ભૂમિકા

એ ભારતીય પુનર્જાગરણનો ઉષ:કાળ હતો. વિદેશી પ્રભુત્વનો બારસો વરસનો અંધકાર ઝળુંબી રહ્યો હતો. એક બાજુ હિન્દુધર્મને કેવળ વહેમ અને મૂર્તિપૂજક તરીકે જોનારો આધુનિક ભારતીય જનસમૂહ પશ્ચિમી જીવનરીતિ, પોષાક અને કેળવણીમાં ગૌરવનો અનુભવ કરતો હતો, તો બીજી તરફ રૂઢિવાદી હિન્દુઓ શાક્તો, વૈષ્ણવો કે શૈવો પોતાની અંદરોઅંદરની લડાઈ ચાલુ રાખી રહ્યા હતા; તે એટલે સુધી કે તેંગલાઈ અને વડગલાઈનાં હિન્દુ મંદિરોમાં હાથીઓ ઉપર કઈ નિશાની મૂકવી જોઈએ તે બાબતનો ઝઘડો ઠેઠ ઈંગ્લેન્ડની પ્રીવી કાઉન્સીલ સુધી પહોંચ્યો હતો. નાતજાતના ભેદભાવો અને વિશેષ અધિકારોએ હિન્દુ સમાજના ઉચ્ચ બ્રાહ્મણ અને હલકી જ્ઞાતિ કે અસ્પૃશ્ય લોકો એવા બે ભાગલા પાડી નાખ્યા હતા. નિરક્ષર લોકોનું શોષણ કૂદકે અને ભૂસકે વધી રહ્યું હતું અને કેટલીક વાર એ ભયંકર સ્વરૂપ પકડી રહ્યું હતું; નવા સમાજસુધારકો યા તો થિયોસોફીના ‘કુથુમી’ કે ‘મોરિયા’ જેવા કાલ્પનિક મહાત્માઓ દ્વારા અથવા તો પશ્ચિમના રવિવારીય ચર્ચની છાયાવાળા ઉપનિષદોના અર્થો દ્વારા બ્રાહ્મોસમાજના પગારદાર ઉપદેશકો મારફત હિન્દુ ધર્મને બચાવવા માટે સખત પરિશ્રમ કરી રહ્યા હતા. સમાજસુધારકોએ તત્કાલીન હિન્દુ સમાજનાં સામાજિક અનિષ્ટો નિવારવા પ્રયત્નો કર્યા હતા. રાજારામમોહન રાય, દયાનંદ સરસ્વતી, દેવેન્દ્રનાથ ટાગોર અને કેશવ સેન જેવા મહાન નેતાઓ જન્મ્યા. એમણે શિક્ષિત બુદ્ધિજીવીઓને શિષ્ટ હિન્દુધર્મ તરફ આકર્ષ્યા. આ ઐતિહાસિક ક્ષણે શ્રીરામકૃષ્ણનો પ્રાદુર્ભાવ થયો. તેમનું ઝળહળતું આધ્યાત્મિક પરિમાણ અન્યને તિરસ્કારવાને બદલે સાથે જોડતું હતું, સૌને સ્વીકારતું હતું, તેમની સર્વાશ્લેષી સાધના વડે બધા ઝઘડતા હિન્દુ સંપ્રદાયો અને રૂપાન્તરિત થતા બ્રાહ્મો બુદ્ધિજીવીઓ, આસ્તિકો અને નાસ્તિકો બધામાં એક પૂર્તિ થઈ અને પ્રકાશ પથરાયો. તેમના વૈશ્વિક, વિશાળ પરિપ્રેક્ષ્યયુક્ત બૌદ્ધિક વેદાંતી હિન્દુ ધર્મના સીધા સાક્ષાત્કાર દ્વારા સર્વમાં સમન્વય સધાયો અને સૂફી ઈસ્લામ અને ખ્રિસ્તીધર્મ પણ એમાં સમન્વિત થઈ રહ્યા! શ્રીરામકૃષ્ણનું જીવન રાષ્ટ્રિય પુનર્જન્મરૂપ બન્યું. એમણે ભારતને અને ડૂબતા હિન્દુધર્મને નવી આશા, નવો ઉત્સાહ અને ભૌતિકવાદી પશ્ચિમ પર વિજય મેળવવા નવું બળ આપ્યું અને ભારતની જનતા અને મહિલાઓને વ્યાવહારિક વેદાંત બતાવી જાગ્રત કર્યા.

