આપણે થોડાએક શિષ્યોની જરૂર છે, અગ્નિ જેવા તેજસ્વી યુવકોની, સમજ્યા? બુદ્ધિશાળી અને બહાદુર, જેઓ મોતના મોંમાં સુધ્ધાં જવા તૈયાર હોય, અને સમુદ્રને પણ તરી જવાની હિંમત દાખવે. મારું કહેવું સમજો છો? આવા સેંકડોની, સ્ત્રીઓ અને પુરુષો બન્નેની, આપણને જરૂર છે. કેવળ એ ધ્યેય માટે જ તમારાથી બનતું બધું કરો. ગમે ત્યાંથી શિષ્યો બનાવો અને તેમને આપણા પવિત્રતા ઘડનારા યંત્રમાં મૂકી દો.

ચારિત્ર્ય ઘડો એટલે પછી હું તમારી પાસે આવીશ, સમજ્યા?… ગમે તે ભોગે આપણે શિષ્યો જોઈએ છે. જાઓ લોકોને સમજાવો અને તમે પણ ખરા દિલથી પ્રયત્ન કરો. પણ ધ્યાન રાખજો કે ગૃહસ્થાશ્રમી ચેલા નથી જોઈતા, આપણે તો સંન્યાસીઓ જોઈએ… કેળવાયેલા યુવકો લેજો, બેવકૂફો નહિ. ત્યારે તમે વીર કહેવાઓ. આપણે હલચલ મચાવવી જોઈએ. તમારો નિષ્ક્રિય સ્વભાવ છોડો, કમર કસો અને ઊઠો… દરેક સ્થળે કેન્દ્રો શરૂ કરો અને શિષ્યો બનાવતા જાઓ… પછી હું તમારી પાસે આવીશ. એક વિશાળ આધ્યાત્મિકતાનું મોજું આવી રહ્યું છે; શ્રીરામકૃષ્ણની ઇચ્છાથી જે નીચ છે તે ઉચ્ચ બનશે અને જે અજ્ઞાની છે તે પંડિતોનો પણ ગુરુ બનશે. उत्तिष्ठ जाग्रत प्राप्य वरान्निबोधत । ‘ઊઠો, જાગો, ધ્યેય સિદ્ધ ન થાય ત્યાં સુધી અટકશો નહિ!’ હંમેશાં વિસ્તાર પામે તે જ જીવન છે, સંકુચિતતા એ મૃત્યુ છે. જે સ્વાર્થી માણસ પોતાના જ સુખની પરવા કરે છે અને આળસુ જીવન ગાળે છે, તેને માટે નરકમાં પણ સ્થાન નથી. શ્રીરામકૃષ્ણનો સાચો પુત્ર તે જ છે કે જે બધાં પ્રાણીઓ પ્રત્યે દયાળુ છે અને પોતાની જાતની અધોગતિનું જોખમ વહોરીને પણ જે તેમને માટે શ્રમ કરે છે. इतरे कृपणा: ‘બીજા હલકટ છે.’ આ આધ્યાત્મિક જાગૃતિની તક વખતે જે હિંમતભેર ઊભો થશે અને ઘેરઘેર તેમ જ ગામડે ગામડે શ્રીરામકૃષ્ણનો સંદેશો પહોંચાડશે તે જ મારો ભાઈ છે, અને શ્રીરામકૃષ્ણનો પુત્ર છે. જે શ્રીરામકૃષ્ણનો બાળક હોય તે પોતાનું વ્યક્તિગત કલ્યાણ ઇચ્છતો નથી; એ તેનું પારખું છે. प्राणात्ययेऽपि परकल्याणचिकीर्षव: । ‘પ્રાણ જાય તોપણ તેઓ બીજાનું કલ્યાણ કરવા ઇચ્છે છે.’ જેઓ પોતાના જ સુખની પરવા કરે છે અને આળસુ જીવન જીવે છે, જેઓ પોતાના અંગત ખ્વાબો ખાતર બીજાં બધાંનું બલિદાન આપવા તૈયાર થાય છે, તેવા આપણામાં કોઈ ન હોવા જોઈએ. તેવા લોકો હજુ સમય છે ત્યાં સુધીમાં આપણામાંથી નીકળી જાય. શ્રીરામકૃષ્ણનું જીવન, તેમનું ચારિત્ર્ય, તેમનો ઉપદેશ અને તેમના ધર્મનો પ્રચાર કરો. આ જ એકમાત્ર આધ્યાત્મિક સાધના છે, આ જ એકમાત્ર ઉપાસના છે, આ જ ખરેખરો ઉપાય છે અને આ જ ધ્યેય છે. ઊઠો, ઊઠો! ભરતીનો જુવાળ આવી રહ્યો છે! આગે બઢો! સ્ત્રીઓ, પુરુષો અને ચાંડાળ સુધીના સર્વ લોકો શ્રીરામકૃષ્ણની નજરમાં પવિત્ર છે. આગે બઢો, આગે બઢો! નામ માટે, કીર્તિ માટે, મુક્તિ માટે કે ભક્તિ માટે પરવા કરવાનો સમય નથી. તે બધાંની સંભાળ કોઈ બીજે વખતે લેશું. અત્યારે, આ જીવનમાં તો તેમના ઉદાત્ત ચરિત્રનો, તેમના ભવ્ય જીવનનો અને તેમના અસીમ આત્માનો અનંત રીતે પ્રચાર કરીએ. ફક્ત આ એક જ કામ છે; તે સિવાય કંઈ કરવાનું નથી. જ્યાં જ્યાં તેનું નામ પહોંચશે, ત્યાં ત્યાં હલકામાં હલકા જંતુમાં પણ દિવ્યતા આવશે, અરે, આવી રહી જ છે. તમને આંખો છે છતાં તે નિહાળી શકતા નથી? આ શું બચ્ચાંનો ખેલ છે? આ શું બેવકૂફીભર્યો બકવાદ છે? કે મૂર્ખાઈ છે? उत्तिष्ठ जाग्रत । ઊઠો; જાગો! એ મહાન ઈશ્વર આપણી પાછળ છે. હું વધારે લખી નથી શકતો. બસ, આગે બઢો! હું તમને એટલું જ કહું છું કે જે આ પત્ર વાંચશે તેનામાં મારી શક્તિ આવશે. શ્રદ્ધા રાખો, આગે બઢો! પરમેશ્વર મહાન છે.

— સ્વામી વિવેકાનંદ

Total Views: 131

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.