(૧) માતાનો અનન્ય સમર્પણભાવ
રાજકુમાર સિદ્ધાર્થ ભગવાન બુદ્ધ બનીને કપિલવસ્તુ નગરીમાં પધાર્યા છે. નગરજનોના, બુદ્ધના માતપિતાના અને સૌ સ્નેહીસંબંધીઓના હૃદયમાં આજે આનંદની હેલી વહી રહી છે. એમના સહધર્મિણી ગોપાના આનંદનો પાર નથી. કેટ કેટલા વર્ષની વિદાય પછી આજે તે પોતાના સંન્યાસી પતિને, ભગવાન બુદ્ધને મળશે, એના આનંદથી એનું જીવન જાણે કે ધન્ય-ધન્ય બની ગયું. આજની આ આનંદની પળે એ પોતાના પતિનું અનન્ય રીતે સ્વાગત કરવા માગે છે, અને તે પણ પોતાના વહાલસોયા પુત્રને ભગવાન બુદ્ધને સમર્પિત કરીને! કેટલો મહાન ત્યાગ છે આ નારીશક્તિનો, માતૃત્વશક્તિનો! આ ઘડીએ એણે અનુભવેલો પતિનો ગૃહત્યાગ તેમજ તેને કારણે જે વિરહવ્યથા અને દુ:ખ અનુભવ્યાં તેને પણ એક કોરાણે મૂકીને આજે આ માતા, આ ભવ્યમાતા, પોતાના પુત્રને પણ ધર્મકાર્ય માટે સમર્પિત કરી દેતાં આનંદ અનુભવે છે. કેવી અજબની શક્તિ છે, આ માતામાં! પોતાના પુત્ર રાહુલને તે પિતા પાસે સમર્પણ ભાવે જવા કહે છે. પુત્ર રાહુલ તો પિતા વિહોણા બાળકરૂપે ઉછર્યો છે. એણે પિતાને જોયા નથી, ઓળખ્યા નથી એટલે એ માતાને પૂછે છે : ‘મા, હું મારા પિતાને કેવી રીતે ઓળખી શકીશ?’ વીરાંગના અને ભવ્યોદાત્ત માતાના મુખમાંથી સ્વાભિમાનથી છલકતા આ શબ્દો સરકી પડે છે : ‘દીકરા! જે માનવોમાં સિંહ સમા લાગે છે, ફરે છે, તેમને તું તારા પિતા તરીકે તારી મેળે ઓળખજે.’ આ બાળક, વીર માતાનો પનોતો પુત્ર નિર્ભય બનીને પોતાની જાતને સમર્પિત કરવાની ભાવના સાથે, વિનંતી સાથે ભગવાન બુદ્ધ પાસે પહોંચે છે. ભગવાન બુદ્ધ પોતાના શિષ્ય આનંદને રાહુલના સમર્પણભાવને જોઈને ભિક્ષાપાત્ર અને સંન્યાસીનો ભગવો આપવાનું કહે છે. ગોપાનું આ છેલ્લું અને ભવ્ય બલિદાન હતું. ‘ભીતર જલે દાવાનલ પર ધૂઆઁ ન પરગટ હોય’ ભીતર પુત્ર વિયોગનો વિષાદ તો છે જ પરંતુ ભગવાન બુદ્ધના શરણોમાં શરણાગતિ સાધતા અને કરુણાના પથે પડીને એક મહાન ધર્મજાગૃતિ સાધતા પુત્રના બલિદાનનો, સમર્પણનો આનંદ એના મુખ પર છવાઈ ગયો છે, આ પવિત્ર બલિદાનનો આનંદ એના મુખ પર છલકી રહ્યો છે અને આ મહાન નારી, આ મહાન માતા ગોપામાંથી શાશ્વત જ્વલંત કીર્તિવાળી યશોધરા બની જાય છે અને એ પણ ભિખ્ખુણી બનીને પોતાના પતિના કરુણાના પથ પર પ્રયાણ કરે છે.
સ્વામી વિવેકાનંદ આ મહાન ઘટનાનો ઉલ્લેખ કરતા કહે છે : ‘ભગવાન બુદ્ધના મહાન શિષ્યોમાંના એક હતા તેમના પત્ની યશોધરા. તેઓ બૌદ્ધધર્મ ભાવધારાના ભિખ્ખુણી સંઘના પ્રથમાધ્યક્ષા બન્યાં હતાં.’ આ હતું ભારતની નારીઓના જીવનોત્થાનનું ભગવાન બુદ્ધે પ્રસ્થાપિત કરેલું મહાકાર્ય.
(૨) સેવા એ જ પરમધર્મ
શ્રાવસ્તિનગરી અને તેની આજુબાજુના વિસ્તારોમાં ભયંકર દુકાળ પડ્યો છે. માણસો દારુણ દુ:ખ ભોગવી રહ્યા છે. ભૂખને કારણે અસંખ્ય માણસો મરણને શરણ થાય છે. આ ભયંકર પરિસ્થિતિની વાત કરતાં શિષ્ય આનંદ ભગવાન બુદ્ધને કહે છે : ‘મહરાજ, લોકો આ દારુણ દુ:ખથી મરી રહ્યા છે. આવા કપરા સંયોગોમાં આપણા સંઘની શી ફરજ બની રહે છે?’ શ્રાવસ્તિના શ્રેષ્ઠીજનો ભગવાન બુદ્ધનો સંદેશ સાંભળવા આવ્યા છે, તેમને સંબોધીને ભગવાન બુદ્ધ કહે છે : ‘આપ સૌ તો ધનવાન છો, સુખી છો, સમૃદ્ધ છો. જો તમે ઇચ્છો તો આ બધાં ભૂખે મરતાં લોકોને દુષ્કાળની દારુણપીડામાંથી બચાવી શકો છો.’ આ સાંભળીને એક બહાનાબાજ શ્રેષ્ઠીએ કહ્યું : ‘મહારાજ, દુકાળને કારણે અમારા ખજાના-ભંડાર ખાલી છે.’ વળી બીજાએ ઉમેર્યું : ‘મહારાજ, શ્રાવસ્તિ તો મોટી નગરી છે અને વસ્તી ય ઘણી છે એ બધાને પહોંચી વળવું અશક્ય છે.’ આ શબ્દો સાંભળીને ભગવાન બુદ્ધે ચારે તરફ નજર કરીને ફરીથી કહ્યું : ‘શું અહીં એવો કોઈ વિરલો નથી, ત્યાગી, સેવાભાવી નથી કે જે આ ભયંકર દુકાળની પીડાથી પીડાતા આપણા દુ:ખી બાંધવોને સહાય કરીને દુ:ખમાંથી ઉગારી શકે?’ થોડી વાર તો બધે સ્મશાન જેવી શાંતિ પ્રસરી ગઈ. કોઈના મોઢામાંથી જીભ સળવળી નહિ. પરંતુ, થોડી પળની શાંતિ પછી એક યુવતી ઊભી થઈ અને આત્મશ્રદ્ધા અને નિર્ભયતાના રણકારવાળા શબ્દો એમના મુખેથી સરી પડ્યા, તે બોલી ઊઠી : ‘મહારાજ! આપની આ સેવિકા આપની આજ્ઞાનું પાલન કરવા તૈયાર છે. અરે! પોતાના જીવનનું બલિદાન આપીને પણ માનવની સેવા કરવા તૈયાર થવું, શક્તિમાન બનવું એ તો પ્રભુની મહામહેર છે, મહારાજ!’ આ મહાન યુવતી એટલે ભગવાન બુદ્ધની મહાન શિષ્યા સુપ્રિયા હતાં. સભાજનો એમના તરફ આશ્ચર્યથી તાકી રહ્યા હતા. એમને બધાને તો એમ જ લાગ્યું કે આ છોકરી વિચાર્યા વિના અને બેજવાબદારીપૂર્વકનું આ કાર્ય કરી રહી છે, છોકરમત છે ને એટલે એને આવી મતિ સૂઝે છે! ભગવાન બુદ્ધે સસ્મિત વદને યુવતી તરફ નજર કરીને કહ્યું : ‘વત્સ, આટલા બધા અસંખ્ય દુ:ખી માનવીઓના પેટના ખાડાની ભૂખ તું કેમ ભાંગી શકીશ! આ બધાં દુ:ખ તું કેમ દૂર કરી શકીશ!’ સેવાપરાયણ સુપ્રિયાના મોએથી આ શબ્દો સરી પડ્યા : ‘મહારાજ, આપની અસીમ કૃપાથી મારું ભિક્ષાપાત્ર ક્યારેય ખાલી નહિ રહે, એ હંમેશાં ભરપૂર રહેશે! અને એ જ ભિક્ષાપાત્ર હજારો ભૂખ્યાંઓની ભૂખને ભાંગશે અને મરણશીલ બનેલા લોકોને નવજીવન બક્ષશે! મહારાજ, શ્રાવસ્તિનો આ દુકાળ એ હવે પછી ગઈકાલની, ભૂતકાળની વાત બની જશે.’ આ પરમશ્રદ્ધાળુ અને પરમસેવાભાવી છોકરીની સેવાભાવનાની અમૃતમયી વાણીને સાંભળીને આનંદનું હૃદય આનંદથી છલકાઈ ગયું. દીકરીને આશીર્વચન આપતાં કહે છે : ‘બાળ સ્વરૂપે રહેલી હે ભવ્યોદાત્ત માતા! ભગવાન અમિતાભ આપની ઇચ્છાઓ પૂર્ણ કરો.’ અનાથપિણ્ડદની પુત્રી અને મહાપ્રજાપતિ ગૌતમીના પ્રિય શિષ્યા સુપ્રિયાની આ સમર્પણ ભાવના અને સેવાભાવનાની વાત સર્વત્ર એક વડવાગ્નિની જેમ ફેલાઈ ગઈ. આ સેવાપરાયણતાએ કેટલાય કૃપણકઠોરહૃદયીને પિગળાવી દીધા, એકીઅવાજે તેઓ કહેવા લાગ્યા : ‘સુપ્રિયાનું ભિક્ષાપાત્ર ક્યારેય ખાલી રહેશે નહિ.’ આ સુપ્રિયા ભિક્ષાપાત્ર સાથે જ્યાં જ્યાં જતી ત્યાં ત્યાં આબાલવૃદ્ધ સૌ એમને સહાય કરતા અને સુપ્રિયાના આ મહાન તેજોજ્વલ વ્યક્તિત્વે દરેકના હૃદયમાં નવી શ્રદ્ધા અને નવી આશાના ચિરાગ પ્રગટાવ્યા. આ હતું એક નારીનું, એક નારીના માતૃહૃદયનું, શાશ્વત સ્મરણરૂપ બની જનારું મહાન સેવાકાર્ય. એટલે જ સેવા વિશે સ્વામી વિવેકાનંદ કહે છે : ‘સર્વ ઉપાસનાનો મર્મ આ છે : પવિત્ર થવું અને બીજાનું કલ્યાણ કરવું. જે મનુષ્ય દીનદુખિયાંમાં, નિર્બળોમાં, રોગીઓમાં ભગવાન શિવના દર્શન કરે છે, તે સાચે સાચ શિવની ઉપાસના કરે છે! પણ જો તે શિવને માત્ર તેની લિંગમાં જ જુએ તો તેની ઉપાસના હજુ પ્રાથમિક ભૂમિકામાં છે એમ સમજવું. જે મનુષ્ય દીનદુખિયાંમાં તેમનાં દર્શન કરે છે અને નાતજાત વગેરેના વિચાર કર્યા વગર તેમની સેવા કરે છે, તેની ઉપર ભગવાન શિવ વધુ પ્રસન્ન થાય છે… તમને તમારા જાતિભાઈઓ પ્રતિ પ્રેમ છે? ઈશ્વરને શોધવા ક્યાં બીજે જવું છે? શું આ બધા દરિદ્ર, દુ:ખી અને દુર્બળ મનુષ્યો પોતે જ ઈશ્વર નથી? પહેલાં એમની સૌની પૂજા શા માટે ન કરવી? ગંગા કિનારે કૂવો ખોદવા શા માટે જવું.’
(૩) અકિંચનત્વ, બ્રહ્મચર્ય, સાદગી અને વિશ્વસેવા*
રાજા અશોક પોતાના પુત્રને પોતાની રાજગાદી પર બેસાડવાનો મનમાં વિચારે છે. એ સમયે તેમની પાસે એક જ્યોતિર્વિદ શિક્ષકે આવીને કહ્યું: ‘તે સાચો ધર્મમિત્ર છે અને પોતાની પ્રજાને ધર્મમાર્ગે વાળશે.’ આ શબ્દો સાંભળીને પોતાનાં બંને સંતાનો પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાને રાજા અશોક પ્રેમથી પૂછે છે : ‘તમે જીવનભરનું બ્રહ્મચર્ય, અકિંચનત્વ અને વિશ્વની સેવાનું પ્રણ લેવા તૈયાર છો?’ પિતાના આ પ્રશ્નથી નિર્મળ અને પવિત્ર હૃદયના મહેન્દ્ર અને સંઘમિત્રાના આનંદનો પાર ન રહ્યો. તેમની ઇચ્છા તો સંઘના સેવાકાર્યમાં જોડાવાની હતી, પરંતુ તેમની આ મહેચ્છા આડે પોતાના રાજ્યધર્મનાં બંધનો આડે આવતાં હતાં. પિતાના આ શબ્દો સાંભળીને તેમણે પ્રત્યુત્તરમાં કહ્યું: ‘કરુણાવતાર ભગવાન બુદ્ધના પ્રેમ અને કરુણાના વૈશ્વિક સંદેશના પ્રચાર-પ્રસારનું એક સાધન, માધ્યમ બનવું એ તેમનું એક મહાભાગ્ય છે. જો આપ અનુજ્ઞા આપો તો અમે સંઘમાં રાજીખુશીથી જોડાઈએ અને આ માનવજીવનના હેતુ અને નિર્વાણને પામીએ.’ પોતાના સંતાનોના આ શબ્દો સાંભળીને રાજાનું હૈયું આનંદથી છલકવા લાગ્યું, પછી એમણે બૌદ્ધસંઘને કહેવડાવ્યું કે રાજા અશોક પોતાના બંને સંતાનોને ભગવાન તથાગતની સેવામાં સમર્પિત કરે છે. કેવો નિ:સ્વાર્થ ત્યાગ હતો આ પિતાનો અને એના બંને સંતાનોનો! મહેન્દ્ર સાધુ બનીને ધર્મપાલ બન્યા અને સંઘમિત્રા અયુપાલી બન્યાં. ૩૨ વર્ષની ઉંમરે મહેન્દ્ર શ્રીલંકાની ભૂમિ પર ગયા અને ભગવાન બુદ્ધના પ્રેમ અને કરુણાના સંદેશને એ ભૂમિ પર પ્રસરાવ્યો. મહેન્દ્રના દિવ્ય તેજ અને અધ્યાત્મભર્યાં જ્ઞાનવાણીથી સૌ કોઈ મંત્રમુગ્ધ બની જતા. હજારો લોકો ભગવાન બુદ્ધના અનુયાયી બન્યા. સિલોનની રાજકુમારી સાથે ૫૦૦ જેટલી સ્ત્રીઓ પણ સાધ્વી થવા તત્પર બની. સિંહાલી મહિલાઓને ધર્મશિક્ષણ અને કરુણાસેવાનો સંદેશ આપવા અને એ સન્માર્ગે વાળવા તેમને તાલીમબદ્ધ કરવા મહેન્દ્રે પોતાના પિતાને બહેન સંઘમિત્રાને આ મહાકાર્ય માટે મોકલવા વિનંતી કરી. પોતાના ભાઈની આ વિનંતીના સમાચાર મળતાં સંઘમિત્રામાં આનંદની સીમા ન રહી. તે તરત જ પોતાના નવકાર્ય માટે સિલોનની નવી ભૂમિ પર પહોંચી ગઈ. ભારતના ઇતિહાસની સર્વપ્રથમ ઘટના હતી કે ભારતના એક સમ્રાટની પુત્રી, શિસ્તબદ્ધ, સુસંસ્કારિત અને શિક્ષિત નારી, વિદેશની ભૂમિ પર, વિદેશની નારીઓને શાંતિ, પ્રેમ અને કરુણાનો સંદેશ આપવા માટે ચાલી નીકળી. પોતાનાં ભગવાં, ત્યાગ, ઉદાત્તતા, શાંતિ અને તેજોજ્વલ પવિત્રતા અને દિવ્યતાથી સંઘમિત્રા સૌના હૃદયને હરી લેતી. તેની પવિત્રવાણી સૌ કોઈ મંત્રમુગ્ધ બનીને સાંભળતા. આ બંને ભાઈ બહેનના અથાક્ પ્રયત્નોથી સમગ્ર સિલોન બૌદ્ધધારામાં ભળી ગયું. એશિયાના વિવિધ દેશોમાં બૌદ્ધ ભિખ્ખુ-ભિખ્ખુણીઓએ કરેલા આ મહાન ધર્મકાર્યને વિશ્વનો ઇતિહાસ કદી પણ ભૂલી શકે તેમ નથી.
(૪) મને સ્વીકારો, નાથ!
ગણિકા શ્યામાની પુત્રી કાન્હૂ પાત્રાનું સૌંદર્ય સોળેકળાએ ખીલી ઊઠ્યું હતું. માતાએ પુત્રીને શિક્ષણ સાથે નૃત્ય સંગીત શીખવ્યાં. માતાની સાથે પંઢરપુરમાં ભગવાન પાંડુરંગજીનાં દર્શન કરતા જ એના હૃદયમાંથી જાણે કે પાતાળને તોડીને સરવાણી છલકાઈ એમ હૃદયમાંથી ભક્તિભાવનું ઝરણું પ્રગટ્યું. મંદિરનું પવિત્ર વાતાવરણ ભક્તિસંગીત, પ્રભુના જયઘોષ અને સંતમહાત્માના ભજન સાંભળીને એ બોલી ઊઠી : ‘હે દેવ, હે વિશ્વાધાર આ દાસીને સ્વીકારો.’ ઘરે જઈ બધાં અલંકારો, કિંમતી વસ્ત્રો છોડીને એ લાગી ગઈ પ્રભુની આરાધના કરવા, અને તે પણ નૃત્યસંગીત અને હૃદયની ભાવનાથી તે કહેતી : ‘ભગવાન! હું તો અજ્ઞાન છું, કશું જાણતી નથી, તપ જાણતી નથી, ભક્તિ જાણતી નથી, મારું નૃત્ય પૂજારૂપે સ્વીકારો, મહારાજ!’ તેની માતાએ બીડરના સુલતાન સાથે કાન્હૂ પાત્રાનો સોદો કરી નાખ્યો છે, તે તેને મેળવવા આતુર છે પણ કાન્હૂ પાત્રા પોતાના નિર્ણયમાં અડગ રહે છે. એને પ્રભુભક્તિ સિવાય કંઈ જોઈતું નથી. મા સંસારના ભૂખદુ:ખની યાદ અપાવે છે ત્યારે તે કહે છે : ‘મા, સંસારનાં સુખ, ભોગ મને ન ખપે. મને તો પરમાનંદની પ્રાપ્તિ થઈ ચૂકી છે, મને પારસમણિ મળી ગયો છે; હવે મારે સુવર્ણના ઢગલાને શું કરવા છે?’ અને વળી ઉમેર્યું : ‘સુખદુ:ખ, એ બધાં મનની માયા છે. ભગવાન પાંડુરંગજીના શરણે ગયા પછી સુખ શું અને દુ:ખ શું? ભક્તિનો આનંદ રોમેરોમે પુલકિત કરી દેતો હોય તો બીજું જોઈએ પણ શું? ઈશ્વરનું સામિપ્ય એટલે નિજાનંદ.’ માએ પુત્રીને પોતાને રંગે રંગવા અને બીડરના સુલતાન પાસે મોકલવા સામ-દામ-દંડ-ભેદની નીતિ અપનાવી, પણ પુત્રીએ મક્કમતાથી કહ્યું: ‘મા, જે ભગવાન પાંડુરંગનું શરણ સ્વીકારે છે એ નિર્ભય છે, અભય છે. મને સુલતાનની સમશેરનો ભય નથી. બહુ તો મને હણી નાખશે, પણ મારા આત્માને તે હણી શકવાનો નથી. વળી, ભગવાનની છત્રછાયા જેના પર હોય તેનો યમરાજ પણ વાળ વાંકો કરી ન શકે. વારુ, હું પંઢરપુર જાઉં છું. મારું સ્વર્ગ, વૈકુંઠ અને મુક્તિધામ પંઢરપુરમાં જ છે.’ આટલું કહીને તે પંઢરપુરને માર્ગે ચાલી નીકળી. સૈનિકોએ બળ જબરીથી તેને રોકવાનો પ્રયત્ન કર્યો એટલે કાન્હૂ પાત્રાએ હાથ જોડીને કહ્યું : ‘ફક્ત એક જ વખત પ્રભુના મુખારવિંદનું દર્શન કરી લેવા દો.’ સૈનિકોએ એને જવા દીધી. કાન્હૂ પાત્રા મંદિરમાં દોડી ગઈ, પાંડુરંગની મૂર્તિ સામે ગોઠણભેર નમીને પોતાનું માથું ઝુકાવી દીધું. હર્ષોન્મિત આંખોમાંથી અનરાધાર આંસું વરસવાં લાગ્યાં. તે આર્જવ ભરી વાણીમાં કહ્યું: ‘હે કરુણા સાગર! મને સ્વીકારો લો. તમારી કાન્હૂ પાત્રાને સ્વીકારી લો. ભક્તિ, જ્ઞાન, યમ, નિયમ, પૂજાપાઠથી અજ્ઞાન એવી મને સ્વીકારી લો, પ્રભુ! મારે કંઈ જ જોઈતું નથી, મારે તો આપવું છે. મારે મારો દેહ, આત્મા, તમારે શરણે અર્પણ કરવો છે. સ્વીકારો, હે દયાસાગર પ્રભુ!’ આમ કહીને આ ભક્તિમયી કાન્હૂ પાત્રા પાંડુરંગના ધ્યાનમાં લીન બની ગઈ. અને એનો આત્મા પ્રભુમાં ભળી ગયો.
Your Content Goes Here