથાઓ અને તત્ત્વજ્ઞાન ઊભાં કર્યાં. ભારતમાં પુરાણકાળમાં માતૃશક્તિની ઉપાસનાનો ઇતિહાસ ભાતીગળ છે. જૂનાને સ્થાને એ કાળે નવા વિચારો અને નવાં રૂપો વિકસ્યાં, સ્થપાયાં. આ વિવિધ રૂપો અને આસ્થાઓ વચ્ચે ય માતૃશક્તિના સાચા ઉપાસકોનું લક્ષ્ય જળવાઈ રહ્યું.

જગતની લગભગ બધી જ માનવજાતિઓમાં ખૂબ પ્રાચીનકાળથી જ માતૃશક્તિના એક યા બીજા રૂપમાં આસ્થા જોવા મળે છે. પરંતુ ભારતમાં તો એના ભવ્ય ભૂતકાળથી માંડીને આજ સુધીની અતૂટ અને વ્યાપક ધારા અને એનો ઉત્તરોત્તર ઊંડો થતો જતો પ્રભાવ દેખાય છે.

નૃવંશશાસ્ત્રીઓને મતે દરેક ધાર્મિક બાબત પાછળ માનવની માનવીકરણ કરવાની વૃત્તિ હોય છે. પછી તે ભય અને આશ્ચર્યની પ્રાથમિક સ્થિતિમાંથી કે પરિપક્વ અને મૂલ્યલક્ષી બુદ્ધિથી જન્મી હોય! માતૃશક્તિની વિધિવિધાન સહ ઉપાસના ધાર્મિક ઉત્સવ રૂપે વિશિષ્ટ સામાજિક વાતાવરણમાં ખાસ કરીને માતૃપ્રધાન પ્રાથમિક સમાજમાં વિકસી હતી. કારણ કે એમાં માતા જ કેન્દ્રસ્થાને હતી. એ વખતે સ્ત્રીઓની આર્થિક ક્ષેત્રે ભૂમિકા અને લગ્નના ચુસ્ત નિયમોનો અભાવ આ માટે કારણભૂત હતાં. સમાજ માતૃવંશી હતો આથી માતા જ સામાજિક અને આર્થિક સત્તાના પ્રતીકરૂપે સ્વીકારાઈ. આથી એમ ધારી શકાય કે આદિકાળના માતૃપ્રધાન સમાજનો ભય અને આશ્ચર્ય પ્રેરિત માનવ કોઈ લોકોત્તર સત્ત્વની શોધ કરતાં આ માતૃરૂપની ધારણા પર ઠર્યો.

ભારતમાં માતૃશક્તિની ઉપાસનાનો વિકાસ જોતાં નૃવંશશાસ્ત્રીઓ કહે છે કે રૂપે રંગે વૈવિધ્યપૂર્ણ આ શક્તિ- ઉપાસના ઘણે અંશે તો આર્યપૂર્વની આદિવાસી પ્રજાની દેન છે. તેમના મતે શક્તિમત તરીકે ભારતમાં આજે જાણીતો સંપ્રદાય આર્ય-અનાર્યના સાંસ્કૃતિના એકીકરણની પૂર્ણતાને કાળે વિકસ્યો. તેમને મતે દેવોવાળો વૈદિકધર્મ તો પુરુષપ્રધાન યુગમાં પછીને કાળે જન્મ્યો હોઈને તેમાં પુરુષદેવોનું બાહુલ્ય અને સ્ત્રીદેવતાની અનુપસ્થિતિ છે. આવું માનવાનું તેમનું કારણ તે વખતે ઇન્ડોઆર્યન પ્રજામાં પ્રચલિત પિતૃપ્રધાન કુટુંબસંસ્થા જ હતી. કેટલાક વળી એવું ય માને છે કે સિંધુખીણની આર્યપૂર્વની સંસ્કૃતિમાં શિવ શક્તિ સાથે કોતરેલી મૂર્તિઓ મોહનજોદરો અને હડપ્પામાંથી મળી છે. એટલે ભારતના કોઈક ભાગમાં કોઈક વાર એ સંસ્કૃતિ ફૂલીફાલી હશે અને પરિણામે માતૃકેન્દ્રી ઉપાસના આવી. કેટલાક ધારે છે કે આ માતૃમૂર્તિ પૃથ્વીની છે, કોઈને મતે કાલી છે. આવી એકબીજીને મળતી આવતી મૂર્તિઓ એશિયાના વિવિધભાગોમાં પથરાયેલી મળે છે. (જુઓ મોહનજોદરો અને સિંધુખીણની સંસ્કૃતિ – જ્હોન માર્શલ, વો.૧,પૃ.૫૦) સિંધુખીણની આ સંભવિત માતૃમૂર્તિઓ માતૃપૂજાનો કોઈ વિશિષ્ટ ઇતિહાસ રજૂ કરતી નથી, પણ એક અતિવિસ્તૃત ધાર્મિક માન્યતા તો બતાવે જ છે.

