(૧૩)

શરદઋતુનો સમય હતો. શારદીય દુર્ગાપૂજાનો હર્ષોલ્લાસ કલકત્તાવાસીઓમાં અને શહેરમાં બધે સ્થળે દેખાઈ રહ્યો હતો. પરંતુ શ્યામપુકુરના મકાનમાં, જ્યાં શ્રીરામકૃષ્ણ રહેતા હતા, ત્યાં વાતાવરણ કંઈક જુદું જ હતું. લીલાપ્રસંગના લેખકના જણાવ્યા પ્રમાણે આસો મહિનામાં શ્રીશારદીય દુર્ગાપૂજાના મહોત્સવ વખતે દરવર્ષની જેમ કલકત્તા શહેરના બાળકો-વૃદ્ધો-સ્ત્રીઓ વગેરે બધા જ વર્ગના લોકો આનંદમાં ઉન્મત્ત બની રહ્યા હતા. શ્રીરામકૃષ્ણદેવના ભક્તોના હૃદયમાં એ આનંદ પ્રવાહનો સ્પર્શ થવા છતાં પણ તેની અભિવ્યક્તિ મુશ્કેલ હતી. કેમ કે જેમને માટે એમનો આનંદોલ્લાસ હતો, એમનું શરીર અસ્વસ્થ હતું…. શ્રીરામકૃષ્ણદેવ ગળાના દર્દથી પીડિત હતા. કલકત્તાના શ્યામપુકુર મહોલ્લામાં બે માળવાળું મકાન ભાડે રાખીને ભક્તો લગભગ એક મહિના પહેલાં તેમને અહીં લાવ્યા હતા. સુપ્રસિદ્ધ ડોક્ટર શ્રીમહેન્દ્રલાલ સરકાર તેમનાથી બની શકે તેટલો ઈલાજ કરી રહ્યા હતા. પરંતુ રોગમાં રાહત થવી તો દૂર રહી પણ તે દિવસો દિવસ વધી રહ્યો હતો. ગૃહસ્થ ભક્તો દરરોજ સવાર સાંજ ત્યાં આવીને બધા જ પ્રકારની દેખરેખ અને વ્યવસ્થા કરી રહ્યા હતા. તેમ જ યુવાન વિદ્યાર્થી ભક્તોમાંથી પણ મોટાભાગના ફક્ત ભોજન વગેરે માટે પોતાના ઘેર જતા અને બાકીનો બધો જ સમય શ્રીરામકૃષ્ણદેવની સેવા સુશ્રુષામાં ગાળતા, જરૂર પ્રમાણે કોઈ કોઈ તો ઘેર પણ ન જતા અને ચોવીસ કલાક ત્યાં જ હાજર રહેતા હતા. ગૃહસ્થ ભક્તોમાંથી પણ કોઈ એક વ્યક્તિ, ખાસ કરીને દેવેન્દ્રનાથ મજુમદાર અને માસ્ટર મહાશય દિવસ અને રાતનો મોટાભાગનો સમય શ્રીરામકૃષ્ણની સેવામાં વીતાવતા.

