મૂલ્યલક્ષી કેળવણીની આવશ્યકતા

સ્વાતંત્ર્યપ્રાપ્તિની અડધી સદી વીત્યા પછી પણ આપણું રાષ્ટ્રિય નૈતિકચારિત્ર્ય સાવ જ નિમ્ન કોટિનું દેખાય છે. આપણાં નૈતિક, સામાજિક અને આધ્યાત્મિક મૂલ્યોનું સતત અધ:પતન થતું જોઈ શકાય છે. હરિફાઈઓ મોટું દૂષણ બની ગઈ છે. નાતજાતની વાડાબંધીની ખાઈ ઊંડી ને ઊંડી થઈ રહી છે. સત્તાધારી – ખાસ કરીને રાજકારણીઓ અને નોકરશાહી દ્વારા સમાજના અશિક્ષિત અને ગરીબ લોકોનું શોષણ બેરોકટોક ચાલુ જ રહ્યું છે. સૌથી ખરાબ વસ્તુ તો એ છે કે આ હલકાઈ આપણી શૈક્ષણિક રીતિઓમાં પણ ઘેરો ઘાલી ચૂકી છે. શિક્ષકો પોતાના વિદ્યાર્થીઓમાં જીવનનાં ઊંચાં મૂલ્યો માટેની પ્રેરણા જગાડી શકતા નથી. કારણ કે તેઓ પોતે જ આ કાર્ય માટે પૂરેપૂરી સજ્જતા વગરના થઈ ગયા છે. ૧૯૪૭માં સ્વાતંત્ર્ય મળ્યા પછી આપણા રાષ્ટ્રે એક એવી શિક્ષણપદ્ધતિ સ્વીકારવી પડી હતી કે એ પહેલાંની જે પદ્ધતિ સાંસ્થાનિક સત્તાની આવશ્યકતાઓને પૂરી કરવા માટે ઘડાઈ હતી. નવું નવું સ્વાતંત્ર્ય મેળવનારી પ્રજાની ઝંખનાઓ અને આદર્શોને બંધબેસતી થઈ શકે એવી શિક્ષણપદ્ધતિની આપણા રાષ્ટ્રને જરૂર પડી. સામાજિક પુનર્નિમાણ માટે શૈક્ષણિક પુનર્નિમાણ પૂર્વશરત છે. અને આ રીતે રાષ્ટ્રના ઉદ્દેશો અને હેતુઓ માટે શિક્ષણ અને એની સાથે સંકળાયેલાં મૂલ્યો ફરી પાછા આગળ આવીને ઊભાં રહે છે. The University Education Commision (1948-49) સ્વતંત્ર ભારતમાં આ પહેલવહેલા રચાયેલા શિક્ષણપંચે આપણી શિક્ષણ સંસ્થાઓમાં નૈતિક અને આધ્યાત્મિક તાલીમ આપવા ઉપર ભાર મૂક્યો. અને આગ્રહપૂર્વક જણાવ્યું કે જો શિક્ષણ સંસ્થાઓમાંથી આપણે આ તાલીમને બાકાત કરી દઈશું તો આપણે આપણા સમગ્ર ઐતિહાસિક વિકાસને જૂઠો જ માનવો પડશે. ૧૯૫૨-૫૩માં રચાયેલા ‘The Secondary Education Commission (1952-53)’ દ્વારા કેળવણીના મહત્ત્વપૂર્ણ રાષ્ટ્રિય ઉદ્દેશો પૈકીના એક તરીકે ચારિત્ર્ય ઘડતર અને સામાજિક ક્ષમતાને ઓળખવામાં આવ્યાં હતાં. ૧૯૫૯માં ‘ધી કમિટી ઓફ રિલિજિયસ એન્ડ મોરલ ઈન્ટ્રક્શને’ તેમજ ૧૯૬૪-૬૬ના ‘એજ્યુકેશન કમિશને’ પણ સામાજિક, નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યોને પાઠ્યક્રમમાં સહેતુક રીતે સ્થાન આપીને એનો સમાવેશ કરવાની આગ્રહપૂર્વક ભલામણ કરી હતી.