અમારા મતે માતૃશક્તિની ઉપાસનાના મૂળ તરીકે આર્યેતર સંસ્કૃતિની કલ્પના સ્વીકાર્ય નથી. ભલે આર્યેતર સમાજની માતૃપ્રધાનતાએ ધાર્મિક ચેતનાના વિકાસમાં મહત્ત્વનો ફાળો આપ્યો હોય અને એથી માતૃશક્તિની ઉપાસના જામી ગઈ હોય, એ બધું સાચું હોવા છતાં પણ એટલું અવશ્ય ખ્યાલમાં રાખવું ઘટે કે ‘અનાર્ય’ શબ્દ ‘જંગલી’નો પર્યાયવાચી છે અને જે ‘અવૈદિક’ છે તે ‘અનાર્ય’ હોય જ એવો નિયમ નથી. વળી વેદો પણ સમગ્ર રીતે પ્રાચીન આર્યોની સંસ્કૃતિ બતાવતા હોય એવું નથી.

૨. વેદોમાં મુખ્ય માતૃશક્તિઓ

ભારતના ધર્મ, સાહિત્ય અને સંસ્કૃતિ સંબંધે પ્રાચીનતમ લખાણ વેદો હોવાથી માતૃશક્તિની ઉપાસનાનાં મૂળ એમાંથી શોધીએ. વદોમાં પુરુષદેવોનું પ્રાધાન્ય અને સ્ત્રીદેવતાનું ગૌણત્વ દેખાય છે.

(૧) અદિતિ : વેદનિર્દિષ્ટ માતૃશક્તિઓમાં પ્રથમ સ્થાન અદિતિનું છે. એને ‘દેવમાતા’ કહી છે, એ વિશ્વમાતા પણ છે. અદિતિનું દેવમાતૃત્વ પુરાણોમાં પણ જળવાયું છે પણ ભારતના ધાર્મિક ઇતિહાસમાં કોઈ કાળે અદિતિ લોકપ્રિય માતૃશક્તિ બની નથી.

(૨) પૃથિવી : માતૃશક્તિની ભારતીય વિકાસ યાત્રામાં બીજું સ્થાન પૃથિવીનું છે. એ મહામાતા છે. એની પૂજા લગભગ દ્યૌસ્‌ (આકાશ-પિતા) સાથે જ કરાય છે. છતાં પૃથિવીમાતાનાં સંતાનોએ પેટ ભરીને એની સ્તુતિ કરી છે. ધનધાન્યાદિસંપત્તિ મેળવવા અને રક્ષવા માટે તેમજ મહાપાપોમાંથી છૂટવા માટે એની ઉપાસના કરાઈ છે અને એને ‘મહામાતા પૃથિવી’ કહી છે. (ઋગ્વેદ : ૧.૧૬૮.૩૩) સુખ, શૌર્ય, વંશવૃદ્ધિ અને દીર્ઘાયુ આપવા એને વિનવાઈ છે. ધરતીપુત્રો હોવાનું ગૌરવ અનુભવતા વેદના કવિઓએ પૃથિવીમાં માતાની માયામમતાદિ બધી માતૃભાવનાઓ આરોપી છે. એનાં અભય અને હૃદયની વિશાળતા વખાણ્યાં છે. વિશાળતા, વિવિધતા, ફળદ્રૂપતા વગેરે અસંખ્ય એની ભાતો છે. પછીના અથર્વવેદના પૃથિવીસૂક્તમાં કહ્યું છે : ‘સત્ત્વ, મહત્ત્વ, સૌમ્યતા, ભયંકરતા, શુચિતા, બ્રહ્મ અને યજ્ઞ પૃથિવીને રક્ષે છે… પોષક વનસ્પતિ ધારણ કરતી પૃથિવી અમારે માટે વિસ્તૃત, સમૃદ્ધ બનો. એના ઉપર સાગરો, નદીઓ, હરિયાળાં ખેતરો, ધનધાન્ય, સ્થાવરજંગમ બધું વિકસે છે. પૃથિવી અમને સર્વસંપત્તિ આપો.’ આદિ. આવા આવા લાગણીભર્યા અને માનના સૂરમાં ઋષિઓ પૃથિવી માતાને પ્રણામ અને અંજલિ અર્પે છે.

આ ‘દ્યાવાપૃથિવી’ને માતાપિતા ગણવાનો વિચાર બધા પ્રાચીનધર્મોનું સામાન્ય લક્ષણ કહી શકાય. દ્યૌ: પિતા વર્ષા દ્વારા પૃથિવીમાતામાં ફળદ્રૂપતા ઉપજાવે છે, એ ધાર્મિક મહત્ત્વ ધરાવતી માન્યતા માનવજાતિમાં સંસ્કૃતિના આદિકાળથી પ્રવર્તમાન છે.

એક ધ્યાનપાત્ર વાત એ છે કે ભારતની લગભગ બધી જ આદિવાસી પ્રજાઓના ધર્મમાં આ માતૃશક્તિની પૂજા ખાસ સ્થાન ધરાવે છે ખરી પણ પૃથિવી માતાની ઉપાસનાનો સંદર્ભ લઈને માતૃશક્તિની પૂજાની પ્રચલિત અતિપ્રાચીનતા જોઈને એ વિભાવનાને સિંધુખીણની સંસ્કૃતિની એને મળતી માન્યતા સાથે અથવા વેદોત્તર ભારતીય ધર્મવિચારણાના વિકાસને, એને મળતી આવતી આદિવાસીઓની વિભાવના સાથે જોડી શકાય નહિ.

ઈશ્વરની સર્વવ્યાપકતાના વૈદિક વિચારની દૃષ્ટિએ પૃથિવી માતા અવશ્ય ગૌણ બની જાય, છતાં આપણું ધ્યાન ખેંચે છે. રામાયણમાં તત્કાલીન કૃષિના અતિસૂચક અને વિશિષ્ટ પ્રતીકરૂપ સીતાને પૃથિવી માતાની પુત્રી તરીકે ખેતરમાં ચાસ પાડતા માનવને પૃથિવી દ્વારા જ પ્રાપ્ત થયેલી કહી છે. ટાગોરની કેટલીક ઉત્તમ કવિતાઓમાં પણ એ વિશે ભારતીય માનસ છતું થયું છે.

ઐતરેય બ્રાહ્મણ (૮.૫) પૃથિવીને ‘શ્રી’ કહે છે. પછીનાં કેટલાંક ઉપનિષદો પણ એને ‘શ્રી’ કે ‘લક્ષ્મી’ કહે છે. ‘શ્રી’ની પેઠે પૃથિવી પણ માતૃશક્તિરૂપે વર્ણવાઈ છે. પુરાણ સાહિત્યમાં પૃથિવીને વારંવાર તરેહ તરેહની શક્તિરૂપે વર્ણવી છે. એ ભૂદેવીને વિષ્ણુ સાથે જોડી છે. ગુપ્તકાળની અને તે પછીની શિલ્પકૃતિઓમાં વિષ્ણુની મૂર્તિની એક બાજુ લક્ષ્મી અને ‘ભૂદેવી’ જોવા મળે છે. આ વિષ્ણુ શિલ્પોમાં વૈદિકસૂર્યનું અને આજુબાજુની બે સ્ત્રીમૂર્તિઓમાં પૃથિવીની સમૃદ્ધિ અને ઉત્પાદક શક્તિનું પ્રતિનિધિત્વ જોવા મળે છે.