વધારે વાતચીત અને વારંવાર સમાધિસ્થ થઈ જવાને પરિણામે શરીરમાંથી લોહીનો પ્રવાહ ઉપર તરફ જવાથી ને ગળાના ઘાને નુકશાન પહોંચવાથી રોગ દૂર નહિ થાય, એમ જણાવીને ડોક્ટરે શ્રીરામકૃષ્ણદેવને ખાસ ધ્યાન રાખવા માટે કહ્યું. આ મુજબ વર્તન કરવાનો પ્રયત્ન કરવા છતાં પણ ક્યારેક ક્યારેક તેઓ એનાથી વિરુદ્ધનું આચરણ કરી બેસતા હતા, કેમ કે હાડ માંસનું પૂતળું માનીને, શરીરની ઉપેક્ષા કરીને તેમણે શરીરમાંથી પોતાનું મન હટાવી લીધું હતું. ફરીથી તેઓ સામાન્ય મનુષ્યોની જેમ તેને બહુમૂલ્ય વસ્તુ માનવા શક્તિમાન બની શકે તેમ નહોતા. ભગવત્‌-પ્રસંગનો ઉલ્લેખ થતાં જ શરીર, તેમજ શરીરના રક્ષણની વાત ભૂલીને તેમાં ઓતપ્રોત બની સમાધિસ્થ બની જતા. જેમણે અગાઉ એમનાં દર્શન નહોતાં કર્યાં, એવા માણસો પણ ત્યાં આવતાં હતાં. એમના હૃદયની વ્યાકુળતા જોઈને તેઓ મૌન રહી શકતા નહિ. તેઓ તેમને ધીમે ધીમે સાધના માર્ગ બતાવતા. આ બાબતમાં તેમનો નિરંતર ઉત્સાહ અને આનંદ જોઈને ભક્તોમાંથી મોટાભાગના લોકો શ્રીરામકૃષ્ણદેવના રોગને સામાન્ય અને સહજ સાધ્ય માનીને નિશ્ચિંત બની ગયા હતા. કોઈ કોઈ તો એવો અભિપ્રાય આપતા હતા કે શ્રીરામકૃષ્ણદેવે નવા આવનારાઓ પ્રત્યે કૃપા કરવા અને મોટાભાગના લોકોમાં ધર્મભાવનો પ્રચાર કરાવ માટે સ્વેચ્છાએ થોડાદિવસ માટે રોગ રૂપી ઉપાયનું અવલંબન લીધું છે. અને આ રીતે બધાને ચિંતામુક્ત કરવાના પ્રયાસ કરતા.

આજે દુર્ગાસપ્તમી છે. ગુરુવાર, ૧૫મી ઓક્ટોબર. માસ્ટર મહાશય ભક્ત પ્રાણકૃષ્ણ મુખર્જીના ઘેર ગયા હતા. ત્યાં તેમણે ખીચડીનો પ્રસાદ લીધો. ત્યાંથી તેઓ નાના નરેનના ઘેર ગયા. નાના નરેનના પિતાજી સાથે માસ્ટર મહાશયે લગભગ બે કલાક વાતો કરી. ત્યાર પછી તેઓ શ્યામપુકુરના મકાનમાં આવ્યા. જ્યારે તેઓ શ્રીરામકૃષ્ણના ઓરડામાં આવ્યા તો લગભગ બપોરના ચાર વાગી ગયા હતા.

મણિ મલ્લિક અને બીજા કેટલાક ભક્તો ઠાકુરની સામે બેઠા હતા. મણિ મલ્લિક જૂના બ્રાહ્મભક્ત છે. તેમની ઉંમર ૭૮ વર્ષની હશે. તેઓ ૮૧ નંબર, ચિત્તપુર રોડ, સિંદુરિયા પટ્ટીના મહોલ્લામાં રહેતા હતા. શ્રીરામકૃષ્ણે સાંભળ્યું હતું કે એક વકીલ છેલ્લાં પાંચ વર્ષથી બિમાર છ. તેમણે ત્યાં હાજર રહેલા બલરામ બોઝને તે બિમાર વકીલની પૂરેપૂરી તપાસ કરવા કહ્યું.

નંદિની, નાની ઉંમરની વિધવા, મણિ મલ્લિકની આત્મીયા છે. તે ખૂબ જ ભક્તિમતી છે. નંદિની શ્રીરામકૃષ્ણ પાસે આવતી રહે છે. એક દિવસ આવીને તેણે અત્યંત દુ:ખીભાવે કહ્યું કે ભગવાનનું ધ્યાન કરતી વખતે મનને સ્થિર રાખી શકતી નથી. ધ્યાન કરતી વખતે સાંસારિક ચિંતાઓ, કોઈની વાતો, કોઈનો ચહેરો, વગેરે મનમાં આવી જવાને કારણે મન વિક્ષિપ્ત થઈ જાય છે. એ સાંભળતાં જ, શ્રીરામકૃષ્ણે તે સ્ત્રીને પૂછ્યું, ‘કોના ચહેરાની વાત યાદ આવે છે? બતાવોને? નંદિની પોતાના એક નાના ભત્રીજાનું પાલન-પોષણ કરતી હતી તેની આકૃતિ તેના મનમાં ઊઠ્યા કરતી. શ્રીરામકૃષ્ણદેવે નંદિનીને એ બાળકની બાલગોપાલ સ્વરૂપે સેવા કરવા માટે ઉપદેશ આપ્યો. આ સ્ત્રી શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશનો અમલ કરવાથી થોડા દિવસોમાં જ ભાવસમાધિમાં તલ્લીન રહેવા લાગી.

