૧૯૮૫ થી આપણું રાષ્ટ્ર સ્વામી વિવેકાનંદની અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે જન્મતિથિ ૧૨ જાન્યુઆરીને ‘રાષ્ટ્રિય યુવદિન’ રૂપે ઉજવે છે. આ ૧૨મી જાન્યુઆરીએ પણ આપણે આવો એક વધુ રાષ્ટ્રિય દિવસ ઉજવીશું. આ પર્વ એક અત્યંત આનંદનું પર્વ છે એ વાત નિ:શંક છે. આપણે આ દિવસે ભારતને પોતાની ગાઢ નિદ્રામાંથી એકલહાથે જગાડનાર અને આધુનિક યુગના મહાન પયગંબર સ્વામી વિવેકાનંદને આનંદ-ઉલ્લાસ સાથે ભાવાંજલિ અર્પીએ છીએ. સ્વામી વિવેકાનંદ જેમનું નામ માત્ર પણ યુવાનોને પ્રેરે છે. છેલ્લા એક સૈકા દરમિયાન વિશ્વભરના અસંખ્ય યુવાનોને એમના જીવનસંદેશે પ્રેરણા આપી છે, તેમના જીવન પર ઘણો પ્રભાવ પાડ્યો છે અને તેમના જીવનમાં પરિવર્તન પણ આણ્યું છે. પરંતુ આ રાષ્ટ્રિય યુવદિનની ઉજવણી કે ઉત્સવ સિવાય આજના યુવાનો માટે બીજું કંઈ રહ્યું છે ખરું? એ પાછળ ભાવિનાં કોઈ આશા-અરમાન રહેલાં છે ખરાં? આજનો આપણા દેશનો યુવાન ચારેબાજુએ થતાં મહાપરિવર્તનોનાં અદ્‌ભુત આકર્ષણોની દુનિયામાં ખોવાઈ ગયેલો દેખાય છે. બીજી બાજુએ નીતિમત્તાનાં ધોરણો, જીવન વિભાવના અને જીવન જીવવામાં ઉપયોગી થતાં મૂલ્યોના હ્રાસના વાતાવરણમાં એ મુંઝાયેલો-ફસાયેલો રહેતો લાગે છે. આજનો આપણો આ યુવાન પોતાની આજુબાજુ શું જુએ છે? તમે જો એને પૂછશો તો તે આપણા વરિષ્ઠો તરફ આંગળી ચીંધીને આક્રોશથી પૂછી નાખશે કે આઝાદી પછીનાં ૫૦ વર્ષો સુધી આપણા આ રાષ્ટ્રનું એમણે કેવી રીતે સંચાલન કર્યું કે તે આવી અધ:પતનની અવદશામાં મુકાઈ ગયો? કદાચ, તેને ભારતના પ્રામાણિક, ભલાભોળા, જનસાધારણ ભારતવાસીઓનું અનેક રીતે, ચાલાકીપૂર્વક શોષણ કરીને તેમને નરકની યાતના જેવી પીડાકારી અવસ્થામાં ધકેલી મૂકનાર આપણા રાજકારણીઓ અને વહીવટદારોને દોષ દેવાનું પણ મન થશે. આ યુવાનોને દેશના અસંખ્ય સજ્જનો, સુસંસ્કૃતજનો, પ્રામાણિકતાને વરેલા અને શક્તિમત્તાવાળા લોકોને એમ પૂછવાની ઇચ્છા જરૂર થશે કે તેમણે બધાએ આ સડાને રોકવા શું શું કર્યું? એમણે હતાશામાં અને હતાશાભરેલી પરિસ્થિતિનો બચાવ કરતા પોતાના હાથ ઊંચા કેમ કરી દીધા? ભારત ઉપર જે અનિષ્ટો સવાર થઈ ગયાં તેના વિશે મજાનાં વ્યાખ્યાનો જ આપવાનું કેમ પસંદ કર્યું? અહીં ઉમાશંકર જોષીની એક કાવ્ય પંક્તિ યાદ આવી જાય છે :

‘દેશ તો આબાદ થતાં થઈ ગયો, તેં શું કર્યું?
દેશ તો બરબાદ થતાં રહી ગયો, તેં શું કર્યું?’

કેટલાંક યુવાનો તેમના ઘણા મિત્રોની જેમ વિદેશમાં વસીને આ નરક યાતનાઓને છોડવાની લાલસા સેવે છે. કારણ કે તેઓ માને છે કે એ દેશોમાં એમણે સ્થળે સ્થળે અને કામે કામે લાંચ-રુશ્વત આપવી પડતી નથી. આવા દેશોમાં યુવાનોની ગુણવત્તાભરેલી શક્તિને પ્રમાણવામાં આવે છે અને તે ગુંગળાઈ જતી બચે છે. અહીં તમારે જીવનની સતત ચાલતી સ્પર્ધામાં આગળ વધવા અને ટકી રહેવા માટે એ સાબિત નથી કરવું પડતું કે તમે ‘પછાત’ છો. આવી રીતે આજનો આપણો આ યુવાન પોતાના પ્રતિભાવો આપતો જોઈએ છીએ અને ‘જુઓ આ પશ્ચિમના લોકો કેવું મજાનું જીવન જીવે છે; તેમના શહેરો અત્યંત આધુનિક સુવિધાવાળા સ્વચ્છ-સુઘડ છે; લોકો અહીં તહીં કચરો-ગંદકી ફેંકતા નથી. અરે! આગગાડી, બસ, વિમાન, વગેરે બધું સમયસર ચાલે છે. ક્યાંય લાંચની બદી નથી. નિરક્ષરતાનું નામ નિશાન પણ નથી. આ લોકો સખત મહેનત કરનારા છે, એમનામાં શિસ્ત છે, તેઓમાં પ્રબુદ્ધનાગરિક તરીકે જીવવાની ચોક્કસ જીવનશૈલી છે. જ્યારે આપણા દેશમાં આમાંનું કશુંય જોવા મળતું નથી. આપણે ભારતીયો પ્રમાદી છીએ અને કોઈ પણ કુશાસન સામે લડવાનાં હિંમત અને શક્તિ આપણામાં નથી.’ એમ કહેતો પણ સાંભળીએ છીએ.

‘અને સૌથી ચિંતનીય વાત તો એ છે કે જ્યારે આપણા કરોડો દેશબાંધવો ભયંકર દુ:ખભૂખની પીડા સાથે જીવે છે ત્યારે આપણા પ્રાચીન સંસ્કૃતિના ભવ્ય વારસાની દંભભરી વાતો કરીએ છીએ.’ આ વાત પણ આજનો યુવાન દુ:ખ સાથે કહે છે. આમાંથી કેટલાક એમ પણ કહેશે : ‘વારુ, આપણે મહાન હોઈશું, બે ત્રણ કે પાંચ હજારવર્ષ પહેલાં આપણે જરૂર મહાન હોઈશું. પણ એમ કહેવાથી આજે આપણું શું ઉકળવાનું છે? આજે પશ્ચિમના લોકો આપણા કરતા ચડિયાતા બન્યા અને તેમણે પોતાની શક્તિમત્તા અને અપ્રતિમ પુરુષાર્થથી વિશ્વને જીતી લીધું છે અને પોતાનું તાબેદાર બનાવી દીધું છે. અને આપણા દેશને ઉન્નતિના પથે દોરી જવું હોય તો આપણે એમની નિષ્ઠાભરી કાર્યપ્રણાલિઓ, વિજ્ઞાન અને ટેક્‌નોલોજી તેમના વ્યવસ્થાપન સંચાલન પ્રયુક્તિઓ અને વ્યાપારરીતિઓ વગેરેને અપનાવવાં રહ્યાં, આ સિવાય આપણા માટે બીજો કોઈ વિકલ્પ નથી.’

