બુદ્ધિ ભલે બધાં કાર્યોની કર્તા હોવા છતાં આપણને એ જોવા મળે છે કે મન અને પ્રાણ આપણી ભીતર હંમેશાં સક્રિય રહે છે. બુદ્ધિ ક્યાં છે અને તે શું કરે છે એ વિશે આપણને વધુ માહિતી મળતી નથી પરંતુ, આ બુદ્ધિને નિર્મળ રાખ્યા સિવાય જીવનમાં પ્રગતિ અશક્ય બની જાય છે. જો બુદ્ધિ શુદ્ધ ન હોય તો જિંદગી એટલે શું અને જીવનમાં વિકાસ એટલે શું એનો અર્થ આપણે સમજી શકીએ નહિ. વિશ્વની બહારના પદાર્થો વિશે માનવીએ કેટલું જ્ઞાન અને કેટલી સમજણ મેળવી છે અને વિજ્ઞાનમાં માણસ કેટલો બધો આગળ વધી ગયો છે શું એ તમે જાણતા નથી? પરંતુ આ જ માનવીઓ કે જેમને પોતાનાં શિક્ષણ અને સભ્યતાનો ગર્વ છે તેઓ વર્ગભેદો ઊભા કરવામાં જરાય શરમ અનુભવતા નથી અને બીજા વિભાગના લોકોને છેતરવામાં કે એની સાથે પ્રાણીઓની જેમ ઝઘડવામાં પણ જરાય શરમસંકોચ અનુભવતા નથી. આનું મૂળ કારણ બુદ્ધિની નિર્મળતા અને શુદ્ધિનો અભાવ છે. પ્રાચીનભારતમાં બુદ્ધિને શુદ્ધ રાખવા વિવિધ સાધનોનો ઉપયોગ થતો હતો. આપણે ત્રિકાળ સંધ્યા દ્વારા સૂર્યોદય, મધ્યાહ્‌ન અને સૂર્યાસ્ત સમયે એમ ત્રણ વખત ‘धियो यो नः प्रचोदयात्’ ‘તે અમારી બુદ્ધિને પ્રેરો – શુદ્ધ બનાવો’ એવી પ્રાર્થના કરતા.

મુખ્ય વિચાર આ છે : ‘હું’ એ શબ્દ દ્વારા આપણે દેહ, પ્રાણ, મન અને બુદ્ધિ એ ચાર તત્ત્વોનું સંયોજન એમ સમજીએ છીએ. પ્રાણ અને દેહ મળીને આ સ્થૂળદેહ રચે છે; મન અને બુદ્ધિ મળીને સૂક્ષ્મદેહ રચે છે. આ ચારે ય તત્ત્વોને કાર્ય માટે યોગ્ય બનાવવા જોઈએ. આ બધું કેમ સિદ્ધ કરવું તેની ચર્ચા હવે પછી આપણે સંક્ષેપમાં કરીશું.

પ્રભાગ – ૩ 

શરીર

જો કે શરીર માણસ માટે બીજી કોઈ વસ્તુ કરતા સૌથી વધારે પરિચિત અને પ્રિય છે છતાં તે તેના વિશે બહુ ઓછું જાણે છે. શરીરની પૂર્ણ તંદુરસ્તી પર જીવનની સફળતાનો આધાર છે. આપણું શરીર મોટરગાડીના ચેસીસ જેવું છે. જો તે સારી સ્થિતિમાં ન હોય તો ગાડી હંકારવી ભયંકર છે. એટલે જ સૌ પ્રથમ તો આપણે આપણા શરીરને સશક્ત મક્કમ અને કાર્યશીલ બનાવવું જોઈએ. આપણને એવું જોવા મળે છે કે કેટલાક લોકોના શરીરમાં શક્તિ તો છે પણ તે અતિકોમળ કે તકલાદી હોય છે. જ્યારે બીજી બાજુએ એવા કેટલાક લોકો હોય છે કે જેમના શરીરમાં શક્તિ હોય છે અને તે મજબૂત પણ હોય છે, પરંતુ અનુભવના અભાવે એ પોતાનાં શરીરને કાર્યશીલ રાખી શકતા નથી. એટલા માટે અહીં આપેલી પદ્ધતિઓનું અનુસરણ કરીને શરીરને કાર્ય કરવા યોગ્ય બનાવવું જોઈએ.

શરીરને શક્તિશાળી બનાવવાની પદ્ધતિઓ

(૧) સૌ પ્રથમ તો અનુભવી લોકો પાસેથી તમારે આ શરીરને નીરોગી અને સશક્ત બનાવવા માટે શું કરવું જોઈએ અને શાને લીધે તે નબળું માંદુ પડે છે તે શીખી લેવું જોઈએ. (૨) તમે જે ખાઓ છો તે બરાબર પચાવો છો કે નહિ તેનું હંમેશાં બરાબર ધ્યાન રાખો. (૩) અવારનવાર એકાદ બે વાર ઉપવાસ કે એકટાણા કરીને હોજરીને આરામ આપો. તમે પોતાની જાતને કાર્યશીલ-પ્રવૃત્તિશીલ રાખો.

શરીરને ખડતલ બનાવવાની પદ્ધતિઓ

(૧) દરરોજ રમતગમત રમતા રહો અને વ્યાયામ કરતા રહો. વ્યાયામ દ્વારા શરીર સશક્ત બને છે અને રમતગમત દ્વારા આપણા શરીરનાં હલનચલન પર પ્રભુત્વ મેળવી શકીએ છીએ. (૨) પરિશ્રમ પડે તેવું કાર્ય કરતા રહો.

શરીરને કાર્યશીલ રાખવાની પદ્ધતિઓ

(૧) નિયત કરેલ દૈનંદિન કાર્યપ્રણાલીનું ચૂસ્તપણે પાલન કરો. (૨) સારાં કાર્યો કરવાની તક ક્યારેય ગુમાવવી નહિ. (૩) તમારાં પોતાનાં કાર્યો માટે નોકર પર અવલંબન ન રાખશો. (૪) બધા પ્રકારનાં કાર્યો કરવાનું શીખતા રહો. (૫) તમારે ભાગે આવેલું કોઈ પણ કષ્ટકાર્યને ઉપાડી લેવામાં ક્યારેય અચકાવું નહિ. તમારે હંમેશાં ‘ખુલ્લી તલવાર’ની જેમ કાર્યક્ષેત્રે લડવા સતત તૈયાર રહેવું જોઈએ. 

પ્રાણ

માનવી દેહ અને મનના બધાં કાર્યો જે શક્તિ દ્વારા કરે છે, તેને આપણે ‘પ્રાણ’ કહીએ છીએ. સમગ્ર દેહમાંનું રુધિરાભિસરણ, ચયાપચયની ક્રિયા, શરીરનું પોષણ અને વિચાર – બુદ્ધિ આ બધી પ્રવૃત્તિઓ ‘પ્રાણશક્તિ’ દ્વારા થાય છે. આપણા પ્રાચીન વૈદિક સમાજમાં નાની ઉંમરથી જ બાળકોને પ્રાણને સંયમમાં રાખવાની કેળવણી આપવામાં આવતી. અત્યારે ધર્મ વિશેના આપણા ભ્રામક ખ્યાલોને કારણે ખોટે રસ્તે દોરવાઈને એમ વિચારીએ છીએ કે પ્રાણશક્તિને કેળવવાનું કાર્ય માત્ર આધ્યાત્મિક સાધકોનું છે, અને એટલે લોકોએ આ પ્રાણશક્તિ કેળવવાનું શિક્ષણ છોડી દીધું છે. પરંતુ પ્રાણને સંયમમાં રાખવાનું શીખવું એ દરેકેદરેક માનવી માટે અગત્યનું છે. પ્રાણશક્તિનો ઉપયોગ ચંચળ મનને સ્થિર શાંત કરવા માટેનું સર્વોત્તમ સાધન છે. પ્રાણ વાસ્તવિક રીતે તો મન માટે પ્રેરક છે. પોતાની ઇચ્છા પ્રમાણે કોઈ પણ માણસ આ પ્રાણશક્તિનો વિનિયોગ કરવાનું શીખે તો પોતાના જીવનના દરેકેદરેક કાર્યમાં પ્રત્યક્ષ રૂપે નિશ્ચયાત્મક પરિણામો અનુભવવા મળશે.

કોઈ યોગ વિશેના નિષ્ણાતની સહાયથી સ્વામી વિવેકાનંદનું પુસ્તક ‘રાજયોગ’ વાંચશો તો તમને પ્રાણ વિશે ઘણી માહિતી મળી રહેશે. પ્રાણસંયમ માટે અહીં આપેલા કેટલાંક સૂચનો ધ્યાનમાં રાખવાં :

(૧) ખોરાકના પાચન દ્વારા પ્રાણ કેવી રીતે શક્તિ સ્વરૂપે પ્રગટે છે તેને બરાબર સમજવાનો પ્રયત્ન કરો.

(૨) પગથી માથા સુધી સમગ્ર શરીરમાં પ્રાણ કેવી રીતે અવિરતપણે કાર્ય કરે છે તેનાથી જાગ્રત રહો.

(૩) તાલબદ્ધ રીતે શ્વાસ લેવાની ટેવ પાડો. કોઈ પણ વિષયનો અભ્યાસ કરતાં પહેલાં બે-ત્રણ મિનિટ સુધી તાલબદ્ધ રીતે શ્વાસ લેશો તો તમારું મન સરળ-સહજ રીતે અભ્યાસમાં લાગશે અને ચોક્કસ વિષયમાં તમે ચિંતન-મનન કરી શકશો.

(૪) જ્યારે દેહમન વ્યગ્ર હોય કે ઉશ્કેરાયેલાં હોય ત્યારે પ્રાણશક્તિ નિરર્થક વેડફાઈ જાય છે. એટલે બધી પરિસ્થિતિઓની વચ્ચે સ્વસ્થ-શાંત-ધીર-સ્થિર થઈને મહાવરો કરો.

મન

માનવમનમાં અસીમ શક્તિ રહેલી છે. જે આ શક્તિને એકત્રિત કરીને સુસમૃદ્ધ બનાવી શકે છે અને તેને એક લક્ષ્ય તરફ વાળી શકે તો તે પોતાની બુદ્ધિપ્રતિભા માટે સમગ્ર વિશ્વમાં સુખ્યાત માનવ બની જશે. અને જે આ શક્તિને એકાગ્ર બનીને એકત્રિત કરી શકતો નથી તે આ શક્તિને વેડફી નાખે છે. આ જીવનસંગ્રામમાં વિજય મેળવવા માટે જન્મજન્માંતર દ્વારા એકઠી થયેલી આ શક્તિની અનંત ખાણને શોધો. જો તમે અટલધૈર્ય અને ખંતથી તમારા મનને સંયમમાં લાવી શકો તો દુનિયામાં એવું કંઈ નથી કે જે તમારા માટે અલભ્ય હોય.

મન અત્યંત ચંચળ અને હઠીલું છે. તે આખો દિવસ અહીં તહીં દોડી જાય છે અને તેને જેનાથી ટેવાયેલું છે એ દિશામાં જતું રોકવું અત્યંત દુષ્કર છે. અને વળી જો મનને સદ્‌વિચારોમાં પ્રવૃત્ત રાખવામાં આવે અને એ દિશામાં સહજભાવે વાળવામાં આવે તો તે કોઈ પણ માનવના જીવનને ગૌરવાન્વિત બનાવી શકે છે. તમે એવું મન ધરાવો છો કે જેમાં અદમ્યશક્તિ ભરેલી છે, એ વાત તમારે હંમેશાં યાદ રાખવી જોઈએ અને અનુભવવી જોઈએ. મનને સન્માર્ગે વાળવા માટે તમારે અહીં  આપેલા નિયમનોનું પાલન કરવું જોઈએ :

(૧) તમારા મનને હંમેશાં ઉમદા વિચારોમાં પ્રવૃત્ત રાખો.

(૨) જાણે કે એ પ્રભુની પૂજા છે એમ માનીને નાનાં મોટાં બધાં કાર્યો કાળજીપૂર્વક કરો. તમારા કાર્યની રીતિ અને સિદ્ધિ દ્વારા તમારી ટીકાનિંદાનો માર્ગ ખૂલો રાખવા જેવી બીજી કોઈ મોટી મુર્ખામી નથી. એટલે જ નાનાં મોટાં અને રોજિંદા બધા સામાન્ય કાર્યો એટલી કાળજીથી કરો કે જેથી કોઈને તમારી ટીકા કરવાનો અવસર ન મળે.