શ્રીરામકૃષ્ણ – (મણિ મલ્લિકને) ‘‘નંદિનને એકવાર જોવાની ઇચ્છા થઈ રહી છે.’’

શ્રીરામકૃષ્ણ – (માસ્ટર મહાશયને) ‘‘(નંદિની) ખૂબ જ ભક્તિમતી છે.’’

ડોક્ટર સરકાર પોતાના એક ડોક્ટર મિત્રને સાથે લઈને આવ્યા છે. થોડી ક્ષણો પછી નરેન્દ્રે ભજન ગાવાનું શરૂ કર્યું. એ દિવ્યસ્વર લહરીને સાંભળીને બધા લોકો આત્મવિભોર બની ગયા. શ્રીરામકૃષ્ણદેવ પોતાની બાજુમાં બેઠેલા ડોક્ટર સાહેબને ધીમા અવાજે ગીતનો ભાવાર્થ સમજાવવા લાગ્યા અને થોડીવાર માટે સમાધિસ્થ પણ થવા લાગ્યા. ભક્તોમાંથી કોઈ કોઈની તો ભાવાવેશમાં બાહ્યચેતના લુપ્ત થઈ ગઈ. આ રીતે આ ઘરની અંદર આનંદનો પ્રવાહ વહી રહ્યો હતો. સાંજના લગભગ સાડાસાત વાગી ગયા. ડોક્ટર સાહેબને ત્યારે થોડું ભાન આવ્યું. એમને બીજી જગ્યાએ પણ જવાનું હતું એમણે નરેન્દ્રને પુત્રની જેમ આલિંગન આપ્યું અને શ્રીરામકૃષ્ણ પાસેથી વિદાય લઈને જવા માટે ઊભા થયા.

ઠાકુર – (માસ્ટરને) ‘‘કેટલા વાગ્યા?’’

ઠાકુરે દેવેન્દ્ર મજમુદારને પૂછ્યું, ‘‘(સમય) જુઓ તો. ઘડિયાળ છે?’’ સમય જાણવા માટે ઠાકુરની આવી વ્યગ્રતા જોઈને માસ્ટર મહાશય બેચેન બની ગયા.

સમય પૂછ્યા પછી ઠાકુર શ્રીરામકૃષ્ણ ઊંડી સમાધિમાં લીન થઈ ગયા. ડોક્ટર સરકાર અને તેમના મિત્ર આશ્ચર્યચક્તિ થઈ ગયા. કેમકે ડોક્ટર સાહેબે આવી સમાધિ કદી જોઈ ન હતી. થોડી ક્ષણો પછી ડોક્ટર સરકારે યંત્ર દ્વારા શ્રીરામકૃષ્ણને તપાસ્યા. એમના મિત્રને એ જોવું હતું કે શ્રીરામકૃષ્ણની આંખો પલકારા મારે છે કે નહીં. એમના ખુલ્લા નેત્રોમાં આંગળી પણ નાખી જોઈ. ડોક્ટર સરકાર અને તેમના મિત્ર ઠાકુરની સ્થિતિને સમજી ન શક્યા.’ પરિણામે આશ્ચર્યચક્તિ બનીને તેમને માનવું પડ્યું કે બહારથી જોતાં તો પૂરેપૂરા મૃત્યુ પામેલા હોય તેવા જણાતાં હોવા છતાં પણ શ્રીરામકૃષ્ણની આ સમાધિ વિષે વિજ્ઞાન હજુ સુધી કોઈ રીતે સમજાવી શક્યું નથી. પાશ્ચાત્ય દાર્શનિકોએ તેને જડ માનીને ઘૃણાપૂર્વક અવજ્ઞા કરી પોતાની અજ્ઞાનતા અને ભૌતિક સમર્થતાને જ પ્રગટ કર્યા છે.

શ્રીરામકૃષ્ણ સમાધિમાંથી જાગૃત થયા પછી ડોક્ટર સરકાર અને તેમના મિત્ર ચાલ્યા ગયા. એ લોકો જતા રહ્યા પછી શ્રીરામકૃષ્ણે સમાધિ અવસ્થામાં જે દર્શન કર્યું હતું, તેનું વર્ણન કરતાં તેમણે કહ્યું કે તેઓ જ્યોતિર્મય માર્ગે સુરેન્દ્રના દુર્ગામંડપમાં થઈને આવ્યા છે. ભક્ત સુરેન્દ્ર સિમલા મહોલ્લામાં રહે છે. આ વર્ષે તેમણે પોતાના ઘેર શારદીય દુર્ગા પૂજા કરી છે. પહેલાં એમના ઘરે દર વર્ષે દુર્ગાપૂજા થતી હતી. પણ એમાં વિશેષ વિઘ્નો આવવાથી ઘણો સમય એ પૂજા બંધ રહી. શ્રીરામકૃષ્ણની શક્તિમાં વિશ્વાસ હોવાથી સુરેન્દ્રનાથ દૈવી વિઘ્નોથી ડરતા નહોતા. ઠાકુરની આજ્ઞા લઈને તેમણે ફરીથી દુર્ગાપૂજા શરૂ કરી હતી. આથી તેમના ઘરના લોકોએ વિરોધ પણ કર્યો, પરંતુ સુરેન્દ્રે કોઈની પરવા કર્યા વગર, બધો જ બોજો પોતાના પર લઈને, પોતાના ઘરે શ્રીજગદંબાનું આવાહન કર્યું.

શ્રીરામકૃષ્ણ પોતાના આ દર્શનનું વર્ણન આ પ્રકારે કરવા લાગ્યા; અહીંથી સુરેન્દ્રના ઘેર જવા મને એક જ્યોતિર્મય માર્ગ દેખાયો. મેં જોયું કે તેની ભક્તિને લઈને દેવી પ્રતિમામાં માનો આવિર્ભાવ થયો છે. એમનાં ત્રીજા નેત્રમાંથી જ્યોતિકિરણ નીકળી રહ્યું છે. પૂજનના મંડપમાં દેવીની સમક્ષ દીપમાળા પ્રગટાવવામાં આવી છે. આંગણામાં બેસીને સુરેન્દ્ર વ્યાકુળ બનીને ‘મા, મા’ કહેતો કહેતો રડે છે.

દશમના દિવસે (૧૮મી ઓકટોબર) સવારના સમયે સુરેન્દ્ર આવ્યા. શ્રીરામકૃષ્ણ (સુરેન્દ્રને), ‘‘કાલે લગભગ સાડા સાત વાગે મેં ભાવદશામાં તારા આંગણામાં શ્રીદેવીની પ્રતિમાને જોઈ. ચારે બાજુ પ્રકાશ જ પ્રકાશ હતો. બધું એકાકાર થઈ ગયું હતું. અહીં અને ત્યાં બંને જગ્યાએ જાણે પ્રકાશનું એક મોજું વહેતું હતું. આ ઘરથી તમારા પેલાં ઘર સુધી.’’

સુરેન્દ્ર – ‘‘એ વખતે હું દેવીવાળા ફળિયામાં ઊભો હતો અને મા, મા, કહીને એમને પોકારી રહ્યો હતો. મારો ભાઈ મને છોડીને ઉપર જતો રહ્યો હતો. મને લાગ્યું કે મા, કહી રહ્યાં છે કે ‘હું પાછી આવીશ.’ ’’ ૧૦

સ્વામી અભેદાનંદનું વૃતાંત આનાથી થોડું જુદું છે. તેઓ કહે છે, ‘‘શારદીય મહાઅષ્ટમીના દિવસે સાંજ થઈ ગયા બાદ સાયંપૂજનના સમયે ભાવમાં વિહ્‌વળ થઈને ઠાકુર એકાએક ઊભા થઈ ગયા. નરેન્દ્ર, લાટુ, નિરંજન, તેમજ હું અને બીજા ભક્તો – અમે બધાંએ એમના શ્રીચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરી. શ્રી શ્રીઠાકુર ભાવવિભોર હતા. બાહ્યજ્ઞાન જાગૃત થતાં પછી તેમણે કહ્યું; ‘એક જ્યોતિર્મય માર્ગ જોયો. અહીંથી સુરેન્દ્રના પૂજનના સ્થળ સુધીનો. દુર્ગાપ્રતિમાની એક બાજુ સુરેન્દ્ર હતો… તે રડતો હતો.’ ’’૧૧

