શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ : પ્લેટિનમ જ્યુબિલી મહોત્સવ

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની સ્થાપના ૧૯૨૭માં થઈ હતી. ૨૦૦૨ના વર્ષની પ્લેટિનમ જ્યુબિલીના વર્ષ તરીકે ઉજવણી થઈ રહી છે. એના બીજા તબક્કાના કાર્યક્રમમાં તા. ૧લી મેના રોજ સાંજના ૬.૦૦ વાગ્યે સાંપ્રત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સર્વધર્મનાં ઉદાત્તતત્ત્વોનો એક વિશેષ સંભાષણસભા યોજાઈ હતી. આ સભામાં સ્વામી સર્વસ્થાનંદજીએ હિંદુધર્મ વિશે પોતાનું વક્તવ્ય આપ્યું હતું. હિંદુધર્મની સર્વસ્વીકારની ભાવના અને સહિષ્ણુતાની ભાવના જેવાં ઉદાત્તતત્ત્વોની સુપેરે ચર્ચા કરી હતી. શ્રી વસંતભાઈ ખોખાણીએ જૈનધર્મની અહિંસા, અસ્તેય અને સર્વપ્રેમ, સર્વપ્રત્યે અનન્ય દયાભાવની વિગતે વાત કરી હતી. આ તત્ત્વો આજે પણ પ્રાસંગિક છે. શ્રી એ.કે. લાલાણીએ ઇસ્લામ ધર્મમાં પણ હિંસા, તિરસ્કાર કે ઝનૂનવાદને સ્થાન નથી એમ એમણે ભારપૂર્વક જણાવ્યું હતું. ઇસ્લામ તો શીખવે છે ભ્રાતૃભાવના અને સર્વને સહાયરૂપ નીવડવાની ઉદાત્ત ભાવના. ફાધર ગ્રેગરી કેરોટેમ્પ્રેલે (બિશપ) ખ્રિસ્તીધર્મનાં ઉદાર અને ઉદાત્તતત્ત્વોની ચર્ચા કરી હતી. યોગી ડીવાઈનના સ્વામી ત્યાગવલ્લભદાસજીએ શિક્ષાપત્રી અને સહજાનંદ સ્વામીના ઉપદેશને ધ્યાનમાં રાખીને સૌ સાથે સમભાવ, સહકાર, પ્રેમ અને સંપથી રહેવાની ભાવના કેળવવાની આજના સમયે સૌથી વધારે જરૂર છે એમ જણાવ્યું હતું. સ્વામી જિતાત્માનંદજીએ માનવજાત માટે વૈશ્વિકધર્મની સાચી સ્થાપના કરવા સર્વધર્મનો સ્વીકાર કરવાની શ્રીરામકૃષ્ણદેવે આપેલા અને સ્વામી વિવેકાનંદે પ્રસરાવેલા ‘જતો મત તતો પથ – જેટલા મત તેટલા પથ’ એ ધર્મતત્ત્વને આપણે સૌએ સમજવું જ પડશે. એટલું જ નહિ પણ રામકૃષ્ણ મઠ અને મિશનમાં જેમ વિશ્વના બધા ધર્મોના પયગંબરોના ઉત્સવો ઉજવાય છે તે જ ભાવથી ચર્ચમાં, મસ્જિદમાં અને અન્ય ધર્મસ્થાનોમાં વિશ્વના પયગંબરોના જન્મોત્સવો ઉજવવાનું કાર્ય આપણે જેટલું વહેલું શરૂ કરીશું એટલું સર્વધર્મસમભાવની ભાવનાને વિશ્વમાં ફેલાવવાનું કાર્ય સરળ અને વહેલું કરી શકીશું. આ સિવાય છૂટકો જ નહિ. ધર્મઝનૂનને કારણે આજે વિશ્વ છિન્ન ભિન્ન છે, માનવ ઉદ્વિગ્ન-અશાંત છે. જો વિશ્વને જોડવું હોય તો શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદે પ્રબોધેલા સર્વધર્મ-સમભાવને, વ્યવહારુ વેદાંતને આપણા આચરણમાં ઉતારવા પડશે જ. તો જ માનવ મનથી એક થશે અને એની ઉદ્વિગ્નતા-અશાંતિ અને પીડા વગેરે દૂર થશે અને માનવ માનવ વચ્ચે પ્રેમ, સદ્‌ભાવ, સહિષ્ણુતા અને સર્વસ્વીકારની ઉદાત્ત ભાવના જાગ્રત થશે. આ જ કાર્ય આજના ધર્મોએ, સંપ્રદાયોએ કરવાનું છે.

૨જી મેના રોજ ૫૦૦થી પણ વધુ સંખ્યાના યુવા ભાઈબહેનો માટેની યુવશિબિરમાં સ્વામી જાનકિશનાનંદજીએ મધ્યપ્રદેશના અબુઝમાડ પર્વત પ્રદેશોમાં આદિવાસી લોકોના સાર્વત્રિક કલ્યાણ માટે ચાલતા રામકૃષ્ણ મિશન, નારાયણપુર કેન્દ્રનો ઈતિહાસ આપતાં કહ્યું હતું કે, કોઈ પણ મહાન કાર્ય સામે પ્રતિરોધો તો આવવાના, એ કાર્યને હાથમાં લેતા પહેલાં ભયસંદેહ પણ ઊભા થશે. પણ જો તમારી પાસે ઉચ્ચ આદર્શો હશે, ઉચ્ચ વિચારો હશે તો આ પ્રતિરોધોનો સામનો કરતાં કરતાં તમે વિકાસ સાધી શકો છો. આ માટે તમારું જીવનકાર્ય એક તપ બની જવું જોઈએ. રામકૃષ્ણ મઠ, અલ્લાહાબાદના અધ્યક્ષ સ્વામી નિખિલાત્માનંદજીએ મહાવીર હનુમાનજીના જીવન પ્રસંગો સાથે મહાકાર્ય સિદ્ધિ માટે મહાવીર હનુમાનજીને આદર્શ રૂપે નજર સામે રાખવાની વાત કરી હતી. સમુદ્રપાર કરવા જેવા કોઈ પણ મહાકાર્યની સિદ્ધિ મેળવતી વખતે લોભ, નામયશપ્રાપ્તિ, ઈર્ષ્યા અને રાગ જેવાં વિઘ્નો આવશે જ. પણ વીરહનુમાન જેવો દૃઢ આત્મવિશ્વાસ, શ્રેષ્ઠ બુદ્ધિપ્રતિભા અને પૂર્ણહૃદયની કાર્યનિષ્ઠા રાખીશું તો આપણું જીવન ધન્ય બની જશે. રામકૃષ્ણ મિશન, ઇન્દોરના સેક્રેટરી સ્વામી વિષ્ણુપદાનંદજીએ ‘મહામાનવ બનવા માટે મહાન અને પ્રેરણાદાયી વિચારો પ્રત્યેનો આપણો અભિગમ’ એ વિશે યોજેલ પ્રોજેક્ટર શો દ્વારા યુવાનોને પોતાના વ્યક્તિત્વ ઘડતર અને ચારિત્ર્યઘડતર માટેના ઉદાત્તતત્ત્વોની વાત કરી હતી. આ ઉપરાંત સ્વામી જિતાત્માનંદજી, રામકૃષ્ણ મિશન-આશ્રમ, કાનપુરના સેક્રેટરી સ્વામી કેદારાનંદજી, રામકૃષ્ણ મિશન, પોરબંદરના સેક્રેટરી સ્વામી નિખિલેશ્વરાનંદજીએ પોતાનાં પ્રેરક પ્રવચનો આપ્યાં હતાં. બઁગલોરના સ્વામી સ્વાત્મારામાનંદજીનાં ભજનો અને સ્વામી જિતાત્માનંદજીના સંગીત સાથે વૈદિક મંત્રોચ્ચારે યુવા ભાઈબહેનોને મુગ્ધ કરી દીધાં હતાં.

૩જી અને ૪થી મેના રોજ શિક્ષણ, મેડિકલ, ઉદ્યોગ, વ્યાપાર, બેંક અને અન્ય વ્યવસાયમાં કામ કરતાં ૪૦૦ જેટલાં ભાઈ-બહેનો માટે ‘આવતીકાલના ભારતનું વૈશ્વિસ્તરે નૈતૃત્વ’ એ વિશે મેનેજમેન્ટ વર્કશોપનું આયોજન થયું હતું. તા.૩ ના રોજ આ શિબિરનું ઉદ્‌ઘાટન કરતાં ગુજરાત રાજ્યના ઉદ્યોગમંત્રીશ્રી સુરેશ મહેતાએ કહ્યું હતું કે, વૈશ્વિક સર્વોપરિતા સ્થાપવા માટે નેતૃત્વ પૂરું પાડવા ભારતને ઉજ્જ્વળ તક સાંપડી છે. આ દેશે અનેક ક્ષેત્રે દુનિયાને રાહ ચિંધ્યો છે. આજે વિશ્વ એક વૈશ્વિક ગામડું બની ગયું છે ત્યારે શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદના શાંતિ અને સર્વધર્મના સંદેશને, સર્વના સ્વીકારના સંદેશને અનુસરવાની સૌથી વધારે આવશ્યકતા છે. સ્વામી જિતાત્માનંદજીએ કહ્યું હતું: આપણા દેશે મેળવેલી વિવિધ સિદ્ધિઓ દ્વારા વૈશ્વિક સર્વોપરિતા સ્થાપી છે. જાણીતા મેનેજમેન્ટ નિષ્ણાત પ્રો. એન.એચ.અથ્રેયે કહ્યું હતું: આજનો વિશ્વાસ એ આવતીકાલની આશા છે. તમામ સ્તરે અને ક્ષેત્રે આપણું નેતૃત્વ સત્ય આધારિત હશે તો એ વિશ્વાસ ઉત્પન્ન કરી શકશે. આ પ્રસંગે ‘વૈશ્વિક સંસ્કૃતિ અને સભ્યતાના આદર્શ નાયક સ્વામી વિવેકાનંદ’ એ વિશે સ્વામી નિખિલેશ્વરાનંદજીએ પોતાનું પ્રવચન આપ્યું હતું. ‘શ્રીરામચંદ્ર અને રાજધર્મ’ વિશે રામકૃષ્ણ મઠ, અલ્લાહાબાદના સ્વામી નિખિલાત્માનંદજીએ અને ‘ઉત્કૃષ્ટ નેતૃત્વના લક્ષણો’ એ વિશે રામકૃષ્ણ મિશન, ઈંદોરના સ્વામી વિષ્ણુપાદાનંદજીએ પોતાનાં મનનીય પ્રવચનો આપ્યાં હતાં. ‘ગીતા અને આવતીકાલનું નેતૃત્વ’ એ વિશે શ્રી જી. નારાયણે (ચેરમેન, એક્સેલ ઈન્ડ., મુંબઈ),  શ્રી સુનિલ સહાયે (એન.આઈ.એસ., દિલ્હી) ‘માનવ સંબંધોમાં મનોવૃત્તિ અને વલણોનો પ્રભાવ’ વિશે પોતાનું મનનીય પ્રવચન આપ્યું હતું. આ ઉપરાંત મેનેજમેન્ટ ક્ષેત્રના નિષ્ણાતોએ પોતપોતાનાં વક્તવ્યો રજૂ કર્યાં હતાં. કાર્યક્રમના અંતે પ્રશ્નોત્તરીનો રસપ્રદ કાર્યક્રમ યોજાયો હતો. વચ્ચે વચ્ચે વૈદિક મંત્રોચ્ચાર અને ભજનસંગીતનો કાર્યક્રમ સૌના મનને આકર્ષી ગયો હતો.

૫મી મેના રોજ નોંધાયેલા ભક્તજનો માટે આધ્યાત્મિક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો પ્રારંભ રામકૃષ્ણ સંઘના સંન્યાસીઓના વૈદિકમંત્રોચ્ચાર અને પ્રાર્થના ભજનથી થયો હતો. શરૂઆતના તબક્કાનો ૬ થી ૭.૩૦નો કાર્યક્રમ શ્રીરામકૃષ્ણ મંદિરમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં ધ્યાન, ભજન, સમૂહગાન, વૈદિકમંત્રોચ્ચાર, રામકૃષ્ણ કથામૃત – શ્રીમા જીવન ચરિત્ર – સ્વામી વિવેકાનંદના જીવનસંદેશમાંથી વાચન વગેરેનો સમાવેશ થયો હતો. સવારમાં શ્રી મંદિરમાં શ્રીઠાકુરને પુષ્પાંજલિ અર્પણનો કાર્યક્રમ પણ આધ્યાત્મિક ભાવનાને પ્રેરે તેવો રહ્યો. ૮.૧૫ થી ૧.૦૦ વાગ્યા સુધીના આ કાર્યક્રમની શરૂઆત ભજન તથા વૈદિક મંત્રોચ્ચારથી થઈ હતી.

આ કાર્યક્રમમાં સ્વામી જિતાત્માનંદજીએ ‘ઉચ્ચતર ઉન્નતિ માટે હૃદયના આનંદ અને શક્તિનું આધ્યાત્મિક જીવન માટે મહત્ત્વ’, સ્વામી બ્રહ્મસ્થાનંદજીએ (અધ્યક્ષ, રામકૃષ્ણ મઠ, નાગપુર) ‘સર્વદુ:ખોમાંથી મુક્તિનો માર્ગ એટલે ભક્તિ’, સ્વામી વિષ્ણુપાદાનંદજીએ ‘આધુનિક માનવ માટે શ્રીરામકૃષ્ણદેવનો સંદેશ’, રામકૃષ્ણ મિશન લીંબડીના સેક્રેટરી સ્વામી આદિભવાનંદજીએ ‘ગૃહસ્થ ભક્તોને શ્રીરામકૃષ્ણનો ઉપદેશ’ એ વિશે પોતપોતાનાં વક્તવ્યો આપ્યાં હતાં. સામુહિક મંત્રોચ્ચાર, દિવ્યભાવ જગાડતું ભજન-સંગીત અને આધ્યાત્મિક માર્ગદર્શન આપતાં વક્તવ્યો સૌ કોઈને માટે મનનીય બની રહ્યાં.

૧ થી ૫ મે  સુધી સાંજના યોજાયેલા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો

૧લી મેના રોજ રાતના ૮.૦૦ વાગ્યે રામચરિત માનસ પર રામકૃષ્ણ મઠ, અલ્લાહાબાદના અધ્યક્ષ સ્વામી નિખિલાત્માનંદજી મહારાજનું ગીત-સંગીત સાથેનું વક્તવ્ય હજારેક ભાવિકોએ માણ્યું હતું.

૨જી મેના રોજ શ્રી નિકુંજવિહારી રાસલીલા મંડળ ટ્રસ્ટ, વૃંદાવનના સાથી મિત્રોએ શ્રીકૃષ્ણલીલાનું અદ્‌ભુત દર્શન કરાવ્યું હતું. સાંજના ૭.૦૦ થી ૯.૪૫ સુધી વ્રજભાષાની મધુરતા, રાધાકૃષ્ણ કે ગોપીકૃષ્ણના ભક્તિભાવભર્યા સંવાદો, શ્રીકૃષ્ણની માખણચોરીનો હૃદયને હરી જતો પ્રસંગ અને શ્રીકૃષ્ણ, એના સાથીઓ તેમજ ગોપીઓ અને શ્રીરાધા વચ્ચે હોળીનો રંગોત્સવ ભક્તજનોએ ગીત-સંગીત અને નૃત્ય સાથે મનભરીને માણ્યો હતો.

૧૩ વર્ષના નાના માસ્ટર રજત પ્રસન્નાનું બાંસુરીવાદન તા.૩ મેના રોજ યોજાયેલ કાર્યક્રમ ભાવિકો માટે કાયમી સંભારણું બની ગયું.

૪થી મેના રોજ ભારતના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસાના વિષયવસ્તુ પર આધારિત નાટ્યસ્પર્ધાનો કાર્યક્રમ પણ એક અનોખું આકર્ષણ બની ગયો. આ કાર્યક્રમમાં એસ.એન.કણસાગરા સ્કૂલ, એમ. વી. ધૂળેશિયા સ્કૂલ, શ્રીરામકૃષ્ણ આશ્રમ વિદ્યાર્થી મંદિર, શ્રીલાલબહાદૂર શાસ્ત્રી ઉચ્ચતર માધ્યમિક શાળા (અંગ્રેજી માધ્યમ) અને સિસ્ટર નિવેદિતા શાળાના વિદ્યાર્થીઓએ સુંદર નાટ્યાભિનયો રજૂ કર્યા હતા.

૫મી મેના રોજ રાતના ૭.૩૦ થી ૧૦.૦૦ વાગ્યા સુધી સૌરાષ્ટ્ર અને ગુજરાતના ગૌરવસમા ભજનિક શ્રી હેમંત ચૌહાણના ભજનોનો કાર્યક્રમ ભાવિકોએ મનભરીને માણ્યો હતો.

રામકૃષ્ણ મિશન, લીંબડી દ્વારા નવનિર્મિત શાળાઓનો ઉદ્‌ઘાટનવિધિ

રામકૃષ્ણ મિશન, લીંબડી દ્વારા ભૂકંપ પુનર્વસવાટ યોજના હેઠળ સાત નવનિર્મિત વિવેકાનંદ વિદ્યામંદિર પ્રાથમિક શાળાઓના ઉદ્‌ઘાટન સમારોહ યોજાયા હતા. તેની વિગતો નીચે મુજબ છે.

ક્રમ ગામનું નામ રૂમની સંખ્યા
ફૂલવાડી
ભોજપરા
રાસકા
પરનાળા
શિયાળી
લીંબડી, શાળા નં.૧ ૧૨
વિવેકાનંદ હૉસ્ટેલ સુરેન્દ્રનગર
Total Views: 109

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.