મૂલ્યોના પુન:સ્થાપન માટે અત્યારના પ્રયત્નો

પ્રવર્તમાન સમયમાં આપણા દેશમાં શૈક્ષણિક ચર્ચાના બધે સ્તરે, આ મૂલ્યલક્ષી શિક્ષણનો વિષય ઉત્તરોત્તર વધુ ને વધુ મહત્ત્વ પામતો જાય છે. National Policy of Education (NPF) 1986માં આ વિષય રાષ્ટ્રિય પ્રાથમિકતાના વિષયો પૈકી એક વિષય તરીકે ઉપસાવવામાં આવેલ હતો. એની કાર્યયોજનામાં ઉદ્‌ઘોષિત કરાયું કે ‘સમાજમાં આવશ્યક જીવનમૂલ્યોનો થઈ રહેલો હ્રાસ અને સમાજમાં દોષદર્શનના વધતા જતા પ્રમાણને લક્ષમાં લેતાં સામાજિક અને નૈતિક મૂલ્યોને એકત્રિત કરવા માટે શિક્ષણને એક સબળ સાધન બનાવવા સારુ અભ્યાસક્રમમાં પુનર્ગઠનની આવશ્યકતા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની ફરજ પડી છે.’ ૧૯૮૧ના મે માસમાં સીમલામાં આ મૂલ્યલક્ષી કેળવણીના અર્થ અને એના ક્ષેત્રનો ગંભીરતાથી વિચાર કરવા માટે તેમજ સરકારને એના અન્વયે કાર્ય કરવાની વ્યાવહારિક માર્ગદર્શિકા પૂરી પાડવા માટે એક ‘નેશનલ કોન્ફરન્સ’ મળી હતી. આ કોન્ફરન્સનું અધ્યક્ષસ્થાન તે વખતના કેન્દ્રના શિક્ષણમંત્રીએ સંભાળ્યું હતું અને ભારતના કેટલાક શ્રેષ્ઠ કેળવણીકારોએ એમાં ભાગ લીધો હતો. એ કોન્ફરન્સે ભલામણ કરી હતી કે ‘મૂલ્યલક્ષિતા એ કેળવણીનું મધ્યવર્તી ધ્યાનકેન્દ્ર હોવું જોઈએ.’ વળી, કહ્યું કે ‘વિદ્યાર્થીઓમાં અને શિક્ષકોમાં પણ મૂલ્યોનો વિકાસ કરવાની અસરકારક પદ્ધતિઓની તાલીમ આપવી જોઈએ.’ ૧૯૯૯ના સપ્ટેમ્બર માસમાં એ માટેના એક મહત્ત્વના પગલા તરીકે, The National Resource Centre on Value Education (NRCVE)ની સ્થાપના NCERTએ કરી. મૂલ્યલક્ષી કેળવણીના હેતુઓને ઓળખવા-સ્પષ્ટ કરવા માટેના વ્યૂહાત્મક આયોજનમાંથી એનો ઉદ્‌ભવ થયો હતો. આ કેન્દ્રે દેશનાં તેમજ વિદેશનાં મૂલ્યલક્ષી કેળવણીના ક્ષેત્રે કામ કરતાં ‘NGOs’ની અને કેટલીક પાયાની સંસ્થાઓમાં પોતાનું સુગ્રથિત કામ શરૂ કર્યું. આ કેન્દ્રનાં ઉદ્દેશો અને કાર્યો આ પ્રમાણે છે: (૧) શાળાકીય શિક્ષણમાં મૂલ્યલક્ષી પ્રવૃત્તિઓ અને કાર્યક્રમોનો વિકાસ કરવો. (૨) આ કાર્યક્રમો અને આયોજનોનો અમલ કરવા માટેની વ્યૂહાત્મક રૂપરેખા તૈયાર કરવી. (૩) એ માટેના શૈક્ષણિક સંભાર અને અન્ય ઉપકરણો વિકસાવવાં. (૪) લિખિત કે મુદ્રિત સામગ્રી પૂરી પાડવી અને માહિતી આપવી. (૫) સલાહસૂચનો અને વૃદ્ધિની સેવાઓ પૂરી પાડવી અને છેલ્લે (૬) શૈક્ષણિક સામગ્રીના ખજાના તરીકે અને સંદર્ભ માટે પુસ્તકાલય જેવી સેવાઓ આપવી.

મૂલ્યલક્ષી કેળવણીમાં રસ લેવાનો આ પ્રવર્તમાન ઊભરો, ભલે આજની સામાજિક, રાજકીય, પ્રૌદ્યોગિક, વગેરે ક્ષેત્રે ઊભી થયેલ વિવિધતાને કારણે થયેલો હોય પરંતુ, યુવાન પેઢીને માટે તો આ મૂલ્યલક્ષી કેળવણીની સમસ્યા તો ખૂદ કેળવણીના જેટલી જ જૂનીપુરાણી છે.

