૧. ‘એ પ્રસાદ મને ન ખપે.’

ઓગણીસ વર્ષની વયના લવરમૂછિયા નાના ભાઈના આ શબ્દોથી મોટાભાઈને આઘાત તો લાગ્યો જ. પણ જીભાજોડીનો એ પ્રસંગ ન હતો એથી અને, વિશેષે તો મોટાભાઈ પોતાના નાના ભાઈનો સ્વભાવ બરાબર જાણતા હતા એથી, એમણે કશો આગ્રહ કર્યો નહિ અને માત્ર એટલું જ કહ્યું: ‘તારી મરજી.’

એક પૈસાના ચણા અને ગોળ પાયેલી ધાણીથી પેટ ભરી એ યુવાને આઠ કિલોમીટર દૂર આવેલા ઘરની વાટ પકડી.

૧૮૫૫ના મે માસની ૩૧મીનો, જેઠ સુદ ત્રીજનો, એ દિવસ. કેવટ જાતિની હોવા છતાં ઊંડી શ્રદ્ધા-ભક્તિવાળી રાણી રાસમણિએ કલકત્તાની ઉત્તરે, આઠ કિલોમીટરને અંતરે, ગંગાને પશ્ચિમ કાંઠે આવેલા દક્ષિણેશ્વરમાં લાખ્ખો રૂપિયા ખર્ચીને ભવ્ય મંદિર-સંકુલ બંધાવ્યું હતું. કાલી એ સંકુલની અધિષ્ઠાત્રી હતી અને સાથે રાધાકાન્તનું મંદિર હતું તથા, બાર શિવમંદિરો હતાં. જેઠ સુદ ત્રીજનો દિવસ એ મંદિરોમાં મર્તિઓની પ્રાણપ્રતિષ્ઠાનો મંગલ દિવસ હતો.

રાણી ‘શૂદ્ર’ હોઈને કોઈ બ્રાહ્મણ એ મંદિરમાં પ્રતિષ્ઠાવિધિ કરાવવા તૈયાર થતો ન હતો. રામકુમાર ચટ્ટોપાધ્યાય નામના એક પ્રૌઢ, પીઢ અને વિદ્વાન બ્રાહ્મણે એમાંથી માર્ગ કાઢી આપ્યો હતો તેથી, અને રાણીના આગ્રહથી એ રામકુમાર જ મંદિરના મુખ્ય પૂજારીપદે રહેવા તૈયાર થયા હતા. કલકત્તાના, નદિયાના, કાશીના અનેક પંડિતો રાણીના નિમંત્રણથી ત્યાં પૂજાવિધિમાં સામેલ થયા હતા તે સઘળા ત્યાં જમ્યા. આ રામકુમારે પણ એ પ્રસાદ લીધો. બીજાં અસંખ્ય માણસો ત્યાં જમ્યાં હતાં. ન જમનાર હતો, જગદંબાના પ્રસાદથી દૂર રહેનાર હતો રામકુમારનો સૌથી નાનો ભાઈ, ગદાધર.

એ ગામમાં ગયો પણ, મોટાભાઈ પાછા ઘેર આવ્યા જ નહિ. એમને ત્યાં નોકરીની સાથે, રહેવાને ખોલી પણ મળી હતી. ચારપાંચ દિવસ પછી ગદાધર ત્યાં ગયો અને એ પણ ત્યાં જ રોકાઈ ગયો.

૨. ગદાધરને ત્યાં રોકાયા વગર છૂટકો જ હતો નહિ. જે મહાશક્તિના પ્રસાદને એણે એ મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠાને દિવસે નકાર્યો હતો તે મહાશક્તિએ જ બે વરસ પહેલાં એના ગામ કામારપુકુરથી એને કલકત્તા બોલાવ્યો હતો. સત્તર વર્ષનો થયો હોવા છતાં, લાડકોડમાં ઉછરેલા, જેને આપણે વિદ્યા કહીએ છીએ તેથી લગભગ વંચિત રહેલા, સાધુસંગમાં અને ભજનકીર્તનમાં રાચતા ગદાધરને કલકત્તામાં કામે લગાડવાને માટે રામકુમારે કલકત્તા બોલાવ્યો હતો.