પુરાણોમાં અનેક દંતકથાઓ હોવા છતાં અને તત્ત્વદર્શનનું તેજ ધારણ કરતાં હોવા છતાં પણ પોતાની ઉપાસનાનો મૂળ સ્રોત ગુપ્ત રાખતાં દુર્ગામાતાની પૂજાની વ્યાપકતા અને વૈવિધ્ય ભારતમાં અને ખાસ કરીને બંગાળમાં પ્રવર્તમાન છે. આપણને પુરાણની એ દુર્ગાપૂજા જાણે વૈદિક પૃથિવીપૂજા સાથે ભળી ગઈ હોય એવી શંકા જાગે છે. કારણ કે, આ માતૃશક્તિના વિવિધ સ્વરૂપોની પૂજા બંગાળમાં નવાપાકને ટાણે જ શરૂ થાય છે. બંગાળના લોકો સામાન્ય રીતે દુર્ગાને પાનખરની દેવી કહે છે. આ પૂજામાં પહેલાં બિલ્વવૃક્ષની ડાળીમાં માતૃશક્તિનું આવાહન કરાય છે. પછીને પગથિયે નવપત્રિકા નામના વૃક્ષ સાથે બીજા આઠ છોડવાઓ વડે સ્ત્રી જેવી આકૃતિમાં એ માતૃશક્તિનું આવાહન કરે છે. એમાં નવપત્રિકાના એકેએક છોડની સ્તુતિઓ ગવાય છે અને એમાં એ બધાંને મુખ્ય માતૃશક્તિ (દુર્ગા)નું જ રૂપ આપવામાં આવે છે. આ માતાને વારંવાર ‘ધાન્યરૂપા’ કહી છે. આ દુર્ગાનું એક નામ ‘શાકંભરી’ પણ છે, એને ‘અન્નપૂર્ણા’ કે ‘અન્નદા’ પણ કહે છે; વસંતઋતુમાં ‘વાસન્તી’ તરીકે પણ પૂજાય છે. પાનખરમાં પાક અને સમૃદ્ધિની દેવી ‘લક્ષ્મી’ તરીકે નવપત્રિકામાં પ્રતિનિધિત્વ કરે છે. આ બધાથી એ સિદ્ધ થાય છે કે ધાન્યની દેવી બની અને પછી વળી ફળદ્રૂપતાની સમૃદ્ધિની દેવી બની. આ બધું બીજું કશું નથી પણ એક જ પૃથિવી માતાની શક્તિનાં વિવિધરૂપો જ છે.

આ પૌરાણિક દુર્ગા કે ચંડીને અભાનરૂપે અપાયેલું ‘ભ્રમરી’ (મધુમક્ષિકા) નામ પણ એની પૃથિવીમાતા સાથેની એકતા સિદ્ધ કરે છે, એમ વિદ્વાનો માને છે. વેદોમાં પૃથિવીને અનેકવાર મધુ સાથે જોડી છે. મધુમતી તે મધ આપે છે, તે મધછલકાતી મધુરૂપા છે; બધા પ્રકારના મધનું તે અધિષ્ઠાન છે. ભારતનાં ગામડાંમાં ગૃહમાતા તરીકે પૂજાતી માતૃશક્તિના વિવિધરૂપોમાં લગભગ બધી જ પૃથિવીમાતાના એક યા બીજા રૂપનું પ્રતિનિધિત્વ કરે છે. આમ ઠેઠ વૈદિકકાળથી આજ સુધી માતૃશક્તિની ઉપાસના ભારતમાં સતત ચાલુ રહી છે.

(૩) સરસ્વતી : અન્ય વૈદિક માતૃશક્તિઓમાં ખાસ ઉલ્લેખનીય સરસ્વતી છે. ભારતમાં ખૂબ મહત્ત્વ ધરાવતી આ માતા હજુયે મોટે પાયે પૂજાય છે. મૂળે એ ઋગ્વેદકાળમાં મહત્ત્વની પવિત્ર નદી હતી. પછીથી એ લોકમાતા બની. નદીનું શીત, પાવન, નિર્મળ, સ્વાદુ જળ વારંવાર માતાના પોષક દૂધ સાથે સરખાવાતું. નદીને માતા માનવાના વલણ સાથે એને દિવ્ય માનવાનું વલણ ભારતમાં નદીરૂપ માતૃશક્તિની પૂજા-ઉપાસનાનું મૂળ છે. ગંગા માતૃરૂપે પૂજાય છે અને બંગાળના કેટલાક ભાગોમાં રૂઢિવાદી કુટુંબોમાં લગ્નોત્સવ સાથે એક ધાર્મિક વિધિ તરીકે ગંગાપૂજા અનિવાર્ય ગણાય છે. પુરાણયુગની કિંવદંતીઓએ ગંગાને પૂર્ણમાતૃશક્તિ બનાવી છે; બ્રહ્મા, વિષ્ણુ, મહેશ સાથે એક યા બીજી રીતે જોડાયેલ છે. આજે ય અસંખ્ય હિંદુઓ ગંગાના પાણીમાં અમુક સમય સુધી કેડ સુધી ઊભા રહેવાથી શાશ્વત શાંતિ મળે છે એમ માને છે. ગંગામાં અસ્થિ પધરાવવાનો રિવાજ તો જાણીતો છે. પુરાણકથા પ્રમાણે યમુના નદી પણ સૂર્યદેવની પુત્રી છે. પણ એની માતા તરીકેની ખ્યાતિ તો તેના તટ પર ગોપીઓ સાથે પ્રેમચેષ્ટા કરતા વૃંદાવનવિહારી દિવ્યગોપાલ કૃષ્ણ સાથેના સંબંધથી જ છે.