મૂલ્યલક્ષી કેળવણીની ભારતીય પરંપરા

ભારતીય મૂલ્યવિચાર, એની ભૂતકાલીન, ઊંડી સામાજિક અને તત્ત્વજ્ઞાનપૂર્ણ પરંપરામાંથી જન્મેલ છે. ભારતનું તત્ત્વજ્ઞાન એના ધર્મથી અલગ પાડી શકાય તેમ નથી. પ્રાચીન ભારતીયો માટે તત્ત્વજ્ઞાન, કંઈ ફક્ત બૌદ્ધિક શંકાઓનું સમાધાન કરવાનું સાધન જ ન હતું. પણ એ કંઈક એવું તત્ત્વ હતું કે જીવનમાં અમલી થઈ શકે અને જેનો પરિષ્કાર પણ થઈ શકે. પ્રાચીન ભારતે આપેલાં ચાર વૈયક્તિક મૂલ્યો – ચાર પુરુષાર્થો – ધર્મ, અર્થ, કામ અને મોક્ષ છે. અને ત્રણ નિર્વૈયક્તિક મૂલ્યો જેવાં કે સત્ય, પ્રેમ અને સુંદર – જે પરમ તત્ત્વના પણ ગુણો છે – એનું અનુસરણ કરવાનું પણ દર્શાવ્યું છે. આ પણ મૂલ્યોનું મન, વચન અને કર્મ દ્વારા અનુસરણ થવું જોઈએ. આ મૂલ્યો માનવવ્યક્તિત્વનાં ત્રણ પાસાંને પણ આવરે છે: જેવાં કે મસ્તિષ્ક (વિચાર), હૃદય (લાગણી) અને શરીર (કામ કરવું).

પ્રાચીન ભારતીય શિક્ષણ વ્યક્તિની આધ્યાત્મિક પૂર્ણતાનું લક્ષ્ય ધરાવતું હતું. એને જ એમણે સમગ્ર જીવનનું સારતત્ત્વ માન્યું હતું. ખરી વાત તો એ છે કે ત્યારે માનવના સમગ્ર જીવનમાં નૈતિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ જ છવાઈ ગયેલી હોવાથી ભૌતિક, નૈતિક કે ધાર્મિક શિક્ષણ જેવા કોઈ ભેદભાવ જ પડ્યા ન હતા. રાજકીય, આર્થિક વગેરે પરિવર્તનો આવ્યાં અને એથી કેળવણીના ઉદ્દેશો અને હેતુઓ પણ બદલાઈ ગયા, અને એ જ રીતે શિક્ષણ મારફત પ્રસ્થાપિત કરાતાં મૂલ્યો પણ બદલાતાં રહ્યાં. પરંતુ શિક્ષણની પ્રક્રિયા અને મૂલ્યોના ખુદ અનુસરણની વચ્ચેની પાયાની ભીતરની સગાઈ ક્યારેય પણ અહીં નજરથી અળગી થઈ નથી.

The National Curriculum Framework for School Education (શાળાકીય શિક્ષણ માટે રાષ્ટ્રિય અભ્યાસક્રમની રૂપરેખા) નવેમ્બર ૨૦૦૦માં પોતાના ‘વિગતો અને સંબંધો’નામના પ્રથમ પ્રકરણમાં એક મહત્ત્વનું નિરીક્ષણ કર્યું છે:

‘ભારતીય કેળવણીનો ઈતિહાસ દર્શાવે છે કે વિવિધતા, સહિષ્ણુતા અને માનવતાની ભવ્ય પરંપરાના ઉત્સાહને લીધે ભારતમાં વિવિધ સાંસ્કૃતિક અને ધાર્મિક જૂથોએ પોતાની વિશિષ્ટ આવશ્યકતાઓ સાથે બંધબેસતી થાય એવી પોતાની શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપી હતી. તેમાંની કેટલીક ધાર્મિક સ્વરૂપની હતી તો વળી કેટલીક કોઈક પ્રકારનું ધંધાદારી શિક્ષણ આપનારી હતી. ધાર્મિક સંસ્થાઓ સમગ્ર વ્યક્તિના વિકાસનું શિક્ષણ આપતી – આ વ્યક્તિત્વની સમગ્રતા શરીર, મન, હૃદય, આત્મા, શુચિતાનું આરોપણ, ધાર્મિકતાનું સંયોજન, ચારિત્ર્ય ઘડતર, વ્યક્તિત્વનો વિકાસ, સામાજિક અને નાગરિક ફરજોના સન્માનની જાળવણી, સામાજિક ક્ષમતા જન્માવવી અને રાષ્ટ્રિય સંસ્કૃતિનો ફેલાવો કરવો વગેરે છે.’

આમ હતું છતાં, પછી બ્રિટિશ કેળવણી પદ્ધતિ દાખલ થતાં મૂળની ભારતીય કેળવણી પદ્ધતિને ધક્કો લાગ્યો અને આ નવી કેળવણી પદ્ધતિએ ભારતીય કેળવણી પદ્ધતિને ભૂંસી નાખી. એણે ભારતીય લોકોનું શાણપણ, એમની શ્રદ્ધા, એમની મૂલ્યનિષ્ઠા હરી લીધાં, એમને એમની પરંપરામાંથી સાવ વછોડી નાખવામાં આવ્યા. સ્વાતંત્ર્ય પછી વળી કોઈક આ દૂષણો દૂર કરવા અને કંઈક સારું કરવા આશા રાખી શકશે એમ લાગ્યું પણ કમભાગ્યે કંઈક ક્યાંક ખોટું થઈ ગયું અને આપણે આજે પોતાને એક ઊંડી કીચડવાળી ખાઈમાં પડેલા જોઈએ છીએ.

ભૌતિક મૂલ્યલક્ષી કેળવણીપદ્ધતિના હેતુઓ

પરંપરાની રીતે આપણા દેશમાં મૂલ્યલક્ષી કેળવણીના હેતુઓ ધર્મ અને તત્ત્વજ્ઞાનના પાયા પર આધારિત હતા. અને ધર્મનિરપેક્ષ ભૌતિક મૂલ્યોની કેળવણી જેવું કશું હતું જ નહિ ત્યારે નૈતિક વિચારના વિકાસ માટે અને સ્વતંત્ર નીતિ નિર્ણયની ક્ષમતા માટે પણ બહુ ઝાઝી શક્યતા ન હતી. આધુનિક સંદર્ભમાં શા માટે આ ધર્મનિરપેક્ષ ભૌતિક કેળવણીપદ્ધતિના મૂલ્યોનો વિચાર અગ્રસ્થાને આવીને ઊભો રહ્યો છે, એનાં સૌથી મહત્ત્વનાં કારણો પૈકીનું એક મોટું કારણ આ છે કે ઘણા દેશોનાં બંધારણોએ ધર્મો કે ધાર્મિક સંસ્થાઓને કેળવણી આપવાની ભૂમિકા ભજવવા માટે અંકુશિત કરી છે અને જે તે રાજ્ય જ કેળવણી માટેનાં નાણાં પૂરાં પાડે છે – ખાસ કરીને પ્રાથમિક શિક્ષણમાં આવું જ છે – આપણું બંધારણ સ્પષ્ટ રીતે જણાવે છે કે ‘રાજ્યના નાણાં ભંડોળ દ્વારા જ સંપૂર્ણ રીતે ચાલતી કોઈ પણ શિક્ષણસંસ્થામાં ધાર્મિક ઉપદેશ આપી શકાશે નહિ.’ અને વળી, ‘સરકાર દ્વારા માન્ય અથવા સરકાર પાસેથી નાણાંકીય સહાય લેતી કોઈ પણ શિક્ષણ સંસ્થામાં અથવા તો એના પ્રાંગણમાં અભ્યાસ કરતા કે કામ કરતા કોઈ પણ વ્યક્તિને કોઈ પણ ધાર્મિક ઉપદેશ આપતા કાર્યક્રમમાં અથવા તો કોઈ ધાર્મિક પ્રાર્થનામાં ભાગ લેવા માટે ફરજ પાડી શકાશે નહિ અને કોઈને ભાગ લેવો હોય અને તે સગીરવયનો હોય, તો તેના વાલીઓ પાસેથી આ માટે મંજૂરી લેવી જોઈએ.’

૧૯૮૧ની સીમલાકોન્ફરન્સે એ મુદ્દો હાથમાં લીધો હતો અને એના ઉપર ખૂબ લાંબીલચક ચર્ચાવિચારણા કરી હતી. અને છેવટે આ પરિણામ ઉપર આવી હતી કે ‘નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યોવાળું શિક્ષણ એ ધર્મોપદેશ કરતાં તદ્દન જુદી જ વસ્તુ છે. આપણે જે મૂલ્યોની વાત કરી રહ્યા છીએ તે તો માનવમૂલ્યના સમગ્ર ક્ષેત્રના શિક્ષણ અને તાલીમની વાત છે. માનવમૂલ્યોનું આ સમગ્ર ક્ષેત્ર શારીરિક, ભાવનાગત, બૌદ્ધિક, કલ્પનાશીલ, સૌંદર્યમય નૈતિક અને આધ્યાત્મિક બાબતોને આવરી લે છે. આ બધાં મૂલ્યોનું અનુસરણ કોઈ પણ વ્યક્તિ કરી શકે છે. પછી તે ગમે તે ધર્મમાં માનતો હોય કે કોઈ પણ ધર્મમાં ન માનતો હોય.’

‘જોઈન્ટ સ્ટડી ઓન મોરલ એજ્યુકેશન ઈન એશિયન કન્ટ્રીઝ’નો અહેવાલ મૂલ્યલક્ષી કેળવણીના નીચે આપેલા હેતુઓ રજૂ કરે છે : (૧) બાળકના વ્યક્તિત્વના શારીરિક, માનસિક, ભાવનાગત અને આધ્યાત્મિક પાસાંનો સંપૂર્ણ વિકાસ, (૨) સદ્‌વર્તન અને જવાબદાર સહકારયુક્ત નાગરિકત્વના ભાવને મનમાં ઠસાવવો, (૩) સમાજ અને વ્યક્તિની મહત્તા પ્રત્યે સન્માનનો વિકાસ કરવો, (૪) ભાવાત્મક એકતા અને દેશપ્રેમની ભાવનાને મનમાં દૃઢીભૂત કરવી, (૫) વિવિધ ધાર્મિક માન્યતાઓને બરાબર સમજવી અને તેના પ્રત્યે સહિષ્ણુતાનો વિકાસ કરવો, (૬) સામાજિક, બૌદ્ધિક અને આંતરરાષ્ટ્રિય સ્તરે માનવજાત પ્રત્યે બંધુભાવનાનો વિકાસ કરવો, (૭) બાળકોમાં આત્મશ્રદ્ધા કેળવવી અને આ વિશ્વ તેમજ માનવજીવનનું નિયમન કરનાર એક પરમસત્તા (ઈશ્વર) ઉપરની શ્રદ્ધા મનમાં ઠસાવવી, (૮) બાળકોને સબળ નૈતિક સિદ્ધાંતોના પાયા પર પોતાના નૈતિક નિર્ણયો કરવા માટે સક્ષમ બનાવવા.

મૂલ્યલક્ષી કેળવણીના કાર્યકારી જૂથે મૂલ્યલક્ષી કેળવણીનાં પાંચ પરિમાણો ઓળખાવ્યાં છે. તે આ છે: શારીરિક કેળવણી, ભાવનાત્મક કેળવણી, માનસિક વિકાસ, સૌંદર્યદૃષ્ટિનો વિકાસ અને નૈતિક-આધ્યાત્મિક પ્રધાનતા. તેમને માટે આ નૈતિક-આધ્યાત્મિક પ્રધાનતાના ક્ષેત્રનું અનુસરણ કરવામાં નિષ્ઠા, શ્રદ્ધા, પોતે ધારેલી-માનેલી ઉચ્ચતમ પ્રામાણિકતા, કૃતજ્ઞતા, કલ્યાણકારિતા, ઉદારતા, પ્રફૂલ્લિતતા, નિ:સ્વાર્થતા, નિરભિમાનતા, સુખ-દુ:ખ, માન-અપમાન, સફળતા-નિષ્ફળતા, વગેરેમાં મનની સમાનતા, અનંત અને ચરમ તત્ત્વ પ્રત્યે ઉચ્ચતમ અને ગહનતમ અનુસરણ અને આ અનુસરણના વિચારો, ભાવના અને કાર્યોમાં પ્રગતિશીલ અભિવ્યક્તિ કરવી – આવાં મૂલ્યોનો ઉપયોગ થાય છે.

આમ, આપણે જોઈએ છીએ કે મૂલ્યલક્ષી કેળવણીનું ક્ષેત્ર ઘણાં પાસાં ધરાવે છે. ગમે તેમ પણ મૂલ્યલક્ષી કેળવણીનો અભ્યાસક્રમ વિદ્યાર્થીઓમાં કસોટી કરે એવા નૈતિક પરિપ્રેક્ષ્યનો વિકાસ કરે એવો હોવો જોઈએ. અને તે જ તેમને માનવજાતની વધારે સારી સ્થિતિ કરવા માટે આધુનિક કૌશલનો ઉપયોગ કરવા માટે સમર્થ બનાવશે. અને તે વખતે પરંપરિત પાયાનાં મૂલ્યો માટે તેમની પ્રતિબદ્ધતાના પુનર્નવીકરણ માટે તેમને સહાયક નીવડશે.