‘આપણા ભૂતકાળની મહાનતાની વાતોને, ગર્વની વાતોને, ગરિમાની વાતોને શક્ય તેટલું વહેલું ભૂલીને અને આપણા પોતાના માટે આવશ્યક અને કલ્યાણકારી બુદ્ધિશક્તિ અને પશ્ચિમની પ્રગતિશીલ વિચારશૈલીને અપનાવવામાં જ આપણું ક્ષેમકલ્યાણ છે.’ એમ પણ કહેતાં આજના યુવાનોને જરાય સંકોચ થતો નથી. જો કે આજના યુવાનોનાં આવાં વિધાનોમાં થોડુંઘણું સત્ય છે ખરું અને આપણે પશ્ચિમની સંસ્કૃતિ અને વિકાસમાંથી સારાં તત્ત્વોને અપનાવવા જોઈએ. પણ સાથે ને સાથે એ વાત પણ સમજી લેવી જોઈએ કે આપણે આપણા પ્રાચીનધર્મ, આધ્યાત્મિકતા અને સંસ્કૃતિની ઉદાત્ત પ્રણાલીઓને આજના યુવાનો સમક્ષ યોગ્ય રીતે મૂકી નથી. એટલે આજના યુવાનો આપણા ભવ્ય ભૂતકાળ પ્રત્યે ઉદાસીનતા સેવે છે અને અવગણે છે. સો થી વધુ વર્ષ પહેલા સ્વામી વિવેકાનંદે આપણા આ પ્રાચીન આદર્શોને ભારતવર્ષ સમક્ષ મૂક્યા અને આપણા હજારો હજારો યુવાનોએ એના પ્રાણને જગાડતા આ સંદેશને સાંભળ્યો અને પોતાના જીવનમાં ઉતાર્યો. સ્વામી વિવેકાનંદે ફૂંકેલા રણશિંગા જેવા સ્પષ્ટ આહ્‌વાનમાંથી શક્તિ મેળવીને આપણી આઝાદીની લડત શરૂ થઈ હતી અને આઝાદી પછીના ભારતના નવનિર્માણનું કાર્ય થયું હતું. એમના જમાનામાં પૂર્ણપ્રમાદથી ભરેલ મડદાલ જીવનમાં એમના સંદેશે જાણે કે પ્રાણ સંચાર કર્યો અને ભારત પોતાની પ્રગાઢ કુંભકર્ણનિદ્રામાંથી જાગી ઊઠ્યો. પરંતુ શું તે ફરી એકવાર કુંભકર્ણની નિદ્રામાં ડૂબી ગયું છે ખરું? કદાચ, આપણા ક્રોધિત ભારતીય નવયુવાનો આના પ્રત્યુત્તરમાં ‘હા’ ભણશે! પરંતુ આજના યુવાનોમાં નિરાશાને કારણે જન્મેલા પશ્ચિમ વિશેના આદર્શ અને પોતાના પ્રાચીન ભવ્ય અને ગૌરવમય સાંસ્કૃતિક આધ્યાત્મિક વારસા પ્રત્યેની અવગણના અને અવમાનના સાથેના દૃષ્ટિબિંદુમાં અજ્ઞાનતાનું તત્ત્વ સ્પષ્ટપણે જોઈ શકાય છે.

પશ્ચિમનું જીવન આપણને દેખાય છે તેવું કંઈ ગુલાબની પથારી જેવું નથી. પશ્ચિમના દેશોમાં હજારો વિદ્યાર્થીઓ ઘાતકશસ્ત્રો શા માટે પોતાની સાથે રાખે છે? હતાશા, નશીલાપદાર્થોના સતત સેવન, દારૂ ઢીંચવો અને આપઘાતના માર્ગે વળતા અને માનસિક તનાવથી પીડાતા પશ્ચિમના એ લાખો યુવાનો વિશે આપણે શું કહીશું? પશ્ચિમના લેખકો અને વિચારકો શા માટે વધુ દુ:ખ અને આક્રોશ સાથે પશ્ચિમના આ અધ:પતનની વાતો કરે છે? શા માટે પશ્ચિમનાં ગણ્યાગાઠ્યાં વિકસિત રાષ્ટ્રો ત્રીજી દુનિયાનાં ગરીબ રાષ્ટ્રોમાં શસ્ત્રાસ્ત્રોના જથ્થાનો મોટો વેપલો કરીને પોતાનું આર્થિક સદ્ધરપણું ટકાવી રાખવાનો સતત પ્રયત્ન કરે છે? દુ:ખદ આશ્ચર્ય તો એ છે કે આ જ રાષ્ટ્રો ત્રીજા વિશ્વનાં રાષ્ટ્રો વચ્ચે લડાઈયુદ્ધો કરાવીને, એમને હિંસાને માર્ગે વાળીને પછી શાંતિ અને માનવાધિકારોની ડાહી ડાહી વાતો કરે છે! પશ્ચિમના સમાજની સ્વાર્થમય મૂલ્યોનું આ એક તાર્કિક તારણ છે. ભયંકર હિંસા અને રાક્ષસીવૃત્તિ જેવા જુલમોની વૃદ્ધિ અને આવા બનાવોનું અવારનવાર બનવું તેમજ વિશ્વના વિશાળ ક્ષેત્રોમાં તેનો દિવસે દિવસે વધતો વ્યાપ આપણે આજે જોઈએ છીએ.