ઋગ્વેદના સરસ્વતી સ્તુતિના મંત્રો અને એને વારંવાર અપાયેલી અંજલિઓ એવું માનવા પ્રેરે છે કે સરસ્વતી ફકત નદી જ નથી પણ નદીની અધિષ્ઠાત્રી માતૃશક્તિ છે. ઋગ્વેદના એકમંત્રમાં સરસ્વતીને શ્રેષ્ઠ માતા, શ્રેષ્ઠ નદી અને શ્રેષ્ઠ માતૃશક્તિ કહી છે. અને યજ્ઞમાં એનો ભાગ રખાયો છે. એના વિકાસની અન્ય દિશામાં એને ‘વાક્‌’નું રૂપ અપાયું છે. એ એના વિકાસનો એક નવો વળાંક છે. ભારતમાં જ નહિ, પડોશના પૂર્વમાં જાવા, તિબેટ, જાપાન વગેરે દેશોમાં પણ સરસ્વતીની મૂર્તિઓ મળી છે. ફિલસૂફીની દૃષ્ટિએ સરસ્વતી જ્ઞાનનું વહેણ સૂચવે છે. એ પ્રવાહ શાશ્વત છે. અને જે ‘વાક્‌’ છે, એ સરસ્વતીનો પર્યાય છે. વૈદિક સાહિત્યમાં સરસ્વતીનો બીજી બે ઇંડા અને ભારતી નામની બે દેવીઓ સાથે ઘણે ઠેકાણે સબંધ છે. કેટલીકવાર વ્યાખ્યાકારોએ એ ત્રણેયને એક જ વાક્‌ શક્તિનાં ત્રણ પાસાં તરીકે લીધેલ છે. એકવાર ગાંધર્વો અને દેવોએ આ વાક્‌દેવીને જીતવા-રીઝવવા વીણા પર આજીજીભર્યાં ગીતો ગાયાં હતાં. આ દંતકથાઓ સરસ્વતીનો ‘જ્ઞાનની માતૃશક્તિ’ અને પછીથી બધી કલાની દેવી તરીકે કેવી રીતે વિકાસ થયો, તે દર્શાવે છે.

સરસ્વતી સામાન્ય રીતે એની નિર્મળતાને અનુરૂપ હિમધવલા, શ્વેતવસ્ત્રા વર્ણવાઈ છે. એની સાથે સંબદ્ધ બધું જ શ્વેત છે. આજે એની સર્વસ્વીકૃત મૂર્તિમાં તે હંસવાહિની તરીકે બિરાજે છે. પુરાણકાળમાં અન્ય માતૃશક્તિઓની પેઠે સરસ્વતી પણ શક્તિની વિભાવના સાથે જોડાયેલી હતી, પરિણામે સરસ્વતીએ પણ એક સર્વવ્યાપક માતૃશક્તિનું રૂપ ધારણ કર્યું. સુપ્રસિદ્ધ અને પવિત્રતમ એવો ‘ૐ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ । ધિયો યો ન: પ્રચોદયાત્‌’’ એ રોજ અનેકવાર બ્રાહ્મણો દ્વારા બોલાતો મંત્ર ગાયત્રી છંદમાં લખાયો છે પછીના કાળમાં ગાયત્રી અને સરસ્વતી એકરૂપ થઈ ગયાં! એક વ્યાખ્યા પ્રમાણે એક અનંત મૂળતત્વનું આવિષ્કૃત તેજોમય (ભર્ગસ્‌) રૂપ એ ગાયત્રી છે. દિવસના ત્રણ ભાગમાં એ પોતાના ત્રણ રૂપો બતાવે છે પ્રાત: કાળે ગાયત્રી, મધ્યાહે સાવિત્રી અને સાંજે સરસ્વતી થાય છે.

