શ્રી શ્રીમા શારદાદેવીના મંત્રદીક્ષિત સંન્યાસીશિષ્ય તથા રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ અને અભ્યાસુ વિદ્વાનોમાંના એક સ્વામી પ્રેમેશાનંદજી મહારાજે રામકૃષ્ણ સંઘના વિદ્યાર્થીમંદિરોમાં પ્રવેશતા યુવાનવિદ્યાર્થીઓ માટે હિતકારી અને એમને સંબોધીને એક નાની પુસ્તિકા બહાર પાડી હતી. નારાયણગંજ આશ્રમના અધ્યક્ષ સ્વામી સંપૂર્ણાનંદજીની વિનંતીથી એને એક પુસ્તક રૂપે અને જેણે પાછળથી વિદ્યાર્થીઓને ઉદ્દેશીને લખાયેલા અને રામકૃષ્ણ મિશનના આદર્શ પ્રમાણે તેમના જીવનને ઢાળનારું એક પત્રરૂપ ધારણ કર્યું. એમાંથી વિદ્યાર્થીઓને અને યુવાનોને પોતાના જીવનઘડતરમાં ઉપયોગી નિવડનારા અંશો અહીં પ્રસ્તુત કરીએ છીએ. – સં.

વિભાગ : ૧

નવો પ્રવેશ મેળવતાં વિદ્યાર્થીઓને માટે પ્રારંભિક સૂચનો : હેતુઓ

વહાલા વિદ્યાર્થીઓ, આજે તમારી નવી જિંદગી શરૂ થઈ છે. આજ સુધી તમે ઘણો સમય તમારા ઘરે રહ્યા છો. આજથી તમે શ્રીઠાકુરના ઘરમાં રહેશો. તમે સૌ ઘણા લાંબા સમય સુધી તમારાં માતપિતા, ભાઈબહેનો સાથે રહ્યા છો. આજથી તમે એક નવા જ પર્યાવરણમાં નવા સહાધ્યાયીઓ સાથે અને નવા પાલક-માર્ગદર્શકની નિગેહબાની હેઠળ રહેશો. બીજા વિદ્યાર્થીઓની જેમ તમે પોતાના ઘરે રહીને અભ્યાસ કરી શક્યા હોત કે બીજી કોઈ શાળાના વિદ્યાર્થીમંદિરમાં રહી શક્યા હોત. તો પછી તમે આ આશ્રમની શાળામાં શા માટે જોડાવા આવ્યા છો? તમે શા માટે અહીં આવ્યા છો એ વિશે ચાલો હું તમને વાત કરું છું. 

પહેલો ઉદ્દેશ : અહીં રહીને તમે દેશ, જાતિ અને કુટુંબના તમારા મર્યાદિત વર્તુળવિસ્તારને ત્યજીને બધા લોકોને તમારા પોતાના બાંધવોના રૂપે સ્વીકારવાનું શીખશો.

બીજો ઉદ્દેશ : બીજાઓ સાથે રહીને તમે સૌના સહિયારા પ્રયત્નોથી જવાબદારી ઉપાડીને, સમાનમનવાળા બનીને એને પૂરી કરવાનું શીખશો.

ત્રીજો ઉદ્દેશ : ઘણા લાંબા સમયગાળા પછી આપણને આઝાદી મળી છે. ભારતનાં ક્ષેમકલ્યાણ માટે આપણે સૌ જવાબદાર છીએ. એટલે જ તમારે આપણા દેશનું કલ્યાણ શેમાં છે અને અકલ્યાણ શેમાં છે તે સ્પષ્ટપણે જાણી લેવું પડશે. સૌએ સાથે મળીને દેશને માટે નુકશાનકારી બાબતોનો વિરોધ કરવાની અને દેશનું કલ્યાણ સાધનારી બાબતોને પૂર્ણ કરવાની શક્તિ તમારે કેળવવી પડશે.

ચોથો ઉદ્દેશ : ભગવાન શ્રીરામકૃષ્ણદેવના નામે સ્થપાયેલા આશ્રમના વિદ્યાર્થીમંદિરમાં રહેવાનો પ્રથમ હેતુ તેમના જેવા પવિત્ર અને અન્યના કલ્યાણ માટે શુભનિષ્ઠ બનવાનું છે.

બીજું સૂચન : સાધન-પદ્ધતિ

હું માનું છું કે તમે તમારા આ નવજીવનનો હેતુ પૂર્ણ રીતે સમજી ગયા છો. હવે આ આદર્શને આચરણમાં મૂકવાનાં સાધનો-પદ્ધતિઓની વાત હું તમને કહું છું.

પ્રથમ સાધન-પદ્ધતિ : નિયમોનું ચૂસ્તપણે પાલન

જો તમે કોઈ નવા સ્થળે જાઓ અને ત્યાનાં રીતભાત કે સંસ્થાએ સ્થાપેલાં શિસ્ત અને વિનયવર્તનનાં ધોરણોને જાણતા ન હો તો તમે મુશ્કેલીમાં મુકાઈ જશો અને બીજાને માટે પણ મુશ્કેલીનું કારણ બનશો. એટલા માટે પ્રથમ તો એ સંસ્થાના નીતિનિયમોથી પૂરા જાણકાર બનો અને એ નીતિનિયમો અને શિસ્ત જે તમને જીવનના ઉચ્ચતમ કલ્યાણ સુધી લઈ જશે એવી અત્યંત શ્રદ્ધાથી તેમનું પાલન કરો.

આ બાબતો ખાસ ધ્યાનમાં રાખજો :

(૧) તમારી દૈનંદિન પ્રવૃત્તિઓમાં સભાનપણે તમારું મન હર પળે પરોવેલું રાખજો જેથી તમે બીજા સહસાથીઓ સાથે યોગ્ય સમયે સહભાગી બનીને કાર્યાન્વિત બની શકશો. (૨) તમારા દૈનંદિન અભ્યાસની ગોઠવણી કરી લેજો જેથી તમે તમારા ગૃહકાર્યમાં પાછળ ન રહી જાઓ. (૩) અંતિમ પરીક્ષામાં સફળ થવાની તમારી ચિંતામાંથી મુક્ત બનવા નિયત કરેલા તમારા વિષયના અભ્યાસક્રમ પર પૂરેપૂરું પ્રભુત્વ મેળવી લો. (૪) તમારા આરોગ્ય માટે આટલું જરૂરથી સમજી લેજો કે તમારા ભોજન-ખોરાકમાં સંયમ અને સાવધાની રહે. (૫) રાત્રે સૂતા પહેલાં તમે તમારી ફરજોમાં ક્યાંય ઊણપ રાખી છે કે નહિ તેનું બરાબર ચિંતન કરી લેજો.

દ્વિતીય સાધન-પદ્ધતિ : સ્વચ્છતા

સ્વચ્છતા અને સુઘડતાની જાળવણી એ સુસંસ્કૃત લોકોમાં જણાતી એક મહત્ત્વની નિશાની છે. પવિત્રતા અને શુદ્ધિ બધા ધર્મોની સાધના અને અનુસરણનાં મહત્ત્વનાં અંગો છે. એટલા માટે સ્વચ્છતા-સુઘડતા, પવિત્રતા અને શુદ્ધિની જાળવણી માટે આ નિયમનોનું પાલન કરો :

(૧) તમારાં કપડાં, પથારી, રાચરચીલું અને ઓરડાને હંમેશાં સ્વચ્છ રાખો. (૨) તમે તમારી ચીજવસ્તુઓને એવી રીતે ગોઠવીને રાખો કે જેથી તમારા ખંડમાં પ્રવેશનારને તમારાં સારાં રુચિવલણનો પૂરેપૂરો ખ્યાલ આવે અને તમારે જ્યારે જ્યારે એ ચીજવસ્તુઓની જરૂર હોય ત્યારે તેમની શોધાશોધ કરવી ન પડે. (૩) સ્વચ્છતા-સુઘડતા માત્ર તમારે જાળવવી એ પૂરતું નથી પણ તમારા ખંડના સહસાથીઓને પણ એની જાળવણીમાં તમારે મદદ કરવી જોઈએ. (૪) તમારા દરરોજના ઉપયોગના પદાર્થોને શુદ્ધ-સ્વચ્છ, વ્યવસ્થિત રાખો. (૫) વિદ્યાર્થીમંદિરના સમગ્ર વિસ્તારને સુંદર, સ્વચ્છ, આકર્ષક અને આનંદદાયી રાખવાનું ધ્યાનમાં રાખજો.

તૃતીય સાધન-પદ્ધતિ : અન્ય સાથે વર્તનવ્યવહાર

કોઈ પણ માણસ પછી ભલે તે ગમે તેટલો વિદ્વાન કે ગુણવાન હોય પણ અન્ય સાથે તે સારાં અને વિવેકપૂર્ણ વર્તનવ્યવહાર ન દાખવે તો કોઈ તેને માનપાન નહિ આપે અને ચાહશે પણ નહિ.

બીજાની સહાય વિના તમે જીવી શકતા નથી એ જાણીને અન્ય સાથે ક્યારેય ઉદ્ધત વર્તનવ્યવહાર ન રાખશો. અહીં આપેલા આ નિયમો ધ્યાનપૂર્વક વાંચો, તેને પૂરેપૂરા સમજો અને હર પળે તેનું અનુસરણ કરો :

(૧) બીજા સાથે તમારાં વર્તનવ્યવહાર એવાં હોવાં જોઈએ કે જેથી બીજા કોઈ તમને અજાણ્યા ન માની લે. (૨) તમારાથી ગુણસંસ્કારમાં ચડિયાતા અને વડીલોનું સન્માન જાળવો. (૩) નોકરો અને કાર્યકરો સાથે મિત્રતાભર્યું વર્તન રાખવું આવશ્યક છે. (૪) તમારી શક્તિમતિ પ્રમાણે બીજાને મદદ કરવા હંમેશાં તત્પર રહો. (૫) કોઈ પણ કામને હલકું ગણશો નહિ. તમારા ખંડની સફાઈ, વાસીદું વાળવું, પોતું કરવું કે પાણી લૂછવું કે કોઈ વજનવાળી વસ્તુને ઊંચકી જવામાં જરાય સંકોચ અનુભવતા નહિ.

ચતુર્થ સાધન-પદ્ધતિ : સૌજન્યભરી રીતભાત

સુસંસ્કૃત સમાજમાં રહેતી વ્યક્તિએ પોતાનાં બોલચાલ, અંગવિન્યાસ-છટા અને હલનચલનની રીતભાતમાં ખૂબ સચેત રહેવું જોઈએ.

(૧) બોલતી વખતે પોતાના હાથને આમ તેમ ઘુમાવવા એ ઘણી ખરાબ ટેવ છે. નિષ્કારણ ઘાટાં પાડીને બોલવું એ સાંભળનાર માટે ઘણું કષ્ટદાયી બને છે એ વાત ધ્યાનમાં રાખવી. વાતચીતમાં વચ્ચે વચ્ચે ‘એટલે, સમજ્યા કે, શું, પછી..’ જેવા બીનજરૂરી શબ્દો બોલવા એ કુટેવ અને અસભ્યતાની નિશાની છે. (૨) બીજાની સંગાથે બેઠા હોઈએ ત્યારે પોતાના પગને હલાવ્યા કરવા એ અશોભનીય અને અસભ્ય રીતભાત છે. (૩) બેસતી વખતે હંમેશાં ટટ્ટાર બેસવું, નહિ તો શરીરને ઘણું નુકશાન થશે. વાંકા વળીને કે નમીને બેસવું એ અરુચિકર અને અસ્વાસ્થ્યકર રીતભાત છે. (૪) ફેશનેબલ કે ભપકાદાર પોશાક એ વિદ્યાર્થીઓ માટે પ્રશંસનીય નથી. 

સંક્ષેપમાં કહીએ તો તમારે બધી બાબતમાં સ્વચ્છ, સુવ્યવસ્થિત, સુઘડ રહેવું જોઈએ.

પંચમ સાધન-પદ્ધતિ : ઉચ્ચ આકાંક્ષા

માત્ર ખાવાપીવા અને રહેવાની સુવિધાઓ સિવાય બીજી કોઈ ઉચ્ચ આકાંક્ષા જેમનામાં નથી તેમની અને પશુની વચ્ચે શો ભેદ છે? જેમનું જીવનધ્યેય માત્ર પરીક્ષાઓમાં સફળ થઈને કોઈ વ્યવસાય મેળવી લેવાનું હોય છે તેઓ આત્મસુધારણા અને આત્મવિકાસ માટે કદીયે તત્પરતા દાખવી શકતા નથી. તમારા મનને ઉત્સાહપૂર્ણ બનાવવા માટે અહીં આપેલા સંકલ્પસમૂહ હંમેશાં યાદ રાખજો : (૧) ‘હું કોઈ પણ ક્ષેત્રમાં બીજાની પાછળ રહીશ નહિ. અભ્યાસ, રમતગમત, કાર્ય, સામાજિક બાબતો – જે હોય તે વિશે જે હોય તે બાબતમાં હું હંમેશાં આગલી હરોળમાં જ રહીશ.’ (૨) ‘હું વિદ્યાવ્યાસંગી અને વિવેકી બનીશ. હું કોઈ વિષયની તરફેણમાં કે વિરુદ્ધમાં મારાં મંતવ્યો રજૂ કરીશ તો એ મંતવ્યોને કોઈ અવગણી શકશે નહિ. (૩) ‘હું સદુપાયથી ધનની કમાણી કરીશ અને દાનશીલતા માટે સદૈવ સત્‌ચિંતન કરીશ.’ (૪) ‘હું સ્વસ્થ અને સબળ બનીશ. હું કોઈ ખોટું કે અયોગ્ય કાર્ય નહિ કરું અને મારી હાજરીમાં કોઈ બીજી વ્યક્તિ ખોટું કે અયોગ્ય કાર્ય કરવાની હિંમત નહિ કરી શકે.’ (૫) ‘હું હંમેશાં સત્ય બોલીશ. મારી વાતમાં કોઈને ક્યારેય સંદેહ નહિ ઊપજે.’

(ક્રમશ:)

Total Views: 114

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.