ધાર્મિક પરિમાણ અને મૂલ્યલક્ષી કેળવણીના હેતુઓ

મૂલ્યલક્ષી કેળવણીને ધર્મથી અલગ પાડવાના પ્રયત્નો તો જો કે થઈ રહ્યા છે પણ એમ બનવું તદ્દન અશક્ય છે. ધાર્મિક જૂથોથી મૂલ્યલક્ષી કેળવણીને અલગ કરી દેવાના કાર્યક્રમો કદાચ આપણને ધાર્મિક, સાંસ્કૃતિક, સામાજિક અને રાજકીય તિરસ્કાર તરફ દોરી જશે. અને એ માનવવંશના અનેક ટુકડા કરી નાખશે અને એથી રાષ્ટ્રિય એકતા છિન્ન ભિન્ન બની જશે. કોઈ એક વર્ગ કે સંસ્થાનો ધર્મ જ અન્ય ધર્મોની હસ્તી વચ્ચે શ્રેષ્ઠ માનવાનો અને અન્ય ધર્મોની સીધી કે આડકતરી રીતે નિંદા કરવાનો ત્યારે ઉપદેશ અપાશે, એવું અવશ્ય બનવાનું.

એક જ પરમ લક્ષ્યને પામવા મથતા જુદા જુદા ધર્મસંપ્રદાયોએ દાખવેલા ધર્મઝનૂનથી ખિન્ન થઈને શ્રીરામકૃષ્ણે ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં ‘વિશ્વના બધા જ ધર્મ સમાન લક્ષ્ય સુધી લઈ જાય છે’-એવી ખાતરી કરાવવાની જવાબદારી પોતાને માથે લીધી. અને તેમણે ઈસ્લામ, ખ્રિસ્તીધર્મ અને હિંદુધર્મના વિવિધ સંપ્રદાયોની સાધના કરીને એ જવાબદારી સફળ રીતે અદા કરી. અને તેમની પાસેથી પ્રેરણા લઈ સ્વામી વિવેકાનંદે પણ ૧૮૯૩માં શિકાગોમાં મળેલી સર્વધર્મ મહાસભામાં એવી ઘોષણા કરી કે : 

‘પંથવાદ, ધર્માંધતા અને તેમાંથી પેદા થતાં ભયંકર ધર્મઝનૂન, આ સુંદર જગતને વરસો સુધી આવરી રહેલાં છે. દુનિયાને એ ઝનૂને હિંસાથી ભરી દીધી છે… પણ હવે એનો સમય ભરાઈ ગયો છે; અને આજે સવારે આ સભાના સ્વાગતમાં જે ઘંટારવ થયો હતો તે એક જ લક્ષ્ય તરફ જતા જુદા જુદા માનવીઓ વચ્ચે રહેલી સંકુચિત વૃત્તિઓનો, સર્વઝનૂનવાદોનો, અને તલવાર કે કલમથી થતા સર્વ ત્રાસનો મૃત્યુઘંટ હતો, એવી આગ્રહપૂર્વક હું આશા રાખું છું.’ વિશ્વના ધાર્મિક ઈતિહાસમાં સૌથી પહેલાં સ્વામીજીએ વૈશ્વિક, નૈતિક અને આધ્યાત્મિક સિદ્ધાંતો પર આધારિત વૈશ્વિક ધર્મનો આ વિચાર ઉપદેશ્યો હતો. તેમના વૈશ્વિક આયામવાળા આવાં નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યોના ઉપદેશનું કાળજીપૂર્વક વર્ગીકરણ કરીને સંપાદન કરવામાં આવે તો તે ભારતના જેવી અનેકવિધ પ્રજા અને ધર્મનિરપેક્ષ લોકો માટે એક પાઠ્યપુસ્તકની ગરજ સારી શકે છે. ધર્મનિરપેક્ષ કેળવણી પદ્ધતિવાળા દેશોમાં ત્યાંની સરકારોએ એ ધ્યાનમાં રાખવું ઘટે કે ધર્મો, અસરકારક મૂલ્યલક્ષી કેળવણીના કાર્યક્રમમાં કેવું-કેટલું-પ્રદાન કરી શકે છે. બધા ધર્મોના સામાન્ય ઉપદેશનો ઉપયોગ પણ બાળકમાં નૈતિક મૂલ્યોના આરોપણ માટે અને બાળકોને ધાર્મિક સહિષ્ણુતાનો બોધ આપવા તેમજ તેમની સમજણ કેળવવા માટે થઈ શકે.

