[‘ભારત એ આપણી માતા’ પૃ.૨૪૬, મૂલ્ય: ૯૦/, પ્રકાશક : ધી મધર્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ રીસર્ચ, દિલ્હી અને મીરા અદિતી સેન્ટર, મૈસૂર; પ્રાપ્તિ સ્થાન : પ્રવીણ પુસ્તક ભંડાર, એસ.ટી. સ્ટેન્ડ સામે, રાજકોટ – ૨.]

મૂળ અંગ્રેજી પુસ્તક ‘India : The Mother’ નો ‘ભારત એ આપણી માતા’એ નામે શ્રી પી.એમ. વૈષ્ણવે કરેલો ગુજરાતી અનુવાદવાળા આ ગ્રંથમાં અરવિંદના સાથી શ્રીમાતાજીને તેમના અંતરંગ શિષ્ય સત્પ્રેમ સાથે વર્ષો સુધી થયેલી વાતચીતની વ્યવસ્થિત નોંધવાળા ‘મધર્સ એજન્ડા’નામના પુસ્તકમાંથી ચયન થયેલી કેટલીક નોંધો સમાયેલી છે. શ્રીમાતાજીને મન ભારત પ્રાચીન માતા, શક્તિનું સ્વરૂપ છે. ભારતની મહાન આધ્યાત્મિક સંસ્કૃતિ ભવિષ્યમાં જગતને દોરનારું બળ બનશે. આ ભારતવર્ષ વિશ્વને નવાં આંતર્પ્રેરણા, દર્શન અને નેતૃત્વ આપશે. આ પુસ્તકમાં ૧૯૪૫ થી ૧૯૭૩ના વિશાળ સમય પર ફેલાયેલી સત્પ્રેમ સાથેની પ્રશ્નોત્તરીમાં, યોગ સિવાયના તત્કાલીન બનાવો આવરી લેવાયા છે. તેથી આ પુસ્તક સૌને ગમે તેવું છે. શ્રીમાતાજીએ રોજબરોજ ભારતમાં બનતા બનાવો પર જે સ્પષ્ટ, નીડર અને આર્ષદૃષ્ટિપૂર્ણ મંતવ્યો વ્યક્ત કર્યાં છે તે આજે એટલાં જ પ્રસ્તુત છે. આ પુસ્તકમાં દલાઈ લામાની મુલાકાત, જવાહરલાલ નહેરૂની બે મુલાકાત, ઈંદિરા ગાંધીની માતાજી સાથેની વાતચીત અને ૧૯૭૧ના યુદ્ધ વખતેનો તેમના સાથેનો વ્યવહાર, રાષ્ટ્રપતિને મોકલેલા સંદેશાઓ વગેરેનું રોચક વર્ણન શ્રીમાતાજીની વિશિષ્ટ શૈલીથી કંડારાયું છે. તેમના પત્રો વગેરે પણ બીજી અનેક સમસ્યાઓ પર તેમના દૃષ્ટિકોણને અભિવ્યક્ત કરે છે, જેમ કે શિક્ષણ, વિદ્યાર્થીઓ અને માબાપો, સ્ત્રીઓની શક્તિ, સૌંદર્ય અને કળાની વિભાવના, પૈસાનો પ્રશ્ન, કરવેરા, સંસ્કૃત ભાષાનું મહત્ત્વ, ભારતની શાસનપદ્ધતિ, સાંપ્રત નેતાગીરી, વિદેશનીતિ, અણુપ્રયોગોમાં રહેલો વૈશ્વિક ખતરો વગેરે. આપણે શ્રીમાતાજીને નવી દિવ્ય માનવજાતિના અગ્રદૂત તરીકે જાણીએ છીએ. પરંતુ અહીં તો તેઓ ભારતનાં સાંપ્રત સામાજિક-રાજકીય જીવનનાં ઊંડાં અભ્યાસુ અને સ્પષ્ટ વક્તા તરીકે પ્રથમવાર પ્રગટ થાય છે. આજે ૨૦૦૨માં તેમના આ વિચારો વાંચતાં આપણે તેમના પ્રત્યે સાહજિક અહોભાવ થાય છે.

Total Views: 113

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.