ગદાધરથી એકત્રીસ વર્ષ મોટેરા રામકુમાર પાઠશાળા ચલાવતા, ગોરપદું કરતા અને કર્મકાંડ કરાવતા. આ બધું શીખે તો નાનોભાઈ પેટિયું રળી ખાય એમ મોટાભાઈએ વિચાર્યું તો, નાનાભાઈએ એમણે રોકડું પરખાવ્યું: ‘એ ચોખાકેળાંની વિદ્યા મારે નથી જોઈતી.’ આમ એ કાચી વયથી જ પરા વિદ્યાને ઝંખતો હતો. કાલી મંદિરના પૂજારી તરીકે મોટાભાઈનું જોડાવું આ ગદાધરને એના ધ્યેય તરફ લઈ જનાર પગલું હતું. એ મહત્ત્વનું પગલું હતું.

દક્ષિણેશ્વર મોટાભાઈ સાથે રહેવા ગયા પછી અને, કેટલીક આનાકાની પછી, મંદિરનો પ્રસાદ ખાતાં થયા પછી, રાણીના જમાઈ અને મંદિરનો વહીવટ કરનાર, માણસપારખુ મથુરનાથની દૃષ્ટિમાં આ જુવાન વસી ગયો અને આખરે, એને હાથે કાલીમાતાના પૂજારીના પવિત્રકાર્ય માટે એ ઝડપાઈ પણ ગયો. મથુરબાબુથી ભાગવાના, નોકરીની જંજાળથી દૂર રહેવાના, માતાજીના અલંકારોની જવાબદારી નહિ લેવાના-એવા બધા વાંધાઓ એક પછી એક દૂર થતા ગયા અને, શ્રીરામકૃષ્ણ – મૂળ નામ ગદાધર પણ હવેથી એમના આ જગપ્રસિદ્ધ નામે જ આપણે એમનો ઉલ્લેખ કરીશું તે – પૂજ્ય કાલી માતાની સેવાપૂજામાં લાગી ગયા.

કોઈ પણ મંદિરમૂર્તિનો પૂજારી સામાન્ય રીતે પગાર માટે, સીધાં માટે, રહેવા મળતી સગવડ માટે પૂજા કરે. પેટની તૃપ્તિ શ્રીરામકૃષ્ણનું જીવનધ્યેય ન હતું. એમનું જીવનધ્યેય હતું આત્મકલ્યાણનું. એટલે પીતાંબર પહેરવા ઓઢવાનો આડંબર કરી, કપાળે હિંગળાક ચાંદલો કરી, પૂજા કરતી વેળા ચાખડી પટપટાવતા ચાલી, મોટેથી સ્તોત્રો બોલી લોકોનું ધ્યાન ખેંચવાનો યત્ન કરી, દાનદક્ષિણાનો ઢગલો કરવાનું શ્રીરામકૃષ્ણને સૂઝ્યું નહિ. જે માએ એમને કલકત્તે બોલાવ્યા હતા, જે માએ એને દક્ષિણેશ્વર ભેગા કર્યા હતા, જે માએ એમને પોતાનો પ્રસાદ લેતા કર્યા હતા અને, જે માએ એમને પોતાના પૂજારી બનાવ્યા હતા તે માની પૂજા શ્રીરામકૃષ્ણ પૂરા તનમનથી કરવા લાગ્યા. એમને મધુર કંઠેથી બોલાતાં સ્તોત્રો અને ભજનોથી મંદિર પવિત્ર સ્વરથી ભરાઈ ગયું. એમની નિર્વ્યાજ પૂજાથી માની પ્રસન્નતા મંદિરમાં ફેલાઈ. પૂજાવેળાએ જ્વલિત શ્રીરામકૃષ્ણની અંતરજ્યોતથી મંદિર ઝળાંહળાં થઈ ગયું. પૂર્વજન્મનાં પુણ્યને કારણે પૂરા વ્યવહારદક્ષ મથુરબાબુ આવું બધું અનુભવવા લાગ્યા. એમને લાગ્યું કે, સાસુમાનું, રાણી રાસમણિનું કાર્ય, સાર્થક થયું છે. કારણ, શ્રીરામકૃષ્ણ માતાજીની મૂર્તિની પૂજા કરતા ન હતા, મૂર્તિમાંનાં માતાજીની પૂજા એ કરતા હતા. એમને માટે એ મૂર્તિ મૃણ્મય ન રહેતાં ચિન્મય બની ગઈ હતી.

મથુરબાબુ તો ઠીક, રાણી રાસમણિ પણ શ્રીરામકૃષ્ણની આ તન્મયતાથી પ્રસન્ન હતાં. એ પોતે મંદિરે આવતાં ત્યારે, શ્રીરામકૃષ્ણને કંઠે ગવાતું એક ગીત :

શે હિસાબે હરહૃદયે ઊભી છો મા પગ મૂકી,
હોશે હોશે જીભડી કાઢી? જાણે કેવીયે ભોળી છોરી!
જાણું છું, જાણું છું તારા,
તારા, શું તારી આવી જ ધારા?
ઊભી’તી શું તારા બાપની છાતીએ તારી મા આમ જ કરી?
રાણીને ખૂબ ગમતું.

ગીત ગાતાં શ્રીરામકૃષ્ણ જાતને ભૂલી જતા. એમની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગતી. પૂજનકાર્યમાં તન્મય થઈ જતા. એમની કુંડલિની જાગ્રત થતી અને, સુષુમ્ણાને માર્ગે એ ઉર્ધ્વગમન કરતી. મંદિરમાં એ પૂજા-અર્ચના કરતા હોય ત્યારે, બીજા બ્રાહ્મણો કહેતા કે, ‘સાક્ષાત્‌ બ્રહ્મણ્યદેવ (વિષ્ણુ) જાણે કે નરદેહ ધારણ કરી પૂજા કરવાને બેઠા છે.’

૩. એ અરસામાં મોટાભાઈનું અવસાન થતાં શ્રીરામકૃષ્ણની સ્વાભાવિક વૈરાગ્યવૃત્તિને વધારે વેગ મળ્યો. એ વૃત્તિએ એમની વિહ્‌વળતાને ખૂબ વધારી દીધી. કાલીમંદિરમાં પૂજોપચાર કરતી વેળા એ ખૂબ વ્યાકુળ બની જતા. એ વ્યાકુળતા હતી માના દર્શન માટેની. અને રાત પડ્યે, સોપો થયે એ ચાલી જતા પંચવટી પાછળ આવેલા જંગલના એકાંતમાં અને ત્યાં, જગદંબાનું ધ્યાન ધરતા. આમ રાતની ઊંઘનો એમણે ત્યાગ કર્યો અને, વ્યાકુળ અને વિહ્‌વળ રહેવાને કારણે, પોતાના આહાર પ્રત્યે એ બેદરકાર બની ગયા.

એમના વર્તનની વિચિત્રતાઓ વધતી ગઈ; રાતે ધ્યાનમાં બેસતી વેળા વસ્ત્રોનો અને જનોઈનો પણ એ ત્યાગ કરી દેતા. એક હાથમાં રૂપિયો અને બીજામાં માટીનું ઢેફું પકડી, ‘રૂપિયો – માટી’ – ‘રૂપિયો-માટી’ એમ બોલી, બંનેને સમાન ગણી, બંનેનો ગંગામાં ઘા કરવા લાગ્યા. ભિખારીઓના છંડામણને પ્રસાદ માની તે ખાવા લાગ્યા. એ ભિખારીઓ જેમાં જમ્યા હોય તે એઠાં પતરાળાં એમણે ઉપાડ્યાં. અને એ જગ્યાને સાવરણાથી સાફ કરી. રસિક મહેતરનું જાજરૂ એમણે સાફ કર્યું અને, પોતાના લાંબા વાળથી તે લૂછ્યું પણ. આ બધું સાધના તરીકે એ કરતા હતા. અષ્ટ પાટામાંથી મુક્તિ મેળવ્યા વિના ઈશ્વરપ્રાપ્તિ થઈ શકે નહીં અને જનોઈ પણ બ્રાહ્મણ તરીકે ચડિયાતાપણાના ભાવનું, અભિમાનનું ચિહ્‌ન. માટે, તેનો પણ ત્યાગ. ‘હીરો અને કોલસો’ બંને તત્ત્વત: એક જ પદાર્થ છે એમ કહેનાર વૈજ્ઞાનિક હીરાનો ઘા કરતો નથી. ત્યારે શ્રીરામકૃષ્ણને માટે રૂપિયો અને માટી સમાન હતાં. ઉચ્ચનીચના ભેદનો પણ ત્યાગ કરવો રહ્યો. ભેદ અને સાધનાને બનતું નથી.

મંદિરમાં માતાજીની પ્રતિમાનું પૂજન કરતી વેળા બાહ્ય સંસારને વીસરવા છતાં, સ્તોત્રો કે ભજનો ગાતી વેળા એકરસ બની ગયા છતાં, સાધના કરતી વેળા જાતને સંપૂર્ણપણે ભૂલી જવા છતાં, વીશીમાં પ્રવેશ કરતા એ યુવાનની મહેચ્છા સંતોષાતી ન હતી. એને મોક્ષની આકાંક્ષા ન હતી, ધનવૈભવનું ઘેલું ન હતું. શય્યાસુખ માટે પત્નીની ઝંખના પણ એને ન હતી. એની વાંછા એક જ હતી, માના દર્શનની. જે ભક્તકવિ રામપ્રસાદનાં ભજનો શ્રીરામકૃષ્ણના વીણાઝંકૃત કંઠેથી સરતાં તેને માએ દર્શન આપવાની કૃપા કરી હતી. શ્રીરામકૃષ્ણ સુખ ઝંખતા હતા માના દર્શનનું અને, એમને દુ:ખ હતું અદર્શનનું. સાધનાના કોઈ માર્ગનું, કોઈ ચોક્કસ સાધનાપદ્ધતિનું શ્રીરામકૃષ્ણને જ્ઞાન ન હતું. કોઈ ગુરુએ એમને આ માર્ગે જવા માટેનો મંત્ર પ્રદાન કર્યો ન હતો. જાણે કે બાળવયથી જ એમને આ લગન લાગી હતી અને દક્ષિણેશ્વરમાં આવી, માતાજીના પૂજારી બન્યા પછી, એ ઝોડની જેમ વળગી હતી.

શ્રીરામકૃષ્ણની આ રઢ જેમ જેમ જોર કરતી ગઈ તેમ તેમ, બધા બાહ્ય વ્યવહારો પ્રત્યે એમની ઉદાસીનતા વધતી ગઈ. માના દર્શન માટેની વ્યાકુળતા રુદનને સ્વરૂપે વ્યક્ત થવા લાગી. રિસાયેલા બાળકની માફક એ ધૂળમાં આળોટવા મંડ્યા. નારાજ થયેલા છોકરાની જેમ નાક ઘસવા લાગ્યા. આહાર અને નિદ્રા પ્રત્યે તદ્દન બેદરકાર બની ગયા. દિવસે, સમયે સમયે, માની પ્રતિમાની સામે કાકલૂદી કરવા લાગ્યા અને રાતે, પંચવટીમાં જઈ માનું ધ્યાન કરવા લાગ્યા. આટલા બધા ને આટલા આકરા પ્રયત્નો છતાં, માના અપિહિત મુખનાં દર્શન એમને ન થયાં.

પોતાની નિષ્ફળતાથી વાજ આવી જઈ, માના દર્શન વિનાનું જીવન નિષ્ફળ અને નિરર્થક લાગવાથી, એક દિવસે કાલીમંદિરના વિશાળ પટાંગણમાં સોપો પડી ગયો હતો ત્યારે, આસ્તેકથી, નિજ મંદિરમાં જઈ, માને સંભળાવ્યુ:

‘મા, આટઆટલા સાદ કરું છું, એમાંનું કશુંયે તું સાંભળતી નથી? રામપ્રસાદને દર્શન આપેલાં, મને નહિ આપે શું?’

આ કાકલૂદીનો પણ કશો પ્રતિભાવ ન મળતાં વિરહવ્યાકુળતાથી તરફડતા ઠાકુરની દૃષ્ટિ અચાનક માના મંદિરમાંના ખડગ ઉપર ગઈ. માના દર્શન વિનાના જીવનનો અંત આણવાના પ્રબળ આવેગને વશ થઈ ઉન્મત્તની માફક દોડીને એ ખડગને એમણે હાથમાં લીધું. એવે વખતે જ, ઠાકુરે પોતે પછીથી પોતાના શિષ્યોને કહ્યા પ્રમાણે, ‘અદ્‌ભુત દર્શન પામ્યો અને બેહોશ બનીને ઢળી પડ્યો.’

૪. ઠાકુરની માના દર્શનની ઝંખના સંતોષાઈ. પણ એ સંતોષાઈ હતી? એમને આવા એક વેળનાં દર્શનથી તૃપ્તિ ન થઈ. એ ઝંખતા હતા માનું સતત દર્શન. માની કૃપાથી એમને એ પણ લાધ્યું. અને, એ એવું લાધ્યું કે, પ્રત્યેક નારી સ્વરૂપમાં એમને મા જ દેખાવા લાગ્યાં.

માનાં દર્શનની ઘેલછા એમના ચિત્ત ઉપર સવાર થઈ હતી ત્યારે, ૧૮૫૮માં, પોતાનાથી પૂરાં સત્તર વર્ષ નાનેરાં શારદામણિદેવી સાથે એમણે લગ્ન કર્યું હતું. સંસાર માંડી શકે એવડી કન્યાની ઉંમર જ નહિ અને, પોતે ઊંડી સાધનામાં વ્યસ્ત રહેવા હોવાથી, પત્ની વયમાં આવે ત્યારે એને બોલાવવાનું શ્રીરામકૃષ્ણ સદંતર ભૂલી જ ગયા. શારદાદેવી સામે ચાલીને આવ્યાં, ૧૮૭૨માં.

પોતાની બાજુમાં સૂતેલાં શારદામણિદેવીના શરીરને ચીંધીને ઠાકુરે પોતાના મનને કહ્યું: ‘જો મન, આ ભોગ્ય સ્ત્રી શરીર. એને ભોગવવાનો તને પૂરો અધિકાર છે…’ પણ આગળ કશું સાંભળવા એ મન તૈયાર ન હતું. એ લાગી ગયું સમાધિમાં.

એક દિવસ પતિની ચરણસેવા કરતાં શારદામણિદેવીએ પ્રશ્ન કર્યો: ‘આપ મારા વિશે શું ધારો છો?’

પ્રથમ તો આ પ્રશ્નથી શ્રીરામકૃષ્ણ ચમકી ગયા. પણ પછી, સ્વસ્થતાથી ઉત્તર વાળ્યો: ‘જે માતા સામે મંદિરમાં બિરાજે છે, અને જેનું પૂજન થાય છે તે જ માતાએ આ દેહને જન્મ આપ્યો છે અને અત્યારે નોબતખાનાની ઓરડીમાં એ જ વસી રહી છે; અને એ જ માતા આ પળે મારા પગ દાબી રહી છે. ખરેખર, હું તમને હંમેશાં કલ્યાણમયી જગદંબાની જીવંત પ્રતિમારૂપે જોઉં છું.’ અર્થાત્‌, કાળા પથ્થરમાંથી કોરેલી મંદિરમાંની મૂર્તિ પૂરતાં જ જગદંબા મર્યાદિત ન હતાં. પોતાની માતામાં અને પોતાની પત્નીમાં શ્રીરામકૃષ્ણને જીવંત જગદંબા દેખાતાં હતાં.

સંત તોતાપુરીના માર્ગદર્શન હેઠળ ઠાકુરે અદ્વૈતની સાધના માંડી હતી અને, અદ્વૈતની સિદ્ધિ પણ અતિ અલ્પ સમયમાં તેમણે હાંસલ કરી હતી. પરંતુ વેદાંતની એ ઉચ્ચાવસ્થા – અહં બ્રહ્માઽસ્મિની – દશા શ્રીરામકૃષ્ણને પ્રિય ન હતી. એ ‘ભાવમુખે’ રહેવા ચાહતા હતા અને એ રીતે જ એ રહ્યા. અને એમ ભાવમુખે રહ્યા પછી, મારૂપી ઈશની એમની અનુભૂતિની ક્ષિતિજ વિસ્તરતી ગઈ, સદા વિસ્તરતી ગઈ.

મંદિરમાં આવેલી બિલાડીમાં એમને માનાં દર્શન થયાં. રસ્તે જતી સ્ત્રીઓમાં એમને મા દેખાવા લાગ્યાં. કોઈવાર કોઈ વેશ્યાઓના નિવાસો પાસેથી એમની ગાડી પસાર થતી હતી ત્યારે, દેહની સજાવટ કરી, ઘરાક ગોતતી ઊભેલી એ પતિતાઓમાં પણ એમને માની જ મૂર્તિ દેખાઈ. અને, સ્ટાર થિયેટરમાં નાટક જોવા ગયા ત્યારે, નાટકમાં ભાગ લેતી અભિનેત્રીઓમાં પણ એમને માનું જ દર્શન થયું. આમ ઠાકુરને માટે ‘માતૃવાસ્યં ઈદં સર્વમ્‌’ બની ગયું.

પોતાના યુવાન શિષ્યોના એ માત્ર ગુરુ ન હતા. એમની ઉપર પણ ઠાકુરના માતૃભાવની વાત્સલ્યવર્ષા સતત થતી રહેતી. શિશુવયમાં જ માતા ગુમાવનાર રાખાલ શ્રીરામકૃષ્ણ પાસેથી ખૂબ લાડ પામતા. રાખાલ માટે માખણ મિશરીની ખાસ જોગવાઈ એ કરતા – નાના બાળકની માફક રાખાલ – પછીના સ્વામી બ્રહ્માનંદ – ઠાકુરને ખોળે બેસવાનો અધિકાર પામ્યા હતા. અને માતા પોતાના બાળકને વઢે એમ, રાખાલની નબળાઈઓ માટે ઠાકુર એમને વઢી પણ લેતા. નરેન્દ્રનાથ – ભાવિના સ્વામી વિવેકાનંદ – પ્રત્યેનો તેમનો વાત્સલ્યભાવ લાંબા સમયથી દક્ષિણેશ્વર નહીં દેખાયેલા નરેનને મળવા માટે બ્રાહ્મસમાજના કોઈ કાર્યક્રમમાં લઈ ગયો હતો અને, એમની ઉપસ્થિતિથી ગભરાઈ ગયેલા બ્રાહ્મોથી બહાર નીકળી, નરેને ‘એમ ગમે ત્યાં નહીં આવી ચડવાનું’ કહેતાં, ‘નરેનને એમણે સંભળાવ્યું હતું : ‘અરે નરેન, તારે માટે તો હું બારણે બારણે ભીખ માગવા તૈયાર છું.’

આમ માના બાળક હતા તે ઠાકુર અનેક બાળકોની મા બન્યા.

૫. માતૃભાવનાનો આ વિકાસ એક દૃષ્ટિએ જોઈએ તો અનન્ય છે. યહૂદી, ખ્રિસ્તી, ઈસ્લામ વગેરે સેમિટિક ધર્મો કેવળ પિતૃપ્રધાન છે. ઉદાહરણ તરીકે, ખ્રિસ્તી ધર્મ અનુસાર સૃષ્ટિનો કર્તા ઈશ્વર એકલો જ છે અને એના સ્વર્ગમાં કોઈ દેવીને સ્થાન જ નથી.

આ સેમિટિક ધર્મોના પ્રચારે પ્રાચીન ગ્રીક અને અન્ય ભૂમધ્ય સંસ્કૃતિઓમાં જે દેવીઓ હતી તેમની પૂરી હકાલપટ્ટી જ કરી નાખી.

એથી ઉલટું, ભારતમાં પ્રાચીન કાળથી દેવીપૂજા ચાલી આવે છે. મહાભારતના પ્રથમ શ્લોકમાં જ દેવીનો ઉલ્લેખ છે. કાલક્રમે મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતીનાં ત્રણ રૂપોમાં દેવીપૂજા, માતૃપૂજા થવા લાગી. આસામનાં કામાખ્યા, કાશ્મીરનાં વૈષ્ણોદેવી, બલુચિસ્તાનનાં હિંગળાજ અને કન્યાકુમારીનાં કુમારી માતા : આમ દેશને ચારે ખૂણે હજારો વર્ષોથી દેવી અનેક સ્વરૂપે પૂજાતાં આવ્યાં છે. પરંતુ, દેવીનું સ્વરૂપ ગમે તે હો, એમના હાથમાં આયુધો ગમે તે હો, એનું કાર્ય મહિષાસુરમર્દનનું હો વા અન્ય હો, સૌ ભક્તો એમને આઈ તરીકે, મા તરીકે જ ભજે છે. બંગાળની દુર્ગાપૂજા અને ગુજરાતની નવરાત્રીમાં દેવીનાં પૂજનઅર્ચન માતા તરીકે જ થાય છે.

શબવત્‌ શિવના દેહ ઉપર ઊભા રહીને નૃત્ય કરતી કાલીની નીલાશ્મદ્યુતિ મૂર્તિ ભયાનક છે પણ, એ ભયાનક રૂપ એણે જગતના કલ્યાણ માટે ધારણ કર્યું છે એટલે તો એ ભવતારિણી કહેવાય છે. એ ખડ્‌ગ, ચક્ર, ગદા, ચાપ વગેરે આયુધો ધારણ કરેલી રુંડમુંડની માળા ગળામાં પહેરેલી અને કલ્યાણકારી શિવના શરીર ઉપર નૃત્ય કરતી, સંહારરૂપિણી મહાકાલીની એ પ્રતિમામાં શ્રીરામકૃષ્ણને વાત્સલ્યમૂર્તિ મા લાધ્યાં. વિસર્જન અને સર્જન, તાડન અને લાલન એક જ સિક્કાની બે બાજુઓ છે. શ્રીરામકૃષ્ણનું ધ્યાન આ બીજી બાજુ ઉપર કેન્દ્રિત થયું, વાત્સલ્યમૂર્તિ માના દર્શનની તીવ્ર તાલાવેલી એમને પીડવા લાગી અને આખરે, માની કૃપા એ પામ્યા.

પણ એ કૃપાને પોતાને ગજવે ઘાલીને એ બેસી ન રહ્યા. માના દર્શને જાણે એમને વત્સલતાનું ઇંજેક્શન આપ્યું. અને એ વત્સલતા શ્રીરામકૃષ્ણના લોહીના કણેકણમાં, શરીરના રોમેરોમમાં અને એમના ચિત્તના કોષેકોષમાં વ્યાપી ગઈ, એમની સાથે એકરસ થઈ ગઈ, એકરૂપ થઈ ગઈ અને એમના અણુએ અણુમાંથી એ ટપકવા લાગી. મંદાકિનીનો એ સ્રાવ મહાનદ બન્યો અને, એણે પોતાનાં વાત્સલ્યવારિના શાંત, પ્રેમાળ, ઉન્નતિપ્રેરક પ્રવાહો જગતમાં ચોમેર ફેલાવ્યા.

ઠાકુરના આ માતૃભાવની લાક્ષણિકતા એ છે કે એ એમની જાત પૂરતો જ મર્યાદિત ન રહ્યો. એમનાં ધર્મપત્ની પૂજ્ય શ્રી શારદાદેવી આ રંગે પૂરાં રંગાઈ ગયાં. પોતાની પુત્રીને બાળક નહિ થાય અને કોઈ એમને ‘મા’ કહી નહિ બોલાવે એ વસવસો એમની માતાને થયો ત્યારે, શ્રીરામકૃષ્ણે પોતાનાં સાસુને કહેલું કે, “એમને એટલાં બધાં માણસો ‘મા’ કહેશે કે એ થાકી જશે.’’ પરંતુ, ‘મા’ સંબોધને શારદાદેવી કદી થાકી ન ગયાં એટલું જ નહિ એ સંબોધનને પૂરી રીતે સાર્થક કરતાં એ સર્વનાં મા બની રહ્યાં. ગિરીશ ઘોષનાં એ ‘સાચા મા’ હતાં, અમજદ લુટારુને પ્રેમથી જમાડી એની એઠ ઉપાડનાર, એ અમજદનાં મા હતાં, સ્વામી વિવેકાનંદની સાથે ઈગ્લેન્ડથી આવેલાં કુ. માર્ગારેટ નોબલનાં – ભગિની નિવેદિતાનાં – પણ એ મા હતાં અને, સ્વામી વિવેકાનંદ તથા સૌ ગુરુભાઈઓનાં પણ એ મા હતાં. શરાબમાં ચકચૂર અભિનેતા વિનોદનાં પણ એ મા હતાં. દીકરો પોતાની જનેતાની રાખે એવી કાળજી સ્વામી શારદાનંદે માની રાખી હતી તે ખૂબ સૂચક છે.

સ્વામી વિવેકાનંદ અને એમના ગુરુભાઈઓ, પરમહંસદેવના સૌ શિષ્યોએ સંન્યાસની ઔપચારિક દીક્ષા ભલે ઠાકુરની મહાસમાધિ પછી લીધી પરંતુ, આ વત્સલતાની દીક્ષાતો સૌએ પોતાના ગુરુ પાસેથી બરાબર ગ્રહણ કરી લીધી હતી. સ્વામી વિવેકાનંદનાં પોતાનાં સંસ્મરણો આલેખનાર માદામ કાલ્વે, ભગિની નિવેદિતા વગેરે અનેકે સ્વામીજીની વત્સલતા વર્ણવી છે. શ્રીરામકૃષ્ણ મિશનની સેવાપ્રવૃત્તિના શ્રીગણેશ માંડનાર, વિવેકાનંદના ગુરુભાઈ સ્વામી અખંડાનંદે પોતાના સેવાકાર્યનો આરંભ એક મુસલમાન છોકરી પ્રત્યે વાત્સલ્યથી પ્રેરાઈને કર્યો હતો અને , એ ભીષણ દુકાળે અનાથ બનાવેલાં બાળકોની માતા બની એમણે સારગાચ્છીને જ પોતાનું કાયમી નિવાસ બનાવી દીધું હતું.

શ્રીઠાકુરની માતૃભાવના આમ એમના પૂરતી સીમિત નહિ રહેતાં એની ક્ષિતિજ સતત વિસ્તરતી રહી છે અને એનું ઊંડાણ વધારે ગહન બનતું રહ્યું છે. અનેક હોસ્પિટલોમાં એ દર્દીઓની સેવાનું રૂપ લે છે, આદિવાસી વિસ્તારોમાંના છાત્રાલયોમાં એ છાત્રોના ઘડતરનું રૂપ લે છે અને દુષ્કાળ નિવારણ, રેલરાહત, ભૂકંપપીડિતોની વહાર ઇત્યિાદિમાં માનવસેવાનું રૂપ લે છે. આમ શ્રીઠાકુરે પ્રગટાવેલી ચિનગારી પ્રેમ-વાત્સલ્યની અખંડ અને પ્રેમાળ જ્યોત રૂપે જગતમાં વિલસી રહી છે.

Total Views: 125

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.