સત્યની ઝંખના, પ્રામાણિકતાનું પાલન અને સૌંદર્યનો આદર જેવાં પાયાનાં મૂલ્યો જ્યારે અકબંધ રહે છે, ત્યારે સહિષ્ણુતા, આત્મસન્માન, માનવગૌરવ પ્રત્યેનો પ્રેમ, આદર અને અન્ય પ્રત્યે સહાનુભૂતિ-કરુણા, વ્યક્તિસ્વાતંત્ર્ય અને માનવાધિકાર, આંતરરાષ્ટ્રિયતા, ક્રૂરતાનો અનાદર, અહિંસાની સાધના અને શાંતિવાળી સંસ્કૃતિ જેવાં મૂલ્યો આજે વધારે મહત્ત્વનાં બની ગયાં છે. કારણ કે ધરતીના સમગ્ર વૈશ્વિક સમાજ સામે એવા પ્રકારની સમસ્યાઓ ખડી થઈ છે. આંતરરાષ્ટ્રિય જનસમાજોની સામે આવી સમસ્યાઓ પહેલેથી ઘર ઘાલી બેઠી છે.

યુનાઈટેડ નેશન્સે પોતાના ૧૯૪૫ના ચાર્ટરમાં -શાંતિ, ન્યાય અને સ્વાતંત્ર્ય – ત્રણ સ્તંભો સ્થાપ્યા છે. તે જણાવે છે : ‘યુનાઈટેડ નેશન્સના અમે લોકો અમારી આવતી પેઢીને યુદ્ધના અભિશાપમાંથી બચાવવા માટે તેમનામાં પાયાના માનવાધિકારનું દૃઢીકરણ કરવા માટે – સ્ત્રીઓ અને પુરુષોના સમાન અધિકારને દૃઢીભૂત કરવા માટે – સહિષ્ણુતા અને શાંતિપૂર્વક સહવાસનો નિશ્ચય કરીએ છીએ.’ ત્યાર બાદ થોડા માસ પછી યુનાઈટેડ નેશન્સની વિશિષ્ટ શાખા ‘સાયંસ, એજ્યુકેશન એન્ડ, કલ્ચરના ઓર્ગેનિઝેશન -યુનેસ્કો’ની સ્થપના કરવામાં આવી. વિશ્વના જનસમાજો માટે નિશ્ચિત રૂપે ગણાવાયેલાં પાયાના સ્વાતંત્ર્ય અને કેળવણી દ્વારા બધાં રાષ્ટ્રોમાં પરસ્પર સહકાર વધારીને શાંતિ અને સંરક્ષણનું પ્રદાન કરવાનો હેતુ છે.’ (કોન્સ્ટીટ્યૂશન ઓફ ધી યુનાઈટેડ નેશન્સ સાઈન્ટીફીક એન્ડ કલ્ચરલ ઓર્ગેનિઝેશનના આમુખ – પેરીસ – ૧૯૪૫.)

શિક્ષણવિષયક નીતિઓ ભલે વ્યક્તિઓમાં તેમજ સામાજિક, સાંસ્કૃતિક અને ધાર્મિક વિવિધ માનવનાં સમાજઘટકોમાં સમજણ અને નિર્ણાયકતાનો વિકાસ સાધવામાં પોતાનું કંઈક પ્રદાન કરી શકે, પરંતુ કેળવણી પોતે જ ખરેખર તો જ્ઞાન, મૂલ્યો, વલણો, કૌશલો, માનવાધિકાર તરફ આદરભાવની પ્રેરકતા, વધારવાનું અને સંસ્કૃતિ, શાંતિ અને લોકતંત્રની રચના કરવા માટેનું સૌથી મોટું સાધન છે.