પશ્ચિમનું નજીકથી બરાબર નિરીક્ષણ કરીને સ્વામી વિવેકાનંદે હજુ થોડા દસકા પહેલાં પશ્ચિમ વિશે આવી નોંધ લીધી હતી :

‘સંસ્થાઓ, પદ્ધતિઓ અને રાજકીય વહીવટની સાથે સંકળાયેલ સર્વ કંઈ, એક પછી એક નકામું ગણીને ફેંકાઈ ગયેલ છે, યુરોપ આજે અશાંત દશામાં છે: કઈ બાજુએ વળવું એની તેને સૂઝ પડતી નથી. ભૌતિકવાદનો જુલમ અતિમાત્રામાં છે. આખા દેશની સંપત્તિ અને સત્તા ગણ્યાગાંઠ્યા માણસોના હાથમાં છે; તેઓ જાતે કામ કરતા નથી, પરંતુ લાખો મનુષ્યોનાં કામનું ચાલાકીથી સંચાલન કરે છે. આ સત્તાના જોરે તેઓ ધારે તો આખી પૃથ્વીને લોહીના પૂરમાં ડુબાડી શકે… પશ્ચિમની દુનિયા આજે રાજ ચલાવનારા એક મુઠ્ઠીભર શાયલોકો (કંજૂસ શ્રીમંતો)ના હાથમાં છે. બંધારણીય રાજસત્તા, સ્વાતંત્ર્ય, મુક્તિ અને લોકસભા વગેરે જે બધું તમે સાંભળો છો તે કેવળ મશ્કરી જ છે… ભૌતિશક્તિના આવિર્ભાવના કેન્દ્રસમું યુરોપ જો પોતાની સ્થિતિ બદલવાની કાળજી નહિ રાખે, પોતાની ભૂમિને નહિ ખેસવે, અને આધ્યાત્મિકતાને પોતાના જીવનનો આધાર નહિ બનાવે તો પચાસ વરસની અંદર ચૂરેચૂરા થઈને ધૂળધાણી થઈ જવાનું છે.’ (સ્વા. વિ. ગ્રં.મા., ભાગ. ૪ : પૃ.૪૮-૪૯)

સ્વામીજીએ ભારતનાં નિર્બળતા અને દુષણોને પણ એવા જ આકરા શબ્દોમાં ઝાટકી નાખ્યાં છે. પરંતુ તેઓ જાણતા હતા કે જો સમગ્ર વિશ્વે ટકી રહેવું હોય તો ભારતે વિશ્વ પર પોતાની આધ્યાત્મિકતાથી વિજય મેળવવો પડશે; આ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. 

સ્વામી વિવેકાનંદે અમેરિકાથી ૧૮૯૪માં મદ્રાસના હિંદુ મિત્રોને લખેલ પત્રમાં યુવાનોને હાકલ કરતાં તેમણે આ પ્રમાણે લખ્યું હતું :

‘શું ભારત મરી જાય? એવું બને તો વિશ્વમાંથી સઘળી આધ્યાત્મિકતાનો લોપ થઈ જાય, સઘળી નૈતિક પૂર્ણતાનું નામનિશાન ન રહે, ધર્મ માટે માધુર્યપૂર્ણ અંતરની સહાનુભૂતિ નાબૂદ થઈ જાય, આદર્શવાદ આવકાશમાં ઊડી જાય; અને તેને સ્થાને કામ અને વિલાસિતાની જોડી દેવ અને દેવી તરીકે રાજ કરવા લાગે; ત્યાં કાંચન પૂજારી બને, છેતરપિંડી જોરજુલમ અને ગળાકાપુ હરીફાઈ કર્મકાંડ બને, અને માનવઆત્માનું બલિદાન દેવાય. આવું કદી બની શકે જ નહિ… ભારતનો ઉદ્ધાર થશે જ; શરીરના બળથી નહિ પરંતુ આત્માની શક્તિથી; વિનાશના વાવટાથી નહિ પરંતુ શાંતિ અને પ્રેમના ધ્યજથી – સંન્યાસીનાં ભગવા વસ્ત્રથી; સંપત્તિનાં જોરથી નહિ, પરંતુ ભિક્ષાપાત્રના સામર્થ્યથી.’ (સ્વા. વિ. ગ્રં.મા., ભાગ. ૪ : પૃ.૨૭૫)

ભારતના યુવાનોને આ જ વાત માટે તૈયાર રહેવા એમણે હાકલ કરી હતી. એટલે જ સ્વામીજી જે કંઈ કહેવા માગતા હતા તેને પૂરેપૂરું સમજીજાણી લેવું એ ઘણી અગત્યની વાત છે. જો આપણે સ્વામીજીનાં સાહિત્ય- ભારતમાં આપેલાં ભાષણો, સ્વામીજીના પત્રો અને સ્વામીજી સાથે વાર્તાલાપ – નું ચિંતન મનન કરીએ તો યુવાનો પાસે સ્વામીજીની કેવી અપેક્ષાઓ હતી તેનો આપણને સ્પષ્ટ ખ્યાલ આવી જશે. તેમની મહત્ત્વની ચિંતા તો ભારતીયોને તેમાંય ખાસ કરીને યુવાનોને જગાડવાનો અને એ યુવાનોને પોતાની પ્રાચીન આધ્યાત્મિક સંસ્કૃતિના ગૌરવ ગરિમાનો પૂરો પરિચય કરાવવાની હતી.

એ જ પત્રમાં તેઓ આગળ લખે છે :

‘તમે પોતાને એમ ન કહો કે હું નબળો છું. આત્મા સર્વશક્તિમાન છે… ભારતના નવયુવકો! … તમારી અંદરની દિવ્યતાને જાગ્રત કરો; એથી તમે ભુખ અને તરસ, ઠંડી અને ગરમી સહન કરી શકશો… તમારે ત્યાગ કરવો જોઈએ. મહાન બનો. આત્મભોગ સિવાય કોઈ પણ મહાન કાર્ય બની શકે નહિ.. તમારી સુખસગવડો, તમારી મોજમજાઓ, તમારું નામ, તમારો યશ કે મોભો, અરે તમારાં જીવન સુધ્ધાં વિસર્જન કરો.. બધાં શુભ બળોને એકત્ર કરો.. (સ્વા. વિ. ગ્રં.મા., ભાગ. ૪ : પૃ.૨૭૫-૭૯)

સ્વામીજી યુવાનોને ઉદ્દેશીને કહેતા કે વેદાંતનો સંદેશ તો કોઈ પણ કાયર કે બાયલો પણ આપી શકે પરંતુ, વેદાંતને જીવનમાં ઉતારવાનું કામ તો વીરનું જ છે. વળી સ્વામીજી કહેતા : ‘એક માત્ર શક્તિની જ જરૂર છે. દુનિયાનાં બધાં દર્દોની દવા એક માત્ર શક્તિ જ છે. જ્યારે અમીરોના ઝુલમો તળે કચડાતા ગરીબો માટે શક્તિ જ ઔષધ બની જાય છે. અને અભણ લોકોને ભણેલાગણેલાનું શોષણ પીડતું હોય ત્યારે આ શક્તિ જ એ અભણને માટે બચાવનારું ઔષધ બની રહે છે.’ સ્વામી વિવેકાનંદે પ્રબોધેલા વ્યવહારુ વેદાંતના સંદેશને યુવાનોએ અનુસરવું જોઈએ અને તેના દ્વારા વ્યક્તિગત જીવનની અને સમાજની સાર્વત્રિક ઉન્નતિ સાધવી જોઈએ. વ્યક્તિગત શક્તિ પર આપણા રાષ્ટ્રની શક્તિનો આધાર છે એમ તેમણે અનુભવ્યું હતું. નિર્બળ કે કાયર કશુંય મેળવી શકતા નથી. એટલે જ એમણે કોઈના ય ભયથી ધ્રૂજવાનું ન જાણતા ‘લોખંડી ઇચ્છાશક્તિ’ અને ‘વીરસિંહહૃદય’ની અપેક્ષા રાખતા હતા. તેઓ વારંવાર કહેતા : ‘શક્તિશાળી વીર અનેસિંહમર્દ બનો.’ તેઓ એમ કહેતા કે શારીરિક નિર્બળતા એ આપણા એક તૃતીયાંશ દુ:ખોનું મૂળ છે. એટલે જ તેઓ કહેતા : ‘હું લોખંડી સ્નાયુઓ અને પોલાદી જ્ઞાનતંતુઓ જેમાં વજ્રસમું મન વિરાજે છે એવા નવયુવાનો ઝંખુ છું.’ સ્વામીજીએ આપણા દેશની બધી કરુણાંતિકાઓ માટે આપણા આત્મવિશ્વાસ અને શ્રદ્ધાના ભયંકર અભાવને જવાબદાર ગણ્યાં છે. તેઓ યુવાનોને ભારપૂર્વક કહેતા કે, યુવાને પોતાની જાતને પોતે જ સહાય કરવાની છે અને બીજાની સહાયની અપેક્ષા રાખવાની નથી. તેમણે વિશિષ્ટ શૈલીમાં કહ્યું છે: 