(૩) छात्राणाम् अध्ययनम् तप: –  વિદ્યાર્થીઓ માટે અધ્યયન એ જ તપ છે. એટલે તમારા અધ્યયનમાં ત્રુટિ, ક્ષતિ ન રહેવા જોઈએ.

(૪) બધા લોકો પ્રત્યે તમારાં સગાંસંબંધી જેવી દૃષ્ટિ રાખો; બધા ભૂમિપ્રદેશોને તમારી માતૃભૂમિની જેમ ચાહો; બધાં ધર્મો પ્રત્યે આદરભાવ રાખો.

(૫) ‘મન મારું ગુલામ છે; હું મારા મનનો માલિક છું.’ આ જ્ઞાનાદર્શને મક્કમપણે વળગી રહો અને તમારા મનને સરળતાથી ક્ષુબ્ધ ન થવા દો. કોઈ પણ પ્રકારની નિર્બળતા કે ચંચળતાભરી ઊર્મિલતાને અભિવ્યક્તિ કે માર્ગ ન આપો.

(૬) શ્રીપ્રભુનાં સૌંદર્ય, માધુર્ય અને ભવ્યતાનો તેમજ મહાન આત્માઓનો સતત વિચાર કરવાથી મન પવિત્ર, નિર્મળ, એકલક્ષી અને બળવાન બને છે. 

બુદ્ધિ

અનેક અનુભવો દ્વારા વિકસેલી વિવેકશક્તિ એટલે બુદ્ધિ. તીક્ષ્ણબુદ્ધિ એ સમગ્ર માનવવિકાસની આધારશીલા છે. અને બુદ્ધિશક્તિનો અભાવ એ નિષ્ફળતા કે પતનનું કારણ છે. જેમ વ્યક્તિની બુદ્ધિશક્તિનો વધુ ને વધુ વિકાસ થાય છે તેમ તેનાં કાર્યો વધુ ને વધુ કલ્યાણકારી અને પ્રભાવક બને છે. છતાં પણ જો કોઈ પણ માણસ પોતાની બુદ્ધિને પવિત્રશુદ્ધ રાખવાની પદ્ધતિઓને ન અનુસરે તો તે માત્ર વિસ્તૃતી પામે છે પણ તે બુદ્ધિ અનંત ઉપદ્રવ તરફ દોરી જાય છે. એ વાત નિ:શંક છે કે આજે માણસની બુદ્ધિમાં ઘણી વૃદ્ધિ થઈ છે; પરંતુ એ બુદ્ધિ શુદ્ધપવિત્ર નથી. આવી અશુદ્ધ અપવિત્ર બુદ્ધિ દ્વારા માણસ પોતાના કલ્યાણ માટે તેમજ રાષ્ટ્રના કલ્યાણ માટે કેવી રીતે કાર્ય કરવું તે શીખી ન શકે.

બુદ્ધિનો વિકાસ કરવો એ જરૂરી છે; પરંતુ એ બુદ્ધિને આગળ ને આગળ વધતી અને વિકસતી જતી તેમજ વધુ ને વધુ પવિત્રશુદ્ધ બનાવવી એ પણ અત્યંત આવશ્યક બાબત છે. આવો પ્રયાસ સાવ સરળ પણ નથી. બુદ્ધિને પવિત્રશુદ્ધ બનાવવા શિક્ષણ સાથે દરેક વ્યક્તિએ બધાં શક્ય સાધનો પણ અજમાવવાં જ જોઈએ. આટલું ધ્યાનમાં રાખજો કે જે બુદ્ધિ માણસનું દીર્ઘકાલીન કલ્યાણ ન લાવી શકે તે બુદ્ધિ ખરેખર સાચી બુદ્ધિ નથી.

સદીઓ સુધી ભારતના તત્ત્વજ્ઞો-ચિંતકોએ આત્મવિજ્ઞાનની વિશિષ્ટતા વિશે સઘન અને સૂક્ષ્મ શોધ કરી છે. આ અનન્ય શોધ માટે વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કર્યો છે. અને જીવના ઉદ્‌ભવસ્થાન, વિકસિતરૂપ અને તેના લક્ષ્યપ્રાપ્તિસ્થાન વિશે ચોક્કસ અને સ્પષ્ટ સંશોધનો થયાં છે. એમાંની એક હકીકત આ છે કે જ્યાં સુધી માનવબુદ્ધિ કેટલાક અગત્યના ચોક્કસ મુદ્દાઓને ન સમજે ત્યાં સુધી પોતાના કલ્યાણ માટે પોતાની કઈ ફરજ છે એ ચોક્કસ કરી શકતો નથી.

આધુનિક સુસંસ્કૃત વિશ્વ પાસે આજે આત્મજ્ઞાન વિશે કોઈ જાણકારી નથી પણ માનવના વિષયસુખ માટે કેટકેટલીયે ખંતપૂર્વકની સુવિધાઓ ઊભી કરી છે. પરિણામે દુનિયામાં દુ:ખવિષાદચિંતાનો ક્યાંય અંત નથી. જીવાત્માએ આચરવા જેવી આવશ્યક વસ્તુઓનો સારસંક્ષેપ આ પ્રમાણે છે :

(૧) શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ અને બીજા ઇન્દ્રિય ભોગના પદાર્થોના ઉપભોગ માટે જીવ વારંવાર જૂના શરીરનો ત્યાગ કરીને નવું શરીર ધારણ કરે છે.

(૨) નવા અને પછીના જીવન માટે શરીર અને મનને પૂર્વજન્મના અનુભવ-કર્મોને આધારે રચવામાં આવે છે. આને લીધે જીવ પોતાના ભૂતકાળના અનુભવ-કર્મનાં ફળો ભોગવે છે.

(૩) જ્યારે મૃત્યુ આવે છે ત્યારે જીવાત્માનું સ્થૂળ શરીર મરી જાય છે. ભલાંબૂરાં છાપ-કર્મો સૂક્ષ્મશરીરમાં પડ્યાં રહે છે. લોકો આ છાપ-કર્મોને ભાગ્ય કે વિધાતા કહે છે.

(૪) જીવ હેતુપૂર્વક કર્મો કરે છે અને એના કર્મોના પરિણામો એને ભોગવવાં પડે છે.

(૫) કર્મના મર્મને જાણીને જે માનવ કર્મ કરે છે તે પોતાનાં દુષ્ટ કર્મોનાં માઠાં ફળ-પરિણામોને દૂર કરી શકે છે.

આપણા માનસિક-શારીરિક કર્મોનાં ભલાંબૂરાં પરિણામો વિશે સ્પષ્ટ વિભાવના હોવી અને આપણા પોતાના માટે કલ્યાણકારી બની શકે તેવા વિચારો અને કાર્યોથી ટેવાવું એ મુખ્ય બાબત છે. કેળવણીનું ધ્યેય આ છે. કેળવણીનું ધ્યેય અને બુદ્ધિને સમજવાની પ્રારંભિક વાત પણ આ છે. આ બાબતમાં અહીં આપેલા નિયમોનું અનુસરણ ખૂબ સહાયક બનશે.

(૧) આદર્શ જીવનઘડતર માટેની ઉત્કટતા એ વિકાસ-ઉન્નતિ માટેની પૂર્વાપેક્ષિત મુખ્ય વાત છે. આવું આદર્શ જીવનઘડતર કરવા માટે તમારે મહાન આત્માઓના જીવન આદર્શ પર ચિંતન-મનન કરવું જોઈએ. આ બાબતમાં સ્વામી વિવેકાનંદનું સાહિત્ય વિશેષરૂપે સહાયક બનશે.

(૨) જ્યાં સુધી માણસ વિચાર કાર્ય ન કરે ત્યાં સુધી બુદ્ધિ પરિશુદ્ધ થતી નથી. એટલા માટે વિવિધ પ્રકારનાં કાર્યો કરવાનું જેમ બને તેમ વધુ શીખો. ઘરને શણગારવું, ફૂલ-ફળનાં બગીચાઓ રચવા, સાહિત્યની ચર્ચા કરવી અને ચિત્રકામ જેવા આયોજનોમાં રસરુચિ કેળવો.