MINDEUROPE – (ધી કોન્ફરન્સ ઓફ યુરોપિયન મિનિસ્ટર્સ ઓફ એજ્યુકેશન – ૧૯૮૮) – એ કોન્ફરન્સે મૂલ્યો, વિચાર અને વર્તનના પાયા વધુ જીવંત બનાવવા માટે નિદર્શન કર્યું હતું. એ કેળવણીના માનવતાવાદી, સાંસ્કૃતિક અને આંતરરાષ્ટ્રિય પરિમાણોના સ્વીકારને લીધે ઉદ્‌ભવ્યું હતું. આ મૂલ્યલક્ષી કેળવણી ઉપર ભાર મૂકવાની વાતની અનુભૂતિ કરવા માટે શિક્ષણકારોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

ઈ.સ. ૨૦૦૦ની સાલમાં, ત્રીજી સહસ્રાબ્દિ અને એકવીસમી સદીના આરંભકાળે જ યુનેસ્કોએ એ સાલને International Year of the Culture of Peace (સંસ્કૃતિ અને શાંતિના આંતરરાષ્ટ્રિય વર્ષ) તરીકે જાહેર કર્યું છે. પરંતુ જો ઉદ્‌ઘોષિત વસ્તુ કાર્યાન્વિત ન બને તો કેવળ ઉદ્‌ઘોષણાઓ કે જાહેરાતોથી કશું વળતું નથી. આવા કાર્ય માટે કેળવણી મુખ્ય ઉપાદાન છે. UNESCOના સભ્ય દેશોની શિક્ષણ સંસ્થાઓએ હવે મૂલ્યલક્ષી કેવળણી દાખલ કરવા માટેના કાર્યક્રમો તૈયાર કરવા પડશે – એમાં શાંતિકારક સંસ્કૃતિનું નિર્માણ કરનારાં આધ્યાત્મિક અને ધર્મનિરપેક્ષ – બંને પ્રકારનાં મૂલ્યોનો સમાવેશ કરવો પડશે. સ્થાનીય, રાષ્ટ્રિય અને આંતરરાષ્ટ્રિય શિક્ષણ સંસ્થાઓ કે એજન્સીઓએ સાથે મળીને માનવજાતના વર્તન અને વલણને બદલવા માટે શૈક્ષણિક કાર્યક્રમોને મૂલ્યલક્ષી કેળવણીને એક આવશ્યક સર્વગ્રાહી સળંગસૂત્રી રૂપ બનાવવું પડશે. UNESCOના કહેવા પ્રમાણે, ‘માણસના મનમાં જ યુદ્ધની શરૂઆત થતી હોવાથી માણસના મનમાં જ શાંતિનું સંરક્ષણ રચવું ઘટે.’ (UNESCOના બંધારણનું આમુખ, નવેમ્બર, ૧૯૪૫, પેરિસ).

માનવજાતના શાંતિના હક્ક સંબંધે સરકારી નિષ્ણાતોની આંતરરાષ્ટ્રિય સલાહ માટેની શિબિરનું ઉદ્‌ઘાટન કરતાં ફેડરિકો મેયોરે ૧૯૯૮ના માર્ચની પાંચમી તારીખે UNESCO, પેરિસમાં ભાષણ આપતાં જણાવ્યું હતું કે, ‘હું ભારપૂર્વક ઘોષણા કરું છું કે આપણે જેમ યુદ્ધમાં લાખો માણસોના જીવનના ભોગની કિંમત ચૂકવી છે, તેવી જ રીતે હવે શાંતિની કિંમત ચુકવવા માટે પણ તૈયાર રહેવું પડશે કે જેથી સંસ્કૃતિનું જ પરિવર્તન થઈ જાય. બંધારણે બક્ષેલી ઓળખ અને આપણી સ્વકીયતાની લાગણી એકાકાર થઈ જાય, અને હવે ફરી વખત આપણે છૂટા ન પડીએ. પ્રેમના પાયા પર ઊભેલો ધર્મ ક્યારેય ઘૃણા કે વિરોધ તરફ આપણને ન દોરી જાય; આપણી ભાગીદારી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાથી જન્મેલી આપણી વિચારસરણી લોકશાહીનું રક્ષણ કરે અને નહિ કે બળજબરીનું.’ એકવીસમી સદીના ઉષ:કાળે આપણને આવાં મૂલ્યોની ખૂબ આવશ્યકતા છે અને આપણું શિક્ષણ પણ આવાં મૂલ્યો પર આધારિત હોવું જોઈએ. આ યુગમાં સંવાદિતાના પયગંબર શ્રીરામકૃષ્ણે આ મૂલ્યોની કેવળ વાતો જ ન કરી, પણ પોતાના જીવનમાં આચરણ કરીને નિદર્શન કરી બતાવ્યું અને માણસજાત પોતાના જ ભોગે આવા સંદેશની ઉપેક્ષા કરી રહી છે!

Total Views: 174

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.