જ્ઞાનની દેવી તરીકે કેટલીકવાર સરસ્વતીને આદિ સ્રષ્ટા બ્રહ્માની માનસપુત્રી કહેવામાં આવે છે.તો વળી કોઈવાર એ બ્રહ્માની પત્ની કે શક્તિરૂપે વર્ણવાઈ છે. ક્યાંક એને શ્રીકૃષ્ણના મુખથી જન્મેલી કહી છે, તો ક્યાંક એને શિવથી દુર્ગામાં જન્મેલી કહી છે પાનખરની દુર્ગાપૂજામાં લક્ષ્મી અને સરસ્વતી એની બે પુત્રીઓ સાથે રહે છે. અથવા તો ત્રણેય મળીને બ્રહ્મા-વિષ્ણુ -મહેશની શક્તિઓ દર્શાવે છે. બૌદ્ધો અને જૈનોમાં પણ સરસ્વતીનું વૈવિધ્યપૂર્ણ અદકું મહત્વ છે. પછીના બૌધ્ધધર્મ તે મંજુશ્રી સાથે જોડાઈ-બૌદ્ધ સાહિત્યમાં એનાં પાંચેક અન્ય નામો છે. આમ તે અનેક નામો વાળી, અનેક મૂર્તિપ્રકારવાળી થઈ છે.

(૪) શ્રી: – સમૃદ્ધિ અને સુંદરતાની દેવી લક્ષ્મી કે શ્રી પણ વૈદિક માતૃશક્તિ છે. ઋગ્વેદના પાંચમા મંડળના શ્રીસૂક્તમાં એનો મૂળ સ્રોત છે. જૂના પાંચરાત્રગ્રંથો અને પ્રાચીનપુરાણોમાં ય એનો ઉલ્લેખ છે. એ શ્રી રક્તવર્ણા, રક્તવસના, કમલાસના અને કમલહારા છે. પોતાના ભક્તોને સોનું, ગાયો, ઘોડા, સ્વાસ્થ્ય, સંપદા, ધનધાન્ય, માનપાન વગેરે આપવા અને બધું રક્ષવા એ યજ્ઞાગ્નિ દ્વારા પ્રાપ્ત થાય છે. શુક્લ યર્જુવેદ (૩૧/૨૨)માં ‘શ્રી’ અને લક્ષ્મીને આદિત્યની પત્નીઓ ગણાવી છે. તૈતરીયમાં એનું સમર્થન છે. શતપથ બ્રાહ્મણે લક્ષ્મીને પ્રજાપતિની પુત્રી કહી છે. મૂળે ‘શ્રી’ કે લક્ષ્મી કૃષિ પાકની માતૃશક્તિ હતી. કારણ કે ઐતરેય બ્રાહ્મણમાં એને પૃથિવીરૂપે વર્ણવી છે. બોધાયનના કૃષિશાસ્ત્રમાં આ શ્રીની ઉપાસનાનો સંદર્ભ મળે છે. રામાયણ-મહાભારતના કેટલાક શ્લોકોમાં આ ઉપાસના સંદર્ભ છે. શ્રી-લક્ષ્મીની મૂર્તિઓ બર્હુત અને બીજાં બૌદ્ધ સ્થાનોમાં મળે છે. ગુપ્તકાળની મુદ્રાઓ અને શિલાલેખોમાંથી એની મૂર્તિઓ મળે છે. આ લક્ષ્મીરૂપી માતૃશક્તિની ઉપાસના ગુપ્તકાળમાં સ્થપાઈ હશે એવું લાગે છે.

લક્ષ્મીરૂપ માતૃશક્તિનો ઇતિહાસ બે બાજુ ફંટાયો હોય એમ લાગે છે. એક બાજુ વિષ્ણુશક્તિરૂપે અને બીજી બાજુ કૃષિપાકની માતૃશક્તિ પૃથિવીરૂપે. લક્ષ્મીરૂપે પૂજા પાનખરની કોજાગરી પૂનમે થાય છે. એની પ્રાર્થનામાં એને ધાન્યસ્વરૂપા કહે છે. અને ખેતરો અને ઘરોની તે અધિષ્ઠાત્રી મનાઈ છે. દેશના વિવિધ ભાગોમાં અસંખ્ય લોકો વિવિધ રીતે એનાં વ્રત, માનતા, અને પૂજાપ્રાર્થના કરે છે. સામાજિક-ગાર્હસ્થ્ય જીવનમાં નમ્ર, સુંદર, સચ્ચરિત્ર મહિલાઓને લક્ષ્મીનો અવતાર ગણવામાં આવે છે.

લક્ષ્મી માતાની તાત્ત્વિક વિભાવના પહેલવહેલી પાંચરાત્રોના ગ્રંથોમાં વિસ્તૃત રીતે મળે છે. અહીં વિષ્ણુ-વાસુદેવ પરમતત્ત્વ છે અને જ્ઞાન, ઇચ્છા અને ક્રિયાની અનંત ત્રિવિધ શક્તિના ધારક છે. આ સર્વવ્યાપક દેવની સર્વવ્યાપકશક્તિ એ જ લક્ષ્મી છે. શક્તિ અને શક્તિમાન એકરૂપ હોવા છતાં એમાં આ શક્તિ દ્વૈત દર્શાવે છે. લક્ષ્મીના ઉદ્‌ભવ અને સ્વરૂપના સંબંધે પુરાણ સાહિત્યમાં અનેક દંતકથાઓ છે. એમાં લક્ષ્મીને ભગવાન વિષ્ણુના સાગરસ્થ શેષશાયી નારાયણ સ્વરૂપની સહચારિણી આલેખેલ છે.

દક્ષિણના વૈષ્ણવપંથમાં અને અન્યત્ર આ લક્ષ્મીનું મહત્ત્વનું સ્થાન છે. શ્રીવૈષ્ણવોએ તો એને ઘણું મહત્ત્વ આપ્યું છે. ઘરવહેવારમાં જેમ પિતા અને પુત્ર વચ્ચે માતા માધ્યમ બને છે તેમ ઈશ્વર અને જીવો વચ્ચે આ દેવી માધ્યમરૂપ છે. એ ઈશ્વર-પિતાને દયાળુ અને જીવ-પુત્રોને નમ્ર બનાવે છે.

(૫) દેવી : ઋગ્વેદ (૧૦.૧૨૫)માં ભારતીય માતૃ-ઉપાસનાનાં મૂળ દેખાય છે. એને ‘દેવીસૂક્ત’ કહે છે. એ આખું સૂક્ત અંભૃણપુત્રી વાક્‌ની રહસ્યપૂર્ણ વાણી છે. આત્મજ્ઞાનથી એણે બ્રહ્મૈક્ય પ્રાપ્ત કર્યું હતું એ સ્થિતિમાં એણે ઉચ્ચાર્યું : ‘હું જ સકલ વિશ્વની સામ્રાજ્ઞી છું, ઉપાસકોની ઐશ્વર્યદાત્રી, બ્રહ્મા, બ્રહ્મજ્ઞાની છું… રુદ્ર, વિષ્ણુ, આદિત્ય, અન્ય બધા દેવો હું છું. મિત્રાવરુણ, અગ્નિ, ઇન્દ્ર અને અશ્વિનીકુમારો વગરે દેવોનો હું આધાર છું.’ વગેરે વગરે.. અહીં ‘હું’ એટલે કવયિત્રી દ્વારા વિશ્વમૂળરૂપ સર્વશક્તિમાન પરમતત્ત્વનો મહિમા ગવાયો છે.

(૬) રાત્રિ : પછીના કાળમાં માતૃશક્તિ સાથે સંકળાયેલું વૈદિકસૂક્ત રાત્રિસૂક્ત (ઋગ્વેદ, ૧૦.૧૨૭) છે. એમાં સ્વર્ગપુત્રી રાત્રિનું વિશ્વવ્યાપિની, પાપમોચની અને શાંતિદાયિની તરીકે વર્ણન છે. પાછળથી સામવિધાન બ્રાહ્મણ (૩.૩.૮)માં પણ એનું વર્ણન છે. પાછળનાં પુરાણોમાં એને માયામાંથી જન્મેલી ભુવનેશ્વરી કહી છે. તાંત્રિકદર્શનમાં રાત્રિ કે ચંદ્ર પરબ્રહ્મની શક્તિરૂપે લેવાયેલ છે અને દિવસને ‘શિવરૂપ’ કહ્યો છે. ચંદ્ર પણ રાત્રિપર્યાયવાચી બને છે અને ચંડી પણ માર્કંડેય પુરાણમાં કેટલીય વાર ‘કાલરાત્રિ’ બને છે.

