(કથામૃત : ૧/૫/૮ : ૨૭ ઓક્ટોબર, ૧૮૮૨)

લોક-શિક્ષા : એક કઠિનકાર્ય

શ્રીઠાકુર કહે છે : ‘‘લોક-શિક્ષા આપવી ઘણી કઠિન છે.’’ જે કોઈ લોક-શિક્ષા આપશે તે ભગવાનના આદેશ મળ્યા પછી જ આપશે અને પછી આ ગુરુ-દાયિત્વનું નિર્વહન કરી શકશે; નહિ તો એની વાતોનો કોઈ પ્રભાવ પડશે નહિ સાથે ને સાથે તેની કોઈ સંગતિ પણ થશે નહિ. જ્યારે આપણે પોતાની સીમિત બુદ્ધિ દ્વારા અસીમને સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે સ્વાભાવિક રૂપે જ આપણી બાબતોમાં વિસંગતિ આવી જાય છે. શ્રીઠાકુર ઉદાહરણ આપતાં સામાધ્યાયીની વાત કહે છે; સામાધ્યાયી વ્યાખ્યાન આપે છે : ‘‘ભગવાન નીરસ છે, તમારે એમને ભક્તિરસમાં ડુબાડીને રસવાન બનાવી લેવા પડશે.’’ જુઓ તો વેદોમાં જેમને રસસ્વરૂપ કહેવામાં આવ્યો છે એમને અહીં ‘નીરસ’ કહેવામાં આવે છે! જ્યારે મનુષ્ય અનુભૂતિવિહોણી વાત કરે છે ત્યારે આ રીતની વિસંગતિ આવે છે. શ્રીઠાકુર ઉપમા આપતાં કહે છે : ‘‘કોઈ જ્યારે એમ કહે કે ‘અમારા મામાના ઘરમાં ગૌશાળા ભરીને ઘોડા છે.’ ’’ તો આ પણ એવી જ એક વિસંગતિ થઈ; આનાથી એ સમજવું પડશે કે ઘોડા તો છે જ નહિ, અને ગાય પણ નથી! આ રીતે જ્યારે આપણે આપણી બુદ્ધિનો આશ્રય લઈને વાત કરીએ છીએ ત્યારે આ પ્રકારની વિસંગતિ જન્મે છે. એક દિવસ બેલુર મઠમાં આવું બન્યું, એક વ્યક્તિ ગીત ગાતો હતો : ‘માઝે માઝે તવ દેખા પાઈ, ચિર દિન કેનો પાઈ ના’ – ‘વચ્ચે વચ્ચે દર્શન કરું હું તારાં, આખો દિવસ કેમ દર્શન ન થતાં તારાં?’ આ ગીત સાંભળીને મહાપુરુષ મહારાજ ઘણા નારાજ થયા. તેઓ બોલ્યા : ‘‘અનુભવવિહોણી કેવળ કાવ્ય રચના કરી છે, એટલા માટે આવી વાત કહે છે. જે વસ્તુનો એક ક્ષણ માત્રનો સ્વાદ જીવનનું પરિવર્તન કરી નાખે છે, એના વિશે કહે છે, ‘વચ્ચે વચ્ચે દર્શન કરું હું તારાં, આખો દિવસ કેમ દર્શન ન થતાં તારાં?’ ’’ આનું કારણ એ છે કે એણે પોતાના જીવનમાં એ સ્વાદ મેળવ્યો જ નથી, એટલા માટે તે એ નથી જાણતો કે તેનું એક ક્ષણ માત્રનું આસ્વાદન જીવનને કેટલું પરિપૂર્ણ બનાવી શકે છે. ‘શ્રીમદ્‌ ભાગવત’માં વર્ણન આવે છે : નારદ પાંચ વર્ષના બાળક હતા. તેમની માતા તેમનું એક માત્ર બંધન હતું. માના મૃત્યુ પછી તેઓ તીવ્ર વૈરાગ્યવાળા બનીને સંસારનો ત્યાગ કરીને જતા હતા. એક સ્થળે એક વૃક્ષ નીચે બેસીને તેઓ ગંભીર ધ્યાનમાં મગ્ન બની ગયા. આવી અવસ્થામાં એમના હૃદયમાં ભગવાનના આવિર્ભાવનો અનુભવ થયો. એમનું અંત:કરણ પરિપૂર્ણ બની ગયું. થોડી વાર પછી ભગવાન તો અંતર્ધાન થઈ ગયા ત્યારે તેઓ વ્યાકુળ બનીને પોતાના અંત:કરણમાં પ્રભુનું પુન:દર્શન થાય એમ ઝંખવા લાગ્યા. એ સમયે એમને દેવવાણી સંભળાઈ: ‘નારદ, તમે જે અનુભવ કર્યો એનાથી તમારું સમગ્ર જીવન પરિપૂર્ણ રહેશે. હવે તમે એમના નામનું ગુણગાન કરતાં કરતાં વિચરણ કરો. એમાં જ તમારા જીવનની સાર્થકતા છે.’ જુઓ, એક ક્ષણના દર્શને એમના સમગ્ર જીવનને પરિપૂર્ણ બનાવી દીધું. આ છે તત્ત્વજ્ઞનો, એક રસિકનો ભાવ. આ કંઈ કવિતા નથી, આ છે અનુભૂતિ. એટલે જ જો કોઈને સાક્ષાત્‌ આદેશ મળ્યો હોય તો એમના દ્વારા લોકોને લોક-શિક્ષા આપવી સંભવ છે, નહિ તો એ સંભવ નથી. મનુષ્ય પોતે પોતાની જાતને કઈ દૃષ્ટિએ જુએ છે અને પોતાનાં કર્મોનું કેવી રીતે મૂલ્યાંકન કરે છે એ પણ લોક-શિક્ષાના કાર્યમાં જોવું પડશે. જો આ લોક-શિક્ષા આપતી વખતે તે અભિમાન ન રાખે અને માત્ર ચર્ચાની દૃષ્ટિએ જ ભગવત્કથાપ્રસંગની ચર્ચા કરે તો એમાં કોઈ દોષ નથી. પરંતુ તે ‘હું ઉપદેશ આપું છું’ એવું અભિમાન કરે કે રાખે તો એ અજ્ઞાનતા સિવાય બીજું કંઈ નથી. 

