રામકૃષ્ણ મઠ, ચેન્નાઈ દ્વારા પ્રકાશિત ‘Tales and Parables of Sri Ramakrishna’માંથી શ્રીરામકૃષ્ણદેવની બોધકથાઓમાંથી પહેલી બોધકથાનો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.

ધર્મ અને તત્ત્વજ્ઞાનના ગૂઢતત્ત્વો જ્યારે દૈનંદિન ગૃહજીવનના દૃષ્ટાંતો દ્વારા રજૂ થાય છે ત્યારે એ ઘણા પ્રભાવક બની જાય છે. આવી ઉપમાઓ અને શબ્દચિત્રો દ્વારા જ્યારે આવાં સનાતન સત્યો રજૂ થાય છે ત્યારે તે સરળતાથી સમજી શકાય છે. એટલા માટે ઈસુ કે મહમ્મદ, બુદ્ધ કે મહાવીર, શંકરાચાર્ય કે રામકૃષ્ણ જેવા સંતોના ઉપદેશો અને જીવનસંદેશમાં આ બોધકથાઓ ઘણું મહત્ત્વનું સ્થાન ધરાવે છે. 

આ છે આપણી દુનિયા!

એક દિવસ શ્રીઠાકુરના સેવક હૃદય એક વાછડો લાવ્યા. મેં જોયું કે એમણે બગીચામાં એને લાંબા દોરડાથી બાંધી દીધો હતો, જેથી આજુબાજુ ચરી શકે. મેં તેને પૂછ્યું: ‘હૃદય, તું દરરોજ ત્યાં આ વાછરડાને શા માટે બાંધે છે?’ હૃદયે કહ્યું: ‘મામા, હું આ વાછરડાને આપણા ગામ મોકલવાનો છું. જ્યારે એ મોટો થશે ત્યારે એને હું સાંતીએ જોડીશ.’ મેં જેવા આ શબ્દો સાંભળ્યા ત્યારે હું આશ્ચર્ય સાથે વિચારવા લાગ્યો: ‘આ માયાનો ખેલ કેવો ગહન છે! કામારપુકુર અને શિહોર કોલકાતાથી કેટલાં દૂર! આ બિચારો વાછડો ત્યાં સુધી ચાલીને જશે. પછી એ મોટો થશે અને પછી એને સાંતીએ જોડશે. આ છે આપણી દુનિયા! આ છે માયા!’ આ શબ્દો સાથે શ્રીઠાકુર સમાધિભાવમાં આવી ગયા અને ઘણો સમય વીત્યા પછી તેઓ પાછા સામાન્ય ભાવમાં આવ્યા.

આપણે બધા આ માયાની દુનિયામાં કેવા ફસાવા તૈયાર થઈએ છીએ અને ફસાઈ જઈએ છીએ એ ગહનવાત સરળ અને સહજ શબ્દોમાં ઉદાહરણ દ્વારા શ્રીરામકૃષ્ણદેવે આપણને અહીં સમજાવી છે.

આ દુનિયાના જંગલમાં

એક વખત એક માણસ જંગલમાંથી પસાર થતો હતો ત્યારે ત્રણ લૂંટારા એના પર ખાબક્યા અને એની પાસે હતું એ બધું લૂંટી લીધું. એક લૂંટારો બોલ્યો : ‘આ માણસને જીવતો શા માટે રાખવો જોઈએ?’ એમ કહીને એને મારી નાખવા માટે તેણે તલવાર ઉપાડી અને ખેંચી ત્યારે બીજો લૂંટારો વચ્ચે પડ્યો અને કહ્યું: ‘અરે ભાઈ, રહેવા દે. એને મારીને આપણને શું ફાયદો છે? એના હાથ પગ બાંધી દો અને એને અહીં છોડી દો.’ લૂંટારાઓએ તો એના હાથપગ બાંધી દીધા અને ચાલ્યા ગયા. થોડીવાર પછી ત્રીજો લૂંટારો પાછો આવ્યો અને પેલા ભાઈને કહ્યું: ‘અરે, હું દિલગીર છું. તને ઈજા થઈ છે. હું તને તારા બંધનમાંથી મુક્ત કરું છું.’ માણસને મુક્ત કરીને ચોરે કહ્યું: ‘હવે મારી સાથે ચાલ. હું તને જાહેર માર્ગ સુધી લઈ જઈશ.’ ઘણા સમય પછી તેઓ જાહેર માર્ગ પર આવ્યા. એ વખતે પેલા ભાઈએ લૂંટારાને કહ્યું: ‘ભાઈ, તમે મારા પ્રત્યે ઘણી માયા દાખવી છે. તમે મારી સાથે મારા ઘેર આવો. લૂંટારાએ જવાબ આપ્યો: ‘અરે, ના! હું ત્યાં આવી શકું નહિ. પોલિસને એની ખબર પડી જશે.’

આ દુનિયા પોતે જ એક જંગલ છે અને આ જંગલમાં ભટકતા ત્રણ લૂંટારા એટલે સત્ત્વ, રજસ્‌ અને તમસ્‌. આ એ જ લૂંટારા છે કે જેઓ માણસનું સત્ય વિશેનું જ્ઞાન હરી લે છે. તમસ્‌ એનો નાશ કરવા માગે છે, રજસ્‌ એને સાંસારિક બંધનોમાં બાંધી દે છે. પણ સત્ત્વ તેને રજસ્‌ અને તમસ્‌ના પંજામાંથી છોડાવે છે. સત્ત્વના આરક્ષણ હેઠળ માણસ તમસ્‌જન્ય ક્રોધ, કામવાસના, અને બીજાં દુષ્ટતત્ત્વોની અસરથી બચી જાય છે. સત્ત્વ માણસને સર્વોત્કૃષ્ટ અને અંતિમ સત્યનું જ્ઞાન આપી શકતો નથી. પરંતુ તે ઈશ્વરના અસીમ અને સર્વોચ્ચ ઘર સુધી જવાના પથ સુધી દોરી જાય છે. સન્માર્ગે સ્થિર કર્યા પછી સત્ત્વ મનુષ્યને કહે છે: ‘ત્યાં આગળ જો. ત્યાં જ તારું ઘર છે.’ સત્ત્વ પણ બ્રહ્મજ્ઞાનથી ઘણો દૂર છે.

પુસ્તક સમીક્ષા

[‘ભારત એ આપણી માતા’ પૃ.૨૪૬, મૂલ્ય: ૯૦/, પ્રકાશક : ધી મધર્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ રીસર્ચ, દિલ્હી અને મીરા અદિતી સેન્ટર, મૈસૂર; પ્રાપ્તિ સ્થાન : પ્રવીણ પુસ્તક ભંડાર, એસ.ટી. સ્ટેન્ડ સામે, રાજકોટ – ૨.]

મૂળ અંગ્રેજી પુસ્તક ‘India : The Mother’ નો ‘ભારત એ આપણી માતા’એ નામે શ્રી પી.એમ. વૈષ્ણવે કરેલો ગુજરાતી અનુવાદવાળા આ ગ્રંથમાં અરવિંદના સાથી શ્રીમાતાજીને તેમના અંતરંગ શિષ્ય સત્પ્રેમ સાથે વર્ષો સુધી થયેલી વાતચીતની વ્યવસ્થિત નોંધવાળા ‘મધર્સ એજન્ડા’નામના પુસ્તકમાંથી ચયન થયેલી કેટલીક નોંધો સમાયેલી છે. શ્રીમાતાજીને મન ભારત પ્રાચીન માતા, શક્તિનું સ્વરૂપ છે. ભારતની મહાન આધ્યાત્મિક સંસ્કૃતિ ભવિષ્યમાં જગતને દોરનારું બળ બનશે. આ ભારતવર્ષ વિશ્વને નવાં આંતર્પ્રેરણા, દર્શન અને નેતૃત્વ આપશે. આ પુસ્તકમાં ૧૯૪૫ થી ૧૯૭૩ના વિશાળ સમય પર ફેલાયેલી સત્પ્રેમ સાથેની પ્રશ્નોત્તરીમાં, યોગ સિવાયના તત્કાલીન બનાવો આવરી લેવાયા છે. તેથી આ પુસ્તક સૌને ગમે તેવું છે. શ્રીમાતાજીએ રોજબરોજ ભારતમાં બનતા બનાવો પર જે સ્પષ્ટ, નીડર અને આર્ષદૃષ્ટિપૂર્ણ મંતવ્યો વ્યક્ત કર્યાં છે તે આજે એટલાં જ પ્રસ્તુત છે. આ પુસ્તકમાં દલાઈ લામાની મુલાકાત, જવાહરલાલ નહેરૂની બે મુલાકાત, ઈંદિરા ગાંધીની માતાજી સાથેની વાતચીત અને ૧૯૭૧ના યુદ્ધ વખતેનો તેમના સાથેનો વ્યવહાર, રાષ્ટ્રપતિને મોકલેલા સંદેશાઓ વગેરેનું રોચક વર્ણન શ્રીમાતાજીની વિશિષ્ટ શૈલીથી કંડારાયું છે. તેમના પત્રો વગેરે પણ બીજી અનેક સમસ્યાઓ પર તેમના દૃષ્ટિકોણને અભિવ્યક્ત કરે છે, જેમ કે શિક્ષણ, વિદ્યાર્થીઓ અને માબાપો, સ્ત્રીઓની શક્તિ, સૌંદર્ય અને કળાની વિભાવના, પૈસાનો પ્રશ્ન, કરવેરા, સંસ્કૃત ભાષાનું મહત્ત્વ, ભારતની શાસનપદ્ધતિ, સાંપ્રત નેતાગીરી, વિદેશનીતિ, અણુપ્રયોગોમાં રહેલો વૈશ્વિક ખતરો વગેરે. આપણે શ્રીમાતાજીને નવી દિવ્ય માનવજાતિના અગ્રદૂત તરીકે જાણીએ છીએ. પરંતુ અહીં તો તેઓ ભારતનાં સાંપ્રત સામાજિક-રાજકીય જીવનનાં ઊંડાં અભ્યાસુ અને સ્પષ્ટ વક્તા તરીકે પ્રથમવાર પ્રગટ થાય છે. આજે ૨૦૦૨માં તેમના આ વિચારો વાંચતાં આપણે તેમના પ્રત્યે સાહજિક અહોભાવ થાય છે.

Total Views: 10
By Published On: August 25, 2022Categories: Uncategorized0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram