શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્‌ શિષ્યોમાંના એક શ્રીમત્‌ સ્વામી શિવાનંદજી મહારાજની જન્મજયંતી પ્રસંગે એમણે પોતે લખેલ પુસ્તક ‘આનંદધામના પથ પર, ભાગ – ૧, પૃ. ૨૬-૨૮’ માંથી કેટલાક અંશો અહીં પ્રસ્તુત છે – સં.

ભક્ત – મહારાજ, ધ્યાન જપ કેવી રીતે કરવા તે સબંધી થોડો ઉપદેશ આપો. સંસારમાં જુદાં જુદાં કાર્યમાં હંમેશાં રત રહેવું પડે છે. તે સિવાય નોકરીની જવાબદારી પણ અતિશય છે. આ બધાં બંધનથી મુક્ત થઈને ભગવાનને પોકારી શકું એવા આશીર્વાદ આપો.

શ્રીમહાપુરુષજી – અમારો આશીર્વાદ તો છે જ. તમારે પણ પ્રયત્ન પૂર્વક સાધન ભજન કરવાં પડશે, આજે જે મંત્ર મળ્યો છે. એનો નિયમિત જપ કર્યા કરો; અને જપની સાથેસાથે ખૂબ આર્ત ભાવે પ્રાર્થના કરો: ‘‘હે પ્રભુ,જેથી તમારું ધ્યાન થાય અને તમારા શ્રીચરણકમળમાં મન લીન થાય એવું કરી આપો.’’ તેઓ જ સર્વના હૃદયના ગુરુ, પથપ્રદર્શક, પ્રભુ, પિતા, માતા, સખા અને જીવનનું સર્વસ્વ છે. લોકો સંસારમાં જેને ‘મારા’ ‘મારા’ કહીને રડે છે તો તે માત્ર બે દિવસના સાથી છે – ચિરસાથી તો એકમાત્ર તે જ.

તમે એકાગ્રતાથી ખૂબ નામ જપ કર્યા કરો અને અનુભવશો કે ધ્યાન આપમેળે જ થશે. ખૂબ પ્રેમપૂર્વક ઈષ્ટ મંત્રનો જપ કરતાં કરતાં ધીરેધીરે મનમાં એક પ્રકારના વિમલ આનંદનો અનુભવ થશે. એ આનંદ સ્થાપી બને એ જ એક પ્રકારનું ધ્યાન છે. ધ્યાનના અનેક પ્રકાર છે. ખૂબ પ્રેમપૂર્વક પ્રભુની જ્યોતિર્મય શ્રીમૂર્તિ હૃદયમાં ધારણ કરવી અને વિચારવું કે એમના શ્રીઅંગના તેજથી તમારી હૃદયકંદરા પ્રકાશિત થઈ ગઈ છે. આ પ્રમાણે ચિંતન કરતાં કરતાં અપૂર્વ આનંદથી મન અને પ્રાણ ભરાઈ જશે. અંતે મૂર્તિનો લય થઈને માત્ર એક પ્રકારના ચૈતન્યમય આનંદનો અનુભવ થશે; એ પણ એક પ્રકારનું ધ્યાન છે. ધીમેધીમે ક્રમશ: તમે પોતે જ બધું પ્રાપ્ત કરશો. મૂળ વાત છે અંત:કરણ પૂર્વક તમને પોકારવા. તેમને પોકારતાં પોકારતાં, રડી રડીને મનનો મેલ ધોવાઈ જશે અને મન શુદ્ધ થશે. ત્યારે એ વિશુદ્ધ સુસંસ્કૃત મન જ ગુરુનું કામ કરશે. તમારે ક્યારે શું જોઈઅ, કેવી રીતે ધ્યાન કરવું, તેઓને કઈ રીતે પોકારવા એ બધું તમે આપમેળે અંદરથી જ જાણી શકશો. શ્રીરામકૃષ્ણદેવના કથામૃતમાં વાંચ્યું છે ને? તેઓ કહેતા : ‘‘કૃપા રૂપી પવન તો વાઈ રહ્યો છે જ. તમે સઢ ખોલી,નાખો.’’ સઢ ખોલવો એટલે સંપૂર્ણ નિષ્ઠાપૂર્વક સાધનભજન કરવા. તેઓ તો હંમેશાં કૃપા કરવા બેઠેલા જ છે; જેવી રીતે મા અબોધ બાળકને તેડી લેવા માટે હાથ લંબાવેલા જ રાખે છે, તે પ્રમાણે. થોડુંક સાધન ભજન કરી જુઓ – ત્યારે જ એમની કૃપા કેટલી છે એનો ખ્યાલ આવશે.

રાત્રિ એ સાધનભજન માટે ઉત્તમ સમય છે. બીજાં બધાં નિદ્રામાં હોય ત્યારે મધ્યરાત્રિએ ઊઠીને એકાંતમાં એકચિત્તે ભગવાનને પોકારવા; તેમની સાથે ઐક્ય અનુભવવું. ખૂબ રડી રડીને તેમની પાસે અંત:કરણની વેદના જણાવવી. ઘોરગંભીર રાત્રીએ સાધનભજનમાં ડૂબી જવું. તમારાં લક્ષણ સારાં છે; તમને ભગવદ્‌ દર્શન થશે. એટલા માટે જ આ બધું તમને કહું છું. શરૂઆતમાં ખૂબ સારી રીતે પ્રયત્ન કરો અને અનુભૂતિ થશે; શુદ્ધ આનંદથી મન અને પ્રાણ ભરપૂર થઇ જશે; આનંદોલ્લાસમાં ડૂબી જશો. સાંસારિક ભોગમાં શું ધૂળ આનંદ છે! ભગવત્પ્રેમનો એક અંશમાત્ર જો કોઈને મળે તો એને આ સંસાર ફિક્કો લાગશે.

Total Views: 18
By Published On: August 21, 2022Categories: Shivananda Swami0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram