આજે આપણે વિજ્ઞાન, ટેક્નોલોજી તેમજ સંદેશ વ્યવહારની બાબતમાં ઘણો ઝડપી વિકાસ સાધી રહ્યા છીએ અને વૈશ્વિક ગ્રામની વાતો પણ કરીએ છીએ. એક બાજુએ ભૌતિક અંતર ઘટી રહ્યું છે તો બીજી બાજુએ માનવ માનવ વચ્ચેનું માનસિક અંતર વધી રહ્યું છે. એ વિરોધાભાસી બાબતો છે. જ્યાં સુધી આપણે વૈશ્વિક સભ્યતા કે સંસ્કૃતિ નહિ મેળવી શકીએ ત્યાં સુધી વૈશ્વિકીકરણનાં મીઠાં ફળો આપણને ચાખવા મળશે નહિ અને આપણને વિશ્વશાંતિ પણ મળશે નહિ. આજે સમગ્ર વિશ્વ એક સંક્રાંતિકાળમાંથી પસાર થઈ રહ્યું છે. આ સંક્રાંતિકાળમાં ત્રાસવાદ, સાંપ્રદાયિકતા, વહેમ, રૂઢિવાદ વગેરેનું વર્ચસ્વ વધતું જાય છે. કેટલાક વિચારકો એવા મતના છે કે દેશદેશ વચ્ચેનો સંઘર્ષ એ પ્રાથમિક ભૂમિકાએ તો સભ્યતા વચ્ચેનો સંઘર્ષ છે અને સભ્યતાનું મૂળ ધર્મમાં છે. ધર્મના નામે માનવજાતના ઇતિહાસમાં ઘણાં લોહિયાળ યુદ્ધો થયાં છે. બીજા કોઈ કારણે આટલાં લોહી વહ્યાં નથી. ૧૮૯૩ની શિકાગો વિશ્વધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદે આ બાબતનો સ્પષ્ટ નિર્દેશ કર્યો હતો: 

‘પંથવાદ, ધર્માંધતા અને તેમાંથી પેદા થતાં ભયંકર ધર્મઝનૂન, આ સુંદર જગતને વરસો સુધી આવરી રહેલાં છે. દુનિયાને એ ઝનૂને હિંસાથી ભરી દીધી છે અને માનવલોહીથી વારંવાર રંગી નાખી છે, સંસ્કૃતિઓનો નાશ કર્યો છે અને સમગ્ર પ્રજાઓને નિરાશામય બનાવી છે. આ ત્રાસદાયી રાક્ષસોનું અસ્તિત્વ ન હોત તો, આજના કરતાં માનવસમાજે વધારે પ્રગતિ સાધી હોત. પણ હવે એનો સમય ભરાઈ ગયો છે; અને આજે સવારે આ સભાના સ્વાગતમાં જે ઘંટારવ થયો હતો તે એક જ લક્ષ્ય તરફ જતા જુદા જુદા માનવીઓ વચ્ચે રહેલી સંકુચિત વૃત્તિઓનો, સર્વ ઝનૂનવાદોનો, અને તલવાર કે કલમથી થતા સર્વ ત્રાસનો મૃત્યુઘંટ હતો, એવી આગ્રહપૂર્વક હું આશા રાખું છું.’

સ્વામી વિવેકાનંદે આ જ વાત ૧૮૯૩ની ૧૧મી સપ્ટેમ્બરે કહી હતી. પરંતુ એમની સાચી સલાહ આપણે કાને ન ધરી અને પરિણામે આપણે ગયા વર્ષે વર્લ્ડ ટ્રેડ સેન્ટરનો મહાવિનાશ જોયો. સૂચક વાત તો એ છે કે આ વિનાશક ઘટના પણ ૧૧મી સપ્ટેમ્બરે બની હતી.  ઘણા લોકો વિશ્વશાંતિ માટે સમાજમાંથી ધર્મનો છેદ ઉડાડી નાખવાની વાતો કરે છે પરંતુ, આ ઉકેલ તો માથાના દુખાવા માટે માથાને ઉડાડી દીધા જેવો છે. જો આપણે સમાજમાંથી ધર્મને દૂર કરી દઈએ તો જે બાકી રહેશે તે હશે પશુઓનો સમૂહ માત્ર.

યુનેસ્કોના ખતપત્રના આમુખમાં જણાવ્યું છે: ‘જો અને જ્યારે માનવમનમાં સમરાંગણો શરૂ થાય તો અને ત્યારે શાંતિ સંરક્ષણનાં સાધનોની સંરચના માનવમનમાં થવી જોઈએ.’ એક અંગ્રેજ વિદ્વાન ડો. જોસીઆહ ઓલ્ડ ફિલ્ડે બીજા વિશ્વયુદ્ધની સાંજે એક વાત બહુ સુંદર રીતે કરી છે: ‘ભલમનસાઈવાળા સજ્જનોની યુદ્ધરીતિની ચર્ચા કરવાની આતુરતા કરતાં બદમિજાજવાળા અને શાંતિની ચર્ચા કરવાની આતુરતા બતાવનારા લોકો દ્વારા વધુ યુદ્ધો જન્મ્યાં છે.’ એટલા માટે અગત્યની વાત તો એ છે કે લોકોમાં પ્રેમ, કરુણા, સહાનુભૂતિ અને ભલમનસાઈ કેળવવી જોઈએ અને આ બધું ધર્મના સાચુકલા હૃદયના અનુસરણથી મેળવી શકાય છે. આ ગુણલાગણીઓને કેળવવા અને વૃદ્ધિ કરવા માટે ધર્મ એક મહાન પ્રભાવકબળ બની શકે તેમ છે. એટલા માટે વિશ્વશાંતિ મેળવવા આપણે ધર્મમાંથી અંધશ્રદ્ધા અને અતિવાદને દૂર કરવા પડશે.

જો આપણે વિશ્વશાંતિ ઝંખતા હોઈએ તો ધર્મની અનેકવિધતાની ધર્મસંકટ જેવી સમસ્યાને ઉકેલવી પડશે. ક્લાઉડ એલન સ્ટાર પોતાના પુસ્તક ‘God of All’માં સૂચવે છે કે ધર્મની અનેકતાની સમસ્યાના ઉકેલમાં શ્રીરામકૃષ્ણના જીવનસંદેશનો અભ્યાસ ઘણો સહાયક બની શકે તેમ છે. શ્રીરામકૃષ્ણે પોતાની જીવનપ્રયોગશાળામાં હિંદુધર્મ, ખ્રિસ્તીધર્મ, ઈસ્લામ વગેરેને – એક પછી એક ક્રમશ: – જીવનમાં જીવી બતાવ્યા હતા અને ઉતાર્યા હતા. આ અનુભૂતિના આધારે તેઓ એ નિર્ણય પર આવ્યા કે અંતિમ સત્ય, ઈશ્વર એક છે પછી ભલે આપણે એમને જુદાં જુદાં નામે ઓળખતા હોઈએ અને જુદા જુદા પથે ચાલીને એમને પ્રાપ્ત કરતા હોઈએ. જુદા જુદા ધર્મોમાં રહેલા સત્યનું આચરણ અને ખાતરી કર્યા પછી શ્રીરામકૃષ્ણદેવે કહ્યું: ‘જતો મત તતો પથ – જેટલા મત તેટલા પથ’. સર્વધર્મ-સમભાવની વાતને તેઓ સાદી છતાં અસરકારક રીતે આલંકારિક શૈલીમાં આ રીતે વર્ણવે છે: ‘એક હિંદુ સ્ત્રી તળાવની એક બાજુએ જઈને પાણી ભરીને કહે છે: હું ‘જલ’ લાવી છું; કોઈ મુસ્લિમ સ્ત્રી વળી બીજી બાજુએથી પાણી ભરી એમ કહે છે: હું ‘પાની’ લાવી છું; અને વળી કોઈ ખ્રિસ્તી સ્ત્રી બીજે રસ્તે જઈને કહે છે: હું ‘વોટર’ લાવી છું; વળી ચોથી વ્યક્તિ આ રીતે પાણી ભરીને કહે છે: હું ‘એક્વા’ લાવી છું.’ શ્રીરામકૃષ્ણ આ પરથી કહે છે: ‘જેમ પાણીને જુદાં જુદાં નામે ઓળખવામાં આવે છે અને જુદા જુદા માર્ગેથી જુદી જુદી રીતે મેળવવામાં આવે છે તેવી જ રીતે અંતિમ સત્ય ઈશ્વર એક જ છે પણ એમનાં નામ અને પથ અલગ અલગ છે.’ એટલા માટે ધર્મ ધર્મ વચ્ચે સહિષ્ણુતાની ભાવના તો હોવી જોઈએ, પરંતુ આ પણ  એટલું મહત્ત્વનું અને સાચું છે કે બધા ધર્મોનો સ્વીકાર; ધિક્કાર કે દ્વેષ નહિ. આવી રીતે શ્રીરામકૃષ્ણે આપણાં હિંદુ શાસ્ત્રોના વિધાન ‘एकं सत् विप्रा बहुधा वदन्ति – સત્ય તો એક છે પરંતુ વિદ્વાનો એમને જુદા જુદા નામે ઓળખે છે.’ એ સત્યને પ્રમાણભૂત કરી બતાવ્યું છે.

છેલ્લા મોગલ સમ્રાટ અને સૂફી કવિ બહાદુરશાહ ઝફરે સર્વધર્મસમભાવના વિચારની વાત પોતાના આ કાવ્યમાં બહુ સુંદર રીતે વર્ણવી છે:

‘તુઝસે હમને દીલ કો લગાયા,
જો કુછ હૈ સો તૂંહી હૈ;
એક તુઝકો અપના પાયા, જો કુછ ….
કાબા મેં ક્યા દેવળ મેં ક્યા
તેરી પરસ્તિસ હોગી સબ જા,
સભીને તુજ કો સર હૈ ઝૂકાયા, જો કુછ…

બીજા વિશ્વયુદ્ધ પછી જોયેલા મહાસંહાર પછી આજના યુગના શ્રેષ્ઠ ઇતિહાસકારોમાંના એક ડો. આર્નોલ્ડ જે. ટોયન્બી અત્યંત હતાશ થઈ ગયા અને તેમને માનવસંસ્કૃતિની બચવાની આશા છોડી દીધી હતી. પરંતુ શ્રીરામકૃષ્ણના જીવનસંદેશ વિશે જાણ્યા પછી તેઓ માનવજાતિ અને સંસ્કૃતિના બચાવ માટે આશાવાદી બન્યા. તેમણે કહ્યું: ‘માનવ ઇતિહાસની આ સૌથી વધુ ભયંકર અને ભીષણપળે માનવજાતને બચાવવાનો માર્ગ છે, ભારતની ઉદાર અને ઉદાત્ત આધ્યાત્મિકતા.’ સમ્રાટ અશોક અને મહાત્મા ગાંધીએ પ્રબોધેલ પ્રેમ અને અહિંસા, શ્રીરામકૃષ્ણે ઉપદેશેલ અને  પોતાના જીવનમાં જીવી બતાવેલ સર્વધર્મ સમન્વયની ભાવના, આપણી સમક્ષ રહેલા આ બે વલણ અને ભાવના માનવજાતને ‘વસુધૈવ કુટુંબકમ્‌’ના ભાવદોરે ગૂંથી શકે તેમ છે. આ અણુયુગમાં આપણી જાતને આપણી જાતના વિનાશમાંથી બચાવવાનો એક માત્ર વિકલ્પ છે.

આમ, જડતા-ઝનૂન અને સંકુચિતતાથી દૂર રહીને ધર્મ વિશ્વશાંતિ માટેનું એક મહાન પ્રેરક બળ બની શકે તેમ છે. આ સંદર્ભમાં ૧૮૯૩ની શિકાગો ધર્મપરિષદમાં સ્વામીજીએ કહેલા વિચારો આજે પણ પ્રાસંગિક છે. તેમણે કહ્યું હતું :

‘વિશ્વધર્મ પરિષદે જગતને જો કાંઈ આપ્યું હોય તો તે આ છે : પવિત્રતા, શુદ્ધિ અને દયા એ જગતના કોઈ એકાદ ધર્મનો સુવાંગ ઈજારો નથી. દરેક ધર્મે ખૂબ જ ઉચ્ચ ચારિત્ર્યવાળાં સ્ત્રી અને પુરુષો આપ્યાં છે. આ બધો પુરાવો હોવા છતાં પણ જો કોઈ પોતાનો જ ધર્મ સુવાંગ જીવે અને અન્ય ધર્મ નાશ પામે એવું સ્વપ્ન સેવતો હોય, તો મારા હૃદયના ઊંડાણમાંથી એવા પર મને દયા આવે છે. હું એવાને કહું છું કે, ગમે એટલો સામનો કરવામાં આવે છતાં પણ દરેક ધર્મના ધ્વજ પર સત્વરે આ પ્રમાણે લખાશે: ‘સહાય; પરસ્પર વેર નહિ.’ ‘સમન્વય; વિનાશ નહિ.’ ‘સંવાદિતા અને શાંતિ; કલહ નહિ.’

સ્વામી વિવેકાનંદે વૈશ્વિકધર્મનું જે આદર્શ સ્વપ્ન સેવ્યું હતું તે વિશે વાત કરતાં તેમણે કહ્યું: 

‘પણ જો કોઈ વિશ્વધર્મ સ્થાપવાનો હોય તો તે સમય અને સ્થળથી અલિપ્ત રહેવો જોઈએ. આ વિશ્વધર્મ જે પરમાત્મા વિશે બોધ આપે છે, તે પરમાત્માની જેમ અનંત રહેવો જોઈએ. આ વિશ્વધર્મનો સૂર્ય શ્રીકૃષ્ણના તેમ જ ઈસુના અનુયાયીઓ ઉપર, સંત તેમજ પાપી બંને ઉપર એક સરખી રીતે પ્રકાશશે. આ વિશ્વધર્મ, વૈદિક-બ્રાહ્મણ ધર્મ નહિ હોય, એ બૌદ્ધધર્મ નહિ હોય, એ ખ્રિસ્તીધર્મ નહિ હોય, એ ઈસ્લામ પણ નહિ હોય; એ સર્વનો સરવાળો હશે. અને તેમ છતાં, વિકાસ માટે અનંત અવકાશવાળો હશે. આ વિશ્વધર્મ વિશાળહૃદયી હશે અને એના અનંત બાહુઓમાં દરેક માનવને સ્થાન મળશે. એમાં પશુથી બહુ ઊંચા નહિ એવા નીચામાં નીચી કક્ષાના જંગલીઓને પણ સ્થાન મળશે અને સમગ્ર માનવજાત વચ્ચે પોતાની બુદ્ધિ અને હૃદયના ગુણો વડે સર્વોચ્ચ સ્થાન મેળવતા, સમાજને આંજી નાખતા અને એના માનવપણા વિશે જ શંકા ઊભી કરતા, ઉચ્ચ કક્ષાના માનવીને પણ સ્થાન નહિ હોય. આ વિશ્વધર્મ દરેક માનવ પુરુષ અને સ્ત્રીમાં રહેલી દિવ્યતાનો સ્વીકાર કરશે.’ 

સ્વામી વિવેકાનંદની ઉપર્યુક્ત સલાહને આપણે જેટલી વધુ વહેલી માનતા થઈએ અને એમના વૈશ્વિકધર્મના સ્વપ્નને જેમ બને તેમ વહેલી તકે સાકાર કરીએ એ માનવજાત માટે સૌથી વધુ કલ્યાણકારી બાબત છે. આપણે સૌ એવી આશા સેવીએ કે નજીકના જ ભવિષ્યમાં આવી કલ્યાણકારી ભાવના અને સર્વધર્મના સ્વીકારની લાગણી સમગ્ર વિશ્વમાં પ્રસરી જાય અને ધર્મ સંઘર્ષનું પ્રેરક કારણ બનવાને બદલે વિશ્વશાંતિ લાવવા માટેનું એક મહાન પ્રેરક બળ બની રહે.

(૨૧-૨-૦૨ના રોજ પ્રસાર ભારતી, રાજકોટ પરથી આપેલો વાર્તાલાપ)

Total Views: 95

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.