વૈકુંઠનાથ સંન્યાલે આ દર્શનનું સુંદર નિરુપણ કર્યું છે. તેઓ લખે છે, ‘મહાઅષ્ટમીના પવિત્ર સાયંપૂજનના સમયે ભક્તવત્સલ પ્રભુ જ્યોતિર્મય માર્ગે પૂજનના મંડપમાં પહોંચી ગયા. એમણે જોયું કે સુરેન્દ્રની ભક્તિથી જગન્માતા દુર્ગા પ્રતિમામાં આર્વિભાવ પામ્યાં છે… સુરેન્દ્ર ભક્તિમાં વિભોર થઈને મા, મા પોકારીને રડે છે. સુરેન્દ્રની ભક્તિથી પ્રસન્ન થઈને તેમજ તેની આંતરિક સ્થિતિ જોઈને પછી ઠાકુર પાછા સ્વાભાવિક સ્થિતિમાં આવી ગયા. એમણે નરેન્દ્ર વગેરે બાળકોને આ બધી વાત જણાવી… પછી આ બધાંને જગન્માતાનો પ્રસાદ લેવા માટે સુરેન્દ્રના ઘેર મોકલ્યા.’

ઠાકુરના આદેશ પ્રમાણે નરેન્દ્રનાથ, કાલીપ્રસાદ વગેરે ભક્તજનો સુરેન્દ્રના ઘરે ગયા. સુરેન્દ્રને પૂછતાં જાણવા મળ્યું કે પૂજનના મંડપમાં જે જગ્યા વિશે ઠાકુરે કહ્યું હતું ત્યાં વાસ્તવમાં દીપમાળા પ્રગટાવવામાં આવેલી હતી. સુરેન્દ્ર દેવી પ્રતિમાની સામે, આંગણામાં બેસીને નાના બાળકની જેમ લગભગ એક કલાક સુધી ડૂસકાં મૂકીને રડ્યા હતા. સ્વામી અભેદાનંદના લેખથી જાણી શકાય છે કે જ્યારે સુરેન્દ્ર રડતા હતા ત્યારે એકાએક એમણે શ્રીરામકૃષ્ણને દેવીપ્રતિમાની એકબાજુ ઊભા રહીને તેને આશીર્વાદ આપતા જોયા. આ બધું જોઈને તથા સાંભળીને ભક્તજનો વિસ્મય અને આનંદથી સ્તબ્ધ થઈ ગયા.૧૨ ભક્તિમાં વિભોર થઈને તેઓ બધા શ્રીરામકૃષ્ણની મહિમાનું જયગાન કરવા લાગ્યા.

આ બાજુ શ્યામપુકુરવાળા મકાનમાં એક અનોખી લીલા સર્જાઈ. ભક્ત દેવેન્દ્રનાથ શ્રીરામકૃષ્ણની સામે બેઠા હતા. ભાવાવેશમાં શ્રીરામકૃષ્ણ દેવેન્દ્ર પાસે ગયા અને તેના વક્ષ:સ્થલ પર પોતાના શ્રીચરણ મૂકી દીધાં. ભાવ સમાપ્ત થતાં એમણે દેવેન્દ્રને પોતાના હાથેથી ખાવાનું ખવડાવ્યું. માગ્યા વગર કૃપા મળતાં દેવેન્દ્ર ધન્ય બની ગયા.