(૩) આવી દૃઢ પ્રતિજ્ઞા કરો : ‘હું બીજા પર આશ-આધાર નહિ રાખું. હું બધી બાબતમાં પૂરેપૂરો સ્વાશ્રયી-સ્વાવલંબી રહેવાનો પ્રયત્ન કરીશ.’

(૪) કાળજી પૂર્વકનું, વિવેકપૂર્વકનું વિશ્લેષણ કર્યા વિના કોઈપણ ચોક્કસ પદાર્થ-વિષય પ્રત્યે આકર્ષાવું નહિ. અવિવેકપૂર્વકના કોઈપણ વસ્તુ – જેવા કે કાર્ય, લોકો, માન્યતાઓ, ખોરાક, વગેરે – પ્રત્યેના ગમા-અણગમા ઘણા નુકશાનકારી છે.

(૫) આવો મક્કમ નિર્ણય કરો : ‘હું કોઈને નુકશાન કરીશ નહિ. ભલે કોઈ વ્યક્તિ મારી વિરુદ્ધ જાય તો ય હું તેને સહાય કરીશ.’

(૬) આપણી બુદ્ધિને પવિત્ર બનાવવાનો શ્રેષ્ઠ ઉપાય પ્રભુના સાચા સ્વરૂપને સમજવામાં અને એમની સેવા કરવામાં છે.

અંતે તમારે બુદ્ધિશક્તિ વિશે ઘણો અગત્યનો આ બોધપાઠ શીખવો જોઈએ. સમગ્ર વિશ્વનું સંચાલન સર્વજ્ઞ પ્રજ્ઞાશક્તિ કરે છે, અને તમારી ચોક્કસ બુદ્ધિ તો આ મહાબુદ્ધિશક્તિની સામે એક નાના અણુ જેવી છે. તમારી તીવ્ર અને પ્રબળ ઇચ્છાશક્તિથી તમે તમારી સીમિત બુદ્ધિને અસીમ પ્રજ્ઞા સાથે જોડી શકો છો. પછી આ સીમિત પ્રજ્ઞામાં પેલી અસીમ પ્રજ્ઞા પ્રગટ થશે. દરરોજ આવી પ્રાર્થના કરો: ‘હે પ્રભુ અમારી બુદ્ધિને યોગ્ય માર્ગે પ્રેરજો!’

સમાપન

શરીર, પ્રાણ, મન અને બુદ્ધિનો સમાન વિકાસ, સમાનોન્નતિ એ જ સાચી કેળવણી, એ જ આત્મવિકાસ. આવી કેળવણી મેળવવાનો સુભગ અવસર મેળવનાર, સંપૂર્ણ તંદુરસ્ત, શક્તિથી છલોછલ, વિચારશીલ અને બુદ્ધિમાન વ્યક્તિને આપણે સાચી રીતે કેળવાયેલી અને સંસ્કારી વ્યક્તિ ગણીએ છીએ. આવો સુશિક્ષિત માનવ આનંદ અને દુ:ખ તેમજ સૌંદર્યની સૂઝબૂઝની સૂક્ષ્મ સંકલ્પના ધરાવતો હોય છે એ બાબત તરફ તમારું ધ્યાન જવું જોઈએ. આવી સંકલ્પના અને આ જીવનની સૂક્ષ્મ બાબતોની સૂઝબૂઝ ધરાવતા મનુષ્યો જેટલી વધુ સંખ્યામાં હશે તેટલો તે સમાજ વધુ સુસંસ્કૃત બનશે. અમારી આ બાબતમાં તમને એટલી નમ્ર વિનંતી છે કે તમારા વિદ્યાર્થીજીવનથી માંડીને ત્યારપછીના આગળના જીવન પર્યંત આ સૌંદર્યની સૂઝબૂઝની શક્તિને જગાડવા તમે તમારું ધ્યાન પૂરેપૂરું કેન્દ્રિત કરો. આવું કરવાથી તમને ચોક્કસપણે ખાતરી થશે કે આ શક્તિ તમારા જીવનમાં ઉચ્ચકક્ષાએ વિકસી છે.

તમારા પોતાના પ્રયત્નો દ્વારા જ્યાં સુધી તમે સૌંદર્યનું સર્જન કરવાની ટેવ નહિ પાડો ત્યાં સુધી તમે ગોખી રાખેલા શબ્દો દ્વારા સૌંદર્યને સમજી શકવાના નથી. આપણી આજુબાજુ સૌંદર્યનું સર્જન કરવાની લોકોમાં ટેવ પાડવી એ આપણા દેશની આજની મોટી આવશ્યકતા છે. જે માણસ પોતાના હાથે, પોતાની મેળે કામ કેવી રીતે કરવું તે જાણતો નથી તેને માથે આજુબાજુના અણદીઠેલા અને ગંદા વાતાવરણથી સહન કરવવાનું આવી પડશે. પછી ભલે આ બાબત એને ગમે કે ન ગમે. પછી ધીમે ધીમે તેની સૌંદર્યની સૂઝબૂઝ અદૃશ્ય થતી જશે. સૌંદર્યની સૂઝબૂઝ માટે અને સૌંદર્યના સર્જન માટે અહીં આપેલા કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી છે.

(૧) ગીતા અને ઉપનિષદોના કેટલાક મધુર અને પ્રેરણાદાયી શ્લોક સમજો અને યાદ રાખી લો. આ શ્લોકોનું નિયમિત રીતે પઠન કરતા રહો.

(૨) મહાપુરુષોના પ્રેરણાદાયી જીવન અને સંદેશનું નિયમિત રીતે વાચન કરો અને તેની ચર્ચા કરો.

(૩) સાહિત્ય, સંગીત, કળા જેવા વિષયોમાં રસરુચિ કેળવો અને તમારી સર્વોત્તમશક્તિ વાપરીને તેનો મહાવરો કરતા રહો.

(૪) તમારાં ઘર, ખંડ, વિદ્યાર્થીમંદિર, શાળા, બીજાં મકાનો અને બગીચાને સુંદર બનાવવાના પ્રયત્ન કરો.

(૫) ઉત્સવો, ધાર્મિક કાર્યક્રમો અને એના જેવા બીજા મેળાવડાઓની વ્યવસ્થા તમે તમારી મેળે કરો.

(૬) સુંદર અને ઐતિહાસિક સ્થળો અને યાત્રાસ્થાનોનો અવારનવાર થતો યાત્રાપ્રવાસ વિશેષ લાભદાયી નીવડે છે.

અંતે તમને એક વધારે આદર્શ વિચાર આપવાનું આવશ્યક માનું છું. તમે સૌ જુઓ છો કે લોકો સાંપ્રદાયિકતાના, માન્યતાઓના, જાતિ-ભાષાના પોષાક અને રીતિરિવાજના ભેદભાવના કારણે સમગ્ર વિશ્વમાં ગાંડાની જેમ ઝઘડ્યા કરે છે. સૌથી વધુ કરુણાજનક વાત તો એ છે કે લોકો આવી સાચા ધર્મવિરોધી અધાર્મિક બાબતોને ધર્મ ગણે છે. એટલે જ આજનો માનવ ધર્મને નામે ધ્રૂજે છે. લોકો એ જાણતા નથી કે બધામાં એક અને સમાન આત્મતત્ત્વ રહેલું છે. એને પણ સુખ-દુ:ખ અનુભવવાં પડે છે. આજથી જ તમે જીવોમાં રહેલા બધા આત્માઓ જેમાં સમાયેલાં છે એવા પરમાત્માના મહિમાને અનુભવવાનો નિષ્ઠાપૂર્વકનો પ્રયાસ કરો. આત્માની એકતાની આ અનુભૂતિ દ્વારા તમે જાગ્રત બનો. આટલું ચોક્કસપણે જાણી લો કે આ બાબત બધાં નીતિશાસ્ત્રોની આધારશિલા છે. આ આત્મજ્ઞાન રાષ્ટ્ર માટે, સમાજ માટે અને વ્યક્તિના પોતાના વ્યક્તિગત જીવન માટે જો બીજા શબ્દોમાં કહીએ તો સમગ્ર સભ્યતા-સંસ્કૃતિ માટે એક આધારશિલા છે. બધામાં ઈશ્વરની શક્તિ ચૈતન્ય રૂપે રહેલી છે. કેટલીક પ્રવૃત્તિઓમાં આ શક્તિ પ્રકાશિત થાય છે, પ્રગટે છે જ્યારે કેટલીક પ્રવૃત્તિઓમાં તે સુુષુપ્ત રહે છે. જ્યારે ચૈતન્યશક્તિ વૃદ્ધિ પામે છે ત્યારે સુખાનંદ મળે છે અને જ્યારે એમાં ઓટ આવે છે ત્યારે દુ:ખવિષાદ જન્મે છે. જે કાર્ય આપણને સુખ આપે તે સદ્‌ગુણ અને જે કાર્યને પરિણામે આપણને દુ:ખશોક મળે તે દુર્ગુણ. એટલા માટે તમારે સૌએ પોતપોતાના જીવનને એવી રીતે સંયમમાં રાખવા જોઈએ કે તમારું કાર્ય તમને દુ:ખી તો ન બનાવે પરંતુ એ તમને સુખ અને આનંદના પથે દોરી જાય. તમે સૌ સુખી બનો અને બીજાને સુખી બનાવો એમ હું ઇચ્છું છું.

પ્રકીર્ણ

અભ્યાસ ટેવો

(૧) જ્યારે ભાષાનો અભ્યાસ કરતા હો ત્યારે તેના વ્યાકરણ પર કાળજીપૂર્વક ધ્યાન આપવું.

(૨) આટલું હંમેશાં યાદ રાખજો કે શિક્ષણનું ધ્યેય જ્ઞાનપ્રાપ્તિ છે, માત્ર પરીક્ષામાં સફળ થવું એ નહિ.

(૩) બીજા સાથે પોતાના વિચારોના આદાનપ્રદાનનું માધ્યમ ભાષા છે. વિદેશીઓ સાથે રહેવા કે હળવા મળવા માટે અંગ્રેજી શીખો. બીજા ભારતીય લોકો સાથે વિચારોનું આદાનપ્રદાન કરવા માટે હિંદી ભાષા શીખો.

(૪) માનવની મૂળભાષા અને ભારતીય સંસ્કૃતિના ખજાના જેવી સંસ્કૃત ભાષા શીખવી એ અત્યંત આવશ્યક છે. ચાણક્યના શ્લોકોને યાદ કરી લો (ખાસ કરીને વ્યવહારુ જીવન, નૈતિકતા અને શાસનના સિદ્ધાંતો). સુંદર છંદોબદ્ધ સંસ્કૃત શ્લોકોનું ગાન કરતાં શીખો.

ધર્મ-શિક્ષણની રીત

મહાન ઉપદેશક સ્વામી વિવેકાનંદના ધર્મ વિશેના આ બે ઉદ્‌ગારો હંમેશાં યાદ રાખજો:

(૧) ‘ધર્મ એટલે હોવું અને બનવું.’ બીજા શબ્દોમાં કહીએ તો ધર્મ એટલે કોઈ ચોક્કસ આદર્શને તમારી સમક્ષ લક્ષ્યરૂપે રાખીને એ આદર્શને અનુભવવા માટે સતત પ્રયત્નશીલ રહેવું.

(૨) ‘ધર્મ એટલે માનવમાં પહેલેથી જ રહેલી દિવ્યતાનું પ્રગટીકરણ.’ અર્થાત્‌ માનવમાં રહેલી દિવ્યતાને જગાડવી કે અનાવૃત્ત કરવી એટલે ધર્મ. જે લોકો ધર્મના વિવિધ પથોને જ સમગ્ર ધર્મ માની લે છે તેઓ સંપ્રદાયો સર્જે છે અને અંદરોઅંદર ઝઘડે છે. પરંતુ એ સાચો ધર્મ નથી. કોઈ ચોક્કસ શ્રદ્ધા કે માન્યતાને જ વળગી રહેવું એમાં ધર્મ નથી. પરંતુ ધર્મ તો ત્યાં છે કે જ્યાં આપણે સ્વીકારેલી શ્રદ્ધાઓ-માન્યતાઓ પ્રમાણે આપણે આપણા જીવનને વાળી શકીએ.

Total Views: 22
By Published On: August 25, 2022Categories: Premeshananda Swami0 CommentsTags: ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram