સ્વામી જિતાત્માનંદજીના મૂળ પુસ્તક ‘યુગપ્રવર્તક પયગંબર – સ્વામી વિવેકાનંદ’ માંથી વાચકો લાભાર્થે આ પ્રકરણ અહીં પ્રસ્તુત છે. – સં.

વિવેકાનંદે વારંવાર કહ્યું હતું કે મુખ્યત્વે સ્ત્રીઓની ઉપેક્ષાને કારણે, ભારતનું પતન થયું હતું. એક હજાર વર્ષોની પરદેશી ધૂંસરીને કારણે, ઔપનિષદિક યુગની મૈત્રેયી અને ગાર્ગી જેવી બ્રહ્મવાદિનીઓ તથા સીરિયા, મેસિડોનિયામાં બુદ્ધનો સંદેશ ફેલાવનાર સાધ્વી સંઘમિત્રા સમી મૂર્તિઓ ભૂમિમાં દબાયેલી પડી છે. મધ્ય ઓગણીસમી સદીના ભારતમાં માતૃશક્તિ સમી સ્ત્રીઓના પગમાં બેડી હતી અને એ ‘માત્ર બાળકો પેદા કરનાર યંત્રો’ બની ગઈ હતી એમ, વિવેકાનંદને લાગ્યું હતું. એક પાંખે ઊડવા પ્રયાસ કરતું પક્ષી ભૂમિ પર ફસડાઈ પડે છે. ભારતનું પણ તેમ જ બન્યું હતું.

એમના એક ગૃહસ્થશિષ્યે ૯ થી ૧૨ વર્ષની છોકરીઓનાં લગ્નની હિમાયત કરી ત્યારે, સ્વામીજીએ કહ્યું હતું કે, વિધવાઓની મોટી સંખ્યા, યુવાન સ્ત્રીઓનાં મૃત્યુ અને દેશમાં ભીખારીઓની સંખ્યા વધારતાં દુર્બળ બાળકોની સંખ્યા માટે બાળલગ્નો જ કારણભૂત છે. વિવેકાનંદે જોયું કે ભારતના ઉત્તમ યુવાનો બાળલગ્નની વેદીના બલિ બની એમની બધી ઉત્તમ શક્તિઓનો હ્રાસ અનુભવતા હતા. પોતાના શિષ્યોને એ સ્પષ્ટ કહેતા કે, પૂરતા શિક્ષણ અને પૂરતા શારીરિક વિકાસ વિના છોકરીઓના બાળવયે લગ્નના પાપને કારણે, ભારતની પ્રજાએ સાતસો વર્ષ ગુલામી વેઠી હતી અને, ‘ભૂખ્યા ભીખારીઓ અને ગુલામો પેદા કર્યાં હતા.’

ભારતની નારીઓને બચાવવાનો અને ઊંચે ચડાવવાનો માર્ગ શો છે? ઉત્તર છે, શિક્ષણ. પણ ક્યા પ્રકારનું શિક્ષણ? સ્ત્રીઓનું શિક્ષણ શું છે? બધી વિદ્યાર્થિનીઓમાં, મૂર્તિમંત શક્તિ, દિવ્ય માતા ઉમાકુમારીનું પૂજન છે એમ સ્વામીજીએ કહ્યું હતું. એ માનતા હતા કે, સ્ત્રીઓમાં જે શુચિતા અને બલવત્તમ છે તેને, આ શિક્ષણ કાલક્રમે બહાર આણશે. સિસ્ટર ક્રિસ્ટીને લખ્યું છે કે, અઠવાડિયાંઓ અને મહિનાઓ સુધી ભારતની ભાવિ નારીની કલ્પનામૂર્તિના સર્જનમાં અને પુન:સર્જનમાં વિવેકાનંદ મગ્ન રહેતા. અનેક અમેરિકન સ્ત્રીઓના સ્વાતંત્ર્ય, ઊર્જા, પ્રાવીણ્ય અને એમની વિશુદ્ધતાએ પણ સ્વામીજીને આશ્ચર્યમાં ગરકાવ કરી દીધા હતા. તેની સાથોસાથ, સીતા, સાવિત્રી, દમયંતી, અહલ્યાબાઈ અને પદ્મિનીની મૂર્તિઓ પણ એમને ખૂબ આકર્ષતી. સ્વતંત્રતા, મુક્તિ અને ઊર્જાની પાશ્ચાત્ય ભાવના અને તપ, શુચિતા અને પવિત્રતાના ભારતના આદર્શનું મિલન શક્ય ન બને? એ શક્ય છે એમ તેમને લાગતું હતું.

અને વિવેકાનંદે શરૂ કરેલા આંદોલન પાછળ, માર્ગદર્શન અને પ્રેરણાશક્તિ પૂજ્ય શારદામાનાં હતાં એમ જણાતાં, સ્વામીજીની શ્રદ્ધા પ્રજ્વલી ઊઠી. બધી ભારતીય પારંપરિક રૂઢિઓના પાલન કરવા સાથે, સૌના આશ્ચર્ય વચ્ચે, પોતાને મળવા આવનાર ત્રણ પાશ્ચાત્ય મહિલા ભક્તોને તેમણે સહજ રીતે આવકાર્યાં હતાં. જોઝેફાઈન મેકલેઓડ, નિવેદિતા અને મિસિઝ ઓલે બુલ સમક્ષ પોતાના અનંત માતૃત્વનાં દ્વાર ઉઘાડી, તેમને ‘મારી દીકરીઓ’ કહી બોલાવી અને તેમને પોતાના ખંડમાં આવકારી, આ સરળ પણ મહાન માતામાં વિવેકાનંદને ભાવિ ભારતની મહાન નારીઓની ઝાંખી થઈ.

શ્વેત ચામડીવાળા મ્લેચ્છોને લગતી સદીઓથી ચાલી આવતી રૂઢિને તેમણે શાતિપૂર્વક તોડી. શ્રીરામકૃષ્ણ તેટલી હદે જઈ શક્યા ન હતા અને, બીજાંઓને ભારતમાં ખાતરી કરાવવા માટે વિવેકાનંદને અથાગ પ્રયત્ન કરવો પડ્યો હતો, તે પગલું પૂજ્ય માએ સહજ રીતે ભર્યું હતું. આ શાંત સાધ્વીમાં રૂઢિબંધનોને અશબ્દ તૂટતા જોઈ નિવેદિતાએ લખ્યું હતું :

‘સામાન્ય લોક સમજે તે રીતે તેઓ ધર્મનો વ્યવહાર કરે છે. તેઓ ધર્મને ચાહે છે. તેઓ ધર્મની ભાષા જ બોલે છે. પણ, સત્ય એની પાર લઈ જાય છે એમ તેમને શંકા જાય છે ત્યારે, એ ધર્મનો વિરોધ કરવામાં તેઓ પાછાં નથી પડતાં. ધર્મને તેઓ વિસારે પાડે છે. ગમે તેમ તોયે, એમનો ધર્મ સત્ય છે અને, નાની મર્યાદાઓને એમણે તોડવી જ જોઈએ. એક કે બીજી મર્યાદાની પાર ન ગયેલ હોય એવા મહાન સંત વિશે કદી કોઈએ સાંભળ્યું છે?’

૧૮૯૫માં, સહસ્રદ્વીપ ઉદ્યાનમાં વિવેકાનંદ બોલ્યા હતા કે, ‘વર્તમાન સમયમાં ઈશ્વરની ઉપાસના ‘મા’ તરીકે, અનંત શક્તિ તરીકે થવી જોઈએ. એનાથી શુચિતા પેદા થશે અને, અહીં અમેરિકામાં વિરાટ શક્તિ જાગશે. વેદાંતી બની આપણે આ મહાવિચાર જીવી બતાવવાનો છે. જનસમુદાયને એ મળવો જ જોઈએ અને એ અહીં અમેરિકામાં કરી શકાય….નવા યુગમાં લોકો વેદાંત જીવતા દેખાવા જોઈએ અને, મહિલાઓ દ્વારા જ આ આવવું જોઈએ.’

અંતિમ સત્‌, બ્રહ્મ (નિર્ગુણ ચૈતન્ય) આદિમ ઊર્જા, શક્તિ જ છે એ શ્રીરામકૃષ્ણનું ધ્રુવ પદ હતું. અંતિમ સત્‌ શક્તિ હોવાનો ખ્યાલ પહેલી વાર ઋગ્વેદના દેવી સૂક્તમાં વ્યક્ત થયો છે. ઋષિ અમ્ભૃણની પુત્રી તરીકે પોતાને પરમ શક્તિ તરીકે જાહેર કરી; સર્જનની, પ્રલયની અને ધારણની એ શક્તિ વિશ્વમાં ઓતપ્રોત થઈ, શિવમાંથી ઊઠતી જ્ઞાનશક્તિની પાછળની શક્તિ એ છે. ઉપનિષદોમાં પહેલીવાર, કેન ઉપનિષદમાં બ્રહ્મનો શક્તિના પર્યાય તરીકે ઉલ્લેખ છે: બહુશોભમાનાં ઉમા હૈમવતી૩ પ્રયોગ છે. તંત્રના અધિકૃત વર્ગે ઉ-મ્‌-આ-ને અ-ઉ-મનું જ રૂપાંતર ગણ્યું. ગાયત્રી મંત્ર બોધિત સૂર્યના ધ્યાનમાં, તૈારીય આરણ્યકે કુમારી માતાના રૂપનું આરોપણ કર્યું: ‘અમે કન્યાકુમારીનું ધ્યાન ધરીએ છીએ; મા દુર્ગા અમને સહાય કરો :’ જે આદ્યશક્તિની ઉપાસના શ્રીરામકૃષ્ણ કરતા અને મા કાલીના રૂપમાં જેમને એ ચાહતા તે શક્તિ એમનાં પત્ની શારદાદેવીના અને પોતાની માતાના સ્વરૂપમાં એમની સમક્ષ પ્રગટ થઈ હતી. શ્રીશારદાદેવીને એમણે કહ્યું હતું : ‘જે મા કાલી મંદિરમાં છે, જે મા નોબતખાનામાં છે તે જ રૂપે તમે મને દેખાઓ છો.’

પોતાના ગુરુ શ્રીરામકૃષ્ણમાં વિવેકાનંદને પોતાના યુગમાં માતૃશક્તિના પુનરાવિષ્કાર કરનારનાં દર્શન થયાં હતાં :

‘આ અવતારમાં ઈશ્વરનું માતૃત્વ પ્રબળ છે. એ સ્ત્રીનો વેશ ધારણ કરતા. એ જાણે કે અમારી મા હતાં અને, સઘળી સ્ત્રીઓમાં અમારે માનું પ્રતિબિંબ જ જોવું જોઈએ.’

જેના ગુરુ તરીકે નારી હોય એવો પ્રથમ અવતાર શ્રી રામકૃષ્ણ હતા. અને ઈસુનું એમનું પ્રથમ દર્શન ક્રુસ પરના ઈસુનું ન હતું પણ, કુમારી માતા મેરીના અંકમાં બેઠેલા ઈસુનું હતું. ઈસુનું સ્મરણ પિતાના પુત્ર તરીકે કરવામાં આવે છે તેમ શ્રીરામકૃષ્ણનું સ્મરણ માતાના પુત્ર તરીકે કરવામાં આવશે.

લોકોના તારણહાર અને બધી સ્ત્રીઓમાં માતૃત્વ પુન: જાગ્રત કરનાર તરીકે શ્રીરામકૃષ્ણને વિવેકાનંદે નિહાળ્યા હતા. અસંખ્ય ગાર્ગીઓ, મૈત્રેયીઓ અને ઉપનિષદકાળની, ઈશ્વરને ઓળખનારી બીજી બ્રહ્મવાદિનીઓના ઊગમને પ્રેરી, સમાજને વિશુદ્ધ કરનાર પરમ માતૃશક્તિનો ઉદ્‌ભવ સ્વામીજીને પૂજ્ય શારદામામાં દેખાયો હતો. પોતાના એક સાથી શિષ્યને ૧૮૯૪માં તેમણે લખ્યું હતું :

‘તમે-તમારામાંથી કોઈપણ-માના જીવનનું અદ્‌ભુત રહસ્ય સમજી શક્યા નથી. પણ ધીમે ધીમે તમે જાણશો કે, શક્તિ વિના, જગતનો પુનર્જન્મ શક્ય નથી. બધા દેશોમાં આપણો દેશ શા માટે સૌથી વધારે નિર્બળ અને સૌથી પછાત છે? કારણ આપણે ત્યાં શક્તિનું અપમાન થાય છે. ભારતમાં એ અદ્‌ભુત શક્તિની જાગૃતિ માટે મા અવતર્યાં છે અને, એમને કેન્દ્રમાં રાખીને, ફરી વાર ગાર્ગીઓ અને મૈત્રેયીઓ જગતમાં અવતરશે.’

પૂજ્ય માને ચરણે પોતાનાં જે શિષ્યાને સ્વામીજીએ અર્પણ કર્યાં હતાં તે નિવેદિતાએ લખ્યું છે કે, ‘મને સદા લાગ્યું છે કે, ભારતીય સ્ત્રીત્વના આદર્શ માટે પૂજ્ય મા શ્રીરામકૃષ્ણનો અંતિમ શબ્દ છે. અને જિજ્ઞાસુ નિવેદિતાને પ્રશ્ન હતો: ‘પણ એ જૂની વ્યવસ્થાનાં અંતિમ પ્રતિનિધિ છે કે, નવી વ્યવસ્થાનો આરંભ છે?’ પૂજ્ય મા વિશે નિવેદિતાએ લખ્યું હતું કે, ‘શારદાદેવી પોતાનામાં સંપૂર્ણપણે ધ્યાનસ્થ રહેતાં ત્યારે, એમનામાંથી અસાધારણ ઊર્જા પ્રગટ થતી.’ પૂજ્ય શ્રીમામાં, ‘સૌથી અભિજાત અને સૌથી સમર્થનારીનું અને, જગતની મહાનતમ નારીનું દર્શન’ નિવેદિતાને થયું હતું. સોફોકિલસે કે શેક્સપિયરે જે મહાન નારીત્વની કલ્પના કરી હતી તેનાથી ક્યાંય વિશેષ ચડિયાતા આદર્શનાં દર્શન જગતને તેમનામાં થયાં હતાં.

પુરુષના આધિપત્યથી અને ઈન્દ્રિયોનાં બધાં બંધનોથી એમના સંપૂર્ણ મુક્ત જીવને, શિકાગો પરિષદમાં વિવેકાનંદને નીચેના શબ્દો બોલવા પ્રેર્યા હતા: ‘સંપૂર્ણ નારીત્વનું ધ્યેય સંપૂર્ણ સ્વાતંત્ર્ય છે. અર્વાચીન ભારતીય મહિલાના જીવનનો આધારભૂત વિચાર એનું પાવિત્ર્ય છે.’

‘સંપૂર્ણ મુક્તિ અને સંપૂર્ણ સ્વાતંત્ર્ય સંપૂર્ણ સ્ત્રીત્વનું પ્રતીક છે.’ એમ વિવેકાનંદ માનતા હતા.૯ પણ વિવેકાનંદ બરાબર સમજતા હતા કે, સંપૂર્ણ મુક્તિ એટલે શારીરિક, માનિસક, સામાજિક અને આધ્યાત્મિક મુક્તિ. દેહની જૈવિક માંગોથી મુક્તિની ભાવના નહીં ખીલવે, મનની હજારો તૃષ્ણાઓમાંથી એ મુક્તિ નહીં ઝંખે અને, ભીતરના સત્ત્વરૂપ દિવ્યનો અવિરોધ ભાવ એ નહીં અનુભવે ત્યાં સુધી, તેને માટે મુક્તિ નથી. વિવેકાનંદ માનતા હતા કે, આ નવીન આદર્શોને અનુસરીને, ‘અતિપુરુષ’ અને ‘અતિનારી’ની જાતિ અસ્તિત્વમાં આવશે. અને એમના શિષ્યો જાણતા હતા કે, એક દહાડે એ સ્વપ્ન સાચું પડશે. સિસ્ટર ક્રિસ્ટીને લખ્યું છે :

‘અમારામાંથી કેટલાંક માનીએ છીએ કે, સ્ત્રી કેળવણીને લગતા સ્વામી વિવેકાનંદના વિચારોનો સાચો અમલ થશે તો, જગતના ઈતિહાસમાં અજોડ એવી નારી અસ્તિત્વમાં આવશે. પ્રાચીન ગ્રીસની નારી શારીરિક દૃષ્ટિએ પૂર્ણ હતી એમ, બૌદ્ધિક અને આધ્યાત્મિક દૃષ્ટિએ આ નારી એની પૂરક બનશે. છટાદાર, પ્રેમાળ, મૃદુ, ખૂબ સહિષ્ણુ, હૃદયની અને બુદ્ધિથી વિશાળ પણ, આધ્યાત્મિકતામાં સૌથી મહાન એવી નારી એ હશે.’

પણ આરંભ કોણ કરશે? બુદ્ધે પણ જે પગલું લેવાની હિમ્મત કરી ન હતી તે વિવેકાનંદે કરી. ‘સ્ત્રીઓના પ્રશ્નો હું ઉકેલું તે શું હું સ્ત્રી છું? આઘા જ ખસો! એમના પ્રશ્નો એ જ ઉકેલશે.’ પાશ્ચાત્ય સ્ત્રીદાક્ષિણ્ય પાછળ સ્વામીજીને દેહ ભાનની નિર્બળતા દેખાઈ. એક પાશ્ચાત્ય શિષ્યાને એમણે કહ્યું: ‘મારે શા માટે તમને મદદ કરવી જોઈએ? એ સ્ત્રીદાક્ષિણ્ય છે અને એમાં કેવળ જાતીયતા છે એમ તમને નથી લાગતું? પુરુષો તરફથી સ્ત્રીઓને અપાતાં આ બધાં ધ્યાન પાછળ શું છે એ તમે નથી જોઈ શકતાં?’ અને બધી સ્ત્રીઓમાં ‘શક્તિનીમૂર્તિ, પૂજ્ય મા’ હાજરાહજૂર જોનાર પોતાના ગુરુમાં એમના શિષ્યોને અસીમ શ્રદ્ધા હતી.

પોતાના શિષ્યોને એમણે કહ્યું હતું:

‘પુરુષ બ્રહ્મવેત્તા બની શકે તો સ્ત્રી શા માટે નહીં? એટલે હું કહેતો હતો કે, એક સ્ત્રી બ્રહ્મવાદિની બનશે તો, એના વ્યક્તિત્વની પ્રભાથી, હજારો સ્ત્રીઓ પ્રેરણા લઈ જાગ્રત થશે, સત્યને પામશે અને પરિણામે, દેશનું તથા સમાજનું મોટું હિત સધાશે.’

ઊર્ધ્વતમ આધ્યાત્મિક સાક્ષાત્કાર આધારિત માતૃશક્તિનો પૂર્ણ આવિષ્કાર વિવેકાનંદને પૂજ્ય શારદામામાં દેખાયો હતો. પૂજ્ય માના આશીર્વાદથી પોતાની બધી શંકાઓ અને નિરાશાઓને અળગી કરી સ્વામીજી પશ્ચિમની સફરે ઉપડ્યા હતા. એમને કેન્દ્રમાં રાખીને મહિલાઓ માટેનો પ્રથમ મઠ ઊભો થાય એમ સ્વામીજી ઇચ્છતા હતા. બુદ્ધને અઢી હજાર વર્ષ થયાં તે પછી, જ્ઞાન, સેવા, શુચિતા અને સૌથી વિશેષ તો, વૈશ્વિક માતૃત્વની, ખાસ કરીને તો પીડિત સ્ત્રીઓ માટે માતૃત્વની ભાવના સાથે જીવનના વિવેકાનંદના સ્વપ્ન પાછળની પ્રેરણા અને શક્તિ પૂજ્ય શારદામા હતાં.

વિવેકાનંદના શબ્દો આજે સાચા પડ્યા છે. શારદાદેવીને પગલે ચાલીને, જગતભરમાંથી સેંકડો સ્ત્રીઓ જગતને ઉગારવા માટે આગળ આવી છે; એ સૌએ પોતાનો શૈક્ષણિક, સામાજિક, આર્થિક અને વિશેષ તો, આધ્યાત્મિક વિકાસ સાધ્યો છે; એમની એ મુક્તિ પ્રાચીન છે તેટલી જ અર્વાચીન છે; પૂજ્ય શારદા માની શુચિતા સાથે ઝાંસીની રાણીની કે જોન ઓફ આર્કની વીરતાનું, માતાના હૃદયનું તથા વીરના સંકલ્પનું સુભગ મિશ્રણ છે. આધ્યાત્મિક નેતૃત્વ પૂરું પાડનારી આવી મહિલાઓનું, માતાઓનું, સ્વપ્ન સ્વામીજીએ સેવ્યું હતું.

સ્વામીજીએ નિવેદિતાને કહ્યું હતું કે, પાંચસો સાધુઓની સહાયથી, પોતાના વિચારો વડે પોતે ભારતને પચાસ વર્ષમાં જીતી શકે તો, પાંચસો સાધ્વીઓની સહાયથી એ કાર્ય પોતે થોડાં અઠવાડિયામાં જ કરી શકે.

પશ્ચિમમાં ‘વિમેન્સ લિબ’ – સ્ત્રી સ્વાતંત્ર્ય – નું કાર્ય આરંભાય તેની સાઠ વર્ષ પૂર્વે વિવેકાનંદે આ સ્વપ્ન સેવ્યું હતું. વિક્ટોરિયન સભ્યતાના અંકુશ અને કેદ હેઠળ રહેવાના પ્રતિકાર તરીકે, પશ્ચિમની સ્ત્રીઓમાં મનોસામાજિક સ્વાતંત્ર્યની ઝંખના જાગી હતી. બેટી ફ્રાઈડમના ક્રાંતિકારી પુસ્તક ધ ફેમિનાઈન મિસ્ટિકે આ ભડકાનો અગ્નિ પેટાવ્યો હતો. ભૌતિકવાદી અને છૂટછાટવાળા સમાજમાં અમર્યાદ સ્વાતંત્ર્યનું સ્વપ્ન જોઈ સ્ત્રીઓએ તેવી છૂટ માગી.

 ટ્રોયની હેલનના પ્રાચીન ગ્રીક સમયથી, પાશ્ચાત્ય ચેતના પર સ્ત્રીનો મોહિની મૂર્તિ તરીકેનો પ્રભાવ હતો. હિપોક્રેટિસે સ્ત્રીને શાશ્વત નિર્બળતા અને ખરાબ રીતે ઉછરેલ નર તરીકે ચીતરી હતી. અને યહુદી – ખ્રિસ્તી પરંપરામાં આ માન્યતા વધારે દૃઢ બની હતી. સંત પોલે લખ્યું છે: ‘પુરુષ ઈશ્વરની મૂર્તિ અને માન છે… પુરુષનું અસ્તિત્વ સ્ત્રી માટે નથી પણ, સ્ત્રી પુરુષ માટે અસ્તિત્વ ધરાવે છે એટલે…પત્નીએ નિત્ય પતિની આજ્ઞામાં રહી એનાથી ડરવું અને એને આદર આપવો જોઈએ.’

