ભારતનું પુનર્જાગરણ અને તેમા શ્રી શ્રીમા શારદાદેવીના યોગદાન વિશે સ્વામી વિવેકાનંદના ઉદ્‌ગારો આપણે આગલા અંકમાં ટાંક્યા હતા. તેમણે કહ્યું હતું કે : ‘શક્તિ સિવાય જગતનો પુનરુદ્ધાર નથી. આપણો દેશ બધા દેશોથી વધારે નબળો અને પાછળ શા માટે છે? કારણ કે અહીં શક્તિનું અપમાન થાય છે. ભારતમાં તે અદ્‌ભુત શક્તિને પુનર્જીવિત કરવા માતાજીએ જન્મ ધારણ કર્યો છે. શ્રી શ્રીમાનું જીવન ઉપરછલ્લી દૃષ્ટિએ જોતાં શ્રીરામકૃષ્ણદેવ અને સ્વામીજીના જીવન જેવું અસાધારણ અને ઘટના-બહુલ જણાશે નહિ. તેઓનું જીવન આપણને એક સામાન્ય ગ્રામીણ ઘરગથ્થુ નારીનું જ લાગે છે. તેઓ એક સામાન્ય નારીને પેઠે ઘરનાં બધા જ કામકાજ – વાળવું-ચોળવું, રસોઈ કરવી, કપડાં ધોવા, વાસણ માંજવાં, પાણી ભરવું, વગેરે કામ કરતાં અને એક ઘરરખ્ખુ નારીની બધી ફરજો છેવટ સુધી અદા કરતાં રહ્યાં. એટલે સામાન્ય માણસને સહજ રીતે પ્રશ્ન થાય કે આવાં નારી સમગ્ર ભારતના ઉત્થાનમાં અને ખાસ કરીને શક્તિના પુનર્જાગરણમાં કેન્દ્રીભૂત કેવી રીતે બની શકે?

પરંતુ આવાં સીધાસાદાં પણ પરિશ્રમી જીવનનું સૂક્ષ્મ નિરીક્ષણ કરતાં આપણને તેમના મહાન જીવનમાંથી ઉડીને આંખે વળગે તેવી એક વિશિષ્ટતા નજરે પડે છે અને તે છે તેમની અનન્ય સેવાવૃત્તિ. કદાચ ઉપર આપેલાં સ્વામીજીના ઉદ્ધરણમાં આ વિચાર ગર્ભિત હશે. તેમણે વિચાર્યું હતું કે આટલો ઊંચો આધ્યાત્મિક વારસો હોવાં છતાં પણ ભારત ભૌતિક રીતે પછાત શા માટે છે?

તેમના મતે આવી સમૃદ્ધ આધ્યાત્મિકતાનો લાભ જનસાધારણના જીવનમાં મળી શકતો ન હતો કારણ કે ઉચ્ચ આધ્યાત્મિક સ્તરે પહોંચેલા સાધકો મોટેભાગે એકાંતવાસી હતા અને સામાન્ય જનસમાજ સાથે હળવા મળવાનું ટાળતા હતા. તેમની આ વૃત્તિને આધ્યાત્મિક સ્વાર્થ તરીકે વર્ણવી શકાય. પણ સ્વામીજીએ વિચાર્યું કે આવી વૈયક્તિક આધ્યાત્મિકતા બહુજનહિત માટે નથી. જો આવી આધ્યાત્મિકતાનો વિનિયોગ સામજિક કાર્યોમાં થાય તો એમાંથી આદર્શસેવાનો અભિનવ પ્રાદુર્ભાવ થઈ શકે. એ જ રીતે આધ્યાત્મિકતા વિહોણી કેવળ સેવા ભૌતિકવાદને પોષે છે એટલે તે પણ ભારતવર્ષ તેમજ એની સંસ્કૃતિ માટે યોગ્ય નથી.

આ સેવાનો અભિનવ આદર્શ સર્વપ્રથમ સ્વામીજીએ પોતાના ગુરુ શ્રીરામકૃષ્ણદેવ પાસે ‘શિવજ્ઞાને જીવસેવા’ના મંત્ર રૂપે મેળવ્યો. પણ એનો સાક્ષાત્‌કાર તેમણે શ્રી શ્રીમાના અદ્‌ભુત સેવામય જીવનમાં નિહાળ્યો. અને તેમણે અનુભવ્યું કે શ્રી શ્રીમાના જીવનના આ સેવાના આદર્શને કેન્દ્રમાં રાખીને કેવળ ભારત જ નહિ પણ દુનિયાનો કોઈ પણ સમાજ સાચી અને ચીરસ્થાયી ઉન્નતિ કરી શકશે. ભારતમાં આ આદર્શને જીવનમાં વિનિયોગ કરવાનો પ્રારંભ નારીઓથી જ થશે, એવી ભવિષ્યવાણી તેમણે કરી હતી, જેનો ઉલ્લેખ આપણે ગયા સંપાદકીય લેખના ઉપસંહારમાં કર્યો હતો.

નારીના જીવનમાં પ્રાથમિક ભૂમિકા તરીકે સેવા અગ્રસ્થાને છે. પછી તે સેવા બાળકોની હોય, પરિવારની હોય, અતિથિની હોય, પાડોશની હોય કે સમાજની હોય. સ્વામીજી નારીઓની આ સેવાભાવનાનું ઉત્તરોત્તર પ્રાયોગિક વિસ્તૃતીકરણ ઇચ્છતા હતા, કારણ તેમના કાળમાં સ્ત્રીઓની સેવાવૃત્તિનું મુખ્યકેન્દ્ર તેમના પરિવાર પૂરતું સીમિત હતું. પરંતુ અમેરિકા અને યુરોપના દેશોની સ્ત્રીઓમાં આ સેવાવૃત્તિનું અન્ય સામાજિક ક્ષેત્રે વિસ્તૃતીકરણ જોઈને તેમણે ભારતીય નારીઓને પણ એવા શક્તિવિસ્તરણનું આહ્‌વાન આપ્યું. પરંતુ એક વાત અહીં ખાસ યાદ રાખવી ઘટે છે કે સેવાનો આ વ્યાપ સ્ત્રીઓની સાહજિક મર્યાદા અને પવિત્રતાને ભોગે ન જ થવો જોઈએ. આ કપરો પણ ઈષ્ટ સમન્વય શ્રી શ્રીમાના પાવનકારી જીવનમાંથી શીખવાના હેતુથી જ તેમણે શ્રી શ્રીમાને કેન્દ્રમાં રાખીને જ ભારતીય સ્ત્રીઓને તેમનું જીવન ઘડવાનું પ્રબોધ્યું.

શ્રી શ્રીમાએ વિશ્વ સમક્ષ એક અદ્‌ભુત એવું અનાસક્ત અને નિ:સ્વાર્થ સેવાભાવવાળું જીવન ધર્યું જેમાં આપણે સેવા અને આધ્યાત્મિકતા, પરિવાર અને સમાજની સેવાનો સુભગ સમન્વય જોઈએ છીએ. તદુપરાંત જાતિ-પાતિ, ધર્મ-સંપ્રદાય, ઊંચ-નીચ કે એવા બીજા કોઈ પણ ભેદભાવની એમાં લેશમાત્ર ગણતરી ન હતી. જેવી સેવા તેઓ શ્રીરામકૃષ્ણદેવની કરતાં તેવી જ સેવા તેમના શિષ્યો અને ભક્તોની પણ કરતાં. તેઓ જેમ તેમના પ્રિય શિષ્ય અને સેવક સ્વામી સારદાનંદને ખવડાવતાં-પીવડાવતાં તેવી જ રીતે ડાકુ અમઝદને પણ પ્રેમથી ખવડાવતાં-પીવડાવતાં. જેવી રીતે તેઓ તત્કાલીન ગુલામ દેશ ભારતવાસીઓ તરફ સહાનુભૂતિ રાખતાં તેવી જ રીતે પેલા પશ્ચિમથી આવેલા ગોરા ભક્તજનો પર પણ પ્રેમ વરસાવતાં.

શ્રી શ્રીમા આધુનિક કેળવણી પામવાની સાથોસાથ સ્ત્રીઓમાં સ્વાતંત્ર્યની જ્યોત જગાવવા પણ ઇચ્છતાં હતાં. તેઓ સ્ત્રીઓ માટે પતિની કે કુટુંબકબીલાની જિંદગીભરની ગુલામી વેઠવાનું જરાય ઇચ્છતાં ન હતાં અને એટલા માટે અવિવાહિત સ્ત્રીઓ કે વિધવાઓને કેળવણી પામીને પોતાના પગ ઉપર ઊભા રહેવા માટે અને સમાજોપયોગી સેવા કરવા તત્પર રહેવા માટે સલાહ અને પ્રોત્સાહન આપતાં. સ્વતંત્ર મનોવૃત્તિ સાથે નેતૃત્વશક્તિ પણ સ્ત્રીઓએ કેળવવી જોઈએ. શ્રી શ્રીમાના જીવનમાં આપણે જોઈએ છીએ કે તેઓ કેવી રીતે દીર્ઘકાલ સુધી સ્વામી વિવેકાનંદે સ્થાપેલા રામકૃષ્ણ સંઘના સંચાલનમાં પ્રેરણામૂર્તિ રહ્યાં. સ્વામીજી અને રામકૃષ્ણદેવના અન્ય સંન્યાસી શિષ્યો પણ તેમની વહિવટી કુશળતાનો લાભ લઈ રામકૃષ્ણ સંઘનું સંચાલન કરતા.

૧૯૦૧માં બેલુર મઠમાં સ્વામીજીએ શ્રી શ્રીમા શારદાદેવીને પ્રેરણા કેન્દ્ર તરીકે રાખીને એક સ્ત્રીમઠ સ્થાપવાની પરિકલ્પના રજૂ કરી. જ્યારે શિષ્યે તેની પ્રાયોગિકતા વિશે શંકા ઉઠાવી ત્યારે સ્વામીજીએ ઉગ્રસ્વરે કહ્યું: ‘તમે સદાય સ્ત્રીઓની ટીકા કર્યા કરો છો; પણ બોલો, તેમના ઉદ્ધાર માટે તમે શું કર્યું? સ્મૃતિઓ વગેરે લખીને અને તેમને સખત નિયમોના બંધનમાં નાખી દઈને પુરુષોએ સ્ત્રીઓને માત્ર પ્રજોત્પત્તિનું સાધન બનાવી દીધી છે. જે સ્ત્રીઓ ‘જગદંબા’ની જીવંત મૂર્તસમાન છે, તેમનો ઉદ્ધાર નહિ કરો તો તમારે માટે પ્રગતિનો બીજો કોઈ માર્ગ છે, એમ માનશો જ નહિ.’ મઠની સ્વામીજીની પરિકલ્પનામાં સ્ત્રીઓ માટેની વિશિષ્ટ કેળવણીની ખાસ વ્યવસ્થા રખાઈ છે. આ મઠમાં આધ્યાત્મિક અને ભૌતિક અધ્યયનની સુવિધા રખાઈ છે. તદુપરાંત શિક્ષણેતર સમાજોપયોગી કાર્યોનું શિક્ષણ પણ અભિપ્રેત છે. 

તેમણે કહ્યું હતું: ‘આ મઠની વિદ્યાર્થિનીઓનો મુદ્રાલેખ આધ્યાત્મિકતા, ત્યાગ અને આત્મસંયમ રહેશે તથા સેવાધર્મ એ તેમનું જીવનવ્રત રહેશે.’ બ્રહ્મચર્યના આદર્શને વળગીને આવું શિક્ષણ પૂરું કર્યા પછી સુયોગ્ય છાત્રાઓને કાયમ માટે મઠમાં રહેવાની વાલીની સંમતિપૂર્વકની સગવડ અપાય છે. આવી બ્રહ્મચારિણીઓ ભવિષ્યમાં સંન્યાસિની ઉપદેશિકા બને છે. ભાવિ સ્ત્રી પેઢીમાંથી સીતા, સાવિત્રી અને ગાર્ગી જેવી આદર્શ નારીઓના પ્રાદુર્ભાવની અપેક્ષા રખાય છે. સ્વામીજીની પરિકલ્પના પ્રમાણે આવા જ એક સ્ત્રીમઠની સ્થાપના દક્ષિણેશ્વરમાં ઈ.સ. ૧૯૫૩માં થઈ જેનું નામ સારદામઠ રાખવામાં આવ્યું, જેણે સ્વલ્પ સમયમાં ઘણી પ્રગતિ કરી છે. આ મઠ-વિધિવત સ્થપાયા પહેલાં પણ ભગિની નિવેદિતા, ભગિની ક્રિસ્ટીન, ભગિની સુધીરાદેવી, વગેરેએ સ્વામીજીનું ભારતમાં સ્ત્રીપુનર્જાગરણનું આ કામ અનૌપચારિક રીતે પણ નક્કર પાયા ઉપર ઉપાડી લીધું હતું. ૧૯૦૨માં સ્વામીજીની મહાસમાધિ પછી લગભગ વીસ વર્ષ સુધી આ કાર્યમાં શ્રી શ્રીમા શારદાદેવીનું સતત પ્રેરણાબળ અને સક્રિય માર્ગદર્શન મળતાં રહ્યાં હતાં. ભારતના સ્ત્રીજાગરણ અને પુનરુત્થાનના આંદોલનમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે શ્રી શ્રીમા શારદાદેવી કેન્દ્રસ્થાને રહ્યાં છે.

Total Views: 189

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.