‘શ્રીમદ્‌ ભાગવત’ માં કહ્યું છે: એક દિવસ શ્રીકૃષ્ણની રાણીઓ પરસ્પર ચર્ચા કરતી હતી કે એમનામાંથી કોણે શ્રીકૃષ્ણમાં ભગવાનનો કયો ગુણ જાયો અને એને કારણે એમના પ્રત્યે તે આકર્ષાયાં.બધાં પોતપોતાના અનુભવની વાત કરવા લાગ્યાં. અહીં એ ધ્યાન રાખવું પડશે કે એમના પરસ્પરના વાર્તાલાપમાં એક સૌંદર્ય છે, એક સ્વાભાવિકતા છે, એમાં અહંકાર નથી. અહંકાર તો ત્યારે જ દેખાય કે જ્યારે તેઓ એમ કહે કે ભગવાન માત્ર આ પ્રકારના છે અને અન્ય પ્રકારના નહિ. તેઓ તો માત્ર એટલું જ બતાવતાં હતાં કે શ્રીકૃષ્ણના કયા ગુણથી તેઓ આકર્ષાયાં હતાં. ભગવાન અનંત છે, એમનામાં અનંત પ્રકારનું વૈચિત્ર્ય છે, એમનામાં અનંત ગુણ છે. આ કોઈ ઉપદેશ દેવાની વાત નથી, આ તો કેવળ પરસ્પર ભાવવિનિમય છે. આમાં કોઈ દોષ નથી. દોષ તો ત્યારે જ જણાય છે જ્યારે કોઈ પોતાના ઉપર ગુરુભાવ લાદીને, અભિમાન સાથે પગ પર પગ ચડાવીને કહે છે : ‘હું કહું છું, તમે સાંભળો.’ 