આ નવા ઉત્સાહે રાષ્ટ્રભાવનાનો એક શક્તિશાળી ઊભરો ઉત્પન્ન કર્યો. એણે જ ભારતને સ્વાતંત્ર્ય અપાવ્યું અને ભારતને વિશ્વના અગ્રણી થવાની પ્રેરણા આપી. વિશ્વવિજયના સ્વપ્ન સાથે ભારતીય પુનર્જાગરણના આ અભિનવ ઉષ:કાળે મહત્તમ શક્તિરૂપે શ્રીરામકૃષ્ણનો આવિર્ભાવ થયો.

શ્રીરામકૃષ્ણ : દિવ્ય શિશુ

બંગાળના કામારપુકુર નામના ગામડામાં, ૧૮૩૬ની સાલમાં, ક્ષુદિરામ ચેટરજી નામના પવિત્ર બ્રાહ્મણ અને સરળહૃદયી પવિત્ર મહિલા ચન્દ્રામણિના પુત્રરૂપે શ્રીરામકૃષ્ણનો જન્મ થયો. શ્રીરામકૃષ્ણ એમનું કૌટુમ્બિક નામ હતું. કેટલાકના કહેવા પ્રમાણે આ નામ એમના ગુરુએ આપ્યું હતું. ગયામાં ક્ષુદિરામને એક એવું દર્શન થયું હતું કે ભગવાન વિષ્ણુએ એને સ્વપ્નમાં દેખા દીધી અને કહ્યું કે ‘તે’ તેમને ત્યાં પુત્ર તરીકે અવતરવા ઇચ્છે છે. એક સ્થાનીય શિવાલયમાંથી પ્રકાશપુંજ ચન્દ્રામણિના શરીરમાં પ્રવેશી ગયો અને તરત જ તેને ગર્ભ રહ્યો. બાળકના જન્મ પહેલાં ચન્દ્રામણિએ દિવ્ય અનુભૂતિઓની હારમાળા નિહાળી. એક રાતે સ્વપ્નમાં તેમણે એક ભવ્ય સુંદર બાળકને પોતાના ખોળામાં આળોટતો અને ડોકે વળગતો જોયો. તો વળી, બીજે દિવસે તેમણે પોતાના ઓરડામાં વીજળી જેવો પ્રકાશપુંજ અને ચંદનની સુગંધથી આખું ઘર ભરાઈ ગયું હોય એવું અનુભવ્યું અથવા કોઈક વાર બધે જાણે વનકમળોની સૌરભ ફેલાઈ જતી. ત્યાર પછીની વસંતઋતુમાં બાળકનો જન્મ થયો. તેનું નામ ગદાધર રાખવામાં આવ્યું. એ વિષ્ણુનું એક નામ છે અને સામાન્યજનમાં એ ગદાઈ તરીકે જાણીતો થયો.

બાળપણથી જ એક અનોખી દિવ્યતા બાળકમાં છાઈ રહી, અને લોકો ચુંબકની પેઠે તેના તરફ આકર્ષાવા લાગ્યા. કામારપુકુરનો સ્ત્રીસમૂહ તો આ દિવ્ય બાળક તરફ ખાસ ખેંચાયો. કારણ કે ગીતો ગાતી વખતે કે નાચતી વખતે તે કૃષ્ણ અને રાધાનો ભાવ પ્રકટ કરતો. બાળકને ખવરાવવા-પિવરાવવામાં તેઓ એક બીજીની હરિફાઈ કરતી. ગામની પરિણીત બહેનો કામારપુકુરના પોતાના હૈયાના હાર સમા આ બાળક ગદાઈને છોડીને પોતાને સાસરિયે કે બીજે ક્યાંય જવાની ના પાડતી. ભાગવત કૃષ્ણને ‘आत्मारामगुणाकर्षी’ તરીકે વર્ણવે છે. જેનો આનંદ આત્માની ભીતર જ છે. અને જે સમગ્ર માનવ જાતને પોતા તરફ આકર્ષે છે – એવું ગદાઈનું હતું. જિસસ કહે છે : ‘અને જો મને ઉપર ખેંચવામાં આવશે તો હું બધા માણસોને ત્યાં ખેંચી જઈશ.’ ગામનો એક તદ્દન ગણતરીબાજ વેપારી ધર્મદાસ લાહા રૂપિયા ગણવામાં જ ડૂબ્યો રહેતો, પણ જ્યાં ગદાઈ ગાતો હોય કે નાચતો હોય કે એની દુકાન પાસેથી પસાર થતો હોય તે તરત જ નામુંઠામું અને વેપારને છોડીને એનું મન ખેંચાઈ જતું. જ્યારે ગદાઈને શાળાએ મોકલવામાં આવ્યો, ત્યારે તેણે નૃત્યથી અને દેવદેવીઓનાં ગીતોથી શિક્ષક અને વિદ્યાર્થીઓને આકર્ષી લઈ આનંદ આપ્યો. ત્યાં તેને પોતાનું નામ લખતાં અને ગણિતનું પહેલું પગથિયું સરવાળો કરતાં શીખવાડી શક્યા. પણ બીજું બાદબાકીનું પગથિયું શીખવવામાં તેઓ નિષ્ફળ નીવડ્યા. ગદાઈને બાદ કરવાનું આવડતું જ ન હતું. શ્રીરામકૃષ્ણનાં જીવનમાં કશું નિષેધાત્મક ન હતું.

બાળવયમાં પણ શ્રીરામકૃષ્ણ ક્યાંય શીખ્યા વગર એકદમ બધાં જ યોગાસનો કરી બતાવવા. તાલીમ પામેલ યોગીને પણ એવાં આસનો કરવા માટે વર્ષો લાગતાં. એકવાર કામારપુકુર ગામમાં એક કાર્યક્રમ તરીકે આયોજિત વિખ્યાત પંડિતોની વાદવિવાદની સભામાં આ બાળક જઈ ચડ્યો. અને બાળકે સભામાં એકે અને બધાએ પૂછેલા બધા જ પ્રશ્નોના પ્રજ્ઞાથી યુક્ત જવાબો આપીને બધા જ પંડિતોને સ્તબ્ધ કરી દીધા. ગામના લોકો તો ચક્તિ થઈ ગયા કે આવડો બાળક આવા બધાં ધર્મનાં અને તત્ત્વજ્ઞાનનાં રહસ્યોને કેવી રીતે જાણી શક્યો? અને તેઓએ આવી ઘટનાઓની નોંધ કરી રાખી. પછીથી જન્મજાત કલાકાર શ્રીરામકૃષ્ણે દક્ષિણેશ્વરના કાલી મંદિરના સ્થાપક રાણી રાસમણિને અને મથુરને જોનારના મનમાં એકાએક ભક્તિભાવ ઉત્પન્ન કરી દે તેવી શિવમૂર્તિ બનાવીને આશ્ચર્યચક્તિ કરી દીધાં હતાં.

બાળપણથી જ ગદાઈ મહાભાવ નામે ઓળખાતા દિવ્ય ગુણને આશ્ચર્યજનક રીતે પ્રગટ કરતો. તે જેને માટે ગાતો કે જેનો વિચાર કરતો તેવાં દેવદેવીઓના મિજાજને પ્રકટ કરતો રહેતો. એક શિવરાત્રિની રાતે ગામના લોકોએ બાળક ગદાઈનાં ચરણોમાં બિલ્લીપત્રો અને ફૂલો ધર્યાં. એ વખતે એનું શિવરૂપમાં રૂપાન્તર થયું હતું. એ વખતે એ શિવનો પાઠ નાટકમાં ભજવી રહ્યો હતો. આવો શિવભાવ એને એ પછીના ત્રણ દિવસ સુધી રહ્યો!

પછીના જીવનમાં આ મહાભાવ અથવા દિવ્યતત્ત્વો સાથે એનો પૂર્ણ એકીભાવ વારંવાર તેમનામાં પ્રકટ થતો રહેતો. દક્ષિણેશ્વરના વનોદ્યાનમાં શ્રીરામકૃષ્ણને સીતાનું દર્શન થયું. એના મુખ પર હાસ્ય હતું. પણ તેના જીવનભરનાં દુ:ખો સહન કરવાને કારણે તેના ઉપર ઉદાસીનતાની છાયા હતી. એ સીતા શ્રીરામકૃષ્ણના શરીરમાં સમાઈ ગયાં. અને ત્યારથી શ્રીરામકૃષ્ણના હાસ્યમાં સીતાની દિવ્ય ઉદાસીનતા આવી હતી, તેવું તેમણે પોતે કબૂલ કર્યું હતું. જ્યારે શ્રીરામકૃષ્ણ સંપૂર્ણ રીતે હનુમાનના વિચારોમાં એકીભૂત થઈ ગયા હતા તે દિવસોમાં તેઓ વૃક્ષો પર રહેતા અને વાનરની પેઠે મોઢેથી ગંગાજળ પીતા. તે દિવસોમાં પૂંછડારૂપે તેમની પાછળના ભાગમાં માંસનો એક લોચો પણ નીકળી આવ્યો હતો. રામના વિશ્વાસુ ભાઈ ભરતના વિચારમાં ડૂબેલા શ્રીરામકૃષ્ણ ભરતની પેઠે જ મંદિરમાં રાખેલી રામની ચાખડીઓ માથા પર લઈને ચાલતા. જ્યારે તેઓ માતા કૌશલ્યાના વિચારમાં તલ્લીન થતા, ત્યારે તેઓ બાળ રામલાલાની પથ્થરની મૂર્તિ વારંવાર પોતાની સાથે રાખ્યા કરતા, એની સાથે ચાલતા, ખાતા, પીતા અને નહાતા પણ ખરા. આ પથ્થરમૂર્તિ સાથેનું તેમનું વર્તન જોઈને તે સમયના કાલીમંદિરના પૂજારી એમના પિતરાઈ ભાઈ હલધારીને શ્રીરામકૃષ્ણમાં ગાંડપણની શંકા થઈ. રાધાનું ચિંતન કરતાં એમને પ્રથમ રાધાનું દર્શન થયું. રાધા પાસે એમણે કૃષ્ણદર્શન કરાવવાની પ્રાર્થના કરી અને તરત જ એમને દિવ્યભાવમાં મગ્ન કૃષ્ણનાં દર્શન થયાં. પછી દક્ષિણેશ્વરમાં એમને એવી અનુભૂતિ થઈ કે રામ, લક્ષ્મણ અને સીતા વનવાસ માટે જઈ રહ્યાં છે. 

દક્ષિણેશ્વરનું કાલીમંદિર

બધાં જ દેવ-દેવીઓની સંવાદિતાની સાધનાની શ્રીરામકૃષ્ણ માટે અનુકૂળ પશ્ચાદ્‌ભૂમિકા ગંગાતટે નિર્મિત બાર શિવમંદિરો અને એક વિષ્ણુ મંદિર સાથેનું દક્ષિણેશ્વરનું કાલીમંદિર હતું. એનું સૌથી મોટું આકર્ષણ કાલીમાતા અને એનું ગગનચુંબી મંદિર છે. શ્યામા કાલીમાતા શિવના શરીર ઉપર ઊભાં છે. શિવ વિશુદ્ધ ચેતનાનું પ્રતીક છે. અને કાલી ચેતનાના ગતિશીલ સ્વરૂપનું પ્રતિનિધિત્વ કરે છે. હાથમાં કાપી નાખેલા રાક્ષસનું માથું રાખીને દુષ્ટતા પર વિજયી થયેલાં કાલી માતા ઊભાં છે. એમનાં કાંડાઓ ઉપર મનુષ્યના કાપેલા હાથોની સાંકળો પહેરી છે. આ પ્રતીક એવું કહે છે કે માતા આપણાં સંચિત થયેલાં કર્મોનો નાશ કરી શકે છે. તેની લાંબી બહાર કાઢેલી જીભ આપણા રજોગુણનો-કામ કરવાની તીવ્રતાનો-નાશ કરે છે અને તેમના સફેદ હાસ્યમય દાંતોનું પ્રતીક, આધ્યાત્મિક પ્રકાશના આનંદને જીવનમાં આણવાનું સૂચન કરે છે, પચાસ માનવખોપરીઓથી બનેલો તેમનો હાર આખી વર્ણમાલાનું પ્રતિનિધિત્વ કરે છે અથવા તો સમસ્ત વિશ્વના જ્ઞાનનું સૂચન કરે છે. તે કાલી-મહાકાલી માતા, જ્યાં દેશ અને કાળ નષ્ટ થઈ જાય છે, એવાં ‘બ્લેક હોલ’ના અન્ધતમસ્‌માં સમગ્ર સૃષ્ટિનો સંહાર કરે છે.

જૂના જમાનામાં શ્યામા કાલી ‘કાલીયા’ અથવા ‘ક્રોનિયા’ કહેવાતી. કારણ કે તે પોતાના પતિ ‘કાલ’નો (ક્રોનોસનો) નાશ કરે છે. આયર્લેન્ડમાં તે ‘કેલિઓક’ કહેવાતી, એણે ઘણા વંશો સ્થાપ્યા અને ઘણા પતિઓ જાળવી રાખ્યા. આ પતિઓ સ્ત્રીની સર્જનશક્તિની તીવ્રતાનું પ્રતીક છે. સ્પેનના ખ્રિસ્તી સંપ્રદાયમાં એને ‘ડાર્ક મેડોના’ કહેવામાં આવતી. સર્જન અને વિસર્જનનું એ પ્રતીક હતી. કાલીપૂજાની ભૂમિ બંગાળે તો કમલાકાન્ત, રામપ્રસાદ અને અન્ય અનેક રહસ્યવાદી માતૃસાક્ષાત્કારી અને માતાના કૃપા પ્રાપ્ત કવિઓનાં હૈયાં હચમચાવનારાં ગીતો દ્વારા આ કાલીમાતાને ક્યારના ય અમર બનાવી દીધાં છે. એક દિવસ દક્ષિણેશ્વરના આ કાલીમંદિરે યુવાન ગદાધર જઈ ચડ્યા. એમના મનમાં પૈસા કમાવી આપતી પૂજારીની નોકરી કરવાનો જરાય ખ્યાલ ન હતો. પણ આ દિવ્ય લોકોત્તર યુવાન ગદાઈને માતાની પૂજા કરવા માટે કોઈક રીતે આ ભવ્ય મંદિર અને એનું વાતાવરણ રાજી કરી શક્યું.

(ક્રમશ:)

સંદર્ભ : 

(૧) શ્રીરામકૃષ્ણ પૂંથી-અક્ષયકુમાર સેન, (શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્‌ શિષ્ય) ઉદ્‌બોધન, કોલકાતા, ૩ જૂન,૧૯૮૫, પૃ.૭, 

(૨) એજન, પૃ.૩, 

(૩) એજન, પૃ.૩૦, 

(૪) એજન, પૃ.૭, 

(૫) એજન, પૃ.૩૪, 

(૬) એજન, પૃ.૨૨,૩૪, 

(૭) એજન, પૃ.૯૦,૯૨,૯૪, 

(૮) એલિઝાબેથ યુ. હાર્ડિંગ : કાલી : ધ બ્લેક ગોડેસ ઓફ દક્ષિણેશ્વર (મોતીલાલ બનારસીદાસ, દિલ્હી, ૧૯૯૮) પૃ.૫૩-૫૪, 

(૯) એજન, પૃ.૬૪-૬૭.

Total Views: 90

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.