અજમેર પાસેનું પુષ્કર, રાજસ્થાનનું પ્રાચીન તીર્થધામ છે, તેને તીર્થ-ગુરુ કહેવામાં આવે છે. તેનો ઉલ્લેખ મહાભારત તથા અન્ય શાસ્ત્રોમાં આવે છે, જ્યાં તેનો પવિત્ર તીર્થ તરીકે ઉલ્લેખ છે.
પ્રાચીન કથા એવી છે કે બ્રહ્માજીએ સૃષ્ટિનું સર્જન કરવા પવિત્ર કરાયેલું કમલ-પુષ્પ પોતાના પવિત્ર હાથ (કર) વડે સરોવરમાં ફેંક્યું. તેથી આ તીર્થ પુષ્પકર એટલે પુષ્કરના નામથી ઓળખાયું. પછીથી ત્યાં તેમને સમર્પિત એક વિશાળ મંદિર, જેને બ્રહ્માજીનું મંદિર કહે છે, તે સરોવર નજીક બાંધવામાં આવ્યું. મંદિરમાં બ્રહ્માજીની પ્રતિમા તથા માતા ગાયત્રીની પ્રતિમાની આદિ શંકરાચાર્યે પોતે સ્થાપના કરેલ છે.
આ મંદિરની પાછળ થોડે દૂર, એક ટેકરી પર બીજું એક મંદિર છે. તે સાવિત્રીદેવીને સમર્પિત હોવાથી સાવિત્રી મંદિર તરીકે પ્રસિદ્ધ છે. પુરાણો પ્રમાણે સાવિત્રી એ બ્રહ્માજીનાં પત્ની છે. સૃષ્ટિના પ્રારંભે બંને સાથે મળીને પુષ્કરમાં એક યજ્ઞ કરવાનાં હતાં. પરંતુ સાવિત્રી ત્યાં સમયસર પહોંચી શક્યાં નહિ. યજ્ઞ માટેનું પવિત્ર મુહૂર્ત વીતી જવામાં હતું. તેથી બ્રહ્માજીએ, પાસે ઊભેલી ગોપબાલિકા ગાયત્રીને બોલાવીને પવિત્ર વિધિ બંનેને હાથે સંપન્ન કર્યો. થોડા સમય પછી સાવિત્રી ત્યાં આવતાં તેણે જોયું કે પોતાનું સ્થાન તો ગાયત્રીએ લઈ લીધું છે, તે થોડા ગુસ્સાથી અને વધુ પશ્ચાતાપથી તપસ્યા કરવા નજીકના રત્નાગિરિ પર્વત પર જઈ રહ્યાં. તે પર્વત સાવિત્રી પર્વત તરીકે જાણીતો થયો. પછીથી ત્યાં એક મંદિર બાંધવામાં આવ્યું, અને તે સાવિત્રી-મંદિર તરીકે પ્રસિદ્ધ થયું. દેવી ભાગવત પુરાણમાં આ ક્ષેત્રને ભારતની ૫૧માંની એ શક્તિપીઠ ગણવામાં આવે છે. કેમ કે મા ભગવતીનો પહોંચો (ઘરેણું) ત્યાં પડી ગયો. બ્રહ્માજી અને સાવિત્રીદેવીનાં બંને મંદિરોમાં કાર્તિક પૂર્ણિમાના દિવસે હજારો ભાવિકો યાત્રાએ આવે છે. પુષ્કર સરોવરમાં પવિત્ર સ્નાન અને આ બે મંદિરોમાં દર્શનને શુભ ગણવામાં આવે છે.
શ્રીરામકૃષ્ણની મહાસમાધિ પછી શ્રી શ્રીમા શારદાદેવીએ સ્વામી યોગાનંદ, ગોપાલ મા, યોગિન મા અને લક્ષ્મીદીદી સાથે ૧૮૯૭માં પુષ્કર તીર્થની યાત્રા કરી હતી. (અત્રે એ ઉલ્લેખનીય છે કે શ્રીરામકૃષ્ણદેવે શ્રી શ્રીમા શારદાદેવીને સરસ્વતીનો અવતાર કહ્યા છે. તેઓ આપણને જ્ઞાન અને સાક્ષાત્કાર આપવા પૃથ્વી પર આવ્યાં હતાં.) શ્રી શ્રીમા શારદાદેવી સાવિત્રી પર્વત ઉપર ગયાં અને મંદિરની અંદર પ્રવેશ્યાં કે તેમને સમાધિ લાગી ગઈ. આમ, તેમણે આ જગ્યાની પુરાણી પવિત્રતા પ્રમાણિત કરી.
૧૯૭૩માં ગવર્મેન્ટ કોલેજ અજમેરના પ્રાધ્યાપક ઓમપ્રકાશ શર્માએ મંદિર માલિક અને પુજારી શ્રીબેની ગોપાલ શર્માની સંમતિથી શ્રી શ્રીમાની છબિ સાવિત્રી મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત કરી. ત્યારથી ત્યાં મા સાવિત્રી અને મા સરસ્વતીની મૂર્તિઓ સાથે સાથે જ શ્રી શ્રીમાની છબિની પણ પૂજા થવા લાગી.
આ વરસે ૨૦૦૨માં શ્રી શ્રીમાની છબિની જગ્યાએ જ શ્રી શ્રીમાની આરસની પ્રતિમા સ્થાપિત કરવાનું શ્રીરામકૃષ્ણ મિશન, જયપુરે નક્કી કર્યું. તેથી વસંતપંચમીના પવિત્ર દિવસે (તા.૧૭ ફેબ્રુઆરી, ૨૦૦૨ના રોજ) ૨ X ૧.૫ ફૂટની સફેદ આરસની પ્રતિમાની ત્યાં ષોડશોપચાર પૂજા અને હવન કરી પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી. ત્યારબાદ જયપુર, અજમેર, કિશનગઢ, દિલ્હી, રાજસ્થાનના તેમજ અન્ય સ્થાનોથી આવેલા ભક્તોએ પ્રસાદ ગ્રહણ કર્યો. તે ઉપરાંત દરિદ્રનારાયણની સેવા રૂપે પુષ્કરમાં ૫૦૦ ગરીબ લોકોને ભોજન કરાવવામાં આવ્યું. આ પ્રસંગે રામકૃષ્ણ મિશનના કેન્દ્રો – દિલ્હી, વૃંદાવન અને ખેતડીના સ્વામીઓએ પ્રતિમા સ્થાપનના કાર્યમાં ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. તે જ રીતે મંદિરના મહંત શ્રી બેની ગોપાલ શર્માએ આ દિવ્યકાર્યમાં પોતાનો પૂર્ણ સહકાર આપ્યો હતો. હવે શ્રી શ્રીમા શારદાદેવી નવી પ્રતિમામાં દેવી સાવિત્રી અને દેવી સરસ્વતી સાથે આ પ્રાચીન મંદિરમાં બિરાજે છે.
Your Content Goes Here