સંસારીનું કર્તવ્ય

એ પછી એક વ્યક્તિ પ્રશ્ર્ન પૂછે છે : ‘જ્યાં સુધી ઈશ્વરલાભ થતો નથી ત્યાં સુધી શું બધાં કર્મો છોડી દેવાં? એના જવાબમાં શ્રીઠાકુર કહે છે : ‘ના, બધાં કર્મોનો ત્યાગ શા માટે કરશો? એમનું ચિંતન, એમનાં નામગુણગાન, નિત્યકર્મ, આ બધું કરવું પડશે.’ એ એમને મેળવવાનો ઉપાય છે એટલા માટે આ બધું કરવું પડશે. જે કંઈ એને પ્રતિકૂળ છે, તે બધાથી યથાસાધ્ય- જેમ બને તેમ દૂર રહેવું પડશે. આ વાત પર તે બ્રાહ્મભક્તે ફરીથી પૂછ્યું : ‘પરંતુ સંસારનાં કર્મોનું, ધન-સંપત્તિ સંબંધિત કર્મોનું શું થશે?’ શ્રીઠાકુર કહે છે: ‘હા, એ બધું પણ કરવું પડશે-સંસારયાત્રા માટે જેટલી આવશ્યકતા હોય એટલું.’ પરંતુ હા, કર્મમાં એટલી બધી લીનતા ન આવી જાય કે જેથી ભગવાનનું ચિંતન કરવા માટે એક પળ પણ ન બચે. જીવનમાં સાંસારિક કર્મનો પણ એક અંશ છે. એ કર્મો માટે થોડો સમય કાઢી રાખવો પડશે; પરંતુ આપણો સમગ્ર સમય એ ખાઈ ન જાય એ પણ જોવું પડશે. ભગવાનને ભૂલીને કર્મો કરવાનાં નથી પરંતુ એમને પામવા માટે કર્મો કરવાનાં છે. એટલા માટે શ્રીઠાકુરે સંસારી લોકોને કહ્યું છે: ‘એક હાથે ભગવાનને પકડી રાખો અને બીજા હાથે કર્મ કરો.’ આ બધી ઘણી મહત્ત્વની વાતો છે, એટલા માટે એ વાતોની પુનરાવૃત્તિ થવા છતાં પણ એના પર વારંવાર વિચાર કરવો જોઈએ. આપણે મોટે ભાગે સંસારમાં ડૂબેલા રહીએ છીએ. સાંસારિક કાર્યોમાં વ્યસ્ત છીએ. એટલા માટે કેટલીયે વાર એવું લાગે છે કે આ વ્યસ્તતા વચ્ચે ક્યાંક વળી આપણે એમને- પ્રભુને ભૂલી ન જઈએ! મનમાં સંશય ઊભો થાય છે અને સંશયાકુલ મનમાં વારંવાર પ્રશ્ર્ન ઉદ્‌ભવે છે: ‘તો પછી ઉપાય શું છે?’ ઉપાય શું છે એ વિશે તો શ્રીઠાકુર વિભિન્ન પરિવેશોમાં કેટલીયે વાર બતાવી ચૂક્યા છે. એમનામાં ક્યારેય કોઈએ નિરાશાનો ભાવ જોયો નથી. તેઓ તો બધાં માટે નિતાંત આશાવાદી છે. બધાંનું થશે, કેવળ આંતરિકતા-આંતરિક ભાવ જરૂરી છે. જ્યાં સુધી સંસારની જવાબદારી છે ત્યાં સુધી એક હાથે એમને-પ્રભુને પકડીને બીજા હાથે સંસારનું કામકાજ કરો, અને જ્યારે તેઓ તમને એ જવાબદારીમાંથી મુક્તિ આપી દે ત્યારે એમને – પ્રભુને બંને હાથે પકડી લેજો.

દુનિયાનું ભલું કરવું

આજકાલ અનેક લોકો કહે છે કે પહેલાં દુનિયાનું ભલું કરવું પડશે. આ આજના આધુનિક સમાજની મનોવૃત્તિનું પરિણામ છે. આ વિશે શ્રીઠાકુર કહે છે: ‘દુનિયા શું એટલી નાની છે કે તમે એનું ભલું કરશો? જેની આ દુનિયા છે એને માટે જે કરવાનું છે તે તેઓ-પ્રભુ જ કરશે. તમે આટલા બધા બેચેન શું બનો છો?’ થોડો વિચાર કરવાથી તે સમજાય જશે કે હું દુનિયાનું ભલું કરવા માટે જે આટલો બધો બેચેન બન્યો છું એની પાછળ કારણરૂપે સંસારનાં દીનદુ:ખી લોકો પ્રત્યેની આંતરિક સહાનુભૂતિ છે કે બીજું કંઈ છે. અને આ ‘બીજું કંઈ’નું મૂળ જો આપણે શોધીએ તો આપણને જોવા મળશે કે એની પાછળ આપણો છુપાયેલો અહંકાર છે, પ્રતિષ્ઠાપ્રાપ્તિની છૂપી વાસના છે. જો આપણે આ મનોભાવ સાથે કર્મ કરીશું તો તે આપણને આત્મપ્રતિષ્ઠાની પ્રાપ્તિ તરફ ખેંચી જશે અને આપણને વિભ્રાંત કરી મૂકશે. આ કર્મનો દોષ નથી, દોષ તો છે કર્મ કરવાના કૌશલ્યની સહાય ન લેવાનો. અને કૌશલ્ય ભગવાનને પકડીને કર્મ કરવામાં છે, એને લીધે કર્મની ધારા જીવનના ઉદ્દેશને જ વહાવી જતી નથી. શ્રીઠાકુરે શંભુ મલ્લિકને કહ્યું હતું : ‘જો ઈશ્વર સાક્ષાત્‌ દર્શન દે તો તેમની પાસે તમે શું ઘણી શાળાઓ, ઇસ્પિતાલો અને દવાખાનાં જ માગશો?’ આવું એમણે શા માટે કહ્યું? આ બધાં તો સત્કાર્યો છે! સત્કાર્યો તો છે જ પરંતુ ભગવાનના આસ્વાદનને ગૌણ કરી મૂકીને થોડાં ઇસ્પિતાલો – દવાખાનાને મુખ્ય બનાવી દેવું એ સોનાને ફેંકીને કાચથી રમવા જેવું છે. વસ્તુત: ભગવાન જ મુખ્ય છે, તેઓ જ પ્રધાન છે – એના પછી જ બીજું બધું છે. એટલા માટે તેઓ કહે છે, ‘જેવા હો તેવા પણ પહેલાં તો શ્રીમા કાલીનાં દર્શન કરી લો.’ એનું તાત્પર્ય એ છે કે આ જગતમાં આપણે પ્રભુને મેળવવા આવ્યાં છીએ, એમનું આસ્વાદન કરવા આવ્યાં છીએ- આ વાત આપણે ક્યાંક ભૂલી ન જઈએ. ‘કથામૃત’માં આપણને વાંચવા મળે છે કે શ્રીઠાકુરના એક જન્મદિન પ્રસંગે ભવનાથ દક્ષિણેશ્વર ગયા અને ત્યાં થોડી વાર રોકાઈને કોઈ એક સભામાં ભાગ લેવા માટે તેઓ ઊભા થયા. આ સભા શ્રમિકકલ્યાણ વિશેની હતી. શ્રીઠાકુર કહેવા લાગ્યા: ‘અહીં કેટલું હરિનામકીર્તન થશે, કેટલો આનંદ મણાશે, પરંતુ એ બધું તેના નસીબમાં નથી.’ શ્રીઠાકુરને અફસોસ થયો. પરંતુ શા માટે? ભવનાથ તો સારું કાર્ય કરવા જઈ રહ્યો છે. કાર્ય તો સારું હતું પરંતુ આ બાજુએ સામે જ ભગવદ્‌-ભજનનો જે સુઅવસર હતો તેની અવગણના કરીને એક લોકહિતકરકાર્યને મહત્ત્વ આપવું એ શ્રીઠાકુરની દૃષ્ટિએ એક સુર્વણમય અવસરને ગુમાવી દીધા જેવું કાર્ય હતું.

આત્મનો મોક્ષાર્થં જગદ્ધિતાય ચ

સ્વામી વિવેકાનંદે ‘આત્મનો મોક્ષાર્થં જગદ્ધિતાય ચ’નો જે આદર્શ વાક્ય રામકૃષ્ણ મિશન માટે આપી ગયા તેમાં તેમણે પોતે પોતાની મુક્તિની સાધનાની સાથે જગતના હિતને જોડી દીધું. સંન્યાસીઓ સામે પણ એમણે આ જ આદર્શ મૂક્યો. કેટલીક વાર લોકોને મનમાં સંશય જન્મે છે કે જગતનું હિત કરવા જવાથી ક્યાંક આપણા પોતાના મોક્ષમાં વિઘ્ન તો નહિ આવે ને? એક સંન્યાસીએ આ જ વાત હરિ મહારાજ (સ્વામી તુરીયાનંદ)ને લખી હતી. હરિ મહારાજ ત્યાગ વૈરાગ્યનો પ્રચૂર ઉપદેશ આપતા હતા, એટલા માટે પહેલા સંન્યાસીએ વિચાર્યું હતું કે હરિ મહારાજ એનું સમર્થન કરશે. તેણે લખ્યું હતું: ‘હવે હું વધારે કામકાજ નહિ કરું કારણ કે એમ કરવાથી અહંકાર ઉપજે છે એમ હું સમજું છું.’ હરિ મહારાજે એના ઉત્તરમાં લખ્યું: ‘હાથપગ જોડીને બેસી રહેવાથી અહંકાર નહિ આવે તું શું એમ સમજે છે?’ આ વાત આપણે બરાબર સમજી લેવી પડશે કે મનુષ્ય જે ભાવમાં ગઠિત-ઓતપ્રોત છે, તેના મનની વિભિન્ન પ્રકારની વૃત્તિઓ – આ બધાંને સાથે લઈને જ તેણે ભગવાન પ્રતિ જવાની ચેષ્ટા કરવી પડશે. આપણા અંત:કરણમાં વિચાર કરવા માટે જે મનરૂપી યંત્ર છે તેના દ્વારા જેવું પ્રભુનું ચિંતન કરવાનું છે એવી જ રીતે સમસ્ત બાહ્ય ઇન્દ્રિયો દ્વારા એમની સેવા કરવાની રહેશે. સ્વામીજી આ વાત વારંવાર કહેતા હતા કે ભગવાનની સેવાને માત્ર મૂર્તિપૂજા સુધી સિમિત બનાવીને આપણે આટલું સમજવું પડશે કે એમની સેવાની ભાવનાને આપણે સંકુચિત સેવાભાવના બનાવી દીધી છે.

ભાગવતવાણી

આ વિશે ‘શ્રીમદ્‌ ભાગવત’માં ઘણી સુંદર વાત કહેવામાં આવી છે: (૧૧.૨.૪૭)

अर्चायामेव हरये पूजां श्रद्धयेहते ।
न तद्भक्तेषु चान्येषु स भक्तः प्राकृतः स्मृतः ॥

– જે લોકો ભગવાનની મૂર્તિરૂપે જ પૂજા કરે છે, પરંતુ ભગવાનના ભક્તો પ્રત્યે જેમની દૃષ્ટિ નથી રહેતી એમને પ્રાકૃતભક્ત કહેવાય છે; અર્થાત્‌ એમના પર પ્રકૃતિનો પ્રભાવ વધુ છે અને શ્રેષ્ઠ ભક્ત વિશે કહેવામાં આવ્યું છે: (૧૧.૨.૪૫)

सर्वभूतेषु यः पश्येद् भगवद्भावमात्मनः ।
भूतानि भगवत्यात्मन्येष भागवतोत्तमः ॥

– શ્રેષ્ઠ ભક્ત તો તે જ છે જે સર્વપ્રાણીઓમાં પોતાના આત્માને જુએ છે તથા ‘ભૂતાનિ ભગવતિ આત્મનિ’ એટલે કે બધાં પ્રાણીઓમાં તે ભગવાનને નિહાળે છે, જે પ્રભુ એમનો આત્મા જ છે. જેમ એમને આત્મા પ્રિય હોય છે એવી જ રીતે બધાં પ્રાણીઓ પણ પ્રિય છે. પ્રભુ જેવી રીતે પૂજનીય છે, એવી જ રીતે સર્વપ્રાણીઓમાં રહેલા પ્રભુ પણ પૂજનીય છે. એટલા માટે જ ‘જીવદયા’ની વાત શ્રીઠાકુરને પસંદ ન પડી. એને બદલે એમણે કહ્યું: ‘શિવજ્ઞાને જીવસેવા.’ આ સાંભળીને સ્વામીજી બોલી ઊઠ્યા હતા : ‘આજ એક એવો ઉપદેશ મળ્યો છે કે જો ભગવાન મને ક્યારેય અવસર આપે તો હું તેનો સર્વત્ર પ્રચાર કરીશ.’ એટલા જ માટે તો શ્રીઠાકુર જાણે કે એમને સાથે લઈને આવ્યા હતા અને એમને પોતાના હાથના યંત્ર રૂપે તૈયાર કર્યા હતા. એનું પરિણામ એ આવ્યું કે આધ્યાત્મિક જગતમાં એક નવી સાધનાની ભાવધારા પ્રવર્તિત બની. લોકકલ્યાણની વાત તો પહેલાંય પ્રચલિત હતી, પરંતુ બધાં પ્રાણીઓમાં એમની – પ્રભુની સેવાનો ભાવ આ રીતે સ્પષ્ટ રીતે કોઈએ પ્રબોધ્યો ન હતો. જો કે ‘શ્રીમદ્‌ ભાગવત’માં એનો ઉલ્લેખ છે છતાં પણ એવું લાગે છે કે સાધનામય જીવનમાં એનો પ્રયોગ કરવાનો આટલો સુસ્પષ્ટ નિર્દેશ બીજે ક્યાંય પણ જોવા મળતો નથી. એટલા જ માટે શ્રીઠાકુરે કહ્યું છે: ‘ભગવાનની પૂજા જ્યારે વૃક્ષમાં પણ થઈ શકે છે, પથ્થરરૂપે પણ થઈ શકે છે, પ્રતિમામાં પણ થઈ શકે છે તો મનુષ્યમાં શા માટે ન થઈ શકે?’ બધા જીવોની અપેક્ષાએ માનવમાં ભગવાનનો શ્રેષ્ઠ પ્રકાશ છે, કારણ કે આ મનુષ્યની ભીતર જ એમને પ્રાપ્ત કરવાનો, એમની સાથે અભેદભાવનો અનુભવ કરવાનો સુયોગ સાંપડે છે. આ દૃષ્ટિએ જોવાથી મનુષ્યની શ્રેષ્ઠતાનો અસ્વીકાર નથી કરી શકાતો. આ મનુષ્ય એટલો દૂર સુધી આગળ જઈ શકે છે કે ભગવાનની સાથે તે અભેદભાવ અનુભવવા સુધીની અનુભૂતિ કરી શકે છે.

આ દૃષ્ટિએ ઉપનિષદોએ માનવને ઘણું ઊંચું સ્થાન આપ્યું છે. ઉપનિષદોમાં કહ્યું છે: ‘‘यथाऽऽदर्शे तथाऽऽत्मनि यथा स्वप्ने तथा पितृलोके । यथाप्सु परीव ददृशे तथा गंधर्वलोके छायातपयोरिव ब्रह्मलोके ॥’ -(કઠ.ઉપ.-૨.૩.૫)મનુષ્યલોકમાં આત્માને કેવી રીતે જોવામાં આવે છે? જેવી રીતે દર્પણમાં પ્રતિબિંબને જોવામાં આવે છે એવી જાતના નિર્દોષ-નિર્મળરૂપે. પિતૃલોકમાં સ્વપ્નમાં જોયેલી વસ્તુની જેમ એને નિરખવામાં આવે છે. ગંધર્વલોકમાં જળમાં પડનારા પ્રતિબિંબની જેમ તેનો અનુભવ થાય છે. કેવળ બ્રહ્મલોકમાં એનો સ્પષ્ટરૂપે અનુભવ થાય છે; જેવી રીતે અંધકાર અને પ્રકાશ પૃથક્‌ પૃથક્‌ છે, તેવી રીતે આત્મા પણ ત્યાં અનાત્માથી જુદો જોવા મળે છે.

માનવજન્મ અને આત્મજ્ઞાન

બ્રહ્મલોક એ સ્થાન છે જ્યાં મનુષ્યની શુદ્ધતા દેવતાની શુદ્ધતાને પણ વટાવી જાય છે. બ્રહ્મલોક માટે આ જ તુલના છે. એથી આ વાત સમજાશે કે મનુષ્ય-લોકનું સ્થાન કેટલું ઊંચું છે તેમજ આ મનુષ્યની ભીતર એમનો – પ્રભુનો પ્રકાશ કેટલો સ્પષ્ટ હોય છે. અત: મનુષ્યમાં એમની પૂજા ન કરતાં, જ્યાં એમનો પ્રકાશ અલ્પપ્રમાણમાં છે માત્ર તેવાં રૂપની તેમની પૂજા કરવાથી આપણી પૂજા અપૂર્ણ રહી જાય છે. એટલા માટે સર્વત્ર એમની પૂજા કરવાની દૃષ્ટિ સાથે આપણે કામ કરવાં જોઈએ. જ્યારે પણ આપણે કોઈની સેવા કરીશું ત્યારે એમની સેવા કરવાનું આપણને સૌભાગ્ય મળ્યું એટલા માટે એમની સેવા કરી શકીએ છીએ એમ સમજીને સેવા કરવી જોઈએ. સેવ્યને જાણે કે આપણે આપણાથી ઊંચા આસન પર બેસાડીએ અને આપણી જાતને એમના સેવક ગણીએ; ત્યારે જ આપણાં કાર્યો ક્ષતિહીન બનશે, અને ત્યારે મન ભગવાનથી દૂર જશે નહિ અને કર્મ આપણા માટે બંધનનું કારણ ન બનતાં બંધનમુક્તિનો ઉપાય બની જશે.

(ક્રમશ:)

Total Views: 140

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.