જે ધર્મે સહિષ્ણુતા અને અખિલ વિશ્વની એકતાનો બોધ દુનિયાને આપ્યો છે તે ધર્મનો અનુયાયી હોવામાં હું ગૌરવ લઉં છું. અમે કેવળ સમગ્ર વિશ્વ પ્રત્યેની સહિષ્ણુતામાં માનીએ છીએ; એટલું જ નહીં, પણ સર્વ ધર્મને સાચા તરીકે સ્વીકારીએ છીએ. અમે પૃથ્વી પરની સર્વ પ્રજાઓ અને ધર્મોના ત્રાસિતો અને નિર્વાસિતોને આશ્રય આપ્યો છે અને તે વાતનું મને અભિમાન છે. રોમન જુલમગારોએ યહૂદી ધર્મના પવિત્ર દેવળને જ્યારે તોડી પાડ્યું  ત્યારે તે જ સાલમાં દક્ષિણ ભારતમાં દોડી આવનાર એમના પવિત્ર અવશેષોને અમે અમારી ગોદમાં સમાવ્યા હતા, એ વાતની આપને યાદ આપતાં હું ગૌરવ અનુભવું છું. મહાન જરથોસ્તી પ્રજાના અવશેષોને આશ્રય આપનાર અને આજ દિવસ સુધી પાળનાર ધર્મના એક અનુયાયી હોવાનું મને અભિમાન છે. ભાઈઓ! મારા બાળપણથી જે સ્તોત્રનો વારંવાર પાઠ કર્યાનું મને સ્મરણ છે અને જેનો આજે પણ સેંકડો માણસો નિત્ય પાઠ કરે છે, તે સ્તોત્રમાંનાં થોડાં ચરણો હું આપની પાસે ઉચ્ચારીશ. એમાં કહ્યું છે: ‘જેમ જુદાં જુદાં સ્થળેથી નીકળતાં અનેક નદીઓનાં વહેણ અંતે મહાસાગરમાં જઈને સમાય છે તેમ, ઓ પ્રભુ! જુદાં જુદાં માનસિક વલણથી સ્વીકારાયેલા ધર્મમાર્ગો ગમે તેવા ભિન્ન હોય, સરલ યા અટપટા હોય, તો પણ એ બધા તારા પ્રત્યે જ લઈ જાય છે.’

આવી મહત્ત્વપૂર્ણ સભા આજ પહેલાં ભાગ્યે જ મળી હશે. શ્રીમદ્‌ ભગવદ્‌ગીતામાં કહેલા નીચેના અદ્‌ભુત સિદ્ધાંતનું જગત સમક્ષ એ પ્રતિપાદન અને ઉદ્‌ઘોષણા કરે છે: ‘ગમે તે સ્વરૂપમાં જે કોઈ મારી પાસે આવે છે તે મને પામે છે. મને પામવાને મથતા સર્વ મનુષ્યોના જુદા જુદા માર્ગો અંતે મારી ભણી વળે છે.’

પંથવાદ, ધર્માંધતા અને તેમાંથી પેદા થતાં ભયંકર ધર્મઝનૂન, આ સુંદર જગતને વરસો સુધી આવરી રહેલાં છે. દુનિયાને એ ઝનૂને હિંસાથી ભરી દીધી છે અને માનવલોહીથી વારંવાર રંગી નાખી છે, સંસ્કૃતિઓનો નાશ કર્યો છે અને સમગ્ર પ્રજાઓને નિરાશામય બનાવી છે. આ ત્રાસદાયી રાક્ષસોનું અસ્તિત્વ ન હોત તો, આજના કરતાં માનવસમાજે વધારે પ્રગતિ સાધી હોત. પણ હવે એનો સમય ભરાઈ ગયો છે; અને આજે સવારે આ સભાના સ્વાગતમાં જે ઘંટારવ થયો હતો તે એક જ લક્ષ્ય તરફ જતા જુદા જુદા માનવીઓ વચ્ચે રહેલી સંકુચિત વૃત્તિઓનો, સર્વ ઝનૂનવાદોનો, અને તલવાર કે કલમથી થતા સર્વ ત્રાસનો મૃત્યુઘંટ હતો, એવી આગ્રહપૂર્વક હું આશા રાખું છું.

–  સ્વામી વિવેકાનંદ
(‘સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા’, ભાગ.૩, પૃ.૩-૪)

Total Views: 29
By Published On: August 25, 2022Categories: Vivekananda Swami0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram