આખી દુનિયા ફર્યા પછી મેં જોયું છે કે બીજા દેશોના લોકોની સરખામણીએ આપણા દેશના લોકો તમોગુણ (નિષ્ક્રિયતા)માં ડૂબી ગયેલા છે. બહારથી સાત્ત્વિક (શાંત અને સમતુલ) સ્થિતિ દેખાતી હોય છતાં અંદર તો વૃક્ષ અને પાષાણ જેવી પૂર્ણ જડતા ભરેલી હોય છે. આવા માણસો જગતમાં શું કામ કરી શકવાના છે? આવા નિષ્ક્રિય, આળસુ અને ઇન્દ્રિયપરાયણ લોકો ક્યાં સુધી આ જગતમાં જીવી શકશે? 

પ્રથમ પાશ્ચાત્ય દેશોમાં મુસાફરી કરી આવો અને પછી જ મારા કથનનો વિરોધ કરો.પાશ્ચાત્ય લોકોના જીવનમાં કેટલું સાહસ, કામમાં કેટલી નિષ્ઠા, કેટલો ઉત્સાહ અને રજોગુણની કેટલી બધી અભિવ્યક્તિ દેખાય છે? જ્યારે આપણા દેશમાં જાણે કે લોહી હૃદયમાં થીજી જઈને નસોમાં ફરી જ શકતું ન હોય તેના જેવું છે–જાણે શરીરને પક્ષઘાત થયો હોઈ તે નિશ્ચિેષ્ટ બન્યું છે.

તેથી મારો વિચાર પ્રથમ રજોગુણનો વિકાસ કરી લોકો ને પ્રવૃત્તિશીલ બનાવી અને જીવનસંગ્રામમાં ઝઝૂમવા માટે સમર્થ બનાવવાનો છે. દેહમાં કશી તાકાત વિનાના, હૃદયમાં કોઈ ઉત્સાહ વિનાના અને મગજમાં જરાય મૌલિકતા વિનાના આ જડ પદાર્થના લોચા જેવા માણસો શું કરી શકવાના છે? તેમનામાં ઉત્સાહ લાવીને માટે તેઓમાં પ્રાણ પૂરવા છે – આ કાર્યને માટે મેં મારું જીવન અર્પણ કર્યું છે.

વૈદિક મંત્રોની અમુક શક્તિથી હું તેમને જાગ્રત કરીશ. તેમની પાસે ‘ઉત્તિષ્ઠત, જાગ્રત’ના અભય સંદેશની ઉદ્‌ઘોષણા કરવા મેં જન્મ લીધો છે. આ કામમાં તમે પણ સહાયક બનો. દેશના એક છેડાથી બીજા છેડા સુધી તમે ગામેગામ પહોંચો અને બ્રાહ્મણથી માંડીને ચાંડાલ સુધી સૌમાં આ અભયવાણીનો પ્રચાર કરો. એકેએક મનુષ્યને કહો કે તેની અંદર અનંત શક્તિ રહેલી છે, તે અનંત આનંદનો ભાગીદાર છે. આમ તેમનામાં રજોગુણને જાગ્રત કરો – જીવનસંગ્રામ માટે તેમને સમર્થ બનાવો અને તે પછી મુક્તિનો ઉપદેશ આપો. પ્રથમ આ દેશના લોકોમાં રહેલી શક્તિને જાગ્રત કરીને તેમને પગભર બનાવો; પ્રથમ તેઓને સારો ખોરાક, સારાં કપડાં અને ભોગના પુષ્કળ સાધનો મેળવતાં શીખવો; પછી જ આ ભોગનાં બંધનોમાંથી કેમ છૂટવું તે તેમને કહો.

-સ્વામી વિવેકાનંદ

(‘ઊઠો! જાગો!’, પૃ.૬૬)

Total Views: 163

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.