…માનવી, ઈશ્વર અને પ્રકૃતિ વિશેની આ બધી અદ્‌ભુત, અનંત, ઉદાત્ત, વિશાળતાપૂર્ણ વિચારદૃષ્ટિ તળે રહેલા મહાન નિયમો ભારતમાં જ ઉત્પન્ન થયેલા છે. આ દેશનું ને દુનિયાનું એ મહાન સદ્‌ભાગ્ય હતું કે, એક અવાજ ઊઠ્યો, જેણે જાહેર કર્યું કે ‘एकं सत् विप्रा बहुधा वदन्ति।’ – ‘સત્‌ એક જ છે; ઋષિઓ તેને વિવિધ નામથી બોલાવે છે.’

આટલા બધા વિવિધ સંપ્રદાયો, ઉપલક દૃષ્ટિએ જોતાં કોઈ પણ રીતે પરસ્પર મેળ ન ખાય એટલે અંશે એકબીજાના વિરોધી હોવાં છતાં ખૂબ સુમેળથી રહે, એ કેવળ અહીં જ દૃષ્ટિગોચર થતી ખાસ ધ્યાન ખેંચે તેવી ઘટના છે; અને તેનો ખુલાસો આની અંદર રહેલો છે. તમે દ્વૈતવાદી હોઈ શકો અને હું અદ્વૈતવાદી હોઉં; તમે એમ માનતા હો કે ‘હું ઈશ્વરનો નિત્ય દાસ છું’ – અને હું એમ જાહેર કરું કે ‘હું ઈશ્વર સાથે એક છું -‘सोऽहम्’, છતાં આપણે બન્ને સારા હિંદુઓ હોઈએ. એ કેવી રીતે શક્ય છે? વાંચો ત્યારે  : ‘एकं सत् विप्रा बहुधा वदन्ति ।’ સત્‌ એક છે; ઋષિઓ તેને વિવિધ નામથી બોલાવે છે.’ મારા દેશબંધુઓ! જગતને આપણે જે સૌથી વિશેષ ઉપદેશવાનું છે તે આ મહાન સત્ય છે. બીજા દેશોના વધારેમાં વધારે કેળવાયેલા લોકો પોતાનાં નાકનાં ટેરવાં પિસ્તાળીસ અંશને ખૂણે ઊંચા ચડાવીને આપણા ધર્મને કહેશે, ‘મૂર્તિપૂજા!’ મેં એ જોયું છે; એ લોકો એટલો પણ વિચાર કરવા થોભતા નથી કે એમનાં પોતાનાં માથામાં કેટલા વહેમોના લોચા ખદબદે છે! હજીયે બધે એવું જ છે; આ ભીષણ સાંપ્રદાયિકતા, મનની ક્ષુદ્ર સંકુચિતતા બધે એવી ને એવી છે. જે જે દેશમાં હું ગયો છું  તે દરેક દેશમાંં હજી ભયંકર ધાર્મિક જુલમ ચાલી રહ્યો છે, અને કંઈ પણ નવું શીખવાની વિરુદ્ધમાં એની એ પેલી જરીપુરાણી અડચણો ધરવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ માટે જગતમાં જે કાંઈ સહિષ્ણુતા છે, જે કાંઈ જરાતરા પણ સહાનુભૂતિ છે, તે વ્યાવહારિક રીતે જોતાં અહીં જ છે, કે જ્યાં હિંદુઓ મુસલમાનો માટે મસ્જિદ અને ખ્રિસ્તીઓને માટે ચર્ચ બાંધે છે; બીજે ક્યાંય નથી. તમે બીજા દેશોમાં જાઓ અને મુસલમાનોને અગર બીજા ધર્મના લોકોને કહી તો જુઓ કે અમારા માટે એક મંદિર બાંધી આપો? તમને કેવી મદદ મળશે એની તુરત ખબર પડશે. અરે, મદદ મળવી તો બાજુએ રહી, ઊલટાનું તમારું મંદિર હશે તો તે પણ તોડી નાખશે; અને બનશે તો તમને પણ તોડી નાખશે. એટલા માટે, જગતને જેની વધુમાં વધુ આવશ્યકતા છે, જગતે હજી ભારત પાસેથી જે શીખવાનું છે, તે એક માત્ર મહાન બોધપાઠ કેવળ સહિષ્ણુતાની ભાવનાઓ નહીં, પરંતુ સહાનુભૂતિની ભાવનાનો પણ છે. મહિમ્ન સ્તોત્રમાં કહ્યું છે : 

रुचीनां वैचित्र्याद्रजुकुटिलनानापथजुषां ।
नृणामेको गम्यस्त्वमसि पयसामर्णव इव ॥

‘જેવી રીતે જુદી જુદી નદીઓ જુદા જુદા પર્વતોમાંથી નીકળીને સીધી કે વક્રગતિએ વહેતી વહેતી અંતે સમુદ્રમાં જઈને મળે છે, તેમ હે શંભો! જુદી જુદી મનોવૃત્તિઓથી પ્રેરાઈને મનુષ્ય જે જુદા જુદા માર્ગો ગ્રહણ કરે છે તે બધા સીધા કે વાંકાચૂકા કે જુદા જુદા દેાય, તોપણ અંતે તમારા તરફ જ લઈ જાય છે.’ લોકો ભલે જુદા જુદા માર્ગો ગ્રહણ કરે, પણ તે બધા રસ્તા ઉપર જ છે. કોઈ જરા આડોઅવળો જાય, બીજા સીધા જાય, પરંતુ આખરે તો તે બધા એ એક પરમાત્મા પાસે આવે છે. તમારી શિવભક્તિ ત્યારે જ સંપૂર્ણ થાય કે જ્યારે તમે શિવને માત્ર લિંગમાં જુઓ એટલું જ નહિ, પરંતુ તેને સર્વત્ર જુઓ. હરિને જે સર્વ વસ્તુમાં અને સર્વ મનુષ્યમાં જુએ છે, તે જ હરિભક્ત છે. તે જ ઋષિ છે.

(સ્વા. વિવે. ગ્રં.મા., ભાગ – ૪, પૃ.૮-૧૧)

Total Views: 158

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.