(૧૪)

ઉત્તર કલકત્તામાં આવેલા શ્યામપુકુરના આ ભાડાના મકાનમાં શ્રીરામકૃષ્ણની અંત્યલીલા પહેલાંની વાતો સારી રીતે ચાલી રહી હતી. શારદીય દુર્ગાપૂજાને લઈને ચારેદિશાઓ આનંદથી પરિપૂર્ણ હતી. ઠાકુર શ્રીરામકૃષ્ણના ગળામાં ભયાનક રોગ છે – કેન્સર. એને લઈને એમના શિષ્યો અને સેવકો દુ:ખી છે. પરંતુ આ નિરાશામય સ્થિતિમાં પણ વચ્ચે વચ્ચે શ્રીરામકૃષ્ણના વ્યક્તિત્વની કાંતિ અને આધ્યાત્મિક ઐશ્વર્યની જ્યોતિ ઝગમગતી હતી. એને જોઈને શિષ્યો મોહિત થઈ જતા અને શ્રીરામકૃષ્ણ પ્રત્યે વધુ આકર્ષણ અનુભવવા લાગતા.

આજે દુર્ગાષ્ટમી છે. શુક્રવાર ૧૮૮૫. સવારના સાત વાગ્યા છે માસ્ટર મહાશય ઠાકુરની પાસે આવી પહોંચ્યા. માસ્ટર મહાશયનો સાળો દ્વિજ પણ તેમની સાથે આવ્યો છે. દ્વિજ લગભગ પંદર – સોળ વર્ષની ઉંમરનો કિશોર છે. તે નાનપણથી જ ઈશ્વર પ્રત્યે અનુરાગી છે. ઠાકુર તેને ખૂબ પ્રેમ કરે છે.

આજે જગન્માતાનું વિશેષ પૂજન છે. વિશેષ પૂજનનો ભાવ ક્ષણે ક્ષણે શ્રીરામકૃષ્ણના દેહ અને મનમાં પ્રકટી રહ્યો છે. તેમણે પોતાના દારૂણ દર્દની વાત ભૂલાવી દીધી. ક્ષણે ક્ષણે ભાવમાં ઉન્મત્ત બની રહ્યા છે. માસ્ટર મહાશયે શ્રીરામકૃષ્ણના દેહમાં રોમાંચ, કંપન વગેરે જોયાં. આ બધાં ગંભીર ભાવનાં પૂર્વ લક્ષણો છે. ધીમે ધીમે શ્રીરામકૃષ્ણનો ભાવ શમવા લાગ્યો. ભક્તના ભાવનું પોતાનામાં સંક્રમણ કરીને તેમણે દેવેન્દ્રનાથ મજુમદારને કહ્યું : ‘‘જગત બ્રહ્મમાં લીન થઈને આનંદ લઈ રહ્યું છે. હું જ પડી રહ્યો!’’ જાણે ત્યાં હાજર રહેલાં બધાંને ભાવની લહેર સ્પર્શી ગઈ! હવે ઠાકુર પોતાના મસ્તક અને પેટ પર હાથ ફેરવવા લાગ્યા. જ્યારે ભાવ પૂરેપૂરો શમી ગયો ત્યારે શ્રીરામકૃષ્ણે કહ્યું; ‘‘બાપ રે, ડર લાગે છે. ક્યાંક વાયુ (ઘાને) ઈજા ન કરી દે.’’

ઠાકુરના ઓરડાને સુશોભિત કરવા માટે દેવ-દેવીઓની કેટલીક છબિઓ લાવવામાં આવી. આ ચિત્રો કદાચ શિકદાર પાડાના પ્રસિદ્ધ ચિત્રકાર અન્નદાપ્રસાદ બાગચી એ બનાવ્યાં હતાં. કાલીપદ ઘોષ ચિત્રો લાવ્યા છે. ઠાકુરે આનંદિત થઈને આ ચિત્રો જોયાં. તેમણે ત્રણ ચિત્રો પસંદ કર્યાં. તે હતાં, ગૌર-નિતાઈ, શિવ-ગૌરી અને દ્રોપદીવસ્ત્રાહરણનાં.

(૧૫)

આજે વિજયાદશમી રવિવાર છે, ૧૮મી ઓક્ટોબર, ૧૮૮૫. ત્રીજે પહોરે ડોક્ટર સરકાર ઠાકુર શ્રીરામકૃષ્ણને જોવા આવ્યા છે. આજે તેમનો પુત્ર અમૃત૧ પણ સાથે આવ્યો છે. શ્રીરામકૃષ્ણે અમૃત વિશે ડોક્ટર સાહેબને કહ્યું; ‘‘તમારો દીકરો ખૂબ સારો છે. અને કેમ સારો ન હોય? મુંબઈના આંબાના ઝાડમાં ક્યારેય ખાટી કેરી થાય ખરી? ભગવાન ઉપર એનો કેવો વિશ્વાસ છે? જેનું મન ઈશ્વરમાં છે, બસ એ જ મનુષ્ય છે. મનુષ્ય અને મનહોશ – જેનામાં હોશ છે, – ચૈતન્ય છે, જે નિશ્ચયપૂર્વક જાણે છે કે ઈશ્વર જ સત્ય છે. બાકી બધું અનિત્ય, એ જ ખરા અર્થમાં મનુષ્ય છે. અવતારને નથી માનતો તો એમાં શું દોષ છે?’’

ડોક્ટર સાહેબના ઈશ્વર સંબંધી વિચારોને દૃઢ કરવા માટે ઠાકુર એમની પાસે પૂર્ણજ્ઞાનની વાતો કરવા લાગ્યા. શ્રીરામકૃષ્ણ, ‘‘પૂર્ણજ્ઞાન થવાનાં કેટલાંક લક્ષણો છે. એ વખતે વિચારો બંધ થઈ જાય છે.’’

તર્કશીલ ડોક્ટર સરકાર પૂછે છે, ‘‘પૂર્ણજ્ઞાન ક્યાં મળશે? આપે પણ હજુ સુધી મૌનવ્રત ક્યાં ધારણ કર્યું છે? ત્યારે આપે હજુ સુધી બોલવાનું કેમ બંધ કર્યું નથી?’’

શ્રીરામકૃષ્ણ (હસતાં હસતાં) – ‘‘પાણી સ્થિર હોય તો પણ પાણી જ રહે છે અને હલે છે, તો પણ પાણી જ રહે છે. મોજાં ઊઠવા છતાં પણ તે પાણી જ રહે છે.’’ ઠાકુરે મહાવત નારાયણની વાર્તા જણાવીને કહ્યું; ‘‘તેઓ જ પવિત્ર મન અને પવિત્ર બુદ્ધિ રૂપે હૃદયમાં છે. હું યંત્ર છું, તેઓ યંત્રી છે. હું ઘર છું, તેઓ ઘરમાલિક છે. તેઓ જ મહાવત નારાયણ છે.’’

ડોક્ટર સાહેબ – ‘તો પછી મહારાજ, આપ વારંવાર કેમ કહ્યા કરો છો કે આ રોગમાંથી મને સારો કરી દો.’’

શ્રીરામકૃષ્ણ – ‘‘જ્યાં સુધી ‘હું’ રૂપી ઘડો છે, ત્યાં સુધી આ સ્થિતિ રહેશે. વિચારો એક મહાસમુદ્ર છે. ઉપર- નીચે પાણીથી ભરપૂર છે. એની વચ્ચે એક ઘડો છે. ઘડાની અંદર અને બહાર પાણી છે. પરંતુ એને ફોડી નાખ્યા વગર એ સાચી રીતે પાણી સાથે એકરૂપ નથી બનતું. એમણે આ ઘડાને રાખી દીધો છે.’’

જ્ઞાનના પ્રકાશમાં તલ્લીન થઈને ડોક્ટર સરકાર ચાલ્યા ગયા. આજે વિજયાદશમી છે. વિજયાના ઉપલક્ષમાં બધા ભક્તોએ શ્રીરામકૃષ્ણને સાષ્ટાંગ પ્રણામ કરીને એમની ચરણરજ મસ્તકે ચઢાવી. પછી એકબીજાને પ્રેમપૂર્વક આલિંગન આપ્યું. જાણે આનંદની સીમા ન રહી. શ્રીરામકૃષ્ણની આવી સખત બીમારી છે, પણ તેઓ જાણે બધું જ ભૂલી ગયા છે. પ્રેમાલિંગન અને મિઠાઈ વિતરણ ઘણો વખત ચાલતાં રહ્યાં. શ્રીરામકૃષ્ણ આનંદપૂર્વક વાતચીત કરી રહ્યા છે. ડોક્ટરની બાબતમાં વાતચીત થવા લાગી. ડોક્ટરને વધારે કહેવું નહીં પડે. ઝાડ કાપવાનું જ્યારે પૂરું થવા આવે છે, ત્યારે જે માણસ એને કાપતો હોય છે, તે થોડો દૂર હટીને ઊભો રહી જાય છે. થોડીવાર પછી ઝાડ આપોઆપ પડી જાય છે.

(ક્રમશ:)

સંદર્ભ

૧. આજે ૧૫મી ઓક્ટોબર છે. શ્રીરામકૃષ્ણ ૨જી ઓક્ટોબરે શ્યામપુકુર આવ્યા હતા.

૨. ગૃહસ્થ ભક્તોમાં મુખ્ય રામચંદ્ર દત્ત મોટેભાગે પોતાના ઘેર જલ્દી જમીને તુરત જ શ્યામપુકુરના મકાનમાં આવી જતા હતા. ત્યાં એકાદ-બે કલાક રહીને ઓફિસમાં જતા. અન્ય ગૃહસ્થ ભક્તોમાંથી કેટલાક રોજ જ નિયમ પ્રમાણે શ્યામપુકુરના મકાનમાં આવતા હતા.

૩. શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ દ્વિતીય ભાગ, પૃ.૧૧૬.

૪. શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ, દ્વિતીય ભાગ, પૃષ્ઠ-૧૧૭.

૫. શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ, તૃતીય ભાગ, પૃષ્ઠ-૨૪.

૬. શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ, પાંચમો ભાગ, પૃષ્ઠ-૧૧૮.

૭. શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ, પાંચમો ભાગ, પૃષ્ઠ-૨૨૬.

૮. શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ, દ્વિતીય ભાગ, પૃષ્ઠ : ૧૧૮-૧૯.

૯. વચનામૃત પ્રમાણે આ બનાવ ૧૭મી ઓક્ટોબર નોમના દિવસે બન્યો હતો. સ્વામી શારદાનંદ, સ્વામી અભેદાનંદ અને વૈકુંઠનાથ સંન્યાલ પ્રમાણે મહાઅષ્ટમીના દિવસે સંધિપૂજન વખતે આ બનાવ બન્યો હતો. એ વખતે મહાઅષ્ટમી ૧૬મી ઓક્ટોબરે હતી. અક્ષયકુમાર સેને આ બનાવને સાતમના દિવસનો વર્ણવ્યો છે. માસ્ટર મહાશયની ડાયરીના પૃષ્ઠ ૬૦૦ પ્રમાણે આ દર્શનનો સમય સાતમ (૧૫ ઓક્ટોબર) સાંજે સાડા સાત વાગ્યાનો છે.

૧૦. શ્રીરામકૃષ્ણ કથામૃત, ત્રીજો ભાગ પૃ. ૧૮૪.

૧૧. આમાર જીવનકથા (બંગાળી) પૃ. ૭૬-૭૭.

૧૨. શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ, દ્વિતીય ભાગ, પૃ. ૧૧૯.

૧. ૨૭ ઓક્ટોબર, ૧૮૮૫ના દિવસે અન્નદાપ્રસાદ બાગચી શ્યામપુકુરવાળા મકાનમાં આવ્યા હતા. તેમણે ઠાકુરને પોતે દોરેલાં કેટલાંક ચિત્રો ભેટ આપ્યાં હતાં. ષડ્‌-ભૂજા મૂર્તિનું ચિત્ર જોઈને ઠાકુરે બાગચીની ચિત્રકલાની પ્રશંસા કરી હતી.

૧. શ્રીરામકૃષ્ણ કથામૃત, ત્રીજો ભાગ, પૃ.૧૮૭, શ્રીરામકૃષ્ણ અમૃતને મળવા ઇચ્છતા હતા. અમૃત આવતાં જ ઠાકુર તેનો હાથ પકડીને બાજુના ઓરડામાં લઈ ગયા અને કહ્યું: ‘બેટા હું તારા માટે અહીં આવ્યો છું.’ ઠાકુરે અમૃતને થોડો ઉપદેશ પણ આપ્યો. જીવનવૃત્તાંત પૃ.૧૬૯

૨. શ્રીરામકૃષ્ણ કથામૃત, ત્રીજો ભાગ, પૃ.૧૮૯-૯૦.

Total Views: 39
By Published On: August 21, 2022Categories: Prabhananda Swami0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram