(૭) નારીએ પૂર્ણનારી બનવાનું છે, પુરુષ સમોવડી નહીં :

આજકાલ મોટાભાગની યુવતીઓ પુરુષ સમોવડી બનવા ઇચ્છે છે. પુરુષ જેવો પોષાક પહેરવો, તેવી રીતભાત આચરવી, અને તેમના જેવાં કાર્યો કરી એ સાબિત કરવા ઇચ્છે છે કે તેઓ પુરુષ સમોવડી છે. તેથી તેમને પુરુષ સમાન અધિકારો મળવા જોઈએ. પરંતુ તેઓ એ ભૂલી જાય છે કે પરમાત્માએ તેને જે વિશિષ્ટ અધિકારો આપ્યા છે, તે પુરુષોને આપ્યા નથી. માતૃત્વનો અધિકાર એ સ્ત્રીઓને પરમાત્માએ આપેલો વિશિષ્ટ અધિકાર છે. એ માટે ભગવાને સ્ત્રીઓને અપાર સહનશક્તિ, અખૂટ ધીરજ, અને સંવેદનશીલ મૃદુ હૃદય આપ્યાં છે. આ બધાંને કચડીને પુરુષ સમોવડી બનવાથી સ્ત્રી કદાચ બહારના જગતમાં પુરુષ જેવી દેખાઈ શકશે, પણ તે પોતાની પ્રકૃતિગત સહજતા ગુમાવી દેશે. ન તો તે પુરુષ સમાન બની શકશે કે ન તે પૂર્ણ નારી બની શકશે. અર્ધપુરુષ બનવા કરતાં પૂર્ણનારી બનવામાં જ તેનું કલ્યાણ રહેલું છે.

હવે તો વૈજ્ઞાનિકોએ પણ એ પુરવાર કર્યું છે કે સ્ત્રીદેહ અને પુરુષદેહનું બંધારણ જ અલગ પ્રકારનું છે. ૯ માર્ચ ૧૯૯૯ના ટાઇમ મેગેઝીનમાં આ અંગેનો લેખ પ્રગટ થયો હતો. તેમાં જણાવાયું હતું કે સ્ત્રી મગજની રચના પુરુષ મગજ કરતાં જુદા જ પ્રકારની છે. સ્ત્રીનું શારીરિક સ્વરૂપ, બંધારણ, તેની વિચારશક્તિ, લાગણીઓ અનુભવવાની શક્તિ બધું જ અલગ પ્રકારનું છે. આથી સ્ત્રી કદી પુરુષ સમાન બની શકે નહીં. સ્ત્રીએ પૂર્ણ સ્ત્રી બનવા પ્રયત્ન કરવો જોઈએ. અને પુરુષે પૂર્ણ પુરુષ બનવા પ્રયત્ન કરવો જોઈએ અને બંનેએ મહાન બનવા પ્રયત્ન કરવો જોઈએ.

(૮) સ્વાધીનતા અને સ્વચ્છંદતાના ભેદની પરખ :

આજની નારી સ્વાધીનતા ઝંખે છે, પણ સ્વાધીનતાની તેની પરિભાષા જ અલગ છે.તેને મન સ્વાધીનતા એટલે ફાવે તેમ કરવાની છૂટ, બહાર હરવું-ફરવું, ક્લબોમાં નાચવું, ગાવું, કૂદવું, ચૂસ્ત કપડાં પહેરી દેહ પ્રદર્શન કરવું, કોઈપણ જાતના રોકટોક વગરનું નિરંકુશ જીવન જીવવું. પરંતુ વાસ્તવમાં આ સ્વાધીનતા નથી. આ સ્વચ્છંદતા છે. આવી સ્વચ્છંદતાની પ્રતિક્રિયા પછી તેના ઉપર લદાતાં અનેક પ્રકારના બંધનોમાં પરિણમે છે. સૌંદર્યસ્પર્ધાઓમાં થતાં નારીદેહના વરવા પ્રદર્શનોની પ્રતિક્રિયા રૂપે પછી તેના ઉપર બુરખો લાદી દેવામાં આવશે. આથી જ આધુનિક નારીએ સ્વતંત્રતા અને સ્વચ્છંદતા વચ્ચેનો ભેદ પારખી લેવો જોઈએ. સ્વાધીનતા એટલે કુટુંબની મર્યાદામાં રહીને પોતાના સ્વતંત્ર નિર્ણયની અભિવ્યક્તિ અને તેનું પાલન કરવાની શક્તિ. જો આ શક્તિ તેને ન મળી હોય તો તે મેળવવા માટે તેણે જરૂર પ્રયત્ન કરવો જોઈએ.

જો સ્ત્રીનું ધ્યેય પરમ સ્વાધીનતા એટલે કે મોક્ષપ્રાપ્તિનું હોય તો તો તેના ઉપર લદાયેલાં બંધનો તેના માટે આશીર્વાદ રૂપ બની શકે. ઘરની ચાર દીવાલોની વચ્ચે જ તેને રહેવાનું હોવાથી બહાર તેની શક્તિઓ વેડફાતી નથી. ઘરમાં જ રહેવાનું હોવાથી તે સદ્‌વાંચન અને જપધ્યાન સારી રીતે કરી શકે. તેના મનને બહાર દોડાદોડી કરવાની ટેવ જ ન હોવાથી તે જલ્દીથી એકાગ્ર થઈ શકે. નાના છોડને જેમ શરૂઆતમાં વાડની જરૂર રહે છે, નહીંતર ગાય બકરાં ચરી જાય છે. એમ પરમ મુક્તિના ઇચ્છુક માટે શરૂઆતમાં આવાં બાહ્ય બંધનોની વાડ હોવી જરૂરી છે. એ દ્વારા બાહ્ય પતનની શક્યતાઓ ઘટી જાય છે.

પરંતુ ઘણીવાર સ્ત્રીઓને એટલું બધું બંધન હોય છે કે પુસ્તકોનું વાંચન કરવાની કે બેસીને પૂજા-પાઠ કરવાની છૂટ હોતી નથી. ભલે આવી બાહ્યપૂજા ન થઈ શકે, પણ મન તો પોતાને સ્વાધીન હોય છે ને? એ મન દ્વારા તે ભગવાનને સતત પ્રાર્થના કરી શકે છે. સઘળાં કાર્યો કરતાં કરતાં નામજપ થઈ શકે છે. એ દ્વારા પોતાનો આધ્યાત્મિક વિકાસ ખૂબ ઝડપથી કરી શકે છે. આધ્યાત્મિક વિકાસ થતાં પછી આસપાસનું વાતાવરણ પણ આપોઆપ બદલાઈ જાય છે. જેઓ આ રીતે સાચી સ્વાધીનતા પ્રાપ્ત કરે છે, એટલે કે આત્મસ્થિતિમાં રહે છે, તેમને પછી દુનિયાના કોઈ બંધન બાંધી શકતાં નથી. ભલે સામાન્ય લોકોને બાહ્યદૃષ્ટિથી બંધનો જણાતાં હોય, પણ આત્મસ્થિતિમાં કોઈ બંધનો જણાતાં નથી, એ તો જીવનમુક્તિની સ્થિતિ છે અને એ જ સાચી સ્વાધીનતાની સ્થિતિ છે.

(૯) નારી સમસ્યાઓનું સમાધાન નારીના જ હાથમાં :

મોટાભાગની નારી સમસ્યાઓની સર્જક નારી પોતે જ છે. એના અસંખ્ય ઉદાહરણો આપણા સમાજમાં જોવા મળે છે. પુત્રીને આગળ ભણવાની ના માતા જ પાડતી હોય છે, પિતા નહીં. વહુને સળગાવનાર સાસુ ને નણંદ હોય છે, સસરા કે દિયર નહીં. સંયુક્ત કુટુંબમાં ઝગડાઓ મોટેભાગે સાસુ-વહુ, નણંદ-ભાભી, દેરાણી-જેઠાણી વચ્ચે થતા હોય છે. સસરા-જમાઇ, સાળા-બનેવી કે ભાઈ ભાઈ વચ્ચે એવા ઝગડાઓ જોવા મળતા નથી. દહેજની સમસ્યાને જીવતી રાખનાર સ્ત્રીઓ જ છે. જો કન્યાઓ દહેજ લેનારને પરણવાનું બંધ કરી દે તો દહેજની રાક્ષસી પ્રથા આપોઆપ બંધ થઈ જાય. પણ કન્યાઓ ય માતાપિતા પાસેથી દહેજ ઇચ્છતી હોય છે ને સામે પક્ષે સાસુ પણ ઇચ્છતી હોય છે. કન્યાભૃણહત્યા માટે સ્ત્રી પોતે જ જવાબદાર છે. સ્ત્રી પુત્રીને ઇચ્છતી નથી. પુત્રીઓના ઉછેરમાં ભેદભાવ કરનારી માતા જ હોય છે. આમ સ્ત્રીઓની સમસ્યાનું કારણ સ્ત્રી પોતે જ છે એથી એ સમસ્યાઓનો ઉકેલ પણ સ્ત્રીઓના જ હાથમાં છે. જો સ્ત્રીઓ આંતરખોજ કરે, સમસ્યાઓના મૂળમાં ઊંડા ઊતરીને કારણો શોધે તો, દરેક સમસ્યા તેઓ પોતે જ ઉકેલી શકે તેમ છે.

(૧૦) આંતરિક શક્તિ દ્વારા પરિવર્તન :

સમાજમાં સ્ત્રીઓનો ધીમો કોમળ અવાજ કોઈ સાંભળતું નથી. સ્ત્રીઓની વાત ધ્યાનમાં લેવામાં આવતી નથી પરંતુ કાળમીંઢ પથ્થરોની વચ્ચેથી પણ સતત પ્રયત્ન કરીને પાણીનું ઝરણું ખળખળ વહેવા લાગે છે, એમ સ્ત્રી પણ ધીમે ધીમે સતત કાર્યરત રહીને સમગ્ર પરિસ્થિતિને પલટાવી નાંખે છે. કાળમીંઢ જેવાં કઠોર મનને પલટાવીને મૃદુ બનાવી દે છે. સ્ત્રીમાં એ આંતરશક્તિ રહેલી છે. સૌરાષ્ટ્રની સતી તોરલે લંપટ એવા સુધીર વાણિયાની કુદૃષ્ટિને પોતાની આત્મશક્તિથી પલટાવી નાંખી હતી. આ જ સંત નારીએ ખુંખાર બહારવાટિયા જેસલને પોતાની આત્મશક્તિના પ્રભાવથી સંતમાં પલટાવી દીધો હતો. શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ ગૃહસ્થ શિષ્યોમાંના કાલીપદ ઘોષ દુરાચારી અને વ્યસની હતા. પરંતુ તેમના ભક્તિમતી પત્નીએ બાર બાર વરસ સુધી મૂકપણે ભગવાનને તેના પતિને સન્માર્ગે વાળવા પ્રાર્થના કરી. આ મૂકપ્રાર્થનાનું પરિણામ એ આવ્યું કે કાલીપદ ઘોષ શ્રીરામકૃષ્ણના સંપર્કમાં આવ્યા અને પછી તો એ વિષયી ને વ્યસની મટી સાધક ને શ્રીરામકૃષ્ણના સંનિષ્ઠ સેવક બની ગયા. આ છે સ્ત્રીની આંતરિક શક્તિ કે જે પાષાણમાં પણ દેવત્ત્વ જગાડી શકે અને કાદવમાં પણ કમળ ખીલાવી શકે.

(૧૧) સ્ત્રી સંગઠનની આવશ્યકતા :

संघे शक्ति कलौ युगे – કળિયુગમાં સંઘ એટલે કે સંગઠનમાં જ શક્તિ રહેલી છે. જો સ્ત્રીઓએ પોતાનું ગૌરવભર્યું સ્થાન પ્રાપ્ત કરવું હોય તો તેણે સંગઠન સાધવું પડશે. બધી જ સ્ત્રીઓના પ્રચંડ સમૂહની શક્તિ એકત્ર થતાં અશક્ય જણાતાં કાર્યો પણ સિદ્ધ થઈ શકશે. અન્યાય, અત્યાચાર, શારીરિક-માનસિક શોષણ, ભેદભાવ – આ બધાંનો સામનો કરવા સંઘશક્તિની જરૂર છે. એકલી સ્ત્રીનો અવાજ દબાવી દેવામાં આવશે, પણ અસંખ્ય સ્ત્રીઓના અવાજને દબાવી શકાશે નહીં. એકલી સ્ત્રી અન્યાયને ચુપચાપ સહન કરતી, આંસુ સારતી, ભાગ્યને દોષ દેતી બેસી રહે છે, પણ એ જ સ્ત્રી જ્યારે સંઘના એકમ રૂપે હોય છે, ત્યારે ચંડી બની શકે છે. સ્ત્રી સશક્તિકરણ માટે જેટલી આવશ્યકતા શિક્ષણની છે, એટલી આવશ્યકતા સંગઠનની પણ છે. પણ આ માટે સ્ત્રીઓએ ઇર્ષ્યા, દ્વેષ વગેરે અવગુણોને તિલાંજલી દેવી પડશે.

(૧૨) પ્રાચીન અને અર્વાચીન આદર્શોનો સમન્વય :

આધુનિક નારીમાં પ્રાચીન નારીના આદર્શો પવિત્રતા, ત્યાગ, લજ્જા, સેવા, ધર્મપરાયણતાની સાથે સાથે અર્વાચીન નારીના આદર્શો બુદ્ધિ કૌશલ્ય, વ્યવહાર કુશળતા, દૂરદર્શિતા, કાર્યદક્ષતા, સંગઠન શક્તિનો સમન્વય જરૂરી છે. કેમકે તેણે ગૃહસંચાલનની સાથે સાથે બહારના ક્ષેત્રમાં પણ કાર્ય કરવાનું છે. આથી તેનામાં આંતરિક ગુણોની સાથે સાથે બુદ્ધિમત્તા અને વ્યવહારુ શાણપણ જરૂરી છે. સ્વામી વિવેકાનંદે અમેરિકાની સ્ત્રીઓને આપેલાં વ્યાખ્યાનમાં કહ્યું હતું : ‘‘તમારી બુદ્ધિમત્તા અમારી સ્ત્રીઓમાં આવે તે અમને બહુ જ ગમે, પણ તે પવિત્રતાના ભોગે આવવાની હોય તો નહીં જ.’’ આમ પવિત્રતા અને બુદ્ધિમત્તા બંને આજની નારીમાં જરૂરી છે. આધુનિક નારી માટેનો ઉત્તમ આદર્શ શ્રીમા શારદાદેવી છે. તેમનામાં પ્રાચ્ય નારીના બધા ગુણો, પતિભક્તિ, પવિત્રતા, ત્યાગ, તપસ્યા, સહિષ્ણુતા, સેવા, લજ્જા, કરુણા, વગેરેની સાથે આધુનિક નારીના ગુણો પ્રખર બુદ્ધિમત્તા, સંચાલન શક્તિ, દૂરદર્શિતા, ત્વરિત નિર્ણય શક્તિ, વિશાળ દૃષ્ટિકોણ, સર્વ પ્રત્યે સમાનતા – રહેલાં છે. એટલે જ ભગિની નિવેદિતાએ કહ્યું હતું કે શ્રીમા શારદાદેવી પ્રાચ્ય નારીઓમાં અંતિમ છે કે આધુનિક નારીઓમાં પ્રથમ છે તે કહી શકાતું નથી. પૂર્વ અને પશ્ચિમ, પ્રાચ્ય અને આધુનિક આદર્શોના સમન્વયથી જીવન કેવું મહાન અને પ્રેરણાદાયી બની રહે છે, તેનું ઉત્તમ દૃષ્ટાંત શ્રીમા શારદાદેવીનું જીવન છે. આ જીવનમાંથી પ્રેરણા મેળવી આધુનિક નારીઓ જો પોતાના જીવનનું ઘડતર કરે તો તેઓ પણ શક્તિની જીવંત પ્રતિમૂર્તિ સમી બની શકે.

નારીનું સોનેરી ભવિષ્ય :

યુગદૃષ્ટા સ્વામી વિવેકાનંદે ભવિષ્યકથન કર્યું છે કે વિશ્વમાં નવી સભ્યતાનો ઉદય થશે. અને જીવનના સર્વ ક્ષેત્રોમાં આધ્યાત્મિકતા વ્યાપ્ત બનશે. આ કાર્ય સ્ત્રીઓ દ્વારા સંપન્ન થશે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે આગામી સદી એ સ્ત્રીઓની સદી હશે, આધ્યાત્મિકતાનો વિસ્તાર સ્ત્રીઓ દ્વારા થશે. આજે એ દિશામાં સ્ત્રીઓ પદાર્પણ કરી રહેલી જણાય છે. દરેક ક્ષેત્રમાં નારી આજે ઝળકી રહી છે. પણ હજુ તે પોતાની શક્તિઓથી પૂરેપૂરી જાગૃત બની નથી. જ્યારે પોતાના બુદ્ધિકૌશલ્ય, હૃદયની સંવેદનશીલતા અને આત્માની શક્તિનો સમન્વય કરી નારી સત્તાના સૂત્રો હાથમાં લેશે, ત્યારે સમગ્ર માનવજાત એકતાનો અનુભવ કરશે, ત્યારે જગતમાં હિંસા નહીં હોય, ભય અને આતંક નહીં હોય. ત્રાસ અને અન્યાય નહીં હોય, જોર-જુલ્મ ને અત્યાચાર નહીં હોય. પણ હશે સુમેળ સુસંવાદિતા, પ્રેમ, એકતા ને ભ્રાતૃભાવથી બધાં જોડાયેલાં હશે. એ જ વિશ્વ આપણા ઋષિઓએ કરેલાં ‘વસુધૈવકુટુમ્બકમ્‌’નાં દર્શનને ચરિતાર્થ કરતું હશે. આદ્યશક્તિને આપણે પ્રાર્થના કરીએ કે સ્ત્રીઓના અંતરમાં અપ્રગટ રહેલી એ મહાશક્તિ જાગૃત થાય અને સમસ્ત વિશ્વનું સંચાલન કરી પૃથ્વીને સ્વર્ગસમી બનાવે.

Total Views: 115

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.