દસ વર્ષ અગાઉ ઇરાકના પ્રગતિવાદી વિચારકોને લાગ્યું હતું કે, ઇરાકની સુસંસ્કૃત, શિક્ષિત અને વહીવટ કરતી મહિલાઓને સેમિટિક ધર્મોની જડ વિચારણા સ્ત્રીઓ પ્રત્યેના ગેરકાયદે અને જંગલી વર્તન ભણી લઈ જશે. ‘વિમેન્સ લિબ’ -સ્ત્રી સ્વાતંત્ર્યના – બધા આંદોલન છતાં, પાશ્ચાત્ય સ્ત્રીઓએ કદી સ્વાતંત્ર્યની સાચી ભાવના પ્રાપ્ત નથી કરી કારણ, આધ્યાત્મિક મુક્તિ રૂપી સાચી મુક્તિ અવગણી, દેહ-મનના સંકુલની નિત્ય અતૃપ્ત ક્ષુધા અને જરૂરતોને તથા, એને પરિણામે જન્મતી ગુલામી અને કેદ પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું છે, અને ઇન્દ્રિયબદ્ધ જીવનપદ્ધતિને કારણે અનિવાર્ય, પોતે ખોટું કર્યાનો ભાવ ઉદ્‌ભવ્યો છે. પોતાના પ્રથમ પુસ્તક ધ ફેમિનાઈન મિસ્ટિકને લખાયે વીસ વર્ષ થયાં પછી બેટી – ફ્રાઈડમનો ભ્રમ ભાંગી ગયો છે. અમર્યાદ છૂટ વાળી નારીની જે મૂર્તિ ખડી કરવા ઇચ્છતી હતી તે ‘અતિનારી’ મૂર્ખતાની મૃગયામાં પરિણમશે એમ પોતાના બીજા પુસ્તક ધ સેકન્ડ સ્ટેઈજમાં બેટીએ લખ્યું છે. બેટીને લાગે છે કે ‘પૂર્ણ નારી’ થવા માટે, મહિલાઓએ ઘરભણી પાછા વળવું પડશે અને પોતાના બાળકોને નિષ્ઠાપૂર્વકનું માતૃત્વ આપવું પડશે.

પુરુષપ્રધાન સમાજમાં ઈશ્વરના માતૃત્વને આગળ ધરવા માટે નારીમુક્તિ આજે નવું આંદોલન બની રહેલ છે. એન.સી.સી. (નેશનલ કાઉન્સીલ ઓવ ચર્ચિઝ)ના નિરીક્ષણ હેઠળ ખ્રિસ્તી ચર્ચે બાઈબલનું નવું રૂપાંતર પ્રગટ કર્યું છે જેમાં ‘ધ લોર્ડ’- ભગવાન – શબ્દને પુંલિંગી વલણ વિનાના ‘પરમ એક’ માં અને, ‘ફાધર ઈન હેવન’ – સ્વર્ગમાના પિતા-ને ‘મધર એન્ડ ફાધર ઈન હેવન’ – સ્વર્ગમાનાં માતા અને પિતા- માં રૂપાંતરિત કરવામાં આવેલ છે. ૧૯૭૬ના એપ્રિલની વેટિકન સભામાં, સ્ત્રીઓને પાદરીપદ આપવાને પ્રશ્ને સત્તર સભ્યોની સભામાં ૧૭ વિ. ૦ મતે ઠરાવ કર્યો કે, સ્ત્રીઓને પાદરીપદ આપવા બાબત ‘નવા કરાર’માં કશી સ્પષ્ટતા નથી અને ૧૨ વિ. ૫ મતે એમ પણ ઠરાવ્યું કે, સ્ત્રીઓને પાદરીપદ આપવાથી ઈસુની યોજનામાં કશો ભંગ પડવાનો નથી. ધ મિનિસ્ટ્રી ઓફ વિમેન ઈન અર્લી ચર્ચ નામના પોતાના પુસ્તકમાં રોજર ગેરિસન લખે છે કે, ‘કેટલીયે સદીઓ સુધી સ્ત્રીઓને પાદરી-સાધ્વી પદ વિધિપૂર્વક અપાતું….અને ખ્રિસ્તીધર્મના મોટા ભાગે એનો સ્વીકાર કર્યો હતો.’ દુર્ભાગ્યે જૂની રૂઢિચુસ્તતા આજે પણ ટકી રહી છે. બે વર્ષ પહેલાં એંગ્લિકન ચર્ચે બે મહિલાઓને વિધિપૂર્વક બિશપપદ અર્પણ કર્યું ત્યારે, વેટિકનને લાગ્યું કે, રોમન કેથલિકો અને એંગ્લિકનો વચ્ચેના જોડાણની તક ઓછી છે.

Total Views: 117

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.