(૭) અંબિકા, ઉમા, દુર્ગા : પાછળથી રચાયેલા વેદોમાં વાજસનેયી સંહિતામાં (શુક્લ યજુ. ૩.૫૭)માં આપણને અંબિકા માતૃશક્તિનું નામ મળે છે. ત્યાં એ રુદ્રની બહેન છે. તૈત્તરીય બ્રાહ્મણ (૧.૬.૧૦.૪)માં ફરી એનું યોનિરૂપે વર્ણન છે. મૈત્રાયણી સંહિતા (૧.૧૦.૨૦)માં આ રુદ્રભગિનીને પાનખર કહી છે. મૂળે એ કૃષિદેવી હશે. પાછળથી દુર્ગા અને અંબિકા એકરૂપ બન્યાં ત્યારે પાનખરની પૂજા વ્યાપક બની. ઋગ્વેદ ૧૦.૧૨૭માં અને તૈત્તરીય આરણ્યકમાં એને ‘અગ્નિવર્ણા’ કહી છે. ગૃહ્યસૂત્રોમાં એ ભવાની, ભદ્રકાલી, વગેરે રૂપોમાં સેળભેળ થઈ ગયેલ છે.

અથર્વવેદમાં દેવીસૂક્ત છે. સર્વમાં રહેલ ગર્ભિત શક્તિનું એ રૂપ છે. એ ઇન્દ્રનીય માતા છે. કેનોપનિષદમાં આ ઓજોમયીએ ઇન્દ્રને પોતાનું રૂપ બતાવ્યું હતું. અને અસુરો પરના દેવોના વિજયનું કારણ પરબ્રહ્મ જ છે એમ ઉપદેશ્યું હતું બ્રહ્મ ચિંતનનો મહિમા ગાયો હતો.

આપણે ધ્યાન રાખીએ કે એ દેવીનું ભારતમાં સુપ્રસિદ્ધ એવું નામ ‘ઉમા’ હતું. બીજું એ ‘ઉમા’ ને ‘હૈમવતી’ કહી છે. એનો વ્યુત્પત્તિલભ્ય અર્થ ‘સ્વર્ણમયી’ થાય છે. એનો બીજો અર્થ ‘હિમવત્‌’ કે હિમાલય સાથે સંબદ્ધ એવો થાય છે. ‘ઉમા’ની વ્યુત્પત્તિ અસ્પષ્ટ છે. અને એના કેટલાય તરંગી અર્થો થયા છે. કાલિદાસે શિવપ્રાપ્તિ માટે તપ કરતી પુત્રીને રોકવા ‘ઉમા’ શબ્દ ઉચ્ચાર્યો એમ કહ્યું છે. તો કોઈકે ‘ઓમ્‌’માંથી એ શબ્દ નીપજાવ્યો છે. હરિવંશ ‘ઉમા’ને અર્પણ કહે છે. બેબી લોનની ‘ઉમ્મા’ કે ‘ઉન્મા’, એડિયન, ઉમ્મી અને દ્રાવિડયન ‘ઉમ્મા’ એકાર્થક હોવાથી ભારતીય ‘ઉમા’ સાથે જોડી શકાય. હરષ્ઘના સિક્કાઓમાં દેવીને ‘ઉમ્મો’ કહી છે. હિમાલયની પુત્રી કે હિમાલયની નિવાસી હોવાથી એ ‘હૈમવતી’ છે. પુરાણોમાં આ દેવીને વિવિધ પર્વતનિવાસી જ વર્ણવી છે. એથી એ પાર્વતી છે. એથી એ મૂળે પર્વતની દેવી હશે. અન્ય દેશોની દેવીઓ પેઠે એ પણ ‘સિંહવાહિની’ છે.

આરણ્યકો કે ઉપનિષદોમાં ક્યાંય ઉમાનો સ્વતંત્ર હવાલો ન મળવા છતાં વ્યાખ્યાકારોએ એને આરણ્યકોમાં શોધવા પ્રયત્ન કર્યો છે. એટલે સાયણાચાર્યે તૈતરીય આરણ્યકમાં ‘સોમ’ શબ્દનો અર્થ ‘ઉમાસહિત’ એવો કર્યો છે. મહીધરે અને ભટ્ટભાસ્કર મિશ્રે પણ એવો પ્રયત્ન કર્યો છે. આ સિવાય અંબિકા, ઉમા, કાત્યાયની, કન્યાકુમારી, વગરે દુર્ગાનાં ઘણાં નામો અનેક ઠેકાણે છે, પણ એ સાહિત્ય પાછળનું હોઈ નોંધપાત્ર નથી.

(ક્રમશ:)

Total Views: 287

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.