‘મનુષ્યો કરતાં દેવોની સંખ્યા વધારે છે અને છતાં કોઈ સહાય મળતી નથી. આપણે કૂતરાને મોતે મરીએ છીએ! અને છતાં કોઈ સહાય મળતી નથી. સર્વ સ્થળે પાશવતા, દુષ્કાળ, રોગ, દુ:ખ, અનિષ્ટ દેખાય છે! અને સહુ સહાયને માટે પોકારી રહ્યા છે, પણ કોઈ પ્રકારની સહાય આવતી જ નથી. છતાં નિરાશામાં પણ આશા રાખીને સહાય માટે આપણે પોકારી રહ્યા છીએ, અરે, કેવી દુ:ખદ સ્થિતિ! … આ દુર્બળતા સાથે જ આપણે જન્મેલા છીએ; તેનું વધારે અને વધારે પ્રમાણ આપણા મગજમાં ઘુસાડવામાં આવ્યું છે. પણ ક્રમે ક્રમે આપણે એ દુર્બળતામાંથી મુક્ત થઈ શકીએ છીએ… અસહાયતાની લાગણી અનુભવવી એ ભયંકર ભૂલ છે. કોઈની પાસે સહાય માગો નહીં. આપણે જ આપણા પોતાના સહાયક છીએ. આપણે જો આપણી જાતને સહાય ન કરી શકીએ, તો કોઈ બીજું આપણને સહાય કરવાનું નથી. તું સનાતન છો, અમર છો, જન્મરહિત છો, સનાતન આત્મા તું છો, માટે ગુલામ થવું તને છાજતું નથી…… ઊઠ! જાગ! ઊભો થા અને યુદ્ધ કર!’ (સ્વા. વિ. ગ્રં.મા., ભાગ. ૭ : પૃ.૩૫-૩૬)

આ આદર્શવિચારો સ્વામીજીએ સાવ મુંઝાઈ ગયેલા યુવાનોના કાનમાં રેડ્યા. કારણ કે તેઓ જાણતા હતા કે આપણાં પાપ, પીડા, ઝૂલમો, ક્રૂરતા, શોષણ, દમન અને ગુના વગેરેનું મૂળ આપણા એ ભયમાં છે કે જે ભય ‘આત્મા’ની ગરીમાના અજ્ઞાનને કારણે જન્મ્યો હતો. જીવનને ઉલ્લસિત કરી દેતા તત્ત્વજ્ઞાનનું મર્મ કે હાર્દ આ ‘શક્તિ’ શબ્દમાં રહેલું છે. ભારતના યુવાનો તો જ પોતાની અને રાષ્ટ્રની ઉન્નતિ સાધી શકે જો તેઓ સ્વામીજીના આ ‘શક્તિ’ના સંદેશને બરાબર પોતાના કાને ધરે અને તેનું અનુસરણ કરે.

Total Views: 1,334
By Published On: August 21, 2022Categories: Nikhileswarananda Swami2 CommentsTags: , , ,

2 Comments

  1. Shakti Kishorbhai Gohel January 12, 2023 at 3:13 am - Reply

    🙏😇

  2. Kajallodhia January 13, 2023 at 5:35 am - Reply

    🙏સ્વામીજી ના જન્મદિને કોટી કોટી વંદન

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram