રામકૃષ્ણ મઠ-મિશનના નવમા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્‌ સ્વામી માધવાનંદજી મહારાજની ‘વેદાંત કેસરી’ માર્ચ-૧૯૬૬માં મૂળઅંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલ પ્રશ્નોત્તરીનો શ્રી પી.એમ. વૈષ્ણવે કરેલો ગુજરાતી અનુવાદ ભાવિકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. – સં.

પ્રશ્ન : આપણે વ્યવહારુ કાર્યમાં વ્યસ્ત હોવા છતાં આપણાં આધ્યાત્મિક જીવનમાં કેવી રીતે પ્રગતિ કરી શકીએ?

ઉત્તર : પ્રભુ માટેની તીવ્ર આતુરતાથી. તમે ગંભીરતાથી ઈશ્વરને પ્રાપ્ત કરવા માગતા હો તો તમારામાં તેને માટેનો તીવ્ર પુકાર હોવો જોઈએ. કેટલીક વાર આપણે કહેતા હોઈએ છીએ કે અમે તો પ્રભુને ચાહીએ છીએ, પરંતુ વાસ્તવમાં તેમ હોતું નથી. તેમ હોય તો પણ આપણે પ્રભુને પ્રાર્થના કરવી જોઈએ. પ્રભુપ્રાપ્તિની તીવ્ર ઇચ્છાથી પ્રાર્થના થાય તો, તે પોતે જ તેને પૂરી કરશે. તમે જો સંનિષ્ઠ હશો તો, ઈશ્વર પ્રાર્થના સાંભળે જ. શ્રીરામકૃષ્ણદેવ કહેતા, ‘પ્રાર્થના કરવી જોઈએ અને તે પણ સાચી નિષ્ઠાથી.’ ભક્તિમાં સહૃદયતા, નિખાલસતા જોઈએ. તમે સાચો સાચ સહૃદયી હશો તો પ્રભુએ તમારી પ્રાર્થના સાંભળવી જ પડશે.

પ્રશ્ન : હું જ્યારે કોઈ પવિત્ર જગ્યાએ જાઉં કે પવિત્ર પુરુષો સાથે સત્સંગ કરું ત્યારે મને ધર્મભાવ થાય છે. પરંતુ પછી તે ઊડી જાય છે અને હું પાછો દુન્યવી માણસ બની જાઉં છું. આમ કેમ?

ઉત્તર : ખરેખર તો પવિત્ર જગ્યામાં તમે જે વાતાવરણમાં હો, તે તમે ગમે ત્યાં જાઓ પણ તમારી સાથે જવું જોઈએ. આપણું મન ભક્તિથી સભર રહેવું જોઈએ. મનનો એક ભાગ ઈશ્વરના વિચારમાં ડૂબેલો રહેવો જોઈએ. ઈશ્વર માટેની તીવ્ર અભિપ્સા હોવી જોઈએ. આપણી મુશ્કેલી એ છે કે આપણું મન દુન્યવી કર્તવ્યોમાં વ્યસ્ત થઈ જાય છે. પરંતુ તમે ભગવાનને હૃદયપૂર્વક ચાહતા હો તો તેમનું દર્શન સતત નજર સમક્ષ રહેવું જોઈએ. આપણને અંદરથી ભાન રહેવું જોઈએ કે આપણે પ્રભુના ભક્ત છીએ. ઈશ્વરનાં દર્શનનો વિચાર આપણી નજર સમક્ષ તેજસ્વીપણે રહેવો જોઈએ. આપણા મનના એક ભાગને પ્રભુના નિદિધ્યાસનમાં મગ્ન રાખવો જોઈએ. તો બધું સરળ થઈ જશે. આપણી સમક્ષ ઈશ્વરદર્શન સતત રહેતું નથી કેમ કે તે આદર્શ પ્રત્યેની આપણી નિષ્ઠા પૂરતી ઊંડાણપૂર્વકની નથી. આપણે સામાન્ય અરીસા જેવા છીએ. તેમાં પ્રતિબિંબ તો દેખાય છે, પણ ટકી રહેતું નથી. ઈશ્વર પ્રત્યેના તીવ્ર અનુરાગ અને સાક્ષાત્કાર માટેના સંનિષ્ઠ પ્રયાસ દ્વારા તે બની શકે. તમે ભક્ત છો, એ બાબત તમારાં કર્મો દ્વારા પ્રતિબિંબિત થવી જોઈએ. આધ્યાત્મિક સત્ય અંગે એક વખત શ્રીરામકૃષ્ણદેવે શ્રીમ.ને (‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ના લેખકને) કહેલું. તેના જવાબમાં શ્રીમ. એ કહેલું, ‘હા, હું તે જાણું છું.’ શ્રીરામકૃષ્ણે કહ્યું: ‘પરંતુ તમારે તેને આત્મસાત્‌ કરવાનું છે કે જેથી તમારા જીવનનું રૂપાંતર થઈ જાય.’

પ્રશ્ન : ઈશ્વરની કૃપા એટલે શું? એ કૃપા કેવી રીતે પ્રાપ્ત કરી શકાય?

ઉત્તર : પ્રથમ તો તમારા પક્ષે તમે સાધનાનું કાર્ય કરો અને પછી ઈશ્વરની કૃપાનો વિચાર કરો. એ તો તમે સાદ પાડો ત્યારે આવે જ છે. જેમ પાણીમાં ડૂબતો માણસ થોડીક પણ હવા મેળવવા તડફડે છે તેમ, ઈશ્વર જોવા માગે છે કે ભક્ત તેને પ્રાપ્ત કરવા કેટલો વ્યાકૂળ છે. તમે ઈશ્વરને ચાહો અને તેના તરફ એક પગલું ભરો, તો તે તમારા તરફ દશ ડગલાં ભરશે. તેથી એમાં વધુ સમય લાગતો નથી. તે તો એટલું જ જુએ છે કે પોતે કોઈ અયોગ્ય વ્યક્તિ પાસે પોતાને પ્રગટ ન કરે. આપણા આચરણ દ્વારા આપણે બતાવી આપવાનું છે કે આપણે ઈશ્વરને ખરેખરા ઝંખીએ છીએ.

પ્રશ્ન : અમે ધ્યાન કરવા બેસીએ કે તુરત જ મન ઠેકઠેકાણે ભમવા લાગે છે. તેનો ઈલાજ શો?

ઉત્તર : આ મુશ્કેલી બધાને પડે છે. ધ્યાન કરવું એ ખરેખર મુશ્કેલ કાર્ય છે. પ્રભુનું નામ સ્મરણ એટલે કે જપ એ વધારે સરળ છે. મન જ્યારે જ્યારે ભટકે ત્યારે ત્યારે તેને વારંવાર ધ્યાનમાં પરોવવું પડે છે. શરૂઆતમાં મન ભલે ભટકે, તમે માત્ર તેને જોતા રહો. પછીથી તે કાબૂમાં આવી જશે. પરંતુ આ કામ પૂરેપૂરું થતાં આખું જીવન પણ વીતી જાય, અથવા તેમ કરવા અનેક જન્મોની જરૂર પડે. પરંતુ ડગો નહિ. સમગ્ર જીવન કે અનેક જીવનોનો ભોગ આપવાની તૈયારી રાખો. પ્રભુના સાક્ષાત્કાર સમાન અન્ય કોઈ સંપત્તિ નથી. તેથી ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી પરિશ્રમ કર્યે જ રાખો.

પ્રશ્ન : શું દીક્ષા લેવી જરૂરી છે? તેનાથી માણસને સહાય મળે છે?

ઉત્તર : હા, જરૂર. પોતાને જે મંત્ર આપવામાં આવે તેમાં શ્રદ્ધા હોય અને ઈશ્વરની સર્વશક્તિમત્તામાં માણસ માનતો હોય તો. આવા દૃઢ વિશ્વાસથી તમે આગળ વધો તો તમને જરૂર શાંતિ પ્રાપ્ત થશે.

ધ્યાનની સાથે સાથે જપ પણ કરો. આપણે જ્યારે આપણા ઈષ્ટદેવનું નામ જપીએ છીએ ત્યારે તેમનું એક ચિત્ર આપણાં મન:ચક્ષુ સમક્ષ ખડું થાય છે. ધ્યાનનો આ મુખ્ય પદાર્થ છે. આ ચિત્ર વધુ ને વધુ તેજસ્વી થતું જશે. ઊંડાં ધ્યાનમાંથી બહાર આવ્યા પછી, આપણે પ્રકુલ્લિત થઈ જઈએ છીએ. કેટલાકની વૃત્તિઓ અત્યંત બહિર્મુખી હોય છે, અને તેથી તેમને રાહ જોવી પડે છે.

પ્રશ્ન : ચાર પ્રકારના યોગ – તે શું છે?

ઉત્તર : રાજયોગને સિદ્ધ કરેલ વ્યક્તિની સીધી દેખરેખ સિવાય રાજયોગનો અભ્યાસ કદિ શરૂ ન કરવો. જેમને ઈશ્વરમાં શ્રદ્ધા છે, તેમને માટે ભક્તિયોગ વધુ સરળ છે. જ્ઞાનયોગ ખૂબ મુશ્કેલ છે. કર્મયોગ એટલે કર્મને ખાતર જ કર્મ કરવાં – સ્વાર્થરહિત કર્મ. જેમને ઈશ્વરમાં શ્રદ્ધા ન હોય તેમને માટે કર્મયોગ સૌથી વધુ અનુકૂળ છે.

પ્રશ્ન : લાગણીપ્રધાન કે સંવેદનશીલ હોવું એ સારું છે કે ખરાબ?

ઉત્તર : લાગણીપ્રધાનપણું એટલે લાગણીઓની અતિશય અભિવ્યક્તિ. તેને કાબૂમાં રાખવી જોઈએ. લાગણી પોતે ખરાબ નથી. તે પણ મનનો જ એક ભાગ છે. પરંતુ તેની અતિશયતા સારી નથી.

શ્રીરામકૃષ્ણ આ અંગે જે દૃષ્ટાંત આપતા હતા તે બહુ અસરકારક છે. દૂધ થોડું હોય, તેને વારંવાર ઉકાળ્યા કરો, તો પછી અંતે તપેલામાં કંઈ રહેશે જ નહિ.

પ્રશ્ન : ભક્તિ પ્રાપ્ત કરવા પૂજા-પાઠ વગેરે શું જરૂરી છે?

ઉત્તર : તે ભક્તિનો જ એક ભાગ છે. તે ન હોય તો માણસમાં ભક્તિ જ નથી તેમ નક્કી થાય.

પ્રશ્ન : કેટલાંક પુરાણો કહે છે કે અમુક દેવ જ પરમોચ્ચ છે, જ્યારે બીજાં પુરાણો બીજા દેવ વિશે તેમ કહે છે. તો આમાં સાચું શું?

ઉત્તર : ઈશ્વરની કઈ બાજુ તરફ ભક્તની ભક્તિ છે, તેના પર તે આધાર રાખે છે. ઈશ્વર તો એક જ છે. જુદા જુદા ભક્તોના સ્વભાવ અને શક્તિ પ્રમાણે તે જુદે જુદે રૂપે દેખાય છે. પુરાણો આવા ભિન્ન ભિન્ન રુચિ ધરાવતા ભક્તો માટે છે.

Total Views: 16
By Published On: August 23, 2022Categories: Madhvananda Swami